ખેલંદો – રિદ્ધિ દેસાઈ

[હાસ્યલેખ – ‘નવનીત સમર્પણ જૂન-2007’ માંથી સાભાર.]

આંખે જોનારા કહે છે કે બચુને ઈશ્વરે ફુરસદમાં ઘડ્યો હશે…. રજાના દિવસે ઈશ્વરને થયું હશે કે ચાલ, આજે જરી ઊંઘ ખેંચી નાખીએ…. એ જ અવસ્થામાં (અડધી ઊંઘમાં) એણે બચુનું સર્જન કર્યું હશે.

રાતના અંધારામાં એને ખુલ્લા મેદાનમાં જોયો હોય તો ઊડતી રકાબીમાંથી કો’ક પરગ્રહવાસી ઊતરી આવ્યો હોય એવું જ લાગે. ચાર ફૂટની હાઈટ, ખોડંગાતો પગ, વરસાદ પડે તો નાનકડું ખાબોચિયું ભરાય એવું ખાડાવાળું કપાળ, મગજની હવા નીચે ઊતરી હોય એવા ફૂલેલા ગાલ, સ્પિન થયેલા દડા જેવી ચકળવકળ આંખો, કાળા-પીળા વાળ અને સિસોટી ગળી ગયો હોય એટલો તીણો અવાજ… આનો સરવાળો કરો તો જવાબ એક જ મળે – ‘બચુ બાટલી !’

અગાઉ સિકંદરે ‘ધ ગ્રેટ’ અને વિક્રમાદિત્યે ‘વીર’ આદિ વિશેષણો કમાયાં હતાં, એમ ‘બાટલી’ એ બચુની આપકમાઈ હતી. વીસ વર્ષનો થયો ત્યાં સુધી એણે કામની પરિભાષામાં આવે એવું એક જ કામ કર્યું હતું – સવારે દૂધની બે બાટલીઓ લઈ આવવાનું ! એની આ પ્રખર કર્મશીલતા બદલ જનતા-જનાર્દને એને ‘બાટલી’ ના ઈલકાબથી વિભૂષિત કર્યો હતો. જો કે શરૂ શરૂમાં એને આ કામ આકાશના તારા તોડવા જેટલું કઠિન લાગતું. સવારે અડધી-પડધી ઊંઘમાં ડેરીએ જતાં એને જીવન પ્રત્યે દરરોજ વૈરાગ્ય પ્રગટતો. પરંતુ એ કેવળ ડેરી-વૈરાગ્ય જ હતો. એક વાર ઘેર પાછા ફર્યા બાદ એનો નિદ્રામુક્ત દેહ ‘આજે ક્યાં ક્યાં કાર્યો – ક્યાં ક્યાં ધ્યેયો સિદ્ધ કરવાનાં છે…’ જેવા વિચારો થકી પુન: સંસારમાં આસક્ત થઈ જતો.

અસાધારણ માણસોનાં ધ્યેય પણ અસાધારણ હોય છે….. કહેનારે કદાચ બચુને જોઈને જ કહ્યું હશે. સંસારમાં વધુમાં વધુ લોકોને કામ-ધામ છોડાવીને લખોટી-ગિલ્લીદંડા-કબડ્ડી-ક્રિકેટ વગેરે રમતા કરી દેવા, એ એનું પરમોચ્ચ જીવન ધ્યેય હતું. રમત રમવાથી ભૂખ લાગે – ભૂખ લાગે એટલે જમવું અને જમવાનું પચાવવા ફરી રમવું…. એની આ થિયરી એના વિસ્તારનાં બાળકોમાં ડાર્વિન કે ન્યૂટનની થિયરી કરતાંય વધુ પ્રચલિત થઈ હતી. સોક્રેટિસની માફક એને માથેય નવી પેઢીને બગાડવાનું આળ આવ્યું હતું….. પણ લોકશાહીમાં કોઈને ઝેરનો પ્યાલો પીવડાવી શકાતો નથી, એ હિસાબે એ અને એનું ધ્યેય બંને જીવિત રહેલાં.

