મારી પાસે પૈસા છે – ફાધર વાલેસ
[‘શબ્દલોક’ પુસ્તકમાંથી સાભાર]
ગુજરાતી ભાષા અપરિગ્રહી ભાષા છે. એમાં જે જે કંઈ મળે છે તે મળે જ છે, એટલે કે જડે છે, લાગે છે, પ્રાપ્ત થાય છે, આવે છે અને જેવું આવે છે તેવું જાય પણ છે. ભાષામાં પરિગ્રહ જ નથી. નોકરી મળે અને નોકરી જાય. જાણે એની પાછળ કોઈએ કશું કર્યું ન હોય એ રીતે. પૈસા મળે અને પૈસા જાય. પ્રવાસ ચાલુ છે. મણસો ખાલી એની વચ્ચે ઊભા છે અને જે આવે તેને આવવા દે. અને જે જાય તેને જવા દે. અને ભૂલેચૂકે જો કોઈ અભાગી માનવી પૈસા ભેગા કરવાનો અવળો ધંધો કરવા ધારે તો એ ‘પૈસા કમાય છે’ એમ કહે એટલે ક્રિયાપદમાં જ (કમાય છે) કર્મણિપ્રયોગનો ભાસ કરાવે છે. કરાય છે તેમ કમાય છે ને ?
ગુજરાતમાં પૈસો છે અને ગુજરાતીઓને પૈસાની જોડે સારું ફાવે છે એ પણ સાચું છે, પણ ગુજરાતમાં અપરિગ્રહની કદર છે અને ત્યાગનો મહિમા છે એ આટલું જ સાચું છે. જૈન સાધુઓ અપરિગ્રહનું વ્રત લે છે અને અદ્દભુત આચરણથી પાળે છે, અને ગાંધીજી ગુજરાતના જ હતા. એ મૂલ્યો ને એ ભાવના આજે પણ આપણી પાસે છે, અને એની છાપ ભાષા ઉપર પણ પડે છે.
જેને ગુજરાતી અને અંગ્રેજી સારી રીતે આવડતાં હતાં એવા એક ભાષાશાસ્ત્રી મિત્રની સાથે હું એક વખત એ બે ભાષાઓના સામ્ય-તફાવત વિશે વાત કરતો હતો. એમાં મેં કહ્યું : ‘ગુજરાતી-અંગ્રેજી વચ્ચે મોટામાં મોટો ફેર તમારા ખ્યાલમાં આવ્યો ? વિચાર કરો. અંગ્રેજીમાં સહાયકારક ક્રિયાપદ ‘to have’ છે. એની મદદથી બીજાં ક્રિયાપદોનાં રૂપાખ્યાન થાય છે, એટલું જ નહિ પણ રોજ રોજ અસંખ્ય સ્વતંત્ર પ્રયોગોમાં વપરાય. ‘I have money, I have a dog, I have fever, I have an idea, I have hope, I have a bad temper, I have a brother, I have a problem, I have a habit, I have…’ એનો અંત જ નહિ આવે. જાણે આખી ભાષા આ એક શબ્દ ઉપર રચાઈ હોય એવું લાગે. ‘To have’ ક્રિયાપદ અને એનાં રૂપો વાપર્યા વગર અંગ્રેજીમાં બોલવું શક્ય જ નથી. આ એનો સર્વવ્યાપી અને અનિવાર્ય શબ્દ છે. હવે વિચાર કરો. જરૂર પડે તો કોઈ સારા શબ્દકોષમાં જુઓ. ‘To have’ નું ગુજરાતી શું ? છે કોઈ શબ્દ ? કોઈ ક્રિયાપદ ? કોઈ પ્રયોગ ? હા, અંગ્રેજી લોકો અંગ્રેજીમાં કહે એ બધું આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ અને જરૂર કહીશું અને સારી રીતે કહીશું. પરંતુ એ શબ્દ આપણી પાસે નથી. શબ્દકોષમાં SUN = સૂરજ એ રીતે To Have = ? એવો શબ્દ ન આપી શકાય. અંગ્રેજીમાં એના વગર ન ચાલે, અને ગુજરાતીમાં એ છે જ નહિ – એ બે ભાષાઓની વચ્ચે મોટામાં મોટો ફરક છે.’ મારા મિત્રનો પ્રતિભાવ નોંધું : ‘તમારી વાત સાચી છે એટલું જ નહિ, દેખીતી જ છે; તોય એ કદી મારા ધ્યાનમાં આવી નહોતી.’ તો એ ધ્યાન પર લાવીએ.
