રોજિંદા જીવનનું વ્યાકરણ – નગીનદાસ પારેખ

Gandhibapu

[ ‘ગાંધીગંગા ભાગ-1’ માંથી સાભાર.]

ગાંધીજીએ પોતાના એક જીવન દરમિયાન અનેક જીવનોનાં કાર્યો પતાવ્યાં. ભારત જેવા વિશાળ દેશને બ્રિટિશ સલ્તનતની નાગચૂડમાંથી છૂટવામાં મદદ કરી, ભારતની સ્ત્રીઓને જાણે જાદુથી ન હોય એમ પુરુષોની હરોળમાં મૂકી દીધી, અને અણુશસ્ત્રથી ત્રાસેલા જગતને આત્મબળનું હથિયાર આપ્યું. એમણે ભારતને સ્વરાજનો એક નકશો પણ આપ્યો હતો, જેને આજે આપણે વિસારે નાખ્યો છે. પણ એમનાં આ બધાં મોટાં ને મહત્વનાં કાર્યોને બદલે એમના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશે જ બે વાત હું કહેવા માગું છું.

ગાંધીજી સાચા અર્થમાં લોકનેતા હતા. તેઓ લોકોને દોરતા હતા, લોકોથી દોરાતા નહોતા. આપણા જીવનમાં એમણે કેટલીક ઊણપો જોઈ હતી અને એમના ઈંગલૅન્ડવાસે એ બધીનું એમને તીવ્ર ભાન કરાવ્યું હતું. તે ઉપરથી એમણે પ્રચંડ પુરુષાર્થપૂર્વક પોતાના જીવનમાંથી એ ઊણપોને દૂર કરી નવી ટેવો પાડી હતી. અને આપણી આખી પ્રજામાં તેને વ્યાપક બનાવવા તેઓ જીવનભર મથ્યા હતા. એ માટે તેમણે આવા કેટલાક આગ્રહો ઉપર ખૂબ ભાર મૂક્યો હતો.

[1] પહેલો આગ્રહ સમયપાલનનો. આપણા દેશમાં કોઈ સભાનું કામ જાહેર કરેલ સમયે ભાગ્યે જ શરૂ થતું. આજે પણ હંમેશા થાય છે, એમ નથી. સેંકડો કે હજારો માણસોનો સમય બગડે, એની જાણે આપણને કિંમત જ નથી. પણ ગાંધીજી આ બાબતમાં ખૂબ ચાનક રાખતા હતા. જે સમય જાહેર થયો હોય તે સમયે કાર્ય શરૂ થવું જ જોઈએ, એવો તેમનો આગ્રહ હતો. ગોધરામાં અંત્યજ પરિષદ મળી ત્યારે લોકમાન્ય તિલક અર્ધો કલાક મોડા આવ્યા હતા. તે જ વખતે ગાંધીજીએ કહ્યું કે, ‘સ્વરાજ અર્ધો કલાક મોડું થયું !’

સમયપાલનનો એક બીજો અર્થ પણ થાય છે, અને તે એ કે નીમેલે વખતે નીમેલું કામ કરવું. અમુક વખતે ઊઠવું, અમુક વખતે ફરવા જવું, અમુક વખતે ઉપાસના કરવી, અમુક વખતે ભોજન લેવું, અમુક વખતે મુલાકાતો આપવી વગેરે. આ બધું એ ખૂબ કાળજીપૂર્વક પાળતા. જેને જે વખતે મુલાકાતનો સમય આપ્યો હોય તેને તે વખતે અંદર બોલાવતા, અને સમય પૂરો થતાં ઘડિયાળ બતાવતા. આટલા બધા કામગરા હતા છતાં એમણે કદી ઉપાસના કે ફરવાનું છોડ્યું હોય એવું બન્યું નથી. વિલાયત ગયા હતા ત્યારે ત્યાંની ઠંડી અને ધુમ્મસમાં પણ એ ફરવા નીકળતા હતા. એને એ શરીર પ્રત્યેની પોતાની ફરજ સમજતા હતા. જે શરીર પાસે આપણે કામ લેવાનું છે, તેના સ્વાસ્થ્ય માટે આવશ્યક એવો વ્યાયામ એને આપવો જ જોઈએ.

[2] એમનો એક આગ્રહ સ્વચ્છતા વિશેનો હતો. અસ્વચ્છતા એ આપણા દેશનો વ્યાપક રોગ છે. આપણા અંગત જીવનમાં સ્વચ્છતા હોય છે, પણ સામૂહિક જીવનમાં એ જોવા મળતી નથી. આ આપણી સ્વચ્છતા સામે ગાંધીજી જીવનભર ઝૂઝ્યા. એમણે સ્વચ્છ જીવનનો કેવળ ઉપદેશ જ ન કર્યો. એના દાખલા પૂરા પાડ્યા. પાયખાનાં અને મૂતરડીઓ, રસોડાં અને ખાતરના ખાડા કેવાં હોય અને કેમ સ્વચ્છ રખાય એ એમણે પ્રત્યક્ષ કરી બતાવ્યું. જાજરૂની સફાઈને એમણે સંસ્થાની કસોટી બનાવી મૂકી.

