દામ્પત્યસંબંધનો નવો આયામ – જયવતી કાજી

‘Love is something that gathers strength with patience, grows despite obstacles, warms in winter, flourishes in sprting, casts a breeze in summer and bears fruit in autumn. I found love.’ – kahlil Gibran

હજી તો અઠવાડિયા પહેલાં જ સંજીવ અને છોકરાંઓએ ઉત્સાહથી એની પચાસમી વર્ષગાંઠ ઊજવી હતી. દામ્પત્યજીવનના લગભગ ત્રણ દાયકા ક્યાં પસાર થઈ ગયા તેનીય એને ખબર નહોતી પડી. પણ કોણ જાણે કેમ છેલ્લાં એક-બે વર્ષથી સુજાતાનું મન ખૂબ જ અજંપો અનુભવી રહ્યું હતું. બન્ને પુત્રીઓનાં લગ્ન થઈ ગયાં હતાં. એમનો નાનો દીકરો સુમિત પણ ગ્રેજ્યુએટ થઈ વધુ અભ્યાસ માટે વિદેશ ગયો હતો. બાળકોના હાસ્યવિનોદ અને તોફાનમસ્તીથી ગાજતું ઘર હવે સૂમસામ થઈ ગયું હતું. આમતેમ ફેંકાયેલાં કપડાં ગોઠવવાનાં નહોતાં. પુસ્તકો અને એમના ઓરડાની ચીજો વ્યવસ્થિત કરવાની નહોતી. મિતાલી, સોનાલી અને સુમિત વગર જુદી જુદી ખાવાની વાનગીઓ કોને માટે બનાવવી ? સંજીવ એની ઑફિસના કામમાં, મિટિંગોમાં અને અવારનવાર બિઝનેસ અંગેના પ્રવાસમાં વ્યસ્ત હતો. સુજાતાના દિલને સંતોષ થાય એવું કામકાજ કે પ્રવૃત્તિ એની પાસે નહોતાં. બસ ! સંજીવની સાંજે ઘેર આવવાની રાહ જ જોવાની ! છોકરાંઓને ફોન કરવાના અને એમના ફોનની પ્રતીક્ષા કરવાની ! અમેરિકા ગયેલા સુમિત સાથે વખતોવખત વાત થઈ શકે એ માટે એણે કોમ્પ્યુટર પણ શીખી લીધું. બધાં જ પોતાનામાં, પોતાના કામકાજમાં વ્યસ્ત હતાં. એ જ માત્ર નવરી હતી. એને ખાસ કશું કરવાનું નહોતું. આમ ને આમ કેટલો વખત ચાલશે ! વિચાર કરતાં કરતાં એનું મન અતીતમાં પહોંચી ગયું. કેવો એ સમય હતો, કેવા એ અદ્દભુત દિવસો હતા….

અઢાર-ઓગણીસ વર્ષની એ મુગ્ધ તરુણી હતી. ત્રેવીસ-ચોવીસ વર્ષના એક તરવરાટભર્યા સોહામણા તેજસ્વી યુવાન સાથે પરિચય થાય છે. બન્ને અવારનવાર મળે છે. પરિચયમાંથી પ્રણયસંબંધ પાંગરે છે. પ્રારંભકાળનો એ સંબંધ કેવો હતો ! વિચાર આવતાં જ એનું મોં આટલાં વર્ષો પછી લજ્જાથી રતુંબડું થઈ ગયું.

સુજાતા અને સંજીવ બન્ને મળતાં. ક્યારેક સાથોસાથ તો ક્યારેક સામસામાં એકબીજાંને જોતાં બેસતાં. ક્યારેક હાથમાં હાથ ઝાલી સમુદ્ર તીરે ઊછળતાં મોજાં માણવા દોડતાં, તો ક્યારેક કોઈક એકાંત સ્થળે બેઠાં બેઠાં વાતો કરતાં. બન્ને એકબીજાને સાંભળે છે. એમનાં સંબંધમાં મૈત્રી છે, સહાનુભૂતિ છે, સાદગી છે. બન્ને વચ્ચે એક દુનિયા નિર્માણ થાય છે. એ દુનિયા માત્ર એ બેની જ છે. એમાં બીજો કોઈ રસ નથી, વસ્તુ નથી કે નથી અન્ય લોકો, જવાબદારીઓના ભાર વગરનો, બંધનોથી મુક્ત એ સંબંધ છે. ભૂતકાળનું એમાં કોઈ ઋણ નથી. ભવિષ્યના સોણલાં સેવાય છે. આરંભના કાળનો આ મૂળ સંબંધ ઘણો સુંદર હોય છે. એ સ્વયંપર્યાપ્ત છે. એમાં વાસંતી પ્રભાતની આહલાદકતા હોય છે. નવી ફૂટેલી કૂંપળની લીલાશ અને નવજાત શિશુની સુકોમળતા હોય છે. બન્ને ને થાય છે – પ્રણય નો વસંતકાળ લંબાયે જ જાય તો કેવું સારું ! આવી ને આવી જ ઉત્કટતા, મિલનનો આનંદ ને તન્મયતા કાયમ રહે તો કેટલું સારું !

