સુપ્રભાતમ – સંકલિત

[પુન: પ્રકાશિત]

[1] પંદર જ મિનિટ – રઘુનાથજી નાયક

ઘણા લોકો બૂમો મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ કરનારા અનેક માણસો તો નજીવાં દેખાતાં કામો કરવાની ફુરસદ મેળવી શકે છે. જેઓ પોતાના કામની અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી જાય છે. પંદર મિનિટ જેટલા ટૂંકા સમયમાં માણસ શું શું કરી શકે તેના નમૂના આપણે જોઈએ :

15 મિનિટમાં –
સામાન્ય ઝડપે સવા કિલોમીટર ચાલી શકાય; સાઈકલ ઉપર 3 કિલોમીટરનું અંતર કાપી શકાય.
સામાન્ય પુસ્તકનાં પાંચ પાનાં વાંચી શકાય.
શરીરને તંદુરસ્ત રાખવા આસનો કે વ્યાયામ કરી શકાય.
મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય.
ઘરના બે-ત્રણ ઓરડાની સફાઈ કરી શકાય.
પોતાનાં કપડાં ધોઈ શકાય.
ઘરનાં શાકભાજી સુધારી આપી શકાય.
અક્ષર સુધારવા તથા વિચારો સ્થિર કરવા ડાયરી લખી શકાય.
ટપાલના બે નાના પત્રો સારી રીતે લખીને ફરી વાંચી જઈ શકાય.

ધ્યાનમાં એ રાખવાનું છે કે 15 મિનિટનો જેમ સારો ઉપયોગ થઈ શકે છે, તેમ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેટલાક ફરિયાદ કરે છે કે, અમને ફરવા જવાનો સમય નથી મળતો, નિરાંતે જમવાનો સમય નથી મળતો, ટપાલ લખવાનો સમય નથી મળતો. પરંતુ એમના અમૂલ્ય સમયની ચોરી અવ્યવસ્થા અને અવિચાર દ્વારા કેવી રીતે થાય છે તેટલું તપાસવાનો પંદર જ મિનિટનો સમય તો તેમણે પ્રથમ કાઢવો જ જોઈએ. (‘અરધી સદીની વાચનયાત્રા ભાગ-1 માંથી સાભાર.)

[2] મન અને વાણી – છાંદોગ્ય ઉપનિષદ

સૃષ્ટિના આરંભે માત્ર સત હતું. એક અને અદ્વિતિય. એમાંથી તેજ પ્રગટ્યું. તેજમાંથી જલ પ્રગટ્યું અને જલમાંથી અન્ન બન્યું. ખાધેલું અન્ન ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. અન્નનો જે અત્યંત સ્થૂળ અંશ છે, એમાંથી મળ બને છે. જે મધ્યમ અંશ છે, એમાંથી માંસ બને છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ છે, તેમાંથી મન બને છે. (આમ મનની ગતિને અન્નની ગુણવત્તા સાથે સીધો સંબંધ છે. અન્ન વગર મન મૂઢ બની જાય છે. મનને શાંત રાખવા મસાલા, કાંદા, લસણથી દૂર રહેવાની ઘણા ધર્મોએ શીખ આપી છે, એ પ્રદાર્થો મનમાં ઉત્તેજના પેદા કરે છે.)

પીધેલું પાણી ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. પાણીનો જે અત્યંત સ્થૂળ અંશ છે, તેનું મૂત્ર બને છે. જે મધ્યમ અંશ છે, તેનું રક્ત બને છે અને જે અત્યંત સૂક્ષ્મ અંશ છે, તેનો પ્રાણ બને છે. (આથી જ પાણી વગર પ્રાણ ટકી શકતો નથી.)

ખાધેલું તેજ ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. તેજનો અત્યંત સ્થૂળ અંશ છે તેમાંથી અસ્થિ બને છે. જે મધ્યમ અંશ છે, તેમાંથી મજ્જા બને છે. જે અત્યંત સૂક્ષ્મ અંશ છે તેમાંથી વાણી બને છે.

આમ, મન અન્નમય છે, પ્રાણ આપોમય (જળમય) અને વાણી તેજોમય છે.

