દાદાજીના પત્રો – કાન્તિ મહેતા

[ ‘Letters from Dadaji’ એમ અંગ્રેજી પુસ્તક શ્રી કાન્તિભાઈ દ્વારા લખવામાં આવેલું જેનો માત્ર અનુવાદ જ નહિ, પરંતુ ગુજરાતી ભાષાના બાળકોને સરળતાથી સમજાય તે રીતે અનુસર્જન મોરબી સ્થિત શ્રી વિપિનભઈ ઓઝા તેમજ શ્રીદેવીબેન ઓઝાએ કર્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં ટૂંકી વાર્તાઓ અને બોધકથાઓ દ્વારા જે સંદેશ આપવામાં આવ્યો છે તે માત્ર બાળકોને જ નહિ, કોઈપણ ઉંમરના વાચકને રસ પડે એવો છે. ન તો પુસ્તકના કોઈ કોપીરાઈટ રાખવામાં આવ્યા છે, ન તો પુસ્તકનું કોઈ મૂલ્ય રાખવામાં આવ્યું છે. કોઈ પણ પ્રદેશની શાળાઓ, લાઈબ્રેરીઓ, સંસ્થાઓ અને સુજ્ઞ વાચકોને વિના મૂલ્યે સુસાહિત્ય પહોંચાડવાનો આ સુંદર પ્રયાસ કરવા બદલ તેમજ રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી વિપિનભાઈનો (મોરબી) ખૂબ ખૂબ આભાર. વધુ માહિતી માટે આપ તેમનો આ નંબર ઉપર +91(2822)240084 સંપર્ક કરી શકો છો. ]

[ પત્ર : 1 ]

વહાલા બાળકો,

આ વાત છે 10 વર્ષની વયના એક કિશોરની, કે જે પર્વતોથી ઘેરાયેલી ખીણમાં આવેલાં એક નાનકડા ગામડામાં રહેતો હતો.

જંગલમાં ચાલતા ચાલતા તે એકવાર ભૂલો પડી ગયો. તાજેતરમાં જ પાનખર ઋતુ પૂરી થઈ હોવાથી જંગલનો તે વિસ્તાર સૂકાં પાંદડાંઓથી છવાયેલો હતો તે દરમિયાન તેનો કોઈ પીછો કરી રહ્યું હોય તેવો પગરવ તેને સંભળાયો. ડરી જઈ તે દોડવા લાગ્યો. તો તેને પાછળ કોઈ દોડતું હોવાનો અંદાજ સંભળાયો. ભયથી તેને કપાળે પરસેવો વળી ગયો. થોડી હિંમત દાખવી તેણે બૂમ મારી પૂછ્યું, ‘કોણ ?’ તે જ શબ્દો પડઘાયા, ‘કોણ ?’ ક્રોધથી તે બરાડ્યો, ‘મૂર્ખ !’ તરત જ તેને સંભળાયું, ‘મૂર્ખ !’ ગુસ્સાથી મુઠ્ઠી ઊંચી કરી તેણે રાડ પાડી, ‘હું તને મારી નાખીશ !’ આ જ શબ્દોમાં તેને જવાબ આપ્યો, ‘હું તને મારી નાખીશ !’

બીકનો માર્યો તે ઝડપથી દોડ્યો. ઘરે પહોંચતા જ તે પોતાની માતાને જોરથી વળગી પડ્યો અને કહ્યું કે કોઈ શેતાન તેની પાછળ પડી ગયો છે. ડહાપણના દરિયા જેવી તેની માતાએ કહ્યું : ‘ફરીથી જા, બેટા ! તને જ્યારે પગરવ સંભળાય ત્યારે માત્ર ‘દોસ્ત’ એમ બૂમ મારજે અને પછી મક્કમતાથી મોટા અવાજે બોલજે ‘તું મને ગમે છે.’

