મેરુ – યોગેશ જોષી

‘જઉં કે ના જઉં ?’
તન્વીનું હૈયું ભારે થઈ ગયું.. ભીતર ગોરંભો ઘેરાતો ગયો…. પગ જાણે પાણી પાણી થઈ ગયા.. શરીર અંદરથી સૂકા પાંદડાની જેમ ધ્રૂજવા લાગ્યું…. હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું…. તાળવામાંય જાણે કશાક થડકારા થવા લાગ્યા…..

અત્યાર સુધી તો તન્વી મેરુ જેવી મક્કમ હતી. પપ્પાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલું :
‘હું માનવને ચાહું છું અને લગ્ન કરીશ તો માનવ સાથે જ.’
પપ્પાય મેરુ જેવા જ અડગ હતા. ‘કુટુંબની ઈજ્જત આબરૂનું શું ? ઈન્ટરકાસ્ટ મૅરેજ કોઈ સંજોગોમાં ન ચાલે.’ પપ્પા ન હોય ત્યારે મમ્મી તન્વીના માથે હાથ ફેરવીને કહેતી : ‘તું ધીરજ રાખ બેટા… તારા પપ્પા તું ધારે છે તેવા કઠોર નથી. એ નારિયેળની જેમ બહારથી જ કઠોર છે. તું માનવને ખરેખર ચાહે છે એવું એમને લાગશે એ પછી એ તારું દુ:ખ જોઈ નહિ શકે…. માનવ સાથેના લગ્ન માટે ચોક્કસ હા પાડશે….’

તન્વી પોતાના નિર્ણયને વળગી રહી. પપ્પા મુરતિયા જોતા રહ્યા…. જન્માક્ષર મેળવતા રહ્યા… પણ તન્વી ના જ પાડતી રહી….. એકપણ છોકરો જોવા ય એ તૈયાર ન થઈ. છેવટે પપ્પાએ છોકરાઓ જોવાનું બંધ કર્યું. ‘ભલે રહેતી કુંવારી. નસીબ એનું.’ તન્વીની હતાશા પપ્પાને પીગળાવી ન શકી. મમ્મી ઘરમાંના મંદિરમાંના માતાજીના ફોટને વીનવતી રહી કે તન્વીના પપ્પા માનવ માટે હા પાડે, પણ માતાજીના ફોટા પર મૂકેલું કોઈ ફૂલ મમ્મીના ખોબામાં ન પડ્યું….. પપ્પા પીગળે એ માટે તન્વીએ પૂરતી રાહ જોઈ, પણ છેવટે માનવ સાથે નાસી જઈને લગ્ન કરવા સિવાય તન્વી પાસે બીજો કોઈ જ વિકલ્પ બાકી ન હતો. મમ્મીની મૂંગી સંમતિ હતી. આથી મમ્મીએ પપ્પાને ખબર ન પડે તેમ માનવ-તન્વીના જન્માક્ષર જ્યોતિષીને બતાવેલા. જ્યોતિષીએ કહેલું, જન્માક્ષર જરીકે મળતા નથી. જો લગ્ન થશે તો તમારી દીકરી ક્યાંક વિધવા…… એ પછી મમ્મી માનવ સાથે લગ્ન નહિ કરવા તન્વીને સતત સમજાવ્યા કરતી. તન્વી માની જાય એ માટે બાધા-આખડીય કરતી, પણ તન્વી પર કોઈ અસર ન થઈ.

