ઝાડને કોણ મારે છે ? – રીના મહેતા

હીંચકા ઉપર ઝૂલતાં નીરવ એકાંત વચ્ચે થોડે દૂરથી એકધારો ઠક્ ઠક્ ઠક્ અવાજ સંભળાય છે. નાનો વેદાંગ પૂછે છે : ‘મમ્મી, ઝાડને કોણ મારે છે ?’ હું જોઉં છું તો થોડે દૂર બાવળના વૃક્ષ ઉપર કોઈ માણસ કુહાડી વીંઝી રહ્યો છે.

ઝાડને કોણ મારે છે ? – કેવો વેધક પ્રશ્ન ! મારાથી પચ્ચીસેક ફૂટ દૂર જ એક ઝાડ કશાં કારણ વિના કપાઈ રહ્યું છે. માણસને બધું જ નડી શકે. માણસ પણ, વૃક્ષ પણ ! થોડીવારમાં તો આકાશનો એક લીલોછમ ખૂણો ખાલીખમ થઈ ગયો. રાત પડતાં તો મૃત્યુ પામેલા વૃક્ષના દેહમાંથી કોઈ વિશિષ્ટ ગંધ પણ આવવા માંડી. કાળા અંધકારમાં જાણે લીલો સોપો પડી ગયો.

હતું તો એ બાવળનું કાંટાળું ઝાડ ! આપણી જાણ બહાર આપણને ઘણાંના સહવાસની ટેવ પડી જાય છે. નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ, માણસો…. બસ, એમ જ આ વૃક્ષને જોયા કરવાની અમથી આદત પડી ગઈ હતી મને. કોણ જાણે મારી જેમ કોયલને પણ આ કાંટાળું વૃક્ષ ગમતું હતું. હવે ઉનાળો આવ્યાની ગામ પહેલી ખબર અમને નહીં પડે. કોયલ તો બીજું વૃક્ષ શોધી લેશે, પણ અમે ? ટહુકાથી ભરેલો વાસંતી સાળુ ફર ફર લહેરાતો-વીંટળાતો – ક્યાં શોધીશું ? વરસાદમાં આમતેમ ડોલતું, વાવાઝોડામાં બેવળ વળી જતું – ટકી જતું, સવાર-સાંજ અજાણપણે અમારી નજરને હરીભરી રાખતું એક વૃક્ષ સાવ નાનકડું ઠૂંઠું બની ગયું છે. જે હાથ-પગ અને માથા વિનાના ધડ જેવું લાગે છે !

વૃક્ષો બહુ ગમે છે. ગણવા જેવા માણસ સમાં લાગે છે. પણ આમ તો, નથી કોઈ આંબો મળ્યો કે કેરી તોડવાના રસભર્યા લ્હાવા લઈએ, નથી કોઈ આંબલી મળી કે કાતરાં પાડીએ, નથી કોઈ વડલો મળ્યો કે વડવાઈએ આકાશ સુધીના હીંચકા ખાઈએ ! બાળપણ તો લગભગ સાવ વૃક્ષવિહીન. ડામરની સડકો પર વૃક્ષો ક્યાંથી ? માત્ર થોડે દૂર એક પારિજાતનું ઝાડ હતું. લગભગ રોજ સવારે વહેલા ઊઠી નાનકડી ટોપલી લઈ પારિજાત જેવી જ કોમળ બાળસખી ઈના સાથે ફૂલો વીણવા દોડી જતી. સવારની રમણીય હવામાં કેસરી દાંડલીવાળા એ દિવ્ય સુગંધિત પુષ્પોની ઓઢણી અમે બંને હળવેકથી ઓઢી લેતાં.

વરસાદ હોય કે કડકડતી ટાઢ, અમે રોજ ફૂલ વીણવા જતાં જ. ફૂલના ગજરા ને હાર બનાવતાં. પારિજાતનાં ઢગલાથી દેવમૂર્તિ પણ ઢંકાઈ જતી. ભગવાનને તો આઠ-દસ ફૂલોય ચાલે – બા કે દાદી ટકોરતાં. પણ અમારું લોભિયું બાળમન ખરેલાં બધાં જ ફૂલ વીણી લાવતું. પછી ઈના બીજે રહેવા ચાલી ગઈ. ફૂલો તો ત્યાં ટપ ટપ ખરતાં રહ્યા, પણ એ વીણવા જવાની મારી વય ચાલી ગઈ. વર્ષો સુધી એ વૃક્ષ ત્યાં રહ્યું. પણ મારાથી એની પાસે ન જ જવાયું. કોઈવાર બપોરે કે સાંજે રડ્યાંખડ્યાં ચીમળાયેલાં એક-બે ફૂલ દેખાઈ જતાં. ને એક દિવસ ત્યાંથી પસાર થતી વેળા હમેશની જેમ ઊંચું જોયું તો ત્યાં ન વૃક્ષ હતું, ન ડાળ. ખાલીખમ આકાશ કરમાયેલાં પુષ્પોની નિરમાળ જેવું દીસતું હતું.

