- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ભગવાનની ટપાલ – ગુણવંત શાહ

[ ગુજરાતી સાહિત્યના વાચકોને ‘ગુણવંત શાહ’ નામનો પરિચય આપવાની જરૂર ન હોય. ‘કાર્ડિયોગ્રામ’, ‘વિચારોના વૃન્દાવનમાં’ થી લઈને ‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ સુધી તેમની લેખન યાત્રા જીવન, આરોગ્ય, ધર્મ, ચિંતન, વિચાર, અધ્યાત્મ, શિક્ષણ, પ્રવાસ વગેરે જેવા અનેક ઘાટોથી પસાર થઈ છે. માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ, પરંતુ હિન્દી, મરાઠી, અંગ્રેજી, તમિળ ભાષામાં તેમના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમના પુસ્તક ‘ભગવાનની ટપાલ’ માં લખાયેલા લેખો અને વિચારો આપણા જીવનને સહજધર્મની વધારે નજીક લઈ જાય છે અને માનવતાના મૂલ્યોને વિકસાવવામાં મદદરૂપ થાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ આદરણીય શ્રી ગુણવંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

[1] રોજ પ્રભુને ‘થૅન્ક યૂ’ કહેજો.

એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય ? સાબુને, મહેનતને કે પાણીને ? ઘણા મંથનને અંતે એ વિચારવંત ધોબીને સમજાયું કે :
1. પાણી ન હોય તો સાબુ કશાય ખપનો ન રહે.
2. પાણી ન હોય તો બધી મહેનત પાણીમાં જાય.
3. કપડાં ધોવાય તેનો ખરો જશ પાણીને ફાળે જાય છે.

આવું વિચારનારો ધોબી કંઈ સાબુવિરોધી કે પુરુષાર્થવિરોધી માણસ ન હતો. ભક્ત તે છે, જેને બઘી ઘટનાઓમાં ઈશ્વરની કૃપાનાં જ દર્શન થાય છે. કશુંક અનિચ્છનીય બને તો તેમાં પણ ભગવદકૃપા નિહાળે તેનું જ નામ ભક્ત ! ભક્ત કદીય મથામણનો ત્યાગ ન કરે. મથામણને અંતે એ નિષ્ફળ જાય તોય કહે છે : ‘હે માલિક ! જેવી તારી મરજી.’ વિચારે ચડી ગયેલો પ્રબુદ્ધ ધોબી આપણો ગુરુ બની શકે.

કૃપાનુભૂતિ ભક્તનો સ્થાયીભાવ છે. જીવન યોગ્ય વિકલ્પની પસંદગીનું બનેલું છે. જ્યાં પોલ સાર્ત્ર મહાન અસ્તિત્વવાદી હતો. એણે પસંદગી (ચોઈસ)નો મહિમા કર્યો. ભક્તની શ્રદ્ધા પસંદગી-મુક્તિ (ચોઈસલેસનેસ) પર એટલે કે ઈશ્વરની ઈચ્છાને આધીન રહેવા પર અધિક હોય છે. પાંડવ-ગીતામાં માતા કુન્તી કૃષ્ણને પ્રાર્થનાપૂર્વક કહે છે : ‘હે હૃષીકેશ ! મારાં કર્મોને પરિણામે જે જે યોનિમાં મારો જન્મ થાય, તે તે જન્મમાં મારી ભક્તિ દઢ રહો.’
સ્વકર્મ-ફલ-નિર્દિષ્ટાં યાં યાં યોનિં પ્રજામ્યહમ |
તસ્યાં તસ્યાં હૃષીકેશ, ત્વયિ ભક્તિર દઢા’સ્તુ મે ||
રોજ રોજ બનતી નાનીમોટી અનુકૂળ કે પ્રતિકૂળ ઘટનાઓમાં ઉપરવાળાની કૃપાનો અનુભવ કરવો એ જેવીતેવી સંપ્રાપ્તિ નથી. જરાક શાંત ચિત્તે વિચારીએ તો સમજાય કે આપણું ‘હોવું’ પણ એની કૃપાના અસ્ખલિત પ્રવાહ વગર શક્ય નથી. પ્રતિક્ષણ શ્વાસોચ્છવાસ ચાલે છે તેથી તો આપણે ‘છીએ’ ! બાળક જન્મે ત્યાં તો પ્રાણવાયુ તૈયાર હોય છે. એને તરસ લાગે ત્યાં તો પાણી તૈયાર હોય છે. એને ભૂખ લાગે ત્યાં તો માતાનું ધાવણ તૈયાર હોય છે. એને હૂંફ જોઈએ ત્યાં માતાની સોડ તૈયાર હોય છે. એ નીરખી શકે એ માટે પ્રકાશ તૈયાર હોય છે. એ હરીફરી શકે એ માટે અવકાશ તૈયાર હોય છે. એ વાત્સલ્ય પામી શકે એ માટે માતાનો ખોળો તૈયાર હોય છે. આવો કૃપાપ્રવાહ જીવન પૂરું થાય ત્યાં સુધી અટકતો નથી.