અભ્યાસ પ્રત્યે બચુજી પહેલેથી જ નિર્મોહી. શાળામાં જાતજાતની રમતો રમાડવામાં આવે છે. બાની આ એક્સક્લુઝિવ માહિતી બાદ જ એ શાળામાં દાખલ થવા રાજી થયેલો. જોકે ત્યાર પછી એ શાળામાં ફક્ત રમ્યો જ હતો. નવમા ધોરણ બાદ એણે ‘પાસ’ થવાની મોહમાયા પૂર્ણપણે ત્યાગી દીધી. એસ.એસ.સી.ની ત્રણ ટ્રાયલોમાં નિરંજન અવસ્થામાં (કોરું) પેપર છોડ્યા બાદ બાપાએ એને અભ્યાસમાંથી ઉઠાડી મૂકેલો. ‘ભણ્યો નહીં તો કમસે કમ દુકાને બેસ !’ બાપા એને ઘણું સમજાવતા…. પણ મહાપુરુષો એમના અવતારકાર્ય સિવાય બીજું કંઈ કર્યા કરે છે ! હા, પિતૃભક્તિના ઊભરાની અવસ્થામાં એ બાપા માટે પાનના ગલ્લેથી પડીકીઓ લાવી આપતો. આગળ જતાં એણે બાપના ધંધાને બદલે બાપના વ્યસનમાં ઝુકાવ્યું. પડીકીના કાગળનો ફર ફર અવાજ, ‘આઉટ ! ગો…લ ! કલીન-બોલ્ડ ! ગુડ શોટ !’ જેવા મુખધ્વનિઓ, નફિકરો ચહેરો અને સહેજ ખોડંગાતો પગ એ એની આઈડેન્ટિટી બની ગયેલાં.

પગની આ અવસ્થા એ એના ખેલપ્રેમનું ઈનામ હતું. કિશોરાવસ્થામાં એક વાર એ રસ્તાની વચ્ચોવચ બેઠેલી એક ગાયને સ્ટમ્પસ્વરૂપ ગણીને ક્રિકેટ રમતો હતો. આઠ-દસ બોલ પછી એ કલીન-બોલ્ડ થયો. સ્ટમ્પલું (ગાય) ઊડી ગયું ! દડાના પ્રહારથી ભડકેલી ગાયે એને શિંગડામાં લઈને સારી પેઠે રમાડેલો. કહે છે કે ત્યાર બાદ બચુએ જીવનભર ગાયનો બહિષ્કાર કરેલો… ગાયનું દૂધ લાવવાનું (એકમાત્ર) કાર્ય ત્યજીને. ‘ગાય’ નામનું પ્રાણી કાયમ માટે એના મનથી ઊતરી ગયેલું !

બચુની નજરમાં પડી જવું એ કોઈ સામાન્ય વાત ન હતી. અગાઉ કામ-ધંધો-નોકરી-ફરજ-જવાબદારી વગેરે શબ્દો એના મનથી સખત ઊતરી ગયેલા… ને એ વિરલાએ ક્યારેય એ તરફ જોયું સુદ્ધાં ન હતું ! મનુષ્યજીવન કામ-ધંધા પાછળ વેડફી નખાય એટલું સસ્તું નથી…. તે ફકીર ઓલિયાઅઓ જેવા ઉચ્ચ વિચારો ધરાવતો. એના વિચારોને ન પામી શકેલા એના બાપુજી એક વાર એને બળજબરીપૂર્વક એમના કારખાને લઈ ગયેલા. એમનું વૃદ્ધો ટેકા માટે વાપરે છે એ હાથલાકડી બનાવવાનું કારખાનું. (જોકે એમને જીવનના અંત સુધી ટેકો મળેલો નહીં એ અલગ વાત છે.) લાકડી બનાવી રહેલા મજૂરો પર નજર રાખવા જેવું ભારે મહેનતનું કામ બચુને સોંપવામાં આવ્યું. નાઝીત્રસ્ત યહૂદીઓ જેવી અવસ્થામાં એણે ત્રણ કલાક બેળે બેળે પસાર કર્યા. પણ જેવા બાપુજી આઘાપાછા થયા કે આ કોહિનૂર ઝળકી ઊઠયો ! અંત:કરણના સ્વયંભૂ ઉન્મેષથી પાસે પડેલી હાથલાકડી વડે એ ‘હોકી’ રમવા માંડ્યો. બોલ તરીકે, બપોરે આડા પડેલા મજૂરના માથાનો ઉપયોગ કરવાને કારણે એની સામે કોર્ટ કેસ થયેલો. ત્યારથી બાપુજીએ એની માટે રહી-સહી આશાય ત્યજી દીધેલી.

