અબોલા – અલતાફ પટેલ

બરાબર બે મહિને સૂરજશેઠ બિઝનેસ કૉન્ફરન્સમાંથી પરવારી બ્રિટિશ ઍરવેઝમાં યુ.કેથી ભારત પાછા ફર્યા ત્યારે ઍરપોર્ટ પર દર વખતની જેમ હરિકાકા મારુતિ-ઝેન લઈને વાટ જોતા ઊભા જ હતા. હરિકાકા માત્ર ડ્રાઈવર જ નહીં, પણ ઘરના એક અંતરંગ સભ્ય જ બની ગયા હતા. એમનો નિખાલસ, નિષ્કપટ ને નિચ્છલ સ્વભાવ તેમજ તિર્યક દષ્ટિને કારણે સૂરજ શેઠ ને જયા શેઠાણી તેમના પ્રત્યે ઊંડો અહોભાવ, આદર ધરાવતા. એટલે જ ગાડીમાં સૂરજશેઠ બેસે કે હરિકાકા લાક્ષણિક અદામાં ઘરની બધી હકીકતથી શેઠને એવા સંપ્રજ્ઞ કરી દેતા કે કોઈ વાતથી શેઠ અનભિજ્ઞ રહેતા નહીં.

પણ આ વખતે કોણ જાણે હરિકાકાના ચહેરા પરના નિર્લેપ ભાવ અદશ્ય જણાયા. ચહેરા પર વર્તાતી તિમિર વેદના સૂરજશેઠની હીરાપારખુ નજર કળી ગઈ. ગાડી મરીન ડ્રાઈવની આસ્ફાલ્ટ સડકો પરથી સડસડાટ આગળ વધી રહી હતી ત્યાં જ સૂરજ શેઠે હિરાકાકાનું અભેદ મૌન તોડવા હળવેકથી કહ્યું : ‘હરિકાકા, ગાડી ધીમી કરો. મારે તમને કંઈક પૂછવું છે. મારો જીવ અકળાય છે.’ સૂરજશેઠે પાછળથી ખભા પર હાથ મૂકી એ સંકેત આપ્યો કે, જે હોય તે સ્પષ્ટ કહો… ભીતિ રાખવાની સહેજે જરૂર નથી.
‘સાહેબ તમે યુ.કે. ગયા એના અઠવાડિયા પછી જ બાબાસાહેબે લગ્ન કરી લીધાં….’

શેઠ એકદમ ટટ્ટાર થઈ ગયા. એમના ચહેરા પર ગુસ્સાની રેખાઓ તણાઈ આવી. તેમનો અવાજ ફાટ્યો : ‘હરિકાકા સાચું બોલો છો ?’
‘હું આપની સામે ક્યારેય જૂઠું બોલ્યો છું ? સાહેબ… બાબાસાહેબ આપણા કૉમ્પ્યુટર સેકશનમાં આવતી એક છોકરીના પ્રેમમાં પડ્યા ને લગ્ન કરી ઘરે લઈ આવ્યા….ઉપરના માળે બંને હાલ રહે છે… શેઠાણી તો સજ્જડ બની બેઠાં છે….’ સહેજ પણ થોથવાયા વિના નિર્ભીક ભાવે હરિકાકાએ સ્પષ્ટતા કરી.
‘શેઠાણીએ નાલાયકોને ઘરમાં પેસવા જ કેમ દીધાં ?’ સૂરજ શેઠનો આક્રોશ હરિકાકાથી અજાણ નહોતો. થોડીવારના મૌન બાદ એમણે ધીમેથી મમરો મૂક્યો : ‘કોઈ નવી વાત નથી સાહેબ… આ જમાનામાં… બાબાસાહેબ ભોળા છે… છોકરી રૂપવતી છે એટલે મોહપાશમાં આવી ગયા…’ શેઠે સીટ પર માથું ઢાળી દીધું.
‘સાહેબ, ધીરજથી કામ લો. મેં કહ્યું ને બાબાસાહેબ ભોળા છે પણ જીદ્દી એટલા જ છે. પ્રેમથી સમજાવજો. હું ય પ્રયત્ન કરીશ. ખૂબ લાડકોડમાં બાબાસાહેબ ઉછરેલા છે… ક્રોધથી કામ લેશો તો વાત વણસશે… બગડશે….’
શેઠે જોશથી મુઠ્ઠી સીટ પર પછાડી.
‘નાલાયકે મારા ને એની મમ્મીના સપનાં સળગાવી દીધાં. એને માટે કરોડપતિ સુમન શેઠની દીકરી શેફાલી બધી રીતે યોગ્ય હતી…. બધાં મીટ માંડીને બેઠાં હતાં ને આ હરામખોરે….’

