બારી પાસે વાદળ – વીનેશ અંતાણી

airbus

[ ‘નવી વાર્તાસૃષ્ટિ – સંપાદન : મણિલાલ હ. પટેલ’ પુસ્તક માંથી સાભાર.]

હવે બધું જ પાછળ રહી ગયું હતું. એક આખું શહેર. લંડન. લંડનમાં વીતેલા ત્રણ વર્ષો. એ ત્રણ વર્ષો દરમિયાન પસાર થયેલી ઋતુઓ. વિના કારણે સમસ્યા કરતો વરસાદ. ભયાનક ઠંડીના દિવસો. વચ્ચે થોડા સમય માટે આવી જતી વસંતમાં ખીલેલાં ફૂલોના રંગો. અહીં આવ્યા પછી પહેલી વાર મધરાતે જોયેલો સ્નોફૉલ. બેફામ ફૂંકાતી હવા. સ્ક્વૅરમાં ઠમકતી ચાલે ચાલતાં કબૂતરો. બાબાગાડીમાં ગલગોટા જેવાં બાળકોને નાખીને ચૂપચાપ સડકો પાર કરતી અંગ્રેજ મહિલાઓ. શૉપિંગ સેન્ટર્સની ઝાકઝમાળ અને –

મેં પાછળ જોયું. હવે લંડન અને મારી વચ્ચે મેં હમણાં જ પસાર કરેલા ક્સ્ટમ્સ અને સિક્યુરીટી ચેકિંગનાં કાઉન્ટરો આવી ગયાં હતાં. કાચનાં એક દરવાજામાં મારી છાયા દેખાતી હતી. મારી છાયા પણ જાણે મારી અને લંડનની વચ્ચે આવી ગઈ હતી. કદાચ એ છાયા મારો એક હિસ્સો હોય, જે લંડનમાં જ રોકાઈ જવા માગતો હતો. એ છાયા કાચની આ બાજુ નહિ, પણ દરવાજાની પેલી બાજુ ઊભી હતી અને મને જતો જોઈ રહી હતી. મેં એ છાયાની પેલી પાર જોવાનો પ્રયત્ન કર્યો. ત્યાં વિઝિટર્સ લૉન્જમાં કદાચ એ ઊભી હશે.

મેં એને કહ્યું હતું :
‘લિઝી, તારે હવે જવું જોઈએ.’
એણે ચમકીને મારી સામે જોયું હતું. મને લાગ્યું, મારા શબ્દો એના સુધી પહોંચ્યા જ નથી. માત્ર અવાજ પહોંચ્યો છે. પહેલી ક્ષણે એની નજરમાં મેં શું કહ્યું છે તે જાણવાની ઉત્સુકતા દેખાઈ હતી, પણ બીજી ક્ષણે ત્યાં કશું જ દેખાયું નહોતું. એની આંખો એકાએક સૂકી દેખાઈ હતી. એ ક્ષણે જ મારા વાક્યનો અર્થ એના સુધી પહોંચ્યો હશે. એણે માથું હલાવીને હા અને ના – ની વચ્ચે ફસાયેલો એક મૂંગો પ્રત્યુત્તર આપ્યો હતો. એનો ચહેરો પણ સપાટ લાગતો હતો અને લિસ્સો. લિસ્સો એટલા માટે કે તે ક્ષણોમાં ત્યાં કશું જ ટકતું નહોતું. બધું જ તેના ચહેરા પરથી લપસી જતું હતું – બધું જ, એનું બનાવટી સ્મિત અને એ દબાવી રાખવા મથતી હતી તે પીડા. મને ઈચ્છા થઈ આવી હતી કે લિઝી રડી પડે. એ રડે તો હું એને આશ્વાસન આપવા માટે મારી બાથમાં લઈ શકું. લિઝીના હૂંફાળા દેહને મારી સાથે ભીંસી લઉં અને પછી મારી હૅન્ડબેગ ઉપાડીને અંદર ચાલ્યો જાઉં.

પણ એવું થયું નહોતું. લિઝી ટટ્ટાર ઊભી હતી. એ મારી સામે જોતી પણ નહોતી. એ ઍરપોર્ટ પર દેખાતા બીજા લોકોને જોઈ રહી હતી. હું એને તાકી રહ્યો છું તે વિશે એ પૂરેપૂરી સભાન હતી અને કદાચ એ કારણે જ મારી સામે જોવાનું ટાળતી હતી.