તન્વીએ ભાગી જઈને માનવ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. મુહૂર્ત જોવડાવ્યું. ‘શુભ’ ચોઘડિયું પણ જોયું. તન્વી તથા માનવે ભાગી જવાની યોજના ઘડી. તન્વીના પપ્પા બિઝનેસ ટૂરમાં આઉટ ઑફ સ્ટેટ હોય એ સમયનો ઉપયોગ કરી લેવો. મમ્મી સાંજની આરતી પતાવે એ પછી માતાજીના ફોટા નીચે દેખાય તેમ ચિઠ્ઠી મૂકવી… બીજા દિવસે સવારે મમ્મી પૂજા કરવા જાય ત્યારે ચિઠ્ઠી જુએ… અથવા તો મોડી રાત થવા છતાં દીકરી પાછી ન ફરે ને મમ્મી માતાજી પાસે પ્રાર્થના કરવા આવે કે ચિઠ્ઠી જુએ. કોલેજલાઈફ દરમિયાન રજાના દિવસોએ જે બસ-સ્ટેન્ડે હંમેશાં મળતાં ત્યાં મળવું. પછી રિક્ષા. પછી રેલવે સ્ટેશન. પછી મમ્મીને કે કોઈને શંકા ન પડે તેવું સ્થળ ને પછી કોર્ટમાં લગ્ન નોંધાવી દેવાં ને પછી મમ્મીને ફોન કરી આશીર્વાદ મેળવવા…..

પ્લાન મુજબનો દિવસ આવ્યો. એ અગાઉ જ તન્વી મમ્મીને ગંધ ન આવે તેમ એકેક-બબ્બે કરીને પોતાનાં કપડાં તથા વસ્તુઓ એની બહેનપણીને ત્યાં મૂકી આવેલી. એક મોટો ખાલી થેલો તો સૌથી પહેલાં બહેનપણીને ત્યાં પહોંચાડી દીધેલો. મમ્મીને કહેલું ધરાને ટૂરમાં જવાનું છે એટલે આ થેલો એને આપું છું. પોતાની સોનાની કોઈ જ ચીજ સાથે નહિ લેવી. કાનમાં પહેરેલી સોનાની કડીઓ પણ ધરાના ઘરે પહોંચ્યા પછી કાઢી નાખવી. પછીથી ધરા એ કડીઓ મમ્મીને પહોંચાડશે…. થોડો સમય ગયા પછી બધું ઠરીઠામ થઈ જશે અને પપ્પા માનવ સાથેનાં લગ્ન સ્વીકારશે…..

પ્લાન મુજબના દિવસની સાંજ પડી. તન્વીની વ્યાકુળતા વધતી ગઈ. ઘડિયાળ બંધ નહોતી પડી, પાવર પણ નવા જ હતા… છતાં ઘડિયાળના કાંટા જાણે આગળ ખસતા જ નહોતા. સમય જાણે થંભી ગયેલો. બારીમાંથી ઘરમાં આવીને લંબાઈને પડેલો તડકોય જાણે ઊંઘી ગયેલો. આગળ ખસવાનું નામ નહોતો લેતો. તન્વીના શ્વાસ અધ્ધર હતા, જીવ પવનમાં ફરફરતી જ્યોત જેવો થઈ ગયેલો. બે ધબકારા વચ્ચેનું અંતર જાણે વધતું જતું હતું….. છેવટે આરતીનો સમય થયો. તન્વી પણ આરતી ગાતી મમ્મી પાસે બેઠી. આરતી પૂરી થયા પછી મમ્મીએ માતાજીને ચડાવેલું ફૂલ તન્વીની આંખ-કપાળે અડકાડ્યું. તન્વીને લાગ્યું, આ ક્ષણ જાણે કન્યાવિદાયની ક્ષણ હતી. આ ક્ષણે જાણે મમ્મીના તથા માતાજીના આશીર્વાદ મળી ગયા… થતું, હમણાં આંસુઓ દડ દડ દડી પડશે… માંડ આંસુઓ રોક્યાં…..