નકામો-નકટો-નાલાયક-રખડેલ-હરામ હાડકાંનો અક્કરમી…. આદિ વિશેષણો એના સ્વજનો અને માટે જાહેરમાં અને પડોશીઓ ખાનગીમાં વાપરતા. પણ વિરલ આત્માઓને વળી ટીકા શું અને પ્રશંસા શું ! એ તો ઊગતી પેઢીને એક નવો વળાંક આપવા સર્જાયો હતો…. હૈયા કૂટ્યાઓના કહેવા પ્રમાણે જે સીધો દોજખ તરફ જતો હતો….. મહાપુરુષોની માફક એ પણ દિનચર્યા બાબતે કડક નિયમ પાળતો. શિસ્ત એટલે શિસ્ત ! સવારે ચા પીને એ ડાયોજીનીસની અદાથી બે ઘડી તડકો ખાતો. પ્રભુ સૂર્યનારાયણનું પ્રખર તેજ પામ્યા બાદ એ લખોટી ક્ષેત્રે નવાં શિખરો સર કરવા નીકળી પડતો. પાંચ ફૂટ આઘે રહેલી ગબીમાં લખોટીનો લક્ષ્યવેધ કરવા એ અર્જુનની માફક એક આંખ ઝીણી કરતો ત્યારે આવતીજતી કન્યાઓ ‘આ ઢાંઢો મને આંખ મારે છે…’ એમ સમજીને એને મૌલિક ગાળો આપતી. પણ બચુ કોને કહ્યો ! ‘પારકી થાપણ’ જેવી આ ગાળો એ વખત મળ્યે નબળો દેખાવ કરનાર ભારતીય ખેલાડીઓને સુપરત કરતો. એ પોતે કશું રાખતો જ નહીં; કેમ કે આગળ કહ્યું એમ એ તો તદ્દન નિર્મોહી હતો !

લખોટી બાદ એ ગિલ્લીદંડાનું કામ હાથ પર લેતો…. કામથી કંટાળ્યા વિના આ મહેનતકશ ઠેઠ સાડાબાર સુધી પ્રસ્વેદની ગંગા વહાવતો. બપોરે અગિયાર બૂમ, છ ઘાંટા અને ચાર ધમકીઓ બાદ એ ‘લંચ બ્રેક’ માટે જતો. જમીને બા પર પરમ ઉપકાર કરવા બદલ એ ભરબપોરે બાને પોતાની સાથે પત્તાં રમવાની ફરજ પાડતો. કહે છે કે આને કારણે એની બામાં જુગારીવૃત્તિ ડેવેલપ થયેલી – ‘આજે ચણાની દાળ બનાવવી કે તુવેરની ? લીલી સાડી પહેરવી કે પીળી ? પાડોશણ સાથે ઝઘડવું કે ન ઝઘડવું ? કરફ્યુમાં બહાર નીકળવું કે ન નીકળવું, ચૂંટણીમાં તલવારને મત આપવો કે કુહાડીને, પતિના ખિસ્સામાંથી પરચૂરણ કાઢવું કે ન કાઢવું ? વધેલી રોટલી ગાયને નાખવી કે કૂતરાને ?’ – જેવાં કંઈક નિર્ણયો એ પત્તું ખેંચાવીને કરવા લાગેલી. બચુની બહેન બબલી માટે ચાર છોકરા જોયા હતા. એ બાબતેય એણે બબલીને કહેલું – આમાંથી એક પત્તું ખેંચ !

