મંદી – જિતેન્દ્ર પટેલ

અજયના આવવાનો સમય ન થયો હોવા છતાં એમની રાહ જોતી હું ગૅલેરીમાં આવી કે ડોરબેલ વાગી. તરત પાછી ફરી. બારણું ખોલીને જોયું તો હજરાહજૂર દેવની જેમ એમણે દર્શન દીધાં.
‘તમે સો નહિ, પણ બસો વર્ષ જીવવાના છો.’
‘કેમ ? એટલો બધો યાદ કરતી હતી, તું ?’ એમણે એમની અદાથી પ્રવેશ કર્યો. સોફા પર બેઠા પછી જ બૂટ કાઢ્યા. રોજની જેમ આજ મારાથી એમને ટકોર ન થઈ.
‘એની વે, આજ તું ખુશખુશાલ છે.’
‘તમને કેમ એવું લાગ્યું.’ હું જલ્દીથી બધું કહી દેવા નહોતી માંગતી એટલે વાતને વિસ્તારી.
‘કંઈક છે ખરું. “ગુડ ન્યુઝ” તો નથી આપવાના ને !’

સુતરફેણીમાં કાંકરી આવી ! મૂડ બગાડી નાંખ્યો. અગાઉ પણ એમને ઘણી વાર કહ્યું છે કે એની હવે આશા જ છોડી દો. તો પણ….. એમનો કદાચ એવું પૂછવાનો ઈરાદો નહિ હોય. ભાન થયું કે એ સંકોચમાં મુકાઈ ગયા. અકારણ ખામોશી ફરી વળી. એમ તો એ વાતને ટર્ન આપવામાં હોંશિયાર. બીજી જ મિનિટે બોલી ઊઠ્યાં : ‘આજે બહાર જવાની ઈચ્છા છે. ઑફિસેથી એટલે વહેલો આવતો રહું છું.’

હું પણ વાતને વધારે સમય પેટમાં રાખી શકું તેમ નહોતી. એમના આશ્ચર્ય વચ્ચે બોલી ઊઠી : ‘બાજુનું મકાન વેચાઈ ગયું.’
‘એમ છે ત્યારે.’
‘નવા મકાનમાલિક કાલે જ રહેવા આવે છે.’
‘ખરેખર ?’
‘એ બહેન આજે માટલી પણ મૂકી ગયાં. કાલે સવારે શુભ મુહૂર્ત જોઈને માલસામાન લઈને આવી પહોંચશે.’
‘હાશ, હવે ઑફિસેથી પાછા ફરતાં મોડું થાય તો વાંધો નહિ.’ અજય નિરાંતનો દમ લેતાં બાથરૂમ તરફ ફર્યા.
‘ત્યાં જ રહેજોને, ટિફિન આપવા આવીશ.’
‘ઠરી ગયેલું ભાવતું નથી એટલે મોડેમોડે પણ ઘેર આવવું પડશે.’ નળ ચાલુ હોવા છતાં મોટેથી બોલાયેલા એમના શબ્દો સ્પષ્ટ સંભળાયા.

અહીં આવી ત્યારથી જોતી આવી છું કે બાજુના મકાનમાં કોઈ ભાડવાત છ મહિનાથી વધારે સમય સ્થાયી નથી થયો. મકાનમાલિકને તો મેં ક્યારેય જોયા જ નથી. ભાડે આપવા માટે જ આ મકાન એમણે ખરીદ્યું હશે ? પણ ભાડવાત…. કોઈને ભાડું વધારે પડ્યું, કોઈને વળી ડિપોઝીટ, તો કોઈને ત્રીજો માળ નડ્યો. મંદી ! આટલી બધી મંદી ! એક સમયે આ વિસ્તારમાં રહેવું એ ગર્વની વાત ગણાતી. ને આજ….. આડેધડ ઊભા થઈ ગયેલા ઍપાર્ટમેન્ટ્સનો જ આ પ્રતાપને !

