- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ટીનએજર દીકરીઓને…. – સં. મીરા ભટ્ટ

વિખ્યાત લેખિકા શોભા ડે ને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા ટીનએજર સંતાનો શું ન કરે એવું તમે ઈચ્છો છો ? ત્યારે તેણે ખૂબ અસંદિગ્ધ ભાષામાં જણાવ્યું હતું કે ‘તેઓ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ તરીકે રાત્રે સાથે રહે, તે બાળકોના બેડરૂમમાં બેસીને સ્મોકિંગ કરે કે મા-બાપની હાજરીમાં દારૂ પીએ તે મને જરાય પસંદ નથી. તમે ગમે તેટલા સ્વતંત્ર હો તો પણ વડીલો પ્રત્યે વિનય રાખવો જ જોઈએ. દિવસના અંતે તો હું એક રૂઢિચુસ્ત મધ્યમ વર્ગની મહારાષ્ટ્રીયન સ્ત્રી છું અને રહીશ. આજે હું જે કંઈ છું તેનો યશ રૂઢિચુસ્ત વાતાવરણમાં થયેલા મારા ઉછેરને ફાળે જ જાય છે.’

શોભા ડે જેવી અત્યંત બોલ્ડ અને આધુનિક ગણાતી સ્ત્રી પણ જ્યારે પોતાના સંતાનોના ઉછેરની વાત આવે ત્યારે એટલી બધી સજાગ થઈ જતી હોય છે ત્યારે પોતાને આધુનિક ગણાવતી ઉચ્ચ મધ્યમ વર્ગની અને મધ્યમ વર્ગની મમ્મીઓએ તો ખાસ વિચારવા જેવું છે. દિલ્હીની પબ્લિક સ્કુલમાં ભણતી એક છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો બાંધવા તૈયાર થઈ જાય અને તેની વિડિયો ફિલ્મ ઉતરે તેનો પણ વિરોધ ન કરે એ કિસ્સો આવી તમામ મમ્મીઓને ચોંકાવી દેવા માટે પૂરતો છે. આજના આવા વાતાવરણમાં ઉછેર પામતા ટીનએજરો કઈ હદે જઈ શકે છે, તેનો આ એક પુરાવો છે. આ કિસ્સાને કારણે પ્રત્યેક સંવેદનશીલ મમ્મીઓ પોતાની દીકરીઓ માટે સચિંત થઈ ગઈ છે. આવી એક ચિંતાગ્રસ્ત આધુનિક મમ્મીએ પોતાની ટીનએજર દીકરીને જે દસ શિખામણો આપી છે તે દરેક મમ્મીએ આપવા જેવી છે અને દરેક કન્યાએ પાળવા જેવી છે.

[1] અજાણ્યા પુરુષોનો ક્યારેય વિશ્વાસ ન કરવો

આજકાલના સમાજમાં સ્ત્રીઓને ફસાવનારા પુરુષોની સંખ્યા વધી ગઈ છે. ભૂખ્યા વરૂઓની જેમ તેઓ દરેક ક્ષેત્રમાં ફરતા હોય છે. તું જે સ્કૂલ કે કૉલેજમાં ભણતી હોઈશ કે ઑફિસમાં કામ કરતી હોઈશ ત્યાં પણ આવા ભૂખ્યા પુરુષો હોવાના જ. તેઓ મીઠી મીઠી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરવાના જ. આવા પુરુષોનો કદી પણ વિશ્વાસ ન કરવો. તેમની સાથે ક્યારેય એકાંતમાં રહેવું નહીં. તેમની સાથે ક્યારેય એકલા બહાર ફરવા જવું નહીં. તેમની પાસેથી ફ્રી ગીફટ ક્યારેય સ્વીકારવી નહીં. તેમની અંગત સમસ્યામાં સહાયરૂપ બનવાની કદી કોશિશ કરવી નહીં. તારી અંગત સમસ્યામાં કદી તેમની પાસે માર્ગદર્શન માંગવું નહીં. તેમની પાસે પૈસાની મદદ તો ક્યારેય માંગવી નહીં કે સ્વીકારવી નહીં. આવા પુરુષોના અહેસાન હેઠળ ક્યારેય આવવું નહીં. તેમના જૂથમાં ભળવાની ક્યારેય કોશિશ કરવી નહીં. તારી અંગત સમસ્યામાં કદી તેમની પાસે માર્ગદર્શન માંગવું નહીં. તેમની પાસે પૈસાની મદદ તો ક્યારેય માંગવી નહીં કે સ્વીકારવી નહીં. આવા પુરુષોના અહેસાન હેઠળ ક્યારેય આવવું નહીં. તેમના જૂથમાં ભળવાની ક્યારેય કોશિશ કરવી નહીં.