‘To Have’ એ પરિગ્રહનો શબ્દ છે. માલિકી, મિલકત, કબજો (ને આ ત્રણે અરબી શબ્દ નીકળ્યા ! આપણા સંસ્કૃત વારસામાં એવા શબ્દો નથી !) અંગ્રેજી ભાષામાં એ શબ્દ વણેલો છે કારણકે પશ્ચિમની મનોવૃત્તિમાં એ મૂલ્ય જડેલું છે, પૈસા. સફળતાના માપ પ્રમાણે અને સુખ મેળવવાના સાધન પ્રમાણે એનું મહત્વ છે. માટે એની પરિભાષા છે. એના શબ્દપ્રયોગો છે. પરિગ્રહનું વ્યાકરણ જ છે. જ્યારે આપણી પરિભાષામાં ‘To have’ શબ્દ છે જ નહિ, અને એની ગેરહાજરી ધ્યાનમાં આવતી પણ નથી. પરિસ્થિતિ જરા તપાસીએ.
અંગ્રેજી : ‘I have a brother’ જાણે તમારો ભાઈ તમારી માલિકીનો ન હોય ! તમારી મિલકત છે; તમારાં મકાન, કપડાં, ટેબલ-ખુરશી, રાચરચીલાની કોટિમાં આવે છે. તમારો છે. વેચી શકો છો, આપી શકો છો, બદલી શકો છો. ‘I have a pen’ એટલે એનું ગમે તે કરી શકું, કોઈને આપી શકું, ફેંકી પણ શકું. તો ભાઈ માટે પણ એ જ પ્રયોગ છે એટલે એ જ ભાવ પણ હશે ને ! વાક્ય તો એક જ છે. સાવ બેહૂદું છે. ગુજરાતીમાં અભિગમ જુદો છે. ‘મારે એક ભાઈ છે.’ ભાઈ છે અને સ્વતંત્ર છે. વાક્યનો કર્તા પણ છે અને એ “મારે” છે, એટલે કે મને એનો સાથ છે, મારા ઉપર એનો પ્રેમ છે. હું એનો માલિક તો નથી.
અંગ્રેજી : ‘I have two ears and one nose’ ક્યાં ખિસ્સામાં છે ? કે તિજોરીમાં છે ? ક્યાં રાખો છો ? રૂમાલ સાથે રાખો છો ? પૈસા સાથે રાખો છો ? એનો અર્થ એ થાય ને ? બોલવાની રીત એ જ છે માટે વર્તવાની રીત એ જ હશે ને ? ગુજરાતી : ‘મારે બે કાન અને એક નાક છે.’ મારે છે. મારે બેની સંભાળ લેવાની છે, એનો ઉપયોગ કરવાનો છે. ગાંધીજીની પરિભાષામાં હું એનો ટ્રસ્ટી છું, માલિક નથી. એ જ ભાવના છે. માટે એ જ વાણી છે.
