જીવન : એક ખેલ – અનુ. કુન્દનિકા કાપડીઆ

[ જે પુસ્તકની 27 જેટલી આવૃત્તિઓ થઈ હોય, તે પુસ્તક વિશે આમ તો કંઈ ખાસ પરિચય આપવાનો હોય નહીં, પરંતુ તેમ છતાં નવા વાચકોને ધ્યાનમાં રાખીને તેની ટૂંકી વિગત જણાવી દઉં. ‘જીવન : એક ખેલ’ આમ જુઓ તો ખૂબ જ નાનું 30 પાનાનું પુસ્તક છે અને તેની કિંમત રૂ. 12 છે. પરંતુ તમે જેમ જેમ એને વાંચતા જશો તેમ લાગશે કે આ તો અમૂલ્ય છે ! તમને સ્વસ્થતા, તાજગી અને વિદ્યાયક વિચારોથી લબાલબ ભરી દે અને હૃદયની આરપાર નીકળી જાય એવી વાતો આ પુસ્તકમાં છે. આ પુસ્તક એ મૂળ ફલોરેન્સ સ્કોવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે ઈટ’ નો સંક્ષિપ્ત અનુવાદ છે. ન્યુજર્સીથી રીડગુજરાતીના વાચક શ્રીમતી મેઘાબેને મને ખાસ આગ્રહ કર્યો હતો કે આ પુસ્તક આજે ને આજે તમે લઈ આવો અને વાચકોને તેનો લાભ આપો. તેથી તેમના ભાવને પણ વંદન અને છેલ્લે કુન્દનિકાબહેનનો પરવાનગી આપવા માટે ખૂબ ખૂબ આભાર. – તંત્રી]

મોટા ભાગના લોકો જીવનને એક સંગ્રામ ગણે છે, પણ એ કાંઈ સંગ્રામ નથી, એ તો એક ખેલ છે. પણ એ એવો ખેલ છે, જે અધ્યાત્મના નિયમોનું જ્ઞાન ન હોય તો, સફળપણે રમી શકાય નહિ. ઈસુ ખ્રિસ્તના ઉપદેશ પ્રમાણે એ આપવા અને લેવાની મહાન રમત છે. માણસ જે વાવે છે તે જ લણે છે. એનો અર્થ એ કે માણસ તેના શબ્દો કે કાર્યો દ્વારા જે બહાર વહાવે છે તે જ તેના ભણી પાછું વળે છે. જે તે આપે છે, તે જ તે પામે છે.

તે ધિક્કાર વહાવે તો ધિક્કાર પામે છે, તે પ્રેમ વહાવે તો પ્રેમ પામે છે; તે ટીકા વહાવે તો ટીકા પામે છે; તે જૂઠું બોલે તો બીજાઓ તેની સાથે જૂઠું બોલે છે; તે બીજાને છેતરશે તો બીજાઓ પણ તેને છેતરશે. એમ કહેવાયું છે કે જીવનના આ ખેલમાં કલ્પનાશક્તિ બહુ મહત્વનો ભાગ ભજવે છે. આનો અર્થ એ કે માણસ કલ્પના કરે છે, તે વહેલે કે મોડે બાહ્ય આકાર ધારણ કરે જ છે. હું એક માણસને ઓળખું છું, જેને અમુક રોગનો ભય હતો. આ રોગ ભાગ્યે જ કોઈને થાય તેવો રોગ છે, પણ તે માણસ સતત એની કલ્પના કર્યા કરતો, એના વિશે વાંચ્યા કરતો. છેવટે એના દેહમાં એ રોગે આકાર લીધો અને તે મૃત્યુ પામ્યો. હકીકતમાં તે પોતાની વિકૃત કલ્પનાનો ભોગ જ બન્યો હતો.

એટલે, આપણે જિંદગી નામની આ રમત સફળપણે રમવી હોય તો આ કલ્પનાશક્તિને યોગ્ય રીતે કેળવવી જોઈએ. આપણે હંમેશા સારી જ કલ્પનાઓ કરતાં શીખવું જોઈએ. આરોગ્ય, સંપદા, પ્રેમ, મૈત્રી, ઊંચા આદર્શોની કલ્પના અને આ કલ્પનાઓ સફળપણે કરતાં શીખવા માટે સફળપણે કરતાં શીખવા માટે આપણે આપણા મનની પ્રક્રિયાઓ સમજવી જોઈએ.

