રેખા અને દીવાલ – દિલીપ રાણપુરા

નંદાએ નીરજ સામે જોયું. તેની આંખોમાં નશો હતો અને ચહેરા પર પ્રસન્નતા છલકાતી હતી. નંદાએ એકદમ પૂછ્યું : ‘આજ આટલો બધો ખુશ કેમ છે, નીરજ ?’
‘કલ્પના કરતો.’
‘હું તો એટલી જ કલ્પના કરી શકું છું, કે મારા સાન્નિધ્યમાં હોય છે ત્યારે તારી આંખો નશીલી બની જાય છે, પણ ચહેરા પરની પ્રસન્નતાનું કારણ તો તારે જ જણાવવું પડશે.’
‘હું એ કારણ જણાવવા આવ્યો છું, પણ તને ખબર છે ને, વાતમાં થોડું રહસ્ય રાખવામાં મને મઝા આવે છે.’
‘જાણું છું. પણ દરેક વખતે રહસ્ય આનંદ નથી આપી શકતું…. ક્યારેક તો એ તાણ વધારી મૂકે છે.’
‘પણ રહસ્ય ખુલી જતાં તો હળવાશ અનુભવાય ને !’ નીરજે હસતા હસતા કહ્યું.
‘નીરજ, હવે હું ટેન્શન નીચે આવતી જાઉં છું, જે હોય તે જલદી કહી દે.’
‘મને તારા ટેન્શનની પરાકાષ્ટા જોવા દે.’
‘શા માટે ?’
‘ભવિષ્ય માટે.’
‘એટલે ?’ નંદાના સવાલમાં તીક્ષણતા હતી.
‘ભવિષ્યમાં ટેન્શન ભર્યા બનાવો આપણા વચ્ચે બને તો તું ક્યાં સુધી જીરવી શકે છે, એ જાણવા માટે.’
‘એટલે તને હજુ પણ સંશય છે કે આપણા વચ્ચે ક્યારેક મતભેદ ઊભા થશે.’
‘ના. એવું નથી, સંશયથી મેં એક કદમ પણ ઉપાડ્યું નથી, પણ હું ચોક્કસાઈમાં માનું છું.’
‘કઈ રીતની ચોક્ક્સાઈ ?’
‘જેની સાથે મારે જોડાવાનું છે એની, માનસિક સ્વસ્થતા અને ક્ષમતા કેટલી છે !’
‘ઓહ ! હું સમજી.’ કહી નંદાએ તેની સામેથી નજર હટાવી લીધી.

થોડી વાર બંને મૌન રહ્યાં.
નંદા ઈચ્છતી હતી, નીરજ દરેક વખતે વાતને રહસ્યનું પડ વીંટાળ્યે રાખે એ બરાબર નથી. ક્યારેક તો રહસ્યની ગંભીરતાં કરતાં નિખાલસતાની હળવાશ વધુ પ્રસન્ન કરી દે છે. જો કે તે નીરજ પ્રત્યે આકર્ષાઈ હતી, એની વાત કરવાની રહસ્યમય શૈલીને કારણે જ. અને એણે જ્યારે રહસ્ય ખોલ્યું કે પોતે પરિણિત છે ત્યારે નંદા આશ્ચર્યચકિત થઈ ગયેલી ને એકદમ બોલી ઊઠી હતી, ‘નીરજ, તું આ રહસ્ય આટલો વખત કેમ જાળવી શક્યો ?’
‘એ રહસ્ય હતું એટલે !’
‘લગ્ન એ કંઈ થોડું રહસ્ય છે ?’
‘હા… તારા માટે એ રહસ્ય રાખવું જરૂરી હતું.’
‘તો તો હવે આપણે આપણા સંબંધમાં વચ્ચે એક રેખા આંકી લેવી પડશે.’
‘માત્ર રેખા જ’ નીરજે હસતાં હસતાં કહ્યું, ‘દીવાલ નહિ…. રેખા ઓળંગી શકાય કે ભૂંસી શકાય, પણ દિવાલને ઓળંગવી કે તોડવી જરા મુશ્કેલ થઈ પડે.’
‘વળી તેં રેખા અને દિવાલની વાત કરીને રહસ્ય ગૂંથવા માંડ્યું.’

