રિહર્સલ – ભરત ના. ભટ્ટ

ઈન્ટરસિટી નોન-સ્ટૉપ બસનું વડોદરા તરફ ત્વરિત-સ્થિર ગમન, મહેંકતું વરસાદી વાતાવરણ. વાડીઓ-બગીચાઓમાં પાકો ને ફળઝાડો નીલ યૌવન ધરીને ખુશ ખુશ…. નાનાં-મોટાં જળાશયોનાં નીર ક્યાંક સૂર્યકિરણોથી સોનેરી તો ક્યાંક વનરાજીનો હરિયાળો રંગ ઝૂંટવી ગેલમાં. જાણે ફરવા નીકળી હોય તેવી પવનની લહેરખીઓના સ્પર્શની જળ પર તરંગભંગીઓ ને બસયાત્રીઓમાં આહ્લાદકતા.

ગ્રીષ્મા બૅન્કના કામે વડોદરા જતી હતી. આ વાતાવરણ તેને માટે ચિત્તચોર હતું. ટ્રાફિક જામતાં બસ ઊભી રહી. અહીં હમણાં જ વરસાદ થયો હશે, બારીની સામે પીપળાનું વૃક્ષ પર્ણેપર્ણેથી જળબિન્દુઓને સેરવે. આ આનંદની પળોમાં ગ્રીષ્મા જે સંદર્ભ ઠેલતી હતી તે જ સન્મુખ આવી ઊભો. આ દશ્ય જોઈ તેનાથી નાની કવિતા રચાઈ ગઈ.

નભ નીરવ.
ધરા મહેંકે, ટપકે
પીપળપાન.

એ ભાઈસાહેબ કવિતાના શોખીન, આ સાંભળી અવશ્ય ધન્યવાદ આપે.
‘કોણ એ તારા ભાઈસાહેબ ?’ ગ્રીષ્માને તેની અંદરથી કોઈએ પૂછ્યું. તેણે ગ્રીષ્માને પૂછેલું : ‘તમે મારા માટે સાસરે આવશો ?’ આજે પણ એવા જ સજીવ એ શબ્દો.
****

બે અઢી દાયકાનું આવરણ…. ગ્રીષ્મા એક કસબામાં નોકરી કરે ને સાથે નડિયાદ જઈ એક કોર્સ કરે. અપડાઉન ચાલે. એક દિવસ બસમાં ગિરદી. એક યુવાન પાસે જગ્યા થતાં જરા સંકોચાઈને તે ત્યાં બેઠી…. પણ ? જ્યાં તે ઊતરી ત્યાં તે ઊતર્યો ને સતત તેની પાછળ વર્ગખંડ સુધી ! તેને વર્ગખંડમાં વિદ્યાર્થી તરીકે બેસતો જોતાં તો ગ્રીષ્માના ક્રોધ-ગભરાટની સીમા ન રહી. ‘ભાઈસાહેબનો એ પ્રથમ પરિચય – ભવાં ચડાવનારો’ ગ્રીષ્મા મંદ હસતી ગણગણી. બસ અને સ્મરણો સાથે નૌકાની જેમ જ સરવા લાગ્યાં.

‘બહેન, ન…મ..સ્તે… તમને વાંધો ન હોય તો આપણે સાથે રિક્ષા કરીએ.’ એકવાર વર્ગો મોડા છૂટ્યા ને બસ પકડવા ગ્રીષ્મા રિક્ષા કરવા ગઈ ત્યાં એ જૂવાને સૂચવ્યું. ઈનકારવું ઉચિત નહોતું. સ્વીકારવું ગમતું નહોતું. ગ્રીષ્મા તોબડો ચડાવી, મોં ફેરવી રિક્ષામાં બેસવા ગઈ. ત્યાં સંભળાયું, ‘ઊભા રહો, હું પહેલો ચડી જમણી બાજુ જતો રહું. ડાબી બાજુ તમને ચડવું-ઊતરવું ફાવશે.’ બસસ્ટેન્ડે રિક્ષા અટકે તે પહેલાં તો તેણે રિક્ષાવાળાના હાથમાં ભાડું મૂકી દીધું. ઘરે પહોંચતાં સુધી ગ્રીષ્માનો તોબડો ઊતરેલો નહીં.
‘પુરુષો જ શક્તિ ને હક્ક ધરાવે ! નિર્ણય તો બધા એમના જ. સ્ત્રીને મદદ કરવી હોય કે તેની લેવી હોય, ફેંસલો પુરુષોનો ! સિકન્દર ને નેપોલિયન બધા !’ રાત્રે સૂતાં સુધી તેના મનમાંથી તીખાશ ગયેલી નહીં. ઊંઘમાં બબડી પણ ખરી – યુવતી જો દેખાવડી હોય તો…..તો….

