નોબેલ પુરસ્કાર – આર. કે. મહેતા

[‘તમારે નોબેલ-પુરસ્કાર વિજેતા થવું છે ?’ પુસ્તકમાંથી પ્રકરણ-1-2 સાભાર.]

તમારે ન્યૂટન, આઈન્સટાઈન કે મેડમ ક્યુરી જેવા મહાન વૈજ્ઞાનિક થવું છે ? તમારે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, લેનિન કે ઈંદિરા ગાંધી જેવા મહાન નેતા બનવું છે ? તમારે રવીન્દ્રનાથ ટાગોર, ઝવેરચંદ મેઘાણી કે સરોજિની નાયડુ જેવાં મહાન કવિ કે કવયિત્રી થવું છે ? તમારે કોઈપણ ક્ષેત્રે પુરસ્કાર મેળવવો હોય તો તમે અવશ્ય પ્રાપ્ત કરી શકશો, કારણ કે તમારી પાસે મોટામાં મોટી મૂડી છે, અને તે છે યૌવન.

યૌવનનો તરવરાટ, થનગનાટ, મસ્તી અને શક્તિ કંઈક ઔર જ છે. કારણકે યૌવનના ઉંબરામાં પગ મૂકતાંની સાથે તમારા શરીરની રસગ્રંથિઓ Top Gear માં કામ કરતી થાય છે, એમ શરીરવિજ્ઞાનીઓ કહે છે. ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે કે દુનિયાના મોટા ભાગની વિરલ વિભૂતિઓએ તેમની મહાન સિદ્ધિઓ પચીસ વર્ષની વયની આસપાસ હાંસલ કરી હતી. ન્યૂટને (1642-1727) ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની શોધ 32 વર્ષની વયે કરી હતી. આઈન્સ્ટાઈને (1879-1955) વૈજ્ઞાનિક જગતને ખળભળાવી નાખે તેવી ‘સાપેક્ષવાદ’ ની થીયરીની ભેટ 26મા વર્ષે જગતને ધરી હતી. આવાં અસંખ્ય ઉદાહરણો ઈતિહાસના ચોપડે લખાયેલાં છે.

જન્મથી કોઈ મહાન જનમતું નથી, અને જો જન્મે છે, તો તે બહુ જ જૂજ અપવાદ હોય છે. આવા અપવાદોને બાદ કરતાં જગતની દરેક મહાન વિભૂતિ સ્વબળે તેમની માટીને ‘નોખી’ રીતે ઘડે છે અને તેથી જ તેઓ નોખી માટીના માનવી તરીકે પંકાય છે. ન્યૂટન બાર વર્ષનો થયો, ત્યારે ભણવામાં ‘ઢ’ હતો. તેના વર્ગના પ્રથમ ક્રમાંકના સહાધ્યાયી સાથે તેને કોઈક કારણસર ઝઘડો થયો. તેણે આ વિદ્યાર્થીને સારો મેથીપાક જમાડ્યો. તે જ દિવસે તેણે મનોમન નિશ્ચય કર્યો કે ‘આ સહાધ્યાયીને ભણવામાં પણ પાછો પાડું તો જ હું ખરો.’ તે જ વર્ષે ન્યૂટન તેના પ્રથમ ક્રમાંકના સહાધ્યાયીથી પણ આગળ નીકળી ગયો.