પરંતુ દુનિયામાં કશું જ શાશ્વત નથી. કશું જ કાયમ રહેતું નથી. મોસમ બદલાય છે. સાગરમાં ભરતી પછી ઓટ આવે છે. પત્રપુષ્પથી શોભતી વસંતનું સ્થાન નિષ્પર્ણ શિશિર લે છે તેમજ સંબંધમાં પણ બદલાવ આવે છે. પ્રારંભના સુંદર રોમાંચક સંબંધને ધીમે ધીમે વાસ્તવિકતા સ્પર્શવા માંડે છે. સંબંધનું સ્વરૂપ ધીમે ધીમે જટિલ થતું જાય છે. ઘણાંખરાં સંબંધમાં આવું બનતું હોય છે, પરંતુ લગ્નસંબંધમાં આ બદલાતી ‘પેટર્ન’ સવિશેષ જોવામાં આવે છે. કારણ કે, પતિપત્ની વચ્ચેનો સંબંધ ખૂબ ગાઢ અને વિરલ હોય છે. એટલે જ ક્દાચ એ નિભાવવો મુશ્કેલ હોય છે.

આપણે બધાં સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે દામ્પત્યસંબંધ પારંપારિક રીતે જો જાળવી ન શકીએ તો એ આપણાં જીવનની નિષ્ફળતા અને કરુણતા જ કહેવાય. એટલે આ સંબંધમાં કોઈ પણ ચડાવ-ઉતાર આવે કે એમાં શુષ્ક બદલાવ આવે તો આપણને એ ગમતું નથી. આપણે એનાથી ડરી જઈએ છીએ. આપણે ખોટાં મૂલ્યો, ખ્યાલો અને આદતોના ઘટ્ટ માનસિક આવરણના બોજા નીચે જીવતાં હોઈએ છીએ. ખરી વાત તો એ છે કે આપણાં માનસ પર છવાયેલાં આ આવરણને આપણે ધીમે ધીમે દૂર કરવાનું હોય છે. દામ્પત્યજીવનમાં એક પછી એક વર્ષો વીતતાં જાય છે. સ્ત્રી અને પુરુષ બન્ને પોતપોતાની ભૂમિકામાં પરોવાઈ જાય છે. પુરુષ વ્યવસાયમાં, કારકિર્દીમાં અને બહારની દુનિયામાં વ્યસ્ત રહે છે. સ્ત્રી એની પારંપારિક ગૃહિણી અને માતાની ભૂમિકામાં, ઘરસંસારમાં અને કુટુંબમાં ખૂંપી જાય છે. આ હવે એમની નવી ભૂમિકા છે.

પરિચય અને પરિણયના પ્રારંભિક કાળમાં જે સંબંધ ખૂબ જ આત્મીયતાનો અને ઓતપ્રોતતાનો હતો. એનું સ્થાન આ નવી જવાબદારીભરી ભૂમિકાનો સંબંધ લેવા માંડે છે. સ્ત્રી બાળકોના લાલનપાલનમાં અને પુરુષ પોતાનાં કુટુંબના નિર્વાહના કામમાં, સમાજમાં પોતીકું સ્થાન ઊભું કરવામાં અને સત્તા અને સંપત્તિ મેળવવા પાછળ લાગી જાય છે. પરંતુ બન્નેને જીવનમાં કશુંક ખૂટતું લાગે છે. કશીક ઊણપ લાગે છે. એમને થાય છે કે એમના શરૂઆતના સંબંધમાં જે એક સુંદર મધુર તત્વ હતું તે ક્યાં ગયું ? બન્ને એને ઝંખે છે, પણ આ સાથે એક બીજી વાત વિચારવાની જરૂર છે.