[3] એ પછી સાદાઈ અને કરકસર આવે. ગાંધીજીએ પોતાને ગરીબ ભારતના પ્રતિનિધિ માનેલા, એટલે એમણે પૂરી સાદાઈથી જીવન વિતાવ્યું. વિલાયત જવા ઊપડ્યા ત્યારે સાથે મહાદેવભાઈ, પ્યારેલાલ, દેવદાસ વગેરેએ ચામડાની બૅગો ભરીને સામાન લીધો હતો. સ્ટીમર ઊપડ્યા પછી ગાંધીજીએ જડતી શરૂ કરી. અને જે પુણ્યપ્રકોપના લાવાનો ધોધ વહેવડાવ્યો, તે આ બધાનાં આંસુથી પણ ઠર્યો નહિ. એડનની વધારાની બધી ટ્રંકો અને વધારાનો સામાન પાછો દેશ મોકલ્યો ત્યારે જ જંપ્યા. ‘હું ભારતનાં દીનજનોનો પ્રતિનિધિ. મારા મંત્રીને કાગળ રાખવા ચામડાની બેગ શા સારું જોઈએ ? ખાદીની થેલી કેમ ન ચાલે ?’ વગેરે વગેરે. યરવડા જેલમાં સરદાર વલ્લભભાઈ ગાંધીજી માટે ખજૂર ધોઈને તૈયાર કરતા હતા. પંદર પેશી લેવાનો નિયમ હતો. વલ્લભભાઈ કોઈ વાર સત્તર સરકાવી દેતા, તો ઠપકો સાંભળવો પડતો.

પોતાના પર આવેલા પત્રોની પાછલી કોરી બાજુનો ઉપયોગ કરતા, પણ જ્યાં જરૂર હોય ત્યાં હજારો વાપરતાં પણ એ અચકાતા નહિ. એક વાર બંગાળની પ્રાંતિક પરિષદમાં હાજર રહેવાનું એમણે દેશબંધુ દાસને વચન આપ્યું હતું, તે પાળવા સ્પેશિયલ ટ્રેન જોડાવીને પણ ગયા હતા. ‘યંગ ઈન્ડિયા’ કે ‘હરિજન’ માટે ઘણી વાર આખા લેખોના લેખો તારથી મોકલતા. એ એમને ઉડાઉપણું નહોતું લાગતું.

[4] એની સાથે હિસાબની ચોક્સાઈ પણ સંકળાયેલી છે. જાહેર નાણાંની પાઈ એ પાઈ જે હેતુ માટે આવી હોય તે હેતુ માટે જ અને કરકસરપૂર્વક વપરાય, એ વિશે એમનો આગ્રહ જાણીતો છે. પોતે દક્ષિણ આફ્રિકાથી જ્યારે પ્રતિનિધિમંડળ તરીકે વિલાયત ગયા હતા, ત્યારથી એમની હિસાબની નોંધમાં ઘોડાગાડીનો, છાપાંનો, ચાનાસ્તાનો, ટપાલનો એવો ઝીણો ઝીણો ખર્ચ પણ વિગતે નોંધેલો છે. પરચૂરણ ખર્ચ જેવું કોઈ ખાતું જ એમાં નથી. તદ્દન નજીવી રકમ માટે એમણે કસ્તૂરબાને પણ ‘નવજીવન’ ને પાને ચડાવ્યાં હતાં.

[5] ગમે એટલું નાનું કામ કે માણસ એમને મન નાનું નહોતું. પોતે સદાય દેશનાં મોટાં મોટાં કામોમાં રોકાયેલા રહેતા હતા, છતાં પોતાના નાનામાં નાના માણસની કે કામની એમણે કદી ઉપેક્ષા કરી નથી. વાઈસરૉયને જવાબ લખાવીને તરત જ બીજો પત્ર તેઓ કોઈ દૂર પડેલા સાથીને મેથીની ભાજી ખાય કે મગ એ વિશે સલાહ આપતો પણ લખાવતા. ઘણી વાર કૉંગ્રેસ કારોબારીની સભામાંથી થોડી મિનિટ કાઢીને કોઈ દરદીને એનિમા આપવા ચાલ્યા જતા.

