વળાંક પર – પ્રાગજીભાઈ ભામ્ભી

[‘અરધી સદીની વાચનયાત્રા ભાગ-3’ માંથી સાભાર.]

વસંતપંચમીની વહેલી સવાર. ઠંડી ખરી, પણ જતા પગલે હતી. અંધારું જવા કરતું હતું. અજવાળું આવું આવું કરતું હતું. હવા હળવે હળવે વહી રહી હતી. આવા રમણીય સંધિ-સમયે હું ભિલોડા ગામે જતી લોકલ બસમાંથી વળાંકના સ્ટૅન્ડે ઊતર્યો. બામણા ગામને ઉત્તર દિશામાં બે-એક કિલોમીટર આઘું છોડીને અહીંથી બસ પૂર્વમાં વળે છે તેથી આ જગાનું નામ વળાંક પડેલું છે. નામ તો ‘બામણા વળાંક’, પણ ટૂંકમાં વળાંક.

ચાર-પાંચ મિનિટ તો હું આ વળાંક પર ઊભો જ રહ્યો. ઉગમણા આકાશમાં નજર ગઈ : અહો ! કેવો વિરાટ પડદો તણાયેલો છે ! ઉપર લાલ રંગનાં કૂંડાં ઉપર કૂંડાં ઠલવાઈ રહ્યાં છે. ધીરો, મધરો મધરો પવન, આછી આછી ગુલાબી ગુલાબી ઠંડી, ચારે તરફ કુદરતનાં કામણ ! હું વિચારે ચડું છું –

ઉમાશંકર જેઠાલાલ જોશી, મારી ભાષાના તો કેટલા મોટા કવિ, તેમની આ જન્મભૂમિ ને ઉછેરભૂમિ ! શું આ જમીન, આ આકાશ, આ પવન ને અહીંના પાણીમાં કંઈક નોખાપણું હશે ? અત્યારે, આ ક્ષણે તો નોખાપણું જ લાગ્યું. કેવી, હોંસ ભરે તેવી હવા હતી ! કવિ બનાવી દે તેવી ! હૃદયમાં એ હવા ભરીને મેં ઉત્તર બાજુ બામણા ભણી ચાલવા માંડ્યું. બામણા ગામથીયે દૂર ફતેપુરમાં કિસાનસભાની મિટિંગ હતી. હું અહીં મિટિંગ માટે આવ્યો હતો, કંઈ ધરા-આકાશનાં સૌંદર્યો પીવા નહોતો આવ્યો. પણ મારો જીવ જ ઝાલ્યો ન રહ્યો ત્યાં કરું શું ? ઉમાશંકરની ધરતી પર ઉમાશંકર યાદ આવ્યા, તેમની કવિતા યાદ આવી. પંક્તિઓ ઉપર પંક્તિઓ આવીને જાણે આ વાતાવરણમાં પથરાઈ રહી હતી. એમ એમ વાતાવરણનો નશોય વધતો જતો હતો.

મારું મન ઊંડું ઊંડું થઈ રહ્યું હતું. પગ બામણા તરફ ચાલી રહ્યા હતા. નજર આસપાસ ને આકાશમાંયે ફરતી રહેતી. અને ત્યાં, ઉગમણા આકાશે સૂર્યનો લાલ ગોળ નીકળતો દેખાયો. થોડી વારમાં તો ખેતરે, ખાખરે, રસ્તે બધે કૂણો કૂણો તડકો છવાઈ ગયો. સૂર્યનાં કૂણાં કિરણોનો ઝીલતો ઝીલતો હું ચાલી રહ્યો હતો. બામણા ગામ હવે ખાસ્સું નજીક આવી ગયું હતું.

