દુ:ખનો દેશ – અતુલકુમાર વ્યાસ

ઈશિતાએ બેગ તૈયાર કરી. ઝીણી-ઝીણી બધી જ વસ્તુઓ યાદ કરીને લઈ લીધી. જાણે આ ઘરમાં પાછું ફરી આવવાનું જ ન હોય ! આમેય હવે શું આવે ? આ ઘરમાં આવી એ જ એક મોટી ભૂલ થઈ ગઈ હતી. પોતાની મરજીથી અશોક સાથે લગ્ન કર્યાં, પણ જીવનમાં શોક સિવાય શું રહ્યું છે ? ઈશિતા મૌન વિચારતી હતી.

ઘરના ચારેય ખૂણા સરખા છે, ભાડાની ઓરડીમાં બેસવા એક ખુરશી નથી, ટી.વી. નથી, કેસેટપ્લેયર નથી, ટેલિફોન, ફ્રિઝ અને વોશિંગ મશીન તો દુર્લભ છે, પણ સારી ટોર્ચ નથી, અશોકને સ્કૂટર નથી. હતું તે પણ વેચી નાખ્યું, વેચી નાખવું પડ્યું. રસોઈ બનાવવા માટે ગેસ નથી, ભડભડિયા અને મૂંગા પ્રાઈમસમાં કેરોસીન પૂરતી વખતે શરીરે કેરોસીન છાંટીને સળગી મરવાનું પણ કોઈ વાર મન થઈ જાય છે !

અશોક સાથે લગ્ન કરવા બદલ એને અફસોસ થયો હતો, મન ભરાઈને છલકાઈ જાય એટલો બધો અફસોસ ! ઈશિતાને પપ્પા યાદ આવ્યા. એમણે કદાચ સાચું જ કહ્યું હતું કે : ‘બેટા, ઈશિતા, તું અશોકની સાથે ક્યારેય સુખી નહીં રહી શકે દીકરી, એ છોકરો તને તલભાર સુખી કરી શકે એવું મને લાગતું નથી.’ પણ ઈશિતા માની જ નહીં. એણે અશોક સાથે સિવિલ મેરેજ કર્યા. એ વખતે અશોક પાયોનિયર એન્ટરપ્રાઈઝમાં એન્જિનિયર હતો, સામાન્ય પગાર મળતો હતો પણ શૂટ પહેરતો, હેન્ડસમ યુવાન લાગતો, પેઈંગ હોસ્ટેલમાં રહેતા અશોકે ભાડાના મકાન તરીકે એક રૂમ રાખી. મધ્યમ-વર્ગીય સોસાયટીના એક બ્લોકમાં રોડ પર પડતી એ રૂમ હતી. ઈશિતાને મકાન નાનું પડ્યું. ગમ્યું નહીં, પણ એણે ગમાડ્યું. બેન્ક મેનેજર પિતાના ઘેર પાંચ રૂમના વિશાળ મકાનમાં રહેલી ઈશિતા એક ઓરડીમાં અશોક સાથે રહેવા માંડી.

એન્જિનિયરીંગ ડિપ્લોમા હોલ્ડર અશોક સાથે આદર્શોનો પ્રેમ અને લાગણીના આવેશમાં એટલી વિશાળતા હતી કે, ઘરની સંકડાશ એમાં બાધક બનતી ન હતી. સરકતા-સમયના સબળ સાંનિધ્યમાં એક વર્ષ વીત્યું, પછી ઈશિતાએ પુત્ર મીતને જન્મ આપ્યો. સુખી દામ્પત્યનો પહેલો પ્રસાદ અને અશોક-ઈશિતાના પ્રથમ પ્રેમની નિશાની મીત, માતા-પિતાની ઓથમાં ઉછરવા માંડ્યો. તેની બાળસહજ હરકતો જોઈ પતિ-પત્ની ખુશ થયાં કરતાં…. ઈશિતાએ માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને અશોક સાથે ‘લવમેરેજ’ કર્યા હતાં તોય પપ્પાએ કહ્યું હતું : ‘તારા લગ્નના આ નિર્ણય સામે અમારી નારાજગી છે. દીકરી, પણ અમે મરી ગયા નથી. જીવનમાં જ્યારે અમારી જરૂર પડે ત્યારે બે ધડક અમારી પાસે દોડી આવજે.’ – એને ભરોસો હતો.

