આધુનિક શિક્ષણ – મૃગેશ શાહ

[ ઘણા સમયથી મનમાં વિચાર હતો કે વર્તમાન શિક્ષણપદ્ધતિ અને તેના સારા-નબળા દરેક પાસાઓ પર વિસ્તૃત વિચાર કરીને યુવા વાચકમિત્રોની સામે કેટલીક વાતો યોગ્ય સ્વરૂપે રજૂ કરવી. આ બાબત અંગે પોતાનો સ્વઅનુભવ, કેટલાક વિદ્યાર્થીઓના અભિપ્રાયો તેમજ જરૂરી સામગ્રી ભેગી કરીને ત્રણ થી ચાર વખત પુન:લેખન કર્યા બાદ, કેટલાક વિચારો આપની સામે રજૂ કરી રહ્યો છું. પ્રસ્તુત લેખમાં રજૂ કરાયેલી વાતો એ મારા વ્યક્તિગત વિચારો છે, જેથી આપ તે સાથે સંપૂર્ણ સંમત થાઓ તેવું જરૂરી નથી. અહીં આ વિષય પર લખવાનો ઉદ્દેશ, આપણે સહુએ આધુનિક શિક્ષણના મૂલ્યો અને તથ્યો પર વિચાર કરવાનો છે. ]

કોઈ પણ દેશના ઈતિહાસમાં અશિક્ષિત લોકો દ્વારા ચોરી, હિંસા, અરાજકતા, સામાજિક અનૈતિકતા વગેરે ખૂબ ફૂલ્યા ફાલ્યાં તેથી તે પછીના ક્રમમાં આવેલા વિદ્વાન અને શિક્ષિત લોકોએ સમાજમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવા, જીવનધોરણ ઊંચું લાવવા અને સામાજિક જવાબદારીઓ માટે સભાનતા કેળવીને સુંદર અને આદર્શ જીવન જીવવા માટે ‘શિક્ષણ’ ને અત્યંત મહત્વનું પાસું ગણાવ્યું અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકાયો. ભારતમાં પણ આ પદ્ધતિ રહી. ગામડાઓમાં શિક્ષણના અભાવે દ્વેષ, વૈરભાવ, રોગ અને સંકુચિતતા ફેલાયેલા હતા જે ક્રમશ: શિક્ષણના આવવાથી દૂર થયા અને એક સભ્ય સમાજનું નિર્માણ આપણે કરી શકયા.

આ જે અશિક્ષિત વર્ગમાંથી શિક્ષિત વર્ગ તરફનું રૂપાંતર થયું તેને ધ્યાનપૂર્વક જોવાની જરૂર છે. વર્ષો પૂર્વે અશિક્ષિત લોકોમાં જે સંકુચિતતા અને અસભ્યતા હતી એ તો ખરાબ જ હતી અને તેને દૂર કરવી જરૂરી હતી, પરંતુ તેને દૂર કરીને શિક્ષણની સાથે તે સમયે માનવમૂલ્યોને પ્રસ્થાપિત કરવાની જે પદ્ધતિ હતી તેના લીધે લોકોમાં શિક્ષણની ખૂબ સારી અને તંદુરસ્ત અસરો પડી. આજના સમયમાં આ વાત તદ્દન જૂદી છે. હવે એકલા શિક્ષણને જ મહત્વ અપાય છે, પછી ભલે ને એ માનવતાના મૂલ્યો ને ‘ઑવરટેક’ કરી જાય !! તેથી જ આજનું શિક્ષણ વ્યક્તિના વિકાસમાં મદદરૂપ થવાને બદલે સ્પર્ધારૂપ બની ગયું છે. આ વાતને એક સરળ ઉદાહરણ દ્વારા સમજી શકાય. કોઈ નાના ગામમાં રહેતા અશિક્ષિત વ્યક્તિને જ્યારે શિક્ષિત કરવામાં આવે તો એને અભ્યાસની સાથે સાથે તેની કુટુંબ અને સમાજ પ્રત્યેની ફરજો અને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કાર્ય કરવાની વાતો પર ભાર મૂકવામાં આવતો હતો. એનું ભણતર એના જીવનના આર્થિક ધોરણની સાથે સાથે માનસિક ધોરણને ઊંચુ લાવવામાં પણ મદદરૂપ થતું. આ ઘટનાની સરખામણીમાં આજનું ભણતર તો ક્યારેક ક્યારેક માનસિક તાણ વધારવામાં મદદરૂપ થાય છે !