સ્ત્રી અને પુરુષ મનુષ્ય તરીકે સમાન પરંતુ બન્નેની મૂળભૂત જરૂરિયાતો અલગ અલગ હોય છે. પુરુષને બહારના જગતમાં સક્રિય સર્જનાત્મક રહેવાની તક સ્ત્રી કરતાં વધારે હોય છે, જ્યારે સ્ત્રીને અંગત સંબંધોની વધુ તક હોય છે. આધુનિક નારીને લાગે છે કે એની આટલી જ ભૂમિકા અને કાર્યક્ષેત્ર એને માટે પૂરતું નથી. એનું પોતીકું કંઈક કહી શકાય – કંઈક પોતાને કરવાનું હોય એનો સંતોષ એને આ મર્યાદિત ભૂમિકામાં મળતો નથી. પુરુષને અંગત સંબંધની ઉષ્માની ઊણપ લાગે છે. બન્ને એકબીજાંની અલગ અલગ જરૂરિયાત સમજી શકતાં નથી, ત્યારે બન્ને દુ:ખી થાય છે. એમને થાય છે કે એમની વચ્ચે એક સરસ ઋજુ સંબંધ નિર્માણ કરવામાં એમનું લગ્નજીવન નિષ્ફળ ગયું છે. એમની વચ્ચેનો મનમેળ જતો રહ્યો છે. એમનું દામ્પત્યજીવન નીરસ અને શુષ્ક થઈ ગયું છે. બન્ને ખોવાઈ ગયાં છે. સાથે રહેવા છતાં જાણે કે એકબીજાથી વિખૂટાં પડી ગયાં છે. પહેલાનું એ ખળખળ વહેતું પ્રેમનું ઝરણું કેમ સુકાઈ ચાલ્યું ?

આ સ્થિતિમાં પતિપત્ની ક્યારેક અલગ થઈ જાય છે. એમને સમજાતું નથી કે આમ કેમ બની રહ્યું છે. આ પરિસ્થિતિ માટે બન્નેને સામી વ્યક્તિ જ દોષિત લાગે છે. સામી વ્યક્તિને પારખવામાં પોતે થાપ તો નથી ખાઈ ગયા ને ? એમ થાય છે કે કોઈક સંવેદનાનો સાથી મળી જાય, જે વ્યક્તિ એવી હોય કે એ જે છે તેને જ પ્રેમ કરે, એનાં કાર્યને નહિ. આ આપણો ભ્રમ હોય છે. કવિ ઓડન કહે છે કે આવા સંબંધની આપણે ઝંખના કરીએ છીએ પણ એ ભ્રમ છે. એ શક્ય જ નથી કે આપણે જ એનું એકમાત્ર પ્રેમપાત્ર હોઈએ – To be loved alone. આપણે આવી ઈચ્છા સેવીએ છીએ એટલે જ સમસ્યા ઊભી થાય છે.

માણસને પોતાની જાતને પામવી હોય છે બીજાના પ્રેમમાં પરંતુ આ શક્ય નથી. પોતાની જાતને ઓળખવાથી જ સ્વત્વ પ્રાપ્ત થાય છે. કોઈક પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિમાં પડે છે ત્યારે જ માણસને પોતાની શક્તિ પુન:પ્રાપ્ત થાય છે. મૂરઝાતા જતા સંબંધની સમસ્યાના ઉકેલમાં કદાચ આ મદદરૂપ થાય. જીવનની વાસ્તવિકતાના ભાર નીચે પ્રીતિનો જે નાજુક છોડ મૂરઝાઈ જાય છે તેને નવપલ્લિત કરી શકાય ? દામ્પત્યના મધ્યાંતરે આવી નાજુક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. દામ્પત્યજીવનના નાટકનો પ્રથમ અંક પૂરો થાય છે.