નીરજ હસી પડ્યો.
‘તું હસે છે, એ પણ હવે તો રહસ્ય લાગે છે, નીરજ.’
‘હું રડું તો તને શું લાગે, નંદા ?’
‘તું રડે એ હું માની જ ન શકું.’
‘પણ તને એ ગમે ખરું ?’
‘ક્યા સંદર્ભમાં તારી આંખમાં આંસુ આવે છે તે જાણ્યા પછી હું કહી શકું.’
‘તું પણ રહસ્ય ગૂંથવાની પ્રેક્ટિસ કરવા લાગી ગઈ…’
નંદા હસી પડી.
‘નંદા, હું તારી સાથે લગ્ન કરવા માગું છું.’
‘શું કહે છે તું ?’
‘ચમકીશ નહિ. આ પ્રસ્તાવનું રહસ્ય મેં તારી સાથેની પરિચયની ક્ષણથી મારા અંતરમાં ગોપવી રાખ્યું હતું. અરે, એને પંપાળીને ઉછેર્યું છે.’
‘પણ તારા તો લગ્ન થઈ ગયા છે.’
‘લગ્ન થઈ શકે છે, એ જેટલું સાચું છે એટલું જ સાચું, લગ્ન તૂટી પણ શકે છે. એ તું જાણે છે ?’
નંદા એક પણ તો સ્તબ્ધ બની ગઈ.
‘તું આ નથી માનતી નંદા ?’
‘માનું છું, પણ સ્વીકારી નથી શકતી.’
‘કેમ ?’
‘તું આવડું મોટું સાહસ ન કરી શકે…. ના, નીરજ, તારાથી આ નહિ થઈ શકે.’
‘પણ શા માટે ન થઈ શકે !’
‘તું પરિણિત છે…. તું લગ્ન તોડી ન શકે.’
‘તો તું મને છોડી દેશે, એમને ?’
‘એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.’

નીરજની આંખો છલકાઈ ગઈ. નંદા જોઈ રહી. તેને થયું કે પોતે નીરજનાં આંસુ લૂછી નાખે.
‘નંદા.’ નીરજ બોલ્યો : ‘તું હમણાં કહેતી હતી ને કે તું રડે એ હું માની જ ન શકું ?’
‘એટલે તું રડવા લાગ્યો ?’ નંદાએ સ્મિત કરતાં પૂછ્યું.
‘એટલે નહિ…. પણ હવે કહે તો મારી આંખમાં અત્યારે આંસુ આવ્યાં એ તને ગમ્યું છે !’
‘ના… આ આંસુ હું ન જોઈ શકું, નીરજ.’
‘તો મને કહે, તું મને ચાહે છે ને ?’
‘એટલે તો આપણે લગ્ન કરવા તૈયાર થયાં હતાં. પણ હું જાણતી નહોતી કે તું પરણેલો છે.’
‘મેં તને છેતરી તો નથી…. તારી પાસે મેં સ્પષ્ટતા કરી જ દીધી છે. મેં ક્શું છૂપાવ્યું નથી… હા, હું પરિણિત પુરુષ છું, એ વાત મેં તને થોડી મોડી કરી છે, એ કબૂલ, પણ એનો હેતુ તને છેતરવાનો હતો, એવું તું ન માનતી… મારા સ્વભાવમાં જે રોમાંચ પમાડવાની અને રહસ્ય રાખવાની ટેવ છે. એનું જ એ કારણ છે.’
‘પણ કાયદો….’
‘એ બધી વ્યવસ્થા હું કરી લઈશ…’ અને ત્યાર પછી બંને છૂટા પડેલાં.

