કોણ ચઢે ? – નિલેશ રાણા

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન આજે રોજની જેમ માનવીઓથી ખીચોખીચ ભરેલું હતું. દરેક વ્યક્તિ ફલાઈંગ રાણીના ઈન્તેજારમાં ઊભી હતી. ગાડી આવતાં જ લોકો તેમાં કૂદવા માંડ્યા. આપણે પણ બંદા કંઈ કમ નથી. એક વાનરની અદાથી ગુલાંટ મારી એક ડબ્બામાં ઘૂસી ગયા. હજુ તો ગાડી ઊભી રહે તે પહેલાં અર્ધું સ્ટેશન ખાલી થઈ ગયું. જાણે ગાયો ચરાવતા કૃષ્ણ અને ગોપબાળોને અજગર ગળી ગયો.

અર્ધો કલાકના વિશ્રામ બાદ આ માનવ-સર્જિત યંત્ર, આ કોલાહલથી બૉર થઈ ગયું હોય તેમ સીટી મારી આગળ વધવા માંડ્યું. હાશ કરતાં આપણે ડબ્બાની અંદર નજર ફેરવવા માંડી. કહેવાતાં મિત્રો અને સગાંઓ તો સ્ટેશને રહી ગયાં હતાં તેથી નવા મિત્રોની જરૂર હતી. બાજુમાં એક ભાઈ છાપું વાંચતાં બેઠા હતાં. એકદમ શાંત અને આજુબાજુની પરવા કર્યા વગર બસ માથું નાખી પડ્યા હતા.
મેં તેમને પૂછ્યું : ‘ક્યાં જવું છે તમારે ?’
‘જ્યાં આ ગાડી જાય છે ત્યાં !’
‘ત્યારે સુરત જાવ છો એમ ને ?’
‘હવે સમજ્યા, તમે ક્યાં પધારશો ?’
‘તમે જાવ છો ત્યાં !’
તેમણે ફરી પાછું છાપામાં માથું નાખી દીધું. અચાનક મારી નજર તે પત્રમાંના પાછલા પાના પર પડી. સમાચાર વાંચતાં હું ચમક્યો. એક સ્ત્રી ધાડપાડુની પોલીસે કરેલી ધરપકડ.

‘શું આજકાલની સ્ત્રીઓ છે. જ્યાં ત્યાં પુરુષોની સમોવડિયણ થવા જાય છે. બધે જ આગળ વધે છે…. રાજકારણમાં….લૂંટકારણમાં !’
‘કેમ આજે આમ બોલો છો ?’
મેં તેમની નજર તે સમાચાર તરફ દોરી.
‘હા, આપની વાત બરાબર છે. મને પણ એક ઘણો જ કડવો અનુભવ થયો છે. તેમનાથી ચેતતા રહેવું.’
‘કેમ એવું તે શું બન્યું ? જરા મને પણ કહેશો ?’
‘આ તો ભાઈ એક વાર હું પણ સ્ત્રીના ચક્કરમાં ફસાઈ ગયો હતો’ કહેતાં તેમણે વાત શરૂ કરી :

એક રવિવારની રંગીલી સવાર હતી. આછીપાતળી ઠંડીમાં ગરમીનો અનુભવ કરતો હું મેટ્રો સિનેમા બસસ્ટૅન્ડ પર ઊભો હતો. એક પછી એક બસ આવતી ગઈ. અને હું એકલો જ સ્ટૅન્ડ પર રહી ગયો. તમને થશે હું શા માટે ખુશ હતો ? તે જ સવારે દલાલીના અઢીસો રૂપિયા મારા ખિસ્સામાં પડ્યા હતા. મનમાં થતું હતું આનું શું કરીશ ? ઘરમાં રેડિયો લેવો…. કે પછી નીમુને ઘરેણાં આપવા કે બાબાને સાઈકલ આપવી ?

અચાનક જાણે કે સામે લગાવેલા પોસ્ટરમાંથી નીકળીને આવતી હોય એમ એક યુવતી ઝડપથી રસ્તો ક્રોસ કરી મારી બાજુમાં આવી ઊભી રહી. સાથે સાથે અમારી બન્નેની નજરો ક્રોસ કરી ગઈ. હું બસને જોતો હતો, તે મને જોતી હતી. આંખને ખૂણેથી મેં તેને જોઈ લીધી. પહેરવાઓઢવાની રીત જોઈ કોઈ અલ્ટ્રા-મૉર્ડન યુવતી જણાતી હતી, શું તેનું રૂપ હતું ! પછી તો મનમાં થયું બસ દસ-પંદર મિનિટ મોડી આવે તો સારું ! તે મારી સામે જોઈ હસી. હું પણ બાઘાની માફક હસ્યો, પણ આગળ વિચારવાની મારી બુદ્ધિ ઓસરી ગઈ હતી. તે બાજુમાં સરકી. હવે તો લગભગ મને અડકીને જ ઊભી હતી. મારી તો ધડકન વધી ગઈ. તેણે પર્સ ખોલી અને રૂમાલ બે નાજુક આંગળીઓ વડે કાઢ્યો. વાતાવરણમાં સેન્ટની માદક ખુશબૂ પ્રસરી ગઈ. મને થયું કે ભાન ગુમાવી તેના ખોળામાં પડી જઈશ. કંઈક બોલવાનું મન થયું. પણ દિલ કહેતું હતું, ખામોશ બની જોયા કર. મને તો ઠંડીમાં પરસેવો વળી ગયો. જીભ સુકાઈ જતી હતી.
‘આ બસ જુઓને ઠેકાણા વગર દોડે છે. ટાઈમ સચવાતો જ નથી ને !’
તે બોલી : ‘હા ! તમારી વાત ખરી છે. પણ લોકશાહીમાં તેમને ક્યાં કોઈની પડી છે.’ તે વળી મારી સામે હસી. મેં આજુબાજુ જોઈ લીધું કે ચંદ્ર પર તો નથી પહોંચી ગયો ને ?

