સંતોષનો પારસમણિ – ધૂની માંડલિયા

આપણા પૂર્વજો – આપણા વડવાઓ આપણા કરતાં વધારે સુખી હતા એ નિર્વિવાદ હકીકત છે. તેઓ આપણે ભોગવીએ છીએ તેની સાધન-સંપન્નતા તેમણે જોઈ સુદ્ધાં ન હતી એ ખરું, પણ અધિક સાધન-સંપન્નતા પછી પણ આપણે સુખી નથી. સાધન-સંપન્નતા વધે એટલે સુખ વધે તેમ માનવું ભૂલભરેલું છે. સાધન-સામગ્રીની વિપુલતા સુવિધા અવશ્ય વધારે છે પણ સુવિધા એ સુખ નથી. ક્યારેક તો વિશેષ સુવિધા જ દુ:ખનું કારણ બનતું હોય છે.

સુખ સંતોષના છાપરા તળે જ પલતું હોય છે, સમૃદ્ધિના મહેલમાં નહીં. બેસુમાર સમૃદ્ધિની વચ્ચે તમે દુ:ખી હોઈ શકો છો, બેસુમાર ગરીબી વચ્ચે તમે સુખી હોઈ શકો છો. બધો અધાર તમારા સંતોષના ચિર ભાવ પર છે. ‘સંતોષી નર સદા સુખી’ એ કહેવતમાં પણ જોર સંતોષ પર છે. સંતોષ ખુદ એવી સમૃદ્ધિ છે કે જેમની આગળ બાદશાહ અને સમૃદ્ધિ, ધન-દોલત, ઐશ્વર્ય ફિકાં પડે. આ સંતોષનો ચરુ હાથ લાગી જાય પછી દોટનો અંત આવે છે. સમજણપૂર્વકની શાંતિયાત્રાનો આરંભ થાય છે. અહીં યાદ રાખવા જેટલું એટલું જ છે કે કોઈ આળસને સંતોષ ના માને, પ્રમાદને મીઠાશ ના માને. આપણે સૌ આપણી પાસે જે કાંઈ ઓછું-વત્તું છે તેનાથી ઘર-રોજગાર ચલાવીએ જ છીએ. એટલે આપણે સૌ સંતોષી છીએ એમ ના કહેવાય. આપણી વર્તમાન સંકડામણ સંજોગાધીન છે. આપણને ગમે કે ના ગમે – સંજોગો પ્રમાણે જીવ્યા વગર છૂટકો નથી. આમાં સંતોષ નથી, પરિસ્થિતિનો તકાદો છે. સંજોગો બદલાય, હાથમાં રૂપિયાની થપ્પીઓ આવવા માંડે તો સંકોરાયેલી પાંખો ખાસ્સી પહોળી થાય અને ગગનમાં ઉડાન શરૂ થાય. આ ઉડાન એ સંતોષનું લક્ષણ નથી. એવું જ સામે છેડાનું અન્ય એક સત્ય છે – આળસનું. આળસુ માણસ પડ્યો રહે, કોઈ કામ-ધંધો કે ઉદ્યમ કરે નહીં અને દાવો કરે કે ‘આપણે તો ભાઈ, થોડાથી રાજી છીએ.’ તો એ પણ એક છલના છે, ત્યાં સંતોષ નથી, પ્રમાદ છે.

સંતોષ એ પરિપક્વ-પુખ્ત સમજણ છે. એ અધકચરી સાધના નથી, એ પૂર્ણ સાધના પછી શ્રદ્ધાનું જ્ઞાન છે. તમે પાંચ મોટરકાર વસાવી શકો તેટલા અમીર હો, તેમ છતાં સ્કૂટરની ચલાવી બાકીની લક્ષ્મીનો ઉપયોગ દીન-દુ:ખિયા પાછળ વાપરો તો નક્કી માનવું કે સંતોષ વિશેની સમજણ તમે બરાબર પચાવી છે. સ્કૂટરથી ચલાવી લઈ, બાકીના રૂપિયાને તિજોરીમાં ગોઠવી રાખવામાં સંતોષ નથી, લોભ છે, ભાવિસુરક્ષાનો ડર છે. પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખી દ્રવ્ય ઉપાર્જન માટે પણ લાંબો પથારો ના કરે તે સાચો સંતોષી. આવો સંતોષી વ્યાપક અર્થમાં સંત જ છે. આવા સંતોષી આપણે છીએ ખરા ? ત્યારે જે છે તેનાથી અધિક મેળવવા આપણે સવારથી જ દોટ મૂકતા નથી ? એ માટે નીતિનિયમોને ઠેબે ચડાવી પેંતરા રચતા નથી ? આપણી લીટી મોટી કરવા કે રાખવા બીજાની લીટી કાપી નાખવા આપણે તૈયાર થઈ જતા નથી. તમારું આયખું આરામદાયી રીતે વીતી જાય તેવી પરિસ્થિતિ હોવા છતાં તમારી સાત પેઢી ખાય તોય ના ખૂટે એવાં શિખરો સર કરવા માટે તમે ઉધામા મારતા નથી ? આ બધા પ્રશ્નોના પ્રમાણિક જવાબો મેળવ્યા પછી આપણે આપણને એક પ્રશ્ન પૂછો કે શું હું ખરેખર સંતોષી છું ? આ પ્રશ્નનો જવાબ ‘ના’ માં આવશે.