એનાઉન્સમેન્ટ થઈ રહી હતી. હિથ્રો ઍરપૉર્ટ પર લોકો ઘૂમી રહ્યા હતા અને વિદાયનાં દશ્યો ભજવાઈ રહ્યાં હતાં. મેં ફરીથી એને કહ્યું : ‘લિઝી, તું હવે જા.’ એણે ફરી વાર માથું હલાવ્યું અને ખુરશી પર બેસી ગઈ હતી. કદાચ હજી પણ એ ત્યાં જ બેઠી હશે. કદાચ એની કારમાં એના ઘર તરફ ચાલી ગઈ હશે. આજે શનિવાર હતો અને લિઝીને ઑફિસ જવાનું નહોતું. આ વીકએન્ડમાં એ ઘરમાં જ રહેશે. હું જવાનો હતો તેથી એણે વીકઍન્ડનો બીજો કોઈ પ્લાન બનાવ્યો નહોતો. આમ પણ દરેક વીકએન્ડમાં અમે સાથે જ રહેતાં હતાં. બે વર્ષથી આદત પડી ગઈ હતી. હવે લિઝીએ નવી ટેવો પાડવી પડશે. વીકએન્ડ પસાર કરવા માટે નવા દોસ્તો શોધવા પડશે અથવા તો જૂના દોસ્તો સાથે સંબંધો તાજા કરવા પડશે. શરૂઆતમાં એને પણ બધું અશક્ય લાગશે. પોતાના જ શહેરમાં લિઝી એકલી પડી જશે.

હવે વિમાન તરફ ચાલીને જવાનું હતું. પ્રવાસીઓ તે તરફ ચાલવા લાગ્યા હતા. હું પણ ચાલવા લાગ્યો હતો. ફરી એક વાર પાછળ જોયું અને પછી ઉપર. આકાશમાં આજે છૂટાછવાયાં વાદળ હતાં. ખુલ્લો દિવસ નીકળ્યો હતો. કુમળો તડકો પણ હતો. જે દિવસે તડકો નીકળે તે દિવસે લિઝી પ્રસન્ન થઈ જતી. બીજો કોઈ દિવસ હોત તો આવી તડકાવાળી સવાર મેં અને લિઝીએ કોઈ ખુલ્લી જગ્યામાં વિતાવી હોત, કદાચ ઘાસમાં સૂતાં રહીને અથવા કન્ટ્રીસાઈડમાં ડ્રાઈવ કરતાં હોત.

મેં વિમાનમાં મારી જગ્યા મેળવી. બારી પાસેની સીટ મળી હતી. બહાર જોયું. કાચમાંથી દેખાતો તડકો ધૂંધળો થઈ ગયો હતો. મેં આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ ખેંચ્યો. પછી લાંબો ઉચ્છવાસ બહાર કાઢીને છાતી ખાલી થવા દીધી. મને થયું, મારે હવે ભવિષ્ય વિશેના વિચારો કરવા જોઈએ – આવનારા દિવસોના, ભારત વિશેના, ત્યાંની ગરમી અને ધૂળ વિશેના અને ઘોંઘાટ વિશેના વિચારો. ત્યાં ઉનાળો બેસી ગયો હશે અને સવારથી પસીનો વળશે. પછી રાતે ધાબા પર સૂઈ જવું પડશે. મેં થોડોઘણો આનંદ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ લાગે છે કે મારી છાતી હજી પણ ખાલી છે અને હું આવનારા દિવસો વિશે કશું જ નક્કર રીતે વિચારી શકતો નથી. હું મારા દેશમાં પાછો ફરી રહ્યો છું અને છતાં એક પ્રવાસી જેવી લાગણી થયા કરે છે. હું જાણે કોઈ અજાણ્યા દેશની સફરે જઈ રહ્યો છું. કદાચ હું લંડનથી ટેવાઈ ગયો હતો. તેમ છતાં એકાએક ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો, કશા જ કારણ વિના. મારો કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હતો. એ લંબાવી શક્યો હોત. મેં પાછા જવા વિશેનો નિર્ણય મારી કંપનીને જણાવ્યો ત્યારે એ લોકો પણ ઈચ્છતા હતા કે હું હજી થોડો સમય વધારે રોકાઉં. છેવટે નાછૂટકે એમણે સંમતિ આપી હતી અને કહ્યું હતું કે હું ઈચ્છું તો એકાદ-બે મહિનામાં પાછો આવી શકીશ.