ત્યાં જ સામેથી દેવીનાં દર્શન થયાં. બસ આવી. કંડકટરે કહ્યું કે સિર્ફ એક આદમી. આપણે બંદા તો લેડીઝ ફર્સ્ટ કહી તેને જવાની જગ્યા આપી. ‘થેંક યૂ’ કહેતાં મને અથડાતાં બસમાં ચડી ગઈ. મારા શરીરમાં ઝણઝણાટી થવા માંડી. બસના ઊપડતાં જ મારો હાથ મારા ખિસ્સા પર પડ્યો. જોયું તો પાકીટ ગાયબ ! એક ક્ષણનો વિચાર કર્યા વગર હું પણ તે બસમાં દોડતો દોડતો ચઢી બેઠો. કંડકટર ટિકિટ આપતો હતો. અને પેલી સામે જોઈ ઊભી હતી. તેથી કોઈની નજર મારી તરફ ન ગઈ. હવે તો મારે પાકીટ કેમ મેળવવું તેનો વિચાર કરવાનો હતો. મનમાં થયું ક્યાંક ફસાઈ ન ગયો તો સારું.

આગલું સ્ટૅન્ડ આવતાં પાછળ તેણે જોયું. પાંચ-છ વ્યક્તિઓ નીચે ઊતરી. બેસવાની જગ્યાં થતાં, લાગ જોઈને હું પણ તેની બાજુમાં ગોઠવાઈ ગયો. તે મુખ પર સ્વસ્થ ભાવો ધારણ કરી બેસી રહી હતી. મેં એક યુક્તિ વિચારી રાખી. કંડકટર ‘ટિકિટ’ કરતો બાજુમાં આવ્યો. તેણીએ પાકીટ ખોલી દસ રૂપિયા આપી ટિકિટ લીધી. કંડકટરે મારી સામે જોયું. આગળ ગોઠવેલા પ્લાન મુજબ મેં તેણી તરફ આંગળી કરી અને કહ્યું : ‘ઉસકે પાસ પૈસા લે લો.’
‘એ મિસ્ટર મોં સંભાળીને વાત કરો’ તેણી બોલી.
કંડકટર આશ્ચર્યથી અમારી સામે જોવા લાગ્યો. લોકોની નજર પણ અમારી તરફ ખેંચાઈ.
હું બોલ્યો : ‘ડહાપણ કર્યા વગર ટિકિટ લઈ લે. ઝઘડો ઘરે કરજે.’
‘કેમ હું તમારી શી સગી થાઉં છું ?’
કંડકટર બોલ્યો : ‘મિસ્ટર બંડલબાજી બંધ કરા, ટિકિટ લેના નહીં ઔર, ઓરત કો સતાતા હૈ.’

