લોકરસ – રતિલાલ સથવારા

[પ્રસ્તુત તમામ લોકગીતો ‘લોકરસ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાં કુલ 103 જેટલા લોકગીતો સમાવવામાં આવ્યા છે. તે સાથે સાથે દરેક ગીતનો આસ્વાદ પણ કરાવવામાં આવ્યો છે જેથી વાચકોને તેનો અર્થ સમજવામાં સરળતા રહે છે. લોકગીત વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ‘જેનાં રચનારાંએ કદી કાગળ કે કલમ પકડ્યાં નહિ હોય; એ રચનારાં કોણ એની જ કોઈને ખબર નહિ હોય. પ્રેમાનંદ કે નરસિંહ મહેતા પૂર્વે કેટલો કાળ વીંધીને એ સ્વરો ચાલ્યા આવે છે તેનીયે કોઈ ભાળ નહિ લઈ શક્યું હોય એનું નામ લોકગીત. ધરતીનાં કોઈ અંધારાં પડોમાંથી વહ્યાં આવતાં ઝરણાંનું મૂળ જેમ કદાપિ શોધી શકાયું નથી, તેમ આ લોકગીતોનાં ઉત્પત્તિસ્થાન પણ અણશોધ્યાં જ રહ્યાં છે.’]

[1] પટેલને ત્યાં પાપણ વણવા – હળવું પ્રહસન પણ કારુણ્યસભર લોકગીત

પટેલને ત્યાં પાપડ વણવા ગ્યાં’તા મા ! ગ્યાં’તાં મા !
એક પાપડ ચોર્યો મા ! ચોર્યો મા !
ઘંટી હેઠળ ઘાલ્યો મા ! ઘાલ્યો મા !
રોટલા ઘડતાં શેક્યો મા ! શેક્યો મા !
ભેંસ દોતાં ખાધો મા ! ખાધો મા !
ડોહે કડાકો સાંભળ્યો મા ! સાંભળ્યો મા !
ડોહે ડાંગ લીધી મા ! લીધી મા !
એક ડાંગ વાગી મા ! વાગી મા !
ભસ્કા કેડ ભાંગી મા ! કે સાજી મા !

સમાજ પાસેથી લોકસમૂહ કોઈ પ્રસંગ મેળવે છે તે કેટલીક વાર પ્રહસન જેવો લાગે પણ તેની અંદર કરુણા પડેલી હોય. ઉપલક દ્રષ્ટિએ હળવી ભાસતી બાબત ગંભીરતા પણ ધરાવતી હોય છે.

અહીં મળેલું લોકગીત સામાજિક છે. કોઈ ગરીબ કુટુંબની સ્ત્રી પટેલને ત્યાં પાપડ વણવા જાય છે. પાપડ વણવા જવું પડતું હોય છે. એ વિના ઘર ચાલે જ નહિ અધૂરી કમાણી ધરાવતાં કુટુંબો આવી આકાશવૃત્તિ પર નભતાં હોય છે. માંડ માંડ પેટિયું રળનાર ઘરની સ્ત્રી ગમે તે રીતે મજૂરી મેળવવા ભમતી હોય છે. ‘પટેલ’ શબ્દ ગામના મુખી માટે વપરાતો શબ્દ પણ હોય અથવા ગામની કોઈ પટેલ કોમની વ્યક્તિ માટે પણ હોય. પટેલ ખાધેપીધે સુખી હોય છે. એવા કોઈ પટેલને ત્યાં પાપડ વણતાં વણતાં આ ગરીબ સ્ત્રી એક પાપડ ચોરી લે છે. પછી પોતાનાં કપડાં નીચે સંતાડે છે. ઘેર આવીને ઘંટી નીચે સંતાડે છે. જુઓ,

પટેલને ત્યાં પાપડ વણવા ગ્યાં’તા મા ! ગ્યાં’તાં મા !
એક પાપડ ચોર્યો મા ! ચોર્યો મા !
ઘંટી હેઠળ ઘાલ્યો મા ! ઘાલ્યો મા !

મને તો અહીં સમાજની કરુણા દેખાય છે. ઘણાં કુટુંબની સ્ત્રીઓ માટે પાપડ મોંઘી વસ્તુ બની જાય છે. કોઈ સુખી માણસોનાં નસીબમાં તે હોય છે. આવી ગરીબ સ્ત્રી માટે તો પાપડ જેવી વસ્તુ પણ નસીબ બહારની વસ્તુ બની જાય છે. વણતાં વણતાં તેને પાપડ ખાવાનું મન થઈ જાય છે. બીજો ઉપાય નથી. કહેવાથી કોઈ આપે નહિ એટલે ચોરી લેવાનું યોગ્ય માને છે. ઘેર જઈને છાનેમાને ખાઈશ તેવો તેનો ઈરાદો હોય છે. એને રોટલા ઘડતી વેળા પાપડ શેકવાની તક મળે છે. તે શેકીને ભેંસ દહોતી વેળાએ ખાય છે. પાપડ ભાંગતાં અવાજ થાય છે.

