ગુજરાતની અસ્મિતાના પ્રબોધક – સરલા જયચંદ શેઠ

[ ઈ.સ. 1991માં પ્રકાશિત થયેલ શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર દ્વારા સંપાદિત પુસ્તક ‘મારા પિતા’ માંથી સાભાર. આ પુસ્તકમાં વિવિધક્ષેત્રના મહાનુભાવોના સંતાનોએ પોતાના પિતા વિશે અદ્દભુત નિબંધ લેખો આપ્યા છે.]

મારા પિતા કનૈયાલાલ મુનશી – સાહિત્યકાર, રાજકારણી, સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતની અસ્મિતાના પ્રબોધક, ભારતીય વિદ્યાભવન અને સાહિત્ય પરિષદ જેવી શિક્ષણ અને સાહિત્યની વિશિષ્ટ સંસ્થાઓના જનક. પિતાના આવા બહુવિધ વ્યક્તિત્વનો વિચાર કરું છું ત્યારે એક નિરાળી તસવીર – ‘ઈમેજ’ – મારી દષ્ટિ સમક્ષ ખડી થાય છે. બહારની દુનિયામાં મહાન હોવા છતાં તેઓ મારે માટે અને અમારા પરિવાર માટે તો એક વત્સલ પ્રેમાળ પિતા – ‘બાપાજી’ હતા.

એમના આ બહુવિધ વિશિષ્ટ વ્યક્તિત્વ અને પ્રતિભા વચ્ચે મારે માટે તો એમની એક જ ‘ઈમેજ’ જીવનભર કાયમ રહી છે અને તે બાપાજીની. અમારા પરિવાર બહારની દુનિયા માટે તેઓ ‘મુનશીજી’ હતા. જ્યારે અમારે માટે તો તેઓ હંમેશાં, એમના આખરી દિન પર્યન્ત ‘બાપાજી’ જ રહ્યા હતા. એમના સાહિત્યકાર તરીકેના તેમજ રાજકારણીય અને વ્યાવસાયિક જીવનમાં બહારની દુનિયામાંથી વારંવાર કે અનેક વાર વિવાદાસ્પદ ચર્ચાની આંધી-વંટોળ પ્રગટ્યાં છે. તેમનું સમગ્ર જીવન હમેશાં વિવાદાસ્પદ વ્યક્તિત્વનો ખ્યાલ આપતું રહ્યું છે. પરંતુ એ વિવાદાસ્પદ વ્યક્તિવના છાંટા અમારા પરિવારમાં બાપાજીના સંદર્ભમાં કદી પ્રવેશ્યા ન હતા. એટલે જ હું હમેશાં તેમના પ્રત્યે સંતોષ અને અભિમાનની લાગણી અનુભવતી આવી છું.

