વાર્તાલાપની કલા મૌન – રોહિત શાહ

મહાન દાર્શનિક સોક્રેટીસ પાસે આવીને એક યુવાને કહ્યું, ‘મારે પ્રખર વક્તા થવું છે. મારી વાકપ્રતિભા વિકસે એ માટે આપ માર્ગદર્શન આપશો ?
સોક્રેટીસે કહ્યું : ‘મૌન રહેતાં શીખો. મૌન પોતે જ સમર્થ વ્યાખ્યાન છે.’

સોક્રેટીસના જવાબમાં પેલા પ્રશ્નની ઉપેક્ષા નહોતી, પણ ઊંડો મર્મ હતો. જેને મૌન રહેતાં નથી આવડતું એ બોલવાનું શું જાણે ? ને જેને બોલવાનું નથી આવડતું એ મૌનનો મહિમા ક્યાંથી સમજે ? વાણી અને મૌન પરસ્પરનાં વિરોધી નથી; પૂરક છે. વાણી વડે મૌન શોભે છે અને મૌન વડે વાણી શોભે છે. જેને મૌન રહેતાં નથી આવડતું એની વાણી ‘બકવાસ’ બની જાય છે, અને જેને બોલતાં નથી આવડયું એનું મૌન ‘જડતા’ બની જાય છે. મૌન એટલે વાણીનો વિવેક. વાણી એટલે મૌનનો વિવેક.

વાણી અને મૌનનું સંતુલન કેળવવું એ એક સાધના છે. દરેક શબ્દને તેનો પોતાનો અને આગવો અને વિશિષ્ટ અને ચોક્ક્સ અર્થ હોય છે. એ અર્થનો આદર કરવો એટલે જ મૌન અને વાણીનું સંતુલન કર્યું કહેવાય. અર્થનું ગૌરવ વધે તેવું મૌન જોઈએ અને અર્થ ઝાંખો કે વામણો ન લાગે તેવી વાણી જોઈએ.

આદિવાસી વિસ્તારની એક કાચી સડક ઉપર એક મોટર, કીચડને કારણે ફસાઈ ગઈ હતી. ડ્રાયવરે ખૂબ પ્રયત્નો કર્યા પણ મોટર કીચડમાં બરાબર ઊંડી ખૂંપી ગઈ હતી એટલે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા. ત્યાં થોડી જ વારમાં બે માણસો દોડી આવ્યા. એમણે ધક્કા મારીને પેલી મોટરને બહાર કાઢવામાં ડ્રાયવરને મદદ કરી. મોટરમાં પાછળની સીટ ઉપર માલિક બેઠેલા હતા. થોડાક પ્રયત્નોને અંતે ફસાયેલી મોટર બહાર નીકળી એટલે માલિકે ખુશ થઈને પેલા બંને મદદનીશોને બક્ષિસરૂપે બે બે રૂપિયા આપ્યા અને પૂછ્યું : ‘ભાઈઓ, તમારા સહકાર બદલ ખૂબ આભાર. પણ તમે અહીં કરો છો શું ?’
‘બસ, આ જ કામ કરીએ છીએ !’ પેલા બંને બોલ્યા.
‘એટલે ?’
‘રાત્રે પાણી ને રેતી નાખ્યા કરીએ છીએ… એ રીતે ખૂબ કીચડ જમા થાય એટલે એમાં વાહનો ખોટકાઈ જાય… પછી અમે એ વાહનને બહાર કાઢવામાં મદદ કરીને બક્ષિસના રૂપમાં કમાણી કરીએ છીએ.’ મોટર માલિક સાંભળીને છક થઈ ગયો !