ને સૌથી મઝાની વાત પૈસાની. ‘મારી પાસે પૈસા છે.’ બસ. મારી પાસે છે. હાથમાં છે, ખિસ્સામાં છે, બૅંકના ખાતામાં છે. નજીક છે, પાસે છે. પણ મારા નથી. ત્યાં બેઠા છે. મારો હાથ એની પાસે જાય એની રાહ જુએ છે. વાપરું તો વપરાય. રહેવા દઉં તો રહે. ત્યાં છે. પાસે છે. પૈસા મારી પાસે છે. એવો નિ:સ્પૃહી શબ્દપ્રયોગ યુરોપની કોઈ પણ ભાષામાં નથી. મન લોભી છે તે ભાષાને પણ લોભી બનાવે છે. અને ‘I have’ ના સ્વાર્થી પ્રયોગો કરાવે છે. આપણે ત્યાં લોભ ઓછો છે એમ નથી, પણ આર્યપરંપરા અપરિગ્રહની જ છે અને સંસ્કૃત ભાષામાં ને તે ઉપરથી ભારતની બીજી ભાષાઓમાં એનો પડઘો હજીય છે. ‘મારી પાસે પૈસા છે.’ હું પોતે તટસ્થ છું, અલિપ્ત છું, નિ:સ્પૃહી છું. પૈસા નજીક છે. રહેવા દો. જરૂર પડશે તો વાપરીશું. ખલાસ થશે તો એમ કહીશું : ‘મારી પાસે પૈસા નથી.’ હું એનો એ જ છું. પૈસા નજીક હતા ત્યારે જેવો હતો તેવો અત્યારે પણ છું. હું ધનવાન છું અને હું ગરીબ છું એવું નહિ. હું હંમેશા એનો એ જ છું. પૈસા આવે ને જાય. હું રહું. હું સ્થિર છું. હું અપરિગ્રહી છું. હું આ લખી રહ્યો છું. એમાં એક વૃક્ષ છે, એક પક્ષી છે, એક બગીચો છે. પાસે છે, નજીક છે. મને એનો લાભ મળે છે. પણ એના ઉપર હું કોઈ માલિકીનો દાવો કરતો નથી. પૈસા ઉપર પણ નહિ. પાસે છે એની સગવડ છે. પણ વળગે છે એનું બંધન નથી. મને એ સ્પર્શતા નથી.
‘To have’ ક્રિયાપદનો પ્રભાવ એટલો બધો છે કે ગુજરાતીમાં એના પર્યાયો શોધવા પ્રયત્નો થયા છે અને પ્રયત્નો ખાસ સફળ થયા પણ નથી. એક પ્રયત્ન ‘ધરવું’, ‘ધરાવવું’ ક્રિયાપદ લઈને થયો છે. ‘એ ઊંચી પદવી ધરાવે છે.’ ‘એ ઉમદા વિચારસરણી ધરાવે છે.’ હા, ધરાવે છે. પણ એનો મૂળ અર્થ એટલો થાય કે એ પદવી અથવા તો એ વિચારસરણી ધ્યાનમાં રાખે છે, એના ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. એ મૂળ શબ્દનો સાચો અર્થ છે. એમાં અંગ્રેજીના ‘He has a high degree’ નો ભાસ જ આવતો નથી. બીજો પ્રયોગ : ‘એ નોકર રાખે છે.’ ઘરમાં નોકરને રાખે તો મહેરબાની એની, પણ નોકરની પાસે કામ કરાવે છે એ ભાવ તો ‘રાખે છે’ ના પ્રયોગમાં આવતો નથી. ગમે તેટલા પ્રયત્નો કરીએ તોય ‘to have’ માટે ગુજરાતીમાં પર્યાયિક શબ્દ ન મળે. અને એ ગુજરાતી ભાષાનું ગૌરવ છે.
અંગ્રેજીની તો કમાલ છે. નીચેનાં વાક્યો તપાસો અને એમાં “મારા” શબ્દનો સ્વાર્થી પ્રયોગ બરાબર જુઓ : ‘I am doing my B.A.’, ‘I am eating my breakfast’, ‘I am saying my prayers.’ જોયો ને માણસનો સ્વાર્થ ? હું “મારું” બી.એ કરું છું. “મારો” નાસ્તો કરું છું, “મારી” પ્રાર્થના કરું છું. ભગવાનની પ્રાર્થના તો નથી ને ? બધે જ મારું, મારું, મારું. ગુજરાતીમાં હું બી.એ. ભણું છું, નાસ્તો કરું છું, પ્રાર્થના કરું છું. ‘મારું’ ક્યાંય નહિ. અંગ્રેજીમાં “મારા” લક્ષ્યસ્થળે પહોંચવા માટે “મારી” બસ પકડવાની હોય છે. જાણે પોતાની ખાનગી એકલાની બસ ન હોય ! ત્યાંની નગરપાલિકાની ભારે ઉદારતા અને અદ્દભુત વ્યવસ્થા લાગે છે ! દરેક નાગરિકને “પોતાની” બસ. ‘I take my bus to reach my destination.’ જરૂર તમારી બસ લેશો અને સાચવીને ચલાવશો. તમારી છે ને ?
