પ્રેરક સમાચાર – સંકલિત
[1] કલાકાર ગંગારામ – ‘સંદેશ’ અખબાર (15-મે-2007)માંથી સાભાર.
સાચો કલાકાર આમ રોડ પર જ કદાચ જોવા મળે છે. ચેન્નાઈથી અમદાવાદ આવેલા 54 વર્ષના કલાકાર ગંગારામે શાહીબાગ રોડ પર એડવાન્સ મિલ પાસે 12 ફૂટનું શિવ-પાર્વતીનું પેઈન્ટિંગ બનાવ્યું છે. ધોમધખતા તાપમાં છ કલાકની જહેમત પછી આ કલાકારે પેઈન્ટિંગ તૈયાર કર્યું છે. તેણે આવા એક હજાર ઉપરાંત પેઈન્ટિંગ રોડ પર બનાવ્યા છે. શ્રદ્ધાળુ નાગરિકો ભગવાનના ચિત્ર પાસે પૈસા મૂકે એ દાનની આવક પર ગુજરાન ચલાવતા ગંગારામ માટે કહી શકાય કે પેટ કરાવે વેઠ. (તસ્વીર : શૈલેષ સોલંકી)
[2] મુંગા જીવોને મદદ કરનાર બહુરૂપી – ‘સંદેશ’ અખબાર (15-મે-2007)માંથી સાભાર.
ડીસા શહેરમાં વહેલી પરોઢના પોતાની તૂટેલી-ફૂટેલી સાયકલ ઉપર નીકળીને, એક આમ આદમી જેની સાયકલ ઉપર ધીમા સ્વરે રેડીયોમાં ગીત વાગતા હોય અને સાયકલની પાછળ પાછળ 20 થી 25 શ્વાન ચાલતા હોય તેવું દ્રશ્ય ડીસા માટે નવું નથી. આ સાયકલ સવાર બીજું કોઈ નહીં પરંતુ ડીસા શહેરના ઘરડાથી લઈ યુવાન સુધીના અને નાના બાળકોના પ્રિય એવા ‘નારી’ ના હુલામણા નામથી ઓળખાતા શ્રી નારાયણભાઈ હોતચંદ રંગાણી છે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના બહુરૂપી વેશને કારણે મળતી બક્ષિસમાંથી વહેલી સવારે શહેરના ખુણા ખુણામાં સુતેલા શ્વાનોને જગાડી રોટલો ખવડાવી પોતાના હૃદયને સંતોષ આપે છે.
કહેવાય છે કે ડીસા શહેરમાં કોઈ પણ શોભાયાત્રા હોય કે રથયાત્રા, કોઈપણ સામાજીક સંસ્થાએ લોક ઉપયોગી રેલી કાઢી હોય કે પ્રદર્શન ગોઠવ્યું હોય જેમાં ‘નારી’ એટલે કે શ્રી નારાયણભાઈ અલગ અલગ વેશમાં હાજર જ હોય. તેમજ ખાસ કરીને કોઈ શૈક્ષણિક સંસ્થાએ પોતાના વિદ્યાર્થીઓ માટે કોઈ કાર્યક્રમ તૈયાર કર્યા હોય તો તેમાં પણ ‘નારી’ બાળકોના આનંદ પ્રમોદ માટે હરહંમેશ તૈયાર હોય છે તેમજ છેલ્લા 30 વર્ષથી વધારે સમયથી ડીસા શહેરની એક પણ વહેલી સવાર એવી નહીં હોય કે નારીએ સુતેલા શ્વાનને જગાડીને રોટલો ના ખવડાવ્યો હોય. તેથી જ તેના સાચા અર્થની સમાજ સેવાની કદર ડીસાની લાયન્સ, રોટરી કલબ, સુભાષ સમિતિ જેવી સંસ્થાઓએ જાહેરમાં સન્માન કરેલ ત્યારે આદર્શ સંસ્કાર મંડળે સદભાવી એવા નારીને ઘરગૃહસ્થી ચાલી શકે તે માટે ભાડા વગર આદર્શ શાળાના પ્રાંગણમાં કેન્ટીન બનાવી આપ્યું છે.