અને, સામે જોઉં છું તો એક વ્યક્તિ ચાલી આવે છે. પોશાકના સામ્યથી મેં તો માની લીધું કે રણછોડભાઈ ત્રિવેદી જ છે. વહેલી સવારના ચાલવા નીકળ્યા હશે. પણ દસ જ ડગલાં હું આગળ ચાલ્યો ત્યાં તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવનારને ઓળખી લીધા. આ તો સાક્ષાત્ ઉમાશંકર જોશી જ હતા, બામણાની જમીન પર ! નજીક આવ્યા. હું નીરખી રહ્યો. એ જ એકવડિયો બાંધો, ચશ્માં, સફેદ ઝભ્ભો ને ધોતી ખાદીનાં. ખભે શાલ ને પગમાં ચંપલ. કવિશ્રી એકધારી ચપળ ચાલે ચાલી રહ્યા હતા. મારી સામે આવી રહ્યા હતા. મારા ચિત્તમાં તમને પેલી પ્રખ્યાત કાવ્યપંક્તિઓ ચમકી ઊઠી :

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુંધરાની.

શું કરું ? થવાનું થઈને રહ્યું. હું મિટિંગમય બનવાને બદલે ઉમાશંકરમય બની રહ્યો. ઉમાશંકરભાઈ બિલકુલ મારી સામે આવી ગયા. હું તેમનો રસ્તો રોકીને ઊભો રહી ગયો. પછી તો તેઓ પણ ઊભા રહી ગયા. મેં આટલા નજીકથી તો કવિને પહેલી વાર જોયા. મને ઓળખતા ન હોવા છતાં તેમણે મારી સામે હાથ લંબાવ્યો. સંકોચ-રોમાંચ સાથે મેં હાથ મિલાવ્યો. એમની મોં-કળા પર કેવી તાજગી હતી ! કહે : ‘આવો, આવો. વસંતપંચમીની આ વહેલી સવારે સ્વાગત છે, મારા બામણા ગામમાં.’
કોણ બોલી ? કોકિલા કે ? ના રે ના. પરંતુ રસ્તાની બંને બાજુએ ઊભેલા મહોરેલા આંબા મઘમઘાટ વેરી રહ્યા. વાતાવરણ ‘હોંશીલું’ બની રહ્યું. ખાખરાઓનાં કૂણાં નવાં પાન વાયુ ઢોળી રહ્યાં. મેં મારી ઓળખાણ આપી. મલાસા ગામનો છું એમ પણ કહ્યું.
‘મલાસાના છો ?’ તેમને જાણે મારા પર ઉમળકો આવ્યો.
‘હા. જી.’
‘ખેમજીભાઈના ગામના. મારા ગુરુજીના ગામના. મજામાં છે સાહેબ ?’ કવિશ્રી ઈડર હાઈસ્કૂલમાં ખેમજીભાઈના વિદ્યાર્થી હતા.

મેં ‘હા’ કહી, જવાબ તો વાળ્યો જ, પણ મારે અત્યારે તેમની સાથે કવિતાની ને બીજી એવી ઘણી ઘણી વાતો કરવાની હતી.
‘આપ બહાર નીકળ્યા છો. મારે બામણા જવું છે. હું થોડીક વાર આપની સાથે ચાલું ? આપની દિશામાં ? આપની સાથે વાત કરવાનું મન છે.’
‘બહુ સરસ. મને પણ વાત કરવાનું ગમશે.’
પરંતુ અમે સાથે ચાલવા માંડ્યા ત્યારે પગ જ ચાલતા હતા. જીભ બંધ રહી હતી. અમે બંને બોલ્યા વગર જ ચાલી રહ્યા હતા. હું તો તેમનો દોર્યો દોરાઈ રહ્યો હતો. વળાંક પર આવ્યા. પછી ભિલોડા બાજુ વળ્યા. નજર નાખો ત્યાં ચારે બાજુ ડુંગરા જ ડુંગરા. હાથમતી જલાગારની ખુલ્લી થયેલી જમીન પર ઘઉંના ખેતરો ઊંબીઓના ભારથી લચી પડ્યાં હતાં. ધોળાઢફ તેતરો શેઢેથી દોડીને વાડમાં સરકી જતા હતા. હવામાં મસ્તી હતી. આકાશે પંખીઓની હાર ગાતી ગાતી ઊડી રહી હતી. કદાચ આવા મદિલા માહોલે અમને અબોલ બનાવી દીધા હતા. મારે તો કેટલી વાતો કરવી હતી કવિ જોડે ! અમે આગળ ચાલ્યા. મૌન પણ આગળ જ ચાલ્યું. એવી અબોલાવસ્થામાં હું કવિને જોવામાં પડી ગયો. તેમનું ધ્યાન પ્રકૃત્તિમાં ને મારું તેમનામાં. તેઓ પ્રકૃત્તિને પી રહ્યા હતા ને હું તેમને.

