- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સંતાનમાં સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતર – ડૉ. ઊર્મિલા શાહ

[અમદાવાદથી પ્રકાશિત થતા ‘ઘરશાળા’ સામાયિકમાંથી સાભાર.]

‘બેન ! આ અર્ચન આજે યુનિફોર્મમાં બૂટ પહેર્યા વિના આવ્યો છે એટલે બેને એને અમારી ઑફિસમાં મોકલ્યો છે.’
‘કેમ બેટા, તેં આજે આવા સ્પોર્ટસ્ શૂઝ પહેર્યા છે ? તને ખબર નથી ? કે સ્કૂલના યુનિફોર્મમાં આવા બૂટ ચાલતા નથી ?’
‘બેન ! મારા સ્કૂલના બૂટ મમ્મીએ ધોયા છે, તે સૂકાયા નથી. એટલે હું આ બૂટ પહેરી લાવ્યો છું.’
‘કેમ આજે ચાલુ દિવસે ધોયા છે, બેટા ? બૂટ શનિ-રવિમાં ધોવા જોઈએ ને ! એવું કેવી રીતે ચાલે ? સ્કૂલના નિયમોનું પાલન તો કરવું જ પડે ને !’
અને મેં અર્ચનની મમ્મીને ફોન કર્યો. ‘બેન ! અર્ચનને સ્કૂલમાં કેવી રીતે બેસાડું ? એણે આજે યુનિફોર્મના બૂટને બદલે સ્પોર્ટસ્ શૂઝ પહેર્યા છે, તમને તો ખબર છે આપણી સ્કૂલ શિસ્ત માટે ઘણી આગ્રહી છે. આવું કેવી રીતે ચાલે ? રજાના દિવસે બૂટ ધોવા જોઈએ ને !’
અને અર્ચનનાં મમ્મી ચમક્યાં. ‘બેન ! મનેય ખબર છે કે શનિ-રવિમાં જ બૂટ ધોવાના હોય ને મેં એવું કર્યું છે. બૂટ તો છે જ પણ આજે અર્ચન માન્યો જ નહીં. એ સ્કૂલમાં આવવા નીકળતો હતો ને મેં એને ઘણું કહ્યું, ‘અર્ચન ! સ્કૂલના બૂટ પહેરીને જા. તને બેન પાછો મોકલશે પણ માને તો ને ! આ છોકરાં હવે અમારું સાંભળતાં જ નથી ને ! પાછો કહે કે મમ્મી તું ખાલી બોલ બોલ ન કર, કેટલાંય છોકરા આવા સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવે છે તે કંઈ પકડાતાં નથી તો મનેય મન ન થાય ?….ને મારું કશું જ સાંભળ્યા વિના સાયકલ લઈને નીકળી ગયો. બેન, સારું થયું આજે તમે એનું આ તરફ ધ્યાન દોર્યું તે. તમે એને બરાબર ઠપકો આપજો જ.’

એક દિવસ બીજા ધોરણમાં ભણતા આદિત્યનાં મમ્મી પૂછવા આવ્યાં. ‘બેન, કાલે આદિત્યની વર્ષગાંઠ છે. એના કલાસમાં પીપરમીંટ વહેંચવી છે, એને આપું ને !’
‘સારું થયું બેન ! તમે પૂછવા આવ્યાં. પણ આપણી સ્કૂલમાં આપણે તેને માટેની છૂટ્ટી નથી રાખી કારણ આપણે ત્યાં સુખી ઘરનાંય છોકરાં ભણે છે ને સામાન્ય ઘરનાં પણ ભણે છે. વર્ગમાં એક છોકરું આમ વહેંચે એટલે જેનાં મા-બાપને પોસાય તેવું ન હોય તેને પણ એ માટે મન થાય, એ મા-બાપ પાસે જીદ કરે એટલે કાં તો મા-બાપને ખેંચાવુ પડે ને કાં તો બાળકને દુ:ખ થાય. અને એટલે જ બેન ! બાળકોમાં સાદાઈ કેળવાય, દેખાદેખીથી બાળક ન દોરવાઈ જાય એ માટે અમે યુનિફોર્મનો આગ્રહ રાખીએ છીએ અને બાળકને મોટાઈની કે હીનતાની ગ્રંથિ ન બંધાય તે માટે આમ વર્ષગાંઠ નિમિત્તે શાળામાં કશું વહેંચવા માટે રજા નથી આપતા.’
‘પણ બેન ! એમાં શું ખોટું છે ? છોકરાંઓને એમ વહેંચવાથી કેવું સારું લાગે ! તેમનો ‘અહમ’ કેવો સંતોષાય ! એ કંઈ બહુ મોટી વાત તો નથી.’
‘બેન, જીવનમાં બહુ મોટી ન લાગતી હોય એવી નાની નાની વાતોમાંથી જ જીવન-ઘડતરના પાઠ શીખવા મળે છે ને ! હમણાં જ એક બેન આવ્યાં હતાં તે કહે કે બેન, મારા બાબાને ચોથા ધોરણમાં એડમિશન આપશો ? મારે એને સ્કૂલ બદલાવવી છે.’
‘કેમ ? આમ અડધેથી ? શરૂઆતથી જ એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે અધવચ બદલવી ન પડે, નહીં તો છોકરું મૂંઝાઈ જાય ને મુશ્કેલીમાં મૂકાઈ જાય.’