આઈન્સ્ટાઈન નાના હતા ત્યારે બીજા બાળક બોલે તેટલું પણ બોલી શકતા નહોતા. તે લગભગ મૂંગા હતા. તેને કુદરતના રહસ્યો જાણવાની પ્રબળ ઈચ્છા જાગી. આ અદમ્ય ઈચ્છાએ જીવનભર તેના મન પર વર્ચસ્વ જમાવ્યું હતું, અને તેથી જ તે સાપેક્ષવાદની મહાનમાં મહાન શોધ કરી શક્યા. ‘જો હું પ્રકાશની ગતિ એ વિચરું તો જગત કેવું ભાસે !’ એ કલ્પના તેમના મનમાં સોળ વર્ષની વયથી જ રમતી હતી. એટલે કે સાપેક્ષવાદની થીયરી તેમના મનમાં સોળ વર્ષની વયે સાકાર થઈ હોય તેમ કહી શકાય. ગાંધીજી વિદ્યાર્થી અવસ્થામાં તદ્દન સાધારણ હતા, પણ સત્ય પ્રત્યે તેમની નિષ્ઠા અસાધારણ હતી. એટલે જ તો તેઓ જગતના મહાનમાં મહાન પુરુષ થયા. આવાં અસંખ્ય દષ્ટાંતો ઈતિહાસના ચોપડે આલેખાયેલ છે.

પણ કોઈપણ અપવાદ વિના જગતની વિરલ વિભૂતિઓમાં એક ‘Common Factor’ હતો, અવશ્ય હોય છે, અને નોબલ-પુરસ્કારની કામના કરતા દરેક યુવક અને યુવતીમાં હોવો જોઈએ – અને તે છે દઢ સંકલ્પ અને લોખંડી મનોબળ. જેમ લોહચુંબકત્વ લોહચુંબકનો ગુણધર્મ છે અને લોહચુંબકથી અલગ નથી, તેમ આપણું મન આપણા મગજનો ગુણધર્મ છે, અને તેનાથી અલગ નથી. એમ ન્યુરોવિજ્ઞાનીઓ કહે છે. આપણું મન કોઈ દૈવી વસ્તુ નથી અને આપણા મગજથી રતિભાર પણ જુદું નથી. વિશ્વ વિખ્યાત વિજ્ઞાની કાર્લસગન કહે છે : ‘આપણે જેને “મન” કહીએ છીએ તે વાસ્તવમાં આપણા મગજના વિવિધ સ્તરે થતી વિવિધ અને અત્યંત અટપટી પ્રક્રિયાનું પરિણામ છે.’

આજે માનવસર્જિત કોમ્પ્યુટરો વિજ્ઞાનની અટપટી ગણતરી, વિજ્ઞાનીઓ કરી શકે તેનાથી સેંકડો હજારો ગણી ઝડપે કરી શકે છે. ભાષાંતરો કરે છે, કવિતાઓ રચે છે અને એવા અનેક વિસ્મય પમાડે તેવાં કાર્યો કરે છે. પણ આપણું મગજ એટલે કે કુદરત સર્જિત કોમ્પ્યુટર માનવસર્જિત સુપર કોમ્પ્યુટરનું સુપર-સુપર-સુપર કોમ્પ્યુટર છે, તો તે કેવાં વિસ્મય પમાડે તેવાં કાર્યો કરી શકે તેનો અંદાજ લગાવો. કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે વિરલ વિભૂતિ ‘Genius’ આનુવંશિક દેન છે, પણ સોવિયેત વિજ્ઞાનીઓનાં સંશોધનો નિર્દેશ કરે છે કે દરેક વ્યક્તિ ‘Genius’ થઈ શકે છે, જો તે તેના કોમ્પ્યુટરના માત્ર દસમા ભાગને વ્યવસ્થિતપણે કાર્યરત કરી શકે તો. ‘વિરલ વિભૂતિ આનુવંશિક દેન’ છે એવા મંતવ્યને માન્ય કરીએ તો પણ દરેક ભારતીય નાગરિકનું કોમ્પ્યુટર જર્મન, રશિયન, અંગ્રેજ કે અમેરિકનના કોમ્પ્યુટરથી ગુણવત્તાની ધોરણે તસુભાર પણ ઊતરતી કક્ષાનું નથી, કારણકે આપણે મહાન સંસ્કૃતિના વારસદાર છીએ. માત્ર તમારે તમારા કોમ્પ્યુટરને યોગ્ય ‘પ્રોગ્રામ’ આપવાની આવશ્યકતા છે. માટે તમે આજે જ, આ જ ક્ષણે કોઈપણ પ્રકારની લઘુતાગ્રંથિ રાખ્યા વિના તમારા ‘કોમ્પ્યુટર’ને અર્થાત મનને કહો, ‘મારે મારા ક્ષેત્રમાં નોબેલ-પુરસ્કાર મેળવવો જ છે. અને હું મેળવીને જ જંપીશ.

