અમરત બારડ – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘ધરતીના અજવાળાં’ પુસ્તકમાંથી સાભાર.]

તમને સાંભળીને નવાઈ લાગશે કે એક ખૂબ ભણેલો માણસ શાકભાજી વેચે છે, પણ એમાં તો નવાઈ પામવા જેવું ક્શું નથી. તમે અહીં આણંદ-નડિયાદનાં શાકમાર્કેટમાં જઈ સર્વે કરશો તો પણ ખ્યાલ આવશે કે કેટલાક ગ્રેજ્યુએટ્સ શાકભાજીનો ધંધો કરે છે !!

ચારે તરફ ભણેલાઓને કામ કરતાં, શ્રમ કરતાં ભારે શરમ આવે છે. એ નથી ભણતરના કામના કે સમાજના કામના. નથી નોકરી મળતી કે નથી શ્રમ કરી શકતા. ભારે મૂંઝારો અનુભવતા હોય છે. ત્યારે અમારો અમરત બારડ મને સાંભરે છે.

એ મૂળ કાઠિયાવાડનો. પેટને ખાતર એના પિતા ચરોતરમાં વસ્યા હતા, એટલે ચરોતરી. અમરત બારડ એટકે એક શાકની લારીવાળો ભારાડી યુવાન. શાકભાજીથી શણગારે લારી. ગોઠવીને ચીવટપૂર્વક મૂકેલી કોબીજ, ફુલાવર, બટાટા, ટામેટા અને એ બધું પાણી છાંટી લીલાંછમ્મ રાખે. પોતે પણ ચોખ્ખો. ઑફિસમાં કામ કરવા જતો હોય એવાં ઈસ્ત્રી ટાઈટ કપડાં, પેન્ટ-શર્ટ ઈન કરીને પહેર્યાં હોય. દરરોજ નાહી-ધોઈ ચોખ્ખો થઈને આવે. ગ્રાહકો એને ત્યાં જ વધારે હોય. એમ.એ સુધીનો અભ્યાસ. શિષ્ટ ભાષા બોલતા આવડે પણ એ ખાસ બોલીમાં જ વાત કરે. ગ્રાહકો સાથે કે મારી સાથે એ પ્રાદેશિક – ચરોતરીમાં જ સંવાદ કરે. ત્યારે એવો મીઠડો લાગે કે એની સાથે વાતો કર્યા જ કરીએ.

અભ્યાસ છોડ્યા પછી દસ વરસે અમારો પરિચય થયો. અને એ આ રીતે –
ત્યારે હું શાક લેવા નીકળેલો.
‘સાયેબ, લઈ જાઓ, આઠ રૂપિયે કિલો.’ એણે કહ્યું.
‘આઠ વધારે કે’વાય’ મેં કહ્યું.
‘સાયેબ, જે આલવું હોય તે આપજો’ એ બોલ્યો.
‘સારું આપ, પાંચસો ગ્રામ.’
અને એણે ત્રાજવામાં લીલી તુવેર નાખી, તોલી. મારી થેલીમાં નાખી દીધી. મેં એને દસની નોટ આપી. ‘કેટલા લઉં ?’ અને મારી સામે જોઈ પૂછ્યું.
‘વાજબી લઈ લે.’
તેણે મને છ રૂપિયા-પચાસ પૈસા પાછા આપ્યા. પછી હળવેથી બોલ્યો : ‘સાયેબ, તમારા સુરેશ જોશી, અમારા કોંય કૉમના નૈ.’
મેં કહ્યું : ‘તું ભણેલો છે ?’
‘સાયેબ, તમે ના ઓળખ્યો ? હું અમરત – 1987માં તમારી પાસે ભણેલો. તમે સુરેશ જોશીની વાતો કરતા’તા. ઘટનાલોપ વિશે કે’તાતા…’
‘તે તું ભણીને શાક વેચવા બેઠો ?’ મેં એને અટકાવીને પૂછ્યું.
‘શું કરું સાહેબ, પેટ તો માંગે કે નહિ ? પહેલાં મારા ગામમાં વેચતોતો – બે પૈસ થ્યો એટલે અહીં લારી કાઢી. સાયેબ, એમ.એ થયા પછી મેં કેટલી અરજીઓ કરી હશે તમે માનશો ?’
‘કેટલી ?’
‘નહીં નહીં તો પાંચસો…’
‘ત્હોય તારું ક્યાંય ઠેકાણું જ ના પડ્યું ?’
‘સાયેબ, પહેલાં પહેલાં પડેલું ઠેકાણું… પણ….’
‘પણ શું ?’
‘સાયેબ, કાયમી ના થવાયું. કોઈ જગ્યાએ કોઈએ ના રાખ્યો. અત્યારે તો તમે જાણો છો કે, આ જમાનામાં નોકરી આલનારના સગા થવું પડે અથવા રૂપિયા જોઈએ… રૂપિયા !!’ એ વક્રતાથી બોલ્યો અને ઉમેર્યું કે ‘રૂપિયા હું ક્યાંથી લાવું. સાયેબ, હાચું કૌ ?’
‘કહે’ મેં કહ્યું.
એ બોલ્યો – ‘તમે ચેટલા વરહથી ભણાવો છો ? ખોટું ના લગાડતા. ચેટલા વરહથી કૉલેજ પાછળ પ્રજાના પૈસા વેડફાય છે ? કેટલું સાહિત્ય ગામડાના માણહને ઉપયોગી થયું ? હજુય ગામડામાં તો તરગાળાની ભવાઈમાંથી પ્રજાને આનંદ મળે છે એ તમારી કવિતામાંથી કોઈને નથી મળતો હોં !’