એટલે જ ઈશિતાએ બેગ તૈયાર કરી લીધી ! કે હવે અશોક પાસે રહેવાનું શક્ય નથી. છેલ્લા ત્રણ મહિનાથી અશોક તદ્દન બેકાર બેઠો હતો. લગ્નજીવનના પાંચ વર્ષ વીત્યા એ પાંચ વર્ષમાં અશોક સાત નોકરી બદલી ચૂક્યો હતો. ક્યાંક પગાર ઓછો પડતો, ક્યાંક સ્વમાનનો પ્રશ્ન સતાવતો, ક્યાંક કામના કલાકો તો ક્યાંક માલિકની જોહુકમી વધારે જણાતી, પછી નોકરી છૂટી જતી. છેલ્લા ત્રણ મહિનામાં આર્થિક અછતે ભરડો લઈ લીધો હતો. અંગત મિત્રોમાં કોઈ બાકી રહ્યા ન હતા. જેમની પાસેથી અશોકે હાથઉછીના બસ્સો-પાંચસો લીધા ન હોય ! મિત્રો એ ઉછીના આપેલા પાછા માંગતા ન હતા, પણ હવે વધારે એક પાઈ પણ પરખાવે એમ ન હતા, અશોક પૈસા માંગે તે પહેલાં જ પોતાની આર્થિક ભીંસની મૂંઝવણ રજૂ કરી દેતા એટલે અશોક માંગી શકતો નહીં.

ઈશિતાને યાદ આવ્યું – ત્રણ દિવસથી ખાંડ મંગાવતી હતી, છતાં અશોક લાવ્યો નથી. એ દિવસે ઈશિતા ગુસ્સે થઈ ત્યારે અશોકે ગજવામાંથી વીસની નોટ કાઢીને ઈશિતાને બતાવતાં કહ્યું : ‘આ સિવાય મારી પાસે એક રૂપિયો નથી ઈશિ, કેવી રીતે ખાંડ લાવું ?’ અશોકનો ચહેરો દયામણો થઈ ગયો….! ઈશિતાને દયા પણ આવી પછી ગુસ્સો ય આવ્યો : ‘તો કાંઈ કામ શોધી કાઢને, નહીંતર મને છૂટ આપ તો હું મારા માટે નોકરી શોધી કાઢું.’ એ ગુસ્સાથી બોલી : ‘ને કાંઈ નોકરી નહીં મળે તો બે ઘરનાં કપડાં-વાસણ માંજીશ.’ ‘ઈશિતા…’ અશોક ચિડાયો – ‘એમ મેણાં ન માર. અત્યારે નોકરી નથી, હંમેશા બેકાર રહેવાનો નથી, કોઈ જગ્યાએ એન્જિનિયરની નહીં તો કારકૂનની નોકરીય શોધી લઈશ. આજે જ બે કંપનીઓમાં એન્જિનિયરની જોબ માટે ઓપન ઈન્ટરવ્યૂ છે. કદાચ આજે જ મારી નોકરીનું ગોઠવાઈ જાય.’

‘દિનુભાઈ ત્રણ વાર આવીને ગયા’ ઈશિતા બોલી : ‘ગયા મહિનાનું અને આ મહિનાનું ભાડું માંગવા આવ્યા હતા, નારાજ થઈને પાછા ગયા.’ પાંચસો રૂપિયા રૂમનું ભાડું હતું ને લાઈટ બિલ અલગ. બે મહિનાના ભાડા પેટે હજાર રૂપિયા ને લાઈટ બિલના જે ભાગે પડતા થાય તે આપવાના હતા. ગયા મહિને અશોકે વિનંતીથી કહ્યું હતું : ‘દિનુભાઈ, મારી નોકરી છૂટી ગઈ છે, આવતા મહિને બન્ને માસના સાથે જ આપી દઈશ.’
‘કાંઈ વાંધો નહીં’ દિનુભાઈએ કહ્યું ‘તમારું ભાડું કાયમ નિયમિત મળ્યું છે, એટલે એકાદ મહિનો ખમવામાં મને વાંધો નથી.’
– પણ એક મહિનોય પસાર થઈ ગયો. નોકરીનું કશું થયું નહીં. ઉધારનું લાવીને ખાતાં હતાં, પણ ભાડાના રોકડા દેવા જ પડશે… એ ચિંતા હતી.