મનના ત્રણ વિભાગો છે : અર્ધજાગ્રત, જાગ્રત અને પરાજાગ્રત. અર્ધજાગ્રત એ વરાળ કે વીજળી જેવી કેવળ શક્તિ છે, એને કોઈ દિશા નથી. એની પાસે જે કરાવવામાં આવે તે એ કરે છે. માણસ જે કાંઈ બહુ તીવ્રતાથી અનુભવે કે જેની બહુ ચોક્સાઈથી કલ્પના કરે તેની પૂરી વિગતો આ અર્ધજાગ્રત મન પર અંકાઈ જાય છે. જાગ્રત મન તે માનુષી મન છે અને જીવનને જેવું દેખાય છે તેવું જુએ છે. તે મૃત્યુ, માંદગી, દરિદ્રતા, દરેક પ્રકારની મર્યાદા જુએ છે અને તેની પણ છાપ અજાગ્રત મન પર પડે છે. પરાજાગ્રત મન તે દરેક મનુષ્યમાં રહેલું ભગવત્ મન છે. તેમાં પ્લેટો જેને ‘સંપૂર્ણ આકૃતિ’ કહે છે તે રહેલી છે. દરેક મનુષ્ય માટે આ દૈવી આકાર અથવા કહો કે દૈવી યોજના રહેલી છે.

“એક એવું સ્થળ છે, જે તમારે જ ભરવાનું છે. બીજું કોઈ તે ભરી નહિ શકે; એક એવું કામ જે તમારે જ કરવાનું છે, બીજું કોઈ તે કરી નહિ શકે.’ આ વિચારનું સંપૂર્ણ ચિત્ર ભગવતમનમાં અંકાયેલું હોય છે. માણસના મન પર તે ઘણીવાર ઝબકી જાય છે; પણ ત્યારે આપણને લાગતું હોય છે : આ તો બહુ અઘરો આદર્શ છે આ કંઈ પ્રાપ્ત કરી શકાય નહિ. હકીકતમાં એ જ મનુષ્યની સાચી નિયતી છે, જે તેની જ ભીતર રહેલી અનંત ચેતના તેને કહે છે. પણ મોટા ભાગના લોકો પોતાની સાચી નિયતિ વિશે અજાણ હોય છે અને તેથી તેમની ન હોય તેવી પરિસ્થિતિઓ અને વસ્તુઓ સાથે કામ પાડે છે, જેમાં કેવળ નિષ્ફળતા મળે છે અને ધારો કે સફળતા મળે તો પણ તેમાંથી સંતોષ સાંપડતો નથી.

એક ઉદાહરણ આપું. એક દિવસ એક સ્ત્રીએ આવીને મને કહ્યું કે હું ‘એ’ નામના માણસના ઊંડા પ્રેમમાં છું, તો તમે કહો કે મારાં લગ્ન તેની સાથે થાય.
મેં કહ્યું કે એમ કહેવું તે આધ્યાત્મિક નિયમનો ભંગ ગણાશે; પણ હું એમ કહીશ કે તારે માટે જે સુયોગ્ય માણસ ભગવાને નિર્માણ કર્યો છે તેની સાથે તારાં લગ્ન થાય. વધુમાં મેં એમ પણ ઉમેર્યું કે ‘અ’ જો એ સુયોગ્ય માણસ હશે તો તે તને ગમે તે રીતે મળશે જ. અને જો તે નહિ હોય તો બીજો યોગ્ય સાથી તને સાંપડશે. તે એને વારંવાર મળતી પણ તેમના સંબંધમાં કોઈ વિકાસ થયો નહિ. એક દિવસ તેણે આવીને કહ્યું : ‘તમને ખબર છે ? છેલ્લા થોડા દિવસથી મને લાગે છે કે ‘અ’ માં અદ્દભુત કહી શકાય એવું કાંઈ નથી. મેં કહ્યું : ‘તે કદાચ કુદરતે તમારા માટે પસંદ કરેલો સાથી નહિ હોય. બીજો કોઈ વધુ યોગ્ય માણસ આવશે.’

થોડા જ વખત પછી તેનો મેળાપ એક બીજા માણસ સાથે થયો. ‘અ’ માં તે જે બાબતોની ઈચ્છા રાખતી હતી, તે બધી જ વસ્તુઓ આ માણસમાં હતી અને તે તેનો સંપૂર્ણ યોગ્ય સાથી બન્યો. આ ઘટના ‘બદલીનો નિયમ’ દર્શાવે છે. ખોટા વિચારને બદલે સ્ત્રીના મનમાં એક સાચો વિચાર મૂકવામાં આવ્યો. તેમાં તેણે કાંઈ ગુમાવવું પડ્યું નહિ.

