અમારી અમીરી – ગિરીશ ગણાત્રા

દેખાદેખીમાંથી જન્મતી અપેક્ષાઓને ટાળવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે. કોલેજમાં દાખલ થયા પછી મેં જોયું કે, મારા લગભગ તમામ સહાધ્યાયીઓ સ્કૂટર કે કાર લઈને ભણવા આવે છે જ્યારે હું જ એકલો એવો વિદ્યાર્થી છું કે જે સાઈકલ પર આવું છું ! અને આ સાઈકલ પણ કેવી ? એક સાઈકલ રિપેરીંગવાળાને ત્યાં વેચાવા આવેલી. કોઈની સાઈકલનું રિપેરિંગ કરી એણે જે કિંમત કહી તેમાં યે ઓછું કરાવીને મારે માટે ખરીદાયેલી આ સાઈકલ કે જેનો મૂળ રંગ ક્યારનોય અદશ્ય થઈ ગયેલો ! આવી, નરસિંહ મહેતાના વેલડા જેવી સાઈકલ ચલાવીને હું કોલેજમાં ભણવા આવતો.

પરંતુ હું જાણું છું કે અમારું કુટુંબ ગરીબ છે. સ્કૂટર તો શું, નવી સાઈકલ ખરીદવાની પણ અમારી ત્રેવડ નથી. મારા પિતાની એકલી કમાણીનો મોટો હિસ્સો અમારા કુટુંબના પાંચ સભ્યોનાં પેટ ભરવામાં જ ખરચાઈ જતો. કુટુંબના સભ્યોની માંદગી, કપડાં કે અન્ય નાની નાની જીવનજરૂરિયાતોને પહોંચી વળવામાં પણ અમને તકલીફ પડતી.

મારા પિતા એક કારખાનામાં કારીગર હતા. નવ કલાકની સખત મજૂરી પછી જ્યારે એ ઘેર આવતા ત્યારે એ સદાય પ્રફુલ્લિત રહેતા. અમારા કુટુંબને સદાય સંતોષ અને આનંદમાં રાખવાનું શ્રેય મારાં માતા-પિતાને જાય છે. મા કહેતી – સંપત્તિ ત્રણ પ્રકારની હોય છે. ચારિત્ર્યની સંપત્તિ આરોગ્યની સંપત્તિ અને ભૌતિક સંપત્તિ. એમાં ચારિત્ર્યની સંપત્તિ તો આરોગ્ય સંપત્તિ અને ભૌતિક સંપત્તિ કરતાં ચડી જાય. જીવન જરૂરિયાતોને ઓછી કરી આદ્યાત્મિક સંપત્તિનો સંચય કરશો તો દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં એ શ્રેષ્ઠ હશે. જો કે આ અઘરું સત્ય સમજતાં મને ખૂબ જ વાર લાગતી. હું કહેતો – એક સ્કૂટર ખરીદવા જેટલી સમૃદ્ધિ આપણી પાસે ન હોય તે વળી કેવું ? આને તે સંપત્તિ કહેવાતી હશે ? પણ મારી આ કડવી દલીલને હસતાં હસતાં એના સ્વ-ઉદાહરણોથી ઉડાડી દેતી. પણ અચાનક અમારા નસીબમાં સ્કૂટરનું આગમન થયું ! આને અમારે ચમત્કાર જ ગણવો રહ્યો કારણ કે જેની ઝંખના હતી પણ આશા નહોતી તે અચાનક સંતોષાઈ ગઈ ! એમ કહોને કે આભમાંથી ઊતરીને અમારા આંગણામાં સ્કૂટર આવીને ઊભું.

વાત કંઈક આવી હતી.

અંધજનોની એક સંસ્થાએ મોટું નાણાભંડોળ એકઠું કરવા એક રૂપિયાની ટિકિટોનું વેચાણ શરૂ કર્યું. ઘેર ઘેર ફરી અંધજનો આ ટિકિટ વેચતા. ટિકિટોનું વેચાણ વધારવા કેટલાક સુખી ગ્રહસ્થોએ ઈનામી ટિકિટ માટે નાનાં-મોટાં ઈનામ ભેટ રૂપે આપેલાં, એમાં સ્કૂટર વેચતી એક કંપનીએ ઈનામી ટિકિટ સામે સ્કૂટર જાહેર કર્યું. જોકે આવાં બધાં ઈનામોની લાલચમાં પડ્યા વિના મારા પિતાએ અંધજનોને માત્ર સહાયરૂપ થવા જ બે ટિકિટો લીધેલી એ મને યાદ છે. પોતાનો ઘરસંસાર ચલાવવામાં કસર કરી માએ પોતાની નાનક્ડી બચતમાંથી બે રૂપિયાની નોટ કાઢી પિતા સામે ધરી દીધેલી. ટિકિટના બદલામાં તાત્કાલિક જ આશીર્વાદ મળ્યા એનાથી માતા-પિતા ખુશ થઈ ગયેલાં, આથી વિશેષ એમને જોઈતું હતું પણ શું ?