બહાર હળવી ઝરમર ચાલુ હતી. ગ્રીષ્માએ બારીની બહાર હાથ કાઢી એ શીત-રોમાંચક સ્પર્શ માણ્યો ને હસી પડી. પુરુષો વિશેનું પોતાનું વિશ્લેષણ સાચું પડતું ને તેનો તેને ગર્વ થતો. પરંતુ આ વ્યક્તિ સંદર્ભે પોતાનાં તારણો-અનુમાનોને પછડાટ લાગેલી.
‘પણ…. આ પછડાટ પછી તને ગમેલી, ખરું ને ગ્રીષ્મા ?’
‘હં…’ તેની જાણ બહાર અનુમતિનો ઉદ્દગાર નીકળી ગયેલો. તેને ભાઈસાહેબનો પ્રથમ સ્પર્શ યાદ આવી ગયો. પોતે હળવેકથી પોતાનો હાથ તેના હાથમાંથી સેરવી લીધેલો. અત્યારે પણ તેનાથી અજાણતાં જ બારી બહારનો હાથ ખેંચાઈ ગયો.
‘સ્પર્શ બહુ ગમે ત્યારે આવું થતું હશે ?’ આજે અંદરની ગ્રીષ્મા તેનો પીછો છોડતી ન હતી.
***

પરસ્પર નામો જાણ્યાં તે પ્રસંગ તેને યાદ આવ્યો. વર્ગો પૂરા થતાં નાના પર્યટનનું આયોજન કરતાં સૌ સાથે જ બસસ્ટેન્ડ તરફ ચાલ્યાં. સહાધ્યાયી મંડળ સાથે ચાલતું પછી વર્ગો-અધ્યાપકો ને બીજી ગમ્મત-વાતોએ ચડી ગયું. બસસ્ટેન્ડ આવતાં તે બન્ને ઊભાં રહ્યાં ને અન્ય સૌ ગયાં.
‘તમે સારાં હળવાં થઈ શકો છો.’ યુવાન.
‘તમે જ તો મમરા મૂકી હસાવી દ્યો છો.’ યુવતી.
‘તમે એટલે કોણ તે જાણી શકું ?’ યુવાન.
‘ “તમે” અર્થાત્ હું એટલે કોણ તે જાણવું છે ?’ યુવતી.
‘હા, ઈચ્છા એવી છે.’
‘હજી જાણવું બાકી છે ? બધાંની વચ્ચે નથી જાણી લીધું ?’
‘ના, પૂરુંને ખાતરીબંધ નથી જાણ્યું.’
મૃદુ સ્મિત સાથે એવા જ મૃદુ શબ્દો સંભળાયા, ‘હું ગ્રીષ્મા નાણાવટી.’
ઘડીક શાંતિ છવાઈ. ‘મારા હું વિશે નહીં પૂછો ?’ ધીરજ ખૂટતાં યુવાન બોલ્યો. બન્ને હસી પડ્યાં. ગ્રીષ્માએ ડોક થોડી નમાવી, હાથ વડે પ્રશ્નાર્થનો અભિનય કર્યો. શાબાશીના ભાવ સાથે જવાબ આવ્યો, ‘હું નિકેત દેસાઈ.’ બસ આવતાં બંને ચડ્યાં. નિકેતે આગળ ચઢી એક મહિલા પાસે ગ્રીષ્માની જગ્યા રાખી. પોતે બીજે બેઠો.
‘બધા પુરુષો કદાચ સિકન્દર, નેપોલિયન નહીં હોય.’ ઘેર પહોંચતાં ગ્રીષ્મા વિચારે ચડી. પછી અચાનક થયું કે : ‘વનસ્ટેપ બૅકવર્ડ, ટુ સ્ટેપ ફોરવર્ડ’ ની નીતિ તો નહીં હોય ને ? રાત્રે જ તેણે ઉદાર-લાગણીસભર વલણ ત્યજવાનો નિર્ધાર કર્યો.
****

‘આવતા અઠવાડિયે તમારે બન્નેએ આપણા ડિપાર્ટમેન્ટ તરફથી આકાશવાણી પર વાર્તાલાપ આપવા જવાનું છે.’ વિભાગીય અધ્યક્ષ શર્માસાહેબે એક દિવસ ગ્રીષ્મા-નિકેતને પોતાની ચૅમ્બરમાં બોલાવીને કહ્યું : ‘સાહેબ, સ…મ…ય…ની… અ…નુ…કૂ…ળ…તા ?’ ગ્રીષ્માથી અનિચ્છા વ્યક્ત થઈ ગઈ.
‘તમારે તે દિવસે વર્ગોમાં નહીં આવવાનું. વાહન પણ તમને લેવા-મૂકવા આવશે.’
‘પણ, સા..હે…બ… મને ન રાખો તો ? નોકરી, ધરકામ ને ભણવામાં મને સમય જ ક્યાં મળે ? હું તૈયારી નહીં કરી શકું ?’ ગ્રીષ્મા.
‘અરે બહેન, તારે તો પ્રશ્નોના જવાબ દેવાના છે. તેમાં તૈયારી વળી, શી કરવાની !’ સાહેબે કહ્યું. પછી જરા અટકીને કહે, ‘અને હા, વિષય છે : “સમાજપરિવર્તનમાં સાહિત્યનું પ્રદાન” ’

