વાત સુરેન્દ્રનની….. – મહેશ યાજ્ઞિક

‘આપણા ગુજરાતી છોકરાઓની આ તકલીફ છે..’ પંડ્યાજીએ તમાકુ મસળીને હોઠ અને દાંત વચ્ચે દબાવી. પછી અમારા બધા સામે જોયું. ‘એકદમ ઈઝી ગોઈંગ લાઈફ. પૈસા કમાવવા હોય તો સાઈડમાં નાનો-મોટો ધંધો કરે, ટ્યુશન કરે અને કાં શેરબજારનું કરે… બાકી પ્રમોશન લેવામાં જરાય રસ નહીં…’

‘સાવ સાચું કીધું તમે….’ તરલાબહેને તરત સંમતિ આપી. ‘આ મારા મેહૂલને વેરાવળ નોકરી મળતી’તી, મેં અને એના પપ્પાએ બે દિવસ સમજાવ્યો. ત્રણેક વર્ષ વેરાવળ રહે એ પછી અમદાવાદ પાછા આવી શકાય એમ હતું તોય ચોખ્ખી ના પાડી દીધી. ના જ ગયો.’
‘આપણી જ વાત કરો ને…’ જગુકાકાએ પણ ચર્ચામાં ઝંપલાવ્યું. ‘આપણામાંથી પ્રમોશન લઈને બાવળા કે ધંધૂકા જવા કોઈ તૈયાર થાય છે ? રિલીફ રોડ કે આશ્રમ રોડ ઉપર પ્રમોશન મળે તો લેવાનું બાકી હરિઓમ !’

અમારી બ્રાન્ચના મેનેજર જ્હોન ચાકોની બદલી થઈ હતી અને એની જગ્યાએ બ્રાન્ચ મેનેજર તરીકે આવનાર માણસ પણ કેરોલિયન જ છે એ સમાચાર પછી બ્રાન્ચમાં આ ચર્ચા ચાલતી હતી. ‘એની વે બ્રાન્ચ મેનેજર તરીકે આ આર. સુરેન્દ્રન આવે છે એ ગનીમત….’ મારા અનુભવના આધારે મેં ચર્ચાનું સમાપન કર્યું. ‘યુ.પી.માંથી કોઈ શર્મા કે વર્મા આવે એના કરતાં આ કેરાલિયન સો ટકા સારો. આમેય સાઉથ ના માણસો પ્રમાણમાં સોબર હોય છે.’

ચાર દિવસ પછી સુરેન્દ્રને અમારી બ્રાન્ચનો ચાર્જ સંભાળી લીધો. એના પ્રારંભિક વર્તન ઉપરથી જ બધાને મારી વાત સાચી લાગી. એણે ચાર્જ લીધો એના બીજા દિવસની જ આ ઘટના. પંડ્યાજી એ પોતાના ટેબલ ઉપર જગુકાકા માટે ચા મુકાવી હતી. કેન્ટીનવાળો છોકરો બે ચા મૂકીને જતો રહ્યો. જગુકાકા ફોન ઉપર કોઈકની સાથે ખપાવી રહ્યા હતા. પંડ્યાજીએ પોતાનો કપ હાથમાં લીધો. જગુકાકાનો કપ હજુ એમના ટેબલ ઉપર પડ્યો હતો એ જ વખતે સુરેન્દ્રન ત્યાંથી પસાર થયો. ચાનો કપ જોઈને એ ઊભો રહ્યો. પંડ્યાજીની સામે જોઈને એણે મોં મલકાવ્યું.
‘લેટ મી શેર….’ એમ કહીને એણે ચાનો કપ હાથમાં લીધો અને પંડ્યાજીની સામે પડેલી ખુરશી ઉપર બેસી ગયો. આખી બ્રાન્ચનો સ્ટાફ સુખદ આશ્ચર્યથી આ દશ્ય જોઈ રહ્યો. સ્ટાફની સાથે આ રીતે ભળી જાય એવો કોઈ બ્રાન્ચ મેનેજર આજ સુધીમાં કોઈએ જોયો નહોતો ! ચા પીધી એ પાંચ મિનિટ દરમિયાન એણે પંડ્યાજીના આખા પરિવારનો પરિચય મેળવી લીધો.

