- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માનવતાના મોતીઓ – સંકલિત

[‘અખંડ આનંદ’ માંથી સાભાર]

[1] પ્રમાણિકતા – ડૉ. રણજિત એમ પટેલ

વડોદરાની હૉટલોમાં Express Hotel ઘણી સારી ગણાય છે. એની મુખ્ય શાખા રેસકોર્સ, આર.સી. દત્ત રોડ પર આવેલી છે ને બીજી અલકાપુરી સોસાયટીની મધ્યમાં આવેલી છે. રેસકોર્સ રોડ પરની હૉટલમાં એકંદરે ધનિક લોકો ઉતરતા હોય છે એટલે એ.સી. ટૅક્સીવાળા ને રિક્ષાવાળા કોઈ માલદાર ગ્રાહકની અપેક્ષામાં ત્યાં ઠીક ઠીક પ્રતીક્ષા કરતા હોય છે.

હૉટલમાંથી નીકળી એક ગ્રાહકે લાઈનમાં પ્રથમ ઊભેલા રિક્ષાવાળાને ‘લિસ્ટ’ બતાવી કહ્યું કે મારે આ પાંચ સ્થળ જોવાનાં છે. વિચાર કરી અંદાજે તું મને કહે કે આશરે કેટલા રૂપિયામાં તું મને આ પાંચ સ્થળે લઈ જઈશ. ત્યાં ઝાઝું રોકાવાનો ખ્યાલ નથી. પાંચેક મિનિટ વિચાર કરીને તેણે કહ્યું : ‘સાહેબ, આઠસો રૂપિયા થશે.’ પ્રવાસી ગ્રાહકને એ રકમ વધુ પડતી લાગી એટલે ત્યાંથી આગળ વધ્યો. તે બીજા રિક્ષાવાળા પાસે ગયો. ત્યાં સુધી પ્રથમ રિક્ષાવાળો એમને જતા જોઈ રહ્યો પણ વત્તાઓછાની વાત જ કરી નહીં.

બીજા રિક્ષાવાળાને પેલા પાંચ સ્થળની યાદી આપીને તે ઉચક રકમ કેટલી લેશે તેની પૃચ્છા કરી તો તેણે પાંચેક મિનિટમાં સ્થળ –સમય ને પેટ્રોલનો વિચાર કરીને કહ્યું : ‘સાહેબ ! હું તમારી પાસેથી રૂપિયા ત્રણસો લઈશ. મીટર પ્રમાણે વધુ થશે તો પણ હું તમારી પાસેથી એક પણ વધારે લઈશ નહીં. સોદો પાકો થયો ને મુસાફરી શરૂ થઈ. રિક્ષાવાળાએ ગ્રાહકને સંપૂર્ણ સંતોષ થાય તે રીતે પેલાં પાંચેય સ્થળ બતાવ્યાં…. ગ્રાહકે પૂરતો સમય લીધો પણ રિક્ષાવાળાએ કશી જ રકઝક કરી નહીં, બલકે આનંદપૂર્વકનો વ્યવહાર કર્યો. કામ રંગેચંગે પતી ગયું. તો મીટર પ્રમાણે લગભગ ત્રણસો ને વીસ થયા. રિક્ષાવાળાએ ત્રણસોની અપેક્ષા કરાર મુજબ રાખી પણ પેલા ભાઈએ એને સો સો રૂપિયાની ચાર નોટો આપી…. એણે પાંચેય સ્થળ સારી રીતે બતાવ્યાં તે માટે સંતોષ વ્યક્ત કરી ધન્યવાદ આપ્યા….. ને જતાં જતાં રિક્ષાવાળાને પૂછ્યું : ‘તારે બાળકો છે ?’ તેણે કહ્યું : ‘પ્રભુની કૃપાથી બે બાળકો છે.’ ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેણે રિક્ષાવાળાને વીસ ડૉલર આપ્યા ને કહ્યું : ‘આ તારી પ્રમાણિકતાની બક્ષિસ છે. ભવિષ્યમાં અન્યની સાથે પણ આવો જ પ્રમાણિક વ્યવહાર રાખજે…. સુખી થઈશ.’

