મન બગડવાની વેળા – નટુભાઈ ઠક્કર

ચેતીને ચાલજો સંસારમાં.
ન્યાયનો કાંટો નટવરના હાથમાં.
ઓછું ના તોલે. એ વધતું ના તોલે.
સરખાં પલ્લાં છે કિરતારનાં.

પાપનાં પોટલાં. પુણ્યના ભારા. ઉપરવાળાનો ગજબનાક હોય છે ખેલ. કોઈ જોનારો છે કે નહીં, કોઈ નોંધે છે કે નહિ, કોઈને ખબર છે કે નહિ, કોઈને વધુ ખબર છે કે ઓછી એના લેખાંજોખાંનાં સરવાળા, બાદબાકી ઉપરવાળાનાં કાંઈક જુદાં જ હોય છે. આપણી ખોપરી યોજનાઓ ઘડે, તોડે, ભાંગે, નવી જોડે પણ ઉપરવાળાની ગેબી ચાલ ગેબી જ હોય છે. માણસ એમ માને કે હું ડાહ્યો ને જગતનો એ નિયમ કે જે ફાવ્યો એ ડાહ્યો. પણ કિરતારના કાંટાના તોલ તો શાશ્વત અને સનાતન.

એની વાત ન્યારી. એની યોજના ભારી. એની જાત નિરાલી. એના વિશ્વની અખિલાઈ તો આગળ જ આગળ, આપણે આપણાં કાટલે જગતનાં તોલમાત કરવા નીકળતા હોઈએ છીએ. પણ ઉપરવાળાના તોલમાપનાં કાટલાં તો તંતો-તંત, કટોકટ. પુણ્યના, પાપના, ભલાબૂરાના આપણા ખ્યાલ કંઈક જુદા જ હોય છે. આપણે નાનાં નાનાં પુણ્ય કરીને મોટાં મોટાં ફળની આશા રાખીએ છીએ. સાથે પાપનાં પોટલાં કેવડાં મોટાં આપણે બાંધ્યાં છે તેનું ગણિત આપણાથી ગણાતું જ નથી.

‘કાતરની ચોરી કરે, કરે સોયનું દાન;
પછી આકાશે જોયા કરે કેમ ના આવ્યું વિમાન ?’

પણ વિમાન ક્યાંથી આવે જ્યાં તોલમાપ જ ખોટાં હોય ત્યાં. ચોરી કોઈની આંખમાં ધૂળ નાંખીને. ચોરી કોઈને અજ્ઞાત રાખીને. ચોરી જાણે-અજાણે. મનચોરી પણ મોટું પાપ. ત્યાં માલિકની ગેરહાજરીમાં લીધેલું એક તણખલું આપણી ઘાસની ગંજીઓ સળગાવી મૂકતું હોય છે. બન્યું પણ એવું જ…

એક ખૂબ જાણીતા એ ન્યાયાધીશ. એ પગે ચાલતા રોજ ફરવા જતા એમ નીકળ્યા ને પત્નીને કહ્યું કે તમે ઘોડાગાડી લઈને પાછળ પાછળ અનુકૂળતાએ આવો. ન્યાયાધીશ પતિ. એ જમાનામાં ભારતમાં એમનું ખૂબ મોટું નામ. એ ચાલતા ફરવા નીકળ્યા ને પત્નીને કહ્યું કે તમે ઘોડાગાડી લઈને આવો. પતિના ગયા પછી પત્ની ઘોડાગાડી લઈને નીકળ્યાં. ઘોડાગાડીની મુસાફરીએ ન્યાયાધીશ પત્નીને ખૂબ આનંદ આપ્યો. મજા આવી. આ એમનો પહેલો અનુભવ હતો. વસ્તી વચ્ચેના રસ્તા વટાવી ઘોડાગાડી સુંદર વનરાજીની વચ્ચે પ્રવેશી. મારગની બંને બાજુએ સરસ મજાના આંબા હતા. આંબા ઉપર કેરીઓ ઝળૂંબી રહી હતી ને સ્ત્રી સહજ ભાવે ન્યાયાધીશ પત્નીથી બોલાઈ જવાયું : ‘આવી સરસ કેરીઓનું અથાણું નાખ્યું હોય તો કેટલું સુંદર અથાણું ખાવા મળે ?’ માલિકનાં ધર્મપત્નીની વાત સાંભળી ગાડીવાન મૂડમાં આવી ગયો…. ‘અરે બેન ! બોલતાં શું નથી. અહીં ક્યાં કોઈ જોનાર છે ? બા સાહેબ, કહેતા હોય તો દસ-પંદર શેર કેરીઓ ઉતારી લાવું.’

