નો કૉમેન્ટ્સ ! – ધીરુબહેન પટેલ

‘એમ રસ્તે ચાલતાં કોઈ સોનાની બંગડીઓ કાઢીને આપી દેતું હશે ? હું નથી માનતો.’ કુણાલ ગુસ્સે થઈને બોલ્યો.
‘ધીમે બોલ ધીમે ! એને અંદર સંભળાશે.’ ગીતાબહેને હળવા અવાજે કહ્યું.
‘સંભળાશે તો સારું થશે. હું એનાથી ડરતો નથી.’

કુણાલ હજી કંઈ બોલે તે પહેલાં શ્વેતા અંદરથી વાવાઝોડાની જેમ ધસી આવી.
‘તમે કહેવા શું માગો છો ?’
શ્વેતા સુંદર હતી માટે તો કુણાલ એને પરણ્યો હતો. અત્યારે ગુસ્સાનો માર્યો એનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો, આંખો પહોળી થઈ ગઈ હતી. અને હોઠ ધ્રૂજતા હતા. પણ તેથી કંઈ એ ઓછી સુંદર નહોતી લાગતી. એની સામે જોઈને કઠોર શબ્દો કહેવા જરા અઘરા લાગે.
તોયે કુણાલ બબડ્યો તો ખરો જ. ‘આટલી ભણેલીગણેલી થઈને તું એમ રસ્તે ચાલતા માણસને હાથેથી બંગડીઓ કાઢીને આપી દે એવું કોણ માને ? શી રીતે માને ?’
‘ન માનવું હોય તો ન માનતા. હું તો જે થયું તે કહું છું.’
‘ચાર તોલાની તો હશે, નહીં બા ?’
‘સાડા છ તોલાની.’ ગીતાબહેને એવા જ શાંત અવાજે ઉમેર્યું, ‘ભાઈ, હવે એ બધી ખણખોદ શા કામની ? નસીબમાંથી ઊઠ્યું તે ગયું. હવે નકામું લોહી બાળ્યાથી શો ફાયદો ?’

‘પચ્ચીસત્રીસ હજારની ઊઠી અને તમે લોકો જાણે કંઈ કશું થયું જ નથી એમ બેસી રહો તે કેમ ચાલે ?’
‘તો શું કરીએ ?’ શ્વેતાએ પૂછ્યું.
‘કેમ વળી, પોલીસ સ્ટેશને ફરિયાદ તો નોંધાવીએ કે નહીં ?’
‘મારે પોલીસ સ્ટેશન નથી આવવું.’
‘એ કેમ ચાલે ? બંગડીઓ તારી ગઈ છે, એ માણસને તેં જોયો છે. તારે તો આવવું જ પડે.’
શ્વેતા કુણાલ સામે જોઈ રહી અને પછી મૂંઝાઈને રડી પડી – ‘મને તો એનું મોઢું જરા પણ યાદ નથી. પોલીસ પૂછે તો હું શું કહું ?’
ગીતાબહેન દિવેટ કરવાનું રૂ આઘું ઠેલીને ઊઠ્યાં અને શ્વેતાને પંપાળવા લાગ્યાં. એમને એવું કરતાં જોઈને કુણાલ વધારે ચિડાયો. ‘હા, હા. હજી વધારે લાડ લડાવો. ભૂંડો તો હું એક જ છું ને આ ઘરમાં ! મારે શું ? જાઓ, આજથી એકે અક્ષર બોલું આ વાતમાં તો કહેજો.’
‘અરે, એમ ગુસ્સે શું થઈ જાઓ છો ?’
‘મૂર્ખો છું, ગધેડો છું એટલે ગુસ્સે થાઉં છું. બાકી ખરું જોતાં તો મારે આ બંગડીઓ ગઈ એના માનમાં પેંડા વહેંચવા જોઈએ ને દારૂખાનું ફોડવું જોઈએ, નહીં ? – જવા દે, એ બધું મારાથી બનવાનું નથી એટલે આજથી આ બાબતમાં મેરી ભી ચૂપ ઔર તેરી ભી ચૂપ !’ કહીને કુણાલ બારણું અફાળીને ઘરની બહાર જતો રહ્યો.