માણસની નાડીના ધબકારા ઘણુંખરું લયબદ્ધ રહે છે. માણસનું બ્લડપ્રેશર ઘણુંખરું નૉર્મલ રહે છે. ઘણાખરા માણસો સગી આંખે આસપાસની સૃષ્ટિ જોઈ શકે છે. ઘણાખરા કાન જીવનભર સાંભળી શકે છે તે જેવીતેવી કૃપા નથી. આકાશમાં પથરાયેલું મેઘઘનુષ્ય ભાળી શકાય છે. કોયલના ટહુકા સાંભળી શકાય છે. સ્વજનનો હૂંફાળો સ્પર્શ પામી શકાય છે. ભરચક ટ્રાફિકમાંથી રસ્તો પાર કરી શકાય છે. કાર કે સ્કૂટર દ્વારા ઝડપભેર નિર્ધારિત સ્થાને જઈ શકાય છે. પરિવારનો પ્રેમ જીવનના સ્વાદમાં વધારો કરનારો જણાય છે. પુષ્પોની સુગંધ પામી શકાય છે. ડુંગર ચડી શકાય છે. ખેતરમાં ડોલતાં કણસલાંને વિસ્મયપૂર્વક નિહાળી શકાય છે. અજાણી વ્યક્તિનું સ્મિત ઝીલી શકાય છે અને વરસાદમાં પલળી શકાય છે. ચૂલા પરથી ઊતરતો રોટલો ચાવીને ખાઈ શકાય છે. કોઈના સુખે સુખી થઈ શકાય છે અને કોઈના દુ:ખે દુ:ખી થઈ શકાય છે. કશીક ઘટના બને ત્યારે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ રીતે વિચારી શકાય છે. ક્યારેક કોઈની યાદમાં રડી શકાય છે. માણસને આનાથી વધારે શું જોઈએ ? કૃપાનો ધોધ વહેતો રહે છે.

વિખ્યાત સૂફી સંત રાબિયા પાસે એક મુસલમાને જઈને કહ્યું : ‘મારું માથું એવું તો દુ:ખે છે કે પીડા સહન નથી થતી. થાય છે કે માથુ કાપી નાખું’ રબિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું : ‘અત્યાર સુધી માથું દુ:ખતું ન હતું, ત્યારે કદી પણ તેં ખુદાનો આભાર માનેલો ખરો ?’ રબિયાએ બહુ મોટી વાત કહી દીધી. સાંજે જમવા બેસીએ અને થાળીમાં ભોજન પીરસાય ત્યારે આપણે પ્રભુનો પાડ માનતા નથી. સાજા સમા હોવા બદલ આપણે ઈશ્વરના અનુગ્રહની નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. સંતાનો વિવેકી હોય ત્યારે આપણે તેને ઈશ્વરની મહેરબાની ગણીને એ માટે આભાર માનવાનું યાદ નથી રાખતા. દેખતો માણસ આંખનું ખરું મૂલ્ય સમજવામાં ગોથું ખાઈ જાય છે. હૃદયરોગનો હુમલો થાય પછી હૃદયનું મૂલ્ય સમજાય છે. ડાયાલિસિસ કરાવવાની નોબત આવે ત્યારે કિડનીનું મહત્વ સમજાય છે. ઊંઘની ગોળી લીધા પછી પણ ફાંફાં મારવાં પડે ત્યારે માંડ સમજાય છે કે ઘસઘસાટ ઊંઘનાર ગરીબ આદમી કેટલો વૈભવશાળી છે. જીવનની કહેવાતી નાની ઘટના પણ નાની નથી હોતી. પ્રતિક્ષણ માલિકના અનંત ઉપકાર હેઠળ હોવાની અનુભૂતિ ભક્તની સાચી અમીરાત છે. કૃપાનુભૂતિ, ઈશ્વરાનુભૂતિની પ્રસ્તાવના છે. આવી કૃપાનુભૂતિને અંતે હૃદયમાં ઊગતી પ્રાર્થનામાં શબ્દો ખરી પડે છે અને કેવળ પ્રાર્થના રહી જાય છે. જાણીતા દાર્શનિક મિસ્ટર એકહાર્ટ કહે છે :