બીજે દિવસે ફરી પાછો તે જંગલમાં ગયો અને સૂચવ્યા પ્રમાણે તેણે કર્યું. એ જ શબ્દોમાં ‘દોસ્ત’ અને ‘તું મને ગમે છે.’ જવાબ મળ્યો, જે સાંભળીને તે ખૂબ રાજી થયો. ખુશ થઈ તે જોરથી હસી પડ્યો અને તેનું હાસ્ય ચોતરફ વ્યાપી ગયું. તેની માતાએ સમજાવ્યું. ‘ચોતરફ પર્વતોથી ઘેરાયેલી ખીણમાં આપણે રહીએ છીએ, બેટા ! તું જે બોલ્યો તેનો પડઘો તેં સાંભળ્યો હતો.’

મારાં બાળકો, આપણે પણ સમાજ, ધર્મ, વ્યવસાય, ઉદ્યોગ, શિક્ષણ, સંસ્કૃતિરૂપી પર્વતોથી ઘેરાયેલી ખીણમાં રહીએ છીએ. તે તમામ તમારા પ્રેમ, ગુમાન, ધિક્કાર, ક્રોધ કે સહાનુભૂતિ જેવા કૃત્યોનો માત્ર પડઘો જ આપે છે. તમારા વ્યવહારો ‘આઘાત અને પ્રત્યાઘાત’ ના નિયમને અનુસરે છે. તે મુજબ તમારા સત્કાર્યોના તેટલા જ સુંદર પ્રતિભાવો સાંપડશે…. વહાલ સાથે દાદા-દાદીનું સૂચન છે કે ‘જેવું તમે વાવશો તેવું તમે લણશો.’ તે નિત્ય ધ્યાનમાં રાખશો.

[પત્ર : 2]

મારા અતિપ્રિય બાળકો,

વિજય નામનો દરજી એક મોટા ગામમાં રહેતો હતો. ઈશ્વરની કૃપાથી તેનો ધંધો સારો ચાલતો હતો અને ક્યારેક તો તેને મોડી સાંજ સુધી કામ કરવું પડતું હતું.

ગામથી થોડે દૂર એક પ્રખ્યાત શિવાલય આવેલું હતું. આ પવિત્ર સ્થળે આસપાસના ગામના લોકો વારંવાર દર્શને જતા. ત્યાં વહેલી સવારે ‘અભિષેક પૂજા’ ના સમયે વિશેષ ભીડ રહેતી. ઘી, સાકર, દહીં, મધ અને દૂધના બનેલા પંચામૃતથી શિવલિંગને સ્નાન કરાવવાની ક્રિયાને ‘અભિષેક’ કહે છે. તે પછી મંત્રોના ઉચ્ચાર સાથે મૂર્તિને પવિત્ર જળથી શુદ્ધ કરાય છે. વિજય પણ આ પવિત્ર દર્શન કરી ધન્ય થવા ઈચ્છતો હતો. પોતાની વ્યસ્તતાને લીધે તે એકવાર પણ દર્શને જઈ શકેલો નહિ. એક દિવસે સાંજે વાળુ કરીને દર્શન કરવા નીકળી જવા તેણે દઢ નિરધાર કર્યો. ‘અભિષેક પૂજા’ કરવા વહેલી સવારે શિવાલય પહોંચવા તેણે રાત્રિ દરમિયાન ચાલવાનું હતું.

વાળું પૂરું કરી હાથમાં ફાનસ લઈને તે ચાલવા માંડ્યો. પોતાના ગામના રસ્તાઓનો જાણકાર હોવાથી ગામમાં તેને મુશ્કેલી ન પડી. ગામની બહાર નીકળતાં જ ઘેરા અંધકારને કારણે તે અટવાવા લાગ્યો. ફાનસના પ્રકાશથી તે માત્ર થોડા પગલાં આગળ જોઈ શકતો અને તેથી આગળ સર્વત્ર ઘેરો અંધકાર દીસતો. આથી તેનો વિશ્વાસ તૂટી ગયો અને પહોંચવાની આશા ગુમાવી બેઠો. ડરના માર્યા બાજુમાં આવેલા એક ખડક પર તે બેઠો અને રડવા પણ લાગ્યો. અન્ય દિશામાંથી એક વડીલ હાથમાં ફાનસ લઈને ગામ તરફ જઈ રહ્યા હતા. વિજયને રડતો સાંભળી સહાનુભૂતિપૂર્વક તેમણે રડવાનું કારણ પૂછ્યું. ગાઢ અંધકારથી પોતે ડરી ગયાનું અને નિરાશ થયાનું વિજયે જણાવ્યું.