‘બેન ! એને સ્કૂલમાં મૂક્યો ત્યારે વળી મને એમ કે આ સ્કૂલનું નામ બહુ સંભળાય છે. વળી આખી સ્કૂલ ઍરકંડિશન છે એટલે છોકરો કેટલું શાંતિથી ભણી શકે ! આપણા અમદાવાદમાં તો ગરમીય કેવી પડે છે ? સ્કૂલમાં હોય એટલા કલાક તો એ આરામથી રહે… ઍરકંડિશન સ્કૂલ હોય એટલે એટલી ચોક્ખાઈ પણ હોય અને એટલી સુવિધા માટે જાગૃત હોય એવી સ્કૂલમાં ભણવાનું તો સારું હશે જ ને ! ને એમ માની એને ત્યાં મૂક્યો હતો. પણ બેન ! આ ત્રણચાર વર્ષ પૂરાં કરતાં કરતાં તો હું થાકી ગઈ, દર થોડા થોડા વખતે એ સ્કૂલમાં ટીચર બદલાય છે, ભણવાનું ઠેકાણું પડતું નથી અને હવે મોટો થતો જાય છે તેમ ઘેર આવે પછી ઘરમાંય ઍરકંડિશન નખાવો…એના વિના મને નહીં ચાલે તેવા ધમપછાડા કરે છે. બેન ! એક તો એ સ્કૂલની ફી ખાસ્સી છે. મૂક્યો ત્યારે એમ હતું કે ગમે તેમ ત્રેવડ કરીને ફી ભરીશું. પણ છોકરો સારું ભણે અને શાંતિથી ભણે તો ખરો. આમ સારું કરવા જતાં તો હવે બીજા અનેક પ્રશ્નો ઊભા થવા માંડ્યા છે. અમને ઍરકંડિશન ક્યાંથી પોષાય ? અને એટલે જ બેન ! તમને ખાસ વિનંતી કરું છું કે એના એડમિશનનું ગમે તેમ કરીને મને કરી આપો તો એની જિંદગી સુધરી જાય. બેન ! તમારો પાડ ક્યારેય નહીં ભૂલું.’

‘બેન ! તમે રામાયણ વાંચ્યું છે ? રામ લક્ષ્મણ જેવા રાજકુમારો રાજમહેલ છોડીને ગુરુના આશ્રમમાં ભણવા ગયા હતા, તે તમને ખબર છે ને ! કૃષ્ણ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા સાથે ભણતા હતા ને ગુરુપત્નીએ તેમને ચીંધેલા કામ પણ તે કરતા હતા. રાજકુમારો પણ જો રાજમહેલ છોડીને વિદ્યા મેળવવા માટે આટલો ત્યાગ કરતા હતા તો તેમાંથી કંઈક બોધપાઠ લેવાને બદલે તમારાં જેવા શિક્ષિત કહેવાતાં મા-બાપો આજે આપણાં ઘરમાંય એરકન્ડિશન ન હોય તો પણ શાને માટે એવી સ્કૂલમાં બાળકને મોકલવાનો આગ્રહ રાખે છે, એ જ મને સમજાતું નથી. સ્કૂલ એમાં અપાતા શિક્ષણની કક્ષા જોઈને પસંદ કરવાની હોય કે એની બાહ્ય ભૌતિક સુવિધાઓ અને મકાનની ટાપટીપ પરથી ?’ એટલું જ નહી પણ આવાં મા-બાપ તેમના મિત્રવર્તુળમાં પણ પાછા ગૌરવભેર કહેતા હોય છે, ‘મેં તો કૃણાલને એવી સ્કૂલમાં મૂક્યો છે કે એ સ્કૂલની તોલે શહેરની કોઈપણ સ્કૂલ આવી ન શકે. તમે માનશો ! એની છ મહિનાની ફી પણ પાંચ આંકડાની છે. છોકરાને સારો ભણાવવો હોય અને સમાજમાં આબરુ મેળવવી હોય તો ખર્ચો તો કરવો પડે ને !’ આવું કહીને ગૌરવ લેતાં કૃણાલનાં મમ્મી-પપ્પાને હું સાંભળું છું ત્યારે મને એમના એ છીછરાપણાં માટે કરુણા ઉપજે છે. મા-બાપ તરીકેય જીવનમાં કેટકેટલું શીખવું પડે છે ! જીવનનાં એ મૂલ્યો આત્મસાત ન કર્યાં હોય તો આપણાં જ સંતાનનું આપણે સારું ઘડતર ક્યાંથી કરી શકીએ !