એ બોલનારનું નામ અમરત. અમરત બારડ. મૂળ સૌરાષ્ટ્રનો પણ વરસોથી ચરોતરમાં સ્થાયી થયેલો. પહેલી પાટલી પર બેસી મારું વ્યાખ્યાન સાંભળતો, સ્વસ્થ ચિત્તે. ભણવામાંય હોંશિયાર હતો, પણ નસીબે એને યારી ન આપી. એનો ક્લાસ ન આવ્યો. એ રખડી પડ્યો. એ ભણતો હતો ત્યારે પણ ઘણી વાર દલીલો માર્મિક કરતો. મને અચાનક યાદ આવ્યું કે ‘અમારે ના જોઈએ પરીક્ષાઓ’ વિષય ઉપર બોલવાનું હતું. વક્તૃત્વ સ્પર્ધાના આ વિષય ઉપર એણે વ્યાખ્યાન આપીને આખી કૉલેજને સ્તબ્ધ કરી દીધેલી.

તેણે કહ્યું હતું : ‘સરકારી કૉલેજો કાઢીને રસાયણ, ભૌતિક કે ગણિતના શિક્ષણનો ભલે મહિમા કરે પણ જીવનની પરીક્ષામાં તો હરામ જો એકેય વિષય ખપ લાગતો હોય તો ! એટલે હું કહું છું, આ પરીક્ષાઓ લઈને તમે અમને સર્ટિફિકેટ આપવાના. પછી અમે એની આરતી ઉતારવાના ! શું કરવાં છે એ સટિફિકેટ ? અમારે નથી જોઈતી આ પરીક્ષાઓ’

શું પ્રભાવ હતો એના વ્યાખ્યાનમાં ! ખરેખર વક્તૃત્વ સ્પર્ધાનો વિષય એના જીવનમાં જાણે સાચો પડ્યો હતો. એ એમ.એ. થઈ શાકમાર્કેટમાં બેઠો હતો. મને કહે – ‘સાયેબ, મનોજ દવે, મહેશ પાઠક બધા હજુ નોકરી માટે ફરે છે હોં. અને કહું સાયેબ, રેવા તૈણ લાખ રૂપિયા આલીને હમણાં કોક નિશાળમાં નોકરીએ લાગ્યો, પણ એનો શું અરથ ?’
– અમરતની વાત સાવ સાચી હતી. પૈસા આપવા; ભ્રષ્ટાચાર, સગાવાદ બધાયનું એને ભાન હતું. એટલે એણે આ ધંધો સ્વીકાર્યો.
મેં પૂછ્યું : ‘શું કમાય છે ?’
‘જે મળે તે. સાયેબ, ધંધો વાંઝિયો ના હોય, રોટલો મળી રહે. કશુંક કરીએ તો કશુંક પામીએ.’
‘સાવ સાચી વાત છે.’ મેં કહ્યું.

પછી તો હું જ્યારે જ્યારે શાકમાર્કેટ જાઉં ત્યારે અમરતને ત્યાંથી જ શાક ખરીદું. એ તાજું શાક મને આપતો. દર વખતે મને એના ભણતર ઉપર દયા આવતી. એના ઉપર દયા આવતી. હું નિસાસો નાંખતો. ત્યારે એ મને હિંમત આપતો –
‘સાયેબ, આ શાક-બકાલામાંથી તો મેં મારું ઘર બનાવ્યું. ભૈ-બૂનને પરણાવ્યાં – અને વટ્ટવ્યવહાર કરું છું.’
‘સારી વાત છે !’ એમ હું બોલ્યો.
‘જુઓ સાયેબ, કે’નાર કહી રહ્યા. સાચી વાત તો એ છે કે આજના ભણતરે વિદ્યાર્થીને મજૂરી કરવાની ‘ના’ નથી પાડી, પણ વિદ્યાર્થીને મહેનત કરતાં શરમ આવે છે. ભણીને મહેનત કરાય ? ના થાય, એવું બધા કેમ હમજતાં હશે ?’
મેં કહ્યું : ‘મેં કહ્યું બધા તારા જેવા થોડા હોય ?’
‘સાયેબ, ભણેલો મહેનત કરે તો એની ધંધાની રીત અભણ કરતાં થોડી સારી થાય – એટલે ભણતર એળે તો નથી જતું. પણ ઘણી વાર થઈ આવે ખરું – કે જો આ મજૂરી જ કરવાની હોય તો પછી ભણતર…..!!’
મેં એને કહ્યું : ‘લોકો ભણીને પરદેશ જઈ શું કરે છે ?’
એ બોલ્યો – ‘હાવ હાચી વાત. ત્યાં જઈ મહેનત-મજૂરી કરવી ઈના કરતાં અહીં મહેનત-મજૂરી કરવી શું ખોટી ?’
– મને થાય છે ભણેલા બધા જ વિદ્યાર્થીઓમાં અમરત બારડ જેવી વિચારસરણી હોય તો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અદ્દભુત…!! – ડૉ. આઈ. કે. વિજળીવાળા
દાદાજીના પત્રો – કાન્તિ મહેતા Next »   