‘શિક્ષણ’ શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું. ખોટી માન્યતાઓ, ડરપોકપણું, અને મનની અસ્થિરતામાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું. શું આજનું શિક્ષણ આપણને આ બધા ગુણો આપે છે ખરું ? વિચાર કરતાં એમ લાગે છે કે અશિક્ષિત લોકો જાણે કે એક પાંજરામાં પુરાયેલા હતા. તેમની પાસે અનેક ગુંચવણો, સમસ્યાઓ અને પ્રશ્નો હતા. સમયાંતરે વિદ્વાનોએ આવીને શિક્ષણનો મહિમા ગાયો એટલે એ પાંજરૂ તો ખૂલ્યું અને લોકો શિક્ષણ તરફ દોડ્યા, પરંતુ એ માટે કઈ યોગ્ય દિશા તરફ જવું એ નક્કી કર્યા વગર જ લોકોએ મન ફાવે એ દિશામાં દોટ મૂકી, પરિણામે શિક્ષણની જે ખરી શુભ અસરો સમાજ પર થવી જોઈએ એ થઈ નહીં, અને સમાજ સામે અત્યારે ‘શિક્ષિત લોકોના પ્રશ્નો’ આવીને ઊભા રહ્યા છે જે અશિક્ષિત લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ કરતાં પણ વધારે ભયંકર છે.

હવે આપણે શિક્ષણના એક પછી એક એમ વિવિધ ગુણ વિશે જોઈએ અને તેની સમાજ પર કેવી અસરો થવી જોઈએ અને હાલમાં કેવી થઈ રહી છે – તે તફાવત તપાસીએ.

[1] ઉપર આપણે જોયું એમ, શિક્ષણનો પહેલો ગુણ છે ‘જાગૃતિ’. શિક્ષિત વ્યક્તિ કંઈક વિશેષ જાણે છે તેથી તેને જાગૃત વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. માણસની સૌથી મોટી જાગૃતિ કઈ ? આપણે કોઈ વ્યક્તિને ખરેખર જાગૃત છે એમ ક્યારે કહી શકીએ ? – વિચારતાં લાગે છે કે વ્યક્તિની સૌથી મોટી જાગૃતિ છે પોતાના શરીર વિશેની. કારણકે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ અને આ કહેવત વર્ષોના વર્ષો પહેલા અશિક્ષિત લોકોએ પોતાની સમ્યક સમજથી બનાવી છે. રોગયુક્ત શરીર કશું કરી ન શકે. વ્યક્તિની તમામ બૌદ્ધિક પ્રગતિ શારીરિક અસ્વસ્થતાને કારણે ઘટી જાય. તેથી સમજદાર લોકોએ દિવસના અમુક ભાગ શારિરીક વ્યાયામ, જમવાના સમયની નિયમિતતા, થોડાક ઉપવાસો દ્વારા શરીરને સ્વસ્થ રાખવાની કળા, રોજિંદા શ્રમ, રસયુક્ત આહાર – વગેરે પર ભાર મૂક્યો છે. જો આપણે એમ સિદ્ધ કરીએ કે અત્યારના લોકો ભણેલા અને શિક્ષિત છે તો પછી તો કોઈ પણ પ્રકારના રોગો થવા જ ન જોઈએ. શિક્ષણની સફળતા રોગોના ઉપચાર કરવાની દવાઓ શોધવામાં નથી, તેની સફળતા તો રોગ જ ન થાય એમાં હોવી જોઈએ. ખરેખર ગૌરવ શેનું હોવું જોઈએ ? મોટી મોટી હોસ્પિટલો હોય એનું કે પછી તંદુરસ્ત શરીરોનું ? જો વ્યક્તિ શિક્ષિત હોય તો બેફામ ખોરાક, જંકફૂડ, રાતદિવસ અયોગ્ય પદ્ધતિવિનાનો આહાર ખાવાની ટેવ અને તેનાથી દિવસે દિવસે ક્ષીણ થતી જતી બુદ્ધિ – એ બધું ધ્યાનમાં કેમ નથી આવતું ? પ્રત્યેક રોગ એ કુદરતના નિયમો ભંગ કર્યાની સજા છે. અને આજનું શિક્ષણ એ સજામાંથી આપણને બચાવી નથી શકતું પરંતુ એ સજા વધારે ને વધારે મળે એમાં મદદ કરે છે ! શરીર વિશેની સમજણ કદાચ અશિક્ષિત લોકોમાં પહેલા હતી, એટલી આજે શિક્ષિત લોકોમાં નથી રહી.

જાતજાતના રોગોથી હોસ્પિટલો ઊભરાય છે, ખાણીપીણી બેફામ ફૂલી ફાલી છે. શરીરને જરૂરી એટલા ઉપવાસો કરવાની વાતો લોકોને હાસ્યાસ્પદ લાગે છે. ગમે ત્યાં, ગમે એટલું, ગમે તે રીતે ખાઈને પડી રહેવું અને રૂપિયા ભેગા કર્યા કરવા, કોઈ પણ હિસાબે બૅંક બેલેન્સ વધવું જોઈએ – એવી નબળી માનસિકતામાં આજનો સમાજ જીવે છે. એક જૈન સંતે સાચું કહ્યું છે કે પહેલાં લોકો ધન કમાવવામાં સ્વાસ્થ્ય ખર્ચી નાખે છે અને પછી સ્વાસ્થ્ય પાછું મેળવવામાં ધન ખર્ચે છે…. બસ, આમ ને આમ દુ:ખી થતો થતો જીવન પૂરું કરે છે. ખરેખર શિક્ષણની સમાજમાં સારી અસર થતી હોય તો સમાજ સ્વસ્થ રહેવો જોઈએ. અત્યારે ઘણા લોકોમાં ‘મોર્નિંગ વૉક’ લેવાની સમજણ, યોગ કરવાની સમજણ વિકસી છે, પરંતુ એ બિમાર કે વૃદ્ધ થયા પછી ! જીવનના પ્રારંભથી જ શરીરની જાણવણી કરવાની કોઈને બુદ્ધિ સુઝતી નથી. ઠોકર ખાઈને શીખે પછી ભાન થાય છે ! Prevtion is better than cure એમ કહેવાય છે પરંતુ કેટલાક લોકોને બાદ કરતાં ખૂબ થોડા લોકો પોતાના શરીર વિશે જાગૃત રહી શકે છે.