ભૂતકાળમાં અમે, તમારા વડીલો, મિત્રો, શિક્ષકો કે તમારા ઓળખીતાઓએ જાણે-અજાણ્યે તમારા કોમ્પ્યુટરમાં કદાચ નકારાત્મક પ્રોગ્રામો ભર્યા હોય તો તે ‘પ્રોગ્રામો’ ને ભૂંસી નાખવાની ચાવી પણ તમારા હાથમાં છે. ‘આ તો મારાથી નહિ થાય, મને નહિ આવડે’ એવા નકારાત્મક વિચારોને આજે જ તિલાંજલિ આપો. અને તેના સ્થાને હકારાત્મક વિચારો ભરો. તમારા સંકલ્પનું વારંવાર રટણ કરો અને તમારું ‘કોમ્પ્યુટર’ એ રટણ પ્રમાણે કાર્ય કરતું અવશ્ય થઈ જશે. મહાત્વાકાંક્ષા અને દઢ સંકલ્પ એ ‘મહાનતા’ ના શિબિરનું પહેલું પગલું છે. ભરશો કે ?

તમે તમારા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતવાનો મક્કમ નિર્ધાર કર્યો હોય, અને તે દિશામાં પહેલું પગલું ભર્યું હોય તો તે બદલ તમને ધન્યવાદ. આ દિશામાં બીજું કદમ છે, સખત, સતત અને અખંડ સાધના. સાધના વિના ન સિદ્ધિ ! એ સંસ્કૃત ઉક્તિને તમારો જીવનમંત્ર બનાવો.

એડિસને (1847-1931) ટેલિફોન, વીજળીના બલ્બ, ટેલિગ્રાફ અને એવી અસંખ્ય ધરખમ શોધ કરી વીસમી સદીના માનવીની રહેણીકરણીમાં ગજબનું પરિવર્તન આણ્યું. તમને કદાચ નવાઈ લાગશે કે એડિસન તદ્દન અંગૂઠાછાપ હતો, અને તેના આર્થિક સંજોગો પણ કંગાળ હતા. પણ ભવ્ય પુરુષાર્થથી તે મહાનતાના એટલા ઊંચા શિખર પર પહોંચ્યો કે તેની માંદગીના આખરી દિવસોમાં તેના પ્રાંગણમાં દુનિયાભરના પ્રેસરીપોર્ટરો દિવસરાત પડ્યા પાથર્યા રહેતા, અને તેની તબિયતના કલાક કલાકના સમાચાર દુનિયાભરમાં પ્રસારિત કરતા. અમેરિકાના પ્રેસિડન્ટ કલાકે કલાકે તેની તબિયતના સમાચાર જાણવા ટેલિફોન કરતા. આ ભગીરથ પુરુષાર્થી કહેતો : ‘A genius is one percent inspiration and ninety nine percent perspiration’

‘મહાનતા’નો રાહ કદાપિ સીધો સપાટ હોતો નથી, પણ સદાય ખાડા, ટેકરાઓ અને કાંટાઓથી ભરપૂર હોય છે, તમારે તમારા ધ્યેયને સાકાર કરવા ધ્રુવની જેમ કઠણ તપશ્ચર્યા આદરવી પડશે. તમારી તપશ્ચર્યામાંથી તમને ચલિત કરવા વાધ, વરુ અને દીપડારૂપી આર્થિક અને સામાજિક વિઘ્નો અવારનવાર ઉપસ્થિત થશે. આ વિધ્નો સામે તમે ઝૂકી પડો છો કે મક્કમતાથી સામનો કરો છો, તે તમારો સંકલ્પ કેટલા પ્રમાણમાં દઢ છે તેના પર અવલંબિત છે. આવાં વિધ્નોનો હંમેશાં પ્રતિકાર કરતા રહો, કે જેની તમારી સંકલ્પશક્તિ બળવત્તર થશે, અને તમારો આત્મવિશ્વાસ વધશે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તમારા કોમ્પ્યુટરમાં તમારા સંકલ્પનો ચીલો વિશેષ ઊંડો થતો જશે. પરિણામે તમને ‘તપશ્ચર્યા’ સુગમ, સરળ અને સહજ લાગશે.

