સદાબહાર હાસ્ય – નિર્મિશ ઠાકર

[તંત્રીનોધ : હાસ્યજગતમાં નિર્મિશભાઈનું હાસ્ય એક અનોખી ભાત પાડે છે. તાજેતરમાં ઈ-ટીવી પર ‘વાહ ભાઈ વાહ’ કાર્યક્રમમાં તેમની હાસ્ય કવિતાઓ એ રંગ જમાવ્યો હતો. તેમના હાસ્યના 28 પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. હાલમાં તેઓની સુરતી ભાષામાં ત્રીજી નવલકથા ‘સંદેશ’ માં પ્રકાશિત થઈ રહી છે. વ્યવસાયે ઓ.એન.જી.સી.માં ડેપ્યુટી એન્જિનયર તરીકેની ફરજ બજાવતા નિર્મિશભાઈ કાર્ટૂનિસ્ટ, કવિ અને ગઝલકાર પણ છે. તેથી વધીને અંગત વાત કરું તો, અસ્મિતાપર્વમાં અમારે એક રૂમમાં સાથે રહેવાનું આવ્યું ત્યારે ત્યાં રોકાયેલા બધા લેખકોને આખી રાત તેમણે પેટ પકડીને હસાવ્યા હતા. રીડગુજરાતીને આ સુંદર હાસ્યલેખો મુકવાની પરવાનગી આપવા માટે શ્રી નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો મોબાઈલ પર : +91 9825859774 અથવા ઈ-મેઈલ પર : nirmish1960@hotmail.com સંપર્ક કરી શકો છો. ]

[1] સમાચારવાચકના અંતરાત્માના અવાજો

વર્ષો પહેલાં જૂલે વર્ન નામના સાહિત્યકારે માણસ ચંદ્ર પર જતો હોય એવી કલ્પના પોતાની વૈજ્ઞાનિક-નવલકથામાં કરેલી. વર્ષો પછી એ કલ્પના વાસ્તવિકતા બની ગઈ. મેં પણ (મારા ગજા મુજબ) હમણાં એક કલ્પના કરી છે, જે ભવિષ્યમાં વાસ્તવિકતા બની જશે એમ મને ઊંડે ઊંડે લાગ્યા કરે છે ! ધારો કે ટી.વી. ન્યૂઝની જેમ રેડિયો ન્યૂઝમાં બે સમાચાર વાચક વારાફરતી સમાચાર વાંચતા હોય, એટલું જ નહીં, પણ આકાશવાણીના બધા નિયમો નેવે મૂકી, પોતાનો અંતરાત્મા કહે એ પ્રમાણે સમાચાર વાંચતા હોય, તો શ્રોતાઓને ભાગે કેવા સમાચાર આવે ? તો, કલ્પી લો કે છગનભાઈ અને મગનભાઈ વારાફરતી, મેં કહ્યું એ પ્રમાણે સમાચાર વાંચે છે ને તમે રેડિયો ઑન કરો છો :

છગનભાઈ : (પિપૂડી જેવા પાતળા અવાજમાં) યે આકાશવાણી હૈ…..
મગનભાઈ : એ તો બધાયને ખબર છે કે આ પાતાળવાણી નથી, સીધો સમાચાર વાંચ ને !
છગનભાઈ : વચમાં ખોટી ડફોળગીરી ના કર ! આ તારા ડોહાનો બગીચો ન્હોય, યે આકાશવાણી હૈ ! માફ કરશો શ્રોતામિત્રો, હમણાં જે પ્રકારના બગીચા વિશે કહેવાયું, તે સમાચાર નહોતા. અમારી આંતરિક ગરબડને કારણે જે વિક્ષેપ પડ્યો, તે બદલ મારા સાથી સમાચારવાચક મગનભાઈ વતી હું માફી ચાહું છું.
મગનભાઈ : તંબુરો ! લ્યા મારા વતી માફી માગે છે ? સમાચાર વાંચ….