તે વૃદ્ધે તેને સાંત્વના આપતા કહ્યું, ‘જો વિજય, તું તારું લક્ષ્ય જાણે છે, તું તે લક્ષ્યની દિશા જાણે છે અને સાચા પથ પર હોવાની પણ તને ખબર છે. આરંભથી અંત સુધીનો સમગ્ર પથ ધોળા દિવસે પણ ના જોઈ શકાય. બેટા, તારું ફાનસ તને નજીકનો થોડો રસ્તો જોવામાં મદદ કરે છે. જે થોડો પથ દેખાય છે તેના પર તું ચાલ અને તારું ફાનસ તે પછીનો થોડો પથ જોવામાં મદદ કરશે. આજ પ્રમાણે તું આગળ આવીશ અને તારા મુકામ પર અચૂક પહોંચીશ.

તમે શાણપણથી તમારું લક્ષ્ય નક્કી કરો તેમ તમારા પ્રેમાળ દાદા-દાદી ઈચ્છે છે. પરમાત્માના શુભાશિષ વાંછતા, જ્ઞાનના પ્રકાશમાં યોગ્ય પથ પ્રાપ્ત કરો અને મક્કમતાથી આગળ વધો. વર્તમાનના સંપૂર્ણ જ્ઞાનથી તમે ભવિષ્યને આંબી શકશો. સાવધ રહો….. વર્તમાન જ ભવિષ્ય તરફ દોરી જાય છે.

[પત્ર : 3]

અતિપ્રિય બાળકો,

રાજા વિક્રમ તેની પ્રજામાં માન અને પ્રેમથી પૂજાતો હતો. તે તેના શાણા અને વફાદાર વજીરને જ તમામ કાર્યોનો હશ આપતો; કારણ કે તે વજીર જ લાંબા સમયથી તેનો મુખ્ય સલાહકાર અને કુશળ વહીવટ કર્તા હતો. દુર્ભાગ્યવશ તે વજીરનું અવસાન થયું. રાજા નિ:સહાય બની ગયો પણ તે રાજ્યતંત્ર જાળવી રાખવા માગતો હતો. અગાઉના વજીર જેટલો જ કાબેલ નવો વજીર તેણે તરત જ નીમવો હતો. આથી તેણે યોગ્ય વ્યક્તિ શોધવા એક કસોટી ઘડી કાઢી.

તેણે ત્રણ નિપુણ વ્યક્તિઓને અલગ તારવી. તે ત્રણેયને ખાનગીમાં બોલાવી તેમને કસોટીના નિયમોથી માહિતગાર કર્યા : ‘પરમદિવસે તમને ત્રણેયને એક ખંડમાં પૂરી દેવામાં આવશે. આ ખંડની બહાર નીકળવાનો એક માત્ર રસ્તો મારા કક્ષમાં ખૂલે છે. તેના દ્વારને અંદરથી તાળું લગાવાશે. જે આ તાળું ખોલી મારા કક્ષમાં પહેલો પ્રવેશશે તે નવો વજીર બનશે. આ તાળું તમારે ખાલી હાથ વડે અને માત્ર એક જ પ્રયત્નમાં ખોલવાનું રહેશે અને તે માટે તમને એક કલાકનો સમય અપાશે.

તેમાંનો એક ધાતુવિજ્ઞાની હતો. તેને ખાત્રી હતી કે તાળું કોઈ નરમ ધાતુનું બનેલું હોવું જોઈએ. હથેળીની ગરમીથી પીગળી જાય તેવી ધાતુ શોધવા તેણે સંદર્ભગ્રંથોનો અભ્યાસ કરવામાં આખો દિવસ ગાળ્યો. પોતાની હથેળીઓ ઘસીને મહત્તમ તાપમાન મેળવવાની કોશિશમાં તેનો આખો દિવસ પૂરો થયો.