મારો મોટો દીકરો શહેરમાંથી અલકાપુરી વિસ્તારમાં આવેલ. અમારે બંગલે રિક્ષામાં આવતો હતો. રિક્ષાવાળાએ એક છોકરીને વચ્ચેથી બેસાડી. પૈસા ચૂકવતાં દીકરાએ પેલી છોકરીની વાત કરી તો રિક્ષાવાળો કહે : ‘જુઓ સાહેબ ! એ ગરીબ છોકરીને હું ઓળખું છું….’ પછી ગજવામાંથી નોટોનો થોકડો કાઢીને કહે : ‘જુઓ, ભગવાનની કૃપાથી મને ચારસો રૂપિયા મળી ગયા છે. તમો નહીં આપો તો પણ ચાલશે.’ કોઈ ઝઘડો નહીં, કોઈ દલીલ નહીં, મારા દીકરાએ એણે માગી તે રકમ આપી દીધી.

[2] ડ્રોઈંગરૂમમાં દોરી લોટો – એમ. ઝાલા.

વાત મારા મિત્ર જયપ્રકાશ ગાંધીના સંબંધીની છે. એમના જ શબ્દોમાં કહું :
‘થોડાક વર્ષ પહેલાં અમે ઈન્દોરમાં મારા માસાજી કિશનચંદ્ર કોઠારીના ઘરે ગયેલા. માસાજી ઈન્દોરમાં હાર્ડવેરના મોટા વેપારી. રૂપિયામાં રમતા માણસ. એંસીએક વર્ષની ઉંમર. ઈન્દોરમાં એમના આલીશાન બંગલામાં અઠવાડિયું રહ્યા ને માસાજીની ભવ્ય મહેમાનગતિ માણી. આ ઉંમરે પણ અમારી દરેક બાબતની કાળજી રાખે. મારી પત્ની અંજુએ કહ્યું કે, ‘માસાજી પહેલેથી જ ઉદાર સ્વભાવના. મહેમાનોનો હંમેશા ઝમેલો હોય, પણ બધાયને ભાવથી તરબોળ કરી દે. આટઆટલો વૈભવ છતાં એમના હાવભાવ કે વર્તન-વ્યવહારમાં એનો સહેજ અણસાર પણ ન મળે. ભર્યા મોંએ સૌને આવકારે.’ માસાજીએ અમને ઈન્દોરની આજુબાજુનાં જોવાલાયક સ્થળોએ પણ ફેરવ્યા. પણ મને તો એ બધાયથી અલગ અને અદ્દભુત કહી શકાય એવી ચીજ જોવા મળી એમના બંગલાના ડ્રોઈંગરૂમમાં.

મહેલ જેવા એ ભવ્ય બંગલાના વિશાળ ડ્રોઈંગરૂમમાં એક વાર હું બેઠો હતો ત્યાં જ મારી નજર વચ્ચોવચ્ચ લટકતા દોરી-લોટા પર ગઈ. મોંઘાંદાટ રાચરચીલાથી ભર્યા એ રૂમમાં ચળકતાં સુશોભિત મૂલ્યવાન ઝુમ્મરોની વચ્ચે મેલીઘેલી એક દોરી પર લટકતો પીતળનો જૂનો લોટો ! એ સાંજે મેં માસાજીને પૂછ્યું, ‘માસાજી ! આવા મહેલ જેવા બંગલામાં આમ લટકતો દોરી-લોટો કેમ ?’