ખોરાક એ જ દર્દ છે અને ખોરાક એ જ દવા છે. શાળાના બાળકોથી લઈને, ઉચ્ચ અભ્યાસ કરાનારા જેમ ફાવે તેમ ખોરાક લેતા હોય છે. સફળતા મેળવવા ગોળીઓ ખાઈને ઉજાગરા કરે છે ! જે મેળવવા માટે સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે, એ મેળવ્યા કરતા ના મેળવવું વધારે સારું ગણાય એવી બુદ્ધિ શિક્ષિત લોકોમાં હોવી જોઈએ, પરંતુ અફસોસ કે એનો અભાવ છે, કારણકે અહીંયા તો શિક્ષણના નામે દોટ મૂકી છે – સ્પર્ધા છે. છેલ્લે જ્યારે રોગયુક્ત શરીર થાય, અથવા શરીર ફૂલી જાય ત્યારે કેલેરીઓ ગણી ગણીને ખોરાક લેવો પડે છે ! એના કરતાં પહેલેથી જ જો બેલેન્સ કર્યું હોય તો જીવનના અંત સુધી સ્વસ્થ રહેવાની કળા આપણે કેળવી શકીએ. શિક્ષણ આપણને આમાં મદદરૂપ થાય તેવું હોવું જોઈએ.

[2] શિક્ષણનો બીજો ગુણ છે સમજણ. વ્યક્તિની સામેના વ્યક્તિને સમજવાની બુદ્ધિમાં વધારો થવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓના વિચારો ને સમજવાની પ્રજ્ઞા તેનામાં વિકસિત થવી જોઈએ. શું આજનું શિક્ષણ એ આપે છે ? વ્યક્તિનું ગુણ અને કાર્યના આધારે મૂલ્યાંકન થવું જોઈએ, નહિ કે તેના ‘સર્ટિફિકેટો’ના આધારે. સમાજમાં એવા ઘણા વ્યક્તિઓ છે જેઓ પરિસ્થિતિના અભાવે ભણી નથી શકતા. ભણેલા વર્ગનું એ કર્તવ્ય છે કે એવા લોકોને એમની કામની ગુણવત્તાને અધારે યોગ્ય તક પૂરી પાડે. તેમના જીવનનો વિકાસ કરે. તેમને મદદરૂપ થાય. આમ થવાને બદલે શિક્ષિત લોકો અભણ લોકોને એવી દ્રષ્ટિ થી જુએ છે જાણે કે કોઈ અછૂત હોય ! અરે, માત્ર એટલું જ નહિ, વધારે ભણેલા લોકો પણ ઓછા ભણેલા લોકોને એ રીતે જુએ છે. કોઈ માત્ર B.Com કરેલ હશે તો એને C.A. ભણેલ વ્યક્તિ એવું કહેશે કે ‘બસ, ખાલી બી.કોમ કર્યું ? તો તો આગળ વધવાના કોઈ ચાન્સ નથી !’ આવા વિધાનો કરનારને ‘શિક્ષિત અભણ’ ની કક્ષામાં મૂકવા જોઈએ. કોઈના જીવનને ‘નેગેટિવ’ વિચારોથી ભરવાનો આપણને કોઈ હક્ક હોતો નથી. આપણે કોઈપણ કાર્યમાં રસ કેળવીને આગળ વધવાને બદલે ડિગ્રીઓને ખૂબ વધારે મહત્વ આપી દીધું છે. ઘણા ટ્યુશન કલાસીસો પોતાના પરિણામની ગુણવત્તા જાળવવા 70% ની ઉપરવાળા તેજસ્વી વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપે છે, આવા ભણેલા ને ભણાવવાનો શો અર્થ ? શિક્ષણ તો જ સફળ કહેવાય જો તે સામાન્યમાં સામાન્ય વ્યક્તિના જીવનધોરણને ઊંચું લાવે. ઓછા ભણેલા, અને નબળા લોકોની ઉપેક્ષા થતી હોય તો એ શિક્ષિત સમાજનું લક્ષણ નથી.