પિતા તરીકેના એમના અસીમ વાત્સલ્યનો લહાવો મેં છેક બાલ્યાવસ્થાથી અનુભવ્યો છે. તે વખતે હું કદાચ પાંચેક વર્ષની હોઈશ. મુંબઈમાં તે સમયે ન્યુમોનિયા ઘર ઘરમાં પ્રસરી ગયો હતો. ભાગ્યે જ કોઈ કુટુંબ આ રોગથી મુક્ત રહ્યું હશે. અમે તે સમયે મોરારજી ગોકુળદાસની ચાલીમાં ત્રણ ઓરડીવાળા ઘરમાં રહેતાં હતાં. બાપાજી સિવાયનાં ઘરનાં બધાંને ન્યુમોનિયા લાગુ પડ્યો હતો. બાપાજી તે વખતે નવાસવા ઍડ્વોકેટ હતા અને કોર્ટમાં વકીલાતની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. એટલે આખો દિવસ તે પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતા, અને જે ‘કેઈસ’ હાથ પર લેતા તેમાં પૂરી તન્મયતાથી લાગી જતા. મોરારજી ગોકુળદાસની ચાલીનું અમારું ત્યારનું નિવાસસ્થાન ઘણી બધી ઘટનાઓનું સાક્ષી બન્યું હતું. એમની વ્યાવસાયિક પ્રતિભાનું પ્રારંભનું સાક્ષી આ નિવાસસ્થાન. પ્રારંભમાં કેટલીક નવલકથા ‘ઘનશ્યામ’ ઉપનામે એમણે લખી, આ ચાલની ઓરડીમાં બેસીને. મારે માટે તો એની યાદગીરી – આજ પર્યન્ત કોઈક જુદા જ સંદર્ભમાં જળવાઈ રહેતી આવી છે. ઉપર કહ્યું તેમ આખુંય ઘર ન્યુમોનિયામાં સપડાયું હતું. એમના સિવાય બધાં જ માંદાં. મારો બાંધો તો પહેલેથી જ નબળો એટલે ન્યુમોનિયાની વધારેમાં વધારે અસર મારા પર થઈ હતી. મારી બા અતિલક્ષ્મી માંદી માંદીય મારી ચાકરી કરે. પરંતુ રાતના બાપાજીનો વારો. તે જેમ તેમ ઉતાવળે ખાવાનું પતાવી મારો ચાર્જ લે, અને બા આરામ કરે. બાપાજી મોડી રાત સુધી બેસીને મારે માથે સતત બરફ ઘસે, ઓઢવાનું સરખું કરે, થર્મોમિટરથી તાવ માપે. મારી માંદગી ચાલી ત્યાં સુધી એમનો આ કાર્યક્રમ બની રહ્યો અને હું એમને અર્ધા જાગતાં, અર્ધા ઘેનમાં એમના પિતૃ વાત્સલ્યને જોયા કરતી. મારા એ બાલપણના દિવસોનું ચિર:સ્મરણીય ચિત્ર ! એમની પુત્રીની સેવા કરતા પિતાની વાત્સલ્ય-છબિ હું જીવનમાં કદી જ અળગી કરી શકી નથી. બાપાજીએ કરેલી એ વાત્સલ્યભરી સેવાને જ કારણે હું રોગમાંથી ઊગરી ગઈ. સાવિત્રીએ યમને પાછો વાળ્યો હતો, તેમ કદાચ બાપાજીએ પણ મને લેવા આવેલા યમને પાછો વાળ્યો હશે !

પણ આવા પ્રસંગો કાંઈ એકાદ-બે વાર જ નહોતા બન્યા. આ માંદગીમાંથી ઊઠ્યા પછી થોડાક મહિનાઓ બાદ હું સ્ટવ પાસેથી પસાર થતી હતી અને મારું ફ્રોક સળગ્યું. સામે બેઠેલાં જીજીમાએ બૂમ પાડી, ‘ઓ, બાપ રે દીકરી સળગી….’ બાજુના ખંડમાં જ બાપાજી બ્રીફ વાંચતા હતા, તેમણે એ બૂમ સાંભળી અને તરત જ દોડી આવીને તેમણે બે હાથથી મારું સળગેલું ફ્રોક પકડીને કાઢી નાખ્યું. હું તો વાંસામાં દાઝી હતી, પરંતુ બાપાજીના તો બન્ને હાથ અને હથેળી-પંજો દાઝી ગયાં હતાં. પરિણામે બન્ને હાથે પાટાપિંડી કરેલ હાલતમાં, પાટા સાથે બાપાજી કોર્ટમાં જતા. ત્યારના પાટા બાંધેલા હાથ હજી આજેય મારા સ્મરણપટ પર હું જોઉં છું. આ બધા પ્રસંગોએ મને એક વાતની પ્રતીતિ કરાવી છે કે કોઈ પણ શારીરિક દુ:ખ, તાવ, રોગના પ્રસંગે બાપાજી તો પાસે હોવાના જ. આ વાત તેઓ પણ જાણતા હતા એટલે એમના જીવનપર્યન્ત મારી માંદગીની વાત સાંભળતાં જ બધાં કામ અને ફરજ બાજુએ મૂકી મારી પાસે દોડી આવતા. આવો હતો એમનો કુટુંબપ્રેમ.