એટલે જ અમે લલચાયેલા, બે લાખમાં સરસ મજાનો ફલૅટ મળતો હોવાથી. જોકે મારી તો ત્યારે આનાકાની હતી. પણ અજય ન માન્યા : ‘મૂરખી કેમ નથી સમજતી ? આટલા રૂપિયામાં તો આ વિસ્તારમાં કોઈ પગ પણ ન મૂકવા દે. કોન્ટ્રાક્ટર કેમ ઓછા ભાવે વેચી રહ્યો છે એની મને નવાઈ લાગે છે.’ ગણતરીના દિવસોમાં પૈસા ચૂકવીને અમે અહીં રહેવા આવતા રહેલાં. ત્યારે બહુ ઓછા ફલેટ્સ વેચાયા હતા. અજય પાસે મેં ચિંતા વ્યકત કરેલી. ‘અહીં સમય ક્યાં પસાર કરવો ? કોઈ રહેવા તો આવ્યું નથી.’ ‘તું જો ને, થોડા દિવસોમાં જ આ એપાર્ટમેન્ટ ધમધમવા માંડશે. તું તો ત્રાસી જઈશ. ભીડથી.’ ત્યારનો દિવસ અને આજની વાત. હજુ સુધી આ અવકાશ પુરાયો નથી. પચાસ ટકા કરતાં વધારે ફલેટ્સ વેચાયા વગરના ખાલી પડ્યા છે. એમાં અમે રહીએ છીએ ત્રીજે માળે !

ત્રીજા માળનો પહેલો ફલેટ તે અમારો. બીજો હાલ વેચાયો એ. ત્રીજો વેચાવાનો બાકી છે. ચોથામાં એક બૅન્ક મૅનેજર એકલા રહે છે. એમનું કુટુંબ વડોદરા રહેતું હોવાથી શનિ-રવિ એ ત્યાં જતાં રહે છે. આમાં જઈને બેસવું કોને ત્યાં ? લગ્ન થયાં એવામાં એકલું લાગતું એટલે અજય સિલાઈ મશીન લઈ આવેલાં. સિલાઈ એવી તો વખણાઈ કે દિવસ ટૂંકો લાગવા માંડ્યો. અહીં તો કોઈ રહેતું નથી ત્યારે…..

મંદી ! સર્વત્ર મંદી ! ચકલું પણ ફરકતું નથી એમ કહું તો ચાલે. પરમ દિવસે સાસુની દયાધરમની વૃત્તિથી પ્રેરાઈને નીચે પક્ષીઓ માટે થોડા દાણા વેર્યા એ આજે પણ ધૂળમાં આળોટતાં એમ ને એમ પડ્યાં છે. અજય તો સવારે ઑફિસે જવા નીકળી જાય તે છેક સાંજે આવે. ક્યારેક તો દશ વાગી જાય. પછી ઘરમાં કંકાશ…. એકવાર અજય પોતે બાજુના ફલેટ માટે ભાડવાત શોધી લાવેલા. એમ કરતાંય મારો કચવાટ બંધ થતો હોય તો. પણ એ મકાન જ ક્યા શુકનનું બંધાયું હશે તે….. માંડ કોઈ ભાડવાત સાથે નિકટતા કેળવાઈ હોય ત્યાં એમને જવાનું થાય. એક દિવસ તો હું અજય પાસે રડી પડી.
‘ચાલો આપણે પણ બીજે રહેવા જતાં રહીએ. અહીં તો કંટાળી જવાય છે, એકલા એકલા.’
‘મકાન વેચાવું જોઈએ ને !’ અજયે હવે આવી વાત કરી. અત્યાર સુધી તો એમ જ કહ્યા કરતાં હતાં કે આવો સુંદર ફલેટ આટલા રૂપિયામાં બીજે ક્યાંય મળતો હશે ? – પછી તો એમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે આ ફલૅટ લેવામાં પોતે ઉતાવળ કરીને હિમાલય જેવડી ભૂલ કરી છે. સ્વીકારવું જ પડે ને ! એટલા રૂપિયામાં તો અત્યારે થ્રી રૂમ કિચનવાળા ફલૅટ મળતા હતા. મકાન વેચાતાં ન હોવાથી કોન્ટ્રાક્ટર ભાડે આપવા મંડ્યા હતા. એમાં જ આ ભાડવાતો વળી… નહિતર મકાનમાલિકોની કેવી મોનોપૉલી હતી ! ભાડવાતે મોં માંગ્યું ભાડું અને ડિપોઝીટ આપવી પડતી.