સાંજ ઢળે એટલે બચુના ચિત્ત પર અકળ ઉદાસી છવાઈ જતી. એના ઉપાય લેખે એ હોકી, ક્રિકેટ, કબડ્ડી રમતો. ‘બેચેની દૂર કરવા લોકો દારૂ પીતા હોય છે…. એમનાં કરતાં હું સારો નહીં !!’ એ ગંભીરતાપૂર્વક કહેતો ત્યારે ભલભલા ટીકાકારોનાં મોં સિવાઈ જતાં. ખૂબીની વાત તો એ છે કે જીવનની આટલી વ્યસ્તતા છતાં એ રાત્રે બે કલાક ટી.વી. જોવાની ફરજ બજાવવાનું ચૂકતો નહીં. આવું કડક શિસ્તમય જીવન જીવતાં જીવતાં બચુ બત્રીસનો થઈ ગયો. બા અઠ્ઠાવનની અને બાપુજી તો વયના બંધનથી પર થઈ ગયેલા ! (અને સવિશેષતો બચુથી) મુક્ત થયા ત્યારે ભલભલા નાસ્તિકો કહી ઊઠેલા – ‘ઈશ્વર કેટલો દયાળુ છે !’

પણ બચુમાં દયાભાવ નથી ! હવે તો બાપ પણ રહ્યો નથી, છતાં એ કંઈ કરતો નથી….’ બચુની હિંમતની દાદ દેવાને બદલે ઘણા એની ટીકા કરતા. જે ઘરમાં કોઈ જ કમાનાર ન હોય ત્યાં અકર્મણ્ય રહેવા માટેય કાળજું જોઈએ ! બચુ પાસે એ બાબતે સિંહકાળજું હતું. એક દિવસ બાનો મિજાજ બગડ્યો. રખડતા ઢોર જેવા બચુને એણે લગ્નના ખૂંટે બાંધવાનો નિર્ણય જાહેર કર્યો. પણ માને એ બચુ શાનો ? લગ્ન એટલે કેન્યા અને ઓસ્ટ્રેલિયાની મેચ ! એમ એ દ્રઢપણે કહેતો. પુરુષની સ્થિતિ ઓસ્ટ્રેલિયા સામે ઝુડાતા બિચારા કેન્યાવાળા જેવી થાય છે. છોકરી જોવા જવાનું થતું ત્યારે બચુ કબડ્ડી રમવા ચાલ્યો જતો. પરિણામે (એના શબ્દોમાં કહીએ તો) એ મોટી ‘કબડ્ડી’ થી બચી જતો. આખરે બાએ ગાંધી અવતાર ધરવો પડ્યો. અન્નજળ ત્યાગ્યાં…. ને બાને બચાવવા માટે – માતૃઋણ ખાતર બચુએ જાતબલિદાન આપી દીધું ! પાંચસાત ખોડી-ખોડામણીઓમાંથી એણે એક કન્યા પસંદ કરી. કહે છે કે કન્યાનો પી.ટી ઉષા જેવો વાન, સાનિયા મિર્ઝા જેવી હાઈટ, મલ્લેશ્વરી જેવું પેટ અને માર્ટિના નવરોતિલોવા જેવી કોમળતા જોઈને એ ચળી ગયેલો.

મધુરજનીની માદક પળે બચુએ એની નવવધૂને ડોન બ્રેડમેનની સિક્સર અને ચોગ્ગા ફટકારવાની ભિન્ન ભિન્ન શૈલીઓ વિશે, ફૂલટોસ દડાને કેચ ન જાય એ રીતે રમવાનાં એનાં કૌશલ્ય વિશે, ડાબે-જમણે દોડીને વાઈડબોલમાંથી રન મેળવવાના એના મહારથ વિશે, મેચ પૂર્વે એ ક્યાં ક્યાં અંગની ચુસ્તી માટે કઈ કઈ કસરતો કરતો એ વિશે… તદુપરાંત એની રમતની જુદી જુદી ખૂબીઓ વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. એ સાંભળીને એની નવપત્નીનું હૃદય જોરજોરથી ધડકવા માંડ્યું હતું. જીવનમાં કોઈ ગંભીર ભૂલ થઈ જતી ત્યારે એને એમ થતું. પ્રેમ બાબતે ખેલ કે પત્ની બેમાંથી એકેયને અન્યાય ન થાય એ સારું બચુએ લગ્નના આલબમમાં પોતાના ફોટાની સાથે પોતાના પ્રિય ખેલાડીઓના ફોટા પણ ચોડ્યા હતા. એ જોઈને ઘણા એને રમૂજમાં પૂછતા – અલ્યા, આ તારી પત્ની કે કપિલ દેવની ? ત્યારે ગુસ્સે થવાને બદલે એ ગર્વ અનુભવતો.