આવા તો કેટકેટલા પ્રસંગો યાદ કરું ! આજે તેઓ અમારી વચ્ચે નથી, પરંતુ એમનો અસીમ સ્નેહ અમારી વચ્ચે એક સમૃદ્ધ વારસા તરીકે એમની ચિરંજીવ યાદ આપતો જીવંત રહ્યો છે. મે મહિનાની રજાઓમાં અમે બધાં કુટુંબીઓ એક સ્થાને હવાફેર કરવા એકત્ર થતાં. આ પ્રસંગ અમારા જીવનમાં એક મહત્વનો યાદગાર અવસર હમેશાં બની રહેતો. તેમાં બાપાજી તરીકેનું એમનું વાત્સલ્ય પ્રદર્શિત થતું. અમે બધાં સાંજે ફરવા જતાં. તાલબદ્ધ ચાલતાં. પછી આવીને ગીતો-ગાયનો ગાતાં. મમ્મી – લીલાવતી મુનશી – હારમોનિયમ પર બેસતાં. બાપાજી તબલાં વગાડતા. બધાં ગાતાં અને આનંદમાં ભાગ લેતાં. આનંદમય કૌટુંબિક વાતાવરણમાં તન્મય બની જતાં. સમય ક્યાં પસાર થઈ જતો એનો ય ખ્યાલ રહેતો નહિ !

આજે પશ્ચિમી હવાને કારણે કે અન્ય ગમે તે કારણે જ્યારે કુટુંબો ભાંગી રહ્યાં છે, ત્યારે અમારું કુટુંબ એકરસ બની, કશી કટુતા વગર, સંતોષથી વિકાસ કરી રહ્યું છે, ત્યારે આ બધા પ્રસંગો જ જાણે આના પાયામાં હતા એમ લાગે છે. આ બધાની પાછળ મારા પિતાની લાગણીભરી કુટુંબ-ભાવનાનું, સંસ્કારનું અને પ્રેમભરી સારસ્વત સમૃદ્ધિનું જ હું દર્શન કરી રહી છું. આજનાં વિખરાતાં સંયુક્ત કુટુંબો અને અમારી સુખી કુટુંબ-ભાવનાની સહેજે સરખામણી થઈ જાય છે ! ત્યારે અને આજે આ વાત્સલ્ય ભાવનાની ઓથે અમે સુખી હતાં અને છીએ, બધું બાપાજીની કુટુંબ-ભાવનાનું પરિણામ. અમે સૌ ભાઈબહેનો ખૂબ જ સારું શિક્ષણ પામ્યાં છીએ. કુટુંબ અને વ્યવસાયમાં આવા જ સંસ્કાર અમને બાપાજી પાસેથી મળ્યા છે. આજે કુટુંબનો આ પ્રેમ, પિતાનું વાત્સલ્ય પામવું મુશ્કેલ કે દુર્લભ છે. આ પ્રેમભાવનાનાં અમારા કુટુંબમાં મેં જે દર્શન કર્યાં છે તે શું આજના આધુનિક અને શિક્ષિત કહેવાતાં કુટુંબોમાં જોવા મળશે ખરાં ?