રસોડામાંથી મમ્મીનો અવાજ આવ્યો : ‘ચલો તન્વી બેટા… જમી લઈશું ?’ મુઠ્ઠીમાં સાચવી રાખેલી ચિઠ્ઠી તન્વીએ ઝટ માતાજીના ફોટા નીચે મૂકી પછી કહ્યું :
‘મને ભૂખ નથી મમ્મી….. પેટમાં ગરબડ છે.. તું જમી લે…. હું મારી બહેનપણીના ઘેર જાઉં છું….’
‘કેટલા વાગે આવીશ એ કહેતી જા…’ રસોડામાંથી અવાજ આવ્યો.
‘દસ.. સાડા દસે, મમ્મી…’
‘બહુ મોડું ન કરતી બેટા….’ વળી રસોડામાંથી મમ્મીનો સહેજ ઊંચો, ચિંતાભર્યો અવાજ આવ્યો.
‘સા…રું !’ કહેતીક તન્વી ચાલી. સડસડાટ પગથિયાં ઊતરી તો ગઈ, પણ આંગણ છોડતા થયું… ‘જઉં કે ના જઉં ?’

આ તે કેવી કન્યાવિદાય ? ન મમ્મીને બાઝીને રડવાનું, ન મુરબ્બીઓના આશીર્વાદ લેવાના, ન તો શણગારેલી કારનાં પૈંડા પાસે શ્રીફળ મૂકવાનું, ન તો ગોરમહારાજના મંત્રોચ્ચાર…. ન મેંદી, ન શણગાર… ન પાનેતર…. તન્વીના હૃદયમાંથી જાણે કોઈ ગાંડુતૂર પૂર ઊમટયું. પાછી ઉપર જાઉં…. મમ્મીને બાઝી ધ્રુસકે ધ્રુસકે રડી લઉં…. મમ્મીનો હાથ પકડીને મારા માથે મૂકું ને પછી નીકળું… પણ તન્વીએ આવું ગાંડપણ કર્યું નહીં. આવું આવું થતાં આંસુઓ આડે બંધ બાંધી દીધો. પાણી પાણી થઈ જતા પગ પરાણે ઝડપભેર ઉપાડ્યા….. ઘર તરફ છેલ્લી નજર કરી લેવાનું મન થયું… પણ પછી થયું, ઘર તરફ નજર કરતાં જ ક્યાંક ચરણ થંભી જશે તો ? ઘર તરફ જોયા વિના જ વધારે ઝડપથી પગ ઉપાડ્યા. નાકેથી જ રિક્ષા મળી ગઈ. રિક્ષાની પાછલી બારીમાંથી ઘર ભણી નજર નાખવાનું મન થયું… કદાચ બાલ્કનીમાં ઊભેલી મમ્મી નજરે પડે…. પણ પાછળ જોવાને બદલે તન્વીએ જોરથી આંખો મીંચી દીધી…. રિક્ષા કેરોસીનનો તીવ્ર ગંધવાળો ધુમાડો પાછળ છોડતી રહી….

તન્વી ધરાના ઘેર પહોંચી. આગલી સાંજે જ ધરાના ઘરે તન્વીએ પોતાનો થેલો ભરીને તૈયાર રાખેલો. ધરાને જોતાં જ તન્વી ધરાને બાઝીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મમ્મીનું નામ લખેલાં આંસુઓ તન્વીની આંખોમાંથી વહેવા લાગ્યાં…. તન્વી ધરાની મમ્મીને પગે લાગી. એમણે તન્વીને આશીર્વાદ આપ્યા : ‘સુખી થજે…’
‘હું આવું તારી સાથે ?’ ધરાએ પૂછ્યું.
‘ના,’ મક્કમ અવાજે તન્વી બોલી, ‘મોડી રાત સુધી હું ઘેર નહીં પહોંચું એટલે મમ્મીનો અહીં ફોન આવશે. કહી દેજે, તન્વી અહીં નથી આવી….’ થેલો ઊંચકીને તન્વી ચાલી. પગથિયાં ઓળંગ્યા. પછી અટકી, પાછી ફરી. થેલો નીચે મૂક્યો. ધરા અને એની મમ્મી પ્રશ્નસૂચક નજરે તન્વી સામે તાકી રહ્યાં. તન્વીએ કાનમાંથી સોનાની કડીઓ કાઢીને ધરાના હાથમાં મૂકતાં કહ્યું : ‘લે, બે-ચાર દિવસ પછી મમ્મીને પહોંચાડજે.’ પછી ગળગળા સાદે ઉમેર્યું : ‘કન્યાવિદાયની ક્ષણે બધાએ કેવા શણગાર સજ્યા હોય…. જ્યારે મારે તો આ કડીઓ પણ ઉતારવાની….’ ને તન્વી પાછળ જોયા વિના જ પગથિયાં ઊતરીને સડસડાટ ચાલી ગઈ…. ધરા તથા એની મમ્મીને લાગ્યું, પોતાના હૈયામાંથી જાણે કંઈક ઓછું થઈ ગયું.