અઠવાડિયે મળતાં ત્યારે પ્રેમાલાપ સિવાય કોઈ વાત થતી નહિ. છ મહિના આમ પસાર થઈ ગયા પછી નીરજ આજ પ્રસન્ન ચહેરે આવ્યો હતો.
‘તું પરિણિત છે, એ જાણ્યા પછી પણ હું વિચલિત થઈ નથી, મારો પ્રેમ જરા પણ ઓછો થયો નથી. એ તું અનુભવી શક્યો છે ?’ નંદાએ છેવટે પૂછ્યું.
‘હા, અને એ અનુભૂતિના બળ અને વિશ્વાસ પર હું આગળ વધતો રહ્યો છું.’
‘તને મારી સ્વસ્થતા અને ક્ષમતાની ખાતરી થઈ છે ને ? ઊંડે સુધી ?’
‘હા…હા…’ પણ તું મારી વાત સાંભળી લે…. મારું છેલ્લું રહસ્ય… હું તને આશ્ચર્ય પમાડવા માગું છું.’
‘કયું ?’
‘આજે જ મને છૂટાછેડા મળી ગયા છે.’
‘જાણું છું…’ નંદાએ ઠંડકથી કહ્યું.
‘ક્યાંથી ?’
‘કોર્ટમાંથી પૂર્ણિમાબહેને જ મને સમાચાર મોકલ્યા હતા.’
‘તને ! શા માટે ?’
‘અભિનંદનના’
‘હવે આપણે મૈત્રીકરાર કરીને થોડો સમય સાથે રહેશું.’
‘નહિ રહી શકીએ.’
‘લગ્ન કરવા માટે થોડી કાનૂની…’
‘પણ લગ્ન કરવા હોય એને કાનૂની વિધિ કરવાની હોય ને !’ નંદા તોફાની અવાજમાં બોલી.
‘તો ?’
‘આપણે પણ છૂટા પડીએ છીએ.’
‘તું આવી મઝાક ન કર નંદા.’
‘મજાક નથી….. એક રહસ્યનો પડદો ચીરી રહી છું.’
‘તું પણ રહસ્ય ગૂંથી શકે છે !’ નીરજ કંઈક નિરાશ સ્વરે બોલ્યો.

‘તમારી સાથે રહીને રહસ્ય ગૂંથતા જ નહિ ચીરતા પણ શીખી.’ એક ઊંડો શ્વાસ લઈ તે આગળ બોલી. ‘તમે લગ્ન કર્યાં છે એ જાણ્યા પછી મેં પૂર્ણિમાબહેનનો સંપર્ક સાધ્યો. તમે કેટલી હદ સુધી સુધી એને અન્યાય કરી શકો છો એ જાણવા હું માગતી હતી. મને એક સ્ત્રીના જીવનને છિન્નવિછિન્ન કરવાનો, તમે લગ્ન કર્યો છે, પતિ બન્યા છો ત્યારે અધિકાર મળી જતો નથી.’
‘પણ એ સ્ત્રી સાથે હું સુખી થઈ શકું તેમ ન હોઉં કે એને સુખી કરી શકું તેમ ન હોઉં તોય ?’ ધીરજ વચ્ચે બોલી ઊઠ્યો.
‘મારા પરિચયમાં આવ્યા ત્યાં સુધી તો તમે સુખી હતા ને ?’
‘કદાચ.’
‘કદાચ નહિ, સંપૂર્ણપણે સુખી હતા. ને તમે પરણેલા છો એ હું નહોતી જાણતી, તમે તો જાણતા હતા. તમારા આધારે એક યુવતી શ્વાસ લઈ રહી છે. પોતાની દુનિયા સજાવી રહી છે.’
‘એટલે હવે હું પાછો ફરું ? તું છટકી જાય છે.’
‘તમારે સમજવું જોઈતું હતું કે એક સ્ત્રીને અન્યાય કરીને તમે બીજીને સુખી ન કરી શકો. ને તે ય માત્ર પ્રેમના બહાના તળે.’
‘પણ… હવે બધું ગોઠવાશે કેમ ?’
‘પ્રેમમાં કશું ગોઠવવાનું હોતું નથી, એ તો આપોઆપ ગોઠવાઈ જતું હોય છે. ગોઠવણમાં, વ્યવસ્થામાં વાસના હોય છે. જાવ, નીરજ, પૂર્ણિમા તમને આવકારશે. કારણ કે ત્યાં વાસના નથી, પ્રેમ છે… તમે એમાં પાછા ઓગળી શકશો. મારી તરફ તો તમારી વાસના છે, ગોઠવાવા જતા તમે ખરડાશો, ક્યાંક ભાંગીતૂટી જશો.’ કહીને નંદા ઊભી થઈ, અંદરના રૂમમાં ચાલી ગઈ અને બારણું બંધ કરી દીધું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પેટ્રોલ આ રીતે પણ બચે ! – નિર્મિશ ઠાકર
લગ્નગીતો અને ફટાણાં – સં. દેવી મહેતા. Next »   