આ સંસ્કાર-સિંચનનો હિસ્સો ફકત બાપાજીને જ નહિ, પરંતુ એમનાં માતુશ્રી અને અમારાં સૌનાં દાદીમા ‘જીજીમા’ ને પણ ઘટે છે. અમારા કુટુંબમાં જીજીમાનું વર્ચસ્વ સૌથી વિશેષ. ઘરમાં એમનો પડ્યો બોલ ઝીલાય. એમણે બાપાજીને ઉછેરવામાં, એમના જીવનમાં સંસ્કારનું સિંચન કરવામાં પાછી પાની કરી ન હતી. નવા સુધારેલા વિચારોને પણ તેમણે આનંદભેર અપનાવી લીધા હતા. આજની દષ્ટિએ ત્યારના જૂના એવા જમાનામાં ભાર્ગવ બ્રાહ્મણ એવા બાપાજીને તેમણે એક જૈન વિધવા જોડે લગ્ન કરવાની સંમતિ આપી અને એમાં જરાય પાછી પાની કરી નહોતી. બાપાજી દરેક કાર્યમાં જીજીમાની સલાહ લેતા. અને જીજીમા પણ જમાનાને યોગ્ય સલાહ આપતાં. આજે બાપાજીનો તો ઠીક, પરંતુ અમારો સૌનો જે ઉછેર સંસ્કારી રીતે અને કડક શિસ્ત વચ્ચે થયો છે તે એમને જ – જીજીમાને આભારી છે. પુરાણો અને તત્વજ્ઞાનની વાર્તાઓ અને આખ્યાયિકાઓ અમને સંભળાવીને તેમણે અમારા સૌનાં જીવનનું ઘડતર કર્યું છે. આ અમારા જીજીમાને બાપાજીએ એમની એક કૃતિમાં અનન્ય સ્થાને અંકિત કર્યાં છે. આવાં હતાં અમારાં જીજીમા. બાપાજીની કાળજીભરી અને પ્રેમાળ વ્યવસ્થા તળે અમે સૌ ભાઈ-બહેનો ખૂબ જ સારું શિક્ષણ પામ્યાં. કુટુંબ-ભાવના જાળવીને વ્યવસાયમાં પણ પ્રતિષ્ઠા પામ્યાં છીએ. તેનું સઘળું શ્રેય એમના આશીર્વાદ અને એમને જ ઘટે છે. વ્યવસાયમાં પણ હું અને મારો ભાઈ જગદીશ સોલિસિટર બન્યાં. નાનો ભાઈ ગિરીશ ઍડવોકેટ થયો. એક બહેન ડૉક્ટર બની. નાની બહેન પ્રોફેસર થયાં બાદ રામકૃષ્ણ શારદા મિશનમાં સંન્યાસીની બની. આ રીતે અમે પસંદ કરેલું છતાં બાપાજીના પ્રોત્સાહન સાથેનું કાર્યક્ષેત્ર સૌ સૌની પસંદગીનું હોવા છતાં અમારી કુટુંબ-ભાવનાને એક સૂત્રે સાચવી રહ્યાં છે. આમાં એમનો કે કુટુંબના કોઈ સભ્યનો અવરોધ નડ્યો નહિ. તે જમાનામાં સ્ત્રી-સોલિસિટર તરીકેનો મારો નંબર બીજો હતો. સ્વાભાવિક રીતે મને થોડો સંકોચ પણ રહેતો. પરંતુ બાપાજી મને શીખવતા, કાયદાની આંટીઘૂંટીઓ સમજાવતા અને તેમની પોતાની રેફરન્સ લાઈબ્રેરીનો ઉપયોગ કરવાનો આગ્રહ દર્શાવતા. ઘણી વખત અદાલતમાં અમે પિતાપુત્રી એક જ કેઈસમાં સામે સામે પણ થઈ જતાં ! આજે હું એક સોલિસિટર તરીકે, જે.પી. મૅજિસ્ટ્રેટ તરીકે, રાષ્ટ્રીય આંદોલન કાળે સત્યાગ્રહી તરીકે અને ત્યાર પછી અનેક સંસ્થાનોમાં છું તે મારા પિતાજી તેમજ મમ્મીના પ્રોત્સાહન અને માર્ગદર્શનને જ આભારી લેખું છું. સામાજિક કાર્યોમાં મને રસ લેતી કરી હોય તો તેની પાછળ મમ્મી – લીલાવતી મુનશીનો જ આગ્રહ અને પ્રોત્સાહન હતાં.