વહેલી સવારે શ્વાનને રોટલો ખવડાવવો, ગાયોને પુળા નાખવા અને કબુતરોને દાણા નાખવા જેવી પ્રવૃત્તિ કરતા ઉમિયાનગર સોસાયટીના નારી ઉર્ફે નારાયણભાઈ રંગાણીને તેમની પ્રવૃત્તિઓ વિશે પુછતાં તેઓ જણાવ્યું હતું કે ઘણા વખત પહેલા જોએલી ફિલ્મો પૈકીની અપના દેશ અને ગાય ઔર ગૌરી ફિલ્મોએ તેને આવી પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા આપી હતી. ‘નારી’ પોતે ફકત છ ચોપડી ભણેલા છે.
અત્રે નોંધનીય છે કે હનુમાન, રામ, કૃષ્ણ, નગરશેઠના આબેહૂબ પાત્ર ભજવતા ‘નારી’નું નામ ડીસા શહેરમાં ખૂબ જાણીતું છે. એટલે જ તો શહેરની સેવાભાવી સંસ્થાઓ, અગ્રણીઓ, સૌ કોઈ ‘નારી’ના સત્કાર્યોથી પ્રભાવિત છે. જો કે તેઓને પોતાની પ્રશંસાની વાતોમાં બિલકુલ રસ નથી. એ તો ફકત સવાર પડે અને પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે અને મુડમાં આવે ત્યારે ગમે તે શાળામાં પહોંચી જાય છે બાળકોને ચોકલેટ આપવા. તેઓની પાસે પૈસા નથી, પરંતુ સારા કાર્ય કરનારને પૈસાની જરૂર ક્યાં પડે છે ? સત્કાર્યો કરવા બહાર નીકળો એટલે આપોઆપ બધું જ મળે છે એ આ અદના આદમીએ સાબિત કરી દીધું છે.
[3] પેપ્સી નહીં, પુસ્તક આપો… – ‘સંદેશ’ અખબાર (15-મે-2007)માંથી સાભાર.
આપણે ત્યાં ગાયકવાડના સ્ટેટના દરેક ગામડામાં પ્રાથમિક શાળા તેનું મકાન, પુસ્તકાલય અને સ્ટાફ કવાટર્સ હતાં. ગુજરાતના પશ્ચિમ કિનારાના ઓખામંડળના એકએક ગામમાં એ જમાનામાં આ વ્યવસ્થા હતી. દ્વારકા અને બેટદ્વારકાની (સને 1871માં સ્થપાયેલી) જૂનામાં જૂની લાઈબ્રેરીઓમાં કેટલાંક મૂલ્યવાન પુસ્તકો પડ્યાં છે. આજના ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવી હોય તો આપણે દરેક ગામમાં-શહેરમાં ગ્રંથાલય-પ્રાથમિક શાળા અને સ્ટાફ કવાર્ટર કરવાં જોઈએ. પછી ગુણવત્તા સુધારણા માટે કર્મયોગી તાલીમની જરૂર નહીં રહે ! એ માટે જરૂર પડે તો ગ્રંથાલય વેરો નાંખવો જોઈએ. ગિજુભાઈ બધેકાએ ઠીક જ કહ્યું છે કે “પુસ્તકાલયરૂપી શાળા ગામેગામ અને લત્તેલત્તે સ્થપાવી જોઈએ. શિક્ષકને ભણાવવાની મહેનત લેવી પડે છે ત્યારે પુસ્તકોને જ્ઞાન આપવાની મહેનત લેવી પડશે નહીં, માત્ર વારંવાર વંચાઈને ફાટવું પડશે. શિક્ષકની ચોક્કસ હાજરી સિવાય ભણતર સંભવિત નથી. તેને બદલે પુસ્તકાલયનાં બારણાં ચોવીસ કલાક ઉઘાડાં રાખીશું તો ચોવીસેય કલાક શિક્ષણ ચાલશે.’
