જીવનનો હેતુ (ભાગ-3) – મૃગેશ શાહ

ઘણીવાર આપણને એમ પ્રશ્ન થાય કે મન અને બુદ્ધિ વચ્ચે તફાવત શું ? – તેનો ઉકેલ સાવ સરળ છે, જે સતત ખોજ કરતું રહે છે તે મન અને એ ખોજની પાછળ જે વિશ્લેષણ કર્યા કરે તે બુદ્ધિ. ઉનાળાની રજાઓમાં આપણને સિમલા અને કુલુમનાલી જવાનું મન થાય છે (‘મન થાય છે’ એમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ) કારણકે મનનો સ્વભાવ છે ક્રિયાઓને ઊભી કરવાનું. પરંતુ સિમલા-કુલુમનાલી જવામાં કેટલો ખર્ચ થશે, વળી એટલા પૈસા ખર્ચતા બાકીના પૈસામાંથી મહિનાનો ઘરખર્ચ નીકળશે કે નહિ એ ગણવાની જવાબદારી બુદ્ધિની છે. મનનું કામ છે વિચાર આપીને છૂટી જવાનું, બુદ્ધિનું કામ છે એ વિચાર પર અમલ કરતાં પહેલા તેના સારા-નબળા પાસાઓનું વિશ્લેષણ કરવાનું. જે વ્યક્તિ વિશ્લેષણ કર્યા વગર મનમાં જે વિચાર આવે એને સીધો આચરણમાં મુકી દે છે એને આપણે ‘બુદ્ધિ વગરનો’ કહીએ છીએ.

આ ‘બુદ્ધિ’ને ભારતીય દર્શનોએ બે પ્રકારમાં વહેંચી છે : સ્થૂળ અને સુક્ષ્મ. આ બંને પ્રકારની બુદ્ધિના કેટલાક જુદા જુદા લક્ષણો અને ગુણધર્મો છે. આખા જગતના તમામ વ્યવહારો જેની પર ચાલે છે તે બુદ્ધિનો પહેલો પ્રકાર છે – જેને સ્થૂળ બુદ્ધિ કહીશું. આ બુદ્ધિને જાગૃત કરવા તેમજ એકદમ તેજ અને ધારદાર કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તેનું નામ છે ‘શિક્ષણ’. યાદશક્તિ, તર્ક શક્તિ, પૃથ્ક્કરણ કરવાની આવડત અને ભવિષ્યમાં થનારી ઘટનાઓનું આગોતરું આયોજન – એ આ બુદ્ધિનું કાર્ય છે. તેના યોગ્ય ઉપયોગથી વ્યક્તિ ડૉક્ટર, વિજ્ઞાની, એન્જિનિયર અને ધારે તે બની શકે છે. યોગ્ય આયોજન અને ઈન્વેસ્ટમેન્ટથી સાત પેઢીઓ નિરાંતે ખાઈ શકે એટલું ભેગું કરી શકે છે. દુનિયાના સાતેય ખંડોમાં ખ્યાતનામ બને એટલી કીર્તિ મેળવી શકે છે.

પરંતુ, આ બુદ્ધિના કેટલાક નબળા પાસાઓ પણ છે. આ બુદ્ધિનું સૌથી મોટું નબળું પાસું એ છે કે તેનું દરેક કાર્ય મન પર આધારિત હોય છે. તેથી બને છે એવું કે મન જેટલી તીવ્રતાથી ભટકે, એટલું આ બુદ્ધિને પણ તેની પાછળ પાછળ દોડવું પડે છે. છેલ્લે એક સમય એવો આવે છે કે સ્થૂળબુદ્ધિ થાકી જાય છે અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. શારીરિક ક્ષમતાની આ બુદ્ધિ પર ખૂબ મોટી અસર પડતી હોય છે. નિર્ણયો અને આયોજનો યુવાનીમાં જે ત્વરાથી કરી શકાય છે એ પછી ઘડપણમાં કરી શકાતા નથી. સ્થૂળબુદ્ધિને તેજ રાખવા બહુ ઉપાયો કરવા પડે છે. તેની ‘બેટરી ડાઉન’ થતાં વાર નથી લાગતી ! તેને રોજ કસરત કરાવવા માટે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ની ક્રોસવર્ડ પઝલો ભરવી પડે છે, ‘સુડોકું’નો ઉપયોગ કરવો પડે છે, ‘જનરલ નોલેજના’ પુસ્તકોનો અભ્યાસ કરવો પડે છે. – આમ કરીને સ્મૃતિમાં અઢળક માહિતી ભેગી કરીને પછી યોગ્ય સમયે આપણે એને યાદ કરવી પડે છે, તો આપણે લોકોમાં ‘ઈન્ટલિજન્ટ’ તરીકે ઓળખાઈ શકીએ છીએ.

