અમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’

poleઅમદાવાદની સાચી ઓળખ તેની પોળો છે. પોળોના પરિચય વિના અમદાવાદની ઓળખ અધૂરી ગણાય છે. યુનોએ અમદાવાદની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે નવાજી છે. ‘પોળ’ શબ્દ આવ્યો ક્યાંથી ? ‘પોળ’ શબ્દ મૂળ ‘પ્રતોલી’ માંથી ઉદ્દભવ્યો છે. પ્રતોલી-પ્રઓલી-પ્રઆલિ-પોલિ-પોલ-પોળ પોળ એટલે કોઈ એક જ્ઞાતિ-સમૂહ કે ધંધાના માણસોને રહેવા માટે ફાળવવામાં આવતો કે વસાયેલો વિસ્તાર, જેમાં એ લોકો સમૂહમાં રહી શકે. શ્રેણીઓના સમયને અનુકૂળ આ વિભાગીકરણ કુટુંબ કે સમૂહને સલામતી ને પરસ્પર સંબંધ આપે છે. પોળોનો ઈતિહાસ જોતાં એણે આ કાર્યને સાર્થક કર્યાના ઘણા દાખલા છે.

પોળોનું ઉદ્દભવસ્થાન ઉત્તર ગુજરાત છે. પાટણમાં પોળને ‘પાડા’ કહેવામાં આવે છે. અમદાવાદ વસ્યું તે પહેલાં પાટણ વસેલું હતું. અહમદશાહે આ શહેરની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં જે પોળમાં રહેવાનું મુહૂર્ત કર્યું, તે પોળ ‘મુહૂર્ત પોળ’ તરીકે ઓળખાવા લાગી. માણેકચોક વિસ્તારમાં હાલમાં મુહૂર્તપોળ આવેલી છે. મુસ્લિમ તવારીખમાં તેનું કોઈ સમર્થન જોવા મળતું નથી. આસમાની-સુલતાની કાળની પોળોની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એનો અર્થ એવો નથી થતો કે તે સમયે મહોલ્લા કે લત્તા નહોતા. મુઘલ કાલના દસ્તાવેજોમાં ઢીકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ, ભંડેરપુર પોળ વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. મુઘલ કાલના અંતથી પોળોની રચના થવા માંડી. મરાઠા હકૂમતમાં પોળોની રચનાને વેગ મળ્યો. અમદાવાદની ઘણી ખરી પોળો 1760 થી 1818 ના સમયગાળાની વસેલી છે, જેની સંખ્યા 360 જેટલી હતી. છ ઘરોની પોળ (ખાંચો) થી માંડીને આશરે 300 થી 3000 જેટલાં ઘરોની મોટી પોળ (જાણે કે એક મોટી વસાહત) આ શહેરમાં છે.

આ નગરના અગાઉ રસ્તાઓ પહોળા હતા. મહોલ્લાઓ પહોળા હતા. પોળો પહોળી હતી. તો પ્રશ્ન ઊભો થાય છે કે પોળો સાંકડી કેમ થઈ ? મરાઠા રાજમાં સુબા, અમલદારો અને સિપાઈઓનો ત્રાસ હતો. લોકોમાં સલામતીનો મોટો પ્રશ્ન હતો. રાજના ત્રાસથી બચવા માટે લોકો સમૂહમાં રહેવા લાગ્યા. એક જ જ્ઞાતિના કે સંપ્રદાયના લોકો સાંકડ-માંકડ રહેવા લાગ્યા. અમલદારને નાણાં આપતાં રસ્તા વચ્ચે મકાન બાંધવાની પરવાનગી મળી જતી. રસ્તો સાંકડો કે વાંકો થાય તેની તેમને ચિંતા નહોતી. અહમદીમાં લખાયેલું આ લખાણ લેખકે નજરે જોયેલી ઘટના છે. લોકો સમૂહમાં હોય તો સલામતી વધારે. પોળનો દરવાજો બંધ કર્યો એટલે સબ સલામત. વધારે સલામતી માટે ‘પોળિયો’ (ચોકીદાર) રાખતા. પોળના દરવાજા ઉપર ‘મેડી’ તેના રહેઠાણ અને નિરક્ષણ માટે બની. મુશ્કેલીના દિવસોમાં પોળના રહીશો એકબીજાના હિતેચ્છુ બનીને રહેવા લાગ્યા. પોળમાં જેમ વધારે અને વધારે ઘરો બંધાતા ગયાં, તેમ તેમ પોળો સાંકડી થતી ગઈ. અમૂક પોળોમાં ઘરમાં ઊભા રહીને બીજા ઘરની વ્યક્તિ સાથે હાથ મિલાવી શકાય ! એક-બીજાના ઘરના છાપરા ઉપર સહેલાઈથી જઈ શકાય. એક પોળમાંથી બીજી પોળમાં જઈ શકાય. ભૂલભૂલામણી જેવી આવી પોળો માટે અવિનાશ વ્યાસે સુંદર સુગમ સંગીતની નીચેની રચના કરીને પોળની સાચી ઓળખાણ આપી છે :