સહેજ હા પડાઈ ગઈ. માથું ડોલ્યું ને ગાડીવાને અનુમતિ માની લીધી. ઘોડો છોડી ગાડી ઊભી રાખી. ચડી ગયો આંબા પર ને જાણે પોતાનો કે પોતાના બાપની માલિકીનો આંબો હોય એમ ફટોફટ કેરીઓ તોડી તોડીને નીચે નાંખવા માંડ્યો. ને ન્યાયાધીશ પત્ની આંબા ઉપરથી નીચે પડતી કેરીઓ વીણી વીણીને ઢગલો કરવા માંડયાં. કોઈ પૂછનાર-ગાછનાર નહીં. માલિકીનો આંબો હોય એવો વર્તાવ. વગડો આખો જાણે બાપનો !

આ ખેલ ચાલે છે ત્યાં ‘ચોરીનું ચંડાળે જાય’ એ ન્યાયે કેરીઓ વીણતાં વીણતાં આંબા ઉપરથી એક એવી મોટી કેરી પડી ન્યાયાધીશ પત્નીના હાથ પર ને એના મારને લીધે ‘હાથ પરનું હીરાજડિત કંકણ’ તૂટીને વેરવિખેર થઈ ગયું. મોંઘામાં મોંઘા કીમતી રત્નો વેરાણાં ધૂળમાં. ન્યાયાધીશ પત્ની હાંફળાંફાંફળાં બની ગયાં. જમીન પર નીચે નજરે ધૂળ ફંફોસ્યા કરે. ગાડીવાનને નીચે ઉતાર્યો. એ પણ મદદમાં લાગી ગયો પણ ધૂળમાં ગમે ત્યાં ઊછળીને પડેલાં કંકણમાંનાં રત્નોમાંથી એક પણ રત્ન હાથ ન લાગ્યું. હાથનાં રત્ન ખોવાણાં. આંખનાં તેજ ખોવાણાં. હૈયાનો આનંદ ખોવાણો. કેરી અથાણાંની વાત ખોવાણી.

ને નક્કી કરેલા સ્થાને પહોંચ્યા ત્યારે તો પતિદેવ કોઈ બીજે રસ્તેથી પાછા વળી ગયા હતા. ગાડી પાછી વાળી પેલું બગડેલું મન હજુ અથાણું અને કેરી ભૂલતું નહોતું, એટલે કેરીઓના ઢગલામાંથી એકાદ પોટકું બાંધી ગાડીમાં સાથે લીધું. ફરી ઝીણી નજરે નજર નાંખી લીધી પણ રેતીમાં વીખરાયેલાં ‘હીરા રત્નો’ તો જાણે અલોપ થઈ જવાનું નક્કી કરીને બેઠાં હોય એમ એકે પ્રયત્ન ફળ્યો નહિ.

ઘેર પહોંચ્યા. ન્યાયાધીશ પતિ માથા ઉપરની ચકરિયાળી પાઘડી, અંગરખુંને પરિધાનો ખીંટીએ ભરાવી હીંચકે બેઠા હતા. એમનું મોં પણ જાણે પડી ગયેલું હોય એમ લાગ્યું પણ કશી ચર્ચા કર્યા વગર ઘરમાં જઈને પતિનું ભાણું તૈયાર કરી બાજોઠ-પાટલો ઢાળી પતિને જમવા બેસાડ્યા. પણ બેઉના મુખ પર આજે ગ્લાનિ-ગ્લાનિનાં વાદળો છવાયેલાં દેખાતાં હતાં. કશી વાત ન નીકળી એટલે પતિદેવે હળવેકથી પૂછ્યું : ‘દેવી ! તમે આજે રોજના જેવાં લાગતાં નથી. નક્કી તમારા હૈયામાં કંઈક દુ:ખ વસે છે. કંઈ ખુલાસો કર્યા વગર ડબક ડબક બોર જેવાં આંસુ પત્નીની આંખમાંથી ખરી પડ્યાં. ને છેલ્લે બની ગયેલી આખી ઘટના ‘અથથી ઈતિ’ પતિને કહી. પારકાની કેરીઓ એની વગર પરવાનગીએ તોડાવ્યાનો પોતાના મનનો પશ્ચાતાપ પણ પતિ આગળ વ્યક્ત કર્યો.