બીજો ગણિતશાસ્ત્રી હતો. તેણે વિચાર્યું કે ચાવીની ગેરહાજરીમાં અંકોનું કોઈ સંયોજન તે તાળામાં હોવું જોઈએ. તેણે આખો દિવસ ગણિતશાસ્ત્રના ગ્રંથો સાથે ગાળ્યો. ત્રીજો, જ્ઞાનની કોઈ એક શાખાનો વિશેષ અભ્યાસી તો ન હતો. તે માનવીય વ્યવહારનો અભ્યાસુ હતો અને તેને એમ પણ ખબર હતી કે તીવ્ર બુદ્ધિમત્તાવાળા લોકો સરળ વાતને અઘરી બનાવવાની વૃત્તિ ધરાવે છે. શાણપણને લીધે અંત:સ્ફુરણાને તે અનુસરતો હતો.

તે નિશ્ચિત દિવસ આવ્યો. તે ત્રણેયને એક ખંડમાં લાવીને તે દ્વાર બતાવવામાં આવ્યું. તેઓએ તાળાનો અભ્યાસ કર્યો. તેમાંનાં બે પોતાના પુસ્તકો જોવા માંડ્યા. ત્રીજો માણસ થોડીવાર શાંતિથી બેઠો, પછી વિશ્વાસથી તે બારણા પાસે ગયો અને તેણે સાહજિકતાથી તાળું ખેંચીને ખોલી નાખ્યું. બાકીના બે તેમના અભ્યાસમાં એવા મશગૂલ હતા કે શું બની ગયું તેની તેઓને ખબર પણ ન પડી. રાજાએ જ્યારે તેઓને પોતાની પાસે બોલાવ્યા ત્યારે તેઓએ પોતાના સાથીને વજીરપદે બેઠેલો જોયો. રાજાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તાળું, ખરેખર બંધ હતું જ નહીં; પણ તે બંધ દેખાતું હતું.

દાદા-દાદી ભરપૂર આશિષ સાથે તમને ખાત્રી કરાવવા માગે છે કે જીવન અતિસરળ છે. જ્ઞાનનો હેતુ શાણપણ મેળવવા માટે જ છે. આ શાણપણ અંત:સ્ફુરણાને-અંતરાત્માના સાચા અવાજને – વિકસાવવામાં મદદ કરે છે. માત્ર અંતરાત્માનો અવાજ જ શુદ્ધ છે. આપણે આ અવાજને આપણા પોતાના અહમ, આપણી આકાંક્ષાઓ, પૂર્વગ્રહો, વિકારો, ઈર્ષ્યા, લોભ અને અવાંછિત માહિતીથી ગૂંગળાવી દીધો છે. આપણે ખુદ જ પ્રશ્નોને ઊભા કરીએ છીએ અને તેને ઉકેલવામાં કિંમતી સમય વેડફીએ છીએ. હંમેશા યાદ રાખો કે ઈશ્વર આયોજન કરે છે પણ માનવ તેને બગાડે છે.

સુખનાં દ્વાર બંધ દેખાવા છતાં તે કદી પણ બંધ હોતા જ નથી. આ જ એક માત્ર સત્ય છે.

[પત્ર : 4 ]

મારા પ્રેમાળ બાળકો,

એક વિખ્યાત પ્રોફેસર પોતાની સંશોધનયાત્રાએ નીકળ્યા હતા. તે પોતાને ખૂબ વિદ્વાન અને ઉચ્ચ કક્ષાનો બુદ્ધિજીવી માનતા હતા. પોતાની યાત્રા દરમ્યાન તે એક એવા સ્થળે આવી પહોંચ્યા કે જ્યાં તેણે નદી પાર કરવી પડે તેમ હતી. લોકોને સામે કાંઠે લઈ જવા માટે કેટલીક હોડીઓ ત્યાં હાજર જ હતી. પ્રોફેસર એક નાવમાં બેઠા અને પોતાની મુસાફરી શરૂ કરી. સફરના સમગ્ર સમય દરમ્યાન તે નાવિકને અને તેની કંગાળ હાલતને દયાથી જોતા હતા.