[3] સંસ્કૃતિ અને માનવજાતનું જતન – પ્રિ. જશભાઈ પટેલ

વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં બહુ જ ઝડપથી વાવાઝોડાની માફક પરિવર્તન પામતા સમયમાં આપણે સૌ જીવીએ છીએ. આજે દરેક ક્ષેત્રમાં વ્યાપારીકરણ અને ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય છે. પૈસો એ જ પરમેશ્વર ગણાય છે. પ્રસાર માધ્યમોથી પ્રજા ગુંગળાય છે. સુશિક્ષિત બુદ્ધિજીવીઓ, સંત-મહાત્માઓ પણ પરિવર્તનની વધારે-ઓછી અસરમાં આવી પોતાની રીતે શાંતિમય જીવન જીવી શકતા નથી. પ્રસાર માધ્યમોએ કુટુંબજીવન, સામાજિક જીવન પર ખતરનાક અસર કરી છે. દિવસના ચોવીસેય કલાક પ્રચાર અને પ્રસાર માધ્યમો જેવાં કે રેડિયો, દૂરદર્શન, દૈનિક છાપાં, મેગેઝિનો, પુસ્તકો, લાઉડ સ્પીકરોનો ઘોંઘાટ, રાજકારણીઓની યોજાતી રેલીઓ, હુલ્લડો, નાના ક્ષુલ્લક પ્રશ્નોને વિકૃત કરી પડાતા બંધ, હડતાલો વગેરેથી પ્રજાજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વહેલી સવારથી રાત્રે સૂતા સુધીની માનવીની દરેક પ્રવૃત્તિમાં પ્રસાર માધ્યમો ગેરમાર્ગે દોરે છે. વિચારશીલ માનવીને પણ દિશાહીન બનાવી ગુમરાહ કરે છે. છેતરામણી જાહેરાતોએ તો મોટેરાઓની સાથે નિર્દોષ બાળકોને પણ ઝપટમાં લીધા છે. તેમનું બાળપણ લૂંટાઈ ગયું છે. અને તેમનું શોષણ થઈ રહ્યું છે. જાહેરખબરોમાં નાનાં નિર્દોષ ભૂલકાં અને સ્ત્રીઓનો અઘટિત ઉપયોગ કરીને સમાજને અધ:પતનના માર્ગે દોરે છે.

પ્રસાર માધ્યમો આપણા દૈનિક જીવનમાં ડગલે-પગલે આપણી વિચારશક્તિ અને નિર્ણયશક્તિ પર અસર કરે છે. કુટુંબની બધી વ્યક્તિઓ પ્રસાર માધ્યમોની અસરથી દરેક બાબત પર અલગ અલગ મંતવ્યો, અભિપ્રાયો ધરાવે છે. આથી કુટુંબની વિચારધારા એક રહેતી નથી અને વાતાવરણ કલુષિત થાય છે. વ્યાપારીકરણને કારણે દૈનિક છાપાં, દૂરદર્શન, ફિલ્મો, લખાણો વગેરે વિશ્વાસપાત્ર રહ્યાં નથી અને યુવામાનસને જબરજસ્ત વિકૃત કરે છે.

બધા વૈજ્ઞાનિક સાધનોનો સદઉપયોગ થાય તે ઈચ્છવા જેવું છે, પરંતુ તેનો દૂરુપયોગ થવાથી સત્ય, પ્રેમ, અહિંસા, સહકાર, સદભાવના, સહિષ્ણુતા, જીવો અને જીવવા દો અને જિવાડોની ભાવના નષ્ટ થતી જાય છે. આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની વિનાશ કરતી ઉપરની પરિસ્થિતિ હોવા છતાં આપણે એટલે માનવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી અર્થપૂર્ણ જીવન જીવવાનું છે. સંસ્કૃતિ અને માનવતાનું જતન કરવાનું છે.

વ્યક્તિ, સમાજ, કુટુંબ અને રાષ્ટ્ર માટે શું ઉપયોગી અને કલ્યાણકારી છે, તેનો જ આપણે બુદ્ધિજીવીઓએ પ્રસાર કરવો જોઈએ. સજ્જનોએ સર્વોદયની ભાવનાનું સેવન કરી સજ્જનતાની સુગંધ પ્રસારવી જોઈએ. કુટુંબનો વડીલ જો પોતાના અનુભવ, ડહાપણ, શાણપણ અને સમજણથી વટવૃક્ષનું કર્તવ્ય બજાવે તો પ્રસાર માધ્યમોના અને અન્ય પ્રશ્નો હળવા થઈ જાય. વડીલોએ સહજ, સરળતાથી, પ્રેમથી, પરિવારને સાચું માર્ગદર્શન આપવું જોઈએ. આપણા સકારાત્મક અને ઉન્નત વિચારો જ જીવન ઘડતર કરે છે.