બહુ જ શાંતિથી માસાજી બોલ્યા, ‘જુઓ જય ! આ લટકતા દોરી-લોટા પાછળ મારો આખો ઈતિહાસ છે. હાલમાં લક્ષ્મીજીની મહેરબાની છે. પણ એક વખત પૈસા રળવા માટે હું વાંસવાડાથી પહેર્યે લૂગડે આ દોરી લોટો લઈને નીકળી પડેલો. મારી આખ્ખીય જુવાની, માલ લઈને ગામડે-ગામડે રઝળપાટ કરી છે. કાળી મજૂરી કરી છે મેં. તપેલીમાં ચોખા રાંધી ખાધા છે ને આ દોરી-લોટાથી ગામ ગામનાં પાણી પીધાં છે. તનતોડ મહેનતથી આજે આટલે સુધી પહોંચ્યો છું. પણ મારા એ સંઘર્ષના, એ રઝળપાટના દિવસો હું ભૂલ્યો નથી. મારી એ હાલતના સાથી ને સાક્ષી છે આ દોરી-લોટો. હું એકલો હોઉં છું ત્યારે તો સતત સભાન હોઉં છું કે ભૂલથી પણ આ સમૃદ્ધિનો રૂપિયાભાર પણ ગર્વ ન થઈ જાય. પરંતુ જ્યારે મહેમાન આવે ને એમની સાથેની વાતચીતમાં ભૂલેચૂકે પણ આ વૈભવનું અભિમાન ન થઈ જાય એટલા માટે જ મેં આ દોરી-લોટાને આમ ડ્રોઈંગરૂમમાં લટકાવ્યો છે. મને મારા ભૂતકાળની એ યાદ અપાવે છે.’

આર્થિક સમૃદ્ધિ ભલભલાને મદાંધ કરી મૂકે છે ત્યારે આજના સમયમાં આવા કિશનચંદ્ર લાખોમાં એકાદ હોય તો હોય. આપણી સલામ એ દોરી-લોટાવાળા શેઠને !

[3] નમ્રતાના મેરુ નાનાભાઈ – પ્રવીણભાઈ મહેતા
1955-56ની સાલ. હું લોકભારતીના લોકસેવા મહાવિદ્યાલયના પહેલા વર્ષમાં અભ્યાસ કરું. શ્રી અમૃતભાઈ ભટ્ટ મુખ્ય કોઠાર સંભાળે. મોટું રસોડું અને નાનો કોઠાર મુ. શ્રી યશવંતરાય ત્રિવેદીની મદદમાં અમે સંભાળતા. નાના કોઠારમાંથી છૂટક ઘી, તેલ, ગોળ, લોટ, કઠોળ વગેરે કાર્યકર્તાઓને તથા રસોડાંને આપવામાં આવતાં હતાં. કોઠારમાંથી વસ્તુઓ આપવાના દિવસો, સમય નક્કી કરેલા હતાં. એ જ સમયે કાર્યકર્તાઓને ચીજવસ્તુઓ આપવામાં આવતી હતી. એવા એક દિવસે હું નાના કોઠારનાં બારણાં બંધ કરી હિસાબકિતાબ, સ્ટૉકનું મેળવણું કરતો હતો ત્યાં કુ. મંજુબહેન નાનાભાઈ ભટ્ટે બારણું ખખડાવ્યું. કહે : ‘ચણાનો લોટ આપો.’
મેં કહ્યું : ‘કોઠારમાંથી વસ્તુઓ આપવાનો આ દિવસ કે સમય નથી.’
તેમણે બીજી વાર લોટની માગણી કરી. ત્યારે મેં કહ્યું : ‘કોઠાર આપવાનો જે દિવસ, સમય નક્કી છે ત્યારે જ આવશો.’ મંજુબહેન થોડાં હતાશ, નિરાશ થઈને ચાલ્યાં ગયાં.

મંજુબહેનના ગયા પછી મને થયું કે અલ્યા, આ તો નાનાભાઈનાં દીકરી. લોટ આપી દીધો હોત તો સારું હતું ! વળી, એમ પણ થતું હતું કે બીજા કાર્યકર્તાઓને પણ આમ ક્યાં આપીએ છીએ ? આવી ગડમથલવાલી મારી મન:સ્થિતિ હતી.

એ વખતે, જાણે આ વાતમાં હું સાચો છું તેવો કંઈક ફાંકો પણ ખરો ! આમાં મારો કેપિટલ આઈ (I) મોટો થતો જાય છે એ દેખાતું જ ન હતું. ત્યારે એવી સમજ પણ ન હતી. હું તો ફરી પાછો સરવાળા-બાદબાકી કરવાનાં કામમાં મશગૂલ થઈ ગયો.

