પિતા – કૈલાશ કલ્પિત

[પ્રસ્તુત હિન્દી સાહિત્યની વાર્તાનો શ્રીમતી નિરૂપમાબેન શેઠે ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. વાર્તાનું મૂળ તત્વ અથવા તેનો સાર જોવા જોઈએ તો તેમાંથી કોઈ સંદેશો મળતો હોય તેમ પ્રથમ નજરે લાગે નહીં, પરંતુ વસ્તુત: વાત એમ નથી. વાર્તાનો ઉદ્દેશ દાયકાઓ પહેલા જીવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની સામાજિક સ્થિતિ પર નજર નાખવાનો છે. આર્થિક ભીંસમાં જીવતો એક સામાન્ય માનવી સામાજિક પરિસ્થિતિઓને વશ થઈને કેવું પગલું ભરે છે તે વિષયવસ્તુને અહીં વિસ્તારથી વર્ણવાઈ છે.]

બૈજનાથ દૂબે મારા સહકાર્યકર હતા. રિટાયર થવાને થોડા જ દિવસો બાકી હોવાથી માંદગીની રજા લઈ લગભગ મહિનાથી તેઓ ઑફિસે આવતા ન હતા. રિટાયર થવા આડે છેલ્લા દસ દિવસ રહેતા તેઓ ફરજ પર હાજર થઈ ગયા. તેઓ ફરજ પર હાજર થયાને ત્રીજે દિવસે મારે ઑફિસના કામ અંગે દિલ્હી જવાનું થયું. મેં તેમને એ અંગે વાત કરતા તેઓ બોલ્યા,
‘અરે ! આજ તો હું પણ બહાર ગામ જાઉં છું. ઈટાવા. દીકરી માટે એક મુરતિયો જોવાનો છે.’

હું ખુશ થયો અને અમે બંનેએ ‘અપર ઈંડિયા એક્સપ્રેસ’ માં જવાનું નક્કી કર્યું. રોજની જેમ આજે પણ ટ્રેન મોડી હતી. ત્રણ કલાકથી પણ વધુ. અમે અલાહાબાદથી જોડાતા સ્લીપર ડબ્બામાં જઈ બેસી ગયા. દુબેજી તે દિવસે ઘેરથી દીકરા સાથે કંઈક ઝઘડો કરીને આવ્યા હતા. ગુસ્સામાં તેમણે તેને કંઈક અપશબ્દો પણ કહ્યા હતા. પોતાની પરિસ્થિતિથી તેઓ પોતે જ અસંતુષ્ટ હતા, જેથી વારંવાર ગંભીર બની જતા હતા. તે દિવસે તેઓ કંઈક વધુ શાંત લાગતા હતા. રાત પડતા અમે સૂઈ ગયા.

બે ચાર વાર પડખાં ફેરવ્યા પછી મારી આંખ ખૂલી ને જોયું તો દુબેજી તેઓની બર્થ પર ન હતા. કદાચ બાથરૂમ ગયા હશે તેમ વિચાર્યું. પછી હું પ્લેટફોર્મ પર નીચે ઊતરી તેમને ગોતવા લાગ્યો. અચાનક નજર જતા યાર્ડની બહાર, થોડા માણસનું ટોળું નજરે પડ્યું. કુતૂહલવશ હું ત્યાં દોરાયો. ભીડમાંથી અંદર નજર કરતા જોયું તો, એક માણસની લાશ પાટા ઉપર કપાયેલી પડી હતી. કોઈ એ લાશને ઓળખતું ન હતું. હું લાશનો ચહેરો જોઈ ચીસ પાડી ઊઠ્યો, ‘આ તો બૈજનાથ દુબે છે ! અહીં કેવી રીતે આવી ગયા ?’
‘શું તમે એને ઓળખો છો ?’
‘જરૂર ! ભાઈ, તેઓ મારા મિત્ર છે.’
‘શું કરે છે ?’
‘મારી સાથે રેલવે કાર્યાલયમાં કામ કરે છે. એમનો બિસ્તરો જુઓ, પેલા ડબ્બામાં પડ્યો છે. તેઓ કઈ ગાડી નીચે કપાઈ ગયા ?’
‘રાજધાની નીચે.’
રાજધાનીનું નામ સાંભળી હું વિચાર કરવા લાગ્યો, રાજધાની તો રાજધાની જ છે. તેની ગતિએ તો આ પહેલા પણ અસંખ્ય લોકોને કાપી નાખ્યા છે.