ઈશિતાએ ફરી વાર સૂટકેસ ખોલીને જોઈ લીધું. કશું બાકી રહ્યું નથી. મીતને સાથે લઈ જવો પડશે, અશોકને ખુદનું ભાન નથી એ મીતને શું સાચવશે ? મીત સ્કૂલે ગયો હતો. અપર કે.જી. માં આવ્યો છે. સ્કૂલની ટીચરે મીતની સ્ટુડન્ટ ડાયરીમાં લખ્યું હતું કે, ચાર-મહિનાથી સ્કૂલની ફી ભરેલ નથી, તાત્કાલિક ભરી દેવામાં નહીં આવે તો મીતનું નામ સ્કૂલમાંથી કમી કરવામાં આવશે – સૂચના સંપૂર્ણપણે સ્પષ્ટ અને કડક શબ્દોમાં લખી હતી. સ્કૂલ-રિક્ષાવાળો દર મહિને સવા સો રૂપિયા લેતો. એ દરરોજ એના બે મહિનાના બાકી અઢીસો રૂપિયા માંગ્યા કરે છે ને ઈશિતા બહાનાં કાઢી એને ટાળ્યા કરે છે. રિક્ષાવાળો મોં બગાડી જતો રહે છે. મીતના સ્કૂલબૂટ અને શોક્સ લેવાના છે, પાંચ-છ મહિના પહેલાં લીધાં હતાં તે હવે ટૂંકા પડે છે, મીતના પગ મોટા થતા જાય છે. મીત હંમેશા કહ્યા કરે છે, ‘મમ્મી, આ બૂટમાં મને ડંખ પડ્યો છે.’
‘જીવતરમાં ડંખ પડ્યો છે દીકરા-’ ઈશિતા મીતને નિરાસાથી કહે છે. મીત કશું સમજતો નથી, એટલે તાકી રહે છે.
પણ હવે બધુ ય બંધ !

આજે સાંજે કે કાલે સવારે અમદાવાદ પપ્પાના ઘેર જતા રહેવું છે – ઈશિતા મનોમન વિચારી રહી હતી કે, અશોક કહે છે હવે મારી પાસે ઝેર ખાવાનાય પૈસા નથી, એને નોકરી મળતી નથી એટલે હતાશ થઈ ગયો હતાશ માણસનું ઠેકાણું શું ? નક્કી શું ? એ ક્યારે શું કરી બેસે ! અને આવી જિંદગી ક્યાં સુધી જીવાય ? દરરોજ એની આર્થિક તંગીનું અને નિરાશાનું ગાણું સાંભળવાનું રહે છે. એનામાં કોઈ ક્રિયેટીવીટી હવે રહી નથી, કશું વિચારતો નથી. ડિપ્લોમા થયો છે, તો એન્જિનિયર સિવાયની નોકરી એને ખપતી નથી સંજોગો સાથે સમાધાન કરીને જીવતાં માણસે શીખવું જ પડે !

