- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રણજિતરામ સુવર્ણચંદ્રક – ગુજરાતી વિશ્વકોશ

[તંત્રી નોંધ : કવિવર શ્રી રાજેન્દ્રભાઈ શુક્લને ચાલુ વર્ષે રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવનાર છે તે વિશે ઘણા સમયથી ખબર હતી પરંતુ તે પ્રકારનું આયોજન ક્યારે કરવામાં આવનાર છે તે વિશે જાણકારી ન હતી. અચાનક પરમદિવસે સાંજે તેઓશ્રીએ ફોન કરીને મને તા-2 જૂને આ અર્પણવિધિ રાખી છે તેમ આમંત્રણ આપતા આ શુભ સમાચાર આપ્યા. તે સાથે તેઓએ એમ પણ જણાવ્યું કે “દર વર્ષે કોઈ ને કોઈ શ્રેષ્ઠ સાહિત્યકારને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે એ તો બરાબર છે પરંતુ જેવી રીતે નોબેલ પ્રાઈઝ સાથે તે ક્યારથી અપાય છે, કેવી રીતે અપાય છે વગેરે જેવી વિગતો લોકોને ખબર હોય છે તેમ આપણા ગુજરાતી સાહિત્યમાં અપાતા આ પુરસ્કારની વિસ્તૃત વિગતો પણ લોકો સુધી પહોંચવી જોઈએ.” તેમની વાત સાચી લાગી અને ગઈકાલે સવારે લાઈબ્રેરીમાં જઈને બે કલાકની શોધખોળ બાદ ‘ગુજરાતી વિશ્વકોશ’ માંથી આ સુવર્ણચંદ્રકની વિસ્તૃત વિગતો મળી આવી છે જે આપની સામે અક્ષરસહ મૂકવાનો પ્રયાસ કરું છું. આશા છે વાચકોને પસંદ પડશે. તો પ્રસ્તુત છે ‘રણજિતરામ સુવર્ણચંદ્ર’ – ગુજરાતી વિશ્વકોશ ખંડ-17 (‘ય-રાં’), પાનનં 269-270 માંથી સાભાર અને કવિશ્રી રાજેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન]

ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને ગુજરાતી સાહિત્ય સભા તરફથી અપાતો ચંદ્રક એટલે રણજિતરામ સુવર્ણચંદ્રક. ગુજરાતની અસ્મિતા પ્રકાશિત થાય તે માટે જીવન સમર્પિત કરનારા રણજિતરામ વાવાભાઈ મહેતા (ઈ.સ. 1881-1917) એમના ટૂંકા જીવનકાળ દરમિયાન ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતના ઈતિહાસની રચના માટે, લોકગીતોના સંપાદન માટે – એમ અનેક ધ્યેય માટે ઘણું બધું કાર્ય કરી ગયા.

રણજિતરામના પિતા વાવાભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સેવા આપતા હતા. એટલે એ નિમિત્તે રણજિતરામને અમદાવાદમાં આવવા-રહેવાની તક મળી હતી. અમદાવાદમાં અનેક સાક્ષરોના સંબંધોમાં તેઓ આવ્યા હતા. એમની સાથે બેઠકોમાં એ સમયના ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ હંમેશા હાજર રહેતા.

રણજિતરામની ગુજરાતની અસ્મિતા બાબતની તેમજ ગુજરાતના સાહિત્યના વિકાસ અંગેની તથા ગુજરાતના ઈતિહાસ માટેની યોજનાઓ હીરાલાલ પારેખે આત્મસાત કરી લીધી હતી. એમની પણ એ બાબતોમાં અત્યંત અભિરૂચી હતી. રણજિતરામનો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સાથે ગાઢ સંબંધ હતો. એમની પ્રેરણાથી જ ઈ.સ. 1904માં ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી અને તેના મુખ્ય કાર્યકર તરીકે હીરાલાલ પારેખ હતા. રણજિતરામના અવસાન પછી હીરાલાલ પારેખે જ એમની જીવનભરની સાહિત્યસેવાના સ્મરણાર્થે રણજિતરામ સુવર્ણચંદ્રકની યોજના કરી હતી. કેટલાંક વર્ષો સુધી રણજિતરામ સુવર્ણચંદ્રક ની વ્યવસ્થા તેમણે પોતાને હસ્તક રાખી હતી. પોતાના સાહિત્યકાર મિત્રોની સલાહ લઈને તેઓ સુવર્ણચંદ્રક માટે યોગ્ય વ્યક્તિને પસંદ કરતા હતા.

રણજિતરામ સુવર્ણચંદ્રકના ક્ષેત્રનો વિસ્તાર નક્કી કરતો ઠરાવ ગુજરાત સાહિત્ય સભાએ નીચે મુજબ નક્કી કર્યો હતો : ‘ગુજરાતની સંસ્કારિતા ને તેના સાહિત્ય (વિશાળ અર્થમાં) ને સમૃદ્ધિ મળે એવી કૃતિના સર્જકને – કર્તાને આ ચંદ્રક આપવો. આમાં દરેક વર્ષે ચંદ્રક આપવો જ એવો નિયમ ના રાખવો, તેમજ અમુક વિષ્ય વાસ્તે જ આપવો એવું બંધન પણ ના સ્વીકારવું.’

રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવાની યોજના ઈ.સ. 1928થી શરૂ થઈ હતી અને સૌ પ્રથમ એ ચંદ્રક પ્રાપ્ત કરનાર લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી હતા. એ પછી અવિરતપણે રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રત્યેક વર્ષે કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા બદલ તેના સર્જક કે કર્તાને અપાતો રહ્યો છે. એ ચંદ્રક સંગીતકાર, ચિત્રકાર, ઈતિહાસકાર, વૈદિકશાસ્ત્રી, મુદ્રણ નિષ્ણાત – એમ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે અપાતો રહ્યો છે; જો કે હવે મુખ્યત્વે રણજિતરામ સુવર્ણચંદ્રક સાહિત્યક્ષેત્રમાં વિશિષ્ટ વ્યાપક સેવા માટે એનાયત થાય છે.

હાલમાં રણજિતરામ સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં આવી છે. અને એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે. આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર મહાનુભાવોની યાદી નીચે મુજબ છે :

[01] ઝવેરચંદ મેઘાણી (1928)
[02] ગિજુબાઈ બધેકા (1929)
[03] રવિશંકર રાવળ (1930)
[04] વિજયરાય વૈદ્ય (1931)
[05] રમણલાલ દેસાઈ (1932)
[06] રત્નમણિરાવ જોટે (1933)
[07] સુન્દરમ (1934)
[08] વિશ્વનાથ ભટ્ટ (1935)
[09] ચંદ્રવદન મહેતા (1936)
[10] ચુનીલાલ શાહ (1937)
[11] કનુ દેસાઈ (1938)
[12] ઉમાશંકર જોશી (1939)
[13] ધનસુખલાલ મહેતા (1940)
[14] જ્યોતીન્દ્ર દવે (1941)
[15] રસિકલાલ છો. પરીખ (1942)
[16] પંડિત ઓમકારનાથજી (1943)
[17] વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (1944)
[18] ગુણવંતરાય આચાર્ય (1945)
[19] ડોલરરાય માંકડ (1946)
[20] હરિનારાયણ આચાર્ય (1947)
[21] બચુભાઈ રાવત (1948)
[22] સોમલાલ શાહ (1949)
[23] પન્નાલાલ પટેલ (1950)
[24] જયશંકર ‘સુંદરી’ (1951)
[25] કેશવરામ કા. શાસ્ત્રી (1952)
[26] ડૉ. ભોગીલાલ સાંડેસરા (1953)
[27] ચંદુલાલ પટેલ (1954)
[28] અનંતરાય રાવળ (1955)
[29] રાજેન્દ્ર શાહ (1956)
[30] ચુનીલાલ મડિયા (1957)
[31] ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણી (1958)
[32] જયંતિ દલાલ (1959)
[33] ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી (1960)
[34] ઈશ્વર પેટલીકર (1961)
[35] રામસિંહજી રાઠોડ (1962)
[36] ડૉ. હરિવલ્લભ ભાયાણી (1963)
[37] મનુભાઈ પંચોળી ‘દર્શક’ (1964)
[38] બાપાલાલ વૈદ્ય (1965)
[39] ડૉ. હસમુખ સાંકળિયા (1966)
[40] ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ (1967)
[41] ડૉ. મંજુલાલ મજમુદાર (1968)
[42] નિરંજન ભગત (1969)
[43] શિવકુમાર જોશી (1970)
[44] સુરેશ જોશી (1971)
[45] નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ (1972)
[46] પ્રબોધ પંડિત (1973)
[47] હીરાબહેન પાઠક (1974)
[48] રઘુવીર ચૌધરી (1975)
[49] જયન્ત પાઠક (1976)
[50] જશવંત ઠાકર (1977)
[51] ફાધર વાલેસ (1978)
[52] મકરન્દ દવે (1979)
[53] ધીરુબહેન પટેલ (1980)
[54] લાભશંકર ઠાકર (1981)
[55] હરીન્દ્ર દવે (1982)
[56] સુરેશ દલાલ (1983)
[57] ભગવતીકુમાર શર્મા (1984)
[58] ચન્દ્રકાન્ત શેઠ (1985)
[59] રમેશ પારેખ (1986)
[60] સિતાંશુ યશશ્ચંદ્ર (1987)
[61] બકુલ ત્રિપાઠી (1988)
[62] વિનોદ ભટ્ટ (1989)
[63] નગીનદાસ પારેખ (1990)
[64] ડૉ. રમણલાલ નાગરજી મહેતા (1991)
[65] યશવન્ત શુક્લ (1992)
[66] અમૃત ‘ઘાયલ’ (1993)
[67] ડૉ. ધીરુભાઈ ઠાકર (1994)
[68] ભોળાભાઈ પટેલ (1995)
[69] રમણલાલ સોની (1996)
[70] ગુણવંત શાહ (1997)
[71] ગુલાબદાસ બ્રોકર (1998)
[72] મધુ રાય (1999)
[73] ચી. ના. પટેલ (2000)
[74] નારાયણ દેસાઈ (2001)
[75] ચંદ્રકાન્ત ટોપીવાળા (2002)
[76] મધુસૂદન પારેખ (2003)
[75] રાધેશ્યામ શર્મા (2004)
[74] વર્ષાબહેન અડાલજા (2005)
[75] રાજેન્દ્ર શુક્લ (2006) (તા. 02-જૂન-2007)