ઈશ્વરનું રાજ્ય મનુષ્યના હૃદયમાં છે એમ કહેવાય છે. આ રાજ્ય એટલે સારા વિચારોનો અથવા દૈવી યોજનાઓનો પ્રદેશ. માણસ ઘણીવાર ખોટા, નિરર્થક શબ્દો વડે પોતાના જીવનનો આ ખેલ ભયંકર બનાવી મૂકે છે. એક સ્ત્રી પાસે પુષ્કળ પૈસા હતા, સરસ વસ્તુઓથી સજાવેલું ઘર હતું. પણ ઘરની વ્યવસ્થા કરતાં તે એટલી થાકી જતી કે તે ઘણીવાર કહ્યા કરતી : મને આ બધી વસ્તુઓનો ખૂબ થાક લાગે છે. એટલે કંટાળો આવે છે ને થાય છે : આના કરતાં ધોલકામાં રહેતી હોત તો સારું થાત. અને પછી તેને ખરેખર ધોલકા જેવી જગ્યામાં રહેવાનું આવ્યું.

સદભાગ્યે આ નિયમ બન્ને દિશામાં કામ કરે છે. એક દિવસ દૂરના નાનકડા શહેરમાંથી એક થાકેલી, હતાશ, જર્જરીત સ્ત્રી મારી પાસે ‘સંપત્તિ માટે ઉપચાર’ કરાવવા આવી. તેની પાસે ફકત આઠ ડૉલરની મૂડી હતી. તેણે પૂછ્યું, ‘હું શું કરું ?’ મેં કહ્યું : ‘તમારા અંતરાત્મામાંથી જે સ્ફુરણ આવતું હોય તેને અનુસરો.’ સ્ત્રીએ કહ્યું કે તેને મનમાં થાય છે કે ઘરે જવું. તેની પાસે માત્ર ભાડા જેટલા જ પૈસા હતા. બુદ્ધિ તો તેને કહેતી હતી કે આ મોટા શહેરમાં રહી પૈસા મળે એવું કાંઈક કામ શોધી કાઢ. પણ મેં કહ્યું કે મનમાંથી એમ આવતું હોય કે ઘેર જવું તો ચોક્કસ ઘરે જ જાઓ. તેના માટે મેં આ શબ્દો કહ્યા : ‘અનંત ચેતના….. માટે વિપુલતાનો માર્ગ ખોલી આપે. વિધાતાએ તેને માટે જે વસ્તુઓ નિર્મેલી છે તે અનિવાર્ય ચુંબકની જેમ તેના ભણી ખેંચાઈ આવે…’ મેં તેને મનોમન આ શબ્દો સતત ઉચ્ચારવા કહ્યું. તે તરત જ ઘર ભણી જવા નીકળી. તેના શહેરમાં તેને કુટુંબના એક જૂના મિત્ર મળી ગયા, જેની મારફત તેને અત્યંત ચમત્કારિક રીતે હજારો ડૉલર મળ્યા.

માણસના માર્ગ પર હંમેશા વિપુલતા-ભરપૂરતા રહી હોય છે. પણ તે ઈચ્છા, શ્રદ્ધા અને ઉચ્ચારિત શબ્દો વડે જ આવિર્ભાવ પામે છે. પણ પહેલું પગલું માણસે ભરવું જોઈએ. દરેક ઈચ્છા-વ્યકત કે અવ્યક્ત એક માગણી છે. ઘણીવાર તો તે એવી આકસ્મિક રીતે પૂર્ણ થાય છે કે આપણે ચકિત થઈ જઈએ. એક વખત મેં ફૂલવાળાની દુકાને બહુ જ સુંદર ગુલાબના છોડ જોયા. મને થયું કે એકાદ છોડ મારી પાસે હોય તો કેવું સારું ! મન:ચક્ષુ સામે ગુલાબનો છોડ બારણામાંથી ઘરમાં આવતો નિહાળ્યો. થોડા દિવસ પછી ઘરમાં ખરેખર એક સુંદર ગુલાબછોડ એક મિત્રે મોકલાવ્યો. બીજે દિવસે મેં તેનો આભાર માન્યો. તો તે કહે, પણ મેં તો લિલી મોકલવાનું કહ્યું હતું !’ અને ફૂલવાળાએ મને ભૂલથી ગુલાબનો છોડ મોકલ્યો હતો, કારણ કે મને ગુલાબનો છોડ જોઈતો હતો.