26 પ્રતિભાવો : અમરત બારડ – ભગીરથ બ્રહ્મભટ્ટ

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Nice story……

 2. Jatan says:

  આ તો લખનારનો જ દૃષ્ટિકોણ છે…. આનાથી કૈં ભણતરની અવગણના ન થઈ શકે…..બારડ એની રીતે સાચો છે પણ લેખકના પોતાના વિચારોની અવઢવ આખી વાત બનવા દેતી નથી….આ કઈ ધરતીના અજવાળા ના કહેવાય….

 3. Harnih Bhatt says:

  Fantastic!! a signal to the authority for bringing revolutionary change right from the grass root in the prevailing system of education.

 4. કલ્પેશ says:

  વાતમા થોડુ તથ્ય તો છે જ.

  “સરકારી કૉલેજો કાઢીને રસાયણ, ભૌતિક કે ગણિતના શિક્ષણનો ભલે મહિમા કરે પણ જીવનની પરીક્ષામાં તો હરામ જો એકેય વિષય ખપ લાગતો હોય તો”

 5. Keyur Patel says:

  It is the outlook of the life that matters more than the degree certificate. This proves that. Salaam to Amrat. પરિસ્થિતિ પ્રમાણે અમરતે જે રસ્તો કાઢ્યો તે અમરત ને “સલામ”!!!!

 6. Meera says:

  સાયેબ, ભણેલો મહેનત કરે તો એની ધંધાની રીત અભણ કરતાં થોડી સારી થાય – એટલે ભણતર એળે તો નથી જતું.
  Very true! And in this changing Corporate Rat race, when you go for job interview, you are expected to be a super human being. Not only that but all your qualifications and efficiency is judged by the recruiter!
  Well, to start your own business or be self employed is also not easy!
  Good lesson from Amarat Barat

 7. હાવ હાચી વાત કીધી ભઈલા

 8. JITENDRA TANNA says:

  સારી વાર્તા.
  પરંતુ ભણેલ માણસ જે કંઇ પણ કામ કરે નાનુ કે મોટુ એ અભણ માણસ કરતા સારુ તો ચોક્કસ કરી શકે. અંગ્રેજીમાં કહીએને VALUE ADDITION ચોક્કસ આપી શકે.

 9. સુરેશ જાની says:

  આંખો ઉઘાડી નાંખે અને વીચારતા કરી દે તેવી વાત. શીક્ષણનો આખો ઢાંચો જ બદલવાની જરુર છે.
  અમેરીકામાં સામાન્ય લોકોમાં આપણા જેટલું ભણતર નથી. અહીઁ સ્કીલનું વધારે મહત્વ છે.

 10. શિખેલિ કોઇ વસ્ત નકામિ જતિ નથિ.પચિ તે ભન્ર્તર હોય કે બિજુ કાઈ!!!!!!!!!!!

 11. ભન્ર્તર દરેક જગ્યાઆ એ ઉપયોગિ જ હોય ચે!!!!!!!!!!!

 12. ashok shastri says:

  ન ભણવા માં નવ ગુણ

 13. Jagdish says:

  veri good

 14. અતુલ જાની (આગંતુક) says:

  ભણી શકાય તેમ હોય તો ભણવું જ જોઇઍ. પરંતુ ભણતરનો ખપ નોકરી મેળવવા પુરતો જ નથી. હવે તો દરેકે નોકરી મેળવવી અને ગુલામી કરવી તેના કરતા કોઈક વ્યવસ્થિત વ્યવસાય કરીને ખુમારી થી જીવતર ગાળવું જોઈએ. વળી જે કાઈ અભ્યાસ કરવામાં આવે છે તે કોઈ ને કોઈ રીતે ઉપયોગી થાય જ છે. અમરત બારડે બતાવેલા રસ્તે આજના દરેક શિક્ષિત બેકાર યુવાને ચાલીને કાંઈ ને કાંઈ વ્યવસાય શરુ કરી જ દેવો જોઈએ. ખરેખર તો વ્યવસાયને ઍટલી હદે મુલ્યવાન બનાવવાની જરૂર છે કે માણસ ન છુટકે જ નોકરી કરે. અને નોકરી કરનારને વ્યવસાય કરનારાની અપેક્ષાએ દયાપાત્ર ગણવાની જરૂર છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.