સમગ્ર જીવન દરમ્યાન
જો તમે
ફકત એક જ વખત પ્રાર્થના કરો
અને (ઈશ્વરને) ‘થૅન્ક યૂ’ કહો,
તો તે પણ પૂરતું છે.

આપણે આભાર ન માનીએ તો તેમાં ઈશ્વરનું કશું બગડતું નથી. તેની કૃપા તો નાસ્તિક પર પણ વરસતી જ રહે છે. આસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય એવી ઘણી બાબતો સૃષ્ટિમાં છે, જેનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. નાસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય તેવી કોઈ બાબતનો સ્વીકાર ન થઈ શકે. કોઈ અભણ મનુષ્ય પાયથાગોરસનો પ્રમેય ન સમજે, તેથી એ પ્રમેયના સત્યને કોઈ હાનિ પહોંચતી નથી. સતત વહેતા કૃપાના ધોધ નીચે પ્રાર્થનામય ચિત્તે ઊભા રહીને પલળવું એ જ ભક્તિ છે. પેલા ધોબીને જે સમજાયું તે આપણને સમજાય એ શક્ય છે. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભૂતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ ‘ઉપર ચડાવવામાં આવે છે.’


[2] ટહુકો એટલે વસંતનો વેદમંત્ર

ભગવાને માણસને આંખ આપીને કમાલ કરી છે. આંખ વડે સમગ્ર સૃષ્ટિને નિહાળવી એટલે શું, તે તો આંખ ચાલી જાય ત્યારે જ સમજાય. ડૉ. પાર્કર કહે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં આંખનો આવિર્ભાવ થયો ત્યાર પછી ઉત્ક્રાંતિની ઝડપ ઘણી વધી ગઈ. ઉત્ક્રાંતિના ઈતિહાસમાં કરોડો વર્ષો એવાં ગયાં, જ્યારે પૃથ્વી પર વિચરતી જીવસૃષ્ટિમાં ક્યાંય આંખ ન હતી. માણસ બીજું કંઈ ન કરે અને પોતાની આંખ પર મનન કરે તોય અડધો સાધુ બની જાય. પૃથ્વી પર નજર માંડતી પ્રત્યેક આંખ દિવ્ય છે. તમે અત્યારે આ લખાણ સગી આંખે વાંચી રહ્યા છો એ પણ દિવ્ય ઘટના છે.

‘દિવ્ય’ એટલે દૈવી, અદ્દભુત, પ્રકાશમાન અથવા સુંદર. કવિ ન્હાનાલાલે ‘અદ્દભુત’નો મહિમા કર્યો.

સહુ અદ્દભુતોમાં તુજ સ્વરૂપ અદ્દભુત નીરખું,
મહાજ્યોતિ જેવું નયન શશિ ને સૂર્ય સરખું;
દિશાની ગુફાઓ પૃથિવિ ઊંડું આકાશ ભરતો,
પ્રભો ! તે સૌથીયે પર પરમ તું દૂર ઊડતો.

અદ્દભુતને નીરખીને ધન્ય થવું એ જ અધ્યાત્મ ! ધન્ય થઈને અહંકારશૂન્ય થવું એ જ જ્ઞાન ! અહંકારશૂન્ય થઈને નમન કરવું એ જ ભક્તિ ! નમનની ભાવનાથી કર્મો કરવાં એ જ કર્મયોગ !