મારા પિતા એમના જાહેર જીવનનાં ભારે રોકાણો અને મહત્તા વચ્ચે પણ પોતાની પિતા તરીકેની વત્સલ ફરજમાંથી કદી અળગા રહ્યા નથી. પછી એ કામ ગમે તેટલું મહત્વનું કેમ ન હોય ! લડત દરમિયાન જેલવાસ, હેદ્રાબાદમાં ભારત સરકારના એજન્ટ તરીકેની કારમી અંતિમ ક્ષણોનો અનુભવ, રાજકીય ભંગાણ વચ્ચે ઉત્તર પ્રદેશના ગર્વનર તરીકેની કામગીરી કે કેન્દ્રીય પ્રધાન તરીકેની ઉપસ્થિત થતી મૂંઝવણભરી ક્ષણો કે ઘટનાઓ હોય, પોતે જ ઉછેરેલી અને વિકસાવેલી સાહિત્ય પરિષદમાંથી પોતાને જ વિદાય લેવાનો સમય આવ્યો હોય, આ ક્ષણોમાં બાપાજીએ કદી સ્વસ્થતા ગુમાવી ન હતી. ‘ગુજરાતનો નાથ’ માં મુંજાલ મહેતાને શબ્દસ્થ કરનાર મુનશીજી ત્યારે પોતે જ ‘મુંજાલ મહેતા’ બનીને, પરિસ્થિતિનો ગીતાના સ્થિતપ્રજ્ઞ પુરુષની જેમ તદ્દન સ્વસ્થ રીતે સામનો કરી રહ્યા હતા અને એકલ વીર પુરુષ માફક ક્યાંય પાછા ન પડતાં, અનેક સમરાંગણમાં એકલ યોદ્ધા બનીને ઘૂમતા હતા. ત્યારે બીજી બાજુ સાંજ પડ્યે ઘરમાં કુટુંબ મેળો જામ્યો હોય, તેમાં હસતે મોંએ, જાણે કાંઈ જ બન્યું નથી તેમ સ્વસ્થ રહીને અમારી સાથે હળે, મળે અને જમવામાં એક ટેબલ પર બેસીને એમાં ભાગ લે, કૌટુંબિક પ્રશ્નોની ચર્ચામાં ભાગ લે અને નાના-મોટા સૌની સાથે પ્રફુલ્લચિત્તે હળેમળે- ભાગ લે.

આજે આટલાં વર્ષે જ્યારે મારીય જીવનયાત્રા પંચોતેરને આરે આવી રહી છે ત્યારે – જ્યારે એમાંના કોઈ અમારાં જીજીમા, મારી માતા અતિલક્ષ્મી, અમારાં મમ્મી કે બાપાજી કોઈ અમારી વચ્ચે નથી, ત્યારે મારું હૃદય એમના સૌ પ્રત્યેનાં અને વિશેષ તો બાપાજીના અસીમ સ્નેહની સ્મૃતિથી ‘હરિયાળું’ – આર્દ્ર બની જાય છે. મારી આંખની પાંપણો એમની વાત્સલ્ય સ્મૃતિથી ભીંજાઈ જાય છે. બાપાજીને યાદ કરતાં થાય છે કે એમનામાં – એક જ માનવીમાં કેટકેટલી વિભક્ત ભૂમિકાઓ ભજવવાનું સામર્થ્ય અને સ્વસ્થતા હતાં ! તેઓ સમર્થ સાહિત્યકાર હતા. અખંડ ભારતના પુરસ્કર્તા હતા. સ્વપ્નદ્રષ્ટા હતા અને શિક્ષણ તેમજ સાહિત્યની સંસ્થાઓના સંચાલક હતા. ઘણી ઘણી બાબતોમાં એમનું મંતવ્ય અન્યથી જુદું પડતું, એવી પરિસ્થિતિ વચ્ચે નીડરપણે સૌના વિરોધ વચ્ચેય પોતાનું મંતવ્ય રજૂ કરતા અને એને વળગી રહેતા. આવે વખતે તેઓ પોતાના સ્વાર્થનો, મહત્તર સ્થાનનો કે હિતાહિતનો ખ્યાલ કદી જ કરતા નહિ. પોતાના વિચારોને વળગી રહેવાની એમનામાં અજબ એવી હામ અને ખુમારી હતાં.