દીકરાએ પ્રેમલગ્ન કરીને આણેલી વહુ સાથે ગીતાબહેન બહુ સાચવીને વરતતાં. કોને ખબર ક્યાં કોને વાંકું પડી જાય તે કંઈ કહેવાય નહીં એટલે એ દીકરો ને વહુ બન્નેની સાથે ખપ પૂરતી જ વાત કરતાં પણ અત્યારે શ્વેતાની દશા જોઈને એમનાથી ન રહેવાયું.
‘એનો સ્વભાવ હું જાણું છું ને ! પોલીસમાં ફરિયાદ નોંધાવશે ત્યારે જ જંપશે. તું તારે શાંતિથી યાદ કર. જેટલું યાદ આવે એટલું કહેવાનું. અને આપણે કંઈ ચોર છીએ તે પોલીસથી ડરીએ ? તારું મન થાય ત્યારે કહેજે. કુણાલને સાથે ન લઈ જવો હોય તો હું તારી સાથે આવીશ, બસ ?’
‘પણ બા ! મને ખરેખર કંઈ યાદ જ નથી આવતું. એણે ભૂરું શર્ટ પહેર્યું હતું અને એના હાથમાં સરનામાની ચિઠ્ઠી હતી.’
‘હં….’
‘એણે મને ચિઠ્ઠી આપીને પૂછ્યું કે આ મકાન ક્યાં છે ?’
‘પછી ?’
‘હું ચિઠ્ઠી વાંચતી હતી… પછી એણે કહ્યું કે સોનાની બંગડી પહેરીને ફરવાનો જમાનો નથી. કાઢી નાખો.’
‘પછી ?’
‘પછી મેં બંગડીઓ કાઢી નાખી અને… ખબર નહીં, મેં મારા પાકીટમાં મૂકી કે એના હાથમાં મૂકી. મને કંઈ યાદ જ નથી.’
‘પણ તું ઘરે આવી ત્યારે તો તેં જોયું હતું ને, તારા પાકીટમાં તો કશું નહોતું !’
‘બા, મોદીનું બિલ ચૂકવવા પાકીટમાં દોઢ હજાર રૂપિયા મૂકેલા તે પણ નથી. એટલે બંગડી મૂકવા પાકીટ તો મેં ખોલ્યું જ હશે.’
‘રૂપિયા ગયા તે કુણાલને ખબર છે ?’
‘ના.’
‘જરા ટાઢો પડે ત્યારે કહેજે – પણ શ્વેતા, આ તો જબરું કૌતુક થયું.’
‘ને ઉપરથી કુણાલ ચિડાય !’ કહીને શ્વેતા ફરીવાર રડી પડી.

વહુને કેમ સાંત્વન આપવું તે ગીતાબહેનને સમજાયું નહીં. એમની પાસે પોતાની આગવી બચતના સાતસો આઠસો રૂપિયા હતા પણ તે બધા આપી દીધાથીયે શ્વેતાનું સંકટ ટળવાનું નહોતું એટલે એમણે થોડી વાર પછી કહ્યું : ‘મોદી તો રાહ જોશે. આ મહિને નહીં ને આવતા મહિને અપાશે. જીવ ના બાળીશ. અને બંગડીઓ તો બગસરાની સોના જેવી જ આવે છે, તું કહેતી હોય તો બાજુવાળાં પ્રેમીલાબેન પાસે મંગાવીએ.’
‘ના, મારે તો હવેથી બંગડીઓ પહેરવી જ નથી ને !’
‘એવું ના બોલાય. કાચની ને કચકડાની કેવી સરસ આવે છે ! ચળકતી ના લેવી હોય તો રંગીન તને ગમે એવી લઈ આવજે. હાથ કંઈ ખાલી રખાય ?’
‘કેમ ન રખાય ?’
‘શી ખબર ? આંખોને ટેવ પડી એટલે સારા ના લાગે.’
‘છો ના લાગે. હું નથી પહેરવાની.’
‘તારી મરજી.’

