દિલે નાદાં તુઝે…. – પંકજ ત્રિવેદી

[આ કૃતિ શ્રી પંકજભાઈના પુસ્તક ‘આગિયા’ માંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રી પંકજભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર.]

ગઈકાલે બપોરે એક મિત્રનો ફોન આવ્યો. સામાન્ય રીતે એમને ખાસ કામ હોય તો જ ફોન કરતા. મિત્રએ કહ્યું : ‘હલ્લો, પંકજભાઈ એક ખાસ સમાચાર છે. બકુલભાઈ દવે અહીં આવ્યા છે. તમારી સાથે વાત કરવા ઈચ્છે છે….’
મને નવાઈ લાગી. બકુલભાઈ દવે બપોરનાં સમયે ઘર બહાર ભાગ્યે જ નીકળતાં. આજે ખરેખર અગત્યનું જ કામ હશે, તેમ મેં માન્યું. તેમણે ફોન લીધો…
‘ભાઈ પંકજ, એક દુ:ખદ સમાચાર છે. ભાઈ, તું સાંજે ચાર વાગ્યે ઑફિસથી વહેલો નીકળીને મારે ઘેર આવજે.’
‘પણ… વાત શું છે ?’ મેં અધિરાઈથી પૂછ્યું.
‘આપણા મિત્ર જે. કે. ખરાને ? જે. કે વ્યાસ ?’
‘હા, પણ શું થયું એમને ?’ કશુંક અજુગતું બન્યાનો ધ્રાસકો મને પડ્યો.
‘જે.કે. આપણને છોડી ચાલ્યા ગયા. ગઈકાલે હાર્ટએટેક આવ્યો…’ બકુલભાઈનો અવાજ ધીમો થઈ ગયો, કદાચ ડુમો ભરાઈ ગયો હશે !
‘હેં…. ? આપણાં જે.કે. ?’ હું જડવત બોલી ગયો.
‘આવું છું.’

અમારા મિત્ર વર્તુળમાં જે.કે. વ્યાસ ઉર્ફે જીતુભાઈ એક અદકેરું સદાબહાર પાત્ર હતું. એ માણસ સાચા અર્થમાં જીવી ગયો. પણ જીવનના રાહમાં સૌને ઓવર ટેઈક કરી જાય….. એ માન્યામાં નહોતું આવતું.

થોડા દિવસ પહેલાં જ મારા મિત્ર પ્રો. હર્ષણાનું ઓપરેશન થયેલું ત્યારે હું અને બકુલભાઈ મેડિકલ સ્ટોર પર ઊભેલાં. અચાનક જે.કે. નીકળ્યાં. દૂરથી અમને જોતાં જ ચહેરો ખીલી ઊઠ્યો. પછી રસ્તો પાર કરીને દુકાન પર આવ્યા અને ભેટી પડ્યા. એમનાંથી બોલાઈ ગયું; ‘દિલે નાદાં તુઝે હુઆ ક્યા હૈ ? આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ….?’ એમની ઝીણી ઝીણી આંખો વરસી પડી. થોડી ઔપચારિક વાતો પછી એમણે કહ્યું : ‘દોસ્ત ! હવે પહેલાં જેવી મહેફિલ નથી જામતી. એકવાર મારા ઘેર બધાં મળીએ. આખી રાત મન ભરીને માણવી છે. નવી ગઝલો, નવી વાતો સાંભળવી છે.’
‘હા, એક વખત મળીએ. હું નક્કી કરીને જણાવીશ.’ મેં કહ્યું.
‘દોસ્ત, ઘણાં વખતની એક ઈચ્છા છે કે છેલ્લી મહેફિલ કરીએ….’ આટલું હસતાં-હસતાં બોલીને જે.કે. પગથિયું ઊતરીને ચાલ્યા ગયા. એ વખતે મને ખબર નહોતી કે, જે.કે.ની આ છેલ્લી જ ઈચ્છા હશે ને એ પણ હું પૂરી નહીં કરી શકું. આવો વિચાર પણ ક્યાંથી આવે મને ?