હૈદ્રાબાદમાં જ્યારે ભારતીય લશ્કરના પ્રવેશની અતિ નાજૂક ક્ષણો ગણાતી હતી ત્યારે મેં એમને ખૂબ જ નિકટથી જોયા છે. એવા ઘણા ઘણા પ્રસંગોમાં જ્યારે જીવન અને મૃત્યુ, પ્રતિષ્ઠા અને માનહાનિ હાથવેંતમાં હોય ત્યારે તેઓ એમનાં પોતાનાં સર્જિત કથાનાયકો ભગવાન પરશુરામ, કૌટિલ્ય, મુંજાલ મહેતા એ સૌ કથાનાયકોનાં શૌર્ય અને ચાણક્ય બુદ્ધિ જાણે એ ક્ષણે એમનામાં અવતરતા હતા. એ ક્ષણે પોતાના નાજુક સ્વાસ્થ્યની પણ પરવા કરતા નહિ. નિર્ણિત વિચારધારાને વળગી રહેવાની એમનામાં અજબ ખુમારી હતી. જાહેર જીવનમાં આટલા ઓતપ્રોત હોવા છતાં તેમણે કદી જ જાહેરર જીવનને નીચું પાડ્યું નથી. આજે જ્યારે રાજકારણમાં સત્તા અને સ્વાર્થમાં ઓતપ્રોત રાજકારણીઓને જોઉં છું, ત્યારે આપોઆપ જ એમના જાહેર જીવનની વિશુદ્ધતા અને ઊંચા માપદંડ પ્રત્યેના આગ્રહને યાદ કરીને હું એમના પ્રતિ નમી પડું છું.

અમારા પરિવારમાં બધાં જ સભ્યો કાંઈ ને કાંઈ વિશિષ્ટતા મેળવતાં રહે, એવી પ્રબળ એમની ઝંખના. સત્યાગ્રહની લડતમાં બાપાજી અને મમ્મી બન્ને જેલમાં ગયાં ત્યારેય અમારું કુટુંબ અકબંધ રહ્યું હતું. સૌ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ક્ષણે ક્ષણે વ્યસ્ત રહેવા છતાં કુટુંબને અને કુટુંબની ભાવનાને અકબંધ જાળવી રહ્યાં હતાં. જેલમાં ગયાં ત્યારે અને અંદર રહ્યાં રહ્યાં પણ અમારા પરિવારમાંના સૌનાં શિક્ષણ અને શિસ્તબદ્ધ ઉછેરની તેઓ ચિંતા કરતા, જાહેર જીવનની વ્યસ્તતા-રોકાણો વચ્ચે કુટુંબના વિકાસની ગતિમાં અવરોધ ન આવવો જોઈએ તેના તેઓ આગ્રહી હતા. આજના જીવન અને સમાજ પ્રત્યેનાં મૂલ્યો ગુમાવી રહેલા, નીતિમત્તા ગુમાવી ચૂકેલા સમાજને અને સમાજની વ્યક્તિઓને સહેજે એમની અને આજની નેતાગીરીના સંદર્ભે સરખામણી થઈ જાય છે. બાપાજીએ એમના અધિકારનો અને એમને પ્રાપ્ત સ્થાનનો કુટુંબ કે પરિવારના અંગત લાભમાં કદી જ ઉપયોગ કર્યો ન હતો કે થવા પણ દીધો ન હતો. એમણે એમનાં પુત્ર-પુત્રીઓને પોતાની સ્વ-પ્રતિભા વિકસાવીને ખુમારી અને સ્વસંપન્ન જીવન જીવતાં, જીવન ઘડતાં બનાવ્યાં છે. આજે આચારસંહિતાના આગ્રહી અમારા બાપાજીને કારણે અમારું કુટુંબ ‘મુનશી કુટુંબ’ તરીકે સમાજમાં અને સૌનાં નિજી વર્તુળોમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. આ કુટુંબનો પ્રત્યેક સભ્ય જૂની પેઢીનો કે નવી પેઢીનો અહીં કે ઈગ્લૅન્ડ-અમેરિકામાં વસતાં સંતાનો પોતપોતાને સ્થાને આગવી મહત્તા ધરાવી રહ્યાં છે.

