ભાવતાલ – ગિરીશ ગણાત્રા

આમ તો મફતકાકો નકામા પૈસાનું પાણી કરે એમ નહોતો કે પત્નીને સાથે લઈ પાંચ દિવસનો પ્રવાસ ગોઠવી કાઢે પણ ઉદયપુરના એના વેપારી ભંવરલાલના દીકરાનાં લગ્ન હતાં એટલે જવું જ પડે એમ હતું. વર્ષ આખરે ચારથી પાંચ લાખ રૂપિયાના માલનો ઑર્ડર મોકલાવતો ભંવરલાલ એનો મોટો વેપારી હતો, એટલું જ નહિ ઉદયપુરથી ખાસ અમદાવાદ આવીને આમંત્રણ આપી ગયેલો એટલે હવે ગયા વિના ચાલે એમ નહોતું.

હવે આટલે દૂર જ્યારે લાંબા થવું પડે એમ છે તો જયપુર પણ આંટો મારી આવીએ એમ મફતકાકાએ વિચાર્યું. એને જયપુરનો એક નવો વેપારી મળી ગયો હતો પણ કમિશનમાં એ મોટી રકઝક કરતો હોવાથી રૂબરૂ મળ્યા વિના મેળ નહિ પડે, માની જયપુરનુંય ગોઠવી નાખ્યું. વેપારીને બતાવવાનાં સેમ્પલોની એક મોટી બેગ ભરી પોતાની અને પત્નીનાં કપડાંની બેગો તૈયાર કરી એક રાત્રે રિક્ષામાં બેસી સ્ટેશને પહોંચી ગયાં.

રાતના અગિયાર ને દસની ટ્રેન હતી. રિક્ષા સ્ટેશન પર પહોંચી ત્યારે સ્ટેશનની ઘડિયાળ દસને પાંત્રીસ મિનિટનો સમય બતાવતી હતી. સ્ટેશનનાં પગથિયાં દસ ને પાંત્રીસ મિનિટનો સમય બતાવતી હતી. સ્ટેશનનાં પગથિયાં લગોલગ રિક્ષા લેવડાવી મફતકાકાએ રિક્ષાવાળાને પૂછયું :
‘કેટલા દેવાના ?’
‘બાવીસ રૂપિયા પચાસ પૈસા.’
‘બાવીસ રૂપિયા ?’ મફતકાકાનાં પત્ની ભાનુબહેન લગભગ ચીસ પાડી ઊઠ્યાં, ‘આટલા બધા તે થતા હશે ?’
‘આ પહેલી તારીખથી રિક્ષાના દર વધી ગયા છે.’ રિક્ષાવાળાએ શાંતિથી કહ્યું.
‘અલ્યા ભઈ, તારું મીટર શું બતાવે છે ?’ મફતકાકા બોલ્યા.
‘જોઈ લો ને જાતે’ કહી રિક્ષાવાળાએ મેચ-બોક્સની કાંડી ઘસી મીટર બતાવ્યું. ‘એકસો એકત્રીસ પોઈન્ટ થયા.’
‘તે એના કેટલા થાય ?’

રિક્ષાવાળાએ રિક્ષાના દરનો નવો ચાર્ટ બતાવી કહ્યું : ‘એકવીસ રૂપિયા’
‘ત્યારે બાવીસ રૂપિયા ને પચાસ પૈસા શાનો માગે છે ?’
‘આમ, તો આટલા બધા સામાનના વજનના પૂરા પાંચ રૂપિયા થાય.’
‘તે માણસ સામાન વિના ટ્રેનનો પ્રવાસ કરે ?’ ભાનુબહેન ચિડાયાં.
‘કરો ને. જેટલા લબાચા લઈને ફરવું હોય એટલું ફરો. મારું શું જાય છે ? મેં તો એક ભારીખમ બેગનો દોઢ રૂપિયો કહ્યો છે. રિક્ષા સાથે વધારાના સામાનનો આ કોઠો પણ આ રહ્યો. બેગનું વજન કરાવી લો પછી ખબર પડશે.’
‘આવાઓને તો પોલીસને સોંપી દેવા જોઈએ.’ ભાનુબહેન બબડ્યાં.
પોતાને દેવાયેલી ગાળ સાંભળી રિક્ષાવાળો બગડ્યો. એણે મોટેથી કહ્યું :
‘બોલાવો પોલીસને. ત્રણ બેગ, એક એટેચી, એક હેન્ડબેગ, એક પાણીનું જગ ને બે મોટા થેલાઓનું પોલીસના દેખતાં વજન કરાવીએ અને પછી આ ચાર્ટમાં જે જે લખ્યું છે એ મુજબ સામાનના પૈસા દેજો… પોલીસ આવે અને બધું નક્કી કરે ત્યાં સુધી રિક્ષાનું મીટર ચાલુ રાખું છું. જે વેઈટિંગ ચાર્જ થાય તે તમારે ચૂકવવો પડશે.. બોલાવું પોલીસને ? સામે જ ઊભો છે.’