નાવમાં બેઠા બેઠા તેમણે નાવિકને પૂછ્યું : ‘તને વાંચતા કે લખતા આવડે છે ?’ તે ગરીબે કહ્યું : ‘ના સાહેબ, હું તો હંમેશા રોટલો રળવાના કામમાં જ ડૂબેલો હોઉં છું.’ તે પ્રોફેસરે કહ્યું : ‘ઘણું ખરાબ ! દરેકને વાંચતા-લખતાં તો આવડવું જ જોઈએ. તેં તારા જીવનનો 25 પ્રતિશત કિંમતી સમય વેડફી નાખ્યો છે.’ નાવિક અપરાધીભાવે ચૂપ રહ્યો. પ્રોફેસરે વિશેષ પૃચ્છા કરતા પૂછ્યું, ‘ભૂગોળ વિશે તને કોઈ જાણકારી છે ? ક્યારેય તેં ભારતનો નકશો જોયો છે ?’ નાવિકે કહ્યું : ‘ના સાહેબ, મારા ગામથી વધુ હું કશું જ જાણતો નથી.’ પ્રોફેસર ઘૃણા સાથે કહ્યું : ‘તેં 50 પ્રતિશત જીવન બરબાદ કર્યું છે.’

વળી પ્રોફેસરે નાવિકને વિશેષ પ્રભાવિત કરવા પૂછ્યું, ‘પાણી કેવી રીતે બન્યું તે તું જાણે છે ? તેં ઓકિસજન અને હાઈડ્રોજન નામો સાંભળ્યા છે ?’ નાવિકે બહુ નમ્રતાથી જવાબ આપ્યો : ‘ના સાહેબ’ નાવિકના આવા અજ્ઞાનથી ચિડાઈને પ્રોફેસરે કહ્યું, ‘તમે ગામડિયાઓ મૂર્ખ છો. તમે તમારું કિંમતી જીવન મહદઅંશે વેડફયું છે.’

દરમ્યાનમાં બોટ જ્યારે વહેણના મધ્ય ભાગમાં પહોંચી ત્યારે ભયગ્રસ્ત ચહેરે નાવિકે પ્રોફેસરને કહ્યું, ‘સાહેબ, હું પાણીના પ્રવાહમાં કોઈક ફેરફાર અનુભવું છું. શક્ય છે કે થોડી વારમાં જ નદીમાં ભારે પૂર આવશે. સાહેબ, મને તો તરતા આવડે છે. તમને તરતા આવડે છે ?’ તે ચિંતાતુર પ્રોફેસરે કબૂલ્યું કે તેને તરતા આવડતું નથી. નાવિકે કહ્યું, ‘સાહેબ, તો તો તમારું કિંમતી જીવન સો એ સો ટકા બરબાદ થશે.’

બાળકો, સામાન્યત: આપણે જેને જ્ઞાન કહીએ છીએ તે તો માત્ર માહિતી જ છે. માહિતી અચૂકપણે જરૂરી છે કારણ કે તે જ જ્ઞાન તરફ દોરી જાય છે. જ્ઞાનથી શાણપણ આવે છે. જ્ઞાનને સાચી રીતે મૂલવવાની કે વ્યવહારમાં મૂકવાની આવડત જ શાણપણ કહેવાય. તેને આપણે ‘વિવેક’ કહીએ છીએ. જ્યાં સુધી તમે તે પ્રાપ્ત ન કરો ત્યાં સુધી જ્ઞાન કે માહિતી નકામાં છે.

આપણાં શરીરનું પાચનતંત્ર કેવી રીતે કામ કરે છે તે તમે જાણો છો ? ‘તંદુરસ્ત જીવવા’ માટે જે ખોરાક ખાઈએ છીએ તે આખરે લોહીમાં કેવી રીતે પરિણમે છે ? ઉપયોગી ખોરાકનું પાચન થાય છે અને નકામા કચરાનો નિકાલ થાય છે. આપણું મગજ પણ એ જ રીતે કામ કરે છે. વિવિધ માધ્યમો દ્વારા આપણને મળેલી માહિતીનું મગજ સઘન પૃથક્કરણ કરી જ્ઞાનમાં ફેરવે છે. મોટા ભાગની માહિતી ‘ભંગાર’ હોય છે અને તેને બહાર ફેંકી દેવાની હોય છે. બાકીની થોડી માહિતી અનુભવો, જાણકારી, જાગૃતિ વગેરેથી આત્મસાત કરવામાં આવે છે. તેને આપણે શાણપણ કહીએ છીએ. તે જ ‘સુખી જીવન’ ની ચાવી છે.

