શિક્ષક અને વિદ્યાર્થી – સંકલિત

[1] શિક્ષકની મૂડી – લાલસિંહ માનસિંહ રાઓલ

પચાસેક વરસ પહેલાંની વાત છે. સોંઘવારીનો એ જમાનો. પગાર ટૂંકા. લોકો સાદાઈથી રહેતા. ઓછી આવકમાં પણ સુખેથી ર્નિવાહ થઈ જતો. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 35-40 વરસની નોકરી પછી એક શિક્ષક નિવૃત્ત થયા. કુટુંબમાં પતિ-પત્ની એમ બે જ માણસ. જ્ઞાતિએ બ્રાહ્મણ. વિચાર કર્યો કે ચાર ધામની જાત્રા કરીએ. જરૂરી સામાન બાંધી એક શુભ દિવસે ભાવનગરથી નીકળ્યાં.

શાંતિથી તીર્થયાત્રા પૂરી કરીને ભાવનગર પાછાં આવ્યાં. નિવૃત્ત થયા પછી પણ સાથી શિક્ષકોને મળવા પોતે અવારનવાર રિસેસના સમયમાં શાળાએ જતા. યાત્રાએથી આવ્યા બાદ એક દિવસ તેઓ હાઈસ્કૂલે ગયા. રાબેતા મુજબ જૂના સાથીઓ સાથે ચા-પાણી પીધાં. પછી બધા સાથે વાતે વળગ્યા. એક શિક્ષકે તેમને કહ્યું : ‘તમારી યાત્રા કેવી રહી ? અમને તમારા અનુભવો કહો.’ જવાબમાં તેમણે વાત શરૂ કરી. ‘મારે બાળકોરૂપી મૂડી નથી એ તમે બધા જાણો છો. મારાં પત્નીને આ બાબત ક્યારેક ઓછું આવતું. પણ આ યાત્રા દરમ્યાન અમને બહુ યાદગાર અનુભવો થયા. આથી, મને તો ઠીક, પણ મારી પત્નીનેય, બાળકો નથી તે વાતનું દુ:ખ હવે નથી. બધા શિક્ષકો વાત સાંભળવા ઉત્સુક બની ગયા. દૂર બેઠેલા ખુરશી ખેંચી નજીક આવ્યા. નિવૃત્ત શિક્ષકે પોતાની યાત્રાના અનુભવો જણાવવાનું શરૂ કર્યું.

જ્યાં ત્યાં ખાવું ન પડે અને ખર્ચ વધારે ન થાય એટલા માટે રસોઈનો થોડો સામાન અને જરૂરી સાધનો લઈને અમે નીકળેલાં. અમારો પહેલો મુકામ હતો અંબાજી. આબુ રોડ ઊતરીને બસમાં બેસી અંબાજી પહોંચ્યા. બસમાંથી સામાન લઈને નીચે ઊતર્યાં અને ધર્મશાળામાં જવાની તૈયારી કરી. એટલામાં ‘નમસ્તે સાહેબ’ કહી એક ભાઈએ આવીને મને પ્રણામ કર્યાં. હું તેમની સામે જોઈ રહ્યો એટલે કહે, ‘મને ન ઓળખ્યો સાહેબ ? હું તમારો વિદ્યાર્થી. પચીસેક વરસ પહેલાં ભાવનગરમાં હું તમારા કલાસમાં ભણતો હતો.’
‘ઘણાં વરસ થઈ ગયાં, ભાઈ એટલે ભૂલી જવાયું. કહો, કુશળ તો છો ને ?’ મેં પૂછ્યું.
‘હા સાહેબ, તમારા આશીર્વાદથી સુખી છું. અંબાજીની યાત્રાએ આવ્યા લાગો છો.’

‘હા ભાઈ, નીકળ્યા છીએ તો જાત્રાએ. કોઈ સારી ધર્મશાળા બતાવો એટલે ત્યાં જઈએ. જવાબમાં કહે, ‘અરે, સાહેબ એ શું બોલ્યા ! હું અહીં રહેતો હોઉં અને તમે ધર્મશાળામાં ઊતરો એ કેમ બને ? તમારે બન્નેએ મારા ઘરે જ આવવાનું છે.’ મને આનાકાની કરતો જોઈ કહે, ‘સાહેબ, હા-ના કરો તો મારા છોકરાના સમ છે. તમને લીધા વિના હું જવાનો નથી. તેનો આવો નિર્વ્યાજ પ્રેમભાવ જોઈ અમે છેવટે તેના ઘરે ગયાં. તેણે આગ્રહપૂર્વક અમને બે દિવસ રોક્યાં. સાથે ફરીને બધે દર્શન કરાવ્યાં અને આદરભાવથી પછી અમને વિદાય આપી.