થોડા દિવસ પછી આ સંસ્થાએ એમની બિલ્ડિંગના પાછળના મોટા મેદાનમાં ટિકિટોનો ડ્રો રાખ્યો. શહેરના પ્રતિષ્ઠિત સદગૃહસ્થોની હાજરીમાં ઈનામી ટિકિટોનાં પરિણામો જાહેર થવાનાં હતાં. જે જે ઈનામો નક્કી થયેલાં તે સઘળાં મંચની બાજુમાં ગોઠવેલાં હતાં. દાન આપ્યા પછી મારાં માતા-પિતા આવા પ્રલોભનોને ગણકારતાં નહિ, એટલે ઈનામી- ડ્રોનો એ દિવસ એમને યાદ આવ્યો નહિ. પરંતુ એ દિવસે રાષ્ટ્રીય તહેવારને કારણે અમને સૌ ભાઈ-બહેનોને શાળા-કોલેજમાં રજા હતી તો પિતાજીની ફેકટરી પણ એ દિવસે બંધ હતી. રાત્રે જમ્યા પછી અમે ટહેલવા નીકળ્યાં, મારી નાની બહેને યાદ દેવડાવ્યું કે અમારા ઘરથી થોડે દૂર આવેલા મેદાનમાં અંધજન સંસ્થાનો કાર્યક્રમ છે. મેં સૂચન કર્યું કે ફરવા નીકળ્યા છીએ તો શા માટે ત્યાં લટાર ન મારીએ ? મારા નાનાભાઈએ પિતાજીની ડાયરીમાં પાનાં વચ્ચે રાખેલી પેલી બે ટિકિટો છાનામાના ગજવામાં નાખી દીધી.

મેદાન મોટું હતું. ઝગારા મારતી લાઈટોથી એને શણગારવામાં આવેલું. માઈક પરથી અંધ ભાઈ-બહેનો સંગીત પીરસી રહ્યાં હતાં. મેદાન પર પથરાયેલા પાથરણાં પર બેસી લોકો સંગીત માણી રહ્યાં હતાં. અંધજનોનો આ કાર્યક્રમ એટલો દિલચશ્પ નહોતો કે મેદાન ખીચોખીચ ભરાઈ જાય પણ તેમ છતાં યે પાંચસો-સાતસો માણસોની હાજરી તો ખરી જ. અમે પણ એક જગા શોધી પાથરણાં પર બેઠાં.

થોડીવાર પછી ઈનામી-ડ્રો શરૂ થયો. એક મોટા ડ્રમમાં રાખેલા ટિકિટોના કાઉન્ટર ફોઈલ બે-ચાર નાનકડાં અંધ બાળકો હાથ નાખી, કાઢી, ઉદ્દઘોષકની સામે ધરતા. ઉદ્દઘોષક એ નંબર બોલતા અને સભામાં હાજર રહેલા વિજેતા પોતાની ટિકિટ લઈ મંચ તરફ જતા. હર્ષના પોકારો વચ્ચે વિજેતાનું નામ બોલાતું, સભાના પ્રમુખના હસ્તેથી એને ઈનામ અપાતું. જે હાજર ન હોય એનું ઈનામ બાજુ પર મુકાઈ જતું. અમારું કુટુંબ આ સૌ વિજેતાઓની ખુશાલીમાં હર્ષ પોકારતું, તાળીઓથી વધાવતું બેઠું હતું. ઈનામોમાં મિક્ચર-ગ્રાઈન્ડર, કુકર, સાઈકલ, નાનકડું ટી.વી., રેડિયો જેવી ઘણી કિંમતી ચીજો હતી. જેમાં ભાગ્યે જ એકાદ ચીજ અમારા ઘરમાં હતી. માએ અમને શિખવાડેલું સૌ કોઈના આનંદમાં ભાગીદાર બનશો તો જીવન આનંદમય બની રહેશે. ગળથૂથીમાં ભણાવેલા આ પાઠોને અત્યારે અમે સાકાર કરતાં બેઠાં હતાં.