શિક્ષણથી સમજણ વધી હોય તો સામેના વ્યક્તિને માન આપતા અને પ્રેમપૂર્વક વ્યવહાર કરતાં શીખવું જોઈએ. આમ થવાને બદલે અત્યારે નાની-મોટી ઑફિસોથી લઈને મોટી મલ્ટિનેશનલ કંપનીઓમાં સ્ટાફ વચ્ચે અંદર અંદર પોલિટિક્સ રમાય છે ! આવું ભણ્યા તમે ? શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો એકબીજાના ટાંટિયા ખેંચવાની બુદ્ધિ પૂર્વકની રમતો ચાલતી હોય છે. શિક્ષણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટાડવાની જગ્યાએ વધારી મૂક્યું છે.

આપણે ભણ્યા હોઈએ તો આપણામાં એટલી સમજણ હોવી જોઈએ કે જીવનમાં બધાને બધી વસ્તુ નથી મળતી. તેથી કોઈ આર્થિક રીતે સામાન્ય હોય તો તે ક્દાચ ન ભણી શકે. કોઈ બૌદ્ધિક રીતે સામાન્ય હોય તો તેણે ભણવાની કોશિશ કરી હોય અને સફળ કદાચ ન થયો હોય. કોઈને સામાજિક જવાબદારીઓ હોય કે અન્ય કોઈ પ્રતિકુળતા હોય તો તેનાથી અમુક શિક્ષણ કે અમુક વસ્તુઓ પ્રાપ્ત ન થઈ શકી હોય. એવા વ્યક્તિઓને મદદરૂપ થઈને તેમના જીવન સ્તરને આગળ લાવવાનું ભણેલા લોકોનું કર્તવ્ય છે. તમે ભણો ગણો, આગળ વધો અને મોટી ઈન્ડસ્ટ્રીના માલિક બનો એ સારી વસ્તુ છે, પરંતુ તેમ થઈને તમારે ત્યાં 10-20 પરિવારના લોકોની રોજગારી નભે અને એ લોકોના કુટુંબનું ભરણપોષણ થાય એ રીતે પોષક બનવાનું છે, ઓછા પૈસા આપીને વધારે લાભ લેવાની વૃત્તિ કેળવનારા શોષક નહી ! કુદરત તો એનું બધું બેલેન્સ કરી જ લેશે, આપણે આમ નહિ આપીએ તો આમ જ્શે ! પોતાના કર્મચારીઓનું શોષણ કરીને લાખો બચાવનાર ક્યારેક કરોડોમાં ન્હાય છે. ખોટા વજનિયાં રાખીને ગ્રાહકોને તોલમાં ખોટ કરાવનાર શાકભાજી વાળાના બે-ચાર બટાકા કે દૂધી, ગાય આવીને ખાઈ જાય ત્યારે બધો હિસાબ બરાબર થઈ જાય છે ! જે શિક્ષણ માનવતાના મૂલ્યોને દ્રઢ ના કરે એ શિક્ષણનો શું અર્થ ? શું આપણે આપના સ્વાર્થની રમતો રમવા માટે ભણ્યા છીએ ?

સમાજમાં અત્યારે એક ખૂબ ખોટું સુત્ર ફેલાવવામાં આવી રહ્યું છે કે ‘તમે નહીં ભણો તો તમારું જીવન ખલાસ !’ મા-બાપ બાળકોને વારંવાર આવું સુત્ર કહેતા હોય છે અને આ સુત્ર જ બાળકોને ડિપ્રેશનથી લઈને આપઘાત સુધી લઈ જતું હોય છે. ગુજરાત એજ્યુકેશન બોર્ડની સ્થાપના થઈ કે શિક્ષણનો વિકાસ થયો એ પહેલા જે લોકો જીવન જીવેલા એ બધા શું મૂર્ખ હતા ? અરે, એ લોકો તો એવું જીવન જીવતા કે એમના ચરિત્રો આજે તમારે ભણાવવાની ફરજ પડે છે. ‘આમ કરો તો જ આમ થાય’ એ શિક્ષિત લોકોની જડતા છે. આમ આપણે ‘ડાયનેમિક’ બનવાની વાતો કરીએ છીએ, અને કોઈ આપણી જ નજીકમાંથી કલા કે સંસ્કૃતિ તરફ વિકાસ કરતું હોય ત્યારે તો તેને ‘વેવલાવેડા’ કહીને વખૉડી નાખતા હોઈએ છીએ. શિક્ષણના પરિણામે જ આપણો કલા અને સંસ્કૃતિનો વિકાસ મંદ પડી ગયો છે કારણકે આજનું શિક્ષણ એવું માને છે કે જે સીધા સીધા ભણ્યા કરે એ લોકો જ સારા, અને જે પોતાના જીવનનો માર્ગ પોતાની રીતે પસંદ કરવા કલાના ક્ષેત્રમાં આગળ વધે એ બધા ખરાબ !!! આ જડતા નથી તો શું છે ? કોઈ સાહિત્યના ક્ષેત્રે આગળ જાય તો લોકો એના તરફ એવી દ્રષ્ટિથી જુએ છે કે જાણે એનું જીવન તો બરબાદ થઈ ગયું ! શિક્ષિત લોકો પાસે સફળતાનો એક જ માપદંડ છે – પાંચ આંકડાનો પગાર, બંગલો, ગાડી, નોકર ચાકરો, હવાઈ સફરો અને નાની ઉંમરથી હાથમાં લેપટોપ અને ઈલેક્ટ્રોનિક રમકડાં ! જો આ હોય તો જ તમે સફળ, બાકી તમે નિષ્ફળ ! – આવું તો કંઈ શિક્ષણ હોતું હશે, યાર !