લ્યો અજય તો નાહીને આવતા પણ રહ્યા. એમની ચા તો….
‘રસોઈ ચાલુ કરી દીધી ?’
‘ક્યાંથી કરે ? હજુ તો તમારી ચા બનાવી રહી છું. અત્યાર સુધી પેલા બહેન બેઠાં હતાં. આમ પણ તમે આજ વહેલાં છો.’
‘બહાર જવાનું નક્કી કરીને આજ વહેલો આવ્યો છું.’
‘આજ નહિ નીકળી શકાય. કદાચ રાત્રે પેલાં બહેન આવી ચડે તો તેમની ચાવી આપણે ત્યાં પડી છે.’
‘તું તો આવતીકાલે આવવાનું કહેતી હતી ને ?’
‘આજ પણ આવી જાય. વિચાર બદલાય કે કાલે તડકામાં સામાન નથી બદલવો.’
‘ખરેખર, આજ હું એકદમ ટેન્શન ફ્રી થઈ ગયો છું.’ અજયે પૂરી ચા પણ ન પીધી. ‘એમણે મકાન ખરીદ્યું છે એટલે ભાડવાતની જેમ બે-ત્રણ મહિનામાં જતાં તો નથી રહેવાના.’ સાચે જ અજય મારા કરતાં વધારે ખુશ હતા. એ ઘણી વાર કહેતાં તારી ચિંતાને લીધે ઑફિસના કામમાં મારું મન ચોંટતું નથી. જલદી અહીં કોઈ રહેવા આવે તો સારું.

જમતી વખતે અજયે કહ્યું :
‘તારે એ બહેનને કહેવું હતું ને કે તમારે મકાન લેવું હતું તો અમને ન પુછાય ? અમે તમને એથી ઓછી કિંમતે આપી દેત.’
‘તો પછી એ સામો સવાલ ન કરે કે તમે કેમ ફલૅટ વેચી દેવા માંગો છો ? તમને શી તકલીફ છે ?’
‘એ વાત તેં મુદ્દાની કરી. એવું કહીએ તો એ લોકો આવતાં હોય તો ન આવે.’ અજય ઉતાવળે બોલી ઊઠ્યા : ‘થોડા દિવસ તું એમને જરા પણ એકલું ન લાગવા દેતી.’
‘બહેન મળતાવડાં છે. ટવિન્સ છે એમને. એક તો તમારે જ મોટો કરવાનો છે એવું કહેતાં હતાં.’

જમીને અજયને પથારીમાં પડતા ભેગી ઊંઘ આવી ગઈ. હું જાણે મારે ત્યાં મહેમાન આવવાના હોય એવા ઉત્સાહમાં જાગતી રહી. પ્રયત્ન કરવા છતાં મનને શાંતિ ન મળી. બહેનના હસબન્ડ ક્યાં સર્વિસ કરે છે એ પૂછતાં ભૂલી ગઈ. એમનો સર્વિસનો સમય પણ અજયની જેમ હોય તો સારું. બહેન ખરેખર સારા સ્વભાવનાં છે. તો જ આટલા પરિચયમાં આવી જાય ને !
‘તું જાગે છે ?’ અજયે પડખું ફેરવ્યું કે એ ચોંક્યા.
‘તો શું કરું ? ઊંઘ નથી આવતી. હા, અજય, હું શું કહેવાની હતી ? હવે કોઈને આપણું મકાન વેચવાની વાત ન કરતાં. આવા એકાદ પાડોશી આવી ગયાં એટલે ઘણું.
‘ખરીદનાર ક્યાં કોઈ છે ?’