શેઠ અકળાતા કે ગરમ થતા ત્યારે હંમેશાં કૉફીનો આગ્રહ રાખતા ને પીધા પછી એમનો ક્રોધ ધીમે ધીમે શમવા માંડતો. એ ધ્યાનમાં રાખીને જ હરિકાકાએ આગળના કોર્નર પરની મૈસૂર કાફે પર ગાડી થોભાવી. ‘કેમ ગાડી થોભાવી હરિકાકા ? પ્લીઝ જલદીથી ગાડી ઘરે લઈ લો… એ સુવ્વરને ઘરમાંથી કાઢી મૂકીશ તો જ ચેન પડશે…’ હરિકાકાએ કાકલૂદી કરી શેઠને શાંત પાડ્યા ને ગાડી થોભાવી કાઉન્ટર પરથી બે કપ કૉફી લઈ આવ્યા. શેઠે કૉફી પીધી ને કૉફીએ ખરેખર એનું કામ કર્યું. શેઠ કંઈક સ્વસ્થ બન્યા. એકના એક દીકરાએ કરેલો ઘા તેમને મન નાનોસૂનો લસરકો તો નહોતો જ, પણ દીકરાની ખુશીનો પ્રશ્ન આવતાં કંઈક અંશે તે ટાઢા પડ્યા જરૂર….. ઘરે પહોંચ્યા ત્યારે રાતના અગિયાર થઈ ગયા હતા. હરિકાકા શેઠને ઉતારી, ગાડી ગેરેજમાં મૂકી ચાલ્યા ગયા.

સૂરજ શેઠ ચૂપચાપ કશુંય બોલ્યા વિના તેમના શયનખંડમાં ચાલ્યા ગયા. પહેલી વાર એ જયા શેઠાણીના ખોળામાં માથું મૂકી રડ્યા.
‘હું એની સાથે ક્યારેય વાત નહી કરું જયા… મને એણે અંધારમાં કેમ રાખ્યો…. લોકોને હવે શું મોઢું બતાવવું, બતાવ…’ શેઠાણીથી ડૂસકું ભરાઈ ગયું. થોડીવારે સહેજ સ્વસ્થ થયાં એટલે રડમશ અવાજે બોલ્યા : ‘છોકરી છે તો સારી… મશરૂમ જેવી મુલાયમ, સંગેમરમરની સુડોળ કલાત્મક મૂર્તિ જ જોઈ લ્યો… છે ગરીબ ઘરની પણ સંસ્કાર મોટા ઘરના હોય એમ વર્તે છે….’
‘આવી ગરીબ છોકરીઓ જ ધનિક નબીરાઓને ફસાવી લ્યે છે…. હું તમને ચોખ્ખું કહી દઉં છું જયા… એ છોકરીને વિરલ કાઢશે તો જ એની સાથે બોલીશ…. નહીં તો અમારા વચ્ચે રહેશે અબોલા…’
‘તમેય શું સાવ કઠણ કાળજાના થઈ જાવ છો તે… એણે પસંદગીના લગ્ન કર્યાં એટલે મોંકાણ ઓછી… હવે એ જાણે ને એનું ભાગ્ય…’
‘એનો મતલબ કે તમને વહુ સ્વીકાર્ય છે કેમ જયા… ?’
‘દીકરો રાજી તેમાં આપણે રાજી રહેવું જ પડે….. તમે જાણતા ન હો પણ આપણો વિરલ હૃદયનો એટલો કોમળ છે તે વધારે કંઈક કહેશો તો હાથ ઘસતા રહી જશો…’ શેઠાણીએ કંઈક અંશે શેઠને આમ કહી ડરાવી દીધા. શેઠ, શેઠાણીની આંખમાં દીકરા-વહુ પ્રત્યેનું છૂપું વાત્સલ્ય સળવળતું તાકતા રહી ગયા.