‘તું રેડિયો ટૉકમાં જવાની ના પાડતી હતી ?’ બીજે દિવસે ગ્રીષ્માને તેની બહેનપણી ને વડીલસમી અંજના મળી ત્યારે તેણે રોષ-નારાજગી સાથે પૂછ્યું.
‘હા.’
‘નિકેતભાઈ પણ નીકળી ગયા.’
‘હેં….’ ગ્રીષ્માથી પુછાઈ ગયું, પણ પછી કહે, ‘મારે એ બધી વિગતો-વાતો સાથે કોઈ નિસબત નથી.’
‘નિસબત છે જ વળી !’
‘શું ?’
‘વાર્તાલાપમાં તારી સાથે નિકેતભાઈ છે તે તેને નથી ગમતું. તમનો પરિચય-સંપર્ક વધે તે તને પસંદ નથી ને….’
‘ને… શું ?’
‘ને… આ બધું તેઓ સમજી ગયા છે.’
‘તો વધુ સારું. સામે ચાલીને કહેવું મટ્યું.’ રોષ-કરડાકીમાં ગીષ્મા બોલી.
‘તું પણ શું મનમાં આવે તેમ બોલ્યે જાય છે ગીષ્મા ? નિકેતભાઈ કાંઈ સરાસરી પુરુષ નથી. તારે તેમને સમજાવવા જોઈએ ને તમારે બન્નેએ વાર્તાલાપ માટે જવું જોઈએ.’
‘દીદી, તમે વધુ પડતો વિશ્વાસ મૂકો છો. મને એવું નથી લાગતું.’
‘ગ્રીષ્મા, તારો વેદનાભર્યો અત્યંત કડવો અનુભવ જાણું છું. પણ તું એને જ યાદ કર્યા કર ને એને જ બધા પુરુષોને માપવાની પારાશીશી બનાવ તે યોગ્ય નથી.’

‘તમે તમારું નામ રેડિયો-વાર્તાલાપમાંથી કઢાવી નાખ્યું ?’ અંજના સાથેની વાત પછી ગ્રીષ્માએ નિકેતને પૂછ્યું.
‘હા, મેં સાહેબને વિનંતી કરી છે.’
‘શા માટે ?’
‘તમારી સાથે બીજા પણ કોઈ બહેન હોય તો વધુ સારું.’
‘એવું માનવાનું કારણ ?’
‘તમને કોઈ મહિલા જ તમારી સાથે હોય તો વધુ ફાવે.’
‘એવું કાંઈ નથી. તમને એવું લાગ્યું ?’
‘તમારા સમગ્ર વ્યવહારમાંથી મને એવું વંચાયું.’
‘એથી તમને માઠું લાગ્યું ?’
‘માઠું નથી લાગ્યું. આ પ્રસંગ પૂરતો તો હું ખસી જાઉં એ સરળ ને હાનિરહિત ઉકેલ લાગ્યો.’
થોડી ક્ષણોની શાંતિ પચી ગ્રીષ્મા કહે : ‘એ નિર્ણય ફેરવી ન શકો ?’
‘એવી જરૂર નથી, આ સંદર્ભે તમે જરાય ભોંઠપ ન અનુભવશો એટલી ખાસ વિનંતી છે.’
‘પણ તો પછી તમે જ સાથે રહો ને !’
‘તમારો સહજ આગ્રહ હશે તો હું મારી વાત પકડી નહીં રાખું પ..ણ…’ કહી નિકેત અટકી ગયો.
‘શું પ…ણ… ?’
‘ગ્રીષ્માબહેન, મને માઠું નથી લાગ્યું પણ દુ:ખ થયું છે. તમારું વલણ જાણી દુ:ખ થયું છે. મારે માટે નહીં, તમારા માટે.’ પછી જરા અટકીને કહે : ‘તમે ભણેલાં છો, પગભર છો ને સ્વતંત્ર વિચારશક્તિ ધરાવો છો. તમે મહિલા જ રહો પણ એવાં મહિલા રહો જે પુરુષથી ભાગે નહીં, ડરે નહીં. તેની સાથે કદમ મિલાવી આપ-નિર્ણયથી જીવે.’
‘એ હામ જ ક્યારની હણાઈ ગઈ છે.’ ગ્રીષ્માનું અંતર પોકારી ઊઠયું. પરંતુ રસના-હોઠ મૂંગા રહ્યાં.