આપણે ત્યાં શાળા-મહાશાળાઓનાં પુસ્તકાલયોમાં પુસ્તકો કેદ છે. ખરેખર ગ્રંથાલય તો ચોવીસ કલાક ખુલ્લું હોવું જોઈએ અને તેનો વધુ ને વધુ ઉપયોગ થવો જોઈએ. દક્ષિણ ગુજરાતના નવસારીમાં એકસો નવ વર્ષ જૂનું ‘શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય’ છે. આ પુસ્તકાલયને શ્રેષ્ઠ પુસ્તકાલયનો ‘સ્વ. મોતીભાઈ અમીન ઍવોર્ડ’ ચાર વાર મળ્યો છે. બે માળના આ પુસ્તકાલયમાં એંસી હજાર પુસ્તકો અને એકસો ત્રીસથી વધુ સામાયિકો તથા એક હજારથી વધુ ઑડિયો-વીડિયો કેસેટ્સ છે. બે માળનું આ પુસ્તકાલય અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું છે. પાંચ હજારથી વધુ વાચકો છે. આ પુસ્તકાલયે બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ માટે વાચનયજ્ઞના આપણી આંખ ઊઘડી જાય તેવા કાર્યક્રમો છેલ્લા બાર વર્ષમાં કર્યા છે. સને 2002 માં વિશ્વ પુસ્તક વર્ષ નિમિત્તે શ્રેષ્ઠ વાચક સ્પર્ધા, વિચારમેળો, ગ્રંથયાત્રા અને પુસ્તકમેળા-પ્રદર્શન દ્વારા વાચનનું એક આંદોલન શરૂ કર્યું. વધુમાં વધુ 250 પુસ્તકો વાંચનાર બાળકો વિજેતાં બન્યાં. શહેર અને આસપાસની સત્તાવીસ જેટલી શાળાઓના દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પાંત્રીસ હજાર જેટલાં પુસ્તકોનું વાંચન કર્યું.
જે કામ શિક્ષણ સંસ્થાઓ નથી કરતી તે કામ વેકેશનમાં વિચાર-વાંચન શિબિરો યોજીને કર્યું. સને 2005માં રોલ મોડલ કેન્દ્રિત શ્રેષ્ઠવાચક સ્પર્ધા યોજી. સાત માસ દરમ્યાન બાળકો માટેની શિબિરો-વિચારમેળા-ગ્રંથયાત્રા-પુસ્તક પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજી નવસારી શહેર અને આસપાસની 47 જેટલી શાળાઓના 18300 બાળકોએ દોઢ લાખથી વધુ પુસ્તકો વાંચ્યાં. બાળ પુસ્તકાલયમાં તમામ પુસ્તકોનાં ક્બાટો ખાલી થઈ ગયાં. આ નિમિત્તે પુસ્તકાલયે પ્રગટ કરેલું 320 પૃષ્ઠનું 750 વ્યક્તિઓના જીવનની પ્રેરક વાતોવાળું ‘ચાલો જીવન બદલીએ’ પુસ્તક વાચકો-વાલીઓ અને વિદ્યાર્થીઓને પહોંચાડ્યું. ગુજરાતની તમામ શાળા-મહાશાળાઓમાં વસાવવા જેવું આ અમૂલ્ય પુસ્તક છે. સયાજી વૈભવ પુસ્તકાલયે આ વર્ષે ‘પુસ્તક અધ્યયન-અનુશીલન’ કાર્યક્રમનું અભિયાન ઉપાડ્યું છે. શહેર અને ગ્રામ વિસ્તારની 45 જેટલી શાળાઓમાંથી ધોરણ 5 થી 12ના