- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’

અમદાવાદની સાચી ઓળખ તેની પોળો છે. પોળોના પરિચય વિના અમદાવાદની ઓળખ અધૂરી ગણાય છે. યુનોએ અમદાવાદની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે નવાજી છે. ‘પોળ’ શબ્દ આવ્યો ક્યાંથી ? ‘પોળ’ શબ્દ મૂળ ‘પ્રતોલી’ માંથી ઉદ્દભવ્યો છે. પ્રતોલી-પ્રઓલી-પ્રઆલિ-પોલિ-પોલ-પોળ પોળ એટલે કોઈ એક જ્ઞાતિ-સમૂહ કે ધંધાના માણસોને રહેવા માટે ફાળવવામાં આવતો કે વસાયેલો વિસ્તાર, જેમાં એ લોકો સમૂહમાં રહી શકે. શ્રેણીઓના સમયને અનુકૂળ આ વિભાગીકરણ કુટુંબ કે સમૂહને સલામતી ને પરસ્પર સંબંધ આપે છે. પોળોનો ઈતિહાસ જોતાં એણે આ કાર્યને સાર્થક કર્યાના ઘણા દાખલા છે.

પોળોનું ઉદ્દભવસ્થાન ઉત્તર ગુજરાત છે. પાટણમાં પોળને ‘પાડા’ કહેવામાં આવે છે. અમદાવાદ વસ્યું તે પહેલાં પાટણ વસેલું હતું. અહમદશાહે આ શહેરની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં જે પોળમાં રહેવાનું મુહૂર્ત કર્યું, તે પોળ ‘મુહૂર્ત પોળ’ તરીકે ઓળખાવા લાગી. માણેકચોક વિસ્તારમાં હાલમાં મુહૂર્તપોળ આવેલી છે. મુસ્લિમ તવારીખમાં તેનું કોઈ સમર્થન જોવા મળતું નથી. આસમાની-સુલતાની કાળની પોળોની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એનો અર્થ એવો નથી થતો કે તે સમયે મહોલ્લા કે લત્તા નહોતા. મુઘલ કાલના દસ્તાવેજોમાં ઢીકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ, ભંડેરપુર પોળ વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. મુઘલ કાલના અંતથી પોળોની રચના થવા માંડી. મરાઠા હકૂમતમાં પોળોની રચનાને વેગ મળ્યો. અમદાવાદની ઘણી ખરી પોળો 1760 થી 1818 ના સમયગાળાની વસેલી છે, જેની સંખ્યા 360 જેટલી હતી. છ ઘરોની પોળ (ખાંચો) થી માંડીને આશરે 300 થી 3000 જેટલાં ઘરોની મોટી પોળ (જાણે કે એક મોટી વસાહત) આ શહેરમાં છે.

આ નગરના અગાઉ રસ્તાઓ પહોળા હતા. મહોલ્લાઓ પહોળા હતા. પોળો પહોળી હતી. તો પ્રશ્ન ઊભો થાય છે કે પોળો સાંકડી કેમ થઈ ? મરાઠા રાજમાં સુબા, અમલદારો અને સિપાઈઓનો ત્રાસ હતો. લોકોમાં સલામતીનો મોટો પ્રશ્ન હતો. રાજના ત્રાસથી બચવા માટે લોકો સમૂહમાં રહેવા લાગ્યા. એક જ જ્ઞાતિના કે સંપ્રદાયના લોકો સાંકડ-માંકડ રહેવા લાગ્યા. અમલદારને નાણાં આપતાં રસ્તા વચ્ચે મકાન બાંધવાની પરવાનગી મળી જતી. રસ્તો સાંકડો કે વાંકો થાય તેની તેમને ચિંતા નહોતી. અહમદીમાં લખાયેલું આ લખાણ લેખકે નજરે જોયેલી ઘટના છે. લોકો સમૂહમાં હોય તો સલામતી વધારે. પોળનો દરવાજો બંધ કર્યો એટલે સબ સલામત. વધારે સલામતી માટે ‘પોળિયો’ (ચોકીદાર) રાખતા. પોળના દરવાજા ઉપર ‘મેડી’ તેના રહેઠાણ અને નિરક્ષણ માટે બની. મુશ્કેલીના દિવસોમાં પોળના રહીશો એકબીજાના હિતેચ્છુ બનીને રહેવા લાગ્યા. પોળમાં જેમ વધારે અને વધારે ઘરો બંધાતા ગયાં, તેમ તેમ પોળો સાંકડી થતી ગઈ. અમૂક પોળોમાં ઘરમાં ઊભા રહીને બીજા ઘરની વ્યક્તિ સાથે હાથ મિલાવી શકાય ! એક-બીજાના ઘરના છાપરા ઉપર સહેલાઈથી જઈ શકાય. એક પોળમાંથી બીજી પોળમાં જઈ શકાય. ભૂલભૂલામણી જેવી આવી પોળો માટે અવિનાશ વ્યાસે સુંદર સુગમ સંગીતની નીચેની રચના કરીને પોળની સાચી ઓળખાણ આપી છે :