લિઝીને મેં થોડા દિવસો પછી જણાવ્યું હતું. મેં એને એક રાતે કહ્યું હતું : ‘હું પાછો જવાનો છું.’ એણે જરા ચમકીને મારી સામે જોયું હતું, જાણે ક્શું જ સમજી ન હોય એમ પૂછ્યું હતું : ‘ક્યાં ?’ મેં જોરથી હસવાનો પ્રયત્ન કર્યો હતો. પછી હાથ લંબાવીને એક અદશ્ય દિશા સામે આંગળી ચીંધી હતી : ‘ત્યાં…’

લિઝીને કદાચ તે વખતે જ યાદ આવ્યું હશે કે હું અહીંનો નથી, પણ ત્યાંનો છું – ઈન્ડિયાનો. અમારી વચ્ચેના બે વર્ષના સંપર્ક દરમિયાન લગભગ ભુલાઈ ગયેલી વાત ફરી તાજી થઈ ગઈ હશે – હું વિદેશી છું અને થોડા સમય માટે જ લંડન આવ્યો હતો. મને ડર હતો કે લિઝી કદાચ દલીલો કરશે. એ પણ મારી કંપનીવાળાઓની જેમ મને રોકાઈ જવા માટે સમજાવશે, પણ એણે એવું કશું જ કર્યું નહોતું. એણે માત્ર એટલું જ પૂછ્યું હતું : ‘ક્યારે ?’…. મેં એને જવાની શક્યતાવાળો દિવસ જણાવ્યો તે વખતે જ મને પણ પહેલી વાર યાદ આવ્યું કે હવે બહુ ઓછા દિવસ બાકી રહી ગયા છે. મેં ઝડપભેર તૈયારીઓ કરવા માંડી હતી. મારી ખરીદી વીકએન્ડમાં જ કરી શક્તો હતો અને લિઝી મારી સાથે જ રહી હતી. હું ચીજો ખરીદતો રહ્યો હતો. પપ્પા માટે એક પાઈપ ખરીદી હતી. ભાઈ અને બહેન માટે થોડી ચીજો. ખરીદીનું લિસ્ટ જોયા પછી લિઝીએ પૂછ્યું હતું :
‘એના માટે શું લઈ જવાનો છે ?’
મેં લિઝી સામે જોયું. મને ખબર હતી એ કોના વિશે પૂછતી હતી, છતાં અજાણ્યાં બનીને મેં પૂછ્યું :
‘કોના માટે ?’
‘સ્વાટિ…’ લિઝીને છેવટ સુધી સ્વાતિના નામનો ઉચ્ચાર ફાવ્યો જ નહોતો.
મેં કહ્યું : ‘કશું જ નહિ.’
‘કેમ ?’ એણે પૂછ્યું.
‘હવે કશો જ ફરક પડતો નથી, લિઝી.’
એણે મારી વાત સ્વીકારી નહોતી. ‘તું ત્રણ વર્ષ પછી પાછો જાય છે. તમે બન્ને હજી અલગ થયાં નથી. કદાચ આ ત્રણ વર્ષમાં ઘણો ફરક પડી ગયો હશે. કદાચ તે તારી રાહ પણ જોતી હોય.’
મેં માથું ધૂણાવ્યું. ‘ઈટ્સ ઈમ્પૉસિબલ. હું લંડન આવ્યો તે પહેલાં જ અમે નિર્ણય લઈ લીધો હતો. સ્વાતિ સાથે તૂટી ચૂકેલા સંબંધને કારણે જ મેં લંડન આવવાનો નિર્ણય લીધો હતો.’