ભેંસ દોતાં ખાધો મા ! ખાધો મા !
ડોહે કડાકો સાંભળ્યો મા ! સાંભળ્યો મા !

આ પાપડ ભાંગતાં થતો કડાકો આ સ્ત્રીનો સસરો સાંભળી જાય છે. ડોસો ગુસ્સે થાય છે. આ ક્યાંથી લાવી ? સ્ત્રીએ જાણે આભલું તોડી નાખ્યું હોય તેવું લાગે છે. કોઈ મોટો ગુનો ન કર્યો હોય ! ડોસો ડાંગ ઉઠાવે છે. વહુને ફટકારે છે.

એક ડાંગ વાગી મા ! વાગી મા !
ભસ્કા કેડ ભાંગી મા ! કે સાજી મા !

વહુની કમર પર લાકડીનો ઘા થાય છે. વહુની કેડ ભાંગી હશે કે સાજી રહી હશે ? જવાબ છે કે ભાંગી હશે જ. પ્રસંગ સામાન્ય છે. ઉપર ટપકે આ પ્રસંગ થોડી રમૂજ પેદા કરતો લાગે છે, પણ ત્યાં ગરીબ સમાજની વેદના વ્યંજિત થાય છે. ડોસો કંઈ કમાતો નથી. ઘરમાં ગરીબી છે. ઘરમાં આવી પાપડ જેવી વસ્તુઓનો અભાવ છે ત્યારે વહુ પાપડ ચોરી લાવે તે અજુગતું નથી થતું. જ્યાં દારુણ ગરીબી છે ત્યાં આવો પ્રસંગ બને એ કોઈ મોટી બાબત નથી. આ કૌટુંબિક લોકગીત ગોરમાના વ્રત વખતે નાની બાળાઓ ગાય છે. બાળાઓનો સમૂહ ગામને પાદર કે ગામ-ચોકમાં આ રીતે આનંદ પ્રાપ્ત કરે છે. ખરી રીતે આ ગીત વ્યંગ્યાર્થવાળું છે. પટેલ, ગ્યાં’તાં મા, હેઠળ, ડોહે, કડકો, ભસ્કા વગેરે પ્રાદેશિક બોલી છે. આ લોકગીત જાણીતું છે. ગૌરીવ્રત વખતે વધારે ગવાય છે.

[2] વઢકણી વહુ

મૂળાનું શાક કર્યું ને ડોસો કે’ છે કૂચા,
કૂચા કૂચા શું કરો છો ? હમણાં કાઢીશ ડૂચા.
વહુ વાઘણ રે, મારા ઘરમાંથી જા !
વહુ વઢકણી રે, મારા ઘરમાંથી જા !

તુવેરની તો દાળ કરી ને ડોસો કે’ છે માંખો,
માંખો માંખો શું કરો છો ? ફોડી નાખીશ આંખો,
વહુ વાઘણ રે, મારા ઘરમાંથી જા !
વહુ વઢકણી રે, મારા ઘરમાંથી જા !

બાજરીની તો રોટલી કીધી ડોસો કે’ છે સૂકી,
સૂકી સૂકી શું કરો છો ? હવે મૂકીશ લૂખી;
વહુ વાઘણ રે, મારા ઘરમાંથી જા !
વહુ વઢકણી રે, મારા ઘરમાંથી જા !

કમોદનો તો ભાત કર્યો ને ડોસો કે’ છે ઢીલો,
ઢીલો ઢીલો શું કરો છો ? કાઢો ઘરમાંથી ખીલો,
વહુ વાઘણ રે, મારા ઘરમાંથી જા !
વહુ વઢકણી રે, મારા ઘરમાંથી જા !

ઘરમાં ઝાઝાં છોકરાં ને ડોસો પાડે ચીસો,
ચીસો ચીસો શું પાડો છો ? જઈને ગામમાં ભીખો,
વહુ વાઘણ રે, મારા ઘરમાંથી જા !
વહુ વઢકણી રે, મારા ઘરમાંથી જા !