પોળમાં પોળ
શેરીમાં શેરી
શેરી વળી જાય
ખડકીમાં ઢળી
ખડકી વળી જાય
ગલીમાં ઢળી
ગલીમાં વળી જાય
પોળમાં ઢળી
અમદાવાદની એક મહિલા
માણેકચોકમાં નીકળી
પછી માણેકચોકમાં મળી…..!

એક વસાહતની જેમ દરેક પોળમાં કૂવો, મંદિર, ચબૂતરો, ચોગાન અને ઓટલો જેવી સગવડો હોય. પહેલાં સાર્વજનિક જાજરૂ હતાં. ખૂલ્લી જગ્યા ને ચોકઠું (ચોગાન) કહેવામાં આવે, જ્યાં વાર-તહેવારે જમણવાર, પ્રસંગ કે નવરાત્રિમાં ગરબા ગાઈ શકાય. ધાર્મિક સંસ્કૃતિના પ્રતિબિંબ જેવી કલાત્મક પરબડી-ચબૂતરો સવિશેષ ધ્યાન ખેંચે છે, જેમાં ‘મૂઠી દાન’ નો ખ્યાલ આવે છે. કૂતરા કે ગાયને આપવા માટેના ‘ચાટ’ પણ જોવા મળે. બંગલાના રક્ષણ માટે રખાતાં કૂતરાં કે ચોકીદારની અહીં હવે જરૂર નથી. સુખ-દુ:ખમાં લોકો એક જ અવાજે એકઠાં થઈ જાય છે. અહીં જેવાં આત્મીયતા, સ્નેહ, લાગણી બીજે ક્યાંય જોવા નહિ મળે. અહીંનો ‘વાડકી વ્યવહાર’ જગપ્રસિદ્ધ છે. સવારે બાળકની બાબતમાં ઝઘડેલી બહેનો, સાંજે સાથે બેસીને ગોટા ખાય છે. આ બધી પોળની વિશેષતાઓ છે.

પોળની ભૂગોળ સાપસીડીની રમત જેવી છે. તેની ભૂગોળ પોળનો રહેવાસી જ સમજી શકે ! બીજા કોઈની હિંમત નહિ ! અક્ક્લ નહિ ! જ્યારે શહેરમાં હુલ્લડો કે તોફાનો થાય છે ત્યારે પોળ રણક્ષેત્ર બની જાય છે. ત્યારે આવેલા લશ્કરના જવાનો પણ પોળનો ભૂગોળ નહિ સમજતાં, માથે હાથ મૂકી બેસી જાય છે. પોળમાં પોલીસ પેસતાં ડરે ! તેમને પથ્થરોનો વરસાદ સહન કરવાની તૈયારી રાખવી પડે ! આઝાદીની ચળવળમાં આ પોળો ખૂબ સક્રિય રહી હતી. ઘણા નેતાઓ અહીં ભૂગર્ભમાં સંતાઈ ગયા હતા.