11 પ્રતિભાવો : રેખા અને દીવાલ – દિલીપ રાણપુરા

 1. neetakotecha says:

  dilip bhai varta khub saras che. pan jo koi samajva chahe to samajva jevi che. aaje pursho j nahi pan stri o pan evi jova male che pati sivay bija sathe samandh rakhti hoy che. ane gar ma khabar j nathi padti. jamano khub fast chali rahyo che. ane aa jamana ma pag dharti par rakhine nahi chotadine chalvu pade che. pan tamari koshish khub sari che. gamiu.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice story…….

 3. Keyur Patel says:

  ધોબી નો કૂતરો નહિ ઘર નો કે નહિ ઘાટનૉ.

 4. Krunal Choksi, USA says:

  just n awesome story,….. nice job……

 5. PALLAVI says:

  Dilipbhai,
  it’s nice story.[Rekha ane Diwal]
  Abhinandan!
  Pallavi.

 6. સુરેશ જાની says:

  સરસ વાર્તા.
  તેમની જીવનઝાંખી વાંચો-
  http://sureshbjani.wordpress.com/2007/04/14/dilip_ranpura/
  કોઇ મને તેમનો ફોટો મેળવી આપશે તો આભારી થઇશ.

 7. JITENDRA TANNA says:

  સરસ વાર્તા.

 8. JATIN PANDYA says:

  ખુબ સુન્દર્

 9. Bhavna Shukla says:

  Neetaben, Kshama yachi ne kahu kaink,
  Dilipbhai na patro ne stri ane purush avu alag thi samajavani bhul na karata. Story banava mate platform ubhu karyu tema Niraj ane Nanda avya. Niraj ae aeva darek charitra nu pratibimb chhe je potana sathi (stri/purush) ne ) thanda kaleje anayay kari shake ane Nanda aevu pratibimb chhe (stri ke purush koi pan nu) ke je aava anyayi ne Dhagadhagato Ukalto jadbatod javab api shake.

 10. સુરેશ જાની says:

  ભાવનાબેન, તમે એકદમ નીરપેક્ષ વાત કહી. પહેલાંના જમાનામાં સ્રીઓ દબાયેલી, અશીક્ષીત કે અર્ધશીક્ષીત હતી માટે, મોટે ભાગે સ્ત્રીઓને જ અન્યાય સહેવા પડતા હતા.
  હવે સ્ત્રી પુરુશના ભેદ ઘણા ઓછા થતા જાય છે ત્યારે લીંગ તો એક બહુ જ સંકુચીત વીચાર રહે છે.
  બાકી તમે કહેલી વાત એ માનવસ્વભાવના મુળ સારા નરસાં પાસાંના પરીપ્રેક્ષ્યમાં જ જોવી જોઈશે. જો માનવજાતે પશુ સહજ નબળાઈઓમાંથી મુક્તી મેળવી, સ્વસ્થ અને વીવેકી સમાજ રચવો હોય તો સઘળું નરસું ત્યાગવું પડશે – તે પુરુશ હોય કે સ્ત્રી. કોઈની પણ જોહુકમી હવે નહીં જ ચાલે.
  આ પરીવર્તનને જે કોઈ સમયસર આવકારશે તે સફળ અને સુખી જીવન જીવી શકશે.

 11. Ephedra. says:

  Trim spa with ephedra….

  Wyoming ephedra lawyer. Where to find ephedra. Ephedra lafayette la. Ephedra….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.