સ્થૂળબુદ્ધિની ઉપરનું એક સ્તર છે, જેનું નામ છે સુક્ષ્મ બુદ્ધિ. બુદ્ધિનો આ બીજો પ્રકાર ખૂબ મહત્વનો છે. આપણે અગાઉના પ્રકરણોમાં જોયું એમ, બુદ્ધિ એટલે કે સ્થૂળ બુદ્ધિ, વ્યક્તિને અંર્તમુખ નથી થવા દેતી – પરંતુ આ સુક્ષ્મ બુદ્ધિ વ્યક્તિને અંર્તમુખ બનવામાં સહાયક બને છે.

સુક્ષ્મ બુદ્ધિના કેટલાક ગુણો છે. સુક્ષ્મ બુદ્ધિનો એક અદ્દભુત ગુણ છે સ્થિરતા. ક્યારેક તો સુક્ષ્મ બુદ્ધિમાં એટલી બધી પ્રચંડ તાકાત હોય છે કે ભટકતા મનને પણ પકડીને બેસાડી દે છે. તેના નિર્ણયોમાં વિકલ્પ નથી હોતા, તેની ઉપસ્થિતિ જ કાફી હોય છે. ધ્યાનમાં આ પ્રકારની બુદ્ધિને કેળવવામાં આવે છે જે મનને વિષયોમાંથી પાછું ખેંચી લાવે છે અને સ્થિરતા બક્ષે છે. વળી, સુક્ષ્મબુદ્ધિને કોઈ પક્ષપાત નથી હોતો. તેને સદા સમભાવ હોય છે. આ સુક્ષ્મબુદ્ધિવાળા લોકો કદી કોઈથી અંજાઈ જતા(impress) નથી. તેઓ પોતાનું જ વ્યક્તિત્વ એવું નિર્માણ કરે છે, કે લોકો તેમને અનુસરવાનો પ્રયત્ન કરતા હોય છે. જીવનનો હેતુ, જીવનની ક્ષણભંગુરતા, વ્યક્તિનું કર્તવ્ય, સત્ય અને ધર્મમાં નિષ્ઠા, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા – એ તમામ દૈવી સંપદા સુક્ષ્મબુદ્ધિવાળા વ્યક્તિમાં જાગ્રત થાય છે.

વ્યક્તિ જો સ્થુળ અને સુક્ષ્મ બુદ્ધિ બંનેનો યોગ્ય ઉપયોગ કરતા શીખે તો તેનું જીવન સર્વાંગી બની રહે. ફક્ત સુક્ષ્મબુદ્ધિનો ઉપયોગ કરીને તો સંત-મહાત્મા લોકો જીવી શકે. આપણે તો રોજિંદા વ્યવહારમાં સ્થુળબુદ્ધિ નો ઉપયોગ કરવો જ પડે છે. પરંતુ એમ કરતાં કરતાં જો એકલી સ્થુળ બુદ્ધિનો ઉપયોગ કર્યા કરીશું તો એકસમયે જ્યારે એ આપણો સાથ છોડી દેશે, ત્યારે આપણું જીવવાનું આકરું થઈ પડશે. વ્યવહારમાં આ બુદ્ધિના પ્રકારોને કેવી રીતે અલગ પાડી શકાય તે માટે થોડા ઉદાહરણો જોઈએ.