લિઝી કશુંક સમજવાનો પ્રયત્ન કરી રહી હોય તેમ એની મોટી આંખો મારા પર ઠેરવીને જોઈ રહી હતી. લિઝીએ મને પૂછ્યું હતું : ‘તું એને મળશે ?’
મેં બે હાથ પહોળા કરીને જવાબ આપ્યો હતો : ‘આઈ ડોન્ટ નો…. આઈ રિયલી ડોન્ટ નો.’ લિઝી વિચારમાં પડી ગઈ હતી. કદાચ એના મનમાં કોઈ પ્રશ્ન જન્મ્યો હતો અને એ પૂછતી નહોતી.
‘શું વિચારે છે ?’ મેં પૂછ્યું.
‘કશું જ નહિ.’ લિઝીએ કહ્યું, પણ પછી તરત જ ઉમેર્યું ‘તમારા લોકો માટે એ નિર્ણય બહુ મુશ્કેલ હોય છે, નહિ ?’
‘કેવો નિર્ણય ?’
‘ડાઈવૉર્સ લેવાનો’ લિઝીએ આમતેમ હાથ ફંગોળતાં પૂછ્યું.
‘હા, એ નિર્ણય મુશ્કેલી હોય છે. મારા માટે તો ખૂબ જ મુશ્કેલ બન્યો હતો. હું અમારા લગ્નજીવનને એક લાંબી ધાર સુધી ખેંચી જવા માગતો હતો. હું આશાવાદી પણ બનવા માગતો હતો. કદાચ આટલાં વર્ષો સાથે ને સાથે રહીને મને એની ટેવ પડી ગઈ હતી, બટ સમ હાઉ –’
‘વ્હાય ડૉન્ચ્યુ ટ્રાય અગેઈન ?’ લિઝીએ પૂછયું.
‘તું કરે છે એવો પ્રયત્ન ?’
એણે માથું ધુણાવ્યું : ‘મારી વાત જુદી છે…..’
‘કેમ ? તારી વાત પણ એ જ છે. તું પણ તારા પતિથી અલગ થઈ ગઈ છે.’
લિઝી હસી પડી. બોલી : ‘ઓ.કે… પણ ત્યાર પછી હું એને ઘણી વાર મળતી રહું છું. અમે સારા દોસ્તો છીએ. એને તો એ પણ ખબર છે કે તું મારો દોસ્ત છે.’
‘તેં એને કહ્યું હતું આપણા વિશે ?’
‘ના. એણે એકવાર આપણને સાથે જોયાં હતાં. ત્યાર પછી એનો ફોન આવ્યો હતો. મને પૂછ્યું કે પેલો ઈન્ડિયન કોણ છે ? મેં એને પૂછ્યું, તને ઈર્ષા થાય છે ? એણે હા પાડી હતી – હા, મને એ ઈન્ડિયનની ઈર્ષા થાય છે.’

લિઝી બે દિવસ પછી ચાંદીનો એક સુંદર બ્રોચ લાવી અને મને આપ્યો.
‘સ્વાટિને આપજે.’ એણે કહ્યું. મને હસવું આવી ગયું.
‘હું પણ એના માટે કોઈ ભેટ લઈ જતો નથી અને તું શા માટે આ ખરીદી લાવી ?’
‘હું એને સમજી શકું છું.’
મેં ના પાડી. ‘સ્વાતિ તું ધારે છે તેવી નથી, લિઝી. એ જુદા પ્રકારની વ્યક્તિ છે. આ બ્રોચ હું અને નહિ આપું. હું એના માટે કશું જ લઈ જવાનો નથી.’
‘પણ આ તું ક્યાં લઈ જાય છે ? હું મોકલાવું છું એને કહેજે લિઝીએ મોકલાવ્યું છે. એ ‘લિઝી કોણ ?’ એવું પૂછે તો તું કહેજે – એક ડિવોર્સી સ્ત્રી, જેણે તારા પતિને પ્રેમ કર્યો હતો.’