છગનભાઈ : તો મિત્રો… યે આકાશવાણી હૈ….. સવારના આઠ વાગ્યેને પચાસ મિનિટ થઈ છે…
મગનભાઈ : લ્યા શું બાફે છે ? માફ કરશો શ્રોતામિત્રો… હાલ આઠ વાગીને છપ્પન મિનિટ ને સાડી સત્તાવન સેકન્ડ થઈ ચૂકી છે. મારા સાથી છગનભાઈને એમના સસરા તરફથી સેકન્ડહેન્ડ ઘડિયાળ મળ્યું હોઈ, એમને સમય સાથે હવે લેવાદેવા રહી નથી.
છગનભાઈ : ખબરદાર, જો મારા સસરા વિષે કાંઈ બોલ્યો તો ! તારું ઘડિયાળ ભલે ઈમ્પોર્ટેડ હોય, પણ એ દાણચોરીનું છે ! ને તારો સસરો અઠંગ દાણચોર છે, એ વિષે શ્રોતાઓને….
મગનભાઈ : તું સીધી રીતે સમાચાર વાંચીશ ? કે પછી…
છગનભાઈ : એમ મને મુઠ્ઠીઓ દેખાડીશ, એટલે હું ગભરાઈ જઈશ ? સામો ગડદો મારતાં મનેય આવડે છે !
મગનભાઈ : તું ઝાંપા બહાર નીકળ, એટલે સમજાવું ! ખેર, તો શ્રોતામિત્રો, આજના મુખ્ય સમાચાર હું વાંચી….. (ખોંખોંખોંખો…)
છગનભાઈ : લ્યા પણ બીડીઓ ઓછી પીતો હોય તો ! હોઠ ભેગા થતા નથી, ને સમાચાર વાંચવા છે ! પૈસા ખવડાવી નોકરીમાં પેઠો એટલે, બાકી….
મગનભાઈ : મારા સાથીનો બકવાસ ધ્યાનમાં ન લેતાં, આજના મુખ્ય સમાચાર જોઈએ તો….અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ગાયે શિંગડે ચડાવતાં, ત્યાંના રહીશોમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ અભૂતપૂર્વ બનાવને પગલે શહેરના પોલીસ કમિશનરનાં…… કાગળિયાં કેમ ખેંચે છે લ્યા ?
છગનભાઈ : તેં… ખેંચું જ ને ! તારા વિસ્તારમાં ગાય શિંગડું મારે તો એ અભૂતપૂર્વ બનાવ, એમ ? ને મારા વિસ્તારમાં તારો સસરો સાત કિલો ગાંજા સાથે ઝડપાઈ ગયો, એ સમાચાર ના ગણાય ? એ તો રોજનું થયું, કેમ ?

મગનભાઈ : હવે હદ થાય છે…..
છગનભાઈ : હદ તો થાય છે સ્તો ! શ્રોતાઓને સાનભાન વગરનાં ગણી શકાય, અરે એમને મગજ વિનાનાં ગણવાયે હું તો તૈયાર છું ! પણ મગન, શ્રોતાઓ તું ધારે છે એવા ગધેડા તો નથી જ. અલ્યા, સમાચારમાં કાંઈ ના સૂઝે તો અભિષેક બચ્ચનના નામે તું બે-ચાર લફરાં ચડાવી શકે, મનમોહનસિંઘ શું નથી કરી શક્યા એ વિશે થોડું ઉમેરી શકે ! કમ સે કમ શ્રોતાઓને ગળે ઊતરે એવું તો કાંઈ હોવું જોઈએને ? તારા વિસ્તારની ગાય જે કાંઈ કરે એ બધુંય અભૂતપૂર્વ – એવું ક્યો અકકલનો ખાં માનશે ? એને સમાચાર માનવા કોઈ તૈયાર થાય, એવો શ્રોતા તું પકડી લાવે તો હું રાજીનામું આપવા તૈયાર છું !
મગનભાઈ : વાતે વાતે વરસમાં વીસ વખત તું રાજીનામું મેલવા તૈયાર થાય છે, ને વીસ વરસથી તું અહીં ઘોની જેમ ચોંટ્યો છે !