ઉદ્યોગપતિ પોતાનો ઉદ્યોગ નફો મેળવવા માટે ચોક્કસ કરે પરંતુ એ નફો મેળવવાની એક મર્યાદા જાળવી રાખે અને પોતાના કર્મચારીઓનું શોષણ ન કરતાં, તેઓના જીવનનો પોષક બને તો એ ઉદ્યોગપતિ સુક્ષ્મબુદ્ધિવાળો કહેવાય. આ પ્રકારનો વ્યક્તિ ભલે લોકો કરતાં થોડો નફો ઓછો કરે, પરંતુ તેના કાર્યથી તે પૂરેપૂરો સંતુષ્ટ અને સ્થિર મન વાળો બને છે – અને એના પરિણામે તે સ્વસ્થ મનથી જે નિર્ણયો લઈ શકે છે તે તેને ભવિષ્યમાં બમણું રળી આપે છે. આ જ રીતે વિદ્યાર્થી સ્પર્ધાઓને બાજુએ રાખીને પોતાના અભ્યાસ પ્રત્યે રસને જાગૃત કરે, જ્યાં હોય ત્યાં રૂચિ પૂર્વક અભ્યાસ કરે અને પોતાના વાંચન અને અભ્યાસના બળે આગળ વધે તો એ વિદ્યાર્થી પરિક્ષામાં ભલે લોકો કરતાં ટકા ઓછા લાવે, પરંતુ તે જે ક્ષેત્રમાં કામ કરશે ત્યાં પોતાની અદ્વિતિય છાપ છોડી જશે. રસપૂર્વક અભ્યાસ કરવાની તેની આ ઊંડી અને સુક્ષ્મ સમજ તેને જીવનમાં ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે છે.

માણસ જીવનમાં પૈસા કમાય એ ખોટું નથી, અભ્યાસ કરે અને ડિગ્રીઓ પ્રાપ્ત કરે એ ખોટું નથી પરંતુ સાથે સાથે જીવનને માણવાનું છે એ ભૂલી જવો ન જોઈએ. પૈસા, ડિગ્રીઓ અને તમામ ભૌતિક સાધનો એ જીવન માટે છે, એ જ જીવન નથી ! – આવી સુક્ષ્મબુદ્ધિ વ્યક્તિએ કેળવવી જોઈએ. જેઓ સુક્ષ્મબુદ્ધિ નથી કેળવી શકતા તેઓ દુનિયાનું હંમેશાં અનુકરણ કરતા હોય છે. તેમના મોઢે એક જ વાત સાંભળવા મળે છે કે – ‘જો આમ નહીં કરીએ, તો આમ થઈ જશે. જો ભણીશું નહિ તો આમ થઈ જશે, જો મહિને આટલા પૈસા નહીં કમાઈએ તો આમ થઈ જશે.’ એવી એક જ પ્રકારની વિચારધારાથી ગભરાવા કરતાં આપણે પોતે જે ક્ષેત્રમાં હોઈએ ત્યાંથી જીવનને માણતાં આગળ વધવું જોઈએ. બુદ્ધિપૂર્વક ગણતરીઓ કરીને આપણને ડરાવી મૂકે એ શિક્ષણ કેવું, યાર !! જેની બુદ્ધિ ખરેખર અભ્યાસથી વિકસિત થાય એ ખરેખર ર્નિભય બનવો જોઈએ.

આપણે ત્યાં શિક્ષણ જગતમાં એક ખૂબ પ્રચલિત સુત્ર વપરાય છે : ‘સા વિદ્યા યા વિમુક્તયે’ જે વિચારોના બંધનમાંથી મુક્ત કરીને વિશાળતા અર્પે તે વિદ્યા. વિદ્યા, અભ્યાસ અને ભણતરનો અર્થ છે કે સામેવાળો જે સ્થિતિમાં છે તેને તે સ્થિતિમાં સ્વીકારવો. તેની પરિસ્થિતિને સમજવી. આપણે ભણેલા હોઈએ તેથી આપણી વિશ્લેષણ કરવાની સ્થૂળ બુદ્ધિ હોય એ આવકારદાયક છે પરંતુ એ સાથે આપણી એટલી સુક્ષ્મબુદ્ધિ પણ કેળવાવી જોઈએ કે આપણી સામે જો અભણ વ્યક્તિ હોય તો પણ તેનો આદર કરીએ. વ્યક્તિમાં રહેલા ગુણોને બિરદાવીએ. જો તમે ખરેખર ભણેલા હોવ તો, તમારી સામેના અભણ વ્યક્તિના સદગુણોને ઓળખીને તેને કેળવવાનું માધ્યમ પૂરું પાડો. ઘણીવાર સમાજમાં એવું સંભળાય છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થનાર વ્યક્તિ એવું વિચારે છે કે મેં “આર્ટીકલશીપ” કરવામાં જેટલી તકલીફો વેઢી છે એટલી તકલીફો હું મારા આર્ટીકલોને પણ આપીશ તો તેઓને ખબર પડે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેવી રીતે બનાય છે ! – આને સ્થૂળબુદ્ધિ કહેવાય. વ્યક્તિનું શીલ તો એ છે કે જે પોતાને તકલીફ પડી હોય તે બીજાને ક્યારેય ન પડે એવા પ્રયાસો કરે. પોતાનું કામ કઢાવવા બીજાનું શોષણ કરનારા આવા શિક્ષિત ‘અભણો’ નો સમાજમાં આપણે ત્યાં બહુ મોટો વર્ગ છે. અભણ તો બિચારા સારા, કે જે કહો એ માનેય ખરા, પણ આ તો ભણેલા અભણો…. ! એમની બુદ્ધિ પોતાના લાભ પૂરતી જ સીમિત હોય છે. પોતના લાભથી આગળ જે વ્યક્તિ કશું ના વિચારી શકે તે હકિકતમાં કોઈ જ પ્રકારના લાભો પામતો નથી હોતો. કેવળ ગણતરીઓ કરીને જીવન પૂરું કરે છે. એની બુદ્ધિ એને પોતાને જ એવી ભ્રમણાઓમાં નાખે છે કે એમાંથી બહાર નીકળતા નીકળતા એના 60 વર્ષ વીતી ગયા હોય છે. તેઓ સુક્ષ્મબુદ્ધિ ક્યારેય કેળવી શક્તા નથી.