ગીતાબહેને વાતનો તંત ન વધાર્યો. કંઈ ફાયદો તો હતો નહીં, જેટલી ચર્ચા વધે એટલો વળ મજબૂત થાય. એ તો ફરી પાછાં દિવેટ કરવા બેસી ગયાં, પણ શ્વેતાના મનનો ખળભળાટ શમ્યો નહીં. એક બાજુથી વિચાર આવતો હતો, ‘કુણાલ કંઈ ખોટું નહોતો કહેતો, પોતે આટલી ભણેલી હોવા છતાં પેલાના કહેવાથી બંગડીઓ કાઢી આપી એ કંઈ કોઈના માન્યામાં આવે ?’ જ્યારે બીજી બાજુથી પેલા ભૂરા શર્ટવાળા માણસની ચમકદાર આંખો અને ઘેરો અવાજ યાદ આવતાં હતાં…. બંગડીઓ કાઢી નાખો… કાઢી નાખો…’
પોતે પરણેલી છે, આ ઘરની વહુ છે તે બધું ભૂલી જઈને એ ગીતાબહેન પાસે જઈને કોમળ કંઠે કહેવા લાગી, ‘હેં બા, મને શું થયું હશે ? મેં શાથી બંગડીઓ કાઢી આપી હશે ?’
‘શી ખબર, શ્વેતા ! હશે, હવે એ બધું ભૂલી જા.’
‘પણ કુણાલ….’
‘મારું માને તો કાળજું કઠણ કરીને એકવાર ફરિયાદ નોંધાવી આવ. પછી કુણાલ કંઈ નહીં બોલે.’
‘ને ના જાઉં તો ?’
‘તો… તોય શું ? થોડા દહાડા કજિયા કરીને પછી બધું ભૂલી જશે.’

પણ માની વાત સાચી ન પડી. કુણાલ એ પ્રસંગ ભૂલી ન શક્યો. જ્યારે જ્યારે શ્વેતા કંઈ વાત કરવા જતી ત્યારે એ વકીલની અદાથી બે હાથ ઊંચા કરીને ‘નો કોમેન્ટ્સ !’ કહી મૂંગો રહી જતો. ઘણી કોશિશ કરવા છતાં શ્વેતા એના મૌનની દીવાલ તોડી ન શકી. એની પેલી પાર શું ચાલી રહ્યું છે તે જોઈ ન શકી. બાકીનો વ્યવહાર યથાવત્ રહેવા છતાં શ્વેતાના મનમાં આ બાબત ખૂંચ્યા કરતી હતી. કુણાલ કંઈ બોલે જ નહીં અને પોતાને બોલવા દે જ નહીં તેથી એને અમૂંઝણ થયા કરતી હતી…. ઘણી વાર તે બાળકની જેમ ચિડાઈ જતી. ‘બંગડી ગઈ તો મારી ગઈ, તેમાં તમારે શું ?’
કુણાલ સીટી વગાડતો અથવા આંગળીઓથી તબલાં ઠોકતો કે છત સામે નજર માંડતો. એની આ બધી અદાઓથી તંગ આવીને શ્વેતાએ એક દિવસ કહ્યું : ‘હું મારે પિયરથી એવી ને એવી જ બંગડીઓ કરાવી લાવીશ.’
કુણાલ કટાક્ષયુક્ત હસ્યો. શ્વેતા ઓર ચિડાઈ : ‘મોંએથી કહી નાખો ને જે કહેવું હોય તે !’
‘કહેવાનું તો શું ? પિયરમાં બધું બરાબર હોત તો –’
‘તો ?’
‘બંગડીઓ ગઈ જ ના હોત !’
આખરે ઝેરી બાણ છૂટી જ ગયું. શ્વેતા પોતાના કાનને સાચા ન માનતાં કુણાલ સામે જોઈ રહી. ખરેખર શું એ જ આ શબ્દો બોલ્યો હતો ? આ જ માણસને હાથ પકડીને એણે પોતાનું ઘર છોડ્યું હતું ?’
‘કુણાલ !’
‘હં !’ આખરે એ પણ પોતાના બોલથી શરમાઈને નીચું જોઈ ગયો.
શ્વેતાએ પૂછ્યું : ‘શું કહે છે ?’
‘કંઈ નહીં, નો કૉમેન્ટ્સ !’
‘મારી પણ નો કોમેન્ટ્સ !’ કહી શ્વેતાએ હાથ ઊંચા કર્યા.