તન્વી નક્કી કરેલા બસ-સ્ટૅન્ડ પાસે આવી, ભીડની પાછળ ઊભી રહી…. બસ-સ્ટેન્ડ તન્વીને ‘ઘર’ જેવું વહાલું લાગ્યું…. તન્વી-માનવ હંમેશા આ બસ-સ્ટેન્ડે મળતાં. પછી માનવના સ્કૂટર પાછળ તન્વી બેસતી. સ્કૂટર દોડવા લાગતું. તન્વી ઊડવા લાગતી. આકાશમાં એને અનેક કેડીઓ દેખાતી… ક્યારેક છૂટીછવાઈ વાદળીઓમાંય એને અનેક ચમકીલાં શિખર દેખાતાં. શરૂ શરૂમાં એ બંને કોઈ કૉફી હાઉસમાં જતાં. પછી રેસ્ટોરામાં… પછી થિયેટરોમાં, ખોબોએક એકાન્ત ક્યાં મળે એની શોધ ચાલતી… એ બધાં જૂના સ્મરણો મમળાવતી તન્વી ઊભી રહી. બસ-સ્ટેન્ડ, માનવની રાહ જોતી…. ઊંચે આકાશમાં અંધારું ઘટ્ટ થતું ગયું…. ને રસ્તા પરની નિયોન લાઈટ્સ વધારે તેજસ્વી… લાલ બસો આવતી, થોડી ક્ષણ ઊભતી… ને ઉપડી જતી… બસ-સ્ટેન્ડ પર ઊભેલા લોકો બદલાતા જતા….

બસ-સ્ટેન્ડ પરની ભીડ હવે ખાસ્સી ઓછી થઈ ગઈ. તન્વીને થયું, બધાયને પોતપોતાની બસ મળી ગઈ. હજી માનવ કેમ ન આવ્યો ? હવે ટ્રાફિક સિગ્નલ ‘ગ્રીન’ થાય કે વાહનનું ઝુંડ ધસી આવશે એમાં એકાદ રિક્ષામાં માનવ દેખાશે…. પણ થોડી ક્ષણોમાં જ સિગ્નલ ‘રેડ’ થઈ જતું. ધસી આવતાં વાહનોનો પ્રવાહ અટકી જતો…. એક ઊંચા થાંભલા પરના નાના બોક્સમાં ડિજિટલ કાઉન્ડડાઉન દેખાતું…. સેકન્ડે સેકન્ડે એ આંકડો ઘટતો જતો… પ, 5, 3, 2, 1, 0…. અનેક વાર આમ કાઉન્ટ ડાઉન ઝીરો સુધી પહોંચ્યું, પણ માનવ આવ્યો નહીં…. આટલું મોડું તો ન થાય….