[2] શરીરની પવિત્રતાનો ક્યારેય ભંગ કરવો નહીં.

તને જે સ્ત્રીનું શરીર પ્રાપ્ત થયું છે તેને કોઈપણ પુરુષના અનિચ્છનીય સ્પર્શથી અપવિત્ર થવા દેવું નહીં. સ્ત્રીના ચારિત્ર્યની જેટલી કિંમત છે, એટલી જ કિંમત સ્ત્રીના શરીરની પવિત્રતાની છે, સ્ત્રી માટે શીલ એક ઘરેણું છે. સ્ત્રીની શોભા જ તેનું શીલ છે. કોઈ પણ પુરુષ, કોઈ પણ સંયોગોમાં આ શરીરનો સ્પર્શ કરે અને તેની સાથે છેડછાડ કરે એ ચલાવી લેવું જ નહીં. આવી તક કોઈ પુરુષને ક્યારેય આપવી નહીં. દેહની આ પવિત્રતા આજીવન અને કમ સે કમ લગ્ન સુધી તો ટકાવી જ રાખવી જોઈએ. લગ્ન અગાઉના શારીરિક સંબંધો વ્યભિચારનું બીજુ નામ છે. સ્વાર્થી અને દગાખોર પુરુષો ઘણીવાર લગ્નનું વચન આપી ભોળી કન્યાઓ સાથે શરીરસંબંધો બાંધતા હોય છે. આવા પુરુષોની જાળમાં કદી પણ ફસાવું નહીં. કોઈ પણ પુરુષને કોઈ પણ રીતે શરીરનો સ્પર્શ કરવાની તક આપવી જ નહીં.

[3] મૂંઝવણમાં માબાપ પાસે જ માર્ગદર્શન માંગવું.

જીવનની ઘટમાળમાં અનેક મૂંઝવણો પેદા થવાની તે નક્કી છે. આવનારી કોઈ પણ મૂંઝવણમાં માર્ગદર્શન મેળવવા માટે તારે હંમેશા માબાપ ઉપર જ ભરોસો રાખવો. જીવનમાં નાની-મોટી ભૂલો દરેકની થતી જ હોય છે. નાનકડી ભૂલોમાં જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે. આ કારણે જ નાનકડી ભૂલ થઈ જાય ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે મિત્રો કે સહપાઠીઓ પાસે દોડી જવાને બદલે કોઈ પણ કટોકટીને પહોંચવા માટે સક્ષમ માબાપ પાસે જ માર્ગદર્શન મેળવવું જોઈએ. સેક્સ, પ્રેમ, સંબંધો, લગ્ન વિગેરે બાબતોની ચર્ચા પણ બહારના લોકો સાથે કરવાને બદલે સૌથી પહેલા માતાપિતા સાથે જ કરવી જોઈએ. માબાપ હંમેશાં પોતાના સંતાનોનું હિત ઈચ્છતાં હોવાથી તેઓ સાચી જ સલાહ આપશે. આ વાત અન્ય લોકો માટે કહી શકાય નહીં. માટે માબાપને જ તારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનાવજે.

[4] મોબાઈલનો મર્યાદિત ઉપયોગ જ કરવો

બેટા, અમે તને જે મોબાઈલ ફોન આપ્યો છે તેનો ઉપયોગ અમારી સાથે સંપર્કનો સેતુ જાળવી રાખવા માટે જ કરવો. મોબાઈલનો ઉપયોગ મિત્રો સાથે ગપ્પાં મારવા માટે અને ફાલતુ વાતો કરવા માટે હરગિઝ કરવો નહીં. એક દીકરી તરીકે આ કાળમાં અમને તારી ચિંતા થતી હોય તે માટે જ અમે તને મોબાઈલ આપ્યો છે. આ મોબાઈલ ફોન દ્વારા તું ગમે તેવી મુશ્કેલીની ક્ષણે કે મૂંઝવણની ઘડીએ અમારો તાત્કાલિક સંપર્ક સાધી શકે એટલા માટે મોબાઈલ ફોન છે. તેનો નંબર સ્કૂલ કે કૉલેજમાં સાથે ભણતા કોઈપણ છોકરાને ક્યારેય આપવો નહીં. આ રીતે નંબર આપવાથી તેના અનેક અનિચ્છનીય પરિણામો આવી શકે છે. મોબાઈલ ફોનમાં અગણિત ભયસ્થાનો છે. આ ભયસ્થાનોથી બચવું હોય તો મમ્મી-પપ્પા સિવાય કોઈની સાથે મોબાઈલ ઉપર વાત જ કરવી નહીં.