મૌનાવસ્થામાં યાદો સતેજ થતી હોય છે. મને પુનાસણ ગામના મોતીસિંહે કહેલી વાત સાંભરી. (પુનાસણ ગામ બામણાને અડીને જ વસેલું છે.) મેં જ મૌન છોડ્યું. મેં પૂછયું, કવિને : ‘બાલસમુદ્ર ગયેલા ત્યાંથી આપને ‘ભોમિયા વિના’ વાળું ગીત સ્ફુરેલું ? પુનાસણના મોતીસિંહ સિસોદિયા કહેતા હતા.’
કવિ ટહુકી ઊઠ્યા : ‘બિલકુલ સાચી વાત.’
હું જોઈ શક્યો કે કવિના મનમાં એક લહેર ઊઠી હતી, તે તેમના ચહેરા પર ઊપસી આવી હતી. કહે : ‘ભલું મોતીસિંહભાઈએ યાદ રાખ્યું છે. એ વખતે તો આ વિસ્તારમાં ગાઢ જંગલ હતું.’ તેમણે સામે કંઈક દૂર, આંગળી ચીંધીને તે સ્થળ દેખાડ્યું : ‘જુઓ, અહીંથી પેલી ઝાંખી ઝાંખી વનરાજિ દેખાય છે ?’ મેં હા પાડી પછી ઉમળકાભેર કહેવા લાગ્યા : ‘એ જ બાલસમુદ્રની જગા. ત્યારે ગીચ ઝાડી હતી. અમે ત્રણ મિત્રો ત્યાં ગયેલા. હું છૂટો પડી ગયો. ઝાડીમાં વાટ જડે નહિ. અનેક કેડીઓ ખૂંદી. કૂંજોમાં રવડ્યો. પડતો-આખડતો છેક સાંજે ઘેર પહોંચી રહ્યો. થાક પણ એવો લાગેલો ને ભૂખ તો કકડીને લાગેલી. જમીને તરત સૂઈ જ ગયો. તમે માનશો ? ઊંઘ આવે તે પહેલાં ગીત આવ્યું. જેમ તેમ કરીને પેન ખોળી કાઢીને અંધારામાં જ આખું ગીત ઉતાર્યું. નોંધપોથી તો પથારી જોડે જ હતી.’ અને કવિ બાલસમુદ્ર બાજુ જોઈ રહ્યા. સ્મરણોમાં સરી ગયા. સવારના પહોરની ધીરી ધીરી હવા એમના ઝભ્ભાની ફડકમાં ભરાતી હતી.

કશા જ સંદર્ભ વગર જ હું બોલ્યો : ‘સૌ પ્રથમ આપને મેં અમદાવાદ સારંગપુર રેલવે સ્ટેશને ઊભેલા જોયેલા. ઠીક ઠીક દૂરથી જોયેલા. સંકોચવશ નજીક નહિ આવી શકેલો.’
‘ડુંગરા તો ભાઈ, દૂરથી જ રળિયામણા લાગે.’ તેમણે હસતાં-હસતાં કહ્યું.
‘આપ ભલે ને કહો. ડુંગર તો મને નજીકથીયે રળિયામણા લાગ્યા છે. આપને તો વળી વધુ લાગ્યા હશે. તે વિના ‘ભોમિયા વિના’ વાળું ગીત સ્ફુરે જ કઈ રીતે ?’
કવિએ તરત મારો હાથ પકડી લીધો. ઉમળકો દેખાડીને કહે છે – ‘વાહ ભાઈ વાહ, તમે પણ છો તો કવિ જ ! તમારી કવિતા સાંભળવી પડશે.’
મેં વાતને જ બદલી નાખી. કહ્યું : ‘કિસાનસભાની અનેક કૂચોમાં અમે આપનું ‘જઠરાગ્નિ’ કાવ્ય લોકો સમક્ષ રજૂ કર્યું છે.’