છેલ્લે, સૌથી કિંમતી ઈનામની જાહેરાત થઈ. એ ઈનામ હતું સ્કૂટરનું. ઉદ્દઘોષકે વિજેતા ઈનામી ટિકિટના નંબરની જાહેરાત કરી, એક બે વાર ટિકિટનો નંબર જાહેર કરી માઈક પાસે ઊભેલા ઉદ્દઘોષક અટકી ગયા કે સભામાંથી કોઈ આગળ આવે છે કે નહિ !
કોઈ આગળ આવ્યું નહિ. ઉદ્દઘોષકે બીજી વખત નંબર બોલી શ્રોતાઓ તરફ નજર ફેરવી પણ કોઈ ઊભું થયું નહિ. ત્રીજી અને છેલ્લી વખત જાહેર કરતાં પહેલાં એ થોડું અટક્યા એ દરમિયાન મારા ભાઈએ ગજવામાંથી બે ટિકિટો કાઢી અને ટિકિટ પરના નંબરો સરખાવી જોયા. નંબર વાંચ્યા પછી એણે પિતાનો હાથ ખેંચી જોરથી ચિચિયારી પાડી અને એના હાથમાં ટિકિટ ધરી દીધી. પિતાએ નંબર વાંચ્યો.

છેલ્લી વખતથી ઈનામી ટિકિટના નંબરની જાહેરાત થઈ ત્યારે પિતાજી ઊભા થયા અને ટિકિટ લઈ મંચ તરફ રવાના થયા. શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા ત્યારે એમાં મારી તાળીઓનો અવાજ મોટો હતો. ઉદ્દઘોષકે પિતાજીના હાથમાંથી ટિકિટ લઈ અંધબાળકે ડ્રમમાંથી કાઢી આપેલા કાઉન્ટર ફોઈલના નંબર સાથે સરખાવી જોયા. પિતાજી સ્કૂટરના વિજેતા બનતા હતા ! સભાના મુખ્ય મહેમાને પિતાજી હાથમાં સ્કૂટરની ચાવી ધરી.

એ જ રાત્રે અમારા નાનકડાં આંગણામાં ચકચકિત નવું સ્કૂટર ઝાંખા પ્રકાશમાં પણ ઝગારા મારી રહ્યું હતું. મારી અપેક્ષાઓ હવે સંતોષાતી હતી, કાલે સવારે આ સ્કૂટર પર બેસી હું કોલેજ જઈશ, કોલેજના કમ્પાઉન્ડમાં હું એને પાર્ક કરીશ, એની ડીકીમાંથી હું પુસ્તકો કાઢી કલાસરૂમ તરફ જઈશ અને….

મારો નાનો ભાઈ અને બહેન વ્હાલથી એ સ્કૂટર પર હાથ પ્રસરાવી રહ્યાં હતાં. એ બંનેને ઉદ્દેશી મેં જોરથી બૂમ પાડી. આ સ્કૂટર હવે મારું…
અંદરના ઓરડામાંથી પડઘો પડ્યો – ‘ના’
મને આઘાત લાગ્યો. અમે ત્રણેય ભાઈ-બહેનોએ અંદરના ઓરડા તરફ નજર કરી. અવાજ પિતાનો જ હતો. મા અંદરથી બહાર આવી અને અમારા તરફ હૂંફાળું હસીને બોલી – ‘સ્કૂટરનો કોઈ પણ નિર્ણય કરો તે પહેલાં તમારા પિતાને પૂછી લેજો.’
કેમ ? શું વાત છે ?’ મે કહ્યું, ‘આ સ્કૂટર આપણને ડ્રોમાં ઈનામરૂપે મળ્યું છે !’
‘એ ખરું, છતાંયે એમનો નિર્ણય આવી જાય પછી એ નક્કી થશે.’
‘પણ આમાં નિર્ણય કરવા જેવું શું છે ?’
‘એમને નૈતિકતા ડંખી રહી છે.’
‘નૈતિકતા ? શેની નૈતિકતા ?’
‘કદાચ આ સ્કૂટર આપણું ન પણ હોય !’
‘પણ એ બને જ કઈ રીતે ? પાંચસો સાતસો માણસોની હાજરીમાં ટિકિટનો નંબર બોલાયો હતો. પિતાજીએ એ ટિકિટ બતાવી. એના કાઉન્ટર ફોઈલ સાથે સરખાવીને પછી એ આપણને સોંપાયું છે.’
‘તમે તમારા પિતાજીને પૂછી લો તો ?’ માએ સૂચન કર્યું.