બાળકો, કચરામાંથી પણ સારી માહિતી તમે જુદી તારવો તેમ દાદા-દાદી ઈચ્છે છે. તમારા મગજ પર ખોટા કચરાનો બોજ ન લાદો. જ્ઞાન પોતે પણ જ્યાં સુધી શાણપણમાં ન પરિણમે ત્યાં સુધી પૂર્ણ નથી તેનો ખ્યાલ રાખશો. જેમ ખવાતા ખોરાક વિશેની સભાનતા ‘તંદુરસ્ત જીવન’ માટે ફાયદાકારક છે તેમ મેળવાતી માહિતીની સભાનતા ‘સુખી જીવન’ માટે ફાયદાકારક છે. ઈશ્વરની અનુકંપા તમારા પર સદા રહો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમરત બારડ – ભગીરથ બ્રહ્મભટ્ટ
ભગવાન શ્રીકૃષ્ણની દિનચર્યા – શ્રીમદ ભાગવત Next »   

19 પ્રતિભાવો : દાદાજીના પત્રો – કાન્તિ મહેતા

 1. Maitri says:

  ખુબજ સરસ્….
  જિવનનઅ કેત્લ બધઅ સત્યો કેત્લિ સરલ રિતે વનિ લેવામ અવ્ય ચ્હે આ વર્તાઓમા..

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice. …..All of them are very usefull to us in day to day life.

  Thank you Mrugeshbhai…..

 3. Dhaval B. Shah says:

  Nice stories.

 4. meeta dave says:

  પ્રિય દાદા દાદી,
  આપણે સૌ એ સમયની સાથે સાથે દોડવું જ રહ્યું,
  પણ આ વિસામો વારે વારે માણવો ગમે એવો છે.
  આ અધરસ્તે તમો મળ્યાં …કેમ ના ગમે?!
  ..તમને ફરી ફરી મળવું ગમશે જ.

 5. Khem Dhawal says:

  અદ્ ભુત!
  સુન્દર વાક્યો અને સુન્દર પ્રાસ, સાથે જીવન ની સરલતા અને એક માત્ર શાણપણ સુખી જીવનની અમુલ્ય ચાવિ ચ્હે, તે આ બોધ વાર્તાઓ મા વની લીધુ ચ્હે.

 6. Keyur Pancholi says:

  ખુબ સરસ વાર્તાઑ છે.

 7. neetakotecha says:

  khub maja aavi gai.bachcho ne kaheva mate sari vato mali raji thai jase. ane emne pan kaik janva malse.

 8. Rakesh Chauhan says:

  Dear Dada & Dadi,

  Its nice way to explain the good things..

  I’m waiting for new edition…

 9. Ruchir Oza says:

  It feels great to see so many good comments on the transcreation by my parents. I thank all the readers for their motivating remarks.

 10. Oxycontin. says:

  Hartford oxycontin attorneys….

  Oxycontin. Oxycontin pdr….

 11. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર વાર્તાઓ અને અંતે સુંદર બોધ.

  કાંતીભાઈ, વિપિનભાઈ અને દેવીબહેન આભાર.

  રૂચિરભાઈ, આવા તજજ્ઞ અને સમાજોપયોગી કાર્ય કરે તેવા માતા-પિતા મેળવવા બદલ આપને પણ અભીનંદન.

 12. PARESH GANDHI says:

  ખુબજ સુન્દર રિતે વર્નન કરેલ ચ્હે . આ વાત એવિ ચ્હે કે તેના થકે જિવન ખુબજ સારિ રિતે જિયાય

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.