પંદરથી પચ્ચીસ વિદ્યાર્થીઓનાં જૂથ બનશે. આ જૂનના એક નેતા એક ઉપનેતા હશે. આવાં 500 જેટલાં જૂથોમાં 12 થી 15 હજાર વિદ્યાર્થી આ અભિયાનમાં જોડાશે. પુસ્તકાલયે 400 પુસ્તકોની યાદી બનાવીને આપી છે. એમાંથી દરેક જૂથ પોતાનું પુસ્તક પસંદ કરશે જે પુસ્તકાલયમાં હશે. આ પુસ્તકની જૂથમાં દરેક વિદ્યાર્થીઓએ વાંચીને ચર્ચા કરવાની રહેશે. આ જૂથ પોતાની શેરી-લત્તામાં બેસશે. ઝાડ નીચે-ઓસરીમાં કે ઓટલા ઉપર પણ બેસી શકે. જે તે વિદ્યાર્થીનેતા તે સ્થળ પસંદગી કરશે. એ જૂથમાં વિદ્યાર્થીના વાલી-પ્રેરક શિક્ષક અને એકાદ મહેમાન પણ હશે. દરેક બેઠકમાં ત્રણ-ચાર બાળકો પુસ્તકના પ્રતિભાવો આપશે અને ત્યાર બાદ પ્રશ્નોત્તરી ચર્ચા થશે. આમ પુસ્તક હવે શેરીએ અને લતામાં પ્રસરશે. આ અભિયાનનાં સુત્રો છે : ‘અમને પેપ્સી નહીં, પુસ્તક આપો’, ‘જે પુસ્તકનો મિત્ર, તે જ મારો મિત્ર’ અને ‘અમે વાંચીશું, અમારાં મમ્મી-પપ્પાને વંચાવીશું.’ 28, એપ્રિલ 2007ના રોજ જૂથ નેતાઓ અને ઉપનેતાઓની હાજરીમાં આ અભિયાન શરૂ થયું. સલામ છે આ પુસ્તકાલયના પ્રમુખ શ્રી મહાદેવભાઈ દેસાઈને.
[4] દાદા-દાદી આનંદ પર્યટન – ગુજરાત સમાચાર (16-મે-2007) માંથી સાભાર.
75 વર્ષના વીરજીભાઈ વોરા નાનપણથી જ પ્લેનને આકાશમાં ઉંચે ઉડતા જોતાં હતાં. દરેકની જેમ એમને પણ જીવનમાં એકવાર પ્લેનમાં બેસવાની ઈચ્છા હતી. જો કે મધ્યમવર્ગમાંથી આવતાં વીરજીભાઈ માટે પ્લેનમાં બેસવું ક્યારેય શક્ય બન્યું નહોતું. પરંતુ આજે જીવનના અંતિમ દિવસોમાં એમને પ્લેનમાં મુસાફરી કરવાનો લ્હાવો મળ્યો ! પ્લેનમાં બેસીને હવામાં ઉડવાની કલ્પનાને સાકાર થતી જોઈને વીરજીભાઈ હરખઘેલાં થઈ ગયા હતા. તેઓ તેમના પત્ની સાથે મુંબઈથી અમદાવાદ આવ્યાં હતા. અહીં એસ.જી હાઈવે પર આવેલાં ત્રીમંદિર ઉપરાંત ગાંધીનગર સ્થિર અક્ષરધામ મંદિરના પણ તેમણે દર્શન કર્યા.
પ્લેનમાં મુસાફરી કરવાનો આનંદ વીરજીભાઈએ જ નહીં એમના જેવા 130 વડીલોએ પણ માણ્યો. જેના માટે આ વડીલોને કે એમના સગાવ્હાલાંઓને એક રૂપિયાનો ખર્ચ પણ કરવો પડ્યો નથી. મુંબઈના એક બિઝનેસમેને આ વડીલોનો તમામ પ્રકારનો ખર્ચ ઉપાડી લીધો હતો. એટલું જ નહીં અમદાવાદથી મુંબઈ પાછા ફરીને બીજે દિવસે આ વડીલોને લોનાવાલાની સેર પણ કરાવી હતી !