સવારે નાહી-ધોઈને વિરલ ને તેની વહુ આશીકા નીચે આવ્યાં. શેઠાણીએ આંખથી ઈંગિત કરી ડેડીના આશીર્વાદ લેવા બંનેને પ્રેર્યા. શેઠ છાપામાં મોઢું રાખી આરામ ખુરશીમાં બેઠેલા. બંનેએ નજીક જઈ ચરણસ્પર્શ કર્યા. શેઠે પગ પાછળ લઈ લીધાં. હજુ એમનું મોઢું ફૂંગરાયેલું જ હતું.
‘ડેડી, પ્રવાસ કેવો રહ્યો ? કંઈ તકલીફ તો નથી પડીને…’
‘તારા જેવો કપૂત કપાળે લખાયો હોય તો તકલીફ તો પડે જ ને…’ શેઠથી ઉભરો ઠલવાઈ જ ગયો.
વિરલ રોજની ટેવ મુજબ હિંચકે બેઠો. આશીકા બુટ લઈ આવી. બ્રશથી સાફ કરી, મોજા પહેરી વિરલની નજીક બેસી બંને બુટ પહેરાવ્યા. શેઠ ટગર ટગર જોઈ રહ્યાં. વહુના ચહેરા પર ક્યાંય આડંબર કે અહમ દેખાયા નહીં. શેઠના વાકપ્રપાતથી ડઘાયેલા વિરલનો ચહેરો ઊતરેલો જોઈ આશીકાએ એનો ખભો થપકાર્યો.
‘ડેડીના કીધેલાનું માઠું ના લગાડશો, ને આ લંચ બોક્સમાંથી કશું વધારતા નહીં. ને ખાસ તો ગાડી ધીમી હંકારજો. બીજા કશા વિચાર કરતા નહીં….’

ઉંબરા સુધી વહુની સપ્રેમ સૂચનાઓ શેઠ-શેઠાણીના કાન સુધી ગુંજતી રહી. વહુના મધુર, સ્નેહભીના શબ્દોની મીઠાશ શેઠને ગમી. એમ તો શેઠ ઘરે ભાગ્યે જ, રોકાવાનું પસંદ કરતા. આખો દિવસ એમનો પેઢી પર જ પસાર થઈ જતો પણ ફોરેનથી બે મહિને આવ્યા હતા એટલે થોડો દિવસ ઘરે જ આરામ કરવાનું ને શેઠાણી પાસે પેટ ભરીને વાતો કરવા તેમણે વિચારીને જ પેઢીએ જવાનું ટાળ્યું હતું.
‘કેમ આજે એક વાગવા આવ્યો તોય જમવાનું નામ નથી લેતા ?’ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા જયા શેઠાણીએ ટહુકો કર્યો એટલે શેઠ હળવેકથી રમૂજી મૂડમાં ‘શેઠાણી, તમારો હુકમ ન થાય ત્યાં સુધી જમવા કેવી રીતે અવાય ?’ બોલતાં બોલતાં ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠા. સામે શેઠાણી ગોઠવાયાં. આંખો બંધ કરી થોડીવાર પ્રાર્થના કરી પછી આંખ ખોલી તે પૂછે તે પહેલાં જયા શેઠાણીથી હળવેકથી બોલી પડાયું : ‘આપણે જમી લઈશું પછી વહુ જમશે….!!’
સૂરજ શેઠનો કોળિયો ઘડીક અટકી ગયો. શેઠાણી સામે થોડું ઘૂરકિયું કર્યું : ‘શાંતિથી જમો અને મનેય જમવા દો….’ શેઠાણી છોભીલા પડી ગયાં. ગમે તે હોય પણ એ બપોરે શેઠ રોજ કરતાં કંઈક વધુ જમ્યા. ઊઠતાં ઊઠતાં બોલ્યાય ખરા : ‘આજે રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બની છે.’ એમણે રસોડા તરફ મોઢું કરી બૂમ મારી : ‘મહારાજ…. ઓ મહારાજ બહાર આવો તો…’
‘મહારાજ તો મહિનાથી વતનમાં ગયા છે, ક્યાંથી આવે ?’
‘તો આ રસોઈ ?’
‘વહુએ બનાવી છે. કહે છે કે મમ્મી, રસોઈ તો હું જ બનાવીશ. મહારાજ તેલ, ઘી, મસાલા ખૂબ બગડે છે.’ શેઠ ચૂપ થઈ ગયા. મૂછમાં હસતા હસતા બેઝિનમાં હાથ ધોઈ સોફા પર ગોઠવાયા.
‘આશીકા, તને આટલી સરસ રસોઈ બનાવતાં કોણે શીખવ્યું ?’ શેઠ આગળ આવવાની હિંમત તો આશીકામાં નહોતી એટલે તેણે રસોડાના દરવાજાના એક ખૂણેથી જ ઊભા ઊભા મૃદુ સ્વરે કહ્યું : ‘મમ્મી, મારા મમ્મી તો હું પાંચ વર્ષની હતી ત્યારે જ પરલોક સિધાવી ગયેલાં… ત્યાર પછી મેં ડેડી સાથે રહીને ઘણું બધું શીખી લીધું.’
‘હવે વાતો જ કર્યા કરીશ કે જમવા બેસીશ ?’ શેઠે ઘૂરકિયું કર્યું એટલે આશીકા ચૂપચાપ જમવા બેસી ગઈ.