પણ અહીં આવ્યા પછી વૃક્ષો મારાં સ્વજન બની ગયાં. જેમ ભરવાડ પાસે વીસ-પચ્ચીસ ઘેટાં-બકરાં કે બે-પાંચ ગાય-ભેંસ હોય એમ મારી પાસે એક લીમડો, એક દાડમડી, મધુમાલતી-જૂઈની લતા, સાત-આઠ તુલસી, બે ગુલાબ, બે બારમાસી અને એક ટગરી છે. વળી, પારિજાતનો પ્લાસ્ટિકની કાળી કોથળીમાં મૂકેલો રોપો પણ છે.

જાણે સદેહે પારિજાતનું વૃક્ષ મારે ત્યાં આવ્યું છે ! હજી એને ક્યારીમાં રોપ્યું નથી છતાં મારા મનમાં ને મનમાં મોટું થવા માંડ્યું છે. છેક વાદળને અડે છે. હવામાં એનાં પર્ણો ફરફરે છે. પક્ષીઓ એની ઉપર માળા બાંધે છે. સવાર પડતાં આખા વાડામાં પારિજાતની શ્વેત ચાદર પથરાય છે. ટોપલી લઈ નાની બાલિકા બની હું ફરી એ ફૂલો વીણું છું ને મારી આંખમાંથી ટપ ટપ પારિજાતનાં સ્મરણો ખરે છે. વૃક્ષને ભેટવાનું-વીંટળાવાનું મને બહુ મન થાય છે. લીમડાના ખાસ્સા ઊંચા વૃક્ષનું થડ ઠીક ઠીક જાડું પણ છે પરંતુ એને વળગીને ઊભા રહેવાય એવી જગ્યા નથી. ક્યારેક જ એની પર હથેળી પસરાવાય છે. દાડમડીનું થડ તો હજી થડ જ બન્યું નથી ! છતાં એની પર પાંચ-સાત દાડમ અને એના કેસરિયાળાં ફૂલ ઝૂમતાં હોય છે. મહિને એકાદ વાર પીળું-રતાશ પડતું દાડમ સ્ટૂલ ઉપર ચઢી મારા પોતાના હાથે તોડું છું. એક ફળનું આપણે ઘેર ઊગવું – એ રોમાંચથી ભરીભરી ક્ષણો દાડમના દાણા જેવી જ સુંદર લાલચટક લાગે છે. ઝાઝું ન ભાવતું દાડમ ભાવતું બની જાય છે !

‘ઓશો ટાઈમ્સ’ માં રજનીશજીના બાળપણની સ્મૃતિકથા આવે છે. બાળપણમાં ઓશો એક વટવૃક્ષ પાસેથી વારંવાર પસાર થતાં પણ એમનું ખાસ કંઈ ધ્યાન નહિ. એકવાર ઉનાળામાં ત્યાંથી પસાર થતાં અચાનક જ વૃક્ષ નીચે ઠંડક લાગતા ત્યાં બેઠા. પછી તેના થડને સ્પર્શ કર્યો અને એકદમ જ આનંદિત થઈ ઊઠ્યા ! વૃક્ષ અને એમની અંદર કશુંક બન્યું. બસ, એ દિવસથી બંને વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયો. રોજ એ વૃક્ષ પાસેથી પસાર થતી વેળા એને સ્પર્શ કરતા. પછી, વધુ અભ્યાસાર્થે ઓશોને બીજા શહેરમાં જવાનું થયું. માતા-પિતા અને સ્વજનોની વિદાય લેતી વેળા ઓશોની આંખમાંથી આંસુનું એક પણ ટીપુંયે ન આવ્યું. ઓશો કહે છે : ‘હું કદી રડતો નહીં. કોઈવાર શિક્ષા થતી તો હાથમાંથી લોહી નીકળે છતાં આંખમાંથી એક ટીપું ન નીકળતું. મને ખૂબ વહાલી નાની બહેન કે મને લાડથી ઉછેરનાર નાનાજીના મરણ વખતેય હું રડ્યો નહોતો. પરંતુ જીવનમાં ફકત એક જ વાર રડવું આવ્યું – તે આ વૃક્ષની વિદાય લેતા. હું રડતો હતો ત્યારે મને લાગ્યું કે વૃક્ષનાં આંસુ પણ વહે છે. મેં એને સ્પર્શ કર્યો તો મને એની ઉદાસી અનુભવાઈ. વાસ્તવમાં હું એ વૃક્ષને છેલ્લીવાર મળી રહ્યો હતો. એક વર્ષ પછી હું પાછો ફર્યો ત્યારે કોઈ સ્મારક બનાવવા માટે એને કાપી નાંખવામાં આવ્યું હતું !