હવે અમારું કુટુંબ અંદરના ઓરડામાં એકઠું થયું. ખૂણાના ટેબલ પાસે પિતાજી બેઠા હતા. ટેબલ-લેમ્પનો પ્રકાશ બંને ટિકિટ પર પડી રહ્યો હતો. પિતાજીએ અમારી સૌની સામે જોઈને કહ્યું –
‘આ બંને ટિકિટ વચ્ચે તમને કોઈ તફાવત લાગે છે ?’
અમે ટિકિટને હાથમાં લઈ આમ તેમ ફેરવી અને પછી કહ્યું – ‘બંને ટિકિટોના નંબરો વચ્ચે એક નંબરનો ફેર છે. એકને ઈનામ મળે છે, બીજાને નથી મળતું.’
‘પણ જે ટિકિટને ઈનામ મળે છે એ ટિકિટની પાછળ પેન્સિલથી લખેલું કંઈક વંચાય છે ?’ અમે ઈનામી ટિકિટની પાછળના ખૂણામાં પેન્સિલથી કરેલું નાનકડું વર્તુળ જોયું. વર્તુળની અંદર ‘મ’ એવો અક્ષર લખાયેલો હતો.

‘આ ‘મ’ અક્ષર મારા મેનેજરનો છે. પિતાજીએ કહ્યું, ‘જ્યારે અંધજનોનું એક ગ્રુપ આપણે ત્યાં ટિકિટો વેચવા આવેલું ત્યારે તમારી માએ મને એની બચતમાંથી બે રૂપિયા આપેલા. એનો એક રૂપિયો બચાવવાના હેતુથી મેં મારા ફેક્ટરી મેનેજરને પૂછેલું કે અંધજનોની સંસ્થામાં ફાળો આપવા એ એક રૂપિયાની ટિકિટ ખરીદાશે કે કેમ ? એમણે હા પાડી.’

‘એટલે મેં ઘેર આવી એક ટિકિટની પાછળ પેન્સિલથી એના નામનો અક્ષર લખી ગોળ વર્તુળ કર્યું. મારે આ ટિકિટ એમને આપી એમની પાસેથી રૂપિયો લેવાનો હતો પણ પછી એય ભૂલી ગયા અને હું પણ ભૂલી ગયો, પણ એક વખત એણે ‘હા’ પાડી હતી એટલે આ ટિકિટ એમની થઈ ગઈ કહેવાય. હા, એ પછીનો વ્યવહાર-ટિકિટ આપી રૂપિયો લેવાનો વ્યવહાર ભૂલાઈ ગયો હતો પણ એથી શું ? નૈતિક રીતે આ ઈનામ એમનું છે, આપણું નહિ !’

જ્યાં સુધી મને લાગતું-વળગતું હતું ત્યાં સુધી આ ઈનામ અમારું હતું. અમારા પૈસાથી અમે બે ટિકિટો લીધી હતી. માત્ર રબ્બરના એક લસરકા વડે આ વર્તુળ ભૂંસી શકાય. એથી પણ આગળ વિચારીએ તો પિતાજીના મેનેજર પાસે શું નહોતું ? કંપનીએ રહેવા આપેલું મોટું કવાર્ટર હતું, સારો પગાર હતો, એને ઘેર બે સ્કૂટરો હતાં, અને પોતે કારમાં ફરતા હતા. એની પાસે એક વધુ સ્કૂટર હોય કે ન હોય એથી એની પરિસ્થિતિમાં કોઈ ફેર પડવાનો નહોતો. જે ફેર પડતો હતો એ અમને પડતો હતો. મેં પિતાજી સામે ઘણી દલીલ કરી પણ ટેબલ પર કોણી ટેકવી, બે હાથ વચ્ચે માથું રાખી મૌન ધારણ કરી પિતાજી બંને ટિકિટો જોઈ રહ્યા હતા. હવે મા એ અમારા સૌના ખભા-વાંસા પર હાથ ફેરવતાં કહ્યું, ‘ચાલો, આપણે બહાર ઓસરીમાં બેસીએ. આનો નિર્ણય તમારા પિતાજીને કરવા દો.’