રેલવે પોલીસના પાંચ-સાત માણસો આવી ગયા હતા. રેલવે સુરક્ષાદળના માણસોએ બધુ સંભાળી લીધું હતું. દૂરથી રેલવે ઈસ્પિતાલના માણસો એક ફાટેલું સ્ટ્રેચર લઈ આવતા દેખાયા અને લાશ પાસે આવી ઝડપથી લાશના કપાયેલા કટકાઓ સ્ટ્રેચર પર ગોઠવી દીધા. લોકોએ લાશ તરફ આંગળી ચીંધી મને પૂછ્યું : ‘તમે આ માણસને જાણો છો ?’
‘હું સમજી ગયો કે આટલેથી જ મારી મુસાફરી પૂરી થઈ. મારે આ બાબત માટે ઘણો સમય આપવો પડશે. મેં તરત જી.આર.પી. પોલીસની રજા લઈ ડબ્બામાં જઈ મારો તથા દુબેજીનો બિસ્તરો લીધો અને સ્ટ્રેચર સાથે ચાલી નીકળ્યો. રેલવે ઈસ્પિતાલમાં મેં દુબેજી અંગેની બધી માહિતી આપી. પછી મને રજા મળી અને દુબેજીની લાશને મરણોતર તપાસ માટે ત્યાં જ રાખી.

હું ત્યાંથી નીકળી સીધો દુબેજીને ઘેર ગયો અને જેવા આ દુ:ખદ સમાચાર સંભળાવ્યા કે એમના ઘરમાં ઉલ્કાપાત થઈ ગયો. તેમની પત્ની મારી સાજે જ જમીન પર ફસડાઈ પડી. તેમણે પોતાની બંગડીઓ ફોડી નાખી. તેમનો પુત્ર મને ખેંચતો ખેંચતો હૉસ્પિટલ તરફ દોડ્યો. મેં બિસ્તરો ત્યાં જ રાખ્યો. રિક્ષા કરી અમે બન્ને હોસ્પિટલ પહોંચ્યા. શબ પરીક્ષણની વિધિ પૂરી થતા શબ અમને સોંપી દીધું. ત્રણ દિવસથી રેલવેની એમ્બ્યુલન્સ ખરાબ થઈ ગઈ હતી એટલે દુબેજીના, લોહીથી ખરડાયેલા શરીરના કટકા, અમે એક રિક્ષા ટ્રોલી પર મૂકી ઘરે લઈ આવ્યા અને સવાર થતા તો બધું પતી ગયું. પણ રહીરહીને એક પ્રશ્ન મને સતાવી રહ્યો હતો કે જ્યારે તેઓ પુત્રીના વિવાહ માટે કોઈ સારા મુરતિયાની શોધ માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમણે આત્મહત્યા શા માટે કરી ?

બે દિવસ સુધી કાર્યાલયમાં દુબેજી વિષેની ખૂબ વાતો થઈ. ત્રણ ચાર દિવસો વીત્યા પછી વાતચીતનો વિષય બદલાયો. પણ જ્યારે તેમના રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ આવ્યો ત્યારે એ વિષય ફરી ચર્ચાવા લાગ્યો. હું મારી જગ્યાએ બેસી વિચારવા લાગ્યો. અનેક બાબતો યાદ આવવા માંડી.