હજી તો સવારે જ પ્રાર્થનાસભામાં ભારપૂર્વક મેં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમે શાળાએ આવો છો ત્યારે ભણવા માટે આવો છો. શાળાની જવાબદારી તમારું ભણતર અને ઘડતર બંને માટેની છે. અને એટલે જ વિદ્યાર્થીજીવનમાં સાદગી એ સૌથી પહેલાં શીખવાનો પાઠ છે. એટલે જ ગણવેશની પ્રથા રાખવામાં આવી છે જેથી શાળામાં ન કોઈ ગરીબ લાગે, ન કોઈ તવંગર. સાથે એ પણ ધ્યાન દોરું છું કે શાળામાં કોઈ પણ કિંમતી ચીજવસ્તુ લઈને કે દાગીના પહેરીને આવવું નહીં. પેન લખવા માટે જરૂરી છે. તે પાંચ રૂપિયાની હોય તો પણ લખાય. પચાસ રૂપિયાની હોય તો પણ એનાથી વધુ સારું તો ન જ લખાય. એવી રૂપાળી લોભામણી પેન જોઈને બીજા વિદ્યાર્થીને તેવી પેન માતે મન થાય તેવું વાતાવરણ ઊભું કરવું તે પણ ખોટું છે. તમને તમારો ‘અહમ’ હોય પણ એ ‘અહમ’ ભૌતિક ચીજવસ્તુઓમાંથી સંતોષવાને બદલે અભ્યાસમાં આગળ આવીને બુદ્ધિબળથી તમારો પ્રભાવ પાડીને સંતોષો તો જ તમે આગળ વધી શકો….

હજી તો બપોરે ગરબાની પ્રેક્ટિસ ચાલતી હતી ત્યાં બૂમાબૂમ થઈ….. ‘પ્રિયાનો અછોડો પ્રેક્ટિસ કરતાં પડી ગયો. બેન ! જડતો નથી. હવે શું થશે ?’ ને ધમાલ શરૂ થઈ.
‘બેટા પ્રિયા ! તમને લોકોને કેટલીવાર કહ્યું છે કે સ્કૂલમાં કિંમતી વસ્તુ પહેરીને ન આવવું. હવે શું કરીશું ? આવું જોખમ શું કરવા લો છો ?’
ત્યાં તો પ્રિયા બોલી ઊઠી : ‘બેન ! એવું પહેરીને ન આવીએ તો સારા ઘરનાં છીએ તેવી ખબર કેવી રીતે પડે…!’ આપણે મા-બાપ પણ સંતાનોનાં મગજમાં આ કેવા વિચારો પ્રેરીએ છીએ ! માણસ તેની બુદ્ધિથી, તેની આવડતથી ઓળખાય છે. તેના બાહ્ય દેખાવથી નહીં, ટાપટીપથી નહીં. જીવનનું એ સનાતન સત્ય બાળક નાનું હોય ત્યારથી જ તેના જીવનમાં ઉતરે તે માટે શાળા સતત જાગૃત હોય પણ તેમાં મા-બાપનો સહકાર પણ જરૂરી તો બને જ. બે હાથ વિના કંઈ તાળી ઓછી પડે છે ! સંતાનમાં સંસ્કાર અને ચારિત્ર્યનું ઘડતર એ કંઈ નાનીસૂની સાધના નથી. આપણે તેને માટે જાગૃત રહેવું જ પડશે.