બપોર થયા. ત્રણેક વાગે વામકુક્ષી માટે સૂતેલા શેઠની આંખ અચાનક ફોન પરથી વાતચીતથી ઊઘડી ગઈ. આશીકાનો અવાજ સંભળાતો હતો.
‘હેલ્લો વિરલ… મેં તમને ટેબ્લેટ્સ આપી હતી તે લીધી કે નહીં ? તમે ય જબરા ભુલકણા છો… ગઈકાલથી તમને ટેમ્પરેચર રહે છે તેની તમને ખબર છે ને ? રાત્રે શાંતિથી ઊંઘ્યા ય નથી…. પ્લીઝ મારા ખાતર હમણાં જ ચા-નાસ્તો કરી ટેબ્લેટ્સ લઈ લો… અને હાં, ડેડીને મારા હાથની રસોઈ ખૂબ ભાવી છે…. સાચું કહું, ડેડી ખૂબ ભલા છે. બિલકુલ મારા ડેડી જેવા…’
એ સાંભળીને પથારીમાં સૂતા સૂતા જ શેઠ પોંખાયા.

એ પછીના અઠવાડિયે શેઠને પેઢીના કામે મુંબઈ જવાનું થયું. મુંબઈ પહોંચીને હોટલમાં જઈ રાત્રે શેઠે બેગ ઉઘાડી જોયું તો કપડાં, દવાઓ, નાસ્તાનો ડબ્બો એટલું સરસ રીતે બધું ગોઠવેલું કે તેમને એક નવીન લાગણીની પ્રતીતિ થઈ. એમનાથી રહેવાયું નહીં એટલે અડધી રાત્રે ફોન કરી શેઠાણીને પૂછી લીધું કે વહુએ જ બેગ તૈયાર કરી હતી ને ? હકારમાં જવાબ સાંભળીને મનોમન એ રાત્રે શેઠ ખૂબ ફુલાયેલા. ઘરે પાછા ફર્યા ત્યારે સૂરજ શેઠે જોયું તો શેઠાણી પણ પ્રસન્નતાથી મા’તાં નહોતાં.
‘તમને ઘરમાં કંઈક નવીન દેખાય છે ?’
‘આ નવા પડદા લગાવ્યા છે તેની જ વાત કરો છો ને જયા… ?’
‘હા…. પડદા કેવા લાગ્યા ? આશીકાએ જાતે સીવીને તૈયાર કર્યા… કહેતી હતી કે ડેડીને સરપ્રાઈઝ આપીશું. બોલો કોઈ કારીગર પણ આટલી સફાઈ અને સિફતથી તૈયાર કરી શકે ?’ શેઠે કાન પકડ્યા.