પરિણીત જીવનના બે-અઢી દાયકામાં પ્રવૃત્તિઓનું ઘમસાણ હોય છે. એક પછી એક જવાબદારીઓ વધતી જાય છે. સંતાનોનો ઉછેર, શિક્ષણ, કારકિર્દી અને લગ્ન. આ બધાં કામોમાં ફુરસદ જ ક્યાં મળે છે ? જીવનમાં કશુંક પ્રાપ્ત કરવા માટે, સંસારનો માળો રચવા માટે કેટલો સંધર્ષ કર્યો હતો ! આ પરિસ્થિતિમાં બેને નિરાંતે બેસવાનો સમય ક્યાં હતો ! એ વખતે સંબંધો જાળવવા, ખીલવવા ખૂબ મુશ્કેલ હોય છે. આ બધું પતિપત્નીને એકબીજાથી દૂર કરે છે. પ્રણયસંબંધના પ્રારંભમાં એ બે વચ્ચે જે one to one સંબંધ હતો તે રહેતો નથી. હવે આ બધી જવાબદારીઓ – મહત્વાકાંક્ષાઓ ઘણી ઓછી થઈ ગઈ હોય છે. પતિપત્નીને મૂરઝાયેલા સંબંધને પુનર્જીવિત કરવાનો હવે અવકાશ મળે છે. એ સંબંધને એક નવું પરિમાણ આપવાનું હોય છે. નવો આયામ આપવાનો હોય છે. એમ જ કહોને કે હવે નવો યુગલધર્મ આચરવાનો હોય છે. સંબંધમાં સ્નેહ-સાથ સાહચર્ય બધું ખરું પણ સાથે સ્વતંત્રતા અને મોકળાશ ઉમેરવાના હોય છે. આજ્ઞાંકિતતા, સ્પર્ધા અને સ્વામિત્વ નહિ, પણ બન્ને વચ્ચે બે માનવ વ્યક્તિઓનો બંધન – દબાવ કે તાણ વગરનો મૈત્રીભર્યો સંબંધ હોય ! સમીપતા ખરી પણ બન્નેને ‘space’ મળવી જોઈએ. મૈત્રીમાં નિકટતા સાથે સ્વતંત્રતા અને સલામતી રહી શકે છે. બન્નેએ હવે પોતપોતાનો સાથે રહીને વિકાસ કરવાનો હોય છે. માત્ર ‘હું અને તું’ માંથી પ્રેમને જનસમાજ સુધી હવે વિસ્તારવાનો હોય છે. સંકુચિતતાના કોચલામાંથી બહાર નીકળવાનો હવે સમય હોય છે.

હવે એ સત્ય સમજવાનું છે કે પ્રેમ એકબીજાંને નિહાળતાં બેસવામાં જ નથી આવી જતો, પણ પતિપત્ની બન્ને સાથે બહાર દષ્ટિ કરે અને એક દિશામાં જોતાં રહે એમાં રહેલો છે. જ્યારે આમ થાય છે ત્યારે લગ્નજીવનનું પોત – ટેક્સચર – મજબૂત થાય છે અને બન્નેના સંબંધનો અનુબંધ દઢ બને છે.

પ્રેમની અવસ્થા જોઈએ. પહેલાં રોમાંટિક પ્રેમ અને પછી ધીમે ધીમે એકબીજાં પ્રત્યે ભક્તિભાવ – devotion અને એમ કરતાં કરતાં પ્રાપ્ત થાય છે બે આત્માનું – બે દિલનું સાહચર્ય. બન્ને એક છતાં અલગ…. સાથે અને સંગે છતાં સ્વતંત્ર અને તણાવ રહિત. એમાં અન્યોન્ય પર અવલંબન હોય છે. અનુભવોની ભાગીદારી હોય છે. એનાં પોતમાં વણાયેલા હોય છે, જીવનના સાથે કરેલા સંઘર્ષો – વિજય – આશાનિરાશાની સ્મૃતિ. બહાર સાથે અને એક જ દિશામાં કામ કરવાથી બન્ને વચ્ચે શુદ્ધ સખ્યનો સંબંધ રચાય છે.

