સારાપણાનો જીવનાનંદ – રમણ પાઠક ‘વાચસ્પતિ’

Give me the strength,
To raise my head,
High above the daily trifles !
– Rabindra Nath Tagore

હે પિતા, તું મને એવી શક્તિ આપ કે જેથી હું મારું મસ્તક રોજિંદી તુચ્છતાઓથી પર-ઊર્ધ્વ રાખી શકું ! કવિવર રવીન્દ્રનાથની આ પ્રાર્થના જીવનનાં શાંતિ-આનંદ પરત્વે કેળવવા યોગ્ય એક વિશિષ્ટ અભિગમરૂપ છે.

એક જિજ્ઞાસુ મિત્રે મને પ્રશ્ન કર્યો કે ‘માણસના જીવનમાં મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય કયું ?’ મેં જવાબ આપ્યો : ‘સારા માણસ થવું તે !’ મારો આવો ઉત્તર સાંભળી, તેણે બીજો પ્રશ્ન કર્યો : ‘જીવનમાં સહેલામાં સહેલું કાર્ય કયું ?’ ઉત્તરમાં મેં એ જ કહ્યું : ‘સારા માણસ બનવું તે’ આવો વિચિત્ર જવાબ સાંભળીને પેલો મિત્ર તો મૂંઝાયો. તેણે પૂછ્યું, ‘તમારા ઉત્તરો પરસ્પર વિરોધી છે, એ બંને સત્ય કેમ કરીને સંભવે ?’
મેં કહ્યું : ‘જીવનની એ જ તો ખરી અકળ કોયડારૂપ સંકુલતા છે કે, પરસ્પર વિરોધી હકીકતો હેઠળ સત્ય ઢંકાયેલું રહે છે, જેથી જીવનાનંદની પ્રાપ્તિ દુર્લભ બને છે, જે હકીકતે સહેલી વાત છે. શ્રીમદ ભગવદગીતા પ્રબોધે છે :
‘મેં અમુક પ્રાપ્ત કર્યું, હવે હું પેલું મેળવી લઈશ. અને એ રીતે પછી અમુક તો મારું થવાનું જ…. મેં પેલા શત્રુને હણ્યો હવે હું આ બીજા શત્રુઓને મારીશ….’ (16/13-14)

આવી સેંકડો તુચ્છ મહત્વાકાંક્ષાઓનાં બંધનથી બદ્ધ મનુષ્ય સુખ અને આનંદ પામી જ કેવી રીતે શકે ? માટે જ કવિવર ટાગોર પોતાના પરમ પિતાને પ્રાર્થે છે કે, હે ઈશ્વર, તું મને રોજિંદી સામાન્ય તુચ્છતાઓથી પર રાખજે ! માનવજાતની આ જ તો મોટી કરુણતા છે કે, તેનું ચિત્ત નિરંતર જીવનની સાવ સામાન્ય, નગણ્ય ઘટનાઓના મિથ્યા મોહમાં રમમાણ રહે છે. કેવળ સારા માણસ જ નહીં, સુખી, શાંત તથા સ્વસ્થ પુરુષ થવું હોય તો પણ તુચ્છતાથી ઉપર ઊઠો ! આપણા એક ભક્ત કવિએ વળી આવી જ એક બીજી અર્થસભર કવિતા ગાઈ છે :
હંસા, તું સૂરજનો કટકો,
જઈ અંધારે અટક્યો ?
અત્રે આધ્યાત્મિક સંદર્ભને અવગણીએ તો પણ માણસ કેવું મહાન, ચિદ્દશક્તિ સંપન્ન, વિવેકબુદ્ધિથી સજ્જ પ્રાણી છે ! શેક્સપિયર યોગ્ય જ કવે છે :
What a piece of work is man !
How noble in reason ?
How infinite in faculty ? (Hemlet-II)
અને આમ છતાં, માનવજાતની વિરાટ બહુમતી દુ:ખી છે, જેનાં કારણોના સારરૂપ કારણ એક જ છે કે, માણસ સદાય તુચ્છતાઓથી ગ્રસ્ત-ત્રસ્ત રહે છે. એનાથી મુક્ત થવા તે નિ:શંક શક્તિમાન છે, છતાં એને એમાંથી છૂટવું જ નથી. કારણ કે, ગુર્જિયેફ કહે છે તેમ, માણસને પોતાની મૂર્ખતાય ગમે છે, તેને તેની વેદનાઓય પ્યારી લાગે છે ! આથી જ સંસારમાં સુખી થવું એ સહેલું છે, પરંતુ એ જ સૌથી વધુ મુશ્કેલ કાર્ય છે. તે જ રીતે સારા માણસ થવું એ સહેલી વાત છે, તેમ છતાં માણસ માટે મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પણ સારા માણસ થવાનું જ છે, પરંતુ દુ:ખદ હકીકત જ એ છે કે, સામાન્ય માણસને દુ:ખી થવામાં જ સુખાનુભવ પ્રતીત થાય છે ! મનુષ્ય વાસ્તવમાં પોતે જ પોતાને હણતો હોય છે અને એમ આપણે જ આપણા શત્રુ બની બેસીએ છીએ ! કારણ કે આપણે જીવનભર તુચ્છતાનું જ મનન કરીએ છીએ અને તુચ્છતામાં રાચીએ છીએ.