વિમાન ઊપડવાની તૈયારી થઈ ચૂકી છે. કોઈ પણ ક્ષણે હું લંડનની ધરતી પરથી ઊંચકાઈ જઈશ. મને હતું કે મને થોડી વેદના થશે, પણ હું કશું જ અનુભવી શક્તો ન હોઉં તેવું કેમ લાગે છે ? પાછળ રહી ગયેલા લંડનમાં વિતાવેલા દિવસો, અહીં આવ્યો પછી મારી સાથે જ કામ કરતી લિઝી સાથે ક્રમશ: વધતા ગયેલા સંબંધો – શરૂઆતમાં મૈત્રી અને પછી એક રાતે અમારા સંબંધોનો નક્કર અનુભવ. એ બધું જ જાણે મારી સાથે નહિ, પણ જાણે બીજી કોઈ વ્યક્તિ સાથે બન્યું હોય તેવું લાગે છે. અમારો સંબંધ આટલો જલદી ભૂતકાળ બનવા લાગ્યો ?
‘તું મને પત્ર લખશે ?’ મેં લિઝીને પૂછ્યું હતું. લિઝીએ ના પાડી હતી. ‘મારી રાહ જોશે ?’ મારો બીજો પ્રશ્ન. એણે ના પાડી હતી. મેં પૂછ્યું :
‘કેમ ?’
એણે આછું સ્મિત કર્યું : ‘એ બધાનો કોઈ જ અર્થ હોતો નથી.’ એ બબડી હતી. ‘યાદ કરવું, રાહ જોવી, કશાકની આશામાં રહેવું એ બધું મારા સ્વભાવમાં નથી.’
‘પણ લિઝી, હું તને યાદ કરીશ. કદી પણ ભૂલીશ નહિ.’
એ ખડખડાટ હસી પડી હતી. હું લિઝી સામે જોઈ રહ્યો હતો. એનું હાસ્ય બોદું હતું કે એ ખરેખર જેવું કહી રહી હતી તેવી જ હશે ? જો એવું હોય અને લિઝી પોતે કહે છે તેવી જ એ હોય તો પછી આ બે વર્ષના સંબંધનો કોઈ અર્થ નહિ ? મેં એને એ વિશે પૂછ્યું ત્યારે એ ગંભીર થઈ ગઈ.
‘અર્થ તો હોય છે, પણ આપણા સંબંધો કદાચ એવા કોઈ અર્થ માટે સર્જાયા નહોતા. તારી સાથેની લાગણી વિશે હું જ્યારે સ્પષ્ટ થઈ તે વખતે જ મને ખબર હતી કે આ બધું ટૂંકા ગાળા માટેનું છે.’

ગઈ કાલે રાતે અમે આખી રાત જાગ્યાં હતાં. હું લિઝીના ઘરમાં જ હતો. પાછલી રાતે મેં એને પૂછ્યું હતું : ‘લિઝી, આ બે વર્ષમાં આપણે લગ્ન કરીને સાથે જ રહેવા વિશે ક્યારેય વિચાર્યું નહિ.’ લિઝી તે વખતે ઊભી થઈ હતી અને ખુલ્લા પગે બારી પાસે ચાલી ગઈ હતી. પરદો ઊંચો કરીને બારીના કાચમાંથી બહાર જોવા લાગી હતી. હું એની પાસે ગયો. બહાર સૂની ગલી દેખાતી હતી. રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓમાં રાતની સ્થગિતતા દેખાઈ જતી હતી. આછું અજવાળું હતું. મેં એના ખભા પર હાથ મૂક્યો. એ થોડી વાર બહાર જોતી ઊભી હતી. ગલીનો સૂનકાર અમારી વચ્ચે આવી ગયો હતો.
એણે એકાએક મારી સામે જોયું.
‘તેં મને ક્યારેય પ્રપોઝ કર્યું નહિ.’
લિઝી શું કહેતી હતી ? મેં લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો હોત તો એણે હા પાડી હોત ? અમે અમારા સંબધો વિશે એ દષ્ટિએ કદી વિચાર્યું પણ નહોતું.
મેં કહ્યું : ‘ધાર કે આ ક્ષણે હું પ્રપોઝ કરું તો ?’
લિઝી હસવા લાગી. કહ્યું : ‘આવતી કાલે સવારે તો તું પાછો જાય છે. ચાર-પાંચ કલાકના લગ્નજીવનનો અર્થ પણ શો ?’
‘કેમ ? તું મારી સાથે ઈન્ડિયા આવી શકે અથવા હું અહીં પાછો આવી શકું. કદાચ હું મારી ટિકિટ કૅન્સલ કરી દઉં.’
તે બોલી : ‘યુ આર એ મૅડ બૉય… ગૉન કૅસ. સંદીપ, દરેક સંબંધની એક સીમા હોય છે અને તેને પાર કરવાની કોશિશ કરવી જોઈએ નહિ. જે વીતે છે તેને વીતવા દેવું જોઈએ. આજની રાત પસાર થઈ જશે પછી હું તને ઍરપૉર્ટ પર મૂકવા આવીશ. તારી ફલાઈટ ઊપડશે ત્યાર પછી હું ત્યાંથી પાછી વળીશ. ત્યાં સુધી ત્યાં જ બેસી રહીશ. બસ. એટલું જ, એનાથી આગળ કશું જ નહિ.’