આ બધાનો અર્થ એ નથી કે લોકોએ ભણવાનું છોડી દેવું, પણ અભ્યાસ કરવાનો હેતુ જયારે સ્પર્ધા અને સ્ટેટ્સ બની જાય છે ત્યારે તમે ગમે તે ક્ષેત્રમાં હોવ, રસપૂર્વક કાર્ય કરી શકતા નથી. ‘દેખાડવાના જુદા અને ચાવવાના જુદા’ એવો ઘાટ થાય છે. અભ્યાસ અત્યંત જરૂરી છે પરંતુ તેની પાછળનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. દુનિયામાં કોઈ કોઈથી આગળ નિકળી જતું નથી અને કોઈ કોઈથી પાછળ રહી જતું નથી, તમે જે ક્ષેત્રમાં હોવ ત્યાં રસપૂર્વક આગળ વધો તો જે તે ક્ષેત્ર તમને લખલૂટ સફળતા આપી શકે છે. આપણે ત્યાં ડૉક્ટર કરતાં તેની બાજુમાં અભણ કરિયાણાવાળો વધુ કમાતો હોય એવા અનેક દાખલાઓ મોજૂદ છે.

[3] શિક્ષણની એક ત્રીજી વસ્તુ છે સ્થિરતા. જેમ વ્યક્તિ અભ્યાસ કેળવે એ સ્થિર બનવો જોઈએ એની જગ્યાએ અસ્થિરતા વધતી જાય છે. લોકોને પૂછીએ કે તમે શા માટે ભણો છો ? તો કહેશે કે પાછલી જિંદગી પૈસા હોય તો સારી રીતે જાય ને ! – પણ ભાઈ, પાછલી જિંદગી સુખેથી જીવવા માટે યુવાનીના 40-50 વર્ષ દુ:ખ ભોગવવાનું ? પાછલી જિંદગીમાં રોગ થાય તો પૈસા કામ લાગે એ માટે અત્યારથી શરીરને રોગી બનાવવાની તૈયારી કરવાની !?! આ ક્યાંનું લોજીક ? હવે માણસ પેટ ભરવા નથી કમાતો, પટારાઓ ભરવા કમાય છે અને જેમ પેટ કદી ભરાતું નથી એમ પટારાઓ પણ કદી ભરાવાના નથી. પહેલા શિક્ષણનું કાર્ય હતું કે વ્યક્તિને અમુક હદ સુધી પૈસા મેળવી આપેને સ્થિર કરી દેવાનું જેથી તે વ્યક્તિ પોતે સ્વસ્થ અને આનંદદાયક જીવન જીવી શકે, અને તે યુવાનીથી જ !

સમતા અને સ્થિરતા વગરની આંધળી દોટ એ વહેલા મૃત્યુનું કારણ બને છે. કેટલું જોઈએ માણસને ? અતિશય પ્રવૃત્ત થયેલો માણસ પોતાનું મન કાર્યમાંથી બહાર કાઢીને સ્થિર નથી થઈ શકતો માટે રિટાયરમેન્ટ પછી પણ એની દોડાદોડ ઓછી નથી થતી અને પોતાની વૃત્તિઓને રોકી ન શકવાની અસમર્થતાને એ પછી ‘એકટીવીટી’ તરીકે ઓળખાવે છે. એનું મન આંતરિક પ્રસન્નતા કરતાં બાહ્યસાધનો પર વધારે નભે છે. અને જ્યારે અશક્ત શરીરને લીધે સાધનો છૂટી જાય છે ત્યારે મનની કેળવણીના અભાવમાં એ અસ્વસ્થ બની જાય છે.

ફરીથી અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી બને છે કે એનો અર્થ એ નથી કે સંતોષ અને સ્થિરતાના નામે વ્યક્તિ પૈસા ન કમાય. પરંતુ જે કંઈ કરે, કમાય એમાં તેને પ્રસન્નતા પ્રાપ્ત થવી જોઈએ. ખોટા હેતુઓ સિદ્ધ કરવા માટે ખેંચાઈને શ્રમ કરે એ સ્વીકાર્ય નથી. વ્યક્તિએ ક્યાંક તો બ્રેક મારવી જ પડે છે. જેમ વાહનમાં એક્સિલેટર અને બ્રેકના સપ્રમાણથી ગતિ વ્યવસ્થિત અને આનંદદાયક બને છે અને ફરવાની મજા માણી શકાય છે તેમ જીવનમાં પણ અમુક નિર્ણયોને યોગ્યરીતે લેવાથી જીવન જીવવાનો આનંદ માણી શકાય છે. જીવનમાં જે સામે મળે એ બધી વસ્તુ કંઈ પ્રગતિ તરફ દોરી જાય એવી નથી હોતી. શું મેળવીએ છીએ એની સામે શું ગુમાવીએ છીએ એનું એકાઉન્ટ જીવનમાં સતત બનાવતા રહેવું પડે છે તો આપણને ‘પ્રોફિટ’ ની ખબર પડે છે.