સી.વી. રામન (1888-1970) વિજ્ઞાનના પ્રયોગો માટે અદ્યતન યંત્રસામગ્રીની આવશ્યકતા હતી. કલકત્તા યુનિવર્સિટીને આવી ખર્ચાળ યંત્રસામગ્રી બ્રિટનમાંથી આયાત કરવી પરવડે તેમ નહોતું, અને આ યંત્રસામગ્રી વિના વિજ્ઞાનના પ્રયોગો કરવા અશક્ય હતા પણ સી.વી. રામન હાથ જોડી બેસી રહે તેવા નહોતા. તેમણે સ્વયં આ યંત્રસામગ્રીનું બહુ જ નજીવા ખર્ચે નિર્માણ કર્યું. આ યંત્રસામગ્રીથી તેમણે ‘પ્રકાશ’ ના પ્રયોગો કર્યા, ‘રામન ઈફેક્ટ’ ની શોધ કરી અને ‘નોબલ પુરસ્કાર’ જીતી વૈજ્ઞાનિક જગતને આશ્ચર્યચકિત કર્યું. જો તેઓ હાથ જોડી બેસી રહ્યા હોત તો !

તમારી રાહમાં તમારો સૌથી ખતરનાક શત્રુ જો કોઈ હોય તો તે છે ‘આળસ’ ‘આલસ્ય હીં શરીરસ્થો મહારિપુ’ એ સંસ્કૃત ઉક્તિમાં આપણા પૂર્વજોનું ડહાપણ છે, આળસને જરા પોંચો આપશો તો તે આંગળી કરડી જશે. ઉપરોક્ત સંસ્કૃત ઉક્તિને એક ‘પોસ્ટર’ માં સુંદર અને કલાત્મક અક્ષરે લખી તમારા ઘરની દીવાલ પર ટાંગી રાખો, કે જેથી તમે આ ખતરનાક શત્રુથી સતત સાવધાન રહી શકશો. કંઈક આશાસ્પદ અને તેજસ્વી યુવાનોના મનોરથોને ‘આળસે’ જ ધૂળમાં રગદોળી નાખ્યા છે.

અને તમારો બીજો ખતરનાક શત્રુ છે ‘નિરાશા’ તમારા રાહમાં આર્થિક સંકડામણ, કૌટુંમ્બિક જંજાળો જેવી વિપત્તિઓ કદાચ આવી પડે, તો જરા પણ હિંમત હારશો નહિ. હિંમત હારવાથી કર્યું કરાવ્યું ધૂળમાં મળી જશે. કદાચ તમને એમ લાગે કે તમે તમારા પ્રયાસોમાં નિષ્ફળ ગયા છો, પણ તેનાથી જરા પણ નાસીપાસ થવાની કશી આવશ્યકતા નથી. કદાચ એક વધુ પ્રયાસ અને સફળતા તમારી રાહ જોતી જ હોય એમ પણ ઘણીવાર બને છે. ધારો કે એક પથ્થરને તોડવામાં હથોડાના 50 ફટકાની આવશ્યકતા છે. જો તમે 49 ફટકા મારી તે પથ્થર તોડવાનું કાર્ય અધૂરું છોડી દો તો ! અન્ય જણ 50મો ફટકો મારી પથ્થર તોડવાનો જશ ખાટી જશે. ‘No man has ever failed, till he has given up trying.’ એ સુત્રને મનમાં ઘૂંટો. તમારું ‘કોમ્પ્યુટર’ તમારી નિરાશામાં યોગ્ય માર્ગદર્શન આપશે.