….. સમયે સમયનું કામ કર્યું. બાની (બચુને સહેવાની) જવાબદારી હવે વહુના શિરે હતી. અગિયાર આંગળી, આંખમાં ફૂલું અને નાક પર મસો ધરાવતી આ સુશીલ નારીએ બચુને સહેજપણ ઓછું નહોતું આવવા દીધું. બચુના ‘સ્પોર્ટસ’ નાં ધોળાં લૂગડાં જ્યારે એ ડબલ ગળીમાં ધોતી ત્યારે બચુની આંખ બાની સ્મૃતિમાં ભીંજાઈ જતી. અડધી રાત્રે બેબાક અવસ્થામાં એ ઘણી વાર પત્નીને ‘બા ! બા !’ કહીને પોકારતો. કદાચિત આ જ કારણસર ઠેઠ પાંચ વરસે એ બાળકનો પિતા બન્યો. ઘરમાં ત્રણ ત્રણ બાળકનૈયાઓને રમતાં જોઈને ‘આટઆટલાંને હવે પોષીશ કેમ ?’ એવી ખોટી ચિંતા કરવાને બદલે એ હરખાયેલો. ચાલો સારું થયું… હવે ખેલાડીઓ શોધવા બહાર નહીં જવું પડે… એ વિચારે.

જો કે આનંદ ગણો કે આશ્વાસન ગમે તે, પણ બચુનાં બાળકો એની ઉપર ગયાં નહોતાં. સરકારી શાળામાં સરકારી સહાય વડે એ ભણ્યાં, ગણ્યાં, મોટા થયાં. એક બચુ જ એવો ને એવો – ચિરયુવાન રહેલો. પચાસની ઉંમરે અડધી ચડ્ડી પહેરીને એ ભૂલકાંઓ સાથે ‘કબડ્ડી કબડ્ડી’ રમતો ત્યારે લોકો નતમસ્તક થઈ જતા…. એનું તેજ ન ઝીલી શકવાને કારણે. કહે છે કે એક વાર આ તેજ-પુરુષથી એક ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર ખૂબ પ્રભાવિત થયેલો. એણે સાઠીએ પહોંચેલા બચુની ભમરડો ફેરવતી લાક્ષણિક તસવીર ખેંચી હતી. આ તસવીરે બચુની સાથે સાથે આખા ભારતદેશને પ્રસિદ્ધ કરી નાખેલો ! વચમાં યુરોપિયન દેશોએ ભારતીયોને વીઝા આપવાનું બંધ કર્યું હતું, એ માટે ઘણા બચુને જ કારણભૂત ગણતા.

જીવનની પાછલી અવસ્થામાં બચુ આસ્તિક બની ગયેલો. રોજ સવારે એ અચૂક મંદિર જતો. ત્યાંથી અગરબત્તી (ઉઠાવી) લાવીને એ પોતાના અંગત આરાધ્યદેવો – ધ્યાનચંદ – ગાવસકર – રોનાલ્ડો – મેરેડોના – દેવી સ્ટેફીગ્રાફ ઈત્યાદિને (એમના ફોટાને) પૂજતો. એક વાર શહેરમાં એનો ઈષ્ટદેવ સ્વરૂપ કપિલ દેવ આવ્યો હતો. ત્યારે એણે ભાવવિભોર થઈ જતાં (પૈસાના અભાવે) બાની છબિ પર ચઢાવેલો હાર કપિલને પહેરાવી દીધેલો ! (જાણકારો કહે છે કે એટલે જ કપિલદેવ રડ્યો હતો….)