ત્યાં જ મેં ધડાકો કર્યો : ‘દેખો યે મેરી બીબી હૈ, વો તુમકો પૈસા દેંગી.’
તે યુવતી લાલપીળી થઈ ગઈ : ‘મિસ્ટર ગળે પડતાં શરમ નથી આવતી ?’ આ સાંભળતાં બેચાર પરગજુ માણસો ઊભા થયા.
યુવતી બોલી : ‘યે મેરા કોઈ નહીં હૈ, તુમકો બનાતા હૈ !’
એક સરદારે મને કૉલરમાંથી ઊંચો કર્યો : ‘ક્યોં બે લડકી કો અકેલી દેખ સતાતા હૈ ?’
હવામાં લટકી રહેલા મેં કૉલર છોડાવ્યો, ‘સરદાર યે મેરી બીબી હૈ, તુમકો જૂઠ લગતા હૈ તો ઉસકી પાકીટ મેં દેખો મેરા પાકીટ ઔર ફોટો હૈ.’
ફોટાની વાત આવતાં તે યુવતી ઢીલી પડી ગઈ. બસમાં હો હો થઈ ગઈ. સરદારે મને ફરી ઊંચો કર્યો. મને ઉંદરની જેમ લટકતો જોઈ સામે બેઠેલી દારાસિંહ જેવી બાઈ હસી પડી. મને થયું ટાયરમાંથી હવા નીકળી ગઈ.
‘અરે મૈં જૂઠ નહીં કહેતા, ઉસકી પર્સ તપાસ કર કે દેખો.’
કંડકટર બોલ્યો : ‘તુમકો પોલીસ મેં દેના હોગા !’
મેં એક બાનુને તેની પર્સ જોવા વિનંતી કરી. પણ કોણ જાણે તે યુવતીએ પર્સ ખોલી પૈસા આપી દીધા. સરદારે મને નીચે મૂક્યો, મેં જોરથી શ્વાસ લીધો. ડોકી આમતેમ ફેરવી. આમ વગર લેવેદેવે પતિ બની તેની બાજુમાં બેઠો.
સરદારજી બોલ્ય : ‘ગુડ્ડી રૂઠ કર નિકલી હૈ.’
મેં કહ્યું : ‘યે તો ઘર ઘરમેં ઐસા હી હોતા હૈ’
ધીમેથી તેની બાજુમાં બેસી તેના કાનમાં બોલ્યો : ‘દેવીજી, હવે તો મારું પાકીટ પાછું આપો.’ ત્યાં જ એક સ્ટૅન્ડ આવતાં તે યુવતી નીચે ઊતરી. હું તેની પાછળ ઊતર્યો. એક કાકા બોલ્યા : ‘ઐસે મિયાં-બીબીકો તો પિકચર મેં લેના ચાહિએ ક્યાં જોડી બનાઈ હૈ. એક ભાગે પુરબ મેં તો એક પશ્ચિમ મેં.’

નીચે ઊતરતાં તેણીએ ટૅક્સી ઊભી રખાવી અને હસતાં હસતાં મારું પાકીટ પાછું આપ્યું. અને ટૅક્સી ચાલુ થતાં ‘ગુડબાય’ શબ્દો સંભળાયા. મારા વિજયની ખુમારીમાં મેં પણ હાથ ઊંચો કર્યો પણ વળતી જ પળે મેં પાકીટ ખોલ્યું. જોયું તો મારા અઢીસો રૂપિયા ગાયબ. હું તો ત્યાં જ માથે હાથ મૂકી બેસી ગયો. આવી છે સ્ત્રીઓ, ત્યારથી કોઈ સ્ત્રી બાજુમાં આવે છે તો પાંચ હાથ દૂર ઊભો રહું છું.” એમણે એમની વાત પૂરી કરી.

એ જ વખતે વલસાડ સ્ટેશન આવ્યું. મેં તેમને કહ્યું : ‘ચાલો, ચા પી નાખીએ.’ બંને જણા નીચે ઊતર્યા. ચાનો ઑર્ડર આપ્યો. ચા પી આમતેમ ફર્યા. ગાડીની સીટી વાગતાં અમે બંને ડબ્બા તરફ દોડ્યા. હું તેમના કરતાં પ્રથમ અંદર ચડ્યો. પાછળ ફરીને જોયું તો તેઓ ગાયબ. થયું બીજા ડબ્બામાં ચડ્યા હશે. એક બાજુનું ખિસ્સું હલકું લાગતાં મેં અંદર હાથ નાંખ્યો. ‘બાપ રે’ શબ્દો મારા મુખમાંથી નીકળી પડ્યા. પાંચસો રૂપિયા ધરાવતું મારું પાકીટ ઊપડી ગયું હતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વળાંક પર – પ્રાગજીભાઈ ભામ્ભી
નો કૉમેન્ટ્સ ! – ધીરુબહેન પટેલ Next »   

24 પ્રતિભાવો : કોણ ચઢે ? – નિલેશ રાણા

 1. hitakshi pandya says:

  હા હા હા..ઃ)

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Su chor bija svarupe na ave……??????

  🙂

 3. neeta says:

  chor ne ghar chor parono

 4. કેયુર says:

  સરસ રમુજી વાર્તા. ટ્રેન માં મુસાફરી કરતી વખતે આવા સાચા કીસ્સા પણ જાણવા મળે છે.

 5. Keyur Patel says:

  ધ્યાન રાખો ભાઈ…….. સ્ત્રીના ચક્કરમા પુરુષથી ફસાયા……

 6. Jay says:

  આ તો ચોર ને માથે મોર જેવુ થયુ ભઈ…….

 7. vivek desai, dubai says:

  very funny lekh. ghanu hasvu avyu.

 8. Maitri Jhaveri says:

  હા હા હા મજા અવિ ગઈ.. ઃ)

 9. Anad vihol says:

  ખુબ સરસ

 10. Ketki says:

  hahaa its a 21st century (Women era).

 11. lorense says:

  ભાય યાર બોવ થયુ મગજ ફર્યુ હવે લખ્વા નુ બન્દ કરો

 12. lorense says:

  try and buy if there is available ” quality”.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.