[5] છોકરાઓના પૈસાની ઝાકઝમાળમાં અંજાવું નહીં.

તું જે સ્કૂલમાં કે કોલેજમાં ભણે છે ત્યાં શ્રીમંત માબાપના અનેક નબીરાઓ ભણવા માટે આવતા હશે અને બાપ કમાઈનું પ્રદર્શન કરતા હશે. તેમની પાસે નવીનક્કોર મોટરકાર હશે, કેમેરાવાળો મોબાઈલ હશે અને આંગળીઓમાં હીરાની વીંટીં પણ હશે. આ છોકરાઓનું બહોળું વર્તુળ હશે, જેમાં છોકરીઓ હશે. આ જૂથમાં ભળનારી છોકરીઓને ઝગમગતી ગાડીઓમાં ફરવા મળતું હશે, પિકનિકો અને પાર્ટીઓમાં આમંત્રણ મળતું હશે અને ડિસ્કોથેકમાં પણ છોકરાઓના ખર્ચે જવા મળતું હશે. આ બધાં જ પ્રલોભનોને વશ થવાની કદી ભૂલ કરવી નહીં. આ બધા મફતના લાભો મેળવવા જતી કન્યાઓને પોતાના શરીરનો જ સોદો કરવો પડે છે. યાદ રાખજે, આ દુનિયામાં કોઈ ચીજ મફત મળતી નથી. માટે મફતમાં કંઈ મેળવવાની કોશિશ કરવી નહીં. તેની જે કિંમત ચૂકવવી પડશે તે ખૂબ જ આકરી હશે.

[6] સેક્સ વિષયક મૂંઝવણોમાં માર્ગદર્શન

ઉંમર ઉંમરનું કામ કરે છે. અમુક ઉંમર થાય એટલે સ્ત્રી-પુરુષના સંબંધો, ગર્ભાવસ્થા, સંતતિનિયમનનાં સાધનો, દૈહિક આકર્ષણ વિગેરે અંગે પ્રશ્નો પેદા થાય એ આજના કાળમાં ખૂબ સ્વાભાવિક છે. સ્ત્રી રજસ્વલા થાય તે પછી આ સમસ્યાઓ વિશેષ પ્રકારે પેદા થાય છે. આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા તારી મમ્મી તૈયાર છે. હું જ્યારે તારી ઉંમરની હતી ત્યારે મને પણ આ પ્રશ્નો થયા હતા અને મેં તેના જવાબો મારી રીતે પ્રાપ્ત કર્યા હતા. હવે હું એવું નથી ઈચ્છતી કે તું આ પ્રશ્નોના જવાબો કોઈ અજાણ્યા, અધકચરું જ્ઞાન ધરાવતા લોકો પાસેથી મેળવવાની કોશિશ કરે અને તારી જાતને નુકશાનીના ખાડામાં ઉતારી દે. આ બધા જ પ્રશ્નો તું કોઈપણ જાતના સંકોચ વગર મને પૂછી શકે છે. તને સંપૂર્ણ સંતોષ થાય તે રીતે આ પ્રશ્નોના ઉત્તરો આપવાની હું કોશિશ કરીશ.

[7] મુગ્ધાવસ્થામાં થતા મોહને પ્રેમ ન માનવો.

અત્યારે તારી ઉંમર જ એવી છે કે તને કોઈ પણ હેન્ડસમ છોકરા કે યુવકને જોતાં જ એવો ભ્રમ થાય કે તું તેના પ્રેમમાં પડી છે. આ ભ્રમ ખૂબ ખતરનાક છે. તેને પ્રેમ માનવાની કોશિશ કદી ન કરવી. સાચો પ્રેમ કોને કહેવાય તે ઓળખવા માટે આ ઉંમર ખૂબ કાચી છે. આ ઉંમરે એક નહીં પણ અનેક પુરુષો માટે આ પ્રકારનો મોહ દિલમાં પેદા થાય તે શક્ય છે. આ મોહની જાણ તે પુરુષને થાય તેવી ચેષ્ટા કદી પણ ન કરવી. તેનું પરિણામ ખૂબ જ ખતરનાક આવી શકે છે. સ્વાર્થી પુરુષો આવી ભોળી યુવતીઓને ફસાવવા માટે રાહ જોઈને જ બેઠા હોય છે. આવા પુરુષો સાથે કોઈ પણ જાતનો સંપર્ક સાધવો નહીં કે તેમની નજીક ફરકવાની કોશિશ ન કરવી. તેમને ભૂલી જવામાં જ તારું શ્રેય છે. આ ઉંમરે કદી પ્રેમમાં પડી શકાય જ નહીં, એટલું યાદ રાખવું.