વ્યાકરણશાસ્ત્ર ભાષામાં ત્રણ ‘પુરુષો’ ગણાવે છે : હું, તું અને તે ! માણસેય સમાજને આવા ત્રણ વિભાગોમાં વિભક્ત કરી નાખ્યો છે : અમે, તમે અને તેઓ. બસ, આવું વ્યાકરણવાદી વિભાજન ત્યજીને જો સર્વ કોઈ ‘આપણે’ એવા આત્મલક્ષી પહેલા પુરુષનો જ સ્વીકાર કરી લે, તો કેવળ વ્યક્તિગત જ નહીં, બહુજન-હિત પણ હાથવેંતમાં જ આવી પડે. (ગુજરાતી ભાષાની આ વિશિષ્ટતાય નોંધવા જેવી છે : આપણી ભાષામાં ‘અમે’ અને ‘આપણે’ એ બે શબ્દો સ્પષ્ટત: અર્થભેદ અભિવ્યક્ત કરે છે. હિંદીમાં ‘હમ’ યા અંગ્રેજીમાં ‘WE’ શબ્દો આવી સૂચક અર્થચ્છાયાઓ સ્પષ્ટ કરતા નથી.) ‘ફલાણો મને બનાવી ગયો, હવે તો હું તેને શીશામાં ઉતારું જ ! ઢીંકણાએ મારું અપમાન કર્યું, પણ હુંય એનો બદલો લઈશ જ. તે સમજે છે શું તેના મનમાં ?’ – કેવી કેવી મિથ્યા અને તુચ્છ ‘મહત્વાકાંક્ષા’ઓમાં અટવાતા તથા અકળાતા આપણે નિરર્થક-અસ્વસ્થ ભટક્યા કરતા હોઈએ છીએ ? વાસ્તવમાં, જો આપણે યથાર્થ સમજતા હોઈએ કે, અમુક માણસ મને મૂર્ખ બનાવે છે, યા તો બનાવવા ઈચ્છે છે, તો એવી સમજદારી બાદ, બનાવવાપણું રહે છે જ ક્યાં ? એને બદલે, એથી આપણો વ્યવહાર ઉદારતાનો, ત્યાગનો બની જાય છે, જેથી આપણામાં સુખદ આત્મગૌરવ પ્રગટી શકે અને પોતાની જાતની મહત્તા પ્રાપ્ત કરવી તથા તે પ્રમાણવી, એના જેવો આત્મસંતોષ અન્યથા બીજો ક્યો હોઈ શકે ? અને સ્વપ્રાપ્ત અને સ્વપ્રમાણિત આત્મસંતોષ એ તો સુખનો પાયો છે. લોકભાષામાં એને ‘મન મોટું રાખવું’ એવું કહે છે, જે મુશ્કેલ છતાં એકદમ સરળ સિદ્ધિ છે અને સારા માણસ બનવાની ઊર્ધ્વગામી નિસરણીનું એ પહેલું પગથિયું છે. માણસના જીવનના આનંદની શરત શરીરનું મોટાપણું નહીં, મનની મોટાઈ છે. આપણા પૂર્વજ ઋષિ-મુનિઓ સુયોગ્ય જ કહી ગયા છે કે, ‘ભૂમૈવ સુખમ’ ભૂમામાં જ સુખ છે. અર્થાત માનવનાં મનની અને જીવનની વિશાળતામાં જ આનંદ વસી શકે છે. તુચ્છતા એટલે જ લઘુતા, અર્થાત સંકડાશ. આનંદ પદાર્થ સ્વયં વિરાટ છે, એને કદાપિ સાંકડાં-રાંકડાં હૃદયોમાં વસવાનું ફાવે જ નહીં.