શું થયું હશે ? લાવ, માનવને ફોન કરી જોઉં ? પાછળના ટેલિફોન બૂથમાંથી તન્વીએ ફોન જોડ્યો… રિંગ બેક ટોન સંભળાતો હતો… કેમ કોઈ ઉપાડતું નથી ? માનવ ન હોય, પણ બીજું કોક તો ઘરમાં હોય ને ? રિસીવર મૂકી દીધું. વળી તન્વી ટ્રાફિકનો પ્રવાહ જોતી રહે… થતું, હવે પછીની રિક્ષામાં તો માનવ દેખાશે…. હવે આ રિક્ષામાં તો માનવ હશે જ હશે…. ટ્રાફિકનો પ્રવાહ ક્ષીણ થઈને અટકી જતો…. વારે વારે તન્વી ઘડિયાળ તરફ જોતી. પાંચેક મિનિટમાં જો માનવ ન આવે તો નક્કી કરેલી ટ્રેન પણ ચૂકી જવાશે…. ના, ના, હવે આ રિક્ષામાં તો માનવ હોવો જ જોઈએ…. ટ્રેન ચૂકી જવી એ માનવના સ્વભાવમાં નથી… ઓચિંતુ તન્વીને યાદ આવ્યું. છેલ્લે આ જ બસ-સ્ટેન્ડે મળેલાં ત્યારે માનવે મૂછમાં મલકાતાં મલકાતાં કહેલું – ‘ફૉરેનથી લગ્ન માટે અહીં આવેલી એક છોકરીનું માગું આવ્યું છે….’
પોતે મજાક કરતાં કહેલું – ‘તો પરણી જા એની સાથે… ને પછી ઊડી જા….’ કેમ હજીયે આવ્યો નહીં માનવ ? ક્યાં ઊડી ગયો ? વળી તન્વીએ ઘડિયાળમાં જોયું.

હવે તો નક્કી કરેલી ટ્રેન પણ ગઈ. અહીં આ બસ-સ્ટેન્ડ પરની ભીડ પણ ખાલી થઈ ગઈ. મમ્મી હવે ચિંતા કરવા લાગી હશે…. મારા મિત્રોને ફોન કરી જોતી હશે…. ક્યાંયથીય મારી ભાળ ન મળતાં એ ભગવાનના નાના દેરા પાસે ગઈ હશે…. માતાજીના ફોટા નીચેથી ચિઠ્ઠી મળી હશે…. ને… શું શું ગુજરતું હશે મમ્મી પર ? મમ્મીએ માસી તથા મામાને ફોન કર્યા હશે ? એ લોકો મને શોધવા માટે નીકળ્યાં હશે ?….. તન્વી આમ વિચારોમાં ડૂબેલી હતી ત્યાં જ એક કાર છેક એના પગ પાસે આવીને ઊભી રહી…. બારીનો કાચ જરી નીચે ઊતર્યો…. અંદર દેખાતા અડધા ચહેરાએ તન્વીને પૂછ્યું : ‘આવવું છે ?’

બાપ રે ! તન્વીના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું… પછી તન્વીના ચહેરા પરની રેખાઓ જોઈ પેલો અડધો ચહેરો ભોંઠો પડ્યો… બારીનો કાચ પાછો ઉપર ચડ્યો… ને કાર ચાલી ગઈ…. તન્વીને થયું, હવે અહીં ઊભું ન રહેવાય… તો ક્યાં જાઉં અડધી રાતે ?

લાવ, ફરી માનવના ઘરે ફોન કરી જોઉં….
આ વખતે ફોન માનવે જ ઉપાડ્યો !
‘હું ક્યારની અહીં રાહ જોતી ઊભી છું… માનવ, એક થેલામાં મારી બાકીની જિંદગી ભરીને….’
‘સૉરી તન્વી, હું નહીં આવી શકું.’
તન્વીએ ફટ દઈને રિસીવર મૂક્યું એ અગાઉ તન્વીના કાને માનવના દોસ્તોનો ખડખડાટ હસવાનો અવાજ પડ્યો. હવે ? વીજળી પડે ને જમીનમાં પ્રસરી જાય તેમ તન્વીના માથે જાણે કાળો ડિબાંગ અંધકાર પડ્યો ને લોહીમાં પ્રસરી ગયો….

ત્રિભેટે આવેલા બસ-સ્ટૅન્ડે ઊભેલી તન્વીએ ત્રણ રસ્તા તરફ નજર કરી. એક રસ્તો રેલવેસ્ટેશન જતો હતો, બીજો રસ્તો કાંકરિયા અને ત્રીજો ઘર તરફ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભાવવિશ્વ – નીલમ દોશી
કાલ્પનિક સત્ય – શૈલા બેલ્લે Next »   

24 પ્રતિભાવો : મેરુ – યોગેશ જોષી

 1. dhara says:

  wah.. nice story & good lession for tinagers girl

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Nice story….