દુબેજી મારા પ્રિય મિત્રોમાંથી એક હતા. એક દિવસ દુબેજી ઑફિસમાં મને મળ્યા ત્યારે તે ખૂબ મૂંઝાયેલા લાગ્યા. કંઈક મુશ્કેલીમાં હોઈ મોઢું એકદમ ઊતરી ગયેલું લાગ્યું.
મેં પૂછ્યું : ‘ભાઈ ! વાત શું છે ? આજે બહુ જ અસ્વસ્થ લાગો છો ને !’
તેઓ બોલ્યા : ‘આઝાદી મળ્યા પછી જિંદગી આટલી ખરાબ થઈ જશે એ તો ખબર જ ન હતી. સવારથી રેશનની દુકાન પર સાકરની લાઈનમાં ઊભો હતો. નંબર લાગતા દસ વાગી ગયા. માંડમાંડ ભીની સાકર મળી. ઘેર પહોંચી પરસેવો સૂકવવા પંખો કર્યો તો વીજળી ગાયબ. ગુસ્સામાં ટુવાલ લઈ નહાવા ગયો તો નળમાં પાણી નહિ. બે ચાર ટીપાં પાણીના નીકળ્યા ત્યાં પાણી બંધ. એક ઘડામાંથી લોટો ભરી પાણી લઈ તેમાં નેપકીન ભીનો કરી આખું શરીર લૂછી નાખ્યું. જમવા બેઠો ત્યાં યાદ આવ્યું કે દેશી ઘી તો ચાર દિવસ પેહલા જ પૂરું થઈ ગયું છે. જેમતેમ ચાર-આઠ કોળિયા ખાઈને ઑફિસે આવતો રહ્યો.’

હું ધ્યાનથી તેઓની વાત સાંભળતો હતો. મારી સહાનુભૂતિપૂર્ણ નજર જોઈ તેઓએ આગળ ચલાવ્યું : ‘અહીં આવ્યો કે મોટા સાહેબે બોલાવ્યો. તેમની ઑફિસમાં પગ મૂક્યો ત્યાં તડાતડ ચાર પાંચ સવાલ પૂછી નાખ્યા. માંડ મારી જાત સંભાળી તેમણે પૂછેલા સવાલોના જવાબ આપુ ત્યાં શિસ્ત અને વ્યવસ્થાના પાઠ પઢાવતા બોલ્યા : ‘તમે હવે મોટા ઑફિસર થવાના છો. તમે નવી પેઢી સામે આવો જ દાખલો બેસાડશો તો હાજરીનું રજિસ્ટર ક્યારે બંધ કરશો ?’ મને થયું કે કહી દઉં : ‘આજે 32 વરસથી કોઈ ઉન્નતિ ન મળી તો હવે રિટાયરમેન્ટના છ મહિના અગાઉ કેવોક અફલાતૂન ઑફિસર મને બનાવી દેવાના છો ? પણ ચૂપ જ રહ્યો. છેલ્લે છેલ્લે ઝઘડો કરીને….’
મેં તડાક દઈને કહ્યું : ‘ચૂપ શા માટે રહ્યા. સમસમાવીને જવાબ દેવો જોઈતો હતો.’ તો બોલ્યા : ‘અરે ભાઈ ! છેલ્લેછેલ્લે લડવાથી શો ફાયદો ? ક્યાંક ગ્રેચ્યુઈટી આપવામાં આડો ફાટે તો ? જવા દો, થોડો સમય છે, કાઢી નાખીશું.’