પોળમાં પોળ
શેરીમાં શેરી
શેરી વળી જાય
ખડકીમાં ઢળી
ખડકી વળી જાય
ગલીમાં ઢળી
ગલીમાં વળી જાય
પોળમાં ઢળી
અમદાવાદની એક મહિલા
માણેકચોકમાં નીકળી
પછી માણેકચોકમાં મળી…..!

એક વસાહતની જેમ દરેક પોળમાં કૂવો, મંદિર, ચબૂતરો, ચોગાન અને ઓટલો જેવી સગવડો હોય. પહેલાં સાર્વજનિક જાજરૂ હતાં. ખૂલ્લી જગ્યા ને ચોકઠું (ચોગાન) કહેવામાં આવે, જ્યાં વાર-તહેવારે જમણવાર, પ્રસંગ કે નવરાત્રિમાં ગરબા ગાઈ શકાય. ધાર્મિક સંસ્કૃતિના પ્રતિબિંબ જેવી કલાત્મક પરબડી-ચબૂતરો સવિશેષ ધ્યાન ખેંચે છે, જેમાં ‘મૂઠી દાન’ નો ખ્યાલ આવે છે. કૂતરા કે ગાયને આપવા માટેના ‘ચાટ’ પણ જોવા મળે. બંગલાના રક્ષણ માટે રખાતાં કૂતરાં કે ચોકીદારની અહીં હવે જરૂર નથી. સુખ-દુ:ખમાં લોકો એક જ અવાજે એકઠાં થઈ જાય છે. અહીં જેવાં આત્મીયતા, સ્નેહ, લાગણી બીજે ક્યાંય જોવા નહિ મળે. અહીંનો ‘વાડકી વ્યવહાર’ જગપ્રસિદ્ધ છે. સવારે બાળકની બાબતમાં ઝઘડેલી બહેનો, સાંજે સાથે બેસીને ગોટા ખાય છે. આ બધી પોળની વિશેષતાઓ છે.

પોળની ભૂગોળ સાપસીડીની રમત જેવી છે. તેની ભૂગોળ પોળનો રહેવાસી જ સમજી શકે ! બીજા કોઈની હિંમત નહિ ! અક્ક્લ નહિ ! જ્યારે શહેરમાં હુલ્લડો કે તોફાનો થાય છે ત્યારે પોળ રણક્ષેત્ર બની જાય છે. ત્યારે આવેલા લશ્કરના જવાનો પણ પોળનો ભૂગોળ નહિ સમજતાં, માથે હાથ મૂકી બેસી જાય છે. પોળમાં પોલીસ પેસતાં ડરે ! તેમને પથ્થરોનો વરસાદ સહન કરવાની તૈયારી રાખવી પડે ! આઝાદીની ચળવળમાં આ પોળો ખૂબ સક્રિય રહી હતી. ઘણા નેતાઓ અહીં ભૂગર્ભમાં સંતાઈ ગયા હતા.

શહેરની પોળોનાં નામોનો ઈતિહાસ છે. શહેરની સૌથી મોટી પોળ ‘માંડવીની પોળ’ છે. શહેર મધ્યે આવેલાં ચૌટા કે ચોરામાં નવરાત્રિ વખતે માતાજીની માંડવી મૂકવામાં આવતી અને તેની આજુબાજુ ગોળ વર્તુળમાં બહેનો ગરબા ગાતી. જે પ્રથાને કારણે માંડવી નામ પડ્યું ! મારા ગામમાં પણ માંડવી વિસ્તાર છે. આ માંડવીની પોળ અનેક પોળોનો સમુદાય છે. ફાંટા છે, ખાંચા છે અને જોડાણો છે. પખાલી, પિંજારા, ચુનારા, સાળવી, પટવા, મોઢ, ભાટ, મહેતા, નાગર, માળી કે ધોબી વગેરે જાતિ-ઉપજાતિ પોતપોતાની જગ્યાએ સ્થાપિત થઈ અને તે જ નામે પોળ ઓળખાઈ. જેમ કે પખાલીની પોળ કે પટવા પોળ વગેરે. પોળોનાં નામકરણમાં કેટલીક વ્યક્તિઓનો ફાળો નાનો-સૂનો નથી. જેઠાભાઈ, લાખા પટેલ, આકાશ શેઠ, હાજા પટેલ, કાનજી દિવાન, રાજા મહેતા, ધના સુથાર, હિંગોળક જોષી, ઘાશીરામ, જાદા ભગત, નવતાડ પઠાણ, ઘુસા પારેખ વગેરે નામો પોળના કે સમાજના વડા કે પોળ વસાવનારાનાં નામ ઉપરથી પોળો જાણીતી થઈ હશે.