દશેક મિનિટનો સમય વીતી ગયો હશે. ત્યાં બારણે ફરી ટકોરા પડ્યા. મેં સાંભળ્યું, ન સાંભળ્યું કર્યું. ફરી ટક…ટક….ટક… ત્રણ વાર અવાજ આવ્યો. મનમાં કાંક ઝબકારો થયો. સફાળો ઊભો થયો. બારણું ખોલ્યું. સામે શું જોઉં છું ? મહાનુભાવે ટૂંકી પોતડી પહેરી છે. ઉઘાડે ડિલે છે. જનોઈ અને ચોટલી પણ દેખાય છે. હાથમાં ખાલી તપેલી છાતી સરસી ચાંપેલી છે. બહુ જ નરમાશથી કહે છે : ‘પ્રવીણભાઈ, મારે ઘેર હમણાં મહેમાન આવ્યા છે. ઘરમાં ચણાનો લોટ નથી. આપી શકશો ?’

સંસ્થાના સ્થાપક, નિયામક, ભારતની રાજ્યસભાના નિયુક્ત સભ્ય, દેશના મૂઠી-ઊંચેરા કેળવણીકાર (સૌરાષ્ટ્રના તે વખતના મુખ્ય પ્રધાન ઢેબરભાઈને પણ નાનાભાઈને પગે લાગતા જોયેલા.) તે ઋષિ નાનાભાઈ મારી સામે આવીને વિનંતીથી પૂછતા હતા ! હું તો હેબત ખાઈ ગયો. ગભરાયો, ઝંખવાયો પડી ગયો. ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગયો. ત્યાં ફરી નાનાભાઈ બોલ્યા : ‘પ્રવીણભાઈ, આમાં તમારો વાંક નથી. મંજુએ તમને કહેલું નહિ કે અમારે ત્યાં અત્યારે મહેમાન આવ્યા છે. ઘરમાં ચણાનો લોટ નથી. એટલે આપી શકશો ? તેના બોલવામાં, કહેવામાં ભૂલ હતી. તેણે તમને પરિસ્થિતિથી વાકેફ કર્યા હોત તો તમે જરૂર લોટ આપ્યો જ હોત. આમાં તમારો વાંક નથી. પ્રવીણભાઈ, અમને લોટ આપશો ?’

હું તો સાવ ઢીલો ઘેંશ જેવો થઈ ગયેલો. નાનાભાઈ પોતે લોટ લેવા આવશે તે મારી કલ્પનામાંય ન હતું. મેં ઝટ ઝટ નાનાભાઈના હાથમાંથી તપેલી લઈ લીધી. તપેલીનો ધડો કરું, વજન મૂકું…. પણ મને જાણે કંપવા થયો હોય તેમ ધ્રૂજું. આ બધું નાનાભાઈની નજર અંદાજમાં હતું. ‘પ્રવીણભાઈ, તમે અમસ્થા ગભરાઓ નહિ. મંજુએ તમને નમ્રતાથી અને નરમાશથી કહ્યું હોત તો તમે જરૂર લોટ આપ્યો હોત. લોટ શાંતિથી તોળજો.’

આપણે જ્યારે વાંકમાં હોઈએ ત્યારે ઘણી વાર વિવેક વહારે ધાય. તેમ મને પણ તે વખતે સૂઝયું, ‘નાનાભાઈ, લાવો, હું લોટની તપેલી ઘરે મૂકી આવું.’
નાનાભાઈ કહે : ‘ના, ના, મારે લોટ લઈને ઘેર જ જવાનું છે. તમે નાહક શું કામ ઘરે જાઓ ? જરાયે ગભરાશો કે મૂંઝાશો નહિ હો ! તમે સારું કામ કરો છો….’ નાનાભાઈ લોટ લઈને સ્વસ્થતાથી ચાલ્યા ગયા. મને તો ધરતી મારગ આપે તો સમાઈ જાઉં તેવું થઈ ગયું.