અને અચાનક અધવચ્ચેથી જ કોઈ ઘોઘરા અવાજમાં બોલે છે : ‘શ્રોતામિત્રો, અત્રે સ્પષ્ટતા કરવાની ફરજ પડે છે કે આ… આકાશવાણી જ છે. તાજા જ મળતા સમાચાર મુજબ વીસ વર્ષ જૂની ભૂલ આજે સુધારી લેવાઈ છે. અમારા બંને સમાચારવાચકો છગનભાઈ તથા મગનભાઈને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. હું અહીંનો સ્ટેશન ડાયરેક્ટર બોલું છું. હાલ બેઉ સમાચારવાચકના ટર્મિનેશન ઑર્ડર ટાઈપ થઈ રહ્યા હોઈ ટાઈપરાઈટરના અવાજો આપ સાંભળી શકશો…. કટ કટ કટ.’

[2] ઢેખાળાની ભવ્યતા

તમારા આંગણામાં પડેલ ઢેખાળાને જુઓ. શું વિચાર આવે છે ? ઓહ, આમ કતરાઈને હવે મારા માથા ભણી કેમ જુઓ છો ? તમે તો છો જ અવળચંડા ! હું કાંઈક જુદું કહેવા માગું છું, મિત્ર. એ ઢેખાળો તો…. હજારો ઢેખાળાઓની જેમ એક સામાન્ય ઢેખાળો જ છે. એના આકાર-કદ-રંગ-રૂપમાં કશુંયે રસપ્રદ જણાતું નથી. હવે ધારો કે તમે એટલું સાબિત કરવામાં સફળ થઈ જાવ કે એ જ ઢેખાળા વડે ગાંધીજી ઘરનું ભોયતળિયું ઘસી ઘસીને સાફ કરતા ! બસ, પછી તો તમારું અને એ ઢેખાળાનું નસીબ જ ઊઘડી જાય. (જો કે એમ બને જ કેવી રીતે ? તમારા તો નસીબમાં જ ઢેખાળા છે !) એમ બને, તો ચોક્કસ એ ઢેખાળો દિલ્હી કે કલકત્તાના કોઈ મ્યુઝિયમમાં ગોઠવાઈ જાય હોં ! પછી તો એ ઢેખાળા સંદર્ભે આવા સંવાદ પણ સાંભળવા મળે….

‘ઓહોહોહો…. ગજબ છે મારો બેટો !’
‘શું ?’
‘આ ઢેખાળો !’
‘મોઢું સંભાળીને બોલો, આને ઢેખાળો કહેવાય ?’
‘તો ?’
‘અરે જેના વડે ગાંધીબાપુ ઘરનું ભોંયતળિયું ઘસી ઘસીને ધોતા, એ પવિત્ર ચીજને તમે ઢેખાળો કહો છો ? ‘બાપુનો પથ્થર’ કહેવા જેટલોયે સંયમ નથી તમારામાં ?’
‘માફ કરજો, અજાણતાં મેં તમારી લાગણી દૂભવી. ધન્ય છે આ પથ્થરને… જે બાપુ કાજે ઘસાયો, બાપુના હાથે ઘસાયો, બાપુના ઘરમાં ઘસાયો ! આ ઐતિહાસિક પથ્થર વિશે….’
‘-હું તો ઘણું જાણું છું. છેક અમદાવાદથી અહીં દોડી આવ્યો છું આખું કુટુંબ લઈને, માત્ર આ ‘બાપુના પથ્થર’ ને જોવા, માનશો ? ગયે મહિને છાપામાં ‘બાપુના પથ્થરમાં પડતી જતી તિરાડ’ વિષે ચિંતા પ્રગટ કરતો એક લેખ મારા વાંચવામાં આવેલો પછી તો મારી ઊંઘ હરામ થઈ ગયેલી. આપણને…. ખરું કહું તો આપણા ઐતિહાસિક વારસા અંગે હોવાં જોઈએ તેવાં જ્ઞાન કે ગૌરવ છે જ નહીં ! આ જ પથ્થર જો લંડન કે પેરિસના કોઈ મ્યુઝિયમમાં હોત તો ત્યાં એનાં કેટલાં જતન થતાં હોત, પણ આપણા નઘરોળ સરકારી તંત્ર વિશે… બસ જવા દો વાત ! મને થયું કે બાપુનો પથ્થર પોતાના મૂળ કદ-રંગ-આકાર ગુમાવે એ પહેલા ઘરનાં સહુને એક વાર બતાવી જ દઉં, એટલે તાત્કાલિક જ અમે અહીં દોડ્યાં, માનશો ?’