મેં પૂછ્યું : ‘તમારા દીકરાને નોકરી મળી ગઈ ?’
બોલ્યા : ‘એ જ તો સૌથી મોટો પ્રશ્ન છે. હું રિટાયર થવા આવ્યો ને છોકરાની ઉંમર વધતી જાય છે. ક્યાંક નોકરી જ નથી મળતી. થાય છે કે કોઈ બીજી જ્ઞાતિના હોત તો આ પાપ તો ટળત. અંગ્રેજોના સમયમાં ઍંગલો-ઈન્ડિયનને સ્પેશિયલ ગ્રેડ અપાતો, કારણકે તેઓ બૌદ્ધિકરૂપથી આગળપડતા ગણાતા હતા. આ જમાનામાં જે બૌદ્ધિકરૂપથી પછાત મનાય છે તેવાઓને નોકરીરૂપી જાગીર અપાય છે. ચાર વર્ષથી છોકરો બી.એ. પાસ થઈ અહીંતહીં આંટા મારે છે. એકેય નોકરી નથી મળી. મારી ધારણા હતી કે મારા રિટાયર થવાના ચાર વર્ષ પહેલા જો મારો સતીશ નોકરીએ લાગી જાય તો દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરી લઈશ. પણ પૈસા ભેગા કરવા તો બાજુએ રહ્યા લગભગ એક હજાર રૂપિયા તો ફૉર્મ મગાવવા, ટપાલ ખર્ચ તથા રેલવે ભાડામાં જ ખર્ચાઈ ગયા. ક્યાંય નોકરી ન મળી. હજુ થોડા દિવસ પહેલા વીમાના પૈસા મળ્યા હતા. ધીમે ધીમે ઘરના ઉપરના ખર્ચમાં પૈસા પણ વપરાઈ ગયા. સાલી અક્ક્લ કામ કરતી નથી.’ હું કંઈ પણ જવાબ આપુ તે પહેલા તો દુબેજી ઝડપથી ચાલતા બોલ્યા : ‘જાઉં, આજે થોડું કામ આટોપવાનું છે. વળી પાછા સાહેબ અકારણે કંઈક બિલની વાત કાઢી મને ઉપદેશ આપવા માંડશે.’

થોડા દિવસ પછી ખબર પડી કે દુબેજી માંદગીની રજા પર ઊતરી ગયા છે. એક દિવસ ચાની દુકાન કે જ્યાં તેઓનું ખાતું ચાલતું ત્યાં ચા પીવા આવ્યા તો હું પણ ત્યાં પહોંચી ગયો. તેઓએ મારે માટે પણ ચા મગાવી. મેં ચા પીતા પૂછ્યું.
‘શી વાત છે ? રજા પર કેમ છો ?’
‘અરે યાર ! છોકરાને નોકરીએ વળગાડવા દોડધામ કરું છું’
‘દીકરીનાં લગ્ન નક્કી થયા ?’
‘હા ! છોકરો મળ્યો છે ખૂબ ખાનદાન. કચેરીમાં મુનશી છે. તમે તો જાણો છો, કચેરીના મુનશીની આવક !! પણ લગ્નમાં ઓછામાં ઓછા પંદર હજારનો ખર્ચ થશે. પાંચ હજાર તો નગદ જ આપવા પડશે. રિટાયર થયા પછી પંદર વીસ હજારનું દેણું કરવું પડશે, પણ જો સતીશને નોકરી ન મળી તો કાયમનો કંગાળ જ રહી જઈશ.’ સહાનુભૂતિથી મેં માથું હલાવ્યું. તેઓ કાનમાં બોલ્યા કે : ‘તું તો જાણે છે. જીવનભર પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા લેતો આવ્યો છું. હવે તેમાં બચ્યું છે જ શું ? તારાથી શું છુપાવવું ? માંદગીની રજા લઈ એક પેઢીમાં મુનીમગીરીનું થોડું કામ કરું છું. હમણાં તો દોઢસો નક્કી કર્યા છે. કામ બરાબર ચાલશે તો કદાચ બસો કરી આપશે. રિટાયર થયા પછી આ નોકરી જ કરવા વિચાર છે.’