સવારે ઑફિસે જ્યાં અજયે કહ્યું :
‘એ લોકો હમણાં આવશે એટલે બધું તાત્કાલિક નહિ ગોઠવાઈ જાય. એમનું જમવાનું આપણે ત્યાં રાખજે. યાદ છે ને આપણે સામાન લઈ આવ્યાં હતાં ત્યારે કેવાં પરેશાન થયેલાં !’
‘એ બધું તમારે મને ન કહેવું પડે. કાલ રાતની મેં તૈયારી કરી રાખી છે.’
બાકી રહી જતું હતું તે અજયે પાછા ફરીને કહ્યું : ‘આજ ઑફિસેથી પાછા ફરતાં મોડું થશે, વાંધો નહિને ?’

અજય ગયા કે રસોઈ ચાલુ કરી દીધી. છ માણસોનો અંદાજ લગાવ્યો. નવ વાગ્યાનું શુભમુહૂર્ત છે એટલે ત્યાર પહેલાં આવી જવા જોઈએ. સામાન ચડાવવામાં પણ મદદ કરવી પડશે ને ? રસોઈ થઈ ગઈ…. સમય સરકતો ગયો. શુભમુહૂર્ત વીતવા માંડ્યું. હું બેચેન બની. હજુ કેમ ન આવ્યા આ લોકો ? નીચેથી કોઈ વાહનનો અવાજ સંભળાય કે ગૅલેરીમાં દોડી આવું. બે-પાંચ મિનિટ રાહ જોઈને પાછી ફરું. અંદર ચેન ન પડે. કેમ આટલું મોડું થયું ? રસ્તામાં કોઈ અકસ્માત…. છી એવું કેમ વિચારાય મારાથી ? સામાન ભરતાં મોડુંય થાય. ટ્રક મોડી આવી હોય એવું પણ બને. બપોરે જમી ન શકી. થયું, જ્યારે પણ એ લોકો આવે ત્યારે એમની સાથે જ જમવું છે.
છેક સાંજે એ બહેને દર્શન દીધાં.
‘આટલા મોડા ! તમે તો મારી રસોઈ બગાડી.’
‘કેમ ?’
‘આજે સવારે તમે લોકો આવવાનાં છો એ ગણતરીએ મેં રસોઈ કરી રાખી હતી.’
‘તમે ખોટી તકલીફ લીધી.’
‘પાડોશી માટે થોડી તકલીફ કહેવાય ? કાલ અમારે તમારી જરૂર પડે. સામાન ક્યાં છે ? ટ્રક લઈને આવ્યા છો કે મેટાડોર ?’
‘બહેન, હવે અમે અહીં રહેવા આવવાનું માંડી વાળ્યું છે.’ કહેતાં એમણે હેંગર પર લટકતી પોતાની ચાવી ધીમેકથી લઈ લીધી.
‘કેમ ?’ હૃદય ધબકારો ચૂકી ગયું. આટલો આઘાત તો અજયે મમ્મીના મૃત્યુના સમાચાર આપ્યા ત્યારે નહોતો લાગ્યો. હું સોફા પર બેસી ગઈ. એ બહેન પણ મારી બાજુમાં બેઠા. એમના મોં પર ક્ષોભ સ્પષ્ટ તરી આવતો હતો.
‘એમના પપ્પાનું કહેવું છે કે અહીં હવા-ઉજાસ પૂરતાં નથી આવતાં. કાલે સવારે હું આવી ત્યારે મને પણ એવું લાગ્યું હતું.’
‘પણ તમે તો દસ હજાર રૂપિયા ડિપોઝીટ આપી દીધી છે ને ?’
‘એમનું કહેવું છે કે ભલે ડિપોઝીટના દશ હજાર રૂપિયા જાય. અત્યારે મંદીમાં જોઈએ તેવા મકાન મળે છે ત્યારે આવા અંધારિયા ફલેટમાં શા માટે રહેવું ?’
‘તમે ભૂલ કરો છો, બહેન. આવો સુંદર ફલૅટ બીજે નહિ મળે.’
બહેન કશુંક બોલાવા માગતાં હતાં, પણ બોલી ન શક્યા.
‘ફલૉર પર બધે મારબલ. બીજે તો ફકત ડ્રોઈંગરૂમમાં જ જોવા મળશે.’
‘એ બધું સાચું પણ એમના પપ્પાનું મન….’
‘એમને તો આપણે સમજાવી શકાય. તમે જુઓ તો ખરા. આ મકાનનું બાંધકામ કેટલું પાક્કું છે ! દીવાલ પર ખીલી ખૂંચાડવી હોય તો ખૂંચતી નથી.’ મારું જ મકાન વેચવાનું હોય એમ હું આ ફલેટના ફાયદા ગણાવતી રહી.