જમીને પાનનો ડબ્બો લઈ શેઠાણી શેઠ પાસે બેઠાં ને વળી વહુની વાત વહેતી મૂકી : ‘તમે નહીં માનો, આશીકાના ડેડીની તબિયત ખૂબ બગડેલી. એમના પાડોશી હૉસ્પિટલમાં લઈ ગયા. અહીં સમાચાર આપ્યા પણ એ જ અરસામાં મને અચાનક ટાઢિયો તાવ શરૂ થઈ ગયો. મારા તો હોશકોશ ઊડી ગયા. મેં અને હરિકાકાએ આશીકાને એના ડેડી પાસે હૉસ્પિટલ જવા આગ્રહ કર્યો પણ આશીકા એકની બે ન જ થઈ. મમ્મી, તમને આવી હાલતમાં મૂકીને તે કાંઈ જવાતું હશે ?… ને છેવટે બે દિવસે મને સારું થયું ત્યારે વિરલ સાથે ઊભી ઊભી જઈ આવી.’
‘વહુ કેટલી અણસમજુ ને અણઆવડતવાળી છે…’ અમસ્તાં જ કટાણું મોઢું કરી જયા શેઠાણીએ શેઠનું મન જાણવા ઠહકું કર્યું. શેઠ ટેવ પ્રમાણે હળવાશથી જ સ્મિત વેરતા બોલ્યા : ‘શેઠાણી, તમે જૂઠું બોલો છો તો તુરત પકડાઈ જાવ છો…’

પણ એ રાત્રે વિરલ ને આશીકા બહારથી ફરીને આવ્યાં ત્યારે શેઠ અને શેઠાણી તો વહુને આશ્ચર્યમુગ્ધ જોતાં જ રહી ગયાં. વિરલ દાદરો ચઢી ઉપર ગયો એટલે જયા શેઠાણીએ આઠ માસમાં પ્રથમવાર કરડાઈથી શેઠ સાંભળે એમ પૂછ્યું : ‘આ શું આશીકા… તારો ચોટલો કેટલો લાંબો ને સુંદર હતો ! તેને કપાવતાં તારો જીવ કેમ ચાલ્યો. આ બોબ્ડ હેરથી આછકલાઈ દેખાયા વિના રહેતી નથી.’ આશીકા ઘડીક મૌન રહી. શેઠને પણ વહુ શું ઉત્તર આપે છે તે જાણવાની તાલાવેલી જાગી ઊઠી. ઘડીક વાતાવરણ બોઝિલ બની ગયું. આશીકાએ સ્મિત સાથે ગરદન ઊંચી કરી કહ્યું : ‘મમ્મી, તમે તદ્દન સાચું કહ્યું. ચોટલો કપાવતાં જીવ ખૂબ બળ્યો. તમને નહીં ગમે એનોય પૂરો ખ્યાલ હતો. વળી વાળના જતનમાં મેં શરૂઆતથી જ ખૂબ કાળજી લીધી હતી પણ…’
‘પણ….શું ?’ શેઠાણી વળી તાડુક્યાં. આશીકા ઘડીક ઓઝપાઈ ગઈ. પછી ઘડીક વિચારી બોલી : ‘મમ્મી, વિરલને આવા જ વાળ પસંદ છે. એટલું જ નહીં એ મારી પાસે જિન્સ-સ્કર્ટનો આગ્રહ પણ રાખે છે. એમના મિત્રની પત્નીઓ પણ ઘણી વાર આવાં ફેન્સી કપડાં પહેરે છે એટલે એમનું મન પણ મારી પાસે એમ જ કરવા પ્રેરે છે… ને તમે તો જાણો છો મમ્મી, એમની ખુશી આગળ મારા માટે બધું જ નિરર્થક, તુચ્છ છે… એમના માટે તો વાળ શું હું મારો જીવ પણ આપી દઉં…’

આટલું સાંભળતાં જ શેઠથી અનાયાસે તાળીઓ પડી ગઈ. ને ભારેખમ થઈ ગયેલો શેઠાણીનો ચહેરો પણ ચમકી ઊઠ્યો. તેમણે આશીકાના માથે હાથ મૂકી હર્ષાવેશમાં કહ્યું : ‘બેટા, પતિ પ્રત્યેનો તારો અસીમ પ્રેમ જ બતાવી આપે છે કે તેં તારા શિક્ષણ, સંસ્કારને ખરેખર દીપાવ્યાં છે… અમને તો ખરેખર એવી જ વહુની જરૂર હતી જે અમારા દીકરાનું મન સાચવે. એનું કદીયે દિલ દુભાવે નહીં…’