પોળોનાં નામોમાં પશુ, પ્રાણીઓ અને જીવડાંઓનો સમાવેશ થયો છે. તેમાં ચામાચિડિયાની પોળ, જળકુકડીની પોળ, દેડકાંની પોળ, કાગડા શેરી, લાંબા પાડાની પોળ, મરઘા વાડ, હરણવાળી પોળ, બકરી પોળ, વાંદરા બુરજ વગેરેનો ઉલ્લેખ થઈ શકે ! તેનો ઈતિહાસ શોધવો મુશ્કેલ પડે ! ‘કળજુગ’, ‘ચકાપકા’, ‘ભૂખડી મોલાત’ અને ‘કીડી-પાડા’ ની પોળ જેવાં ચિત્ર-વિચિત્ર નામો પણ જોવા મળે છે. મારું મૂળ ગામ ગોઝારિયા. અમારા પૂર્વજ અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં જ્યાં આવી વસેલાં, ત્યાં હાલમાં ‘ગોઝારિયા ની પોળ’ જોવા મળે છે. દરેક પોળમાં ચૈત્ર માસના કોઈ એક દિવસે ‘ધારાવડી’ કાઢવામાં આવે છે, જેમાં નવગ્રહની પૂજા, હોમ-હવન કર્યા પછી સમૂહ ભોજનનો કાર્યક્ર્મ પણ હાલમાં યોજાય છે. પોળ છોડી બહાર વસેલા લોકો પણ આ પ્રસંગે હાજર રહેતા હોય છે. બાહ્ય અનિષ્ટોથી બચવા માટે પોળના લોકો આ પરંપરાગત ધાર્મિક વિધિ કરતા હોય છે.
house

શહેરની પોળના ઘરનું સ્થાપત્ય કે બાંધણી ઉત્તર ગુજરાતનાં ઘરો જેવી છે. પોળનું ઘર ‘ખડકીબંધ’ ઘર હોય છે. ઘરની બહારની બાજુએ ઓટલો જોવા મળે. મુખ્ય દરવાજા પછી ઢાળિયું આવે, જ્યાં ખાટલા જેવી વસ્તુઓ મૂકવા માટે કામમાં આવે. પછી હવા-ઉજાસ માટે ખુલ્લી જગ્યા ‘ચોક’ આવે. વરસાદનું પાણી અહીંયા પડે. પછી પરસાળ આવે જેને લોકો ‘માંડી’ કહે છે. માંડી પછી વચ્ચેનો ઓરડો આવે, જેમાં પાણિયારું હોય. માંડીની બાજુમાં બેઠા બેઠાં રાંધી શકાય તેવો ચૂલો હોય અને ધૂમાડો બહાર નીકળી જાય તેવું ધુમાડિયું જોવા મળે. છેલ્લે અંદરનો ઓરડો આવે. છેલ્લી દિવાલે ભીતમાં હવા-ઉજાસ માટે બે નાનાં જાળિયાં હોય. સુખી ઘરોમાં અને નાગરનાં ઘરોમાં હિંચકો જોવા મળે. ઘરનાં બારણાં અને તેની બારસાખ ઉપર કોતરણી જોવા મળે. બારસાખને ટોડલો અને બાજુમાં ગોખ હોય. નાના ગોખ દીવા મૂકવા માટે વપરાતા. વચલા ઓરડામાં મોટા ગોખ વસ્તુઓ મૂકવા માટે વપરાતા. કિંમતી વસ્તુઓ અને દાગીના મૂકવા માટે ‘પટારો’ હોય. આ બધી ઘરની સામાન્ય રચના થઈ. સૌ કોઈ તેમની જરૂરિયાત મુજબ ફેરફાર અને લાકડામાં કોતરણી કરાવે.