‘મને શરમિંદો ન બનાવો, પ્લીઝ ! ખરેખર મને મારા અજ્ઞાન માટે શરમ ઊપજે છે. ધિક્કાર છે મને… ધિક્કાર છે મને…. !’
‘અરે અરે ! આમ આંસુ ના સારશો ભાઈ, નહીં તો હું યે રડી પડીશ ! ને આમ ભીંત પર માથું કૂટવાથી જુઓ ‘બાપુનો પથ્થર’ પણ હાલી ઊઠે છે. એથી એમાં વધારે તિરાડો પડશે, પ્લીઝ…. તમે છાના રહો. સમયનો સદુપયોગ કરો. જુઓ, ‘બાપુના પથ્થર’ ની ઉપરની સપાટી કકરી અને અનિયમિત આકારની છે, પણ નીચેની સપાટી લીસી અને એકદમ સમતલ છે ! જોયું ?’
‘અરે હા, તમારું નિરીક્ષણ તો ગજબનું છે હોં !’
‘તફાવતનું કારણ એ જ છે કે એની નીચલી સપાટી સતત ભોંયતળિયા સાથે ઘસાતી રહી હશે, એટલે એ લીસી-સપાટી બની ગઈ ! ને…. તે સપાટી પર જ લીલી ઝાંય વળેલી દેખાય છે….. ધ્યાનથી જોશો તો જ દેખાશે, જુઓ ! નહીં, એ બાજુથી નહીં, અહીંથી નીચા વળીને આ મારી આંગળીની સીધમાં જુઓ…. દેખાણી ?’
‘હા હા હા… લીલાશની ઉપર સહેજ ભૂરાશ છવાઈ હોય એવું પણ લાગે છે !’
‘લાગે જ ને ! કેટલાં વર્ષો થયાં આ પથ્થરને ! જે સપાટી પાણીના સંસર્ગમાં આવી હોય, તે લીલાશ તો પકડે જ. અને…. એ લીલાશ પર વાતાવરણની અસરને કારણે, કાળક્રમે ભૂરાશ છવાતી હોય છે. જોકે બાપુને આ પથ્થર સાથે કોઈ ખાસ પ્રકારની વિશેષ લાગણી હશે અને કદાચ જ એમણે આ પથ્થર અંગે ક્યારેય કોઈ ઉલ્લેખ કર્યો નથી… !…! માનશો ?’
‘એવું કેવી રીતે માની શકાય ?’
‘સાવ સહેલું છે, લ્યો ! મહાદેવભાઈની ડાયરીમાં પણ આ પથ્થર અંગે કોઈ નોંધ નથી ! એ દષ્ટિએ જોઈએ તો આ પથ્થરનું ઐતિહાસિક મૂલ્ય અનેકગણું વધી જાય છે ! ખુદ મહાદેવભાઈની નજરથી જે ચીજ છટકી ગઈ, તે જેવી તેવી તો ના જ હોય ને ?’
‘ઓહો… ધન્ય ધન્ય ધન્ય…. !’
***

ભવિષ્યના એક મહાન લેખક તરીકે હવે મને પણ મારી ચીજ-વસ્તુઓનું ‘સાચું મૂલ્ય’ સમજાયું છે. આગોતરી સાવચેતીરૂપે મેં મારી તૂટેલી કલમો, પટ્ટી વિનાનાં સ્લીપર, ઘસાઈ ગયેલા ઝભ્ભા, ચશ્માંની લીલી ઝાંયયુક્ત ફ્રેમો, બગડેલી ઘડિયાળ વગેરે ઘણી ઘણી અમૂલ્ય ચીજો સંઘરી રાખી છે. ભાવિ પેઢીઓ મારાં સ્મૃતિચિન્હોથી વંચિત ન રહી જાય, એની પૂરી તકેદારી હું રાખું છું. સુજ્ઞ વાચકમિત્રો અને આપણા સંગ્રહાલયોના મુખ્ય અધિકારીઓ આ બાબતની ખાસ નોંધ લેશો, તો એ એમના હિતમાં હશે, એમ આ ક્ષણે મને લાગે છે !