સંતોષ હોય ત્યાં શાંતિ હોય જ. આપણું વર્તમાન જીવન અજંપા અને અશાંતિ વચ્ચે વહેરાઈ રહ્યું છે. એ જ બતાવે છે કે આપણને હજી સંતોષનો પારસમણિ હાથવગો થયો નથી. ‘હજી વધુ, હજી વધુ’ ની લાલસા આપણા ચિત્તને ડહોળી નાખે છે. આપણે રેસના ઘોડાની જેમ સતત ફીણ ઉડાડતા દોડી રહ્યા છીએ. જો તમે સાચા અર્થમાં સંતોષી બની જાઓ તો તમે જ્યાં ઊભા છો ત્યાં જ પડેલો ખજાનો તમને દેખાવા માંડશે. તમારી દોટ અટકી જશે. તૃષ્ણા છે ત્યાં દોટ છે, સંતોષ છે ત્યાં શાંતિ છે. વિજ્ઞાનના જાદુના કારણે આટઆટલાં સુખ-સગવડનાં સાધનો તથા ભૌતિક સંપત્તિ વધ્યાં હોવા છતાં મનુષ્ય જાણે માર્યો ફરે છે. તૃષ્ણા ટળે, સંતાપ હરે એવી કોઈ જાદુઈ લાકડી હજી સુધી વિજ્ઞાન શોધી શક્યું નથી. સાચા સુખ માટે શાંતિ, ને શાંતિ માટે સંતોષ અનિવાર્ય છે.

જે કંઈ મળે તેને ઈશ્વરના કરુણાપ્રસાદે-કૃપા પ્રસાદરૂપે સ્વીકારી પ્રસન્ન રહેવું તેનું નામ સંતોષ. એટલે ‘વ્યાસભાષ્ય’ માં કહ્યું છે તેમ ‘અતિ આવશ્યક એવા જે પ્રાણયાત્રાના નિભાવનાર પ્રદાર્થો તે સિવાય અન્ય પ્રદાર્થો તે સિવાય અન્ય પ્રદાર્થો મેળવવાની અસ્પૃહા’ ભગવાને પેટ આપ્યું છે એટલે એને પોષવાની જવાબદારી તેણે ઉઠાવી જ છે. આપણે હેરાન થઈએ છીએ એ પેટના પ્રશ્ને નહીં, પીઠના પ્રશ્ને હેરાન થઈએ છીએ. ભગવાને પેટ એક જ આપ્યું છે પણ હાથ બે આપ્યા છે. પેટના પ્રશ્નો હલ કરવા જેટલી શક્તિ ભગવાને બે હાથમાં આપી છે. – પણ આપણે પીઠને બાથમાં લેવા હાથનો ઉપયોગ કરવા મથીએ છીએ – પીઠ એટલે ભાવિની ચિંતા અને તેના કારણે વધતી જતી લોભલાલસા. આપણને જોઈએ આરોગ્ય અને આપણી દોડ રોગ પ્રતિ હોય છે. આપણે ઝંખીએ છીએ શાંતિ અને આપણને ઘોંઘાટ વગર ચેન પડતું નથી. આપણે એકાંતની સુખદ પળો માટે ટાંપી રહ્યા છીએ પણ ટોળું છોડવાની તૈયારી નથી. પરિણામે વૈભવનાં સાધનો વધતાં જ રહે છે તે સાથે આપણી પાસે જે કંઈ છે એને ભોગવવાની ક્ષમતા ગુમાવતા જઈએ છીએ. જેટલું હોય એટલું ઓછું જ પડે છે. મોટરમાં ફર્યા કરીએ છીએ અને પછી મોર્નિંગ વોક માટેના સ્થળ-સમયની ચર્ચા કરીએ છીએ. ચોખાને પોલિશ કરીને ખાવામાં મજા આવે છે અને પછી વિટામિનની ગોળીઓ આપણા જીવનનો એક ભાગ બની જાય છે.

ભર્તુહરિએ ‘વિજ્ઞાનશતક’ માં કહ્યું છે કે ‘જે સંતુષ્ટ મનવાળો છે તેના માટે સર્વ દિશાઓ સુખમય હોય છે. અર્થાત તેને ચારેય બાજુથી સુખ સાંપડે છે.’ એમ કહી સંતોષની સાચા સુખના મૂળ તરીકે પ્રતિષ્ઠા કરી છે. તૃષ્ણા વધવાથી અને સંતોષ ઘટવાથી આપણા જીવનમાં વ્યાપ વધ્યો પણ ઊંડાણ ઘટી રહ્યું છે. આપણને બધું જ જોઈએ છીએ. ઈન્સ્ટન્ટ કૉફીની જેમ આપણે ધીરજ અને સ્થિરતા ગુમાવી રહ્યા છીએ. એક માણસ બીજા માણસને માણસ તરીકે નહીં, જણસ તરીકે જોતો થઈ ગયો છે. માણસ વધુને વધુ અસંતોષી બની રહ્યો છે તેનું આ પરિણામ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમજ – દિલીપ રાણપુરા
ટીનએજર દીકરીઓને…. – સં. મીરા ભટ્ટ Next »   

6 પ્રતિભાવો : સંતોષનો પારસમણિ – ધૂની માંડલિયા

  1. ‘જે સંતુષ્ટ મનવાળો છે તેના માટે સર્વ દિશાઓ સુખમય હોય છે. અર્થાત તેને ચારેય બાજુથી સુખ સાંપડે છે.’

    સાચી વાત છે.

  2. RAVAL RAJENDRA D says:

    સરસ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.