‘બાજુમાં જ શાક માર્કેટ, ફલૉર મિલ, દૂધની ડેરી….. કશું જ દૂર નથી.’ બહેન હવે ઊભાં થઈ ગયાં. એમને કદાચ પોતાનું મન ડગી જવાનો ભય હશે. ધીમે પગલે ચાલવા માંડ્યાં.
‘નવું મકાન લેશું એટલે તેનું સરનામું તમને આપી જઈશ. તમે ચોક્કસ બેસવા આવજો.’
‘ત્યાં તો આવીશ, પણ તમે અહીંયાં રહ્યાં હોત તો…. ખરેખર તમારા જેવા પાડોશી નહિ મળે.’ એમની સાથે હું પણ પગથિયાં ઊતરતી રહી.
‘બીજું કોઈ અહીં રહેવા તો આવશે જ ને ! પરિચય થાય એટલે બધા પ્રિય બની જાય. ગઈકાલ સુધી આપણેય ક્યાં ઓળખતા હતાં ?’
‘તો પણ તમારા જેવાં મળતાવડાં તો નહિ જ મળે.’
‘તો એમ કરો ને. તમે અમારી બાજુમાં રહેવા આવી જાવ ને !’ નીચે આવીને બહેન ઊભા રહી ગયા અને ઉમેર્યું : ‘ખરેખર મજા આવશે’
‘મકાન વેચાવું જોઈએ ને ?’
‘શું કહ્યું ?’ હું પકડાઈ ગઈ હોય એમ બહેન મારી સામે એકધારા જોઈ રહ્યાં. આગળ કાંઈ બોલું એ પહેલાં તો ‘ચાલો ત્યારે’ કહેતાં ત્યાંથી નીકળી ગયાં. અદશ્ય જ થઈ ગયાં !

હું ભાંગી પડી. પાર્કિંગના બાંકડા પર બેસી ગઈ. ઉપર જવાની ઈચ્છા જ ન થઈ. અજય આવશે ત્યારે એની સાથે જ જઈશ. એ આજ મોડા આવવાના છે, એ યાદ આવ્યું છતાં ત્યાં જ બેઠી રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝાડને કોણ મારે છે ? – રીના મહેતા
દામ્પત્યસંબંધનો નવો આયામ – જયવતી કાજી Next »   

16 પ્રતિભાવો : મંદી – જિતેન્દ્ર પટેલ

 1. આ તો મારા ઘરની જ વાર્તા……. 🙂 અમારો ફ્લેટ પણ આમ જ નથી વેચાતો….. 🙂

 2. chetan tataria says:

  ખરેખ૨ જો પાડૉશ સારો હોય તો ઘણુ tension ઓછુ થઈ જાય છે. અત્યા૨ ના તો પહેલુ સગુ તે પાડૉશ.

  સારી વાર્તા.

 3. ALKA says:

  પાડોશી સાથેનાં સંબંધો એવા બંધાઇ જાય કે જીવનભર તે બંધાયેલા રહે….

 4. Keyur Patel says:

  મેરી ચોરી પકડી જાતી….. એ એડ યાદ આવી ગઈ. બેન ન ચોરી પકડાઈ ગઈ.

 5. પહેલો સાચો સગો તે પાડોશિ!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.