પ્રારંભનો જે રોમાંટિક પ્રેમ હતો એને – એ સંબંધની યથાર્થતાને મુદત કે સાતત્ય સાથે સંબંધ નથી. સાતત્ય એટલે જ લગ્ન, પરંતુ સાતત્યનો અર્થ એ નથી કે એ પ્રેમનું સ્વરૂપ એક સરખું જ રહે. દામ્પત્યજીવન નાટકના બીજા અંકમાં મહત્વાકાંક્ષા અને વસ્તુઓના સંચયને ઊતરડાતા જવાના છે. સાથે સાથે અહં અને અભિમાનને પણ. પહેલાંની મહત્તાને ફગાવી દેવાની છે. જે મહોરું સ્પર્ધાત્મક દુનિયામાં રક્ષણ મેળવવા માટે પહેર્યું હતું તે દૂર કરવાનું ને હવે ‘પોતે પોતે’ થવાનું છે. We have to be our own self. આનંદ છે મુક્તિનો. પ્રેમનું બંધન હોય છતાં એમાં સ્વતંત્રતા હોય – મોકળાશ હોય. સાથે છતાં અલગ. બન્ને એક છતાં બે માનવ વ્યક્તિઓ. આધ્યાત્મિક વિકાસના સહયોગીઓ…..

આવો નવો સંબંધ – બે વ્યક્તિઓનો વ્યક્તિ તરીકેનો – બે માનવ વચ્ચેનો આધ્યાત્મિક અને તણાવમુક્ત સહેલાઈથી નિર્માણ થતો નથી. ધીમે ધીમે એને વિકસાવવાનો હોય છે.. સંસ્કૃતિના વિકાસની માફક. આ અવસ્થા એક સુખદ અકસ્માત તરીકે કે બક્ષિસ તરીકે નથી આવી જતી, પરંતુ એ સિદ્ધિ રૂપે – ઉત્ક્રાંતિરૂપે સર્જાવી જોઈએ. બન્ને જીવનસાથીઓના મહત્વના વિકાસના પરિપાકરૂપે હોવી જોઈએ.

આનું સુંદર દષ્ટાંત શ્રીમતી એન લેન્ડબર્ગે આપ્યું છે. નૃત્યખંડમાં સ્ત્રી અને પુરુષ નૃત્ય કરી રહ્યાં છે. નૃત્યમાં જોડીદારોએ એકબીજાંને ટાઈટ પકડી રાખવાનાં હોતાં નથી. તમે જો જોરથી પકડી રાખો તો નૃત્યની પેટર્નમાં ખામી આવે. એની ગતિમાં અવરોધ આવે. એમાં જોડીદારને જોરથી પકડી રાખવાનો નથી હોતો. ગતિ માટે હળવો મૃદુ સ્પર્શ પૂરતો છે. બન્ને ક્યારેક એકબીજાંની સામે હોય – ક્યારેક બન્નેની પીઠ લગોલગ હોય – કશો જ વાંધો નથી આવતો. તેઓ જાણે છે કે સાથીદાર પણ એ જ સમાન લયમાં અને તાલમાં ગતિ કરશે. જો કોઈ સંગીતના તાલમાં ન રહે અને લય જાળવે નહિ તો સારું નૃત્ય ન થઈ શકે. એમાં કોઈએ પાછળ પણ નથી રહેવાનું અને આગળ પણ નહિ. યોગ્ય તાલ અને સૂર પર થોભવાનું. આ સુંદર નૃત્યની આવશ્યકતા છે. એમાં આસાની હોય છે. સરસ નૃત્યની આ ટેકનિક છે, તે જ ટેકનિક સરસ દામ્પત્ય સંબંધની છે. પ્રણયજીવનને સલામતી, માલિકી કે સ્વામિત્વમાં જકડી રાખવાનું નથી હોતું.

ખલિલ જિબ્રાન કહે છે તેમ, પતિપત્ની બન્ને એકબીજાંની સામે જોતાં બેસી રહે તેમાં જ પ્રેમ સમાપ્ત થતો નથી. એક રોટલો હોય અને બન્ને સાથે બચકું ભરે તે બરાબર નથી. બન્નેએ સાથે વહેંચીને ખાવાનો છે. ખલિક જિબ્રાને આગળ કહ્યું છે : ‘સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઊભરાજો. પણ બેઉ એકાકી જ રહેજો, જેમ વીણાના તારો એક જ સંગીતથી ગૂંજતા છતાં પ્રત્યેક છૂટો હોય છે તેમ ! સાથે ઊભાં રહેજો પણ એકબીજાંની અડોઅડ નહિ, દેવદાર અને સાગ એકબીજાંની છાયામાં ઊગતાં નથી.’