આ મહેસાણા જિલ્લાનું લોકગીત છે. એમાં ખાખરિયા, ચુંવાળ અને દંઢાવ્ય વગેરે પ્રદેશ આવેલા છે. આ ‘વઢકણી વહુ’ લોકગીતમાં પ્રહસન અને સમાજની વિષમ પરિસ્થિતિ પણ છે. સંસ્કારી સમાજમાં ન બને એવું અહીં બને છે. ઘરમાંની કેટલીક વ્યક્તિઓ સમજણ વિના વર્તવા માંડે એટલે તે ઘર સમાજમાં ઝાંખું પડે છે. અહીં એક અસંસ્કારી સ્ત્રી અને વયને કારણે ચીડિયા થઈ ગયેલા સસરાનો વિષમ સંવાદ છે. સ્ત્રીને સસરા ભારરૂપ લાગે છે. બીજી બાજુ સસરો પણ વહુની ભૂલ કાઢ્યા કરે છે. આથી બંનેના કજિયા ચાલ્યા કરે છે. બંને એકબીજાને ઘરમાંથી કાઢી મૂકવા તત્પર છે. આ વાદવિવાદથી ઘરની સ્થિતિ ડામાડોળ બને છે. આ ઉપર ટપકે તો પ્રહસન જેવું લાગે છે, પણ એમાંથી કારુણ્ય વ્યંજિત થાય છે. ઘરનાં બીજાં માણસોની શી સ્થિતિ થતી હશે તે સમજી શકાય છે. આ લોકગીત સામાજિક છે. એમાં વાસ્તવિક ચિત્રણ છે. કૌટુંબિક ચડભડ પણ એમાં છે. વહુ અને સસરાનું વાકયુદ્ધ જુઓ.

મૂળાનું શાક કર્યું ને ડોસો કે’ છે કૂચા,
કૂચા કૂચા શું કરો છો ? હમણાં કાઢીશ ડૂચા.
વહુ વાઘણ રે, મારા ઘરમાંથી જા !
વહુ વઢકણી રે, મારા ઘરમાંથી જા !
તુવેરની તો દાળ કરી ને ડોસો કે’ છે માંખો,
માંખો માંખો શું કરો છો ? ફોડી નાખીશ આંખો,
વહુ વાઘણ રે, મારા ઘરમાંથી જા !
વહુ વઢકણી રે, મારા ઘરમાંથી જા !

વહુએ મૂળાનું શાક કરેલું. ડોસાને તે ગમ્યું નહિ. એ શાકને કૂચા જેવું કહી વગોવવા માંડ્યો. વહુને ગુસ્સો ચડ્યો ને કહેવા માંડી કે કૂચા કૂચા શું કરો છો ? હું જ તમારા ડૂચા કાઢી નાખીશ. સસરો આવી બોલી સહન કરે ? એ કહેવા લાગ્યો કે ઓ કજિયાખોર વાઘણ, મારા ઘરમાંથી ટળ. અમને શાંતિથી રહેવા દે. બોલવાનું તને ભાન છે ?

એક વાર વહુએ તુવેરની ફોતરાંવાળી દાળ કરેલી. ફોતરાંને લીધે દાળ માંખો જેવી દેખાતી હતી. ડોસો બોલ્યો કે આ તો દાળ છે કે માંખો ? વહુ તાડૂકી ઊઠી કે માંખો માંખો કરશો તો હું તમારી આંખો જ ફોડી નાંખીશ. સસરાને આ અપમાન જેવું લાગ્યું. એ કહેવા માંડ્યો કે તું કજિયાખોર વાઘણ છે. મારા ઘરમાંથી જા. અહીં રમૂજ જેવું લાગે છે, પણ એમાં ઘરની અવ્યવસ્થિત સ્થિતિ વ્યંજિત થાય છે. અહીં કૂચા અને ડૂચા તથા માંખો અને આંખોનો પ્રાસ છે. આ લોકગીતકારનું પ્રશસ્ય કામ છે.

એકવાર વહુએ બાજરીની રોટલી બનાવેલી. ડોસાને તે સૂકી પડી. કમોદનો ભાત ઢીલો લાગ્યો. ડોસાએ ખોડ કાઢી. વહુ ભડકી ઊઠી ને કહ્યું કે રોટલી સૂકી પડે છે તે હું લૂખી જ ખવડાવીશ. કમોદનો ભાત ઢીલો લાગે છે, એમ ! હું ઘરમાંથી તમારો ખીલો કાઢીશ. ડોસો પણ સમસમી ગયો. બોલ્યો કે ઓ કજિયાખોર વાઘણ ! તું મારા ઘરમાંથી જા અને તારું મોઢું કાળું કર. છેવટે કજિયાની પરાકાષ્ઠા આવી જાય છે….