કુણાલને જરાયે ગમ્યું નહીં પણ શું થાય ? પહેલ તો પોતે જ કરી હતી. ત્યાર પછી સિનેમા, હોટલ, નકામી ચીજોની ખરીદી વગેરેનું ચક્કર શરૂ થયું. શ્વેતાએ ક્યારેય સાથે જવાની ના પાડી નહીં પણ કુણાલ સમજતો હતો – એ રીઝી નથી. ગીતાબહેનને ઘણી વાર બોલવાનું મન થતું પણ એ શું બોલે ? બે ભણેલાંગણેલાં માણસોના મનમાં પડી ગયેલી ઝીણી ગાંઠ – તે કોઈને દેખાય પણ નહીં, એને ઉકેલવાનું કોનું ગજું ? અને આમ જુઓ તો બધો વ્યવહાર બરાબર હતો, માત્ર એક સ્થળે ‘પ્રવેશ નિષેધ’નું પાટિયું લાગી ગયું હતું. અને ત્યાં પગ મૂક્યા વિના, પરસ્પર ખુલાસા સાંભળ્યા વિના, વિશ્વાસ મૂકીને વાત માની લીધા વિના, માફી આપ્યા વિના બેમાંથી કોઈ નિરાંતે શ્વાસ લઈ શકવાનું નહોતું. બન્ને જણ એ વાત જાણતાં હતાં પણ ઊંચા હાથ કર્યાની એ ક્ષણ દુર્ભેદ દીવાલ બનીને બન્નેની વચમાં અડીખમ ઊભી હતી અને જેટલી જૂની થતી જતી હતી તેટલી જ વધારે નક્કર અને ભીષણ બનતી જતી હતી.

શ્વેતાના સુડોળ હાથ પર સોનાનું ઘડિયાળ શોભતું હતું તેના કરતાં વધારે તો બીજા ખાલી હાથ પર રુઆબ છાંટતું હતું. ગીતાબહેને એક-બે વાર સૌભાગ્યવતી સ્ત્રીઓએ બંગડી પહેરવાની અનિવાર્યતા વિશે બીતાં બીતાં વાત છેડી જોઈ પણ પરિણામ કંઈ આવ્યું નહીં. કુણાલને મન થયું કે નવી બંગડીઓ લઈ આવે પણ એના અસ્વીકારથી જે તંગદિલી ઊંડી દાટી દીધી હતી તે પાછી બમણા જોરથી ઊછળે એવો એને ડર હતો. એટલે પછી એક હાથ અડવો અને બીજા હાથે સોનાનું ભપકાદાર ઘડિયાળ એ જ શ્વેતાનો કાયમી પરિચય થઈ ગયો અને બધાએ ધીમે ધીમે સ્વીકારી લીધો. પરંતુ હૃદયમાં એક શૂળ ઊંડી ઊંડી ખૂંપી ગઈ હતી – શ્વેતા ક્યારેક વિચારતી, આ માણસ સાથેનું લગ્નજીવન નિભાવ્યે રાખવું તેના કરતાં સ્વતંત્ર થઈને એ જ બદનામ પિયરમાં પાછું ફરવું શું ખોટું ? પણ એ જાણતી હતી, ત્યાં આખી જિંદગી ગુજારવી મુશ્કેલ થઈ પડે. વળી એક બીજી કમજોરી પણ હતી – કુણાલે બરાબર ખાધું કે નહીં, બરાબર ઊંઘ્યો કે નહીં, એની તબિયત તો બરાબર છે ને, એ બધું જાણ્યા વિના જીવને ચેન પડતું નહોતું.

કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હિસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભિમાનના ખડક નીચેથી પણ એનાં તૃણાંકુરો અવારનવાર દેખા દે છે. શ્વેતાને એની ખબર છે. એટલે પછી આખા ઓરડાનો કચરો ગાલીચાના એક ખૂણા હેઠળ સંતાડી દઈને બધું ઠીકઠાક દેખાડવામાં આવે છે તેમ બેય જણ બધું બરાબર છે એવું દુનિયાને અને પોતાની જાતને દેખાડી રહ્યાં છે. પેલી બાબત જાણે બની જ નથી, કોઈએ કોઈને કંઈ કડવા શબ્દો કહ્યા જ નથી એવી રમત ચાલ્યા કરે છે. પરંતુ બન્ને જાણે તો છે – બંગડી વગરના હાથ સામે આંખ મીંચી દેવામાં પણ એક પ્રયત્ન કરવો પડે છે, જેમ કુણાલને, તેમ શ્વેતાને.