મેં જોયું, લિઝી રડતી હતી. બારીમાંથી આવતા અજવાળામાં એનો અર્ધો ચહેરો દેખાતો હતો. બાકીનો ચહેરો કમરાના આછા અંધકારમાં છુપાઈ ગયો હતો.
‘તું મને પત્ર તો લખશે ને ?’ મેં એને ફરી વાર એ જ પ્રશ્ન પૂછ્યો હતો.
‘ના. હું તને પત્ર નહિ લખું. તું પત્ર લખશે તો જવાબ પણ નહિ આપું. મારા વિશેના કોઈ સમાચાર તને નહિ જણાવું.’ એના ગાલ પર આંસુની એક લકીર ખેંચાઈ આવી હતી. હું બારી પાસેથી ખસીને પલંગ પાસે ચાલ્યો આવ્યો હતો. બારી પાસે ઊભેલી લિઝી છાયાચિત્ર જેવી દેખાતી હતી, કમરાના અંધકારમાં ઊભેલી એક છાયા.

વિમાનમાં એનાઉન્સમેન્ટ થઈ રહી છે. ચાલુ થયેલા એન્જિનનો થડકાર અનુભવી શકું છું. મેં બહાર જોયું. વિમાન ખસવા લાગ્યું. ત્રણ વર્ષ પહેલાં આવી રીતે જ એક વિમાન અહીં ઊતર્યું હતું. તે વખતે ભારત પાછળ રહી ગયું હતું. નૈનિતાલના ઢોળાવ પર આવેલા અમારા કૉટેજની બહાર ખુરશી પર બેસીને પાઈપ સાફ કરી રહેલા મારા વૃદ્ધ પપ્પા અને દિલ્હીમાં એના કુટુંબ સાથે રહેતો એક ભાઈ, જયપુરમાં પરણાવેલી મારી એક બહેન. સ્વાતિ ચંડીગઢમાં રહેતી હતી. તે વખતે એ અમારી કોઠીમાં જ રહેતી હતી અને ત્યાંથી બીજી કોઠીમાં રહેવા ચાલી જવાની હતી.

ત્રણ વર્ષ પહેલાં એ બધું પાછળ રહી ગયું હતું. હવે લંડન પાછળ રહી જવા લાગ્યું છે. હું અહીં આવ્યો ત્યારે એકલો ઊતર્યો હતો. મને લેવા માટે ઍરપૉર્ટ પર કોઈ આવ્યું નહોતું. હવે જાઉં છું ત્યારે લિઝી પાછળ રહી જવા લાગી છે. એ હજી પણ વિઝિટર્સ લૉન્જમાં બેઠી હશે. કદાચ પાછી જઈ રહી હશે અને સડક પર હશે. મેં આંખો બંધ કરી. લિઝીનો ચહેરો આંખની અંદર ઉતારવાની કોશિશ કરી. વિમાનની ગતિ જમીન પર વધી રહી હતી. એક થડકા જેવું ઊઠ્યું, મારી અંદરથી અને મારી બહારથી. એકાએક વિમાનને જમીન પરથી ઊંચકાતું અનુભવ્યું. મેં આંખો ઉઘાડી નહિ. વધતી જતી ઊંચાઈની સાથે નીચે રહી જતા લંડનને જોવું મને નહિ ગમે.