સુરેન્દ્રન આવ્યા પછી આખી બ્રાન્ચમાં જાણે વાતાવરણ જ બદલાઈ ગયું હતું. એનું આખું વ્યક્તિત્વ જ નિરાળું હતું. પાંત્રીસ વર્ષની ઉંમર, શામળો રંગ, છ ફૂટની ઉંચાઈ અને સ્નાયુબદ્ધ કસરતી શરીર…. આટલાં વર્ણન ઉપરથી તો કોઈને એ માણસ હિન્દી ફિલ્મના ગુંડા જેવો લાગે, પરંતુ તમે એના ચહેરા સામે જુઓ તો તમારી માન્યતા ધરમૂળથી ખોટી પડે. એના ચહેરા પર માસૂમ બાળક જેવું સ્મિત સદાયે તરવરતું. એની વિશાળ આંખો તદ્દન નિખાલસ અને પારદર્શક હતી. તમે એની આંખો સામે તાકી રહો તો તમને આખી માનવજાત ઉપર વિશ્વાસ મૂકવાનું મન થાય એટલી સચ્ચાઈ એની આંખોમાં ઝળકતી. શરૂઆતના એક અઠવાડિયામાં તો એણે આખા સ્ટાફની-દરેક પરિવારની પૂરેપૂરી માહિતી મેળવી લીધી હતી. ‘બેલાબેન, કાલે સાંજે તમારા ઘરે આવીશ…’ એણે ભાંગીતૂટી હિન્દીમાં બેલાને આવું કહ્યું એટલે બેલાને આશ્ચર્ય થયું. એ સુરેન્દ્રન સામે તાકી રહી.
‘પરમ દિવસે ઓણમ છે, અમારું બેસતું વર્ષ…’ સુરેન્દ્રનના હોઠ પર સ્મિત રમતું હતું. ‘બેસતા વર્ષે સવારમાં અમે ભગવાનની પૂજા કરીએ છીએ. એ પૂજામાં બધું સોનેરી રંગનું હોય છે. ભગવાનનાં વસ્ત્રો પણ સોનેરી રંગનાં. ઘરમાં જે સોનું હોય એ પણ પૂજામાં મૂકવાનું…’ બેલાને હજુ કંઈ સમજાતું નહોતું. એ અચરજથી સુરેન્દ્રન સામે જોઈ રહી હતી.
‘તમારા ઘરમાં ગરમાળાનું જે વૃક્ષ છે એના ઉપર અત્યારે સોનેરી પીળાશ રંગનાં ફૂલોનું પણ વિશેષ મહત્વ છે અને એનાં પણ દર્શન કરીએ છીએ…..’ – હે ભગવાન ! બેલાને સુખદ આશ્ચર્ય થયું. આ માણસે બધાને પૂછી-પૂછીને કેટલી માહિતી ભેગી કરી લીધી છે !

બીજે દિવસે સુરેન્દ્રને આખા સ્ટાફને ઓણમના દિવસે સાંજે પોતાના ઘેર આવવાનું આમંત્રણ આપ્યું. આજ સુધીમાં કોઈ મેનેજર આ રીતે અમારી સાથે નહોતો ભળ્યો. કોઈ અરજન્ટ કામ હોય તો એ સીધો કેબિનમાંથી બહાર આવીને સંબંધિત કર્મચારીના ટેબલ પર બેસી જતો. પેલાની સાથે પોતે પણ મચી પડતો. લક્ષ્મીબહેનના પતિને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે એણે સામેથી જ કહેલું કે મસ્ટરમાં સહી કરીને જ્યારે જવું હોય ત્યારે જતા રહેવાનું. મારી રજાની જરૂર નથી.

ઓણમની સાંજે અમે બધા એને ઘેર ગયા ત્યારે સફેદ લુંગી અને સફેદ બુશર્ટમાં ખુશખુશાલ હતો. એના લગ્ન હજુ એક વર્ષ અગાઉ થયા હતા અને એની પત્નીનું નામ રેવતી છે એટલી અમને ખબર હતી. ઘરમાં રેવતી ઉપરાંત સિત્તેરેક વર્ષના માજી હતા. એ ચશ્માં પહેરીને કોઈક મલાયલમ મેગેઝિન વાંચતાં હતાં. ‘આ ડોશી સુરેન્દ્રનની મા હશે કે સાસુ ?’ પંડ્યાજીએ મને પૂછ્યું.
‘થોડી વાર બેસીએ એટલે સમજાઈ જશે….’ સુરેન્દ્રનને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને અમે બધા સોફા પર ગોઠવાયા.
‘આ મારી પત્ની રેવતી….’ સુરેન્દ્રને પરિચય કરાવ્યો. ‘અને આ મારી મા….’ પેલા માજીએ અને રેવતીએ અમને નમસ્કાર કર્યા.

ચા-નાસ્તો પત્યા પછી ફિલ્મી ગીતો અને અંતાક્ષરીની કંઈક વાત નીકળી. એ વખતે રેવતીએ બેલાના કાનમાં ફૂંક મારી. ‘આ તમારા સાહેબ ખૂબ સરસ ગાય છે. અમે લોકો કહીએ તો હસવામાં ઉડાડી દે છે. આજે તમે કહેશો તો ના નહીં પાડે…’ અમે બધાએ એટલો જોરદાર આગ્રહ કર્યો એટલે સુરેન્દ્રન પીગળ્યો. ‘તમારી ઈચ્છાને માન આપીશ…’ એના અવાજમાં લાચારી હતી. ‘પરંતુ મને મારી ભાષાનાં ભજન જ આવડે છે. અને એ વખતે આઈ કાન્ટ કન્ટ્રોલ માયસેલ્ફ.’ એણે આવું કહ્યું એ છતાં અમે આગ્રહ ચાલુ રાખ્યો. અંતે એણે હાર સ્વીકારી.