મફતકાકાએ ઘડિયાળ સામે જોયું. પોલીસની લપનછપનમાં પડીશું તો ગાડી ચૂકાઈ જશે એ બીકે બાવીસ રૂપિયા ને પચાસ પૈસા રિક્ષાવાળાને ચૂકવી દીધા. રિક્ષાવાળા સાથેના પતિના એ વહેવારથી ભાનુબહેન ઔર ગિન્નાયાં, ‘થઈ ગયા દાનેશ્વરી ને બોલ્યો એટલા ગણી દીધા ! આવા લુખ્ખા રિક્ષાવાળા પોલીસની ધમકી આપતા ફરે એટલે બી જવાનું ? જરાક લાલ આંખ કરી હોત તો ? બેગનો દોઢ રૂપિયો છોડી દેત પણ એવું કરો તો ને ?’
પત્નીની નુક્તેચીની પર કશીય ટીકાટિપ્પણ કર્યા વિના મફતકાકાએ દૂર ઊભેલા હમાલ સામે ઈશારત કરી. બે હમાલ દોડતા આવી સામાન ફરતે વીંટળાઈ ગયા.
‘ચેતક એક્સપ્રેસમાં જવું છે.’ કાકાએ કહ્યું.
‘હાં. હાં, ચલીયે’ કહી હમાલે બેગને હાથ અડાડ્યો એટલે ભાનુબહેને પૂછ્યું : ‘કેટલા થશે ?’
‘સોચ સમજ કર દે દેના’ કહી એણે મોટી બેગ ઊંચકી.
‘ના રે ના. જે વાજબી હોય એ અત્યારે જ બોલી દે. પછી ડબ્બામાં રકઝક નહિ જોઈએ.’
હમાલે ત્રણેય બેગ વારાફરતી ઊંચકી જોઈ પછી કહ્યું કે ‘વીસ રૂપિયા થશે.’
‘વીસ રૂપિયા !!!’ ભાનુબહેને ફરી ચીસ પાડી, ‘નથી દેવા એટલા. ચાલતી પકડ.’

બંને હમાલ જતા રહ્યા.
ઘડિયાળ સામે જોઈ મફતકાકાએ ત્રીજા હમાલને બોલાવ્યો. આ ત્રીજા હમાલે વારાફરતી બેગ ઊંચકી પચીસ રૂપિયા કહ્યા.
‘કંઈક ઓછું કર’ હવે મફતકાકાએ વાટઘાટનો દોર હાથમાં લીધો.
‘કાકા, અમારી મહેનત જોઈ પછી પૈસા આપજો. બસ, આ એક બેગ તો બહુ જ ભારે છે. આ બીજો બધો સામાન લઈ પ્લેટફોર્મ નંબર દસ પર જવાનું છે. એક નંબરનું પ્લેટફોર્મ હોત તો આઠ-દસ રૂપિયામાં પતી જાત… પચ્ચીસથી ઓછા નહિ જ થાય. ઈચ્છા હોય તો હા કહો.’ ભાનુબહેને એ હમાલને ચાલતી પકડાવી. અગિયાર ને દસે ઊપડતી ગાડી માટે હવે માત્ર વીસ મિનિટ જ બાકી હતી. પ્લેટફોર્મ પર પહોંચતાં જ દસ મિનિટ લાગે. જો ગાડી ચૂક્યા તો પ્રવાસ પડતો મૂકવો પડે એવી હાલત થાય. મફતકાકા બીજા હમાલને પકડે ત્યાં એક દૂબળો-પાતળો વીસ-બાવીસ વરસનો મેલોઘેલો યુવાન આવ્યો, કહ્યું :
‘કાકા, મજૂર કરવાનો છે ?’
‘હા’
‘લઈ લઉં સામાન ?’
‘શું લઈશ ?’ ભાનુબહેન એની સામે ત્રાટક નજર કરી બોલ્યાં.
‘જે આપશો તે લઈ લઈશ. સવારથી ભૂખ્યો છું.’
‘ભૂખ્યો હોય તો તું જાણે, પણ શું લઈશ એ કહે.’
‘કહ્યું ને બા, કે જે આપશો તે લઈ લઈશ.’
‘પાંચ રૂપિયા આલીશ, બોલ, કબૂલ ?’
‘કબૂલ’ કહી યુવાને ભારેખમ બેગો જેમતેમ કરીને માથા પર ચડાવી, મફતકાકા પાસે એના પર બીજી બે સૂટકેસ મૂકાવી.