કવિ મીઠું મલક્યા. એમની આંખમાં ચમક ને ચહેરા પર પ્રફુલ્લતા આવી. તેમણે મારે ખભે હાથ મૂક્યો. મેં રોમાંચ અનુભવ્યો. સંકોચ પણ થયો. તરત જ હું સ્વસ્થ થઈ ગયો. મને થયું કે મારે ખાસ જે પૂછવું છે તે રહી ના જાય. મનમાં શબ્દો ગોઠવીને હું બોલ્યો : ‘જઠરાગ્નિ’ કાવ્ય 1932માં રચાયું. છેલ્લી બે પંક્તિઓ તો સૂત્રરૂપ બની ચૂકી છે.’ આ કહેતા હું કવિની સામે તો જોઈ શક્યો નહિ પણ મને લાગ્યું કે તેઓ મારી વાતને ધ્યાનથી સાંભળી રહ્યા છે. મેં વાત આગળ ચલાવી : ‘1940માં પ્રગટેલા કાવ્યસંગ્રહ ‘બારીબહાર’ ના કવિ પ્રહલાદ પારેખને આપે ‘સૌંદર્યાભિમુખ કવિ’ તરીકે બિરદાવેલા ને ?’
‘બિરદાવેલા નહિ, કહેલા’ મરક મરક હસતાં કવિએ ભારપૂર્વક ઉત્તર વાળ્યો.
‘ભલે તેમ’ – મારા કહેવામાં આવેશનું તત્વ ભળ્યું. – ‘પણ 1940થી ભૂખ્યાજનો રહ્યા જ નહિ ?
સૌંદર્યાભિમુખ કવિતાના આગમન સાથે પેલી ભૂખ્યાજનોવાળી સંવેદના કાલગ્રસ્ત બની ગઈ ?’

હવે મેં તો કંઈક વિજયીની મુદ્રા ધારણ કરી કવિની સામે જોયું. પરંતુ એમના મુખ પર તો પ્રસન્નતા જ હતી. પકડાઈ જવાનો ભય તો હતો જ નહિ. હસતાં હસતાં કહે છે – ‘હું પન સામ્યવાદી જ છું, કૉમરેડ ! સૌંદર્યાભિમુખતાની વાત તો મેં ‘બારી-બહાર’ ના કવિની લાક્ષણિકતા બતાવવા કહેલી. મારો સૂર તો આજે પણ એ જ છે – ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે’

અમે પાછા ચાલવા માંડ્યા. મહા મહિનાનો તડકો ધીરે ધીરે આકરો બની રહ્યો હતો. મેં કહેવાનું કહી જ દીધું : ‘આપનો એ સૂર વિલીન થઈ ગયો. સુન્દરમ અને આપ બંને ગુજરાતીના સક્ષમ કવિઓ. સુન્દરમ્ ‘દિવ્યતા’ માં ભળ્યા ને આપ ‘છિન્નભિન્ન’ થઈ ગયા ! ભૂખ્યો જન તો બાપડો વિસારે જ પડી ગયો !’ કહેતાં તો કહી દીધું, પણ આવેશ ઊતર્યા પછી મને ભારોભાર પસ્તાવો થયો. થયું કે આટલું બધું ને આવી રીતે મેં કહ્યું તે ઠીક ન થયું. પછી પાછું એમ પણ થયું કે મનમાં જુદું ને બોલવું જુદું એ ઈમાનદારી ન કહેવાય. પસ્તાવો શા માટે કરું ? છતાં પસ્તાવાની લાગણી તો રહી જ. એટલે તો હું બોલ્યા વગર રહી ન શક્યો – ‘મને માફ કરો. હું આવેશમાં વધુ પડતું બોલી ગયો’ આટલું બોલતામાં તો મારો સાદ ભીનો થઈ ગયો. કવિએ માથું ધુણાવીને કહ્યું : ‘નહિ રે, માફી વળી શાની ? તમે કહ્યું એમાં સત્યાંશ છે જ. અને આપણી તો માટી અને તેજ બંનેની સગાઈ છે.’