માણસ અને તેના ઊંચા આદર્શ તથા હૃદયની ઈચ્છા વચ્ચે શંકા અને ભય જ અવરોધક બની ઊભાં હોય છે. માણસ ‘થશે કે નહિ ?’ એવી ચિંતા વગર ઈચ્છા કરે તો તેની દરેક ઈચ્છા તત્કાળ પૂરી થશે. આની વૈજ્ઞાનિક સમજણ હું આગળ ઉપર આપીશ. ભય એ જ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. – અભાવનો ભય, નિષ્ફળતાનો ભય, માંદગીનો ભય, અસલામતીનો ભય. આપણે ભયને સ્થાને શ્રદ્ધાનું સ્થાપન કરવું જોઈએ. એક બુદ્ધિમાન સફળ માણસે પોતાના ખંડમાં મોટા અક્ષરે લખી રાખ્યું હતું : ‘ચિંતા શા માટે કરવી ? કદાચ એવું ક્યારેય નહિ બને.’ અને સતત આ વાંચતા રહીને તેણે પોતાના મનમાંથી ભયને સદંતર ભૂંસી નાખ્યો હતો.

મન એ મનુષ્યનો વફાદાર સેવક છે; પણ માણસે તેને સાચા આદેશ આપવા જોઈએ. એટલે અર્ધજાગ્રત મનની બધી જૂની નકામી છાપો ભૂંસી નાખી નવી સુંદર છાપો તેના પર અંકિત કરવી જોઈએ. શક્તિપૂર્વક, વિશ્વાસપૂર્વક આ શબ્દો મોટેથી બોલો : ‘મારા અર્ધજાગ્રત મન પર મારી ખોટી કલ્પનાઓમાંથી જન્મેલી બધી ખોટી છાપોનો હું નાશ કરું છું. ભગવાનને હૃદયમાં રાખીને હું હવે નવી સંપૂર્ણ છાપો સર્જું છું – આરોગ્ય, સંપદા, પ્રેમ અને સંપૂર્ણ આત્માભિવ્યક્તિની છાપો.’

[પ્રકરણ – 1 માંથી.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દામ્પત્યસંબંધનો નવો આયામ – જયવતી કાજી
પ્રારબ્ધ અને પુરુષાર્થ – હીરાભાઈ ઠક્કર Next »   

17 પ્રતિભાવો : જીવન : એક ખેલ – અનુ. કુન્દનિકા કાપડીઆ

 1. bijal bhatt says:

  કેટલી સુંદર શી કેટલી સરળતાથી સમજાવવામાં આવી છે… ઘણી વખત આપ્ણે એવું માનતા હોઇએ છીએ કે બોધ ફક્ત બાળકો માટે જ હોય પણ આવા નાના નાના ટુચકા કે નાની નાની શિખની હવે અત્યારે જ વધુ જરુર પડે છે. જિવનની નવિ રાહ બતાડે છે…
  thanks ho !!!!!

 2. neetakotecha says:

  gr8 bahu sari vat kahi. sache j jevu vichariye evu kyarek thatu hoy ne to aacharya thatu hatu pan aaje samjai gayu. k kevi rite thay. khub khub aabhar Kundanika ben.tamari vato hamesha hraday sparshi hoy che.

 3. Brinda says:

  Please, write all these good and meaning ful thoughts everytime. I love your thoughts.

 4. કલ્પેશ says:

  ખુબ સરસ. આભાર મેઘાબેન અને કુન્દનિકાબેન

 5. preeti hitesh tailor says:

  ખૂબ સુંદર લેખ!!
  આપણે જ આપણા શત્રુ અને આપણે જ આપણા મિત્ર..આ વિચારધારાનું પ્રચલન આપણને હકારાત્મક અભિગમ સાથે જીવવાને પ્રેરણા આપે છે..

 6. Anil Rajyaguru says:

  બહુજ સરસ ……………………..

 7. Nehal patel says:

  SOMETHING WHICH EVERYONE SHOULD READ AND REMEMBER FOR LIFE.

 8. maurvi says:

  થેન્ક્સ મેઘાબેન, અને મ્રુગેશભાઈ, આટલો સરસ લેખ Readgujaratiના વાચકો સુધી પહોચાડવા બદલ. As i have said earlier, read gujarati has created a worldwide family, here each and every member always wish to spread wonderful articles to other memebers.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.