[3] કોલમિસ્ટનો ગુસ્સો અખબાર નિભાવી લે તો ?

‘કલ્પના’ જ એક એવું તત્વ છે, જે આ સમગ્ર સૃષ્ટિમાં ફ્કત મનુષ્ય પાસે છે, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. હું તો ઈચ્છું કે ઘણું ઘણું મારા જીવનમાં બને, આજુબાજુની દુનિયામાં બને ! પણ બધું કાંઈ આપણી ફરમાઈશ મુજબ બને ? પણ હા, કલ્પનાઓના સહારે મારે એક ભવમાં અનેક ભવ જીવવા છે. લેખોમાં એની અસર હોય ને ?

સામાન્ય માણસો જેટલી જ સમસ્યાઓ વચ્ચે જીવી, દરેક કટારલેખકે સંયમી લેખો આપવા પડે છે. મારી દષ્ટિએ આ એક બંધન તો છે જ. દરેક અખબારે જોખમ લઈને પણ, લેખકના સહજ ઉશ્કેરાટ-ગુસ્સો વગેરે લેખમાં પ્રવેશી ગયાં હોય તો પણ, એવા લેખો મુક્ત મને છાપવા જોઈએ. એની રોમાંચકતા અનેક વાચકોને આકર્ષે, એવું બનવાની ભરપૂર શક્યતાઓ હું જોઉં છું.

ઉદાહરણ આપું ? ધારો કે ‘લોકસત્તા-જનસત્તા’માં કોલમ ‘જ્ઞાનગોષ્ઠિ’ લખતા કટારલેખક બંસીધર શુક્લને ત્યાં સવારનું દૂધ નથી આવ્યું – કોઈ કારણસર. ચાની તલબ લાગી છે અને એમનો ગુસ્સો સાતમે આસમાને છે. હવે આ સંજોગોમાંયે એમણે કોલમ માટે મેટર તો આપવું જ પડે એમ છે. આથી વાચકોના પ્રશ્નોના જવાબો કાળઝાળ ગુસ્સા સાથે જો તેઓ આપે, તો એ મારી કલ્પનાનુસાર નીચે મુજબ હોય. (આ સંજોગોમાં ‘જ્ઞાન’ ગૌણ બની જાય છે. એની નોંધ લેશો.)

પ્ર : વડાવલથી રમણ વ્યાસ પૂછે છે : કૂતરાં ફળ કેમ ખાતાં નથી ?
ઉ : માણસોને એંઠવાડ ન ખાવો પડે એ કારણે મિત્ર ! અરે ભૈં. માણસોને ચ્હા-દૂધ માટે વલખાં છે, ને તમારે કૂતરાંને ફળ ખવડાવાં છે ? છતાં તમારા સંતોષ ખાતર જણાવું છું કે કૂતરાંને બળજબરીથી ફળ ખવડાવી શકાય છે. એ માટે એક ઈંચ વ્યાસ ધરાવતી, લગભગ ત્રણ ફૂટ લાંબી ભૂંગળીમાં બે-ત્રણ જાંબુ ગોઠવી, એ ભૂંગળીનો એક છેડો કૂતરાના મોંમાં ઘૂસાડી ઝડપથી ફૂંક મારી દેશો. જોકે કૂતરું તમારા પહેલાં વળતી ફૂંક ન મારી દે, એટલી અગમચેતી રાખશો.