એણે ગાવાનું શરૂ કર્યું અને વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. અમે બધા આશ્ચર્યચકિત હતા. આ માણસના કસાયેલા અને કેળવાયેલા અવાજમાં ઘૂઘવતી લાગણીઓ છલકાતી હશે એની કોઈને કલ્પના નહોતી. એસ.પી. બાલસુબ્રહ્યણ્યન જેવો ભાવવાહી અવાજ અને દરિયાના ઘૂઘવાતાં મોજાં જેવું ગાંભીર્ય. એક અક્ષર પણ સમજાતો નહોતો. એ છતાં એવું પ્રબળ ભાવવિશ્વ એ માણસના અવાજથી ઊભું થતું હતું કે અમે સહુ એમાં ડૂબી ગયા હતા. કાનની મર્યાદા ઓળંગીને સીધો હૃદયને સ્પર્શે એવો એનો અવાજ હતો. અમે સ્તબધ બનીને એના ચહેરા સામે તાકી રહ્યા હતા. હાથની આંગળીઓની બંને વીંટીનો ટિપોઈના કાચ ઉપર તાલ આપીને એ નીચે કાર્પેટ ઉપર બેસીને ગાઈ રહ્યો હતો. એની આંખો ભાવસમાધિમાં બંધ હતી. અને બંને ગાલ આંસુઓથી ખરડાઈ ચૂક્યા હતા. રેવતી ચૂપચાપ નીચું જોઈને બેઠી હતી. પેલા માજીની આંખમાંથી પણ શ્રાવણ-ભાદરવો વહી રહ્યા હતા. આ બધું અમારી કલ્પના બહારનું હતું. હૈયું હચમચાવી મૂકે એવા સ્વરે સુરેન્દ્રન ગાઈ રહ્યો હતો. એની અને માજીની આંખો વરસી રહી હતી ! લગભગ પંદર મિનિટ પછી સુરેન્દ્રનની ભાવસમાધિ તૂટી. રેવતીએ જ ઊભા થઈને એના ખભે હાથ મૂકીને એનું ગાવાનું બંધ કરાવ્યું.

અમે હજુ સ્તબ્ધતાના વાતાવરણમાંથી બહાર નહોતા આવ્યા.
‘સોરી’ સુરેન્દ્રન ઊભા થઈને બાથરૂમમાં ગયો. મોં ધોઈને એ પાછો અમારી વચ્ચે આવ્યો ત્યારે એણે ચહેરા પર સ્મિત પહેરી લીધું હતું !
‘રેવતી પ્લીઝ…’ સુરેન્દ્રને એની પત્ની સામે જોયું, ‘આ સહુ મિત્રોને આઈસ્ક્રીમ આપો.’

બેલા અને લક્ષ્મી રેવતીને મદદ કરવા કિચનમાં સાથે ગયાં. ‘હું એટલા માટે જ ભજન ગાવાની ના પાડતો હતો….’ સુરેન્દ્રને ખુલાસો કર્યો. ‘જ્યારે હું ગાઉં છું ત્યારે જાત ઉપર નિયંત્રણ નથી રહેતું.’ એની વિશાળ આંખો ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઈ ગઈ હતી.
‘ચાર વર્ષનો હતો ત્યારે જ પિતાજીનું અવસાન થયેલું. ઘરમાં હું અને મારી મા. આવકનું કોઈ સાધન નહીં…..’ એનો અવાજ હૃદયના ઊંડાણમાંથી આવતો હતો. ‘હું અને મારી મા ગામના મંદિર પાસે ફૂલો વેચતાં અને ઓટલા પર બેસીને ભજનો ગાતા. એ સાંભળીને કોઈ કેળાં કે ફણસ આપે ને કોઈ દયાળુ હોય તો માછલી ને ચોખા આપી જાય. બસ, આ રીતે જ હું ઊછર્યો છું. પંદર કિલોમીટર દૂરના ગામમાં પણ ભજન હોય તો હું ને મારી મા ત્યાં જતાં. પંદર દુ ત્રીસ કિલોમીટર ચાલવાનું અને આખી રાત ભજન ગાવાનાં. એના બદલામાં પંદરેક દિવસ ચાલે એટલા ચોખા મળે. કેળાં ને ફણસ મળે !….’ સુરેન્દ્રનના અવાજની સચ્ચાઈ દરેકના હૃદયને એ રીતે સ્પર્શતી હતી કે બધા શ્વાસ રોકીને એની ગરીબીની કથા સાંભળી રહ્યા હતા.