એકવાર ભયંકર વાવાઝોડામાં કડડડ…. કડાકાભેર અમારો વહાલો લીમડો તૂટી પડ્યો હતો. કાળી ડીબાંગ મેઘલી રાતે એનો ચિત્કાર અમારા હૃદય સોંસરવો, વીજળીની જેમ ઊતરી ગયો હતો. અત્યારેય મારી નાનકડી વૃક્ષ દુનિયા ઉપર કુહાળી તોળાઈ રહી છે. ગટર યોજનાના ભાગ રૂપે અનિવાર્યપણે આ વૃક્ષો કદાચ ધરાશયી થઈ જશે ! અને તે સાથે જ મનોમન એની ઉપર પક્ષી બની મેં બાંધેલા કેટલાયે માળા શીર્ણવિશીર્ણ થઈ જશે, કેટલાંયે ઈંડાં ફૂટી જશે, કેટલીયે પાંખોનો ફફડાટ પીંછામાં તરતો તરતો હવામાં ઓગળી જશે….

બાળકો ફૂલ કે પાંદડાં આડેધડ તોડે છે ત્યારે એમને સમજાવું છું કે ઝાડમાં પણ જીવ હોય છે, એને પણ દુ:ખ થાય. તમને કોઈ મારે ત્યારે કેવું વાગે ? એવું જ એમનેય વાગે…. દ્વિજા એની છાતી પર હાથ મૂકી પૂછે છે : ‘એનામાં પણ આવા ધક-ધક થતાં ભગવાન હોય ?’ હું હા પાડતાં કહું છું – ‘એની ડાળીઓ એ એના હાથ છે. મૂળિયાં એના પગ છે. ખુશ થાય ત્યારે એ તારી જેમ ડોલે છે.’ ને દ્વિજા ડોલતી ડોલતી ત્યાંથી ચાલી જાય છે છતાં હું જાણે બોલતી જ રહું છું – એના હાથને પર્ણોરૂપી, ફૂલોરૂપી આંગળીઓ ફૂટતી રહે છે. આંગળીઓ એ હલાવે છે અને હવાને રમાડે છે, સુરભિત કરે છે, કોયલ સાથે આખું આભ ભરીને એ ગીત ગાય છે, ચકલીની નાની પાંખમાં એ ઊડતું ઊડતું વાદળને મળી આવે છે, શિયાળુ સાંજે ઠંડીમાં ઠૂંઠવાઈ માળામાં જંપી જાય છે. સવારે સૂર્યના કિરણમાં ન્હાય છે. વરસતા વરસાદમાં એનાં પર્ણો છબછબિયાં કરે છે. ઓશોની જેમ મારો સ્પર્શ પણ એ પામી શકે છે. એકલું હોય ત્યારે મને ભેટીને રડે છે, હસે છે, મારી વાત સાંભળે છે. કુહાડીના સ્પર્શે એને પણ લોહીની ટશર ફૂટે છે. કોઈના ખભા વિના એ માટી પર ઢળી જાય છે – પેલા પારિજાત કે બાવળ કે ઓશોના વૃક્ષની જેમ. પણ મારા વહાલા લીમડાની જેમ એના રહી ગયેલાં – બચી ગયેલાં ઠૂંઠાને પણ નવી કૂંપળ ફૂટી શકે છે. ફરી એ આકાશનાં ગીત ગાઈ શકે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પથ્થરી ગુલાબ – નસીર ઈસમાઈલી
મંદી – જિતેન્દ્ર પટેલ Next »   

9 પ્રતિભાવો : ઝાડને કોણ મારે છે ? – રીના મહેતા

 1. વૃક્ષ કપાયે ન રડે જે, માણસ એ…
  લાકડાની ખુરશી માટે લડે જે, માણસ એ…

 2. ખુબ સુંદર લેખ…

 3. Trupti Trivedi says:

  Thank you

 4. vivek desai, dubai says:

  simply superb

 5. Amrut Gosai says:

  Respected Rinaben,
  I think that my heart is flouring through your pen.
  I am really amazed that someone else can also feel the feeling of the trees just so purely.only one word for the article is
  “AMAZINGLY EXCELENT”

 6. preeti hitesh tailor says:

  આપણે આપણા અસ્તિત્વને ટકાવવા કેટલી હદે સ્વાર્થી બની ગયા છીએ એ અનુભૂતિ આ લેખ વાંચીને થઈ.
  આપણા ઘર અને વૈભવના પ્રતિક સમા લાકડાનાં ફર્નિચર પાછળ આવા વૃક્ષોનું નિકદંન નીકળતું જ રહેશેને?

 7. Keyur Patel says:

  પર્યાવરણની કિંમત માનવી ને ક્યારે સમજાશે?

 8. nayan panchal says:

  ખૂબ જ સુંદર લેખ.

  રીનાબેન પાસે સૃષ્ટિને જોવાની ખૂબ જ સુંદર દ્રષ્ટિ છે.
  કણ-કણમાં વસે છે ભગવાન.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.