હવે એના બંને હાથ બેગોને પકડવામાં રોકાયા હોવાથી મફતકાકાએ પત્નીને કહ્યું : ‘તું હેન્ડબેગ અને પાણીનો જગ લઈ લે, હું થેલા પકડું છું.’
હૅન્ડબેગ હાથમાં પકડતાં બોલ્યાં : ‘બધાય સામાનના પાંચ રૂપિયા ઠેરવ્યા છે, પછી આપણે શું કામ મજૂરી કરવાની ?’
‘તું ઝટ પગ ઉપાડ નહિતર ટ્રેન ચૂકાઈ જશે.’ કહી મફતકાકા મજૂરની પાછળ પાછળ ચાલતાં થયાં. ‘આવું છું આવું છું પણ તમે મજૂરીના બે રૂપિયા કાપી લેજો. અડધો સામાન આપણે ઊંચકીએ છીએ.’

કશું બોલ્યા વિના પતિ-પત્ની મજૂરની પાછળ પાછળ ચાલતાં થયાં. ઝડપ કરીને બધાં પ્લેટફોર્મ પર પહોંચ્યા. રિઝર્વેશનનો ડબ્બો શોધી સીટ નંબર આગળ બધો સામાન મૂકાવ્યો ત્યાં ગાડીએ સીટી મારી. ‘શેઠ પૈસા આપો. ગાડી ઊપડે છે.’
‘આપું છું – આપું છું’ કહી મફતકાકાએ ખિસ્સામાંથી રૂમાલ કાઢી મોં પરનો પરસેવો લૂછ્યો. બે થેલા ઊંચકી છેક પ્લેટફોર્મ નંબર દસ સુધી પહોંચતાં જ એ થાકીને ટેં થઈ ગયા હતા. ટ્રેન ધીમી ગતિએ ચાલી.

મફતકાકાએ ઝડપથી પૈસાનું પાકીટ કાઢી એ યુવાનના હાથમાં દસ રૂપિયાની નોટ ધરી દઈ બોલ્યા : ‘ટ્રેન સ્પીડ પકડે તે પહેલાં ઊતરી જા, ભાઈ.’ દસ રૂપિયાની નોટ લઈ ચાલતી ટ્રેને યુવાન ઊતરી ગયો. મજૂરના હાથમાં દસ રૂપિયાની નોટ પકડાવતા જોઈ બધા પેસેન્જરના દેખતાં ભાનુબહેને મફતકાકાને ધમકાવ્યા. ‘આ શું ? બે રૂપિયા કાપી લઈ ત્રણ રૂપિયા આપવાને બદલે દસની નોટ ધરી દીધી ? તમને તે કંઈ સમજણ પડે છે કે નહિ ? એવા તે ક્યા દાનેશ્વરી કર્ણના અવતાર થઈ ગયા કે એને દસ રૂપિયાની નોટ લૂંટાવી દીધી ? તમારી પાસે છુટ્ટા પૈસા ન હોય તો મને કહેવું હતું ! હું તમને રોકડા રૂપિયા ત્રણ કાઢી આપત પણ અહીં તો કોના બાપની દિવાળી ? બસ, દસ રૂપિયા દઈ દીધા. જોયા ન હોય મોટા કુબેરના ભંડારી !’
હવે મફતકાકો બગડ્યો.
પ્લેટફોર્મ નંબર એકના પચાસ પગથિયાં ચડી દસમા નંબરના પ્લેટફોર્મ પર આવવા એટલાં જ પગથિયાં ઊતરી, ટ્રેનનો ડબ્બો શોધી એમાં બે થેલાનો સામાન મૂકતાં જ એમને આંખે અંધારાં આવી ગયાં હતાં. એવે વખતે એક ભારેખમ બેગ અને ઠસોઠસ કપડાં ભરેલી બે બીજી બેગોનો સામાન ઊંચકી પેલા ભૂખ્યા પેટવાળા છોકરડા જેવા નબળા જુવાનને જે લથડતા પગે એમણે ચાલતો જોયો હતો એ વખતે મફતકાકાના મનમાં થયા કરતું હતું કે ઉતાવળે ટ્રેન પકડાવવામાં આ નબળો માટી ક્યાંક ડૂકી ન જાય તો સારું. પેલા હમાલે વીસ રૂપિયા માંગ્યા હતા એ વાજબી જ હતા, જ્યારે આ તો માત્ર પાંચ જ રૂપિયામાં તૈયાર થયો ! એ પાંચ રૂપિયામાં જે પેટ ભરાશે તે. એ જુવાનની દયા ખાવાને બદલે આ ભાનુડી એના બે રૂપિયા કાપવા તૈયાર થઈ ? અહીં ક્યાં પૈસાનો તોટો છે ? ભગવાને ઘણા દીધા છે.