જે.કે. જ્યારે પણ મળે ખુશમિજાજ હોય જ. શરૂઆતમાં મને ઘણીવાર થતું આ માણસને નાનું સરખું ય દુ:ખ નહીં હોય ? પરંતુ મિત્રતાનો રંગ જેમજેમ ઘેરો બનતો ગયો એમ સમજાયું, આ માણસ તો દુ:ખને ઓગાળીને પી જાય છે. લગભગ સાડા પાંચ ફૂટનો આ માનવી, લોકચાહના અને માનવતામાં એટલો ઊંચો હતો કે એને આંબવાની તો કલ્પના પણ ન આવે. ગોળ-સુંદર ચહેરો, માથામાં આછેરા વાળ, મોટું કપાળ, ને હસે ત્યારે આંખો ઝીણી થઈ જતી. શરીર પણ તંદુરસ્ત હતું. આપણને થોડીવાર પણ મળે તો બધાં દુ:ખ દૂર થઈ જાય. એના સહવાસથી હૂંફ એવી કે વાત-વાતમાં હસાવે. એમને મળતાં જ હર્ષાશ્રુથી આંખો છલકાઈ જાય તેવું વ્યક્તિત્વ !

જે.કે.ના હુલામણા નામથી સર્વત્ર જાણીતા હતા, પરંતુ સાચું નામ જીતુભાઈ હતું. એમનાં પત્નીનું નામ પણ જીતુબહેન. એમના પ્રેમલગ્ન થયેલાં. જે.કે. સુરેન્દ્રનગરમાં અને એમનાં પત્ની અમદાવાદમાં ટેલિફોન ઓપરેટર હતા. પચીસેક વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં ઓટો એક્ષચેંજ નહોતું તેથી નંબર માગવા પડતા. ટ્રંકકોલ બુક કરાવવા પડતા. જે.કે. મોટે ભાગે રાતની નોકરી પસંદ કરતા. અમદાવાદના ટ્રંકકોલનું જોડાણ કરતા ત્યાંના મહિલા ઓપરેટર સાથે વાત કરતા પછી તો બંને નોકરીનો સમય એક સાથે જ ગોઠવતા. જે.કે. અને જીતુબહેન સાહિત્યનાં શોખીન. કોઈપણ કવિઓની કવિતા-ગઝલનાં શેર એમને યાદ જ હોય ! જે.કે. વાત કરે તો પણ શેર સંભળાવીને જ ! ઘણીવાર નવી ફિલ્મો, નવા ગીતો, ખરીદી કે કોઈ અંગત બાબતોની ચર્ચા કરતાં. જે.કે.નું વ્યક્તિત્વ જ એવું હતું કે વાત-વાતમાં એનાં તરફ સૌને ખેંચી લે.

બે-ત્રણ વર્ષના પરિચય પછી જે.કે. અને જીતુબહેને ફોન પર જ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. બંનેએ એકબીજાને ક્યારેય જોયા નહોતાં, જીતુબહેને એકવાર જે.કે.ની કસોટી કરવા કહેલું : ‘તું મને અમદાવાદ મળવા આવે તો કેવી રીતે ઓળખીશ ? આમેય હું અપંગ છું એ જાણ્યા પછી કદાચ તું લગ્નનો વિચાર બદલીશ. એટલે અગાઊથી જાણ કરું છું.’
એનાં જવાબમાં જે.કે. એ કહ્યું : ‘તું અપંગ હશે તો મને વાંધો નથી. મેં તને પ્રેમ કર્યો છે, હું ચોક્કસ આવીશ. લાલ દરવાજા રૂપાલી સિનેમા પાસે હું ઊભો રહીશ. મારી બેગ પર જે.કે. લખ્યું હશે. તું જ મને ઓળખી લે જે ને !’