અંગેજીનો આ બેહૂદો પ્રયોગ યુરોપની બીજી ભાષાઓમાં નથી, અને એટલા માટે હું ભારતમાં આવીને અંગ્રેજી શીખ્યો ત્યારે એ વાત મારા ધ્યાનમાં આવી. એ વખતે હું અમારા સંધની લાંબી તાલીમમાં ફિલસૂફીના અભ્યાસ માટે ત્રણ વર્ષનો કોર્સ છે એ કરી રહ્યો હતો, અને સ્પેનિશ ભાષામાં અમે ટૂંકમાં કહેતા, ‘હું ફિલસૂફી કરી રહ્યો છું.’ ભારતમાં આવીને મારા એક સમોવડિયાને એ તાલીમના ક્યા તબક્કામાં હતા એ જાણવા માટે મેં સીધું પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો : ‘હું મારી ફિલસૂફી કરી રહ્યો છું’ મને બહુ નવાઈ લાગી. ખોટું પણ લાગ્યું. શું એ ‘મારી’ ફિલસૂફી કહેતો હતો ? જાણે એની પોતાની હોય, જાણે એની અને મારી જુદી હોય, જાણે એની વાત જ અલગ હોય એ રીતે એ બોલતો હતો. અભ્યાસક્રમ એ જ હતો, અધ્યાપકો એ જ હતા, સંસ્થા એ જ હતી, ફિલસૂફી એ જ હતી ને પરીક્ષા એ જ હતી ને ડિગ્રી એ જ હતી. તોય એ ‘મારી’ ફિલસૂફી કહીને ઊંચે મોંએ ફરતો હતો. જાણે એની મૌલિક શોધ હોય, એનું સર્જન હોય, એણે માનવજાતને આપેલું આગવું વિશિષ્ટ યોગદાન હોય ! ‘I am doing my philosohy’ એ વાક્ય સાંભળીને મને ખૂબ આંચકો લાગ્યો, અને એનો શાબ્દિક ધક્કો હજીયે આજે એ યાદ કરતાં મનમાં અનુભવું છું. એ પ્રસંગનો અંત પણ બરાબર યાદ છે. એણે મને સામું પૂછ્યું : ‘અને તમે શું કરી રહ્યા છો ?’ ત્યારે મેં છાતી ફુલાવીને અને અવાજમાં મોટાઈ લાવીને કહ્યું : ‘હું મારી ફિલસૂફી કરી રહ્યો છું.’ જોઈએ કોની ચડે, તમારી કે મારી ! દુનિયામાં સ્પર્ધા છે. આકરી ભાષા બે સહાધ્યાયીઓને પણ સંપીને સરખો અભ્યાસ કરવા દેતી નથી, પણ વિદ્યામાં અને જ્ઞાનમાં પણ “મારા” અને “તારા” ના ભેદ પડે છે. સ્વાર્થનું સામ્રાજ્ય છે.
અંગ્રેજી અતિશય પરિગ્રહની ભાષા છે, ગુજરાતી નથી.
Print This Article
·
Save this article As PDF
THanks !!! HAVE TO READ THIS ARTICLE….
ખુબ સરસ લેખ … Thanks Mrugeshbahi for selecting a nice article.
અદ્ભુત, આ વાત તો ક્યારેય ધ્યાનમાં આવી જ નહિ… ખુબ સુંદર….
લેખ મને ગમ્યો.
શુ આખુ પુસ્તક વેબસઇત પર મલે ખરુ?
ખુબ જ સાચી વાત પણ જાણે આપણને આ નિબન્ધ વાન્ચિનેજ ખ્યાલ આવ્યો.
મને આ લેખ ખુબજ ગમઈયો.આને ભવિશ્ય મ પન આવા લેખો વાચવા મલ્શે તો ખુબ આનંદ થશે.
Excellent article explaining the richness of Gujarati language. Isn’t it strange that a person whose mother tongue is not Gujarati – can notice such a difference.
Mrugeshbhai credit goes to you too for pointing this out.
Excellent article ……….
ખુબ જ સરસ લેખ ચ્હે. After moving out of Gujurat and then out of India, I read an artical with so much deep thinking. Love it.
This was my first visit to this web site, but I think now I’ll be regular.