કાલ ઊઠીને મીતને એની સ્કૂલમાંથી કાઢી મૂકશે, તો સરકારી શાળામાંય પ્રવેશ નહીં મળે ! દિનુભાઈ ભાડાની રકમ માટે અશોકને ગાળો ભાંડશે, એ પોતાનેય સાંભળવી પડશે. વધુ પડતી બાકી ઉઘરાણીના લીધે વેપારીઓ વધારે ઉધાર આપવાની ના પાડશે. જે મિત્રોએ ઉછીના આપ્યા છે એ પાછા મેળવવાની જીદ કરશે ત્યારે ?
‘ત્યારે ઝેર ખાવા સિવાય રસ્તો શું ?’
અશોક કહેતો હતો કે, ‘આપણે ઈજ્જતદાર લોકો છીએ.’ પણ જીવનમાં એક પરિસ્થિતિમાં મુકાઈ ગયા પછી ઈજ્જતદારોની ઈજ્જત ધોવાઈ જાય છે, એ કેમ સમજતો નથી ?
‘એ સમજતો નથી અને કદીય સમજવાનો પણ નથી.’ ઈશિતાએ કપાળ કૂટયું, ‘શી ખબર, મેં એનામાં શું જોયું કે એને પ્રેમ કર્યો ને લગ્ન કર્યાં !’
બહાર રિક્ષાની ઘરઘરાટી સંભળાઈ, પણ ઈશિતા બહાર નીકળી નહીં. મીતને સ્કૂલ રિક્ષામાં મૂકવા આવેલો રિક્ષાવાળો સાદ કરતો હતો : ‘બહેન…ઓ બહેન…. ?’ ઈશિતાના પગ ઉપડતા ન હતા છતાં માંડ માંડ એ રૂમમાંથી બહાર આવી : ‘શું ?’
‘પૈસા આપો છો ? અઢીસો રૂપિયા ?’ – રિક્ષાવાળાએ કટાણું મોં કરી કહ્યું : ‘બે મહિનાથી બાકી છે.’
‘બે દિવસ પછી આપીશું.’ – ઈશિતા પાસે એક જ જવાબ હતો. રિક્ષાવાળો બગાડી શકે એટલું મોં બગાડી નીચો નમ્યો, પછી રિક્ષા સ્ટાર્ટ કરી બબડ્યો : ‘તમારે નોકરિયાત સા’બ લોકોને વાંધો નથી, પણ અમારો ગરીબ માણસનો તો વિચાર કરવો જોઈએ ને – બે મહિનાથી મારા પૈસા કાઢતા નથી.’

‘નોકરિયાત !’
‘સાહેબ લોકો !’
– ઈશિતાના માથે હથોડા પડ્યા હોય એવી પીડા થઈ ! એ રૂમનું બારણું બંધ કરી, અંદર આવી ત્યાં વળી કોઈએ બારણું ખખડાવ્યું. ઈશિતાએ બારણું ખોલ્યું. સામે અશોક ઊભો હતો. એણે રૂમમાં આવતાવેંત જ કહ્યું : ‘બે કંપનીમાં ઈન્ટરવ્યૂ આપ્યો. લગભગ બેમાંથી કોઈ પણ એક કંપનીમાં તો નોકરી મળી જ જશે.’ ‘કઈ કંપનીમાં ?’ ઈશિતાએ પૂછ્યું.
‘જે કંપની વધુ પગાર આપે ત્યાં’ અશોક બોલ્યો અને ઉમેર્યું : ‘જેને કાબેલ અને હોશિયાર એન્જિનિયરની જરૂર હશે એ જ કંપની મને પસંદ કરશે.’ ઈશિતાએ પાણી આપ્યું પછી તાકી રહી. પાણી પી લીધા પછી અશોકે પૂછ્યું : ‘કોઈ આવ્યું હતું ?’
‘હા’ ઈશિતા બોલી : ‘દિનુભાઈ ભાડું માંગવા માટે આવ્યા હતા ને ‘એન્જિનિયર સાહેબ’ આવે એટલે તરત મોકલજો એમ કહ્યું છે.’
‘એ તો, વ્યંગ કરે છે – એન્જિનિયર સાહેબ કહીને’ અશોકે કહ્યું. ઈશિતાએ કહ્યું : ‘રિક્ષાવાળો બે મહિનાના પૈસા બાકી છે એ માંગતો હતો. મીતના ટીચરની ફી માટે ચિઠ્ઠી પણ આવી છે. લોકો હવે પૈસાની માંગણી કરતા થયા છે.
‘બધું થઈ પડશે.’ અશોક બોલ્યો : ‘નોકરી થઈ જશે એટલે તરત બધું બરાબર થઈ પડશે.’
ઈશિતાએ પૂછ્યું : ‘અશોક, એક વાત કહું ?’
‘શું બોલ ?’
‘થોડા દિવસ અમદાવાદ જવું છે. મમ્મી-પપ્પા પાસે.’ ઈશિતા આજીજીથી બોલી. ‘અહીં મારું મન થોડું ઊંચું થઈ ગયું છે.’
‘જાણું છું ઈશિ, પણ મારી પાસે’ અશોકે ગજવામાં હાથ નાખતાં કહ્યું : ‘માત્ર વીસ રૂપિયા’
‘મને અગાઉ પપ્પાએ પાંચસો રૂપિયા આપ્યા હતા. તેમાંથી ચારસો ઘરમાં વપરાઈ ગયા, પણ હજી સો રૂપિયા છે મારી પાસે.’
‘ઓ.કે.’ અશોકે હળવાશ અનુભવી : ‘તો તું જજે-ક્યારે જવું છે ?’
‘કાલે’
‘સારું’ અશોકે હતાશાથી શ્વાસ છોડતાં કહ્યું : ‘હું નોકરીનું થઈ જશે એટલે ફોન કરીશ, એટલે પાછી આવીશને ?’
‘હા’ ઈશિતા હળહળતું જૂઠ બોલી, પણ મન ચિત્કાર કરી ઊઠયું : ‘હવે કદી આ ઘરમાં નહીં આવું અશોક’ પણ એ બોલી શકી નહીં. અત્યારે એને અશોક ઉપર ગુસ્સો ય આવતો હતો ને દયા પણ આવતી હતી. જિંદગી પાસેથી આ માણસે જે અપેક્ષા રાખી તે કદી પૂર્ણ ન થઈ ! ઈશિતાથી નિસાસો મુકાઈ ગયો. પપ્પા કહેતા હતા કે, હવે તું સુખના સામ્રાજ્યમાંથી દુ:ખના દેશમાં જઈ રહી છો, અશોકની સાથે જીવન જીવવામાં તું ડગલે-પગલે પસ્તાઈશ, અનેક વાર મનને મારવું પડશે, હતાશ થવું પડશે…. હવે એને લાગ્યું કે સાચે જ એ દુ:ખના દેશમાં આવી ફસાઈ છે… !