પ્રસાર માધ્યમો, વિજ્ઞાનની આગેકૂચ અને વિશ્વપરિવર્તનને આપણે અટકાવી શકવાના નથી તો તેમાંથી જે સારું, જીવન ઉપયોગી લાગે તેનો સ્વીકાર કરી આગળ વધવાનું છે. જીવનની દરેક બાબતમાં મર્યાદાનો માપદંડ હોવો જોઈએ. મર્યાદા સિવાયનું જીવન લગામ વિનાના ઘોડા જેવું બની જાય છે. માનવી જાગૃત હોય, વિચારશીલ હોય અને મન મક્કમ હોય તો પ્રચાર માધ્યમોની માઠી અસર ઘણી ઓછી થઈ શકે છે.

આપણા સૌના હાથની જ આ વાત છે. (‘વિચાર વલોણું’ સામાયિક (વિદ્યાનગર) માંથી સાભાર.)

[4] જ્ઞાન અને શક્તિનો સંયોગ – સં. મગનભાઈ પટેલ

ખેડા જિલ્લામાં બારૈયા કોમમાં દાદુ મહારાજ કરીને એક સાધુ થઈ ગયા. હું થોડા દિવસ એમની સાથે ફરેલો. બહુ સાદા ને ભલાભોળા. ગામડે ગામડે એમની કોમમાં ફરે, લોકોને સદાચારની વાતો કરે ને વ્યસનો છોડાવે.

એક દિવસ એક ઠાકોરે એમને પ્રશ્ન પૂછ્યો : ‘મહારાજ, આ બરામણાંને આડું તિલક અને આપણે ઊભું ચ્યમ ?’ દાદુ મહારાજે કહ્યું : ‘જો ભાઈ, પેલાં આપણે ને બરાંમણાંને (બ્રાહ્મણને) હૈયારું ચાલતું’તું. પણ પાસળથી મૂઆ બન્ને લડ્યા. લડાઈમાં એકના ભાગે તિરિયું જ્યું ને બીજાના ભાગે કાંમઠું આયું. આપણી પાસે તિરિયું આયું એટલે આપણે ઊભું તિલક કરીએ શીએ; એમને ભાગે કાંમઠું આયું એટલે એ આડું તિલક કરે સે. પણ એકલા તિરિયાનો કે એકલા કાંમઠાનો ખપ શો ? બેય નકામાં. ભેગાં થાય તો તો કામનાં.’

વાત તો સાવ સાદી છે પણ એમાં ઘણો અર્થ ભરેલો છે. આજે જ્ઞાન અને શક્તિ અલગ અલગ પડી ગયાં છે. એથી એકલા જ્ઞાનથી બ્રાહ્મણોની પ્રતિષ્ઠા થઈ અને એકલી શક્તિથી ક્ષત્રિયો છકી ગયા એ જ્ઞાન અને શક્તિનો સંયોગ થાય તો જ કલ્યાણ થાય.

[5] સફળતા – સ્વામી વિવેકાનંદ

કોઈ પણ જીવન કદાપિ નિષ્ફળ હોઈ શકે નહીં. સંસારમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાનિ પહોંચાડે, ભલે હજરો વાર એ ઠોકર ખાય, પણ આખરે તેને અનુભૂતિ થવાની જ છે કે હું સ્વયં ઈશ્વરરૂપ છું.

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે : ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો.

[6] બાળકો વિશે…..