સૌ પેસેન્જરોની દેખતાં પત્નીએ જે વેણ ઉચ્ચાર્યાં એ સાંભળી મફતકાકો વકર્યો અને પત્નીને જડબાંતોડ જવાબ આપતો બોલ્યો :
‘બહુ ફિશિયારી મારે છે ને ? તો કાઢ સીટ નીચેની પેલી મોટી બેગ અને મૂક ઊપલી સીટ પર. એટલું કરે તો મારે તને સો રૂપિયાની નોટ આલવાની. અબી ને અબી. આ બધા પેસેન્જરોના દેખતાં થા ઊભી અને ઊંચકી બતાવ એ બેગ…..’ આજુબાજુ બેઠેલા બધા પેસેન્જરો ખડખડાટ હસી પડ્યા. ભાનુબહેનનું મોં સિવાઈ ગયું. એ પતિને કશું કહી શકતાં નહિ.
‘ત્યારે શું ?’ મફતકાકા બબડ્યા, ‘ભાવતાલ કરવાનીય એક રીત હોય છે. બધા સાથે એક જ રીત ન અપનાવાય. જ્યાં છૂટ મૂકવાની હોય ત્યાં મૂકવી પણ પડે.’ કહી એ બારી પાસે બેઠા અને સિગારેટ સળગાવી. અંધારામાં ઝડપથી દોડી જતી ટ્રેનની બારી બહાર એમણે જોયું. એ વખતે એમની નજર સામે દેખાયો એક સુકલકડી દેહ. પ્લેટફોર્મના રિફ્રેશમેન્ટ સ્ટોલ પાસે ઊભાઊભા ચાની સાથે પાઉંવડાની પ્લેટ એ આનંદથી આરોગતો હતો !

આ સુરેખ કાલ્પનિક ચિત્રથી ખુશ થઈ મફતકાકાએ સિગારેટની એક લાંબી કશ ખેંચી લીધી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભગવાનની ટપાલ – ગુણવંત શાહ
આવશ્યક સૂચનાઓ – તંત્રી Next »   

19 પ્રતિભાવો : ભાવતાલ – ગિરીશ ગણાત્રા

 1. JITENDRA TANNA says:

  સરસ વાર્તા.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  very nice story

 3. ટીકાકાર says:

  વાર્તાની શરુઆતમાં એવું લાગ્યું કે કાકો કંજૂસ છે, પણ આગળ જતા થોડો સારો લાગ્યો.
  આ વિરોધાભાસને બાદ કરતા, એકંદરે સરસ.
  (કદાચ વિરોધાભાસ માત્ર મારી સમજમાં જ હોય…)

 4. Dhaval B. Shah says:

  Nice story. Unexpected end!!!

 5. Alpesh patel says:

  Nice story all in massage in one last line good story alignment

 6. biren says:

  ખરેખર જ્યારે કાકો અકળાય છે ત્યારે એમ લાગે છે કે વાર્તા હાસ્ય તરફ થી ગંભીરતા તરફ વળાંક લે છે. પણ કાકા નો જવાબ સાંભળી ને ફરી હસુ આવી જાય છે.

 7. Keyur Patel says:

  વાર્તાનો વિરોધાભાસ થોડો કઠ્યો. પણ ચાલો જે થયું તે સારૂંજ થયુ. પૈસાની પાછળ દોડતા અને પોતે ન દોડી શકતા લોકો માટે ઊપયોગી વાર્તા.

 8. કલ્પેશ says:

  વાત સાચી. , ‘ભાવતાલ કરવાનીય એક રીત હોય છે. બધા સાથે એક જ રીત ન અપનાવાય. જ્યાં છૂટ મૂકવાની હોય ત્યાં મૂકવી પણ પડે.’

 9. rita saujani says:

  Very Nice! This is called humanity!

 10. reena gaurang says:

  very nice story…..do barganing in limit

 11. ALKA says:

  દયા …..માયા…..જે હૃદયમાં વસે….
  તે જ સાચો માનવ

 12. Tarang Hathi says:

  મફત કાકા નૉ ભાવતાલ ગમ્યો, કોઇ ની આંતરડી ઠરતી હોય તૉ આવૉ ભાવતાલ ગમે.

 13. Kirit Raja says:

  વેપાર કરતા પતિને ખબર છે કે કેટલે વીસે સો થાય છે, અને પૈસો કમાતા કેટલો પરસેવો પડે છે. હિંચકે ઝુલતી શેઠાણીને એ ક્યાંથી ખબર હોય.

  વાંચવાની મજા આવી.

 14. farzana aziz tankarvi says:

  good message nicly passed….in islam it said that you should pay labour before his sweat dries up…

 15. Suchita says:

  Very nice story!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.