અશોક આંખ મીંચી પડ્યો હતો. મનમાં વિચાર-તુમુલ ચાલતું હતું. દિનુભાઈને મકાનનું ભાડું નહીં મળે તો પોતે પરિવાર સાથે રસ્તા ઉપર આવી જશે. દિનુભાઈ માથાભારે માણસ છે, એનો સામાન સડક પર ફેંકી દેશે ! વેપારીઓ ઉધાર નહીં આપે તો ખાઈશું શું ? સ્કૂલમાં ફી નહીં ભરાય તો મીતને સ્કૂલમાંથી રજા મળી જશે. ઘરમાં ખાંડ નથી. એવી કેટલીય વસ્તુ નથી. કેરોસીન લાવવાનું રેશનકાર્ડ છે, રૂપિયા નથી ! અશોક ત્વરાએ ઊઠ્યો.
ને ઘરથી બહાર નીકળ્યો. છેક જૂના જકાતનાકા સુધી ચાલીને આવ્યો. કોઈએ કહ્યું હતું કે, જકાતનાકાના ચોકમાં કોઈ બલુ મહારાજ છે, જે બે ટકા વ્યાજે પૈસા ધીરે છે. સાવ ન ચાલે તેમ હોય ત્યારે વ્યાજે ય લેવા પડે એમ વિચારીએ જકાતનાકાના ચોકે આવી ગયો. એણે કોઈને પૂછ્યું એટલે બલુ મહારાજનું મકાન બતાવ્યું. અહીં બલુ મહારાજનું નામ જાણીતું હતું. ચોકની સામે ‘તોરલ’ બિલ્ડિંગ પાછળ બલુ મહારાજનું ઘર હતું. અશોક ચોકમાંથી પસાર થયો, ત્યાં લોકો કુંડાળે વળીને ઊભા હતા, ત્યાં કોઈ તમાશો ચાલતો હતો.

અશોક ભીડમાં દોડી ગયો. ભીડ વચ્ચે કુંડાળામાં એક ઓશિયાળો લાગતો પુરુષ બેઠો હતો. બે પગની આંટીએ માથું ટેકવી, લમણે હાથ દઈ બેઠેલા માણસની પાસે કફન ઓઢાડેલી સાત-આઠ વર્ષના બાળકની લાશ પડી હતી. એ માણસ નીચું જોઈ કરગરતો હતો : ‘સાહેબ, માલિક, રહેમ કરો, તમારી માનવતા જાગે તો આ ગરીબના દીકરાની અંતિમવિધિ કરવા યથાશક્તિ મદદ કરો, મૂવા માટે માંગીએ છીએ – દયા કરો માઈ-બાપ… રહેમ કરો’ લોકો લાશના કફન પર પૈસા ફેંકતા હતા. એ પૈસા સામે અશોક તાકી રહ્યો. સાત વર્ષનું બાળક મૃત્યુ પામ્યું હતું એ જોઈ અશોકને યાદ આવ્યું. ‘મીત પણ રમત-રમતમાં ચાદર માથે ઓઢી સૂઈ જાય ત્યારે આમ જ….’ અશોકને માથામાં સણકો અને પેટમાં ઉબકો આવી ગયો !