પ્ર : અમદાવાદથી અરુણાબહેન પૂછે છે : મોં પરના ખીલ શી રીતે મટાડવા ?
ઉ : બહેન, તમે માધુરી દિક્ષિતથીયે વધુ પૈસાદાર કે રૂપાળાં છો ? માધુરીએ આ કોલમમાં આ જ પ્રશ્ન પૂછ્યો, ત્યારે મેં જણાવેલું કે શૂટિંગમાં ધ્યાન આપો. ખીલ તો આપમેળે જ મટવાના હશે તો મટશે. તમે પણ બહેન, હવેથી આવા પ્રશ્નો અહીં પૂછી વૈદની ફી બચાવી લેવાની વૃત્તિ છોડી દેશો.

પ્ર : રાજકોટથી રમણલાલ ક. વસાવા પૂછે છે કે ઈશ્વરે સૃષ્ટિ સર્જી; તો ઈશ્વરને કોણે બનાવ્યો ?
ઉ : ધારો કે કહું કે ઈશ્વરને ‘ફલાણા’ એ બનાવ્યો તો તમે અચૂક પૂછવાના કે એ ‘ફલાણાં’ ને કોણે બનાવ્યો ? આનો ક્યાંય અંત આવે ? કોણ કોને બનાવવા માગે છે એ હું બરાબર જાણું છું. મને આવી ઓવરસ્માર્ટનેસ પસંદ નથી, સમજ્યા ?’

પ્ર : વડોદરાથી ભીખુભાઈ રાઠવા પૂછે છે : હાલ કયો યુગ ચાલે છે ? સૃષ્ટિના યુગો કેટલા ?
ઉ : હાલ તમે કયા કાળમાં ઊભા રહી પ્રશ્ન પૂછો છો ? જો તમે વર્તમાનકાળમાં હો, તો તમારા આ પ્રશ્નની ગુણવત્તા (?) જોતાં તમને ખબર પડવી જોઈએ કે આ હળાહળ કળિયુગ છે. અન્ય યુગોની ચિંતા છોડી દો.

પ્ર : બામરોલીથી પોપટલાલ પંચાલ પૂછે છે : ગધેડાના આગળના બંને પગે ઢીંચણથી ઉપર કાળા ડાઘ શેના હોય છે ?
ઉ : કારણકે એના આગલા પગનો કોઈ વિશેષ ઉપયોગ નથી, ના છૂટકે ચાલવામાં એ વપરાય છે. પાછલા પગોથી જ ગધેડો લાત મારતો હોય છે (જો અનુભવ હોય તો !) એ જાણતા હશો. ને એ કારણે જ ત્યાં ઘસારો વધુ રહેવાથી ડાઘ ટકતા નથી, એમ માની શકાય. તમારી સૂક્ષ્મ અવલોકનશક્તિને કોઈ સારી જગાએ કેન્દ્રિત કરો તો કેટલું સારું ?

પ્ર : જંબુસરથી જેન્તિલાલ ઠક્કર પૂછે છે : આર્યો અને મોગલો ક્યાંથી આવ્યા ?
ઉ : જ્યાંથી તમે અને હું આવ્યા, ત્યાંથી જ તો. આ સૃષ્ટિમાં કોઈ વી. આઈ.પી. નથી. બધાએ જ્યાંથી આવ્યા, ત્યાં જ પાછા જવાનું છે, ધૂળમાં !

પ્ર : વીસનગરથી કનુભાઈ કહાર પૂછે છે : વિશ્વની સાત અજાયબીઓ કઈ ?
ઉ : સત્તરસો ને સાત વાર આ પ્રશ્નનો ઉત્તર હું આ કોલમમાં આપી ચૂક્યો છું. હવે તમે એમ કરો, તમારી ફોટાની સાત કોપીઓ બનાવી મઢાવી લો, અને….. તમારા ઓરડાની દીવાલ ફરતે ટાંગી દો, જેથી વારંવાર મને આ પ્રશ્ન ન પૂછવો પડે !