તમારું કાર્યક્ષેત્ર પછી તે વિજ્ઞાન હોય કે સાહિત્ય, કલા હોય કે અભિનય, તબીબી હોય કે ન્યાય, રાજકારણ હોય કે વ્યાપાર, ગમે તે હોય, પણ તે તમારી અભિરૂચિને અનુરૂપ હોવું જોઈએ. જો તમારું કાર્યક્ષેત્ર તમારી અભિરૂચીને અનુરૂપ હશે, તો એ કાર્યક્ષેત્રમાંથી તમને માનસિક આનંદ મળશે, અને એ કાર્ય તમને ઢસરડારૂપ નહિ લાગે. એટલે તમારા કાર્યક્ષેત્રની યોગ્ય પસંદગી પર તમારી સફળતાનો આધાર છે. એટલે તમારા કાર્યક્ષેત્રની પસંદગી કરતાં પુખ્ત વિચાર કરો, તમારા વડીલો, શિક્ષકો, મિત્રો અને અનુભવી નિષ્ણાતોના સલાહ-સૂચનો અવશ્ય લેશો. પણ આખરી નિર્ણય તમારે જ કરવો પડશે. તમારી અભિરૂચિને અનુરૂપ પણ સાથે સાથે તમારી કુદરતી શક્તિ અને અન્ય સંજોગોનો વાસ્તવિકપણે વિચાર કરવો ઘટે. સાધારણપણે કુદરતી શક્તિ અને અભિરૂચિ એક જ હોય છે.

તમારા આર્થિક સંજોગો સાનુકૂળ હોય તો તમને તમારું ધ્યેય સિદ્ધ કરવામાં સુગમતા રહેશે. પણ જો તમારા આર્થિક સંજોગો નબળા હોય તો એ સંજોગોમાં સામનો કરવામાં તમારું ખમીર વિશેષ રૂપમાં ખીલશે. જો એડિસનના આર્થિક સંજોગો ઊજળા હોય તો તેણે ટેલિગ્રાફ કંપનીઓમાં ટેલિગ્રાફ ઓપરેટરની નોકરી કરવાની આવશ્યકતા ઉપસ્થિત થઈ ન હોત. અને ‘ટેલિગ્રાફ’ ની યંત્રસામગ્રી પર પ્રયોગો કરવાનો મોકો જ ન મળ્યો. આપણે જે એડિસનને ભગીરથ પુરુષાર્થની ભવ્ય પ્રતિમા તરીકે બિરદાવીએ છીએ એ એડિસન જગતને સાંપડ્યો ન હોત. ભગીરથ પુરુષાર્થ ‘મહાનતા’ ના શિખર પર ચડવાનું બીજું પગલું છે. ભરશો કે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તડકાના માણસ – ભગવતીકુમાર શર્મા
રોજિંદા જીવનનું વ્યાકરણ – નગીનદાસ પારેખ Next »   

12 પ્રતિભાવો : નોબેલ પુરસ્કાર – આર. કે. મહેતા

 1. urmila says:

  encouraging article -publish more of these articles

 2. anamika says:

  ખુબ જ સરસ લેખ……પ્રેરણા આપે છે.સુતેલા મનને જગાડે છે……કઈક કરી બતાવવાની પ્રેરણા આપે છે…આવા વધુ લેખ વાંચવા મળે એવી આશા સાથે આભાર……

 3. gopal.h.parekh says:

  યુવાનોની આળસ ખંખેરી નાંખે એવો પ્રેરણાદાયક લેખ

 4. Girish Desai says:

  સો વખત નાપાસ થવું સારું પણ એક વખત નાસીપાસ થવું એ તો જીવનને રુંધવા જેવું છે.

 5. ghanshyam says:

  Congratulation and of course thank you for writing such nice and inspirational artical. I would like to keep on reading this repeatably.
  Thanks,
  Kothari

 6. YOGEN DRASINH says:

  Telephone was invented by Alexnder Graham Bell and not Adison.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.