એ ટોળાના કુંડાળામાંથી ઝડપભેર બહાર ધસી આવ્યો, ત્યાં ઝડપભેર આવતી એક કારની હડફેટે આવતાં બચી ગયો. કારનાં વ્હીલ રોડ સાથે ઘસાય એમ ડ્રાઈવરે બ્રેક મારી. પછી એ અશોક પર ચિડાયો, કાર ઊભી રહી ગઈ, ડ્રાઈવર ઘૂરકિયાં કરતો હતો. અશોક ઝડપથી ચાલવા માંડ્યો. એને લાગ્યું કે, કારનો ડ્રાઈવર એને એક થપ્પ્ડ જરૂર મારશે ! કારની બેક સીટનો વિન્ડો ગ્લાસ ઊતર્યો. અંદર બેઠેલા બે પૈકી એક પરિચિત હતો. અશોક સવારે જ્યાં ઈન્ટરવ્યૂ આપવા ગયો હતો તે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા. અશોક ઝડપભેર કારની નજીક આવ્યો ને હાથ જોડ્યા : ‘નમસ્તે સર’
‘અશોક મહેતા – એન્જિનિયર ?’ એમ.ડીએ પૂછ્યું.
‘જી સાહેબ, હા.’ અશોક કમરેથી સહેજ ઝૂક્યો. એના હાથની જોડાયેલી બન્ને હથેળી પકડી શેકહેન્ડ કરતાં એમ.ડી બોલ્યા : ‘કોન્ગ્રેચ્યુલેશન મિ. અશોક, હમારી કંપનીને આપકો સિલેક્ટ કર લીયા હૈ. એઝ પર યોર એક્સપેક્ટેડ સેલેરી યુ મે જોઈન યોર જોબ. આપકા એપોઈન્ટમેન્ટ લેટર નેક્સટ વીક મીલ જાયેગા.’
‘થેન્ક યુ સર.’ અશોક બોલ્યો : ‘થેન્ક યુ વેરી મચ.’
‘ઓ.કે. યંગમેન.’ એમ.ડી. એ કહ્યું : ‘ડોન્ટ માઈન, આપકો દેખા તો બતા દીયા, ગુડ બાય.’ બારીનો કાચ બંધ થયો. કાર સરકવા માંડી.

અશોકને સડક પર નાચવાનું મન થયું. બહુ મોટી કંપનીમાં જોબ મળી ગઈ. એ રિક્ષા કરીને ઘેર આવ્યો. આવતાવેંત જ એણે ઈશિતાને ઊંચકી લીધી. ‘ઈશિ, નોકરી મળી ગઈ.’
‘શું ?’
‘હા, કંપનીના એમ.ડી એ રસ્તામાં કાર ઊભી રખાવીને સમાચાર આપ્યા.’ અશોક બોલ્યો : ‘એમણે કહ્યું કે, પગાર પણ સારો મળશે.’ અશોક બોલતાં બોલતાં નાચી રહ્યો હતો. ઈશિતા પણ ખુશખુશાલ હતી. બન્ને ક્ષણો સુધી પરસ્પર વળગી રહ્યાં. ઈશિતા સૂટકેસમાંથી કપડાં પાછા ગોઠવવા માંડી. અશોકે પૂછ્યું : ‘કેમ ? અમદાવાદ નથી જવું ?’
‘ના’ ઈશિતા બોલી : ‘હવે નથી જવું.’
‘જા- જવું હોય તો જઈ આવ’ અશોકે કહ્યું : ‘હવે ભાડાની ચિંતા નથી.’
‘નથી જવું’ ઈશિતા ઊઠીને અશોકને વળગી પડી. ‘હવે ક્યાંય જવું નથી, અશોક. તને છોડીને ક્યાં જઈશ ?’ ઈશિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ‘મને માફ કરી દે અશોક.’ ને અશોક ભીની આંખે ઈશિતાની પીઠ પસવારતો રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્રેડિટ કાર્ડ – રતિલાલ બોરીસાગર
ભગવાનની ટપાલ – ગુણવંત શાહ Next »   

28 પ્રતિભાવો : દુ:ખનો દેશ – અતુલકુમાર વ્યાસ

 1. anand vihol says:

  Really I like this article too much.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  very nice…..