ભિલોડા બાજુ છેક ધુળેટાના પાટિયા લગી જઈને અમે પાછા વળ્યા. બામણા ગામ બાજુ વળતાંની સાથે જ તેમની ચાલ વેગીલી બની. અહીંથી એમના ઘર પાસેનો ખંભેરિયો (ડુંગર) દેખાતો હતો. ઝાંઝરીના વહેળાનો આકાર પણ જણાતો હતો. ચોગરદમ નજર પડે ત્યાં લીલોતરી ને પીળોતરી. પ્રકૃતિની આવી રમણીય ફ્રેમમાં કવિ ઉમાશંકરની છબી કેવી જચતી હતી !

બામણા ગામ તરફ ચાલતાં પાછા અમે મૌન બની ગયા. કવિની નજર તો ખંભેરિયા પર જ હતી. આખરે છૂટા પડવાની ક્ષણ આવી પહોંચી. મારો કંઠ ભરાઈ આવ્યો. હું બોલવા માગતો હતો પણ બોલી ન શક્યો. મને બોલતો કરવો જ હોય તેમ કવિ બોલ્યા : ‘આપણી આ મુલાકાત વિશે તમે “સંસ્કૃતિ” માં લખો. હું તમને આમંત્રણ આપું છું.’ જીવનમાં કેવા કેવા પલટા કેવી રીતે આવતા હોય છે ! ‘સંસ્કૃતિ’ માં મારો લેખ એ વાત જ રોમાંચક હતી ! કવિ ‘સંસ્કૃતિ’ ના તંત્રી અને ગુજરાત સંસ્કારજીવનમાં ‘સંસ્કૃતિ’ નું સ્થાન ઊંચું. હું યે લોભે લેવાયો જ. ‘સંસ્કૃતિ’ ના લેખકવર્ગમાં સમાવેશ પામવાની કલ્પનાએ મને એકદમ કવિની નજદીક લાવી દીધો. હવે જે પૂછવાનું હતું તે હું સંકોચ વગર પૂછી શક્યો – ‘એક કંઈક બાલિશ લાગે તેવી વાત પૂછું. ‘બળતાં પાણી’ કાવ્યની પેલી પંક્તિ છે ને, ‘જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા !’ એ વાંચતાંની સાથે જ મને આપણી બાજુનું એક લગ્નગીત સાંભરે છે : ‘વરને દૂબળો ઘોડો નં જવું વેગળું’ બંને પંક્તિઓમાં જ્યાં ને જેવી રીતે ‘જવું’ ક્રિયાપદ યોજાયું છે તેની ખૂબી મને કોઈ ઑર જ લાગી છે. આપે ‘બળતાં પાણી’ કાવ્ય રચ્યું ત્યારે આ લગ્નગીત મનમાં હતું ? બામણામાં પણ એ ગવાય જ છે.

અને કવિની મોંકળા ખીલી ઊઠી. જૂનાં ઝોડ જાગી ઊઠ્યાં. ઉમાશંકર જાણે અસલ ઉમાશંકર બની રહ્યા. કવિ તો ગાવા લાગ્યા –
‘વરનો કાકો તે ચાલવા ના દેય
વરનો દૂબળો ઘોડો નં જવું વેગળું.
ઉમાશંકરને તમે ગાતાં સાંભળ્યા છે ? મેં પણ આજે જ સાંભળ્યા. અમારી બાજુનો અસલ ઢાળ ને ઢાળો એમના કંઠમાં હતો. હું જિતાઈ ગયો. લોકગીત મારી ભાવતી વસ્તુ છે.