દુનિયાદારીના નિષ્ણાત મિત્રો મને ઘણી વાર સલાહ આપે છે કે : ‘મિત્ર, તમારી ભલમનસાઈનો કેટલાક લોકો ખોટો લાભ ઉઠાવે છે. આ દુનિયામાં બહુ ભલા થવામાં જોખમ છે. ભલાને લોકો ભોળો અથવા મૂર્ખ સમજે છે…’ આવા હિતેચ્છુ સલાહકારોને હું મનમાં જ જવાબ આપી રહું છું કે, ‘ભાઈઓ, મને બિનભલો બનવાની સલાહ આપનારા તમને ખુદને જ, મારી ભલમનસાઈનો કેટલો બધો લાભ મળે છે, એ પ્રથમ વિચારો અને પછી બીજાનેય એવો લાભ થોડો થવા દ્યો ને !’ જ્યારે હું બરાબર સમજતો હોઉં છું કે, અમુક-તમુકે ચોક્કસ પ્રસંગે મારી ભલાઈનો લાભ લીધો, ત્યારે ખરેખર તો મને આનંદ-સંતોષ જ થવો જોઈએ ને ? તમારી પાસે કોઈ વસ્તુ હોય, પરંતુ એનો લાભ જ જો કોઈને મળતો ના હોય તો એવા અવાવરુ કૂવા જેવા સદગુણનો પછી અર્થ જ શો ? ભલાઈનું પણ એવું જ સમજવું. વિદ્યાની જેમ કેટલીક સિદ્ધિઓ વાપરવાથી જ વધે છે. ‘વ્યયે કૃતે વર્ધતિ નિત્યમેવ’ ભલમનસાઈ એ પણ તમારી આવી જ એક રિદ્ધિ-સિદ્ધિ છે.

સંસારમાં આનંદો જાતજાતના છે, અસંખ્ય છે, પરંતુ એમાં અન્યને આનંદ આપવાના આનંદ જેવો બીજો આનંદ એક પણ નથી. દૂધવાળા છોકરાને હું વહેલી સવારે મારા નાસ્તામાંથી થોડોક ચખાડું, કામવાળાં બહેનને પગાર ઉપરાંત પાંચ-દસ રૂપિયા વધારે આપી દઉં, ચંદુ ગાંડાને ત્રણ-ચાર રૂપિયાની બાદશાહી ચા ક્યારેક પાઈ દઉં, પટાવાળા કે પોસ્ટમેનને બહુવચનમાં સંબોધું અને પ્રસંગોપાત પચ્ચીસ-પચાસ ઉછીના આપી દઉં, ઘરઆંગણાની સફાઈ કરવા આવનાર રાજુ (ઝાડુવાળા) ને ઘરમાં આવી પડેલી મીઠાઈ વડે મોં મીઠું કરાવું, ક્યારેક તો થોડો ભૂખ્યો રહીને પણ એનો જમવાનો હિસ્સો કાઢું જ, બાલભિખારીને જોઈને તો દ્રવી જ જાઉં, મીઠી વાતો કરતાં એને ચોકલેટ-બિસ્કિટ અપાવું, ગમે તેવું અગત્યનું કામ છોડી બાળકો સાથે રમવા લાગી પડું કે કોઈ અશક્તનું કામ કરી આપું….. ત્યારે વ્યવહારદક્ષ શાણા લોકો મને ઠપકો આપે છે કે, ‘આવાં બધાંને તમે આવી ખોટી ટેવો પાડો છો !’ પણ મારા સાહેબ, પેલા સૌના ચહેરા પર ક્ષણભર ચમકી જતો આનંદ જોઈ, જીવનની સાર્થકતાનો આનંદ અનુભવવાની ટેવ મને ખુદને જ પડી ગઈ છે તેનું શું ? જો જીવનનો એ આનંદ હું ગુમાવી દઉં, તો પછી મૈત્રેયીની જેમ પેલો અનુત્તર પ્રશ્ન જ મને તો પીડ્યા કરે કે, ‘જે સુવર્ણ મને જીવનનો આનંદ જ અર્પી શકતું નથી, એવા સુવર્ણને હું શું કરું ?’