માણસની ઘણીખરી કેળવણી, મુખ્ય કેળવણી તો એના બચપણમાં જ પૂરી થાય છે. બાળકનું ચારિત્ર્ય ઘડાય છે તે તો મા-બાપના ખોળામાં, ઘર-આંગણની રમતોમાં અને શેરીના બાળગોઠિયાઓની સોબતમાં… બાળશિક્ષણતો છે માણસના હૃદયમાં ફૂટી નીકળતો શૂચિ વાત્સલયનો ફુવારો. બંગાળીમાં એક પંક્તિ છે : ‘પ્રિયતમ ખોકા રે આમાર’ અમારો પ્રિયતમ છે બાળક. બાળકની કેળવણીનું માધ્યમ શું, સાધન શું ? અહીં તો સાધન અને સાધ્ય એક જ છે. બાળકને આનંદ દ્વારા કેળવવાનું છે, અને કેળવણી દ્વારા એના-આનંદ-સ્વરૂપને વ્યક્ત થવા દેવાનું છે. (ઉમાશંકર જોશી)

મોટેરાંઓ બાળકને ચાહે છે ખરાં, પણ ઓળખતાં નથી. કોઈને એમ કહેવું કે તમે તમારા બાળકને ઓળખતા નથી એ હસવા જેવું લાગશે. પણ હસવા જેવી વાત સાચી છે. બાળક અજ્ઞાન છે, બાળક અબૂધ છે, બાળક મૂર્ખ હોય, બાળક માથાકૂટ કરાવે, બાળક કચકચિયું હોય, બાળકથી કશું ન થાય, બાળક ભાંગી નાખે, બાળક ફોડી નાખે – આવા અનેક ખોટા ખ્યાલો બાળક વિશે બધે જોવામાં આવે છે. આ બધા ખ્યાલો બાળકને અનુકૂળ બનવાની મોટેરાંની અણઆવડત અને અજ્ઞાનમાંથી પેદા થાય છે. બાળકને અનુકૂળ થવાને બદલે બાળકે જ આપણને અનુકૂળ થવું જોઈએ એવો દુરાગ્રહ મોટેરાંઓ રાખે છે. (હરભાઈ ત્રિવેદી)

શિક્ષણના ત્રણ પાયાના સિદ્ધાંતો છે. પહેલો એ છે કે બાળકને કંઈ જ શીખવી શકાતું નથી. તે બધું જ જાતે શીખે છે. શિક્ષણનું કાર્ય બાળકના મગજમાં કોઈ પણ ચીજ ઠોકી બેસાડવાનું નથી પણ માત્ર મદદનીશ અને માર્ગદર્શક બનવાનું છે. બીજો સિદ્ધાંત એ છે કે બાળકના વિકાસની બાબતમાં તેના અભિપ્રાયને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ. કોઈ વાલી અને શિક્ષક કોઈ વિદ્યાર્થીને બળજબરીથી કોઈ વિષય ભણાવવાની કોશિશ કરે તેનાથી બાળકના માનસને સુધારી ન શકાય તેવું નુકશાન થાય છે. ત્રીજો સિદ્ધાંત એ છે કે શિક્ષણમાં પ્રત્યક્ષ અનુભવને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. વિદ્યાર્થીને જે છે ત્યાંથી શરૂ કરી જે હોવું જોઈએ ત્યાં સુધી લઈ જાય તે જ ખરો માર્ગદર્શક. (શ્રી અરવિંદ)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આઠ આને કિલો આત્મજ્ઞાન – નટવર પંડ્યા
ડૂબકી (ભાગ-2) – વીનેશ અંતાણી Next »   

18 પ્રતિભાવો : સુપ્રભાતમ – સંકલિત

 1. જય પટેલ says:

  વિવિધ વ્યંજનોથી ભરપુર આ થાળી માણવી ગમી.

 2. ખુબ જ સરસ

  “‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’”

 3. Ravi says:

  very interesting collection !!

 4. Vaibhav says:

  Fentastic collection. આખુ જિવન સાચવિ રાખવા જેવુ.

 5. nayan panchal says:

  પંદર મિનિટમાં એક મસ્ત વામકુક્ષી પણ લઈ શકાય.

  આજના સમયમાં તો હવા, પાણી અને ભોજન તામસિક કે રાજસિક પ્રકારના હોય છે. મારાજેવા સુરતી લાલાને માટે તો સાત્વિક પ્રકારનુ ભોજન જીભને ગમાડવુ થોડું મુશ્કેલ થતુ જાય છે.

  આપણા હાથની જ વાત છે, માનસરોવરના હંસ બનવુ છે કે ગલીના કાગડા…

  ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’ wow!!!

  બાળ કેળવણીનો લેખ અદભૂત.

  સરસ સંકલન બદલ આભાર,

  નયન

 6. Jitendra Patel says:

  Realy very good collection

 7. Ramesh Kumar Rojasara says:

  વાત તો નયનભાઈ નેી સાવ સાચેી.