[6] ટૉલ્સ્ટોયની એક વાર્તા છે : ત્રણ પ્રશ્નો. તેમાં પ્રશ્નો એવા છે કે સૌથી મહત્વની ક્ષણ કઈ ? સૌથી મહત્વનું કામ કયું ? અને સૌથી મહત્વનું માણસ કયું ? જવાબ એ છે કે ચાલુ ક્ષણ એ જ સૌથી મહત્વની, હાથમાં હોય એ કામ જ સૌથી મહત્વનું અને સામે હોય તે માણસ જ સૌથી મહત્વનો. ગાંધીજીએ પોતાના જીવનમાં સૌથી પહેલું જાહેર કામ કયું કર્યું ? દક્ષિણ આફ્રિકામાં ત્રણ ભારતીઓને – એક હજામ, એક હાટડીવાળો અને એક કારકુનને – અંગ્રેજી શીખવવાનું માથે લીધું, એ એમનું પહેલું જાહેર કામ કહેવાય. – અને તે પણ બેરિસ્ટર નવરો તે પેલાઓને ઘેર જઈને શીખવે ! તેઓ જ્યરે કલકત્તા કોંગ્રેસમાં ગયા ત્યારે તો દક્ષિણ આફ્રિકાના આગેવાન થઈ ચૂક્યા હતા, છતાં એમણે કોંગ્રેસ કચેરીમાં જઈને પૂછયું કે ‘મારે લાયક કંઈ કામ હોય તો આપો. નકલ કરવી, પત્ર લખવા, જે હશે તે કરવા હું તૈયાર છું.’ આપણે કોઈ મહત્વની ક્ષણની, મહત્વના કાર્યની અને મહત્વના માણસોની રાહ જોઈને બેસી રહીએ છીએ, અને જીવન પૂરું થઈ જાય છે. ગાંધીજીએ જ્યારે જે કામ આવી પડ્યું ત્યારે તે ઉપાડી લીધું અને તેમાં પોતાનો સમગ્ર પ્રાણ રેડ્યો.

[7] માનવપ્રેમ એમના જીવનના પાયામાં હતો, ગાંધીજીની વિચારણામાં માનવ કેન્દ્રમાં હતો. સંતતિનિયમનનાં સાધનોનો એમનો વિરોધ ખૂબ જાણીતો છે. એ વિશે પુષ્કળ માથાઝીક કર્યાં છતાં શ્રીમતી માર્ગારેટ સેંગર એમની સંમતિ મેળવી શક્યાં નહોતાં. તેમ છતાં ‘મહાદેવભાઈની ડાયરી’ ઉપરથી આપણે જાણીએ છીએ કે અમુક માણસની બાબતમાં એમણે વંધ્યીકરણ, ગર્ભનિરોધનાં સાધનોનો ઉપયોગ પણ હિતકર માન્યો હતો. પોતે ચા-કૉફી પીતા નહોતા, છતાં થાકેલા મહાદેવભાઈ માટે ચા કે માંદા રાઘવન માટે કૉફી જાતે બનાવતા એમને આપણે જોઈએ છીએ. એટલું જ નહિ, પોતે માંસહારના વિરોધી હતા, માણસ માટે એ આવશ્યક કે યોગ્ય નથી એમ માનતા હતા, છતાં અબ્દુલ ગફારખાનનાં બાળકો માટે આશ્રમમાં આમિશ વાનગીઓ કરાવવા એ તૈયાર થયા હતા. સિદ્ધાંતજડતા એમનામાં નહોતી.

અહીં મને અમેરિકન પાદરી શ્રી મોટ સાથેની ગાંધીજીની વાતચીત યાદ આવે છે. એ પાદરીએ પૂછ્યું હતું કે ‘તમારી સેવા પાછળ કોઈ સિદ્ધાંત પ્રત્યેનો પ્રેમ હોય છે, કે માનવ પ્રત્યેનો પ્રેમ હોય છે ?’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું : ‘મારી સેવા પાછળ માનવ પ્રત્યેનો પ્રેમ જ હોય છે. જો હું માનવીની સેવા ન કરી શકું, તો કેવળ સિદ્ધાંત પ્રત્યેનો પ્રેમ તો નિષ્પ્રાણ છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નોબેલ પુરસ્કાર – આર. કે. મહેતા
અમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’ Next »   

12 પ્રતિભાવો : રોજિંદા જીવનનું વ્યાકરણ – નગીનદાસ પારેખ

 1. કલ્પેશ says:

  Speechless !!
  One cannot write enough.

  ગાંધીજીના ચરિત્રમાથી થોડુ પણ મારામા આવે તો જીવન ધન્ય થઇ જાય.

  હે પ્રભુ, મને શક્તિ આપો.

 2. Keyur Patel says:

  ગાંધીજ ના ગુણો તો ગાંધીજી ના!!!!!! કહેવું પડે……

 3. Ankita says:

  Gandhiji was really the greatest personality. If one can follow some of Gandhiji’s virtue, life can be real life.

  Inspiring article. Will try to follow Gandhiji in life.

  Thank you

 4. સુરેશ જાની says:

  ગાંધીજીને આપણે સમજ્યા જ નથી . આવો માણસ બેીજો પાકશે કે કેમ?

 5. ketan says:

  wahre………………………..gandhi…………………………wah

  gandhiji mara aadarsh che.
  agar n hota gandhi to shayad hume ye sase bhi GORE log ginke dete.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.