સ્વાર્થ તથા એકલપેટામાં માણસને આનંદ આવે જ કેવી રીતે ? એ પ્રશ્નનો ઉત્તર જીવનભર શોધ્યા છતાંય, હજી મને મળ્યો નથી. દા.ત. દાયકાઓથી હું એકલો જ રહેતો આવ્યો છું, સાવ એકલો ! હવે ધારો કે હું મારા ઘરમાં એકલો-એકલો મિષ્ટાન્ન બનાવીને ઝાપટું, એમાં શો આનંદ આવે ? હા, કદાચ થોડી ક્ષણો જીભનો સ્વાદ ગમે, પણ પછી શું ? કલાકોમાં તો સ્વાદ ઓસરી જાય અને ખાધેલુંય પચી જાય અને અંતે કદાચ બધું મિથ્યા જ સમજાય. કારણકે સ્થૂળ આનંદો ક્ષણજીવી હોય છે. એથી ઊલટું કોઈને ખવડાવ્યાનો, આનંદ આપ્યાનો આનંદ અને એમાંથી અનિવાર્યતયા ઉદ્દભવતો સ્નેહભાવ કે લાગણીના સંબંધો પુન: પુન: રોમાંચ જગાડતા રહે, એ તો જે અનુભવે તેને જ સમજાય. પ્રશ્ન સંવેદનશીલતાનો છે, કારણ કે, માણસમાં હજી મોટા પ્રમાણમાં એનો પૂર્વજ પશુ કૂદાકૂદ કરે છે. અને એટલે જ અંધ એકલપેટાપણુંય જડ હૃદયને અસ્વસ્થ યા સંચિત ન પણ કરે. બાકી સજાગ હો, નિજી સંવેદનતંત્રને યથાર્થ પ્રમાણી શકતા હો તો ક્યારેક પૃથક્કરણાત્મક નિરીક્ષણ કરી જોજો : સંતાડીને કે ચોરી-છૂપીથી જાતે ખાઈ જવા કરતાં, ભૂખ્યા રહીનેય અન્યને ખવડાવી દેવાનો જે આનંદ છે, એ અજોડ છે અને આ કેવળ આહાર કેન્દ્રી હકીકત નથી. આ આનંદ તો વિખેરવાનો આનંદ છે, વિખેરવાનો અને વિખેરાવાનો પણ. જરા સૂક્ષ્મ સત્ય વ્યક્ત કરું તો, અન્યોને આનંદ આપતાં, આપણે સ્વયં વિખેરાઈ જઈએ છીએ, ત્યારે બીજાઓમાં આપણી જાતને જોવાનો એ આધ્યાત્મિક આનંદ છે : તત ત્વમ અસિ ! એથી વિશેષ આધ્યાત્મિકતાની માણસને કશી જ જરૂર નથી.

પોતાની લાગણી પર કાબૂ રાખવો, એ માણસના સારાપણાનું જ લક્ષણ છે. પોતાની લાગણી પર કાબૂ રાખીએ અને સામાની લાગણીનો સતત ખ્યાલ કરીએ, ત્યારે ઉભય પક્ષે પ્રસન્નતા પ્રગટે છે : માર્ગમાં કોઈ બે ધ્યાન, ચિંતન મગ્ન કે ચિંતાતુર જન આડો આવી જાય અને વાહનને મારે જોરદાર બ્રેક મારવી પડે, પેલો ગભરાઈ જાય, ત્યારે ક્રોધે ભરાઈને, ‘આંધળો છે ? મરવું છે ?’ એવાં કઠોર વચનો ઉદ્દગારવાને બદલે, હું તો હસી પડું છું. પેલોય પ્રસન્ન-પ્રસન્ન ભાવે સામે હસે છે અને મને મારી જિંદગી ધન્ય લાગે છે. આવી પ્રસન્ન મનોદશાની પ્રાપ્તિ, એય જીવનનો અનુપમ લહાવો છે, એટલું જ નહીં એ માનવજાતનાં સુખ-શાંતિ તથા બંધુતાનો જ માર્ગ છે. કારણ કે જો સર્વ કોઈ માણસજન આ જ સુખદ, સ્વસ્થ અભિગમને અપનાવે, તો આ સંસાર કેટલો બધો જીવવા જેવો સરસ-સુંદર બની રહે !