આપણે આજે વાણીનો કીચડ ઊભો કરીને તેમાં મૌનની મોટરને ફસાવવાનો પુરુષાર્થ ખેડી રહ્યા છીએ. ઘોંઘાટ એટલો બધો વધી ગયો છે કે અર્થ અને શબ્દ પરસ્પરથી વિખૂટા પડી ગયા છે. ઘોંઘાટથી કંટાળીને માનવી મૌન ઝંખે છે. શાંતિ ઝંખે છે. આ મૌન એટલે અર્થસભર શબ્દનો રણકાર અર્થહીન ઘોંઘાટમાંથી મુક્તિ. મૌન એટલે તદ્દન ચુપ રહેવું એવો અર્થ નથી. કેટલીક વખત વ્યક્તિ પાસે કશું બોલવા જેવું હોય જ નહીં અને મૌન રહે તો એને મૌનની સાધના ન કહેવાય. મનમાં કશું જ નથી માટે મૌન નહીં, પરંતુ મનમાં ઘણું બધું પડ્યું છે : એટલું બધું કે શબ્દનું માધ્યમ છીછરું લાગે, માટે મૌન રાખીએ તો એવું મૌન સાધના બને છે. જિજ્ઞાસુઓ એવા મૌનનું શ્રવણ કરવા અધીરા થઈ ઊઠે છે. એવું મૌન મહાન છે. મંગલકારી છે. કારણ કે એ મૌન ખાલી નથી. ઉપર ઉપરનું નથી. એ મૌન ભર્યું ભર્યું ને ભીતરના ઊંડાણનું છે.

મૌનમાંથી અર્થ પ્રગટવો જોઈએ. શબ્દમાંથી શાંતિ પ્રગટવી જોઈએ. શબ્દ ચૂપ રહે અને માત્ર અર્થ બોલે એ ઉત્તમ મૌન અને એ જ ઉત્તમ વાણી અને એ જ ઉત્તમ ભાષા. સરિતાને એવી ઉત્તમ ભાષાનું વરદાન મળ્યું છે. એનું મૌન મર્મભર્યું છે. હીરો-મોતી ભલે બોલે નહીં, પણ એમનું મૌન એમને મૂલ્યવાન બનાવે છે. પરંતુ કોઈ જાહેરક્ષેત્ર ઉપર કે અન્યત્ર કોઈક વ્યક્તિના નામની તક્તી મૂકેલી હોય છે, એ તક્તીનો ઘોંઘાટ પેલા નામને કેટલું બધું મૂલ્યરહિત કરી મૂકે છે ! આજે તો ઠેર ઠેર આવી તક્તીઓએ ભયંકર કોલાહલ વધારી મૂક્યો છે. દાન આપીને પ્રતિષ્ઠા પામવાની દુર્વૃત્તિઓનો ઘોંઘાટ ! ફૂલ સુગંધ આપીનેય ચૂપ રહે છે. કુદરતે ફૂલો ઉપર પોતાના નામની તકતીઓ નહીં મૂકીને, જગતને શાંતિની ભેટ આપીને, કેટલો મોટો ઉપકાર કર્યો છે. ફૂલ બોલવા ચાહે તો ઘણું બધું બોલી શકે એમ છે કારણ કે અંદરથી એ સભર છે. પણ એ મૌનની સૌરભ પ્રસરાવવા માગે છે, પ્રતિષ્ઠાનો કોલાહલ નહીં. એ સૌંદર્યનો મૌનભાવે અનુભવ કરાવે છે. પોતાની ઋજુતાનાં એને ઢોલ પીટવાં નથી ! ફૂલ પણ ચૂપ છે ને એનો સર્જનહાર પણ ચૂપ છે ! માટે જ, તો એ બન્ને મહાન છે !

સાગર ગમે તેટલો ઘૂઘવાટ કરે પણ એનું જળ પીવા કોઈ નહીં ઈચ્છે, શાંત સરિતાનાં જળ સહુને આકર્ષે છે ! દરિયો ખારો છે એટલે જ તો એણે ઘૂઘવાટ કરવો પડે છે ! મીઠાં જળની સરિતાને ઘૂઘવાટ કરવામાં નહીં, પરંતુ માત્ર સતત વહેતાં રહેવામાં જ રસ છે. એને બકવાસ કરવાની ફુરસદ હોય પણ ક્યાંથી ? પ્રતિષ્ઠાની ભૂખ માનવીને બકવાસ કરવા પ્રેરે છે. સિદ્ધિનો ઉપાસક તો મૌન જ સેવતો હોય છે.