ત્યાંથી નીકળી આગળ બીજા યાત્રાધામે પહોંચ્યા. સ્ટેશન બહાર નીકળી ઘોડાગાડી કરતાં હતાં ત્યાં એક ભાઈએ નમસ્કાર કરી પૂછ્યું, ‘સાહેબ, ઓળખાણ પડે છે ? ભાવનગર હું તમારી પાસે ભણી ગયો છું.’ તેના ખબરઅંતર પૂછી ધર્મશાળામાં જવાની અમે તૈયારી કરી. પેલા ભાઈ કહે, ‘ન બને સાહેબ. મારું ઘર તમારું જ છે. તમારે બન્નેએ મારે ત્યાં આવવાનું છે. અત્યારે બે પાંદડે થયો છું તે તમારા શિક્ષણને પ્રતાપે. અહીં દેશાવરમાં તમે મારે ત્યાં ક્યાંથી ?’

મેં રકઝક કરી પણ તે ન માન્યો. તેના પ્રેમ આગળ અમારે નમતું મૂકવું પડ્યું. આમ અમે જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં કોઈને કોઈ જૂનો વિદ્યાર્થી સ્ટેશન બહાર નીકળતાં મળી જતો. ખૂબ ભાવથી પોતાને ત્યાં તેડી જતો. એક-બે દિવસ રોકાતો. સાથે ફરી દર્શન કરાવતો અને પછી લાગણીપૂર્વક વિદાય આપતો.

તમે નહીં માનો, પણ બે-એક અપવાદ સિવાય અમારે ધર્મશાળા કે લોજમાં જવું પડ્યું નથી. એક શિક્ષક માટે આથી મોટી મૂડી કઈ હોય ?’

[2] આચાર્ય દેવો ભવ – જિતુ પુરોહિત

પોરબંદરથી રામબા ગ્રૅજ્યુએટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજના દરવાજે એક ઑટોરિક્ષા આવીને ઊભી રહી. એક તરવરિયો યુવાન તેમાંથી ઊતર્યો. રિક્ષામાંથી પોતાની પતરાની બૅગ અને બિસ્તરો નીચે ઉતાર્યાં. રિક્ષાનું ભાડું ચૂકવ્યું અને સહાય માટે આજુબાજુ જોવા લાગ્યો. ખાદીનાં લઘરવઘર કપડાં પહેરેલ એક પ્રૌઢને તેણે જોયો. યુવાન તેને બોલાવવાનું વિચારતો હતો ત્યાં તેણે એ વડિલને જ પોતાની તરફ આવતા જોયા. પાસે આવી તે વડીલે ખૂબ જ ભાવથી પૂછ્યું : ‘ક્યાંથી આવે છે બેટા ? લાવ, તારા સામાનમાં વજનદાર શું છે ?’ કહીને પેલા યુવાનનો બિસ્તરો પોતાના ખભા પર ઉપાડી લીધો.

યુવાન મનમાં વિચારવા લાગ્યો : ‘આ ઠીક થયું. આ ડોસાએ મારો ભારેખમ બિસ્તરો ઉપાડી લીધો, બાકી આ બૅગ અને બિસ્તરો આજે મારો બરડો ભાંગી નાખત, લાગે છે કે આ ડોસો બગીચાનો માળી છે. જે હોય તે આપણે એનાથી શું લેવા દેવા ?’
‘શું નામ છે બેટા તારું ? ક્યાંથી આવે છે ?’
‘મારું નામ કુંદન ચાવડા છે, હું સોંદરડા ગામેથી આવું છું. રહો, હું નોટીસ બોર્ડ પર મારો રૂમનંબર જોઈ આવું.’
‘મને ખબર છે બેટા, તારો રૂમનંબર અગિયાર છે. લે, આ તારો રૂમ આવી ગયો. નિરાંતે તારી બૅડ ગોઠવી, સ્વસ્થ થઈ જા.’
પેલા યુવાને મનમાં વિચાર્યું, ‘ડોસા, તારે હવે જ્યાં જવું હોય અને જે કરવું હોય તે કર. મારે તો આ મારો સામાન અહીં પહોંચી ગયો એટલે બસ. નાના માણસો સાથે બહુ લાંબો વ્યવહાર સારો નહિ.