લોભથી લોલુપતા દાખવતા, ક્રોધથી ફાટફાટ થતા, અહંભાવથી ફુલાતા-ફરતા, તુચ્છ, ક્ષુદ્ર બાબતો માટે જાન પર આવીને લડતા-ઝઘડતા, જિંદગીના અંતિમ તબક્કે પણ પોતાની તુચ્છ સ્થૂળ પ્રાપ્તિને જળોની જેમ વળગ્યા કરતા, અજ્ઞાનમાં ડૂબેલા, તુચ્છતાપીડિત જનોને જોઉં છું અને મનેય પેલા ધાર્મિક ઉપદેશકોના જેવો જ પ્રશ્ન ઊઠે છે કે ‘આ લોકો સાથે શું બાંધી જવાના ?’ આવા કમભાગી જીવો જીવનનો અર્થ જ નથી સમજ્યા, ત્યાં જીવનનો આનંદ તો પામી શકવાના જ શી રીતે ? તેઓને કોણ સમજાવે કે, જીવનનો સાચો, નિરપેક્ષ આનંદ હું પણાની હવાઈ સ્થાપનામાં નથી, હું-ભાવ ત્યજીને અમે-ભાવ કેળવવામાં જ જીવનની ખરી મજા છે. આવો ભાવ કેળવવા માટે અનિવાર્યતા છે – તુચ્છતાથી ઊર્ધ્વ ઊઠવાની, મસ્તક ફરસની નિમ્ન તુચ્છતામાં ખૂંપેલું રાખવાને બદલે, ઉચ્ચ, ઉપર, ઊર્ધ્વ, highabove, ગગનલક્ષી રાખો ! નીચેની ધરતી માપવાનું કામ તો પગનું છે. આંખ તો ઉન્નત અંગ છે, એને સદાય ઉન્નત તાકવાની જ ટેવ પાડો ! તુચ્છતાની વ્યાખ્યાને ત્યજી, ઉદારતાની વ્યાખ્યાનેય નિરંતર વિસ્તારતા રહીએ, તો જીવનના આનંદનાં દર્શન થાય. તુચ્છ પ્રાપ્તિઓના થરના થર ચઢાવી, આ સ્થૂળ દેહના બોજને વધારવા તથા વેંઢરતા ફરીએ, એને બદલે વિખેરતા અને વિખેરાતા રહી, હળવાફૂલ બનીને વિહરીએ, તો પછી બસ આનંદ જ આનંદ છે. આમ, સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિક્ષણ – રાજેન બ્રહ્મભટ્ટ
ક્રેડિટ કાર્ડ – રતિલાલ બોરીસાગર Next »   

16 પ્રતિભાવો : સારાપણાનો જીવનાનંદ – રમણ પાઠક ‘વાચસ્પતિ’

 1. neetakotecha says:

  khub saras vat . bija mate vadhare nahi pan thodu jivi janiye to pan j aanad made che e aanad lutta hoy a loko ne j khabar pade k ema su maja aave. samevada vyakti na modha par khushi nu j ek kiran aavi jay che enathi jindgi safad thai jay che. khub saras vat kari badha e aa vi koshish roj karvi.

 2. Ashish says:

  ગુજરાતીમા.

  ખુબ સરસ વાત. બીજા માટે વધારે નહી પણ થોડુ જીવી જાણિયે તો પણ જે આનન્દ મળે છે એ આનન્દ લુટયો હોય એ લોકો ને જ ખબર પડે કે એમા શુ મજા આવે. સમેવડા વ્યક્તિ ના મોઢા પર ખુશી નુ જે એક કિરણ આવી જાય છે એનાથી જિન્દગી સફળ થઈ જાય છે. ખુબ સરસ વાત કરી બધાએ આવી કોશીશ રોજ કરવી.

 3. Aruna says:

  Yes. its gud to be nice to others, it gives u tremendaous pleasure. gud article. thanks n rgds

 4. Archana says:

  Sarad rahewu sache j jetlu muskel chhe etlu j sahelu chhe. Ahi jem kahyu chhe ne vikherata ane vikherata rahewu ema hu umeris ke khankherata rahewu. E badhu je sullak chhe ene roje roj khankherata rahewu. Koi ni mate rakhelu zer rakhyu apde apdama j rakhyu ne ? Awo nakaratamak bhar lai ne farwu ena karata awu badhu khankheri ne halka fulka farwama j sacho anand chhe.

 5. What a chalenging life as we face day to day.

 6. Priyank says:

  એકદમ સરસ !

  “કટાઇ જવા કરતા ઘસાઇ જવુ સારુ”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.