 3. Arshad says:

  nice story.. thnks. readgujarai..

 4. jawaharlal nanda says:

  khubsurat, too emotional story

 5. riddhi says:

  પૈસા આવ્યા એટલે પતિ પર પ્રેમ ઉભરાયો??? સ્ત્રીનો ધર્મ ચ્હે કે ખરાબ સમય મા પતિને હુફ આપી સાચવી લેવો….
  વાર્તા નુ લખાણ અસરકારક ચ્હે પન એનો motto ના ગમ્યો.

 6. Keyur Patel says:

  પૈસાથી પ્રેમ કે બીજુ કાંઈ છે આ વાર્તામાં? થોડી આછકલાય પણ લાગી. મજા ના આવી.

 7. dilip says:

  મજા ન આવિ

 8. સરસ આલેખન …

 9. prashant sathwara says:

  આલેખન તો સારુ છે પણ પત્નિનો ધર્મ કોઇપણ સન્જોગોમા પતિ નો સાથ આપવાનો છે એના પ્રેમ મા કેયિન્ક કચાસ હશે તેથિ જ એને પૈસા ને મહત્વ આપ્યુ. લખાણ અસરકારક છે

 10. Alpesh patel says:

  સરસ વાર્તા

 11. ranjan says:

  good story

 12. Kirit Raja says:

  એક લવ મેરેજ કયા. દીકરો થયો. પૈસાની તકલીફ ને લીધે પત્નિ છુટી પડ્વા માંગતી હતી. પ્રેમ વરાળ થઈને ઊડી ગયો. પતિને જોબ મળી એટલે પ્રેમનુ ઝરણું ફરી ખળખળ વહેવા માંડ્યુ.

  વાહ! શું વાર્તા છે. શું બોધપાઠ લેવો.

  હિંદી પિક્ચરની જેમ અંતમા બધાને ભેગા કરીને ખાધુ પીધુ ને રાજ કર્ય્રું. અને વાર્તાનુ પોટલું વાળી દીધું.

  બકવાસ!

 13. Brinda says:

  Very painful reality. I think before straight away disliking it, we should put our feet into a suffering person’s shoes. How much would the wife have struggled, felt embressed while answering money lenders and others? Her husband was sencerely looking for work and i respect his love and concern for the family too. But why we expect all kinds of secrifice from women only?

  I appreciate the story very much

 14. વર્ષા says:

  એકદમ બકવાસ વાર્તા.

 15. Nehal patel says:

  why you all are telling that this story is not good, this is just a story. take it this way, ” IN BAD TIME OF YOUR LIFE YOU WILL NOT BECAME ISHITA.”

 16. Bhajman Nanavaty says:

  વાર્તા સારી છ.ે થોડી માવજતમાં કચાશ છે. ત્રણ મહિનાની બેકારીનો ગાળો અને પ્રેમમાં ઓટ ?
  પરંતુ પ્રતિભાવોથી વધારે નવાઇ લાગી. શું સ્ત્રીનો જ ધર્મ ? બ્રીન્દાબેન સાથે હું સહમત છું.

 17. Suchita says:

  બહુ ના ગમ્યુ. પતિને નોકરી મળી ગઇ એટલે એનો વિચાર આવ્યો બાકી જો નોકરી ના મલી હોત તો જતુ રહેવુ હતુ. આ તે વળી કેવો પ્રેમ.

 18. urmila says:

  I think this is a very good story – this happens in everyday life with many
  people and in their weak moments – sometimes they think negative as they are surrounded by problems which cannot be resolved and gets depressed and finds a way out of difficulties – this story is giving us the picture of mental torture a wife goes through -also it seems parents thinking and negative attitude towards the daughters husband also played the major part in leaving the husband and run to parents – but husbands faith in himself saved the marriage and wife regretted her decision

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.