આ સેવાભાવીનું નામ છે નેન્સીભાઈ શાહ. તેમના લગ્નની 25 મી વર્ષગાંઠ નિમિત્તે તેમણે આ અનોખું અયોજન હાથ ધર્યું હતું. તેઓ કહે છે કે, ‘કોઈ પણ સારું કામ કરવા માટે સારા પ્રસંગની રાહ જોવી જોઈએ. મેં પણ એ જ કર્યું છે. હું ઘણી બધી સામાજીક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છું. આ પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવન, એમની ઈચ્છાઓ, અભિલાષાઓ અને એમની લાગણીઓ વિશે જાણવાની તક મળે છે. જીવનનો અંતિમ દોર વિતાવી રહેલાં કેટલાય વડીલોના દિલમાં નાની-નાની અતૃપ્ત ઈચ્છાઓ હોય છે. જેને પૂર્ણ કરવાનું મન મેં ઘણા સમય પહેલાં બનાવ્યું હતું. તેથી જ્યારે અમારા લગ્નની 25મી વર્ષગાંઠનો અવસર આવ્યો ત્યારે મેં ‘દાદા-દાદી આનંદ પર્યટન’ નું આયોજન કરવાનું વિચાર્યું.’
આ આનંદ પર્યટન બે દિવસનું હતું. જેમાં એક દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત અને બીજા દિવસે લોનાવાલાની સેરનું આયોજન હતું. પ્લેન દ્વારા મુસાફરી કરાવવા અંગે નેન્સીભાઈ કહે છે કે, ‘આ પર્યટનમાં અમે જે વડીલોને પસંદ કર્યા હતા, તે તમામ એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ જાતે ક્યારેય પણ પ્લેનમાં બેસવાના અભરખાં પૂરા કરી શકે નહીં. મને ભગવાને એટલું આપ્યું છે કે હું આ કામ કરી શકું એટલે મેં આ વડીલોને પ્લેનમાં મુસાફરી કરાવીને એમના સ્વપ્નો પૂરા કર્યા છે.’
130 વૃદ્ધોમાંથી અમુક તો પગે ચાલી પણ શકતા નહોતા. એવા વડીલો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં 15 થી 20 યુવાન છોકરાં-છોકરીની ટીમ પણ એમની સેવામાં હાજર હતી. અમદાવાદના મંદિરની મુલાકાત લઈને આ વડીલો જેટલા પ્રસન્ન દેખાતાં હતાં એના કરતા વધુ ખુશી અને લાગણીની અનુભૂતિ નેન્સીભાઈ અને એમના પત્ની ગુણવંતીબેનના ચહેરા પર જોઈ શકાતી હતી. આ પ્રકારની સેવાભાવનાથી આત્માના અહમનો નાશ થાય છે અને વ્યક્તિ સાત્વિક વિચારો તરફ વળે છે. નેન્સીભાઈ કહે છે કે, ‘આજે વ્યક્તિ પોતાના જીવનમાં આવતાં કોઈ પણ પ્રસંગની ઉજવણી પોતાના માટે જ કરતો હોય છે. પાર્ટી કલ્ચરના આ યુગમાં હું પણ ધમાકેદાર પાર્ટી આપી શકતો હતો. પરંતુ એનાથી કોઈને લાભ ન મળે. એના કરતા પણ વધુ એ આનંદનો અહેસાસ ન મળે જે આ પ્રકારના આયોજન દ્વારા મેળવી શકાય છે.’
66 વર્ષના અમૃતબેન પણ આ પર્યટનમાં જોડાયા હતા. તેઓ કહે છે કે, ‘મારી લાગણી શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી. અમે તો ક્યારેય એવું વિચાર્યું નહોતું કે પ્લેનમાં બેસવા મળશે, પરંતુ પ્લેનમાં મુસાફરી કર્યા બાદ નાનપણના સપના પૂરા થયા હોય એવો અહેસાસ થાય છે.’
Print This Article
·
Save this article As PDF
સંકલન સુંદર છે.
મૃગેશજી- રીડગુજરાતી એક બીજા દૈનિકોમાથી સમાચાર મેળવી એક ચોપાનિયા જેવું ના બની જાય તે જોજો.
પ્રેરણાદાયી સન્કલન
સારો પ્રયાસ છે.
સારો પ્રયત્ન છે. પણ રીડગુજરાતી ની અલગ ઓળખ જાળવી રાખવી ખુબ જરુરી છે.
હવે હુ મારૂ Last Name પણ લખીશ્