બાપાજીની જન્મશતાબ્દી ‘100મું વર્ષ’ અનેક સંસ્થાઓએ ઊજવી. અમારી એમને વિશેષ શી આદરઅંજલિ હોય ? અમે એટલું જ કહીએ કે, ‘બાપાજી ! તમારી ભાવનાઓ અને મહત્તાને અમે અતિક્રમી – ઓળંગી નથી, પણ અમારા સામર્થ્ય અનુસાર એમાં પૂર્તિ કરી છે. તમારી મહત્તાનો અને તમારા સ્થાનનો અમે સ્વહિતમાં ઉપયોગ કર્યો નથી, પણ અમારી શક્તિ અનુસાર નવી પ્રતિભાનું, તમારી પ્રત્યેનાં આદર સાથે પૂર્તિરૂપ અનુસરણ તર્પણ કર્યું છે.’

આજે હું અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી છું. સક્રિય સામાજિક કાર્ય કરી રહી છું, લેખિકા છું, સંસ્થાઓની સંચાલિકા છું. મારી માતાની પૂણ્ય સ્મૃતિ મેં ‘અકમુનશી’ યોજના (અકમુ યોજના) જેવી સુપ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા રૂપે કાર્ય કરતી કરી છે, ત્યારે મારા પિતા પ્રત્યેની અસીમ લાગણી અને શ્રદ્ધા સાથે કહી શકું છું કે એ બધા પાછળ મારા પિતાજીના આશીર્વાદ છે અને એમની સતત પ્રેરણા રહી છે. આ લેખ સમાપ્ત કરું તે પહેલાં હું આ પુસ્તકના સંપાદક શ્રી પુરુષોત્તમભાઈનો આભાર માનું છું, કારણકે તેમના ભારે આગ્રહે મારી પાસેથી મારા પિતાજીની આ કૌટુંબિક સ્મૃતિઓને શબ્દસ્થ કરવા મને પ્રેરિત કરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન બગડવાની વેળા – નટુભાઈ ઠક્કર
વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે Next »   

8 પ્રતિભાવો : ગુજરાતની અસ્મિતાના પ્રબોધક – સરલા જયચંદ શેઠ

  1. કનૈયાલાલ મુનશી એટલે ગુજરાતી સાહિત્યના પિતામહ. એક વિરાટ વ્યક્તિત્વ.. એમના જીવન અને પિતા તરીકેના વાત્સલ્યની વાતો જાણી ખરેખર આનંદ થયો.

  2. કલ્પેશ says:

    એક મહાન વ્યક્તિ અને એમના જીવનનો થોડો અંશ વાંચીને આનંદ થયો. આશા છે ભારતના બીજા પનોતા પુત્રો વિષે પણ જાણવા મળશે.

  3. Keyur Patel says:

    મુનશીજી ની બીજી બાજુ જોવા મળી જ્યારે તેમનીજ પુત્રીએ તેમના વીશે લખ્યું. આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.