અમદાવાદમાં પાણીની ખેંચ હોવાથી, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ઘરમાં પાણીનાં ટાંકા બનાવવામાં આવતાં. જેમાં સંગ્રહ કરેલું પાણી, મુશ્કેલીના સમયમાં કામમાં લેવાતું. થોડાક વર્ષો પહેલાં બાલા હનુમાનથી ખાડીયા વચ્ચેની 16 પોળોનાં 65 ટાંકાઓમાંથી 11 ટાંકાના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જે ટેસ્ટિંગમાં બેક્ટેરિયા-પ્રૂફ પીવાલાયક પાણી સાબિત થયું હતું. મ્યુનિસિપાલિટીના પાણીના નળ શરૂ થતાં, ટાંકાના પાણીનો વપરાશ બંધ થયો. ઘણા લોકોએ ટાંકા પુરાવી દીધાં છે.

સમય સમયનું કામ કરે છે. ‘લિવિંગ લેજેન્ડ’ જેવી પોળોમાં પરિવર્તન આવવા માંડ્યા છે. શહેરમાં હુલ્લડો કે તોફાનો થતાં તેની મોટી અસર પોળો ઉપર પડી ! અને કાળચક્ર મુજબ પોળો તૂટવા માંડી છે. શહેરની મુખ્ય પોળ, માંડવીની પોળ વાસણ બજારમાં ફેરવાઈ ગઈ છે. સાંકડી શેરીની પોળોમાં ચાંદી ગાળવાની ફેકટરીઓ થઈ ગઈ છે. ધના સુથારની પોળમાં ઈલેક્ટ્રોનિક્સવાળાઓએ પગ લાંબા કર્યા છે. પાદશાહની પોળમાં કાપડ બજાર શરૂ થઈ ગયું છે. રાયપુર ચકલાંમાં વસ્ત્રભંડારો થઈ ગયાં છે. ઘીકાંટામાં એન્જિનિયરીંવ વર્કસ અને લેધર વર્કસ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક જગ્યાએ મોટાં મોટાં સંકુલો બની ગયાં છે અને બની રહ્યાં છે. ‘લિવિંગ હેરિટેજ’ જેવી પોળો મૃતપ્રાય બની રહી છે ! આ પણ એક કાળ ચક્ર છે. હેરિટેઝ જેવાં મકાનો બચાવવા કોર્પોરેશન કે સરકારે આગળ આવવાની જરૂર છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રોજિંદા જીવનનું વ્યાકરણ – નગીનદાસ પારેખ
આધુનિક શિક્ષણ – મૃગેશ શાહ Next »   

37 પ્રતિભાવો : અમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’

 1. Sharvari M. Lakhia says:

  This was a very nice article. Having grown up in Raipur Chakla and a being a regular wanderer around all these poles brought back a lot of memories. I would like to point out that some poles and sheris were named after Gods and/or Godesses. For example the pole I grew up in was Vagheshwarini pole named after Vagheshwari Mata whose temple is still intact there.

 2. Anand Mehta says:

  હ્ર્દય ને સ્પર્શિ જાય તેવુ ખુબ સુન્દર વર્ણન છે. આ માટે સેતુ તમારો ખુબ ખુબ આભર.

 3. મજા પડી ગઈ ..પોળ દર્શન કરવાની…..

 4. અજય પટેલ says:

  નોકરીને કારણે થોડા દિવસોમાં જ અમદાવાદમાં જ શિફ્ટ થવાનુ હોવાથી જો કોઈને કશે “કોમપ્યુટર પોળ” કે “નેટવર્કવાળાની પોળ” જેવી કોઇ પોળની માહિતિ હોય તો આપશો. 🙂 આભાર.

 5. Bimal says:

  સુંદર ………..વર્ણન ….

 6. Dhaval Shah says:

  સુન્દર વર્ણન !! પાટણમા “પાડા” ખુબ છે.
  દા. ત. ખેજડા નો પાડો, ડન્ખ મેહતા નો પાડો, વગેરે… “પાડા” શબ્દ નો ઉગમ કેવી રીતે થયો ?

 7. Nisarg says:

  Does any one have any idea abouthow to save this articals (e.g. like in pdf or .doc format ) ?

  Right now I have stored few articals as a webpage. but that is not a good ida as well as not good for transferring.

  If the website owner can also put the articals in PDF formate (which does not take much space) then it can be gr8 & can be used for offline reading.

  If any one have any idea then plz plz plz let me know on ni_sa_rg@yahoo.com

 8. અમદાવાદ વિશે આટલી રસપ્રદ માહિતિ જાણીને આનંદ થયો…

 9. suresh patel says:

  ‘સેતુ ‘ નિ સેતુ સમાન માહિતિ માણવા મલિ.
  પાટણ નો ૨ વર્શ અને અમદાવાદ નો ૧૮ વર્શ નો રહેવાશ બાદ
  આટલિ માહિતિ .?
  ધન્ય થૈ ગયો………………..