 8. Vaishali Maheshwari says:

  “Suprabhatam” – Excellent collection of short articles.

  (1) Pandarj minute
  Most of us do not always remember that “Time is money”. When someone says that he/she does not have time to do something, then that is merely an excuse for sure. Author has very well-listed a number of activities that can be done in just 15 minutes. If we do not waste time, we can make the maximum use of 24 hours a day that we have, but if we do not know how to utilize time, even if we have 48 hours a day, we will still lack time. Each and everyone of us has time for sure, we should just know how to manage it by creating an appropriate time-table which we can follow.

  (2) Mann ane vaani
  Very good description about mann, praan and tej. I had never thought in deep about this before nor did I ever read it anywhere. Good to know and understand.

  (3) Sanskruti ane manavjaatnu jatan
  The current scenario of the present world is very well described in few paragraphs here. There are various advertising medias which have become an important means of communication by reaching to every person in any corner of the world. We have to become strong and smart enough to grasp all that is good for us and to just let go which we feel will lead us to a wrong path. We should even try our best to make the society around us aware about the good things and try to make them understand that the real essence of life is in doing good deeds, helping each other and treating everyone with love, respect and honor. Our culture and humanity should not be lost at any cost – Good heading of the topic.

  (4) Gyan ane shakti no sanyog
  Very true. Only Brahmins knowledge and Kshatriya’s bravery alone will not help to a longer extent. Both are complimentary to each other. For progress and development, we need to combine knowledge and power and try to make the maximum use of it. This short incidence described in the story teaches us a lot. We should all unite together, not matter which community or caste we belong to, as after all we are children of God – The Supreme Lord.

  (5) Safadta
  Swami Vivekanand has rightly said that in order to achieve success, you have to have a very strong will-power and you should even be a hard-worker. There is nothing in this world that is not achievable or is impossible, if we are strongly determined to achieve it. I remember that saying here, “Pocha mann na maanvine rasto kadi jadto nathi, Makkam mann na maanvine himalay pan nadto nathi”.

  (6) Baadako vishe…..
  Children are like wet cement. Whatever they see or do in their childhood will create a lasting impression on them. We should not impose anything on children, but try to understand them. We should ourselves become kids with them and at times we should be a mentor or a guide to them, to show them the right direction. We have no right to snatch their childhood from them. The words that Author has used in this part of the article are very inspiring.

  “Jaagya tyaarthi savar”. I learned a lot from this article and I am sure almost all the readers might have learned from this wonderful collection.

  Thank you so much Authors.

 9. jinal says:

  આપણી રોજ-બરોજ ની જીંદગી મા ધ્યાન માં રાખવા જેવી વાતો.

 10. ભાવના શુક્લ says:

  સરસ..
  બાળ કેળવણીનો લેખ વધુ ગમ્યો.

 11. કલ્પેશ says:

  સ્વામી વિવેકાનંદ જેવી ઇચ્છાશક્તિ દરેકને મળે.

  અને શ્રી અરવિંદ જે કહે છે એ સમજવુ જરુરી છે – અભિમન્યુ ગર્ભમા કોઠાયુદ્ધની રચના શિખ્યો હતો.
  એના હજારો વર્ષો પછી વિજ્ઞાન એમ કહે છે કે બાળકનુ મગજ ગર્ભમા પણ વિકાસ પામી રહ્યુ હોય છે.

  “બધા ખ્યાલો બાળકને અનુકૂળ બનવાની મોટેરાંની અણઆવડત અને અજ્ઞાનમાંથી પેદા થાય છે. બાળકને અનુકૂળ થવાને બદલે બાળકે જ આપણને અનુકૂળ થવું જોઈએ એવો દુરાગ્રહ મોટેરાંઓ રાખે છે.”

  જેમ એક બળદ ભાંભરે અને ભાગવા માંડે અને એને જોઇને બીજા બળદો પણ દોડવા માંડે અને એક્બીજાને કચડી નાખે.

  આપણે કશુ સમજતા જ નથી. અને સમજતા હોઇએ તો ટોળામા જોડાઇએ છીએ.

 12. સરસ સંકલન…

  બાળકો વિશે શ્રી અરવિંદના વિચારો જાણવાની મજા પડી….

 13. Pratibha says:

  નવા વરસની સવાર હોય તેવો ભાવ અનુભવાયો. આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.