ઘણા લોકો તો એવી સ્પર્ધામાં પડ્યા છે કે એમ લાગે કે સ્થિરતા ક્યારે આવશે ? અભ્યાસ દરેક જણે કરવાનો હોય અને તે જરૂરી છે, પરંતુ ઉચ્ચ અભ્યાસ અને રીસર્ચ દરેક જણની ક્ષમતાની વાત નથી હોતી. પ્રત્યેક વ્યક્તિમાં કુદરતે અલગ અલગ પ્રકારની ક્ષમતા મૂકી છે. આપણે એ ઓળખીને એને જાગ્રત કરવાની જરૂર છે. બીજાની ક્ષમતા જોઈને એના માર્ગે એની પાછળ દોડવું એ તો સ્પર્ધા છે. સ્પર્ધા કરવાથી કદાચ એ ડિગ્રીઓ મળી જાય, પરંતુ આપણે આપણી સ્વતંત્રતા ખોઈ દઈએ છીએ. અને એના પરિણામે શૈક્ષણિક અસ્થિરતા અને બેકારી થાય છે. એક ઘેટાની પાછળ એક ઘેટું જાય એમ આખુ ટોળું MBA અને MCA કે CA કરવા જતું હોય છે ! વિચાર્યા વગર દોરાવું અને પોતાની સહજ ઈચ્છાથી આગળ વધવું એ બન્ને વચ્ચે આસમાન-જમીનનો ફરક છે.

[4] હવે નો મુદ્દો છે શિક્ષણમાં પ્રમાણિકતાનો. આજકાલ શિક્ષણ અને પ્રમાણિકતાને કંઈ લાગતું વળતું નથી. વાત એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે, પરીક્ષા લેવા માટે પોલીસ બેસાડવી પડે છે ! આનાથી વધારે શિક્ષણની નિષ્ફળતાનો પુરાવો બીજો કયો હોઈ શકે ? શિક્ષણજગતને પોતાના વિદ્યાર્થીઓ પર જ વિશ્વાસ નથી. આનાથી તો ચોખ્ખું સાબિત થાય છે કે આ ખાલી પૈસા કમાવતા કેવી રીતે શીખવું એનું શિક્ષણ છે. બસ ગમે તે કરો, ગોખો, પાસ થાઓ, ઈન્ટર્વ્યુ માટે દોડો અને નોકરી મેળવો એટલે તમે એજયુકેટેડ અને સેટલ !! આમાંથી એકમાં પણ તમે પાછા પડ્યા એટલે તમે ‘બિચારા’ !

અભણ લોકોમાં એમ કહેવાતું કે એ લોકો નાત-જાત અને વાડાબંધીમાં બહુ રચ્યા રહેતા. ગામડાના લોકો જુદા જુદા સમાજોમાં વહેંચાયેલા રહીને એકબીજા સાથે વિખવાદમાં રહ્યા કરતા. આજના સમાજમાં ઊંચી સ્કુલોમાં ઊંચું ડોનેશન આપીને વધારે સારી રીતે ભણે, અને નીચી સ્કુલો ગરીબ ઘરના લોકો માટે !! આને આપણે વાડાબંધી નહીં કહીએ તો શું કહીશું ? શિક્ષણ અત્યારે નવા પ્રકારના ભેદ ઊભા કરવામાં રોકાયેલું છે. ઊંચી સ્કુલોમાં ભણતા બાળકને એવી વ્યવસ્થિત રીતે માબાપ શિખવાડતા હોય છે કે જેથી તે નીચી સ્કુલોમાં ભણતા બાળકોથી દૂર રહે ! સ્કુલ હવે ધીકતો ધંધો તો છે જ, પણ સાથે સાથે સ્ટેટ્સ સિમ્બોલ પણ છે !! કોલેજોની તો વાત જ કરવા જેવી નથી રહી. શિક્ષણ સિવાયની તમામ પ્રવૃત્તિઓ તમે રસપૂર્વક કરી શકો એવું જો કોઈ સ્થળ હોય તો એ એકમાત્ર કૉલેજ છે.