પૃથ્વી પર જ્યાં નજર પડે ત્યાં દિવ્યતાનો નિવાસ છે. આકાશમાં ગણ્યા ગણાય નહિ એટલા તારાઓ ટમટમે છે. લગભગ એવડી મોટી સંખ્યામાં આપણા શરીરમાં કોષ છે. પ્રત્યેક કોષ પોતાનું કર્તવ્ય બજાવતો રહે ત્યાં સુધી આપણે જીવીએ છીએ. ક્ષણે ક્ષણે મરનારા અને આપણને જિવાડનારા એ અતિસુક્ષ્મ કોશોને આપણે ક્યારેય જોયા નથી. જરાય થંભી જઈને વિચારીએ તો થાય કે જીવન કોષલીલા છે. બહારની વિરાટ સૃષ્ટિ અને અંદરની સૂક્ષ્મ સૃષ્ટિ અંગે વિચારવાનું રાખીએ તો કદાચ પાપ કરવાનું મુશ્કેલ બની જાય. પાપ કરવાનું જ મુશ્કેલ બની જાય એવું જીવન એટલે દિવ્ય જીવન. પ્રત્યેક માનવનો જન્મસિદ્ધ અધિકાર છે કે તે એવા જીવન ભણી ગતિ કરે. એમ કરવામાં એ પડે, આખડે અને એનાં ઘૂંટણ છોલાઈ જાય, તોય બધું ક્ષમ્ય છે. સાધનામાં નિષ્ફળતા ક્ષમ્ય છે, પરંતુ પ્રયત્નનો અભાવ અક્ષમ્ય છે. માનવતા તરફથી દિવ્યતા ભણીની, અંધકારથી પ્રકાશભણીની અને અસુંદરથી સુંદર ભણીની જીવનયાત્રા ગમે તેટલી ધીમી હોય કે વાંકીચૂકી હોય તોય યાત્રાળુ ધન્ય છે. નિર્વાણની દિશામાં ધીમી ગતિએ હીંડનારો એ બોધિસત્વ છે. કોઈ યાત્રાળુ સામાન્ય નથી. પ્રત્યેક યાત્રાળુ અસામાન્ય છે, કારણ કે તે અનન્ય છે, અદ્વિતિય છે અને અપુનરાવર્તનીય છે. પ્રવાસી તો આપણે બધાં છીએ, પરંતુ આપણામાંથી કેટલાક યાત્રાળુ તરીકે જીવનારા છે. દિવ્યાનુભૂતિમાં આવી યાત્રાળુવૃત્તિ ઉપકારક બને છે.

નવજાત શિશુની આંખ દિવ્યતાના બિંદુ સમી દીસે છે. સ્તનપાન કરતું બાળક આંખો મીંચીને માતા સાથે એકરૂપ બની રહે ત્યારે દિવ્યાનુભૂતિ એટલે શું તે નીરખનારને સમજાય. પુષ્પ પર પતંગિયું બેઠું હોય અને આપણે એ ઘટનાને ધ્યાનસ્થ ચિત્તે નીરખીએ તો કદાચ દિવ્યાનુભૂતિ પામીએ એમ બને. ગાયનું વિયાવું એ દિવ્ય માતૃઘટના છે. આ જગતમાં જોવા મળતી માતૃઘટનાઓ એકચિત્તે આત્મસ્થ કરવી એ દિવ્યાનુભૂતિ પામવાનો સુંદર ઉપાય છે. દિવ્યાનુભૂતિ કેવળ મહાત્માઓનો ઈજારો નથી. જે ક્ષણે અદ્દભુતનો અહેસાસ માનવીના ચિત્તને થાય તે ક્ષણ દિવ્યાનુભૂતિની ક્ષણ છે. નાની નાની બાબતોમાં અદ્દભુતની અનુભૂતિ થાય તે પણ આસ્તિકતા ગણાય.