સેફટી બેલ્ટ છોડી નાખ્યા પછી મેં હું પાછો વળી રહ્યો હોઉં તેવું અનુભવવાની કોશિશ કરી. બહાર જોયું. બારી પાસેથી એક વાદળ પસાર થઈ રહ્યું હતું. તે સિવાય ત્યાં, મારી આસપાસ મને મારી અંદર, બીજુ કશું જ નહોતું.
[સમાપ્ત]

વિશ્લેષણ (મણિલાલ હ. પટેલ) : વીનેશ અંતાણીની લાંબા અંતરાલ પછી સર્જાયેલી ઉપરોક્ત વાર્તા છે. સમજણા પ્રેમની આ પુખ્ત કથા આસ્વાદ્ય રીતિમાં મૂકાઈ છે. જેનું દામ્પત્યજીવન નંદવાયેલું છે એવો યુવાન ત્રણેક વર્ષ માટે એની કંપનીનો મોકલ્યો લંડન આવ્યો છે – રહ્યો છે. દરમ્યાન એ લિઝી નામની ગોરી યુવતીના સંપર્કમાં આવે છે….. નૈકટ્ય કેળવાતાં બંને ઘણો વખત જોડે ગાળે છે. પણ સમય પૂરો થાયો. વાર્તા આરંભાય છે ત્યારે તો યુવાન હિથ્રો ઍરપૉર્ટનાં સિક્યૂરિટિ આદિ કાઉન્ટરો વટાવીને વેઈટિંગ લૉન્જમાં આવી ચૂક્યો છે. હવે લંડન છૂટી જશે, લિઝી પણ. આમ એક તરફ બંનેની સચ્ચાઈભરી લાગણી છે તો બીજી તરફ કંપનીનો કોન્ટ્રેક્ટ પૂરો થઈ ગયો એમ જાણે આ બંનેના પ્રેમનો પણ ? ન જાને ! વિદાય ક્ષણની નાજુક ધાર પર સંવેદનાઓને વધુ ઘૂંટવા દૈને ઓછી બોલવા દીધી છે. સર્જકની કુશળતા એક રંગદર્શી પ્રેમાવેગને વાસ્તવની પરિસીમામાં અસરકારક રીતે અભિવ્યક્તિ આપવામાં રહેલી છે. વાર્તાનાયક અને લંડન વચ્ચે પેલાં ઍરપોર્ટનાં કાઉન્ટરો, કાચની દીવાલો આવી ગયાં છે… એને અહેસાસ થાય છે કે લિઝી અને એની વચ્ચે પોતાની જ છાયા આવી ગઈ છે….. પછી એ છાયા લિઝી બની જાય છે જે અહીં લંડનમાં જ રહી જવાની છે. વિદાયની ક્ષણે ઘણી સંવેદનાઓ ઊછળે છે – આગલા દિવસોની નાજુક ક્ષણો પણ ત્યાં ગોરંભાય છે…. થાય છે કે કૈંક બોલાય, પ્રેમનીતરતું ! પણ હવે શબ્દો પહોંચતા નથી, માત્ર અવાજ બનીને રહી જાય છે શબ્દો…. લિઝી લાગણીશીલ હોવા છતાં એ રેશનલ પણ છે. પ્રવાસીની જેમ આવેલો માણસ પ્રવાસીની જેમ જ છેવટે વિદાય લે છે ત્યારે એના વિમાનની બારી પાસે નર્યા અવકાશમાં તરતું ને અવકાશમાં વિલીન થઈ જવા ધસતું એક વાદળ જ હોય ને ! આ વાદળ પ્રેમ અને લિઝી તથા સંબંધો વિશે પણ ઘણું સૂચવી દે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉકેલ શોધતા પ્રશ્નો – જિતેન્દ્ર તન્ના
વાંચનસરિતા – સંકલિત Next »   

30 પ્રતિભાવો : બારી પાસે વાદળ – વીનેશ અંતાણી

 1. smrutishroff says:

  very good presentation of a good story.

 2. dhara says:

  really nice story…the words are so nice..vert good story

 3. નવીન અને ખુબ આકર્ષક શૈલી…

 4. અપરિચિત says:

  ખાસ્સું લાંબુ. સમય મળે ત્યારે વાંચીશ!