 10. Megha says:

  wow really gr8 articles…. fantastic!!!..
  આન્ખ મા આન્સુ આવિ ગયા. બાળપણ નિ યાદો તાજિ થઈ ગઈ.

 11. પ્રિય નિસર્ગ,

  પી. ડી. એફ. ફાઈલ કેમ બનાવશો? મેઈલ મોકલાવી છે…

 12. Nisarg says:

  Dear વીનય ખત્રી,
  Thank you very much for your quick and detailed reply. When I post the comment, I was just wondering whether I’ll ever get satisfactory answer or not. But I was wrong. The world is really small.

  I again heartly thank you for your help.
  NISARG

 13. Nisarg says:

  Dear Editor of this WebSite,
  I am not sure whether my suggestion is right or wrong. But the information that Vinayji has posted (about how to save document in pdf) should be available as a permanent link to every one. So, if ever any one likes to keep the documents for future reference then they can know how to do it.
  Rest is upto U.
  Thnx
  NISARG

 14. પ્રિય નિસર્ગ અને રીડ ગુજરાતીના વાચકો,

  તમને મનગમતા પેજની PDF ફાઈલ કેમ બનાવશો? જુઓઃ નેટ ગાઈડ (http://netguide4u.wordpress.com/makepdf)

 15. Keyur Patel says:

  માહિતિપ્રદ લેખ. વાંચીને મજા આવી. આવા લેખો આપતા રેહશો.

 16. Dr. rajni cshah says:

  it is beautiful article. very intresting. dr. maneklal patel is he dentist, if yes then he was my classmate at gdc. thanks Rajni

 17. Keyur Pancholi says:

  હું પણ અમદાવાદ માં રહેતો હતો ત્યારે પણ આટલી જાણકારી નહોતી પોળ વિષે. ખુબ સરસ લૅખ.

 18. Alap Chokshi says:

  Real story…

  We still have a house in “HAJA PATEL NI POL”.

  I missed it very much.

 19. અજયભાઈ,
  કમ્પ્યુટર ની પોળ કે નેટવર્ક વાળાની પોળ તો હશે કે કેંમ એતો રામ જાણે પણ ક્યાંક ઉંદરડાની ( માઉસ ) પોળ જરુર હશે!!!

  સરસ લેખ.

 20. ચિરાગ ચૌધરી says:

  ખૂબ જ સરસ લેખ
  લેખકની સાથે અમદાવાદની પોળોમાં ફરીને આવ્યાં હોઇએ તેવી અનૂભૂતિ થઇ.

  આવા માહિતિપ્રદ લેખ વધુ આપતા રહેશો.

 21. dr.babubhai patel(gozaria) says:

  અમદાવાદની પોળો વિષે ખૂબજ સારી માહિતી બદલ અભિનન્દન. પ્રિય મિત્ર.

 22. manvant says:

  ડૉ.સાહેબ શ્રી માણેકભાઇ…..પાટણના પાડાની જેમ
  સિદ્ધપુરના વાડા પણ જાણીતા છે.ખાલી આપશ્રીની જાણ માટે જણાવુ છું.થોડાં વધુ ચિત્રો હોત તો ?
  (હું સિદ્ધ્રપુરનો નથી હો !) આભાર.

 23. MRS.Amin ben says:

  tamari aa website-READGUJRATI mane bahuj gami che.ane tamara sangrahit lekho to adhbhut che.operation pachi na bed rest ma to mane aa lekho vanchva ni khub maja padi.darek lekh na alag alag vicharo thi-jem k ”90-10 %,lagna na 25 pachees varas-vagere thi mari jindagi ma have pachi su karavu-em janva ni disha mali.THANK YOU VERY MUCH.KEEP UP THE GOOD WORK.

  MRS.AMIN PANJWANI.HYEDRABAD.INDIA.

 24. Umakant Shah says:

  Thrilled to see my home/ my Vagheshwari pole
  I grew up next door to Vagheshwarimata’s temple
  Thank you so much

 25. Maithil Lakhia says:

  Mr. Umakant Shah,

  What a plesant surprise to see your name and reference to our home. As you can see from my name that i lived right between the temple and your home. I am sure you remember me. The first comment you see up here is my wife Sharvar who also lived at the “Dhobi na khancha”. So where do you live now? Are you in US? I had talked to your brother Nayan a few years ago. If you are interested, you can contact me at the email.

 26. Kaushik says:

  ખરેખર બહુજ મજા આવી અત્યારના લોકોને આ જાણવુ જોઇઍ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.