અર્જુન સમગ્ર માનવજાતનો પ્રતિનિધિ છે. કૃષ્ણ ગીતામાં એને અનાર્યોએ સેવેલો, સ્વર્ગથી દૂર લઈ જનારો અને અપકીર્તિકારક એવો મોહ ત્યજવાનું કહે છે. કૃષ્ણ આગળ કહે છે : ‘હે પાર્થ ! તું કાયર ન થા. તને આ ઘટતું નથી. તું હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજીને ઊભો થા.’ અર્જુન માટે કૃષ્ણે જે શબ્દો પ્રયોજ્યા તે આપણને આબાદ લાગુ પડે છે. આવા ખાસ અર્થમાં અર્જુન આપણો ખરો પ્રતિનિધિ છે. એની સઘળી મર્યાદાઓ આપણી મર્યાદાઓ છે. એનો વિષાદ પણ આપણો વિષાદ છે. એનો વિષાદ ‘વિષાદયોગ’ કહેવાયો કારણ કે એના સારથિ કૃષ્ણ હતા. આપણા જીવનરથના સારથિ કૃષ્ણ બને તો કંઈ વળે ! અર્જુનને કૃષ્ણ તરફથી ‘દિવ્યચક્ષુ’ મળ્યાં. જે અર્જુનને મળે તે આપણને શા માટે ન મળે ? અર્જુનની બીજી બધી મર્યાદાઓ હશે, પરંતુ એ અત્યંત ઋજુ સ્વભાવનો નિખાલસ માનવ હતો. જ્યાં ઋજુતા નથી ત્યાં અર્જુનતા ન હોય અને જ્યાં અર્જુનતા ન હોય ત્યાં દિવ્યાનુભૂતિ અશકય છે. સરોવરના સ્વચ્છ જળમાં શરદપૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ ઝિલાય છે. સ્વચ્છ હદય વિના દિવ્યતાની ઝલક પ્રાપ્ત થાય ખરી ? દિવસે દિવસે અર્જુન જેવી પાત્રતા કેળવવી એ જ ગીતામાર્ગ છે. જો પાર્થ ભીનો હોય, તો પાર્થસારથિ તૈયાર જ હોવાના !

એમ કહેવાય છે કે ખ્રિસ્તી સંત બંધુ લોરેન્સને વૃક્ષને જોઈને આત્માનુભૂતિ થયેલી. વૃક્ષને જોવાનું સહેલું છે, નીરખવાનું સહેલું છે, નીરખવાનું સહેલું નથી. કેરલોસ કેસ્ટનેડાએ લખેલા પુસ્તક ‘સૅપરેટ રીઆલિટી’માં ડૉન જુઆન અમેરિકનને કહે છે : ‘તું વૃક્ષને ખરેખર જુએ છે ખરો ?’ એ પુસ્તકમાં આખું પ્રકરણ ‘Seeing’ પર છે. એક તબક્કે ડૉન જુઆન અમેરિકનને પૂછે છે : ‘તેં અંધકારને ‘જોયો’ ખરો ?’ આપણે જોવાની, સાંભળવાની અને જીવવાની કળા ગુમાવી બેઠાં છીએ. જો આપણને જોતાં આવડી જાય તો પ્રત્યેક વૃક્ષ એક યુનિવર્સિટી બની જાય. જો આપણે જીવનને વહાલ કરીશું તો કદાચ જીવન પણ આપણને વહાલ કરશે. અત્યારે બાગમાં ખિસકોલીની દોડાદોડ નીરખવાનો કાર્યક્રમ ચાલે છે. ચપળતાની વ્યાખ્યા ખિસકોલી પાસેથી શીખવી રહી. કોયલનો ટહુકો સંભળાય ત્યારે એટલું સમજવું રહ્યું કે એ ટહુકો હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા અસ્તિત્વને પુલકિત કરવા માટે આવી પહોંચ્યો છે. એ ટહુકો વસંતનો વેદમંત્ર છે. આપણી સંવેદનાશૂન્યતા એ ટહુકાને કાન દઈને સાંભળવાની છૂટ નથી આપતી. જો આપણું હૃદય બધી રીતે નવપલ્લવિત હોય તો એક ટહુકો પણ દિવ્યાનુભૂતિ માટે પૂરતો છે.