ઘરમાં ઝાઝાં છોકરાં ને ડોસો પાડે ચીસો,
ચીસો ચીસો શું પાડો છો ? જઈને ગામમાં ભીખો,
વહુ વાઘણ રે, મારા ઘરમાંથી જા !
વહુ વઢકણી રે, મારા ઘરમાંથી જા !

ઘરમાં છોકરાંની સંખ્યા વધારે છે. તે બધાં બૂમાબૂમ કરી મૂકે છે, ડોસો પણ ઘરમાં છોકરાની સાથે જ ચીસો પાડે છે. ઘરમાં શોરબકોર થાય છે. વહુએ કહ્યું કે, છોકરાંની વાદે તમે પણ શું ચીસો પાડો છો ? જાઓ, ગામમાં જઈને ભીખ માગો ને ! આમ હેરાન શું કરો છો ? ડોસો ગુસ્સે થયો ને બોલ્યો કે કજિયાખોર વાઘણ, મારા ઘરમાંથી જા. અહીં ‘ચીસો’ નો ‘ભીખો’ પ્રાસ છે. આ રીતે ઘર ડામાડોળ બને છે. કેવું વાસ્તવિક ચિત્ર છે ! આ ગીત હાથના તાલથી ગવાય છે. નૃત્યમાં પણ ગવાય છે. ગીતમાં તળપદી લોકબોલી નહિવત છે તે બતાવે છે કે તે શિષ્ટ સમાજમાંથી વધારે પસાર થયું લાગે છે.

[3] જાવું પડશે

મીઠી લીમડાની છાયા, એવી માતાપિતાની માયા,
બેની છોડવી પડશે, સાસરે જાવું પડશે.
જેવી કરોળિયાની જાળ, એવી સાસુજીની ગાળ,
બેની સાંભળવી પડશે, સાસરે જાવું પડશે.
જેવાં વડોદરાનાં ટાવર, એવા દિયરજીના પાવર,
બેની સહેવા પડશે, સાસરે જાવું પડશે.
જેવાં રતાળુનાં ભજિયાં, એવા નણંદના કજિયા,
બેની સહેવા પડશે, સાસરે જાવું પડશે.

આ લોકગીત સુરત જિલ્લાનું છે. આ ભાગને નેસુ પ્રદેશ કહેવાય છે. દક્ષિણ ગુજરાતના સોનગઢ તાલુકામાં નેસુ નદીની આજુબાજુનો જંગલપ્રદેશ છે તેને નેસુ ભાગ કહે છે. આ પ્રદેશનો બીજો ભાગ લાટ પ્રદેશ છે. આ ગીત લાટ પ્રદેશનું લાગે છે. હવે આ ભાગને નામથી કોઈ ઓળખતું નથી. હવે આપણે તો આ ગીતને સુરત પ્રદેશનું જ કહીશું.

આ લગ્નગીત છે. સાસરે જતી બહેનપણીને સખીઓ શિખામણ આપે છે કે પિયરનાં માતા-પિતાની માયા છોડીને સાસુ, દિયર, નણંદ વગેરેના તેજ મિજાજ સહન કરવા પડશે. સાસરે રહેવું પડશે. આ ગીત સામાજિક છે. દરેક સમાજની લાગણી એકસરખી હોય છે. જો કે સાસરે આમ બનશે એવું ન પણ હોય. હવે ગીત જોઈએ….
મીઠી લીમડાની છાયા, એવી માતાપિતાની માયા,
બેની છોડવી પડશે, સાસરે જાવું પડશે.

લીમડો શીતળ હોય છે. એની છાયા શ્રેષ્ઠ મનાય છે. માતા-પિતાની માયા પણ મીઠા લીમડા જેવા શીતળ છે. જ્યાં સુધી માતા-પિતા છે ત્યાં સુધી જ પિયરની માયા ગણાય છે. ‘મીઠા લીમડાની છાયા’ અને ‘માતા-પિતાની માયા’ સરસ પર્યાય રચે છે. આ માયા બેની તારે છોડવી પડશે અને સાસરે જઈને રહેવું પડશે. કોઈ સખી અથવા પિયરનાં લોકો આમ કહે છે. ‘છાયા’ શબ્દ સાથે ‘માયા’ નો પ્રાસ છે.

જેવી કરોળિયાની જાળ, એવી સાસુજીની ગાળ,
બેની સાંભળવી પડશે, સાસરે જાવું પડશે.