 5. kunal says:

  ખુબ સુંદર… આભાર…

 6. preeti hitesh tailor says:

  લાગણી અને પ્રેમની આવી પરિપક્વતાનું મર્મસ્પર્શી આલેખન ખૂબ ગમ્યું..
  સત્યને જેટલી જલ્દી સ્વીકારેલી લેવાય પીડાનું પ્રમાણ એટલું ઓછું અનુભવાય અને સ્મૃતિઓ એટલી જ પારદર્શક બની રહે છે…

 7. Keyur Patel says:

  ઘણા સમયે એક અતિ ભાવાત્નક વાર્તા વાંચી. એકદમ સપાટી પર હોય છતાં ભારે ઊંડાણ વાળી વાર્તા. વેદના – સંવેદના નું મિશ્રણ જાણે મનમાં ઓગળતું ગયું – છેક ભીતર પહોંચી ગયું.

 8. anamika says:

  good story……so nice

 9. Riddhi says:

  સામાન્ય સ્તર કરતા ઘણા ઉન્ડાણપૂર્વક લખાયેલી વાર્તા ચ્હે. it’s one of the rare articles…
  Thanks very much…

 10. sujata says:

  story is short but effect is long lasting………

 11. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice story…..

 12. Jigisha Trivedi says:

  well i don’t agree with all above mentioned comments.

  i don’t know why sandip is going back to india. he is playing with the emotions of him and lizy and swati as well

  if he can’t stay with swati he should give her divorce and let her also live her own life. he must also understand one thing that living with sandip is also not fun for her.

  i even don’t agree that lizy is a very rational or practical character. she is very sensitive and and i am sure that she will also live her entire life alone.

  rationality sandip should come back to london after giving divorce to swati and getting her married to someone else. if he does not find somebody then also that will not make difference to swati as she is staying alone even though she is married.

  reading the statment ” i don’t want to carry any gift for swati”- it shows how much sandip hates swati.

  this is what i believe. i always feel that instead of all the people living in sorrow, its better if any two can live their life happily.

  hope all the other readers will not take it otherwise

  regards

 13. Lata Hirani says:

  હૃદયસ્પર્શી વાર્તા… વિનેશભાઇને આ કળા હસ્તગત છે..

 14. Brinda says:

  I agree with Jigisha.
  But it is a nice story and this is the real life.

 15. Dhiren Chauhan says:

  Varta Gami pan khabar nahi kem pan jigisha ni comments pan vicharva jevi che……pan lizy ane sandeep na relation no charm pan je rit na temna relation hato tema j hato…kadach merrage mate nahi….Bahu meaningfull relation che ae jema koi ne atla najeek avu..,future ma nahi pan present ma jivvu..sathe spent karela time ne enjoy karvo…ane te pan ek bija per atli expectation vagar….ane pachi ek bija thi judu thavu pade to kadach atlu dard pan na thai kem ke ek-bija mate te rite kyarey vicharelu nohatu…ane aa moments aavvanij hati teni jan hovi…..i think very realistic…Typical Vinesh Antani way of wrighting the thing…give youer readers recipeeeee to think….One storey…so many different opinion and still each opinion can relate with the storey..

 16. farzana aziz tankarvi says:

  if the story is taken as only a story –a work of art then i think the ending is appropriate…
  what is unique about the story is the momoments of separation and and the life within these moments…..

 17. ઋષિકેશ says:

  મારા મતે, દરેક વાર્તા નો અન્ત એવો હોવો જોઇએ કે એ સમ્પૂર્ણ લાગે. અહીયા વાર્તા અધૂરી રહી ગઈ હોય એવુ લાગે છે.
  કદાચ સુખદ્ અન્ત ના વાચુ ત્યા સુધી ચેન ના પડે એ મારી નબળાઈ હશે. પણ કોઈ તો મારી સાથે સહમત થશે.
  વાસ્ત્વિકતા કરતા fantacy કદાચ એટલે જ ગમે છે.

  જે પણ હોય, કોઇ તો આ વાર્તા નો સુખદ્ અન્ત લાવો. મારી કલ્પના શક્તિ સાહિત્ય રચી શકે એટલી સશક્ત નથી, નહિ તો મે આ જ post મા કોઇક અન્ત suggest કર્યો હોત્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.