ભણ્યા પહેલા પણ ડોનેશન. ભણીને પછી લાંશરુશ્વત, શું આ બધા શિક્ષિત સમાજના લક્ષણ છે ? પોતાનું પેટ ભરવા માટે સામા માણસની ઉપેક્ષા કરવાની વિદ્યા, એને શિક્ષણ કહીશું ? લોકો તો ત્યાં સુધી પહોંચ્યા છે કે પોતે પ્રમાણિક ન હોય તો ઠીક, પણ બીજા પ્રમાણિક હોય તો એને કહેશે કે ‘ભાઈ, તું કઈ સદીમાં જીવે છે ? આવુ બધું તો નોકરીમાં કરવું પડે !!’ – આ રીતે જે જીવવાની રીત છે એ જોઈને એમ થાય કે એના કરતાં અભણ રહેવું સારું. શિક્ષત વર્ગને કોઈ પણ વસ્તુમાં નિયમો નડતા નથી ! એમને કોઈ વસ્તુમાં નીતિમત્તા જેવું લાગતું નથી. દારૂ પીવો પડે તો કહેશે કે એ તો લોકોની વચ્ચે રહેવા પીવો પડે, અને લાંચ લેવી પડે તો કહેશે કે એ તો સમય પ્રમાણે જીવવું પડે. મિત્રો, જો તમારે સમય પ્રમાણે આ રીતે જીવવું હોય તો એટલું યાદ રાખજો કે સમય પ્રમાણે સરસ મજાના મોટા મોટા રોગો છે, એ સહન કરવાની તૈયારી રાખવી પડશે ! એ વખતે લોકો એમ નહિ કહે કે ‘સમય છે તો એવા રોગો થાય’ એ વખતે તો તમે ‘બિચારાની’ કક્ષામાં મૂકાઈ જવાના અને તમારા વિરોધીઓ મનમાંને મનમાં મુસ્કુરાતા કહેશે ‘કરેલા ભોગવવા પડે’ ! ઘણા લોકોના મનમાં નીતિમત્તા/પ્રમાણિકતા નેવે મૂકીને સમય પ્રમાણે ચાલવાનું ‘ભૂત’ સવાર થયેલું હોય છે એ બધાને યોગ્ય સમયે જ્યારે ભાન આવે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.

[5] નીડરતા એ ભણેલા વ્યક્તિનું લક્ષણ હોવું જોઈએ. નીડરતાનો અર્થ ફિલ્મોની જેમ કંઈ ચોથેમાળેથી ભૂસકા મારવામાં રહેલો નથી, પરંતુ કોઈના દોરવાયા દોરવાઈ ન જવું અને જે કોઈ પણ પરિસ્થિતિ હોય, પોતાની સમ્યક બુદ્ધિથી નિર્ણયો લેવા એ સાચી નીડરતા છે. અત્યાર નો સમાજ ડરપોક સમાજ છે કારણકે આ સમાજ ભૌતિકવાદી અને સાધનલક્ષી છે. ભૌતિકતા હંમેશા ડરાવે. પૈસા ન હોય તો તેને મેળવવાનું ટેન્શન, પૈસા આવે તો એને સાચવવાનો ડર અને પૈસા જતા રહે તો એની પાછળ એને ખોવાનું દુ:ખ. બધી જ જગ્યાએ ડર અને દુ:ખ છવાયેલા છે. શુદ્ધ આચાર વિચાર અને પોતાના કાર્યમાં શ્રદ્ધા અને વિશ્વાસથી ડરને જીતવો જોઈએ. તમને ઈશ્વરમાં વિશ્વાસ ભલે ન હોય પરંતુ તમારા કરેલા કાર્યમાં તો વિશ્વાસ છે ને ? ખૂબ ડરી-ડરીને પ્લાનિંગ કરીને જીવનાર ખરા સમયે મુશકેલીમાં મુકાયો હોય એવા દાખલાઓ છે અને તેની સામે જે વ્યક્તિ નિર્ભય થઈને પ્રસન્નતાપૂર્વક માનવીય સંબંધોને મહત્વ આપીને જીવ્યો હોય એ વ્યક્તિને વગર માંગે મદદ સામેથી આવીને ઊભી રહે છે. એમાં કોઈ ચમત્કારની વાત નથી, પરંતુ આપણે વિકસાવેલા સંબંધો જ આપણને ક્યારેક કામમાં આવે છે. સમાજથી દૂર રહીને ‘ઈન્ડિપેન્ડન્ટ’ ના નામે ખોટો ડોળ કરીને જીવવું એ નીડરતા નથી, એ તો એકાકીપણું અને સ્વાર્થવૃત્તિ છે. સાચો શિક્ષિત વ્યક્તિ માનવીય સંબંધોને પ્રેમ અને મહત્વ આપીને સૌથી વચ્ચે એક થઈને જીવતો હોય.

ઈન્સ્યોરન્સ એ માનવીની ડરપોકવૃત્તિ નું સીધું ઉદાહરણ છે. એનો અર્થ એમ નથી કે વ્યક્તિ ઈન્સ્યોરન્સ ન કરાવે પણ માણસ ઈન્સ્યોરન્સમાં જેટલી શ્રદ્ધા રાખે છે એટલી શ્રદ્ધા પોતાના જીવનને વ્યવસ્થિત બનાવવામાં રાખે તો વધારે ફરક પડે. શ્રદ્ધાની પૉલીસી અને ભરોસાના પ્રિમિયમથી માણસ જીવતો હોવો જોઈએ. માનવીને માનવીય મૂલ્યો પર શ્રદ્ધા નથી, પેશન્ટને ડોકટર પર વિશ્વાસ નથી, વિદ્યાર્થીને શિક્ષક પર વિશ્વાસ નથી, કર્મચારીને ઑફિસર પર વિશ્વાસ નથી – આ બધાને લીધે જ આપણા જીવન શુષ્ક, તાણ વાળા અને નિરસ બન્યા છે. અને જેમ નિરસતા વધારે એમ મૃત્યુનો ભય વધારે. અને એટલે જ આપણે બને એટલું બધું ‘સિક્યોર’ કરવા દોડાદોડ કરીએ છીએ !