ખેલવિશ્વના ઝળહળતા સિતારાનો આ અંતિમ ઝબકારો હતો. સડસઠની વયે હોસ્પિટલની પિચ પર ઝઝૂમ્યા બાદ એ ‘કલીન બોલ્ડ’ થઈ ગયેલો ! એની કર્મભૂમિ શા-પોળના મેદાનમાં એની શોકસભા ભરાયેલી ત્યારે જીવનભર અને મહેણાં સંભળાવનારે સુદ્ધાં કહેલું – ‘એ તો રમતો જોગી હતો !’ માણસ સારો હતો… પણ બિચારો અકર્મણ્યતામાંથી સમય કાઢી શક્યો ન હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમદાવાદની ‘સેવા કાફે’ – હરસુખ થાનકી
ગઝલત્રયી – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ Next »   

34 પ્રતિભાવો : ખેલંદો – રિદ્ધિ દેસાઈ

 1. ABC says:

  Excellent!!

 2. pankita says:

  સરસ લેખ

 3. hitakshi pandya says:

  પ્રસ્તુતિ ની આગવી શૈલી ગમી….વાંચવા ની મજા આવી.

 4. Dhaval B. Shah says:

  The way the story has been presented is very nice.

 5. Hiral Thaker 'Vasantiful' says:

  Realy very funny……

 6. રિદ્ધિબેન… અટકતાં નૈ…. સેકન્ડ ઈનિંગ્સની રાહ જોઉં છું… 🙂

 7. Pratik Naik says:

  Really Speechless.

  ખુબ સરસ…

  I’m waiting for “બચુ બાટલી” Part – 2

  Keep it up.

 8. Hardik Pandya says:

  jabardast !!!

  bravo bravo !

 9. Bhupendra Pandya says:

  Great Story,

  please go ahead, and always write something differnt like this. we all are waiting for your next story.

 10. સરસ, મઝા પડી.

 11. Swati says:

  Ms. Riddhi has a great style of describing character of story. She reminds me of great Mr. Tarak Mehta. Please keep it up.

  She is a real pride for Indian Gujarati Women.

 12. Keyur Pancholi says:

  ખુબ સરસ. હું પણ Part II ની રાહ જોઈશ. Excellent !!

 13. Keyur Patel says:

  Riddhi reminded me of Jyotindra Dave. Belive me, I am not exaggarating. Superb “Hasya lekha”. Please keep it up!!!!

 14. Ashish Dave says:

  Absolutely amazing…
  Ashish

 15. અત્યંત રસપ્રદ વર્ણન.

  બચુ બાટલી દ્વિતીય કયારે?

 16. Anand Mehta says:

  ખુબ સરસ

 17. Piyush says:

  વાહ વાહ …શુ વાત છે? ઘણુ સરસ પાત્ર છે..ખરેખર આવી જ જીન્દગી જીવવા ની મઝા છે…

 18. chirag says:

  mind blowing….i just cant stop laughing…excellent..

 19. Jiten Desai says:

  I read Siddhi’s hasya varta in Navneet before this. ( the one in which the main character decided to do some social work) And at that time also I felt that she has a style of Jyotindra Dave. Reading her this story endorsed my ealier view. We are awaiting for more such excellent writings from you.

 20. Kushal says:

  રિદ્ધિબેન તમારી લૅખન શૈલી ખુબ ગમી…આગળ પણ લખતા રહેજો…

 21. parag mehta says:

  Bachu jeva virlao bhagye j janme.

  Excellent article.

 22. અતુલ જાની (આગંતુક) says:

  રીદ્ધી બહેન,

  મજા આવી ગઈ.

  હસી હસીને ઉધરસ આવવા માંડી. ક્યારેક જ હસનારા એવા મને આટલો બધો ખડખડાટ હસતાં સાંભળીને મારી પત્નિ પણ કોમ્પ્યુટર પાસે ધસી આવી અને પછી તો અમારા બંનેના ખડખડાટથી આખો રૂમ પણ ખખડી પડ્યો.

 23. Cool Dude says:

  too good…

 24. ભાવના શુક્લ says:

  અરે… આટલો સરસ લેખ વાચવાનુ કેમ ચુકી ગઈ..
  વાહ રિદ્ધિબહેન વાહ….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.