પ્ર : મહેસાણાથી મધુકર માવાણી પૂછે છે : પહેલાં રામ જન્મ્યા કે પહેલાં રામાયણ લખાયું ?
ઉ : પહેલાં બાળક જન્મ્યું કે બાળકના પપ્પા, એના જેવો આ પ્રશ્ન થયો ! તમે જો રામનંદ સાગરના ‘રામાયણ’ ની વાત કરતા હો, તો સ્ક્રીપ્ટ પહેલાં લખાઈ જાય ત્યાર પછી અરુણ ગોવિલ એટલે કે ‘રામ’ એ સિરિયલમાં જન્મવાની એક્ટિંગ કરે. તમે ક્યા ‘રામ’ ની વાત કરો છો, એના પર ‘રામાયણ’ નો આધાર રહે. ‘મહાભારત’ ને પણ આ જ બાબત લાગુ પડે છે, એની નોંધ લેશો.

પ્ર : સાણંદથી સુષ્માબહેન શેઠ પૂછે છે : શ્રીકૃષ્ણનાં નામો કેટલાં ?
ઉ : હાલ તો એક જ નામ યાદ આવે છે : બંસીધર.

પ્ર : કપડવંજથી કલ્પેશકુમાર દૂધિયા પૂછે છે : પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એની ખબર કેવી રીતે પડે ?
જ : સૂર્ય સામે અડધો કલાક આંખો ફાડીને ઊભા રહો, સૂર્યને તાકી રહેતાં, થોડી વારમાં તે સ્થિર અને અન્ય બધું જ ગોળ ફરતું દેખાશે. કોઈનું મગજ આ રીતે ન ફેરવવું, ભાઈ !

પ્ર : ઈડરથી અરજણ ઝાલા પૂછે છે : વર્તમાનપત્રમાં કોલમ ચલાવતા લેખોનું સ્તર કેવું હોવું જોઈએ ? મહેનતાણું કેટલું અપાય છે ?
જ : આ લેખ, જેમાં તમારા પ્રશ્નનો ઉત્તર સમાવાયો છે તે જો છપાશે, તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે. થોભો અને રાહ જુઓ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળકો અને જાહેરખબરો – સંકલિત
જીવનનો હેતુ (ભાગ-3) – મૃગેશ શાહ Next »   

23 પ્રતિભાવો : સદાબહાર હાસ્ય – નિર્મિશ ઠાકર

 1. Himanshu Zaveri says:

  really fuuny, મજા પડી ગઈ. thanks

 2. hitakshi pandya says:

  ha ha ha ha ha……..:) નિર્મીશભાઇ તમારી વસ્તુઓ ની તો ખબર નહી, પણ હાસ્યલેખો તો સાચવી રાખવા જેવા હોય છે જ.!!!!!!!છેલ્લી વાત માં સૌથી વધારે મજા પડી.

 3. Dipesh says:

  મજા આવિ ગઇ એક્દમ ઝ્કાસ

 4. gopal.h.parekh says:

  દહાડો સુધરી ગયો આજનો, મઝા પડી ગઈ

 5. Ritesh says:

  મઝા આવી ગઇ….

 6. takshak says:

  મને તો મઝા આવી ગઈ

 7. Keyur Patel says:

  વારી ગૂડ!!! મજા આવી.

 8. makrand annapurna says:

  ek saval hun pan puchu????
  saval pehla aavyo ke javab hato tethi saval no saval ubho thayo????????

 9. મૌલિકતા ક્યાં?

  સો સો…

 10. Manisha says:

  નિમેસભઈ . મજા આઈ હો…..આભાર્…

 11. Ankit says:

  ખૂબ મજા આવી ગઇ.

 12. Mohan Dhokiya says:

  ખુબ મઝા આવી ગઇ.

 13. આ આકાશવાણી વાળું જો ક્રીકેટ મેચ વખતે જોવા મળે તો પતી ગયું… 🙂

  ખુબ જ મજા આવી.. આવું જ ફરી કોઇ વખત થૈ જાય મૃગેશભાઈ…

 14. Ankit Rana says:

  ખુબ જ મજા આવી

 15. kumar says:

  ખૂબ મજા આવી ગઇ.

  soooooooooooo funny///

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.