રોતે હૈયે પત્નીની વાત ન્યાયાધીશ પતિ શાંત ચિત્તે સાંભળતા હતા. વળી પાછું રુદન…. ‘દેવી ! શાંત થાવ, તમારી તબિયત તો નથી બગડીને ?’
‘અરે, ના, તબિયતને શું થવાનું પણ મારું રત્નજડિત કંકણ તૂટ્યું એ અપશુકન ને રત્નો ખોવાઈ ગયાં એ મારા હાથથી થયેલું મોટું નુકશાન.’
‘દેવી ! તમારી તબિયત ભલે ના બગડી હોય પણ તમારું મન તો બગડ્યું જ હતું. ને મન બગડે એ માનવીના હૈયાને સંતાપ તો આપે જ આપે. મનના સંતાપની વાત. મનના બગડવાની વાત. આપણા હક્કની જે વસ્તુ ના હોય એ આપણાથી લેવાય જ શી રીતે ? કેરીનો રખેવાળ કે માલિક ન દેખાયો એનો અર્થ એ આંબો નધણિયાતો ? એ કેરીઓ આપણી માલિકીની ? આપણા ઘરભેગી કરવી ? પારકાની મહેનતે તૈયાર થયેલાં પારકાં ફળ ઝૂંટવી લેવાં ? પારકાં ફળ ઝૂંટવવાની વાત. ઈશ્વર એનાં કેવાં કઠોર ફળ આપે એ તમે જાતે અનુભવ્યું ને ? ભવિષ્યમાં આવી મનોવૃત્તિ ફરીથી ન જન્મે માટે જ ઈશ્વરે આ યોગ્ય ન્યાય તમારે માટે તોલ્યો છે.’

‘સર્વેશ્વરની આ સજા. સજા તમને એકલાંને નહિ. ઘરની કોઈ એકાદ વ્યક્તિથી પણ કંઈ અનર્થ થઈ જાય તો એનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડે છે. આના છાંટા બધાયને ઊડે છે. મને પણ તમારા એ કૃત્યના છાંટા ઊડ્યા છે. તમે માનશો, કોઈ દિવસ નહીં ને આજે મેં મારું કીમતી ચપ્પુ રસ્તામાં ગુમાવ્યું છે. પાપની એક નાનકડી કોડી પુણ્યની અઢળક સંપત્તિ પોતાની સાથે ખેંચી જાય છે. તેનો અનુભવ આજે તમને ને મને બંનેને થઈ રહ્યો છે.’

ન્યાયાધીશની હૃદયસોંસરવી નીકળી જતી વાત. એ ન્યાયાધીશ હતા મહાદેવ ગોવિંદ રાનડે અને જેમને એ કહી રહ્યા હતા એ એમનાં ધર્મપત્ની રમાબાઈ રાનડે. ન્યાયના કાંટાની વાત. સરખા તોલની વાત. પાપનાં પલ્લાંની વાત. પુણ્યના ખેંચાઈ જવાની વાત. આ છે જીવતરની સાચી વાત.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ
ગુજરાતની અસ્મિતાના પ્રબોધક – સરલા જયચંદ શેઠ Next »   

18 પ્રતિભાવો : મન બગડવાની વેળા – નટુભાઈ ઠક્કર

 1. Ashish Dave says:

  good
  ashish-auckland

 2. urmila says:

  As you saw so shall you reap – in this case immediately and sometimes later in life you pay for your bad and good deeds

 3. reena gaurang says:

  સાચી વાત……..છે……..જેવુ કર્મ કરો એવુ ફલ મળે…કર્મનો સિધ્ધાઁત બધાને લાગુ પડે છે..

 4. Hiral Thaker 'Vasantiful' says:

  ેVery good…….

  ‘કાતરની ચોરી કરે, કરે સોયનું દાન;
  પછી આકાશે જોયા કરે કેમ ના આવ્યું વિમાન ?’

  Thanks Natubhai Thakkar

 5. Dhaval B. Shah says:

  Nice article.

 6. shetal dave says:

  karma karya vager jivan jatu nathi . sara karma pura parivare ne anande ape che . ane kotu karme pachayatape karave che ne kutume ma asanti failave che.

 7. Aruna says:

  gud one.

 8. lorense says:

  સરસ

 9. શૈલેશ પટેલ, મદદનિશ નિયામક, સ્પિપા રજકોટ says:

  very nice

 10. વત્‍સલ વોરા says:

  ખરેખર ખૂબ જ સરસ અને આજના જમાના માટે બંધબેસતી દાખલારૂપ્‍ા વાર્તા છે.

  આજે માનવીના મન લાલચુ અને લાલસાવાળા થયા છે

 11. Keyur Patel says:

  એ તો વાવો એવું લણો.

 12. Niraj Patel says:

  એ તો વાવો એવું લણો.

 13. Niraj Patel says:

  good one

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.