ચારેક વર્ષ પછી કુણાલને એક મોટું પ્રમોશન મળ્યું. ‘પાર્ટી ! પાર્ટી !’ ચારે કોરથી નાદ ઊઠ્યો. ઑફિસમાં સાથે કામ કરતા લોકોને તો ઘેર પણ બોલાવી શકાત પરંતુ જ્યારે મોટા સાહેબે હસીને અભિનંદન આપતાં પૂછ્યું, ‘ક્યારે આમંત્રણ આપો છો ?’ ત્યારે કુણાલને ખાતરી થઈ ગઈ કે હવે હોટલમાં સારી એવી પાર્ટી ગોઠવ્યા સિવાય છૂટકો નથી. એવી બધી બાબતમાં શ્વેતાની સમજ સારી હતી. બજેટ પ્રમાણે બધું ગોઠવવું છતાં લોકોને મોંએ વાહ વાહ કહેવડાવવી એ દુષ્કર કલામાં તે પ્રવીણ હતી. ઘણા વખતે કંઈક ઊજવવાની તક મળી તેથી ઉત્સાહમાં આવીને તેણે બહુ સરસ ગોઠવણ કરી. પોતાને માટે નવી સાડી અને કુણાલનાં નવાં કપડાંની સાથેસાથે ગીતાબહેનને માટે પણ તે સરસ કાશમીરી શાલ લઈ આવી. જો કે એ તો હોટલમાં ન જ આવ્યાં પણ શ્વેતા તૈયાર થઈને નીકળતી હતી ત્યારે જરા ઉદાસ થઈને બોલ્યાં : ‘આજનો દિવસ બંગડી પહેરી હોત તો ?’
‘તો શું થાત, બા ?’
નિસાસો નાખીને ગીતાબહેન બોલ્યાં : ‘કશું નહીં’
‘હવેથી તમે એ યાદ જ ના કરાવશો.’
‘વારુ’

વાનગીઓ સંખ્યામાં ઓછી પણ સ્વાદિષ્ટ અને એકદમ નવી હતી. પ્રકાશ, સંગીત, બેસવાની ગોઠવણ બધું મનને આરામ આપે એવું હતું. મહેમાનો ખુશ થઈ ગયા. કુણાલ પણ શ્વેતા સામે આભારની નજરે જોતો એ બે જણ જ સમજે એવી રીતે ખુશી વ્યકત કરવા લાગ્યો. ઓચિંતા સાહેબ બોલ્યા : ‘આજે એક કમાલની વાત થઈ ! બપોરે રસ્તામાં ગાડી એકાએક અટકી ગઈ. બહુ માથાકૂટ કર્યા છતાં કંઈ ઠેકાણું પડ્યું નહીં એટલે હું બાજુના પેટ્રોલપંપ પરથી કોઈ મિકેનિકને પકડી લાવવા જતો હતો….’
‘આજકાલની ગાડીઓ જ બેકાર હોય છે.’
‘સાહેબ, આજે ડ્રાયવર નહોતો ?’
‘અરે, તમારે જાતે જવું પડ્યું ? સો સૅડ !’
આવાં બધાં વ્યર્થ વિનયવચનોને અવગણીને સાહેબે વાત ચાલુ રાખી, ‘અરે, સાંભળો તો ખરા ! ધ સ્ટ્રેન્જેસ્ટ થિન્ગ હૅપન્ડ ! એક માણસે મને ટાઈમ પૂછ્યો. હું ઘડિયાળ સામે નજર માંડું એટલામાં એણે મને પોતાની પાસેનો કોઈના સરનામાનો કાગળ બતાવ્યો અને એ મકાન ક્યાં આવ્યું તે પૂછ્યું : ‘મેં એને જવાબ આપ્યો કે નહીં તે પણ મને યાદ નથી, પણ હું પેટ્રોલ પંપ પર પહોંચ્યો ત્યારે મારે હાથે ઘડિયાળ નહોતું.’
‘એ ગઠિયાએ કાઢી લીધું હશે.’
‘પણ મારા કોટના અંદરના ગજવામાં મારું પાકીટ પણ નહોતું.’
‘અરે !’
‘મને લાગે છે કે મેં જ એને કાઢીને આપ્યું હશે. એનો અવાજ મને હજુ સંભળાય છે… આપી દો ! ઘડિયાળ આપી દો ! પાકીટ આપી દો !’
‘સાહેબ, તમે પોલીસમાં ફરિયાદ ન કરી ?’
‘કેવી રીતે કરું ? મને એનું મોઢું પણ યાદ નથી. કોઈક ઘેરા રંગનું શર્ટ પહેરેલું, પણ લીલું કે ભૂરું તે પણ યાદ નથી. મને લાગે છે કે એણે મને હીપ્નોટાઈઝ કર્યો હશે !’
‘ઈમ્પોસીબલ !’
‘સાહેબ, તમારા જેવું ભેજું તો આખી મુંબઈમાં કોઈનું નથી.’
‘તમને કોઈ હીપ્નોટાઈઝ કરી જ ન શકે !’
‘આવા એફીશ્યન્ટ એકઝીક્યુટીવને…’