આમ અમારી વાત ચાલતી હતી ત્યાં જ અમારા ખાતાનો એક પટાવાળો પણ એ જ દુકાને આવ્યો. તેણે દુબેજીને જોતા કહ્યું :
‘પંડિતજી શી ખબર છે ? હમણાં ઑફિસે નથી આવતા ? તબિયત તો સારી છે ને ?
‘તબિયત તો સારી છે પણ સંજોગો ખરાબ છે.’
‘કેમ સાહેબ ?’
‘દીકરાને નોકરી હજુ મળી નથી. દીકરી પરણાવવાલાયક થઈ ગઈ છે. પૈસા છે નહિ ને એનો કોઈ રસ્તો સૂઝતો નથી કે જેથી દીકરાને નોકરી મળે !’
‘મેં તો એક સરસ ઉપાય શોધ્યો છે.’ પટાવાળો બોલ્યો.
‘શો ?’
‘નોકરી ચાલુ હોય ત્યાં જ મરી જવું. સાંભળ્યું છે નોકરી કરતાકરતા મરી જનારના છોકરાંને બાપની બદલીમાં નોકરી મળી જાય છે.’ અમે એની વાત સાંભળી અચંબામાં પડી ગયા અને એ ચાનો પ્યાલો ખાલી કરી ચાલતો થયો. દુબેજીએ પટાવાળાની વાત સાંભળી, છતાં શાંતિથી ચા પીધી. દુકાનની બહાર આવતા તેઓએ કહ્યું કે, ‘મારી રજાઓ તો હવે પૂરી થવા જ આવી છે. હું હવે તાત્કાલિક ઑફિસે આવવાનો છું.’

અને તે દિવસથી તેમણે ઑફિસે આવવાનું શરૂ કર્યું. એમના મૃત્યુ કે આત્મહત્યાનું કારણ મારા મનમાં સ્પષ્ટ ન હતું. હું બેઠો બેઠો દુબેજીનો વિચાર કરતો હતો ત્યાં અચાનક સતીશ ઑફિસમાં આવ્યો. તેણે ખિસ્સામાંથી એક કવર કાઢી મને આપ્યું અને બોલ્યો : ‘તે દિવસે બાપુજીનો બિસ્તરો તમે લાવ્યા હતા તેને ઝાટકીને ફરી ગોઠવતા તેમાંથી તમારા નામે લખેલ આ બાપુજીનો પત્ર મળ્યો છે.’

પ્રિય બંધુ,
મારા છેલ્લા નમસ્કાર સ્વીકારશો. તે દિવસે મોહનસિંગ પટાવાળાએ તો ક્રોધમાં જ કહ્યું હતું કે છોકરાની નોકરી માટે પોતે નોકરી કરતા જ મરી જશે પણ મારા જીવનનો અંધકાર જોતા મારા કુટુંબના ભાવિ સુખ માટે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી. મેં જે છોકરો મારી દીકરી માટે નક્કી કર્યો હતો તેને એક માલદારે આવીને નગદની કિંમત વધારી ઝડપી લીધો છે અને હું જે દુકાનમાં મુનીમગીરી કરતો હતો ત્યાંથી મને રજા મળી ગઈ છે, કારણ કે તેમને એક એવો ચતુર મુનીમ મળી ગયો છે જે પોતાની હિસાબ કિતાબની કરામતથી ઈન્કમટેક્સમાંથી હજારો રૂપિયા બચાવી શકે. હું આજે તારી સફર ને મારી છેલ્લી સફર વચ્ચેથી કાપી નાખું છું. એ માટે માફી માગું છું. તું પણ મારી જેમ કુટુંબ તથા બાળકોવાળો છે એટલે મારું દુ:ખ તથા મુશ્કેલી વધુ સારી રીતે સમજી શકે છે. મારા મૃત્યુથી પરિસ્થિતિ બદલાતા પ્રિય સતીશને નોકરી મેળવવામાં અનુકૂળતા આવશે. મિત્રના સંબંધે, સતીશને નોકરી મેળવવામાં સહાયરૂપ થજે. મને ખાતરી છે કે નોકરીએ લાગી જશે તો દીકરીના લગ્ન પણ થઈ જશે.