શહેરની પોળોનાં નામોનો ઈતિહાસ છે. શહેરની સૌથી મોટી પોળ ‘માંડવીની પોળ’ છે. શહેર મધ્યે આવેલાં ચૌટા કે ચોરામાં નવરાત્રિ વખતે માતાજીની માંડવી મૂકવામાં આવતી અને તેની આજુબાજુ ગોળ વર્તુળમાં બહેનો ગરબા ગાતી. જે પ્રથાને કારણે માંડવી નામ પડ્યું ! મારા ગામમાં પણ માંડવી વિસ્તાર છે. આ માંડવીની પોળ અનેક પોળોનો સમુદાય છે. ફાંટા છે, ખાંચા છે અને જોડાણો છે. પખાલી, પિંજારા, ચુનારા, સાળવી, પટવા, મોઢ, ભાટ, મહેતા, નાગર, માળી કે ધોબી વગેરે જાતિ-ઉપજાતિ પોતપોતાની જગ્યાએ સ્થાપિત થઈ અને તે જ નામે પોળ ઓળખાઈ. જેમ કે પખાલીની પોળ કે પટવા પોળ વગેરે. પોળોનાં નામકરણમાં કેટલીક વ્યક્તિઓનો ફાળો નાનો-સૂનો નથી. જેઠાભાઈ, લાખા પટેલ, આકાશ શેઠ, હાજા પટેલ, કાનજી દિવાન, રાજા મહેતા, ધના સુથાર, હિંગોળક જોષી, ઘાશીરામ, જાદા ભગત, નવતાડ પઠાણ, ઘુસા પારેખ વગેરે નામો પોળના કે સમાજના વડા કે પોળ વસાવનારાનાં નામ ઉપરથી પોળો જાણીતી થઈ હશે.

પોળોનાં નામોમાં પશુ, પ્રાણીઓ અને જીવડાંઓનો સમાવેશ થયો છે. તેમાં ચામાચિડિયાની પોળ, જળકુકડીની પોળ, દેડકાંની પોળ, કાગડા શેરી, લાંબા પાડાની પોળ, મરઘા વાડ, હરણવાળી પોળ, બકરી પોળ, વાંદરા બુરજ વગેરેનો ઉલ્લેખ થઈ શકે ! તેનો ઈતિહાસ શોધવો મુશ્કેલ પડે ! ‘કળજુગ’, ‘ચકાપકા’, ‘ભૂખડી મોલાત’ અને ‘કીડી-પાડા’ ની પોળ જેવાં ચિત્ર-વિચિત્ર નામો પણ જોવા મળે છે. મારું મૂળ ગામ ગોઝારિયા. અમારા પૂર્વજ અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં જ્યાં આવી વસેલાં, ત્યાં હાલમાં ‘ગોઝારિયા ની પોળ’ જોવા મળે છે. દરેક પોળમાં ચૈત્ર માસના કોઈ એક દિવસે ‘ધારાવડી’ કાઢવામાં આવે છે, જેમાં નવગ્રહની પૂજા, હોમ-હવન કર્યા પછી સમૂહ ભોજનનો કાર્યક્ર્મ પણ હાલમાં યોજાય છે. પોળ છોડી બહાર વસેલા લોકો પણ આ પ્રસંગે હાજર રહેતા હોય છે. બાહ્ય અનિષ્ટોથી બચવા માટે પોળના લોકો આ પરંપરાગત ધાર્મિક વિધિ કરતા હોય છે.