સુક્ષ્મબુદ્ધિનો ભગવદગીતાએ ખૂબ મહિમા ગાયો છે. સુક્ષ્મબુદ્ધિને તે ‘સ્થિર’ ગણે છે. તેના પર અઢળક શ્લોકો લખાયા છે. સૌથી પહેલું ઉદાહરણ તો સાંખ્યયોગ છે.

સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ:
સ્થિતધી: કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ | (અધ્યાર 2, 54)

[હે કેશવ ! સમાધિમાં રહેલા સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા શી છે ? તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોઈ બોલવા-ચાલવા, બેસવા-ઊઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે ? ] આ પ્રકારે આખું પ્રકરણ સ્થિરબુદ્ધિ વાળા વ્યક્તિઓ માટે લખાયું છે. વળી, આ સુક્ષ્મબુદ્ધિના લક્ષણો ગણાવતાં ભગવતગીતા એક વધુ શબ્દ વાપરે છે : જેનું નામ છે “સમત્વ બુદ્ધિ.” તેનો એક સુપ્રસિદ્ધ શ્લોક કંઈક આ પ્રમાણે છે.

બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે,
તસ્માદ્યોગાય યુજસ્વ યોગ: કર્મસુ કૌશલમ | (અધ્યાય 2, 50)

[ સમત્વ બુદ્ધિવાળો પુણ્ય અને પાપ બંનેને અહીં ત્યજી દે છે, તેથી એ યોગ માટે તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ યોગ છે. ] આમ કહીને સમત્વબુદ્ધિનો પરિચય ભગવાન શ્રીકૃષ્ણ આપે છે. તે પછી 12 મા ભક્તિયોગના અધ્યાયમાં ઈશ્વરે ખુલ્લી ચોખવટ કરી છે.

અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર: કરુણ એવ ચ,
નિર્મમો નિરહંકાર: સમદુ:ખસુખ: ક્ષમી |
સંતુષ્ટ સતતં યોગી યતાત્મા દઢનિશ્ચય:
મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદભક્ત સ મે પ્રિય: || (અધ્યાય 12, 13-14)

[ જે સર્વ પ્રાણીઓમાં દ્વેષભાવથી રહિત, મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકારરહિત, સુખદુ:ખ સમાન માનનારો, ક્ષમાવાળો, સદાસંતોષી, યોગનિષ્ઠ, મન વશ રાખનારો, દઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલાં મન-બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે. ] તેથી સિદ્ધ થાય કે બુદ્ધિની તો જરૂર છે પરંતુ જે ઈશ્વરને અર્પણ કરી શકાય એવી સુક્ષ્મ બુદ્ધિની. વિવેકયુક્ત બુદ્ધિની, સદભાવ-સ્થિરતા અને સમભાવ ધારણ કરેલી બુદ્ધિ છે તેની. સ્થૂળબુદ્ધિ તો કેવળ પોતાનું જ વિચારે. એ અહંકાર અને મમતા વિનાની કેવી રીતે હોઈ શકે ? એ પોતે જ મનના કાબુમાં હોય ત્યાં એ મનને વશ કેવી રીતે કરે ?