-તમારો બૈજનાથ દુબે

પત્ર વાંચી હું સ્તબ્ધ થઈ ગયો. બાપ હોવા છતાં બાપની જે લાગણી હું નહોતી અનુભવી શક્યો તે દુબેજીના આ પત્ર દ્વારા અનુભવતા આંખો ભરાઈ આવી. મારા મિત્ર માટે રડું કે આપણી આ સમાજવ્યવસ્થા માટે ? – તે મને ન સમજાયું. બૈજનાથ દુબે જેવા હજારો લોકો કચડાઈ રહ્યા છે. સતીશની આંખોમાં પણ આંસુ હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારી પાસે પૈસા છે – ફાધર વાલેસ
ફૂલડાંની ફોરમ – દિલીપ રાવલ Next »   

18 પ્રતિભાવો : પિતા – કૈલાશ કલ્પિત

 1. ritu says:

  Really nice story.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Very true…..If we stop to walk on the path which is created by society then only we can make new path.

  All the best to all readeres to create new path.

  🙂

 3. Himanshu Zaveri says:

  tragic but one of the true side of the india. the way politician create road for future of india, we going to see more and more reality like this. like reservation for lower cast in higher education. gov. needs to create more focus to give basic education for every child, instead of making reservation in higher education. if basic education going to be good, then bright students not need reservation. but that’s bad luck of india. even so many lower cast people wants reservation for them self too. when they realize this myth about reservation, politician playing againt them, unfortunatly it’s going to be late for themself and country/

 4. સુરેશ જાની says:

  બહુ જ સરસ વાર્તા.
  દીલમાં ચોટ કરી ગઇ.
  મૃગેશ,
  આમાંથી તો ઘણા બધા સંદેશા આપણને મળે છે.
  શું સમાજને કે વ્યવસ્થાને કે રાજકારણીઓને દોશ દઇને જ આપણે અટકી જઇશું?
  આપણી પાસે આ પરીસ્થીતી નો કોઇ ઉકેલ છે? આ અંગે આપણે અંગત રીતે શું કરી શકીએ?

  આપણે આપણા જીવનમાં કમસે કમ એક દુઃખી અને અજાણ્યા માણસને મદદગાર થવાનો સંકલ્પ કરી શકીએ?

 5. neetakotecha says:

  hraday sparshi varta. khub saras

 6. anamika says:

  very touching story…..realy this is mirror of our india

 7. Shantanu Chhaya says:

  Priya Bandhu,
  Aapnaa madhyamvargi samajma monghan chhatan pokal Shikshan aapyaa baad aa te shi kshan ? deshna Netao manthi koine jo aa anubhav thaay to?
  Dhanyavaad ane abhinandan

 8. vivek desai, dubai says:

  emotional real article.

 9. hitakshi pandya says:

  m speechless!!!!!!!!!!!!

 10. Niki Patel says:

  this story is really sad and very tregedy too i enjoyed the story. why doesn’t people think like that every human being is humans they don’t have any cast so they have to undersatnd each other’s fellings.

 11. Keyur Patel says:

  એવું લાગે છે કે આ વાર્તા નથી પણ કોઈ સત્યઘટના છે.

 12. Maitri Jhaveri says:

  very touching….

 13. Rakesh Chauhan says:

  very touchi….

 14. rajesh says:

  આપણી આધુનિક સમાજ વ્યવસ્થાની આ છે નરવી સત્ય વાસ્તવિકતા. સમાજના કહેવાતા ઠેકેદારોને સણસણતો પ્રશ્ન. આવા તો કેટલાય દુબેજી ઓ આવી યાતનાની પીડા ભોગવી રહ્યા છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.