મધપૂડામાંથી માખીઓ ઊડી હોય એમ શબ્દો ચોમેર ગુંજવા લાગ્યા. કુણાલ અને શ્વેતાની નજર મળી અને ક્ષણભર સ્થિર થઈ. સાહેબ તો વાત કર્યા જ કરતા હતા : ‘આવું થાય જ કેવી રીતે ? પણ થયું. સો એ સો ટકા થયું. એ તો સારું થયું કે પાકીટમાં મારું કાર્ડ કે કોઈ ઈમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટસ નહોતાં – જસ્ટ સમ લૂઝ કૅશ ! પણ ઘડિયાળ મારા જમાઈએ ગયે મહિને જ અમેરિકાથી મોકલેલું. ઈત વૉઝ અ બ્યૂટી ! એવું ઘડિયાળ અહીં તો મળી રહ્યું !’ તરત જ બધા એકસાથે બોલવા માંડ્યા. સાહેબને જો નામ યાદ હોય તો ચોવીસ કલાકમાં એવું જ ઘડિયાળ ખરીદી લાવવાની તૈયારી કોઈએ બતાવી, તો કોઈએ મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ ગયાં છે એવું રાજદ્વારી રંગનું ભાષણ ઠોક્યું, તો કોઈ સંમોહન વિદ્યા એ તૂત છે કે સાચેસાચું શાસ્ત્ર, એના પર ઊતરી પડ્યું. ચારે બાજુથી સહાનુભૂતિનાં મોજાં ઊમટ્યાં – એવા જોરમાં ને એવી સંખ્યામાં કે આખરે સાહેબે થાકીને કહ્યું : ‘ચાલો, લેટસ ફરગેટ ઈટ ! આફટર ઑલ, ઈટ વોઝ જસ્ટ અ વૉચ ! આ તો મેં તમને બધાને એટલા માટે કહ્યું કે આવું પણ થાય છે – ધ્યાન રાખજો !’

પાર્ટી તો આગળ ચાલી ને યથા સમયે પૂરી પણ થઈ પરંતુ કુણાલનો અપરાધીભાવ એકધારો વધતો જ રહ્યો. શબ્દો કંઈ જડે એવા હતા નહીં એટલે આખરે એણે કારના એકાંતમાં શ્વેતાનો હાથ લઈને દાબ્યો અને કહ્યું : ‘આઈ એમ સો સૉરી !’
શ્વેતા કંઈ બોલી નહીં, બારી બહાર જોઈ રહી.
કુણાલે કહ્યું : ‘પ્લીઝ ફરગીવ મી…’
‘એવી કંઈ વાત નથી…’
‘તો પછી હસ ને ! જરા મારી સામે તો જો !’
કુણાલની બરાબર સામે નજર માંડીને શ્વેતાએ કહ્યું, ‘બીજું તો કંઈ નહીં કુણાલ… મને એ વિચાર આવે છે, કે બીજા માણસના અનુભવથી જ તમને ખાતરી થઈ કે હું સાચું કહેતી હતી ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોણ ચઢે ? – નિલેશ રાણા
પહેલો વરસાદ – બિજલ ભટ્ટ Next »   

34 પ્રતિભાવો : નો કૉમેન્ટ્સ ! – ધીરુબહેન પટેલ

 1. Mira says:

  Sav sachi vat kidhi Dhirubahen,

  Aaj kal to badha no ek bija pratye no visvas j ghatva mandyo che. Tame j situation story ma lakhi te aajkal to ghana ghar ma common che k bija ni vat sambhli ne j husband teni wife uper visvas karta hoy che.

  Good story

 2. Manisha says:

  Just Trust !! No Comments !!! Thanks !!!

 3. JITENDRA TANNA says:

  આવુ લગભગ દરેક ઘરમાં બનતુ હશે. સરસ વાર્તા.

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Nice story….