બીજે દિવસે જે.કે. અમદાવાદ ગયાં. વાસ્તવમાં જીતુબહેન અપંગ હતા જ નહીં. બંનેએ સાથે ફિલ્મ જોઈ, વાતો કરી અને એમનાં ઘરે જઈ વડિલો સાથે પરિચય પણ કર્યો. બંને પક્ષે સંમતિ મેળવી લગ્ન કર્યા. એમનાં બે સંતાનો થયાં. અહીં માત્ર પ્રેમની પરીક્ષા હતી. સચ્ચાઈ અને લાગણીનો સુમેળ હતો, તેથી જ સામાજીક બંધનો અને રીત-રિવાજોનાં બંધનો જે.કે. ને નડ્યાં નહોતા. આમેય પોતાની મસ્તીમાં જીવવાવાળો આ અલગારી માણસ હતો.

મને યાદ છે હું નાનો હતો ત્યારથી જ એમને ઓળખું છું. મારાભાઈ હર્ષદ ત્રિવેદી, લોક ગાયક બાબુ રાણપુરા, જગદીશ વ્યાસ, મુકેશ માલવણકર, પ્રવીણ પંડ્યા, બકુલ દવે જેવા અનેક મિત્રો કેલિડોસ્કોપ નામે ચાલતી સાહિત્યિક સંસ્થામાં મળતા. એમાં મુખ્ય-સૂત્રધાર-માર્ગદર્શક તરીકે જાણીતા લેખક શ્રી મોહમ્મદ માંકડ પણ હતા. સમયાંતરે આ સંસ્થા બંધ થઈ પણ સુરેન્દ્રનગરમાં વાદીપરા ચોકમાં કલાકારોની મહેફિલ આજેય જામે છે.

ધીમે ધીમે ગૃહસ્થી પછી જે.કે. મહેફિલમાં ઓછા આવતા. તેમ છતાંયે રસ્તામાં મળે ત્યારે બીજી મુલાકાત સુધીના સ્મરણો મન ભરીને મૂકી જતાં, દૂરથી આંખ મળે અને શેર ઉદ્દભવે ! ફકત બેંતાલીસ વર્ષના રોકાણમાં આ માણસ ઉર્ફે જે.કે. એ અનેક માણસોને પોતાની જીવંતતાનો સતત અનુભવ કરાવ્યો છે. ગમે તેવા સારા-માઠાં પ્રસંગોમાં સદાય હસતો રમતો ચહેરો આજેય મારા શહેરમાં સામે મળે છે અને શેખાદમનો એક શેર સંભળાવે છે;

‘કોઈ સાચી પ્યાસ લઈ આવ્યું ન અમને ઢૂંઢતું,
જામની માફક અમે તો નિત્ય છલકાતાં રહ્યાં !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે શંખ અને એક સુંદરી – મદનકુમાર મજમુદાર
કહું આજ કોને ? – બી. કે. રાઠોડ ‘બાબુ’ Next »   

15 પ્રતિભાવો : દિલે નાદાં તુઝે…. – પંકજ ત્રિવેદી

 1. bijal bhatt says:

  વાહ કેટલુ સરળ સહજ સુવાસિત વ્યક્તિત્વ હશે એમ્નું નહી?? આ પ્રેમની પરિક્ષા કેટલી સરસ રિતે આપી ને એમાં પાસ થયા …

 2. વાહ મજાનો લેખ……………………………..

 3. સરસ લેખ છે

 4. kunal says:

  સુંદર મરણોત્તર પરિચય… એમ મરણોત્તર પુરસ્કાર સમાન… આવી વ્યક્તિઓ એવાં ફૂલ સમાન હોય ચ્હે જેને ફક્ત જોયા કરવાથી જ આનંદની લાગણી થાય..

 5. Keyur Patel says:

  સુંદર જીવન ચરિત્ર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.