 3. deven says:

  every girl should take lesson from this story and should never take any step like that.

 4. Himanshu Zaveri says:

  really nice written. thanks

 5. Keyur Patel says:

  Brave girl but not so brave boy. We have seen this happen many times in stories but don’t know if it happens in real life.

 6. neetakotecha says:

  khub saras dikrio e to vicharvanu j che pan mata pita e pan vicharvanu vadhare che . kara badhi dikri o na jivan ma aavo prem thato j hoy che. jo mata pita pahelethi dikri sathe maitri bhav rakhe ane khbar pade k jo prem thai gayo che to pan jiddi valan apnaviya vagar eni sathe rahe. to adhdhi ratna dikri ne eklu rasta par ubhu n rahevu pade ane kankariya tadav vishe vicharvu n pade.

 7. bhushan padh says:

  khubaj saras….aaj na yuva pedhi ne ek saras sandesho apto lekh…aabhar..

 8. Sandeep Oza says:

  I agree with neetakotecha. If parents behave like friends with their childrens after childrens certain age, there shouldn’t be a thought in girls mind to go to Knakariya lake or railway station.
  Girl should be grown in such a friendly nature that she should directly come home, accept her mistake and ask to forgive her. Parents should forgive her, which will strenghten “sanskar” in girl.

  Thank you Yogesh Joshi. Story is for Parents to THINK.

 9. preeti hitesh tailor says:

  હવેના માબાપે સંતાનો સાથે નાનપણ થી જ નિખાલસ વિચારવિમર્શની ટેવ પાડવી પડશે.
  communication gap can be dangerous for both the sides otherwise..

 10. neetakotecha says:

  thanks sandeep

 11. JITENDRA TANNA says:

  ઘરના કરતા બીજા પર વિશ્વાસ વધારે કરવા વાળા માટે લાલબતી ધરતી વાર્તા. આ વાર્તાનો અંતતો એમ જ હોવો જોઇએ કે તન્વી ઘરે પાછી ફરી પોતાની ભુલ માને.

 12. jignesh says:

  HU JITENDRA TANNA SATHE SAMAT CHU ANE MARI DRASTI THI PREM KAI AAVU SIKHAVTO NATHI. TAME KHALI TAMARA PREM NUJ KEM VICHARO CHO MA BAP PAN TAMNE PREM KARE J CHE . TAME MAMI PAPANA PREM SATHE DROH KARI BIJA PREM NE NYAY KEM AAPI SAKO? AA SWRTHI VALAN CHE…. PYAR NAHI SIKHATA KISI SE BEWAFAI KARNA ANE JIDGI MA IJAT ANE NAM KAMAVA AAKHI JINDJI VAY JAY CHE AE TO LAGNA PACHI SAMJAY CHE. ME HAJU BHAGEDU LAGAN BAHU SAFAD THAYA HOY AEVU JOYU NATHI AA ME JIYELU SATYA CHE PRACTICAL KNOWLEDJE

 13. jignesh says:

  MARO MAT BAHDHA THI ALAG CHE HU TO KAHIS KE AATO PREMINE VICHARVANU CHE. MARI DRASTI THI TO PREM NOMATLAB BHAGI ATHVA TO GAME EM KARI PREM NE PAMVO AEVU NATHI ……
  PREM MA GHANI KURBANI HOY CHE ANE KYAREK PREM POTE PAN KURABN THAY JAY CHE TO MATAPITA NA PREM MATA TAMARO PREM KURABN KARI DO …….

 14. Jaldhi says:

  ખુબ જ સરસ વરતા. વગર વિચાર્યુ કોઇ પગલુ ભરવુ નહિ.બહેનો એ ખાસ વાચવા લાયક.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.