બીજે દિવસે કોલેજ શરૂ થઈ. કુંદન વર્ગમાં પહોંચ્યો. બધા તાલીમાર્થીઓ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા, પ્રોફેસરો પણ આવી ગયા. થોડી વારમાં પ્રાર્થના શરૂ થઈ… અચાનક કુંદન ચોંક્યો. પેલા ગઈકાલ સાંજવાળા માળી જેવા લાગતા વડીલ આચાર્યની ખુરશી પર આવી બેસી ગયા. કુંદનભાઈની દશા તો કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. આ મહાન વ્યક્તિ પોતે આચાર્ય છે, અને પોતે ગઈ સાંજે તેમની પાસે નોકર જેવું કામ લીધું છે, તો આખું વર્ષ તેમની સામે ક્યા મોઢે જઈ શકાશે ? કુંદનભાઈ તો સાવ શરમાઈ જ ગયા. પણ આખું વર્ષ એ આચાર્યસાહેબ સાથે તેમણે વિતાવ્યું અને તેમની સાદગી અને મહાનતાના અનેક અનુભવો આ કુંદનભાઈએ મેળવ્યા.

લગભગ પચીસ વર્ષ બાદ જ્યારે શિક્ષક એવા કુંદનભાઈના મુખે જ આ વાત સાંભળી ત્યારે કુંદનભાઈની આંખોમાં તો આંસુ હતા જ સાથે અમારી આંખો પણ ભીની હતી. એ મહાન આચાર્ય તે તે સમયના શ્રી મણિયારસાહેબ. જે આજે હયાત નથી પણ તેમનાં સ્મરણો રહી ગયાં છે. લાખ લાખ વંદન એ મહાન શિક્ષક આત્માને ! (કથા સૌજન્ય : શ્રી ચાવડાસાહેબ. ડી.ડી. લાડાણી હાઈસ્કૂલ, કેશોદ)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલત્રયી – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
સમી સાંજના દીપ – માધુરી દેશપાંડે Next »   

14 પ્રતિભાવો : શિક્ષક અને વિદ્યાર્થી – સંકલિત

 1. mrudula.parekh says:

  ઉતમ ગુરુવદના ,

 2. જો આજના બધાં શિક્ષકો જો ભાવનગરવાળા પેલાં શિક્ષક સાહેબ જેવું વિચારે તો બાળકોને પુસ્તકો સિવાય જીવનની મૂડી સમાન નૈતિક શિક્ષણ પણ મળે… મેં પણ આવા શિક્ષકો જોયાં છે પણ જૂજ… ૩-૪ ફ્ક્ત… છતાં હજી પણ ઈશ્વરનો ઋણી છું કે મને આવા શિક્ષકો થકી જીવનના પાઠ ભણવાનો અવસર મળ્યો… હું હજી પણ જ્યારે વતન જાઉં અને તક મળે તો અચૂક એમને મળવા જાઉં જ..

  અને માનું છું કે દરેકે પોતાના શિક્ષકોને મળવા જવું જોઇએ….

  ખુબ જ સુંદર સંકલન… માનસિંહભાઈ અને જીતુભાઈ ને ધન્યવાદ આવા સુંદર પ્રસંગો વર્ણવવા બદલ અને મૃગેશભાઈને ધન્યવાદ આસ્વાદ કરાવવા માટે…

 3. સરસ પ્રસંગો … આભાર

 4. Keyur Patel says:

  શિક્ષકો માટે મોટા માં મોટી કોઇ મુડી હોય તો તે છે તેમના વિદ્યાર્થિઓ. શિક્ષકો માટે ઘણી પ્રેરણાદાયી પ્રસંગો.

 5. piyush says:

  ખુબ જ અદભુત!!!!
  વિધ્યાર્થી માટે પ્રેરણાદાયી પ્રસંગ
  આવા શિક્ષકો ની હાલ અછત તો છે જ પરંતુ આવા
  પ્રસંગો તેમની ખોટ પુરે છે

 6. અતુલ જાની (આગંતુક) says:

  મારી માતા એક આદર્શ શિક્ષિકા તરીકેની ભુમિકા ભજવીને નિવૃત થયા છે. મારા દાદા, મોટા બાપુ, બે ફઈબા, કાકા, બે ભાભીઓ, મારી પત્નિ, ચાર પિતરાઈ ભાઈ, બે પિતરાઈ બહેનો આ સહુ નિવૃત અથવા પ્રવૃત શીક્ષક છે. શિક્ષકોની સાચી મુડી તેમના વિદ્યાર્થિઓ અને તે વિદ્યાર્થિઓનો શિક્ષકો પ્રત્યેનો અહોભાવ છે. ઉપર વર્ણવેલ આવા ઘણા બધા પ્રસંગોના સાક્ષી બનવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયેલું છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.