એક મોટા કવિ અને એક અદનો ભાવક બંને વચ્ચે બહુ મોટું અંતર રહે છે. કવિએ એ અંતર ખાળવા ઠીક ઠીક વાનાં કર્યાં. ગાણું ગાયું. તો પણ અંતર તો રહે જ ને રહ્યું. મારો ‘જઠરાગ્નિ’ વાળો પ્રશ્ન પણ રહ્યો જ. પણ હવે એટલી સાહજિકતા મારામાં આવી ગયેલી કે કવિની સાથે ટેસથી વાતો તો કરી શકું. પરંતુ હવે બામણાગામ નજીક આવી ગયું હતું. અહીંથી અમારા રસ્તા ફંટાતા હતા. કવિને ખંભેરિયા પાસે એમને ઘેર જવાનું હતું ને મારે કિસાનસભાની મિટિંગમાં.

છૂટા પડતી વખતે અમે એકબીજાને ‘આવજો’ કહ્યું. એટલામાં તો ઘણું ઘણું કહેવાઈ ગયું હતું. એ વળાંક પર કવિની ઘર ભણી વળેલી છત્રી મારા ચિત્તમાં છપાઈ ગઈ છે. ઘડીભર ઊભો રહીને હું કવિનાં ઘર તરફ વળેલાં પગલાં નિહાળી રહ્યો. મારું મન ગાઈ રહ્યું – ‘વરને દૂબળો ઘોડો નં જવું વેગળું….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નામમાં તે શું છે ? – પલ્લવી મિસ્ત્રી
કોણ ચઢે ? – નિલેશ રાણા Next »   

14 પ્રતિભાવો : વળાંક પર – પ્રાગજીભાઈ ભામ્ભી

 1. neetakotecha says:

  khub saras. vanchi ne romanch thato hato k koi mota vyakti ni sathe malva male e aapda jivan ni sarthkta kahevay. jindgi ni mari pan 1 ichcha che k varsha ben adalja sathe khub najdik thi mulakat thay. megbindu saheb sathe bahu var mulakat thay che etla sarad che teo k j loko emne chahera thi nathi odakhta e loko ne a kaheta pan nathi k teo koun che . lekh ma j lekhk ne aanad thay che a hu bahu sari rite samaji saku chu.

 2. neetakotecha says:

  mrugesh bhai varsha ben to khabar nahi malse k nahi pan have tame mumbai aavo to jarur thi janavso jo tamne samay hase to pls. maljo. R.G.na tantri ne malvu a pan ek lahavo hase jindgi no.

 3. Bimal says:

  સુદર…..મજા આવી …બામણા જોયું નથી પણ અરવલ્લીની ગિરિમાળાઓમાં બાળપણમાં થોડું ભમ્યો છું ખરો………….

 4. Keyur Patel says:

  ઘાયલ કી ગત ઘાયલ જાને, ઓર ન જાને કોઇ. એમ બે સમાન વિચાર ધારા ધરાવતિ વ્યક્તિઓ જ્યારે ભેગી થાય ત્યારે ત્યારની જે લાગણીઓ રચાય તે તો તે બન્ને જ જણ જાણે!!!!

 5. Jay says:

  આ લેખ વાંચિ ને ઘણુજ સારુ લાગ્યુ…. તમારો ખુબ ખુબ આભાર્……

 6. Paresh says:

  પોતે જેને ખૂબ જ વાંચ્યા હોય કે જેના વિષે ખૂબ જ વિચાર્યું હોય તેવા પ્રખ્યાત વ્યક્તિ સાથે વાત કરવા મળે કે તેમની સાથે જ તેમની કૃતિ વિષે ચર્ચા કરવા મળે શરૂઆતમાં અહોભાવ ત્યારબાદ નીકટતા અને પોતે મનમાં જેવા ધાર્યા હોય તેવા તેના કરતાં વિશેષ હોય ત્યારે જે ભાવ આવે તેનું પ્રાગજીભાઈએ આબેહૂબ વર્ણન કર્યું છે. આભાર..

 7. maurvi says:

  khub sras. jenu matra nam sambhlyu hoy tevi vyakti achanak darshan de ane tamari sathe thodo samay vitave to jeevn dhanyata no j anubhav thay.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.