 5. સરસ નિરૂપણ…

  પ્રેમલગ્ન કર્યે પણ જો વિશ્વાસ ન હોય તો એ શાકમાં મીઠું ઓછું હોય એવું છે…

  સત્વરે માપસર મીઠું ભભરાવ્યે જ છુટકો.. નહિતો…. !!!

 6. Bhavin Kotecha says:

  too good…. nice story… thnaks a lot for this story

 7. neeta says:

  it’s nice stroy.
  there is no trust between wife & husband.
  it’s a love marriage but there is not understanding.

 8. Keyur Patel says:

  મોઢામા થી છુટેલો શબ્દ અને ભાથામા થી છુટેલુ બાણ – આ બન્ને ક્યારેય પાછા ફરતા નથી. મનમા પડેલી તિરાડ સાંધવી શક્ય નથી.

 9. Sujata says:

  Too good. Very effectively woven story about delicate emotions.

 10. neetakotecha says:

  purasho stri o ne samaji j n sake a ram bhagavan hoy k aaj no koi 1 gar no kunal hoy. badha sarkhaj hoy ane baheno e vadhre sari aasha emni pase thi rakhvi pan nahi.
  prem sabd pursho ne khabar j n pade. purasho prem pan magaj thi kare ane strio jene prem kare eni sathe koi vat ma magaj vapre j nahi . aatlo j farak. java dyo purasho ni vato kariye etli oochi. toy stri o ne kaheva ma aave nani vato ma gar n choday. pati na gare thi sidhu smashan ma jaway. bhale roj stri o 1 var to shmashan sudhi jati j hase. bas bahu thau patse j nahi mari vat. jai shree krishna

 11. neetakotecha says:

  are saras vat chanchedi. k tamane kahevanu bhuli gai ki saras varta,dhiru ben.

 12. gopal h parekh says:

  આ વાર્તા પરથી સુખી દામ્પત્ય જીવનનો પાયો જ પરસ્પરના વિસ્વાશ પર ઉભો છે એમાં તડ પડવી ન જોઈએ એટલુંસમજીએ

 13. ALKA says:

  દરેકનાં જીવનમાં બનતી વાત ….

 14. Paresh says:

  સરસ વાર્તા. પ્રેમ લગ્ન હોય કે ગોઠવેલ લગ્ન હોય, પરસ્પર વિશ્વાસ જરૂરી છે.

 15. maurvi says:

  khub saras Dhiruben, aatli saras vat lakhi ne ghani badha dampati o ne potana jeevan ni koi ghatana yaad karavi didhi!!! Stri game tetli bhaneli k aagal aaveli hoy, jya sudhi potani vat no ouravo raju n kare tya sudhi koi teni vat dhyan ma letu nathi. Khud stri j stri ne samajava prayatn nathi karati to purusho ni vat j kya karvi. Geeta ben jevi strio vastavma ketli????????
  Kaik kehvu chhe pan SABITI ? PURAVO NATHI etle atki jau chhu.

 16. sujata says:

  varta sari che janvanu malyu pan Mrugeshbhai tame loko ne hipnotize karya che e vaat no aswikar nahi karta…………aavo aavo vaancho!

 17. reena gaurang says:

  ધીરુબેન…અભિનઁદન…ખુબ જ સરસ વાર્તા કહિ………..મારા જીવનની ૧ ઘટના યાદ આવી ગઇ,જે મને આજે પણ ખુઁચે છે….સાચે જ ૫તિ-પત્નિ વચ્ચે વિશ્વાસ હોવો જરુરી છે, એ વિશ્વાસ ન હોય તો બહારથી તો કઇ ખબર ન પડે…પણ અઁદર થી જીવન ઝેર જેવુ થઇ જાય છે…

 18. amit says:

  વાર્તા ખુબ જ સરસ હતી. હમેશા પોતાના સાથી પર વિશ્વસ રખવો જોઇએ. જીવન ” નો કોમેન્ટસ્” નથી.

 19. કોઇ નુ ખુન કરવા તલવાર નિ જરુર નથિ હોતિ એ માતે તો એક શબ્દ જ કાફિ ચે.તલવાર નો ઘા તો રુઝાઈ જશે પન દિલ માનો ઘા કયારેય નહિ રુઝાય!!!!

 20. farzana asif bha says:

  good story…..if you love someone then you should trust him/her fully….

 21. Suhas Naik says:

  No Comments…! 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.