એ બપોરે આશીકા જયા શેઠાણી સાથે ડૉક્ટર પાસે ગયેલી ત્યારે વિરલ ધીમે પગલે નીચે આવ્યો. ઘણા લાંબા સમયે એ શેઠ સામે બેઠો.
‘ડેડી, હું જાણું છું તમે પ્રણ લીધું છે કે હું આશીકાને છોડીશ તો જ મારી સાથે વાત કરશો. સાચું કહું, તમારી આગળ આશીકા તો શું, કોઈની વિસાત નથી. મમ્મી-ડેડી જ મારા માટે સર્વસ્વ છે. તમે કહેતા હોવ તો હંમેશા માટે આશીકાને એના ડેડીને ઘેર…’
‘નાલાયક, બેશરમ, આવી સંસ્કારી, કુળને દીપાવનારી વહુને તે છોડાતી હશે ? તારી મતિ મારી ગઈ છે કે શું ?… તારા જેવો મૂર્ખ, બેવકૂફ આજદિન સુધી જોયો નથી… મારી વિદ્યાવંત વહુ માટે એક વાર તો આવું બોલ્યો, બીજી વાર બોલ્યો છે તો ટાંટિયા તોડી નાંખીશ…’

વિરલની આંખો અશ્રુભીની બની ગઈ. બંને બાપ-દીકરો ભેટી પડ્યા. શેઠે વિરલના માથે હાથ પસારી કહ્યું : ‘બેટા, વહુને આ ચાર દીવાલોમાં જ ગોંધી રાખવાની છે કે શું ? જલદીથી સિંગાપુર જવાની તૈયારી કરો… મેં બધી જ વ્યવસ્થા કરી દીધી છે…’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમી સાંજના દીપ – માધુરી દેશપાંડે
બંધનમાં મુક્તિ – પૂજા શાહ Next »   

18 પ્રતિભાવો : અબોલા – અલતાફ પટેલ

 1. વિનોદ, સિડની says:

  સુરજ બરજાત્યા ની ફિલ્મ ની સ્ટોરી યાદ આવી ગઈ…!! જેમાં મોટેભાગે આદર્શ પરિવાર ની goody goody વાતો હોય છે. Apart from that, વાર્તા ની રજુઆત અને શૈલી ખુબ જ રોચક અને સરસ છે.

 2. mrudula.parekh says:

  જ્યા શૅઠાણીને ફળ્યા, તેવા સૌને ફળો.

 3. Bhavin Kotecha says:

  સરસ વારતા, everyday start with readgujarati. ખુબ ખુબ અભિનદન .

 4. Alpesh Patel says:

  Good story, Always Come out with assumption & perception

 5. salman says:

  ઘણુ સરસ. ખુબ પસંદ આવી.

 6. valibhai Patel says:

  ખરેખર કઈંક લખેલુ કહેવાય. ખુબ સરસ છે.

 7. Keyur Patel says:

  બહુ વાર લગાડી શેઠે – માનવામાં. પણ વહુ સારી નીકળી હોં………..

 8. સુરેશ જાની says:

  વાર્તા તો સારી છે પણ કઇ સાલની આ ઘટના છે તે લખ્યું હોત તો ઠીક થાત .
  40 કે પચાસ વર્ષ પહેલાંની વાત લાગે છે !!

 9. Aruna says:

  Alas ! Can this happen nowadays??? we shud hope for d best.

 10. Chiragali says:

  દિલ ne tuch kari gai…………………………….

 11. farzana aziz tankarvi says:

  refreshing storyline…..good

 12. ગાંડાભાઈ વલ્લભ says:

  સરસ વાર્તા. દીકરો પિતૃભક્ત હોવા છતાં બાપ કરોડપતિની છોકરી સાથે પરણાવી દેવાની પેરવીમાં હશે તે જાણતો હશે માટે જ બે માસની પિતાની ગેરહાજરી દરમિયાન લગ્ન પોતાની પસંદગીની પ્રેમિકા સાથે કરી લીધાં હશેને!!
  આભાર મૃગેેશભાઈ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.