ટૂંકમાં, જેવી રીતે ગરીબી દૂર કરવાની જરૂર છે, ગરીબોને નહિ. તેવી રીતે શિક્ષણમાં રહેલી જડતા અને દુષણોને દૂર કરવાની જરૂર છે, શિક્ષણને બંધ કરવાની વાત નથી. સ્પર્ધાની જગ્યાએ રસપૂર્વક અભ્યાસ કરીને પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધીને શ્રેષ્ઠતમ કાર્ય કરીને ઉત્તમ સાધનોથી જીવનને ઉત્તમ માનવીય ગુણોથી દીપાવવાની વાત છે. ભૌતિક પ્રગતિનો વિરોધ નથી, પરંતુ તમામ ભૌતિક પ્રગતિએ માનવીના જીવનને સુંદર અને જીવવાલાયક બનાવવા માટે છે, નહિ કે માનસિક તાણ અને સંકુચિતતાઓ વધારવા માટે. શિક્ષણના વિવિધ પાસાઓ પર આપણે સૌ એ વિચાર કરવો રહ્યો.

[‘જીવનનો હેતુ’ વિષય પર ચાલતા ધારાવાહી લેખોમાં આગળનો એક વધુ લેખ આવતા સપ્તાહે માણીશું.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’
વિદાય વેળાએ – ખલિલ જિબ્રાન Next »   

19 પ્રતિભાવો : આધુનિક શિક્ષણ – મૃગેશ શાહ

 1. Moxesh Shah says:

  મ્રુગેશભાઈ,
  આ જ વિષય મા / Reply મા એટલુ બધુ લખવુ છે કે એક આખો લેખ લખાઇ જાય, તેથી જ અત્યારે વધુ કશુ ન લખતા વધુ સમય ની માગણી કરુ છુ.

 2. suresh patel says:

  શીક્શ્ણ સાથે સમાજ પણ જવાબદાર નથી ?
  પધ્ધ્તિ સમાજે બનાવી, વિકસવિ પણ .

 3. પંચમ શુક્લ says:

  શિક્ષણ વિષે અદભૂત અભિગમ માટે ધ્રુવ ભટ્ટનાં અતિ પ્રસિદ્ધ નિમ્ન લિખિત પુસ્તકો જરૂર વાંચોઃ

  – સમુદ્રાન્તિકે
  – તત્વમસિ
  – કર્ણલોક
  – અતરાપી

 4. Keyur Patel says:

  આજ ના શિક્ષણ નું શું કહેવું? માત્ર રોટલાલક્ષી થઇ ગયુ છે. ગણતરની તો વાત જ જવા દો પણ ભણતરેય ક્યાં રહ્યું છે?

 5. મુક્તિ અપાવે તે વિદ્યા…
  આજે નાણાં અપાવે તે વિદ્યા…

 6. Ashish Dave says:

  Well said…our system is set by British who wanted to create clerks and not independent thinkers.
  Ashish

 7. megha says:

  ખુબ જ સરસ માહિતિ મળિ.

 8. Lata Hirani says:

  વય નાની, વિચાર મોટા
  અભિનઁદન..

 9. dipesh shah says:

  very good keep it up sir

 10. bijal bhatt says:

  સર ઘણા દિવસે મારા વિચારો ને મલતુ વાન્ચયુ

  good thiks on which we have to do some thing

 11. preeti hitesh tailor says:

  વાસ્તવિકતાની સમીપનો આ લેખ જો સાચી સમજણ સાથે જીવનમાં ઉતારી શકીએ તો જીંદગીની ઘણી વિટંબણાઓનો ઉકેલ સહજ બને!!

 12. chetu says:

  શિક્ષણ ની સાથે સમજ અને સંજોગો ને અનુરૂપ સમજ વાળુ વર્તન .. એ બધો સમન્વય જરૂરી છે.. આધુનિક શિક્ષણ માં..!

 13. shaileshpandya BHINASH says:

  GOOD………………..

 14. Harikrishna Patel (London) says:

  ગણતર વિનાનુ ભણતર આ જમાનામા નડતર બનિ ગયુ છે.

 15. Dipika D Patel says:

  આપણે આજના શિક્ષણ પર કટાક્ષ કરવાને બદલે, તેને બદલવાના પ્રયત્નો કરવા જોઈએ.

 16. Percocet….

  Percocet verses lortabs. Percocet. Percocet dependency….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.