બીજે દિવસે સાઈકલ લઈ મારે કોલેજ જવું પડ્યું. સાંજે ઘેર આવ્યો ત્યારે પ્રાંગણમાં સ્કૂટર નહોતું. ફેકટરીના મેનેજરે ડ્રાઈવર મોકલી ‘એનું’ સ્કૂટર મંગાવી લીધું હતું. એ દિવસે સાંજે હંમેશ મુજબ પિતાજી ઘેર આવ્યા ત્યારે એમનો ચહેરો એવો ને એવો પ્રફુલ્લિત હતો. એ ખૂબ જ હળવાશ અનુભવી રહ્યા હતા. આખરે જે ચીજ પર જેની માલિકી હતી એ એના માલિકને સોંપી હળવાફૂલ બની ગયા હતા.

એ પછી મારો કોલેજકાળ પૂરો થયો ત્યાં સુધી અમારે ઘેર સ્કૂટર આવ્યું જ નહિ. અભ્યાસ પૂરો કર્યા બાદ મને એક સારી કંપનીમાં સારા પગારથી નોકરી મળી ગઈ ત્યારે કંપનીની લોનથી મેં સ્કૂટર ખરીદ્યું, એ સ્કૂટરને આંગણામાં મૂક્યું ત્યારે માની એક ઉક્તિ મને યાદ આવી ગઈ ‘તમારું ચારિત્ર્ય ઊંચું હશે તો એ તમારી મોટામાં મોટી સંપત્તિ ગણાશે.’

આજે વર્ષો પછી હું માના આ વાક્ય પર વારંવાર વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે જે સાંજે પિતાજી એમના મેનેજરને સ્કૂટર આપીને પ્રફુલ્લિત વદને ઘેર પાછા ફર્યા ત્યારે એ ક્ષણે અમે જેટલા ધનિક હતા એટલા ધનિક અમે ક્યારેય નહોતા – આજે ઘરનાં બંગલો અને કાર હોવા છતાંયે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિદાય વેળાએ – ખલિલ જિબ્રાન
રણજિતરામ સુવર્ણચંદ્રક – ગુજરાતી વિશ્વકોશ Next »   

18 પ્રતિભાવો : અમારી અમીરી – ગિરીશ ગણાત્રા

 1. Meera says:

  The topic is stretched a little bit too far. But still it does throws light on one’s strong control over
  materialistic hunger.
  Sometime you may find yourself “odd man out” in the surrounding world but you enjoy immense happiness with cool mind.

 2. aditya says:

  this is extremly nice story. It teach us how to be honest and charactristic . Thanks to author and Mr mrugesh shah who gave such as beautiful article.

 3. urmila says:

  This is agood article on the morality and good principals -article s like these when read by young children as they are growing up – moulds into good characters of the future genertion

 4. ભ્રષ્ટાચાર કેન્સરની જેમ દેશને ખાઇ રહ્યો છે ત્યારે નીતિમત્તાના ઉચ્ચ ધોરણો સમજાવતી વાર્તા ખૂબ જ ગમી.

 5. JITENDRA TANNA says:

  સરસ વાર્તા.

 6. Trupti Trivedi says:

  મેનેજર થિ એ સ્કુટર લેવાયુ?

 7. Trupti Trivedi says:

  મેનેજર થિ એ સ્કુટર લેવાયુ? !!!?? Why?

 8. Keyur Patel says:

  વાહ !!!!!!!! વધુ શું કહેવું????

 9. કલ્પેશ says:

  આપણા મા-બાપ આપણને ઘણી વાતો શિખવતા હોય છે જેનો અર્થ આપણને પાછળથી સમજાય છે.

  સમજાય એ જરુરી છે.

 10. Rakesh Tripathi says:

  સરસ વાર્તા. ઘણા વર્ષો પહેલા “જન્મભુમિ પ્રવાસી” માં ગિરીશભાઈની વાર્તાઓ વાંચતો એ દિવસો યાદ આવ્યા…

 11. preeti hitesh tailor says:

  ખૂબ જ સુંદર વાર્તા!!

 12. amol patel says:

  આવી વાર્તાઑ વાંચીને લાગે છે કે જાણે રીડગુજરાતી એક વડીલની ગરજ સારે છે…

  ખૂબ જ સુંદર……

  આભાર્…
  અમોલ….

 13. ખુબ જ સુંદર વાર્તા અને એથીય વધું ઉમદા સાર…

  અને વડીલ તો ખરું પણ એવું વડીલ કે જે સાચે માર્ગદર્શક અને સોટી લઈને ઉભેલ શિક્ષક જેવું જે જરા પણ જો વિચારો ખોટા રસ્તે ચાલી નીકળે તો ફરી તરત જ ચમચમતી સોટીની સપાટી જેવો લેખ તૈયાર જ હોય… 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.