[8] લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાની અમારી જવાબદારી છે.

તારી જ્યારે લગ્ન માટે યોગ્ય ઉંમર થશે ત્યારે યોગ્ય પાત્ર શોધી આર્યદેશની મર્યાદા મુજબ તારાં લગ્ન કરાવી આપવાની અમારી જવાબદારી છે. આ બાબતની ચિંતા તારે કરવાની જરાય જરૂર નથી. માટે જે કોઈ પુરુષના સંપર્કમાં આવે તેમાં તારા ભવિષ્યના ભરથાર શોધવાની કોશિશ કરવી નહીં. તારા માટે તો દુનિયાના બધા જ પુરુષો ભાઈ કે પિતા સમાન જ હોવા જોઈએ. આ બધા પુરુષો પૈકી ક્યા પુરુષ સાથે લગ્ન કરીને તું સુખી થઈશ એ સમજવાનું તારું ગજું નથી. આ બાબતમાં કોઈપણ નિર્ણય કરવાનું તું દુ:સાહસ કરીશ તો દુ:ખી જ થઈશ. ટીનએજ ની આ ઉંમરે કોઈ પણ ચિંતામાંથી મુક્ત થઈને તારે તારું મન તો હંમેશા અભ્યાસમાં જ પરોવવાનું છે. યોગ્ય સમયે, યોગ્ય પાત્ર સાથે માબાપ જ લગ્ન કરાવી આપશે એવો કાયમ વિશ્વાસ રાખીશ તો તારો પગ કદી કુંડાળામાં પડશે નહીં.

[9] આર્થિક ચિંતા તારે કરવાની નથી.

ઘરની આર્થિક પરિસ્થિતિ ગમે તેટલી વિષમ હોય તો પણ તારે કદી તેની ચિંતા કરવાની નથી. અમે તેમાંથી માર્ગ કાઢવા માટે સક્ષમ છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે પૈસા કમાવાની બિલકુલ ચિંતા અને બોજા વગર તું તારું ધ્યાન વિદ્યાની પ્રાપ્તિમાં કેન્દ્રિત કર, તારું ભણતર પૂરું થઈ જાય તે પછી અમે તારો ઉપયોગ પૈસા કમાવાના મશીન તરીકે નહીં કરીએ પણ યોગ્ય સ્થાન ગોતીને તારા હાથ પીળા કરવાની જ ઉતાવળ કરીશું. તારા માથે માબાપનું ભરણપોષણ કરવાનો બોજો અમે હરગિઝ લાદવા માંગતા નથી. એટલે જ નોકરી માટે કે પૈસા રળવા માટે તારે કોઈની લાચારી કરવી પડે કે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવું પડે એવી પરિસ્થિતિ જ અમે પેદા થવા દેવા માંગતા નથી. આ માટે જ અમે તને તમામ પ્રકારની આર્થિક ચિંતાઓમાંથી મુક્ત રાખવા માંગીએ છીએ.

[10] કટોકટીમાં પણ અમને જ યાદ કરજે.

તું જો અગાઉની બધી જ શિખામણો માનીને તેનો બરાબર અમલ કરીશ તો જીવનમાં લગભગ કટોકટીની ક્ષણ આવશે જ નહીં અને તારી જિંદગી અત્યંત આસાન બની રહેશે. તેમ છતાં ભૂલથી પણ ઉપરની શિખામણોનો ભંગ કર્યો અને કોઈ કટોકટીભરી પરિસ્થિતિમાં આવી જવાનું થાય તો એવો વિચાર નહીં કરતી કે, હવે મમ્મીને આ વાત કેવી રીતે કરવી ? બેટા, અમે તારી બધી ભૂલોને માફ કરવા અને તને મદદ કરવા હંમેશાં બેઠાં જ છીએ. માટે કટોકટીમાં હતાશ બનીને કોઈ ખોટું પગલું ભરવાનો વિચાર કદી ન કરતી. અમારું વાત્સલ્ય અમને તારી ભૂલની ઉપેક્ષા કરાવડાવીને તેને કારણે પેદા થયેલી કટોકટીમાંથી માર્ગ કાઢવાની તાકાત આપશે. તું અમારું જ લોહી છે, માટે કદી તારો સાથ નહીં છોડીએ એ વાત તું હંમેશ માટે યાદ રાખજે.