ઓ બેની, કરોળિયાની જાળ જેવી સાસુજીની ગાળ તારે સાંભળવી પડશે. કરોળિયાની જાળ ખૂબ મજબૂત ન હોય. વારંવાર તૂટે ને વારંવાર બનતી હોય છે. એ જ રીતે સાસુજીની ગાળને વિશે છે. તે વારંવાર સાંભળવી પડે. છતાં ગાળમાં મજબૂતી ન હોય. ભૂલી જવી પડે. એ સાસુજીની ગાળ સાંભળવા સાસરે જવું પડશે. ‘જાળ’ સાથે ‘ગાળ’નો પ્રાસ યોગ્ય છે.

જેવાં વડોદરાનાં ટાવર, એવા દિયરજીના પાવર,
બેની સહેવા પડશે, સાસરે જાવું પડશે.

હે બેની, દિયરજીના મગજની ગરમી વડોદરાના ટાવર જેવી ઊંચી હશે. એ તારે સહન કરવી પડશે. દિયર ભાભી પર રુઆબ ચલાવતો હોય છે. એ આપણા સમાજમાં બનતું આવ્યું છે. એ બધું સહન કરવું પડશે ને તારે સાસરે જેવું પડશે. દિયરના મગજને વડોદરાના ટાવર સાથે સરખાવીને લોકગીતકારોએ પોતાની શક્તિનો પરિચય કરાવ્યો છે. ‘ટાવર’ ને ‘પાવર’ નો પ્રાસ પણ સારો છે.

જેવાં રતાળુનાં ભજિયાં, એવા નણંદના કજિયા,
બેની સહેવા પડશે, સાસરે જાવું પડશે.

હે બહેન, રતાળુનાં ભજિયાં જેવા તેજદાર નણંદના કજિયા હશે. નણંદ-ભોજાઈને આમ બનતું જ હોય છે. એ તારે સહન કરવું પડશે. તારે સાસરે જવું પડશે. એ સમાજનો નિયમ છે. અહીં ‘ભજિયાં’ સાથે ‘કજિયાં’ નો પ્રાસ છે.

આ લોકગીત વિદાય લેતી દીકરી વિષે છે. ગીતમાં કરુણતા ભરી છે. દીકરી પરાયા ઘેર જાય એ બાબત જ દુ:ખદાયક છે. આ તો વધારામાં સાસુ, દિયર અને નણંદના પાવર સહન કરવાના. આનાથી મોટી કરુણતા કઈ ? સમાજની દીકરી માટે હમદર્દી જગાડતું આ લોકગીત છે. ગીતના પર્યાય અને પ્રાસ પ્રશસ્ય છે. ગીતમાં તળપદા શબ્દ ઓછા દેખાય છે, તે બતાવે છે કે તે વારંવાર સુધરતું ગયું છે. ગેયતા સારી હોવાથી વધારે ગવાતું હશે તે સ્વાભાવિક છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તાલાપની કલા મૌન – રોહિત શાહ
રેશમી ક્ષણ – ડૉ. રશીદમીર Next »   

12 પ્રતિભાવો : લોકરસ – રતિલાલ સથવારા

 1. JATIN says:

  i m rite now in canada. but when i was in india and i used to go to my native place in summer vacation its too small village and they hv marriage at night and that time i heard this sweet marriage geet in each and every marriage. i luv to hear all those old marriage songs of those adivasi and backward people. i luv to listen those song while i was sleeping.

  what a sweet memory..

  i think someone has to come forward like zaverchand meghani and go to villages and write all those geet and varta to serve out language otherwise i m sure after sometimes no one will now how rich is our lokgeet and lokvartas

 2. preeti hitesh tailor says:

  જરા હટકે !!!ગમ્યું !!

 3. સુરેશ જાની says:

  સુફીયાણી અને પલાયનવાદી કવીતાઓ કરતાં આ ગીતો એક જુદી જ છાપ મન પર પાડી જાય છે.

  જે સમાજમાં આ ગવાતાં હશે તે સમાજના સંવેદનો અને કરુણા કવીઓ જ્યારે ઝીલતા થશે ત્યારે ઝ. મેઘાણીનો પુનર્જન્મ થશે. અને એ સમાજ જ તો પાયાનું કામ કરે છે.

  દલીત કવીતાના કવી નીરવ પટેલ યાદ આવી ગયા. તેમની એક રચના વાંચો…….
  http://layastaro.com/?p=489

 4. Keyur Patel says:

  સુંદર લોકગીતો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.