દામ્પત્યજીવનના બીજા અંકમાં આવું જ ઐક્ય છતાં અલગતા સિદ્ધ કરવાના હોય છે. એ સંબંધને વિકસાવતાં વિક્સાવતાં ‘હું અને તું’ માંથી સૌ અને પરમનિયંતા સુધી પહોંચવાનું હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મંદી – જિતેન્દ્ર પટેલ
જીવન : એક ખેલ – અનુ. કુન્દનિકા કાપડીઆ Next »   

28 પ્રતિભાવો : દામ્પત્યસંબંધનો નવો આયામ – જયવતી કાજી

 1. સુંદર વિચાર પ્રેરક લેખ…

 2. smrutishroff says:

  બધિ જ ૫૦ + ની વ્યક્તિઑ માટે આચરવા જેવી વાત.

 3. Ami says:

  ખુબ જ સરસ લેખ. સ્મ્રુતિજી, માત્ર ૫૦+ જ નહી, પણ લગ્ન થયેલ દરેક પાત્રએ શરુઆતથી જ વિચારવા ને આચરવા જેવી વાત છે આ તો.

 4. Bhajman Nanavaty says:

  ખુબ સરસ વાત કરી. શ્રીમતી એન લેડનબર્ગનું દ્રષ્ટાંત એકદમ પરફેક્ટ છે. (૨૭ વર્ષના દામ્પત્ય જીવન પછી એટલું તો કહી જ શકું) ઍને ત્રણ શબ્દોમાં વર્ણવી શકાય- તાલ,મેલ અને વિશ્વાસ.

 5. payal says:

  બહુ જ સરસ લેખ ચે આજ ના દરેક પતિ પત્નિઆ એ વાચવા જેવો ચે. અને વાચિ ને અમલ મા લવા જેવો પાન ચે.

 6. neetakotecha says:

  bahu saras vat, pan dampatya jivan ma jawabdari o puri karta karta pati patni ek mashin bani ne rahi jay che. ane jemni mate mashin bane che emne khabar pan nathi hoti. jyare aapne a mashin baniye chiye tyare j aapadne aapda mata pita ni halat ni khabar pade che pan tyare a loko hajar j nathi hota .khub sachi vat kari che k dampatya jivan ma tal mel hovo joiye. ane 50 pachi biju jivan jivvu joiye. pan kyarek jawabdari puri thay ane bemathi ek rahetu j nathi. aa vato kariye etli oochi che/ pan tamaro lekh saras hato.

 7. bijal bhatt says:

  good one

 8. przshant says:

  બહુજ સરસ્

 9. Piyush Shah says:

  Well crafted article.

 10. Tina says:

  quite true…and I totally agree with neeta bahen’s view that u realise ur parents sacrifice when u become parent and that time its already too late.I hope to put some of this thinking in to my own marriage,,,

 11. Keyur Patel says:

  સારો લેખ.

 12. Gandhi Trupti says:

  It is good one.
  It is really good as it implies to our day to day life. Marriage is not only bound of two persons but its a bound of two families. And the person who maintains this is very good.
  Its too good one.

 13. Rajeshwari Yagneshkumar Bhatt says:

  khub j sundar.amaru dampatya jivan haji sharu j thayu 6 ane ene aavta darek tabakke sumadhur banavvan mateni amne prerna mali.thanq.thanq very much.
  thanq kharekhar thanq.
  ane aavo sundar lekh lakhva badal khub khub abhinandan.
  hu aa kekh mara husband,yagnesh ne jarur vanchavish.

 14. PALLAVI says:

  Jayvatiben,
  Really Very Nice and Inspirational Article.
  Congratulations.
  Pallavi

 15. DIPALI DEVLUK says:

  REALLY VERY NICE!!!!

 16. Rajni Gohil says:

  જે સરસ નૃત્યની આ ટેકનિક છે તે જ ટેકનિક સરસ દામ્પત્ય સંબંધની છે. પ્રણયજીવનને સલામતી, માલિકી કે સ્વામિત્વમાં જકડી રાખવાનું નથી હોતું. સરસ રીતે સમજાવ્યું છે. શાળા-કોલેજોમાં જીવન જીવવાની કળા શીખવતા નથી. આ લેખ જીવન જીવવાની કળા સરસ રીતે બતવી જાય છે. જયવતી કાજીનો આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.