‘એ પછી ગામની હાઈસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષામાં પહેલો આવ્યો. ગામ લોકોએ ભેગા થઈને મારી ફી ભરી દીધી. ત્યાંની હોસ્ટેલમાં પહેરવા જેવાં કપડાં, અરે ચંપલ પણ મારી પાસે નહોતાં. ગામલોકોએ જૂનાં-નવાં કપડાં આપ્યાં. આ રીતે બી.કોમ થયો અને સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પણ ભણતો હતો. એમાં પહેલા પ્રયત્ને સફળતા મળી….’ સુરેન્દ્રનનો અવાજ લગીર કંપ્યો. ‘આ બધાં એ જ ભજનો છે જે બાળપણમાં મારી મા સાથે ગાતો હતો. પણ એ બિચારીનું કમનસીબ સી.એનું રિઝલ્ટ આવે એ અગાઉ એ અવસાન પામી….’ ‘તો પછી આ માજી ?’ પંડ્યાએ પૂછી નાખ્યું.

‘એ પણ મારી મા જ છે.’ સુરેન્દ્રને સાહજિકતાથી ખુલાસો કર્યો. ‘મા અવસાન પામી એ પછી જમવામાં પરવડે નહીં અને અભ્યાસ બગાડવાનું પાલવે નહીં. એ જ વખતે આ મારી મા મંદિરના ઓટલે નિરાધાર અવસ્થામાં રહીને ભજનો ગાતી હતી….. ત્યાં જઈને એમને લઈ આવ્યો. કહ્યું કે આજથી તું મારી મા અને હું તારો દીકરો. શરૂઆતમાં એમને મારી વાત ઉપર વિશ્વાસ ના આવ્યો પણ પછી ગામલોકોએ એમને સમજાવ્યા…. એ પછી એ મારી મા બનીને ઘરમાં આવી ગયા….’ સુરેન્દ્રનની નજર હવે રેવતી સામે હતી. ‘લગ્ન વખતે રેવતીને પણ આખી વાત કહી હતી. એ પણ મારી માની સેવા કરે છે…’

સુરેન્દ્રન બોલતો રહ્યો. આઈસક્રીમ આવ્યો. એ પછી પણ અમે ખાસ્સું બેઠા અને એની વાતો સાંભળી. એના ઘરમાંથી બહાર નીકળીને અમે સહુ પોતપોતાના ઘેર પહોંચ્યા ત્યાં સુધી એકબીજા સાથે એક શબ્દ પણ બોલી ના શક્યા એટલો ભાર દરેકના હૃદયમાં લદાઈ ચૂક્યો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સિગારેટ છોડવી તો સાવ સહેલી ! – નિરંજન ત્રિવેદી
બાળકો અને જાહેરખબરો – સંકલિત Next »   

15 પ્રતિભાવો : વાત સુરેન્દ્રનની….. – મહેશ યાજ્ઞિક

 1. અજય says:

  ખુબ જ લાગણીભારી પ્રસંગ-વાર્તા.

  સાચી વાત છે કે સાઉથ ના માણસો “સોબર” હોય છે.

  આવા સુરેન્દ્રન હોય તો ઓફીસ – સ્ટાફની કાર્યક્ષમતા જ બદલાય જાય છે.

 2. dhara says:

  એક્દમ સરસ લાગણી સભર વાર્તા…

 3. JITENDRA TANNA says:

  એકદમ ટચીંગ. ખુબ સરસ વાર્તા. આખી વાર્તા જાણે એક જ શ્વાસે વંચાઈ ગઈ.

 4. Keyur Patel says:

  Very touchy. Intresting and good story. Thanks for giving us such a good story.

 5. Sujata Patel says:

  very nice story.

 6. Riddhi says:

  oh god! this was great… સાહિત્યના જીવોને સારો માનસિક ખોરાક પૂરો પાડે ચ્હે…
  Thanks!

 7. deven says:

  i have never come across some a person who is “never say die” kind of person and very emotional and pure hearted.

 8. anamika says:

  super…….very touching story….i realy enjoy to to read gujarati on http://www.readgujarati.com

 9. Jignesh says:

  ખુબ જ સરસ ….અિતશય લાગણી સભર…..વાર્તા મનૅ ખુબ ગમી……

 10. ALKA says:

  હૈયુ ભરાઇ ગ્યુ…..
  શું કહું સમજ નથી પડતી……
  બસ બહુજ સરસ…………..

 11. farzana aziz tankarvi says:

  excellent story…

 12. BHAUMIK TRIVEDI says:

  excellent is only word i can say …

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.