ઘરમાં રાત્રે ચોર પ્રવેશે ત્યારે માણસ ઊંઘમાંથી ઝબકીને જાગી જાય તો તરત મદદ માટે બૂમાબૂમ કરી મૂકશે. પરંતુ જાગતો માણસ આવી બૂમાબૂમ કરવાને બદલે ચોરને પકડી લેવાનો પેંતરો જ ગોઠવશે. અથવા એમ પણ કહી શકાય કે સામર્થ્યહીન માનવી જ મદદ માટે ઘોંઘાટ કરશે. સામર્થ્યયુક્ત માનવી તો સામનો જ કરશે. એટલે કે ઊંઘતા (અજ્ઞાનીઓ) અને સામર્થ્યશૂન્ય (નિર્બળ) લોકો જ વાણીનો વિલાસ કરે છે. જ્ઞાની અને સમર્થ વ્યક્તિ તો મૌન જ ધારણ કરવાની ! મૌન એ વાણીનો નિષેધ નહીં, વાણીનો સંયમ સૂચવે છે. મૌન વાચાળ હોવું જોઈએ અને વાણી મૌન હોવી જોઈએ. શબ્દ માનવીના મનોજગતને છતું કરે છે. વાણી વ્યક્તિના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. માટે જ શબ્દની કરકસર દ્વારા વ્યક્તિત્વને અને પ્રતિભાને અલંકૃત કરવી જોઈએ. શાબ્દિક પ્રદર્શન એ તો મૂર્ખાઈ પ્રગટ કરવાનો પ્રયોગ છે. હેઝલીટ કહે છે : ‘મૌન એ વાર્તાલાપની મહાન કલા છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મિયાંફુસકી – જીવરામ જોષી
લોકરસ – રતિલાલ સથવારા Next »   

22 પ્રતિભાવો : વાર્તાલાપની કલા મૌન – રોહિત શાહ

 1. vimal says:

  મને આ લેખ ખુબ્બ્જ્ સરસ લગિયો .તમે આ લેખ જેવ બિજા લેખો વારમ વાર લખ્સો તો મને ખુશિ થસે .

 2. preeti hitesh tailor says:

  મૌન અને નિરીક્ષણની કળા જે મનુષ્ય આત્મસાત કરી શકે છે તેને જીવનરહસ્ય સમજવામાં વધારે સમસ્યા નથી નડતી!!

 3. કલ્પેશ says:

  મૌન અને વાચા એકબીજાના પૂરક છે.
  I wish we could be educated about important principles of life. Learning this principle, might take an entire lifetime

 4. dhara says:

  ખરેખર સરસ લેખ છે.

 5. dhaval says:

  એકદમ સરસ. જો વ્યક્તિ મૌન ની તાકાત સમજી જાય તો પછિ જોવુ શુ ?

 6. સુરેશ જાની says:

  ભાઇ ધવલ,
  ‘ પછિ’ નહીં પણ ‘ પછી’ અને ‘મૌન ની’ નહીં પણ ‘મૌનની’ …..
  આમ ખોટું લખવું તેના કરતાં મારી જેમ ‘ઉંઝા’ જોડણીમાં લખો તો? મારી જેમ જોડણીદોષમાંથી મુક્ત
  થશો.
  ——————————
  મૌન મળે પછીના પ્રદેશોના અનુભવની સરસ રચના રુષી કવી શ્રી. રાજેન્દ્ર શુકલની કલમે –
  http://layastaro.com/?p=694

 7. Keyur Patel says:

  સુંદર. મૌનની વાણી સાંભળીને સારૂં લાગ્યુ.

 8. shaileshpandya BHINASH says:

  VERY NICE………..

 9. Harshi Padhiyar says:

  Excellent article !!

 10. Harikrishna Patel (London) says:

  Excellent………………………………

  shhhhhhhhhhh..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.