બાળક રોજ કંઈક નવું શીખે છે. તે રોજ બદલાય છે. તેના વિચારો અને સમજમાં રોજ એક નવો વળાંક આવે છે. મનુષ્યનું સમગ્ર જીવન પણ બાળક જેવું હોવું જોઈએ – કે જે રોજ નીતનૂતન શીખ્યા કરે. પોતાની સમજ અને પરિપક્વતાને દશે દિશામાં વિકસાવે. પોતે ભૌતિક પ્રગતિ કરીને સ્થૂળ રીતે જેટલો આગળ વધે છે એટલો જ આંતરિક પ્રગતિ કરીને સુક્ષ્મ રીતે આગળ વધવાનો પ્રયત્ન કરે. આમ થશે તો તે જ્યાં હશે ત્યાં પ્રસન્નતાને માણી શકશે. મનુષ્યની વિવેક, સમભાવયુક્ત બુદ્ધિથી તે જ્યાં હોય ત્યાં શોભી ઊઠે છે. તેથી એમ લાગે છે કે મનુષ્ય જીવનનો ત્રીજો હેતુ એ સ્થૂળબુદ્ધિમાંથી સુક્ષ્મ બુદ્ધિ તરફ ગતિ કરવાનો છે. પોતાનો વિકાસ કરતાં કરતાં બીજાને મદદરૂપ થઈ શકાય – એવો વિચાર કેળવવાનો છે. બુદ્ધિના જે પ્રકારો છે મેઘા, સ્મૃતિ, પ્રજ્ઞા – એ બધાને આ સુક્ષ્મબુદ્ધિની મદદથી જ જાણી શકાય છે.

છેલ્લે ફરી એકવાર શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોક સાથે ઈશ્વરના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે આપણી સુક્ષ્મ-વિવેક અને સદભાવવાળી બુદ્ધિ રોજેરોજ લોકકલ્યાણ માટે વિકસતી રહે.

મચ્ચિત્તા મદગતપ્રાણા બોધયન્ત: પરસ્પરમ,
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ |
તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ,
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ||

[તેઓ મારામાં ચિત્તવાળા, મારામાં જ પ્રાણોને અર્પણ કરવાવાળા પરસ્પર મારા પ્રભાવને જણાવતા અને મારી કથા કરતા સદાય સંતોષ પામે છે, તથા આનંદી રહે છે. એમ મને પ્રેમપૂર્વક ભજતાં મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સદાબહાર હાસ્ય – નિર્મિશ ઠાકર
કુર્યાત સદા મંગલમ્ – અવંતિકા ગુણવંત Next »   

22 પ્રતિભાવો : જીવનનો હેતુ (ભાગ-3) – મૃગેશ શાહ

 1. JITENDRA TANNA says:

  ખુબ સરસ લેખ. વાહ મૃગેશભાઈ. આ લેખમાળા નિયમિત ચાલુ રાખજો. અભિનંદન.

 2. kalyani vyas says:

  ખુબ જ સરસ , મને ગમ્યુ.

 3. Lata Hirani says:

  એક્સેલન્ટ… અભિનઁદન

 4. Vikram Bhatt says:

  Very Good Attempt to draw home a different point/perspective.

 5. Jayshri says:

  બહુ સરસ લેખ છે .

 6. Sujata Patel says:

  really very nice. I think also need some guidance, how to imrove ourselves or in other words how to put this in our life. There is lot of misunderstanding about “Bhakti”. So in future in continuation of this series also add some solutions.

 7. Keyur Patel says:

  મ્રુગેશભાઈ, બહુ જ સરસ લેખ છે. અભિનંદન!!!!

 8. કલ્પેશ says:

  ‘સા વિદ્યા યા વિમુક્તયે’

  મારી સ્કુલના બૅજ (બિલ્લા) પર આ લખાયેલુ હતુ. આજે આની યાદ તાજી થઇ ગઇ.

  આભાર મૃગેશ 🙂

 9. Ami says:

  ઘણો જ સરસ લેખ. Thanks!

 10. Suresh patel says:

  It is really good i don’t have any word about very good exelent thank you!

 11. ્મૃગેશભાઈ,
  હવે તમારા તરફથી પણ રેગ્યુલર રીતે અહીં લેખ જોઇએ જ.. શું સમજ્યા??

  🙂

 12. preeti hitesh tailor says:

  આ લેખમાળા દ્વારા આપ એક સશક્ત માનસસૃષ્ટિનું સર્જન કરી રહ્યા છો જેની દૂરોગામી અસર જરુર વર્તાશે.

 13. Percocet….

  Percocet addiction recovery. Compare darvocet and percocet….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.