શહેરની પોળના ઘરનું સ્થાપત્ય કે બાંધણી ઉત્તર ગુજરાતનાં ઘરો જેવી છે. પોળનું ઘર ‘ખડકીબંધ’ ઘર હોય છે. ઘરની બહારની બાજુએ ઓટલો જોવા મળે. મુખ્ય દરવાજા પછી ઢાળિયું આવે, જ્યાં ખાટલા જેવી વસ્તુઓ મૂકવા માટે કામમાં આવે. પછી હવા-ઉજાસ માટે ખુલ્લી જગ્યા ‘ચોક’ આવે. વરસાદનું પાણી અહીંયા પડે. પછી પરસાળ આવે જેને લોકો ‘માંડી’ કહે છે. માંડી પછી વચ્ચેનો ઓરડો આવે, જેમાં પાણિયારું હોય. માંડીની બાજુમાં બેઠા બેઠાં રાંધી શકાય તેવો ચૂલો હોય અને ધૂમાડો બહાર નીકળી જાય તેવું ધુમાડિયું જોવા મળે. છેલ્લે અંદરનો ઓરડો આવે. છેલ્લી દિવાલે ભીતમાં હવા-ઉજાસ માટે બે નાનાં જાળિયાં હોય. સુખી ઘરોમાં અને નાગરનાં ઘરોમાં હિંચકો જોવા મળે. ઘરનાં બારણાં અને તેની બારસાખ ઉપર કોતરણી જોવા મળે. બારસાખને ટોડલો અને બાજુમાં ગોખ હોય. નાના ગોખ દીવા મૂકવા માટે વપરાતા. વચલા ઓરડામાં મોટા ગોખ વસ્તુઓ મૂકવા માટે વપરાતા. કિંમતી વસ્તુઓ અને દાગીના મૂકવા માટે ‘પટારો’ હોય. આ બધી ઘરની સામાન્ય રચના થઈ. સૌ કોઈ તેમની જરૂરિયાત મુજબ ફેરફાર અને લાકડામાં કોતરણી કરાવે.

અમદાવાદમાં પાણીની ખેંચ હોવાથી, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ઘરમાં પાણીનાં ટાંકા બનાવવામાં આવતાં. જેમાં સંગ્રહ કરેલું પાણી, મુશ્કેલીના સમયમાં કામમાં લેવાતું. થોડાક વર્ષો પહેલાં બાલા હનુમાનથી ખાડીયા વચ્ચેની 16 પોળોનાં 65 ટાંકાઓમાંથી 11 ટાંકાના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જે ટેસ્ટિંગમાં બેક્ટેરિયા-પ્રૂફ પીવાલાયક પાણી સાબિત થયું હતું. મ્યુનિસિપાલિટીના પાણીના નળ શરૂ થતાં, ટાંકાના પાણીનો વપરાશ બંધ થયો. ઘણા લોકોએ ટાંકા પુરાવી દીધાં છે.

સમય સમયનું કામ કરે છે. ‘લિવિંગ લેજેન્ડ’ જેવી પોળોમાં પરિવર્તન આવવા માંડ્યા છે. શહેરમાં હુલ્લડો કે તોફાનો થતાં તેની મોટી અસર પોળો ઉપર પડી ! અને કાળચક્ર મુજબ પોળો તૂટવા માંડી છે. શહેરની મુખ્ય પોળ, માંડવીની પોળ વાસણ બજારમાં ફેરવાઈ ગઈ છે. સાંકડી શેરીની પોળોમાં ચાંદી ગાળવાની ફેકટરીઓ થઈ ગઈ છે. ધના સુથારની પોળમાં ઈલેક્ટ્રોનિક્સવાળાઓએ પગ લાંબા કર્યા છે. પાદશાહની પોળમાં કાપડ બજાર શરૂ થઈ ગયું છે. રાયપુર ચકલાંમાં વસ્ત્રભંડારો થઈ ગયાં છે. ઘીકાંટામાં એન્જિનિયરીંવ વર્કસ અને લેધર વર્કસ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક જગ્યાએ મોટાં મોટાં સંકુલો બની ગયાં છે અને બની રહ્યાં છે. ‘લિવિંગ હેરિટેજ’ જેવી પોળો મૃતપ્રાય બની રહી છે ! આ પણ એક કાળ ચક્ર છે. હેરિટેઝ જેવાં મકાનો બચાવવા કોર્પોરેશન કે સરકારે આગળ આવવાની જરૂર છે.