‘આકાશવાણી’ માંથી ગ્રીષ્મા અને નિકેત વાર્તાલાપનું રૅકોર્ડિંગ કરાવીને બહાર નીકળ્યાં. બંને સંતુષ્ટ અને ખુશખુશાલ હતાં. એમ પણ થતું હતું કે સાંનિધ્ય અને નિકટતાની કૂંપળો ફૂટી રહી છે. પરસ્પરને અભિનંદન આપી, આભાર માની બંને સાનંદ છૂટાં પડ્યાં. હવે અપડાઉન સમયનું ભેગા થવું નિરાયાસ હતું ને એ ટાળવાનું તો સાંભરતું પણ નહીં ગ્રીષ્માને. નિકટતા ને દૂરત્વની એક સમતુલા નિકેત સતત જાળવતો. પૌરુષભાનથી પર એવું આ વ્યક્તિત્વ ગ્રીષ્માના ઘવાયેલા ચિત્તને જાણે ટાઢક-સારવાર આપતું હતું.
‘તમે ઘરમાં કોણ કોણ ?’ એકવાર આ રીતે, બસમાં પાસે પાસે બેસી બંને વાતો કરતાં હતાં ત્યારે નિકેતે પૂછ્યું.
‘કોણ કોણ એમ ? લ્યો ગણાવું…’ ગ્રીષ્મા સહજતાથી હસીને બોલી, કહે, ‘મમ્મી-પપ્પા, મોટાભાઈ, નાની બહેન, ભાભી, ત્રણેક વર્ષનો ભત્રીજો ને એ બધાં ઉપરાંત આઈ એમ પોતે !’ જરા ઠસ્સાથી ગમ્મતમાં ગ્રીષ્માએ ઉમેર્યું અને બન્ને હસી પડ્યાં.
‘સદભાગી લાગો છો !’
‘કેમ ?’
‘તમારે ઘરમાં લગભગ બધાં મોટાં. જવાબદારી કશી નહીં ને નોકરી-અભ્યાસનાં મજાનાં બહાનાં. પછી ઘરમાં તો લાડ જ કરવાનાં ને ?’ નિકેતે વાતની દિશા બદલતાં કહ્યું. તેના અંતરમાં પ્રશ્ન થયો કે ગ્રીષ્મા હજી અપરણિત હશે ?
ગીષ્મા પોતાના મૂડમાં જ હતી. કહે : ‘તમે પણ ખરા છો ! હવે લાડ વળી શું ? પણ… કહો તો.. તમે ઘરમાં કોણ કોણ ?’
‘વિધવા માતા ને નાનીબહેન.’
‘બીજું કોઈ નહીં ?’
‘મોટીબહેન છે તે તેના સાસરે.’
‘તો તો તમારો વટ પડતો હશે !’ વળતો પ્રહાર કરવાની તક ઝડપતાં ગ્રીષ્મા બોલી.
‘તમારે લાડ નહીં ને મારે વટ ખરો, એમને ?’
‘ચોક્કસ એમ જ.’
‘તો તમારું આ વલણ તમારામાં હમણાં જ જાગેલી મહિલા નિર્ણયશક્તિનું દ્યોતક ગણું ?’ લુચ્ચા કહી ગ્રીષ્માને ધબ્બો મારવાનું મન થઈ ગયું. નાનપણમાં છોકરા-છોકરીનો ભેદ ભૂલીને જે આનંદ કરેલો તે બધું અત્યારે શા માટે તાજું થયું ?
‘કેમ વટ નહીં ? બા તો મહત્વ આપે જ. નાનીબહેન તો ભાઈસાહેબ આવે એટલે માર્ગમાં જાજમ પાથરતી હશે.’ ગ્રીષ્મા બોલી. ને પછી પોતે પોતાના વાક્યને તથા સંબોધનને સંભારી ફ….ફપ કરતી હસી પડી. ત્યારે એ સંબોધન – ભાઈસાહેબ – નો કેવો આકસ્મિક, સહજ ને મનભાવન આવિષ્કાર હતો. એ દિવસ, એ ક્ષણ, એ વાક્યમાં સરતાં ગ્રીષ્મા ગણગણી. કેમ ? કેવી રીતે ? પોતાના ગ્લાનિભર્યા જીવનમાં આમ આટલી સહજતા, નિકટતા, પ્રફુલ્લતા પ્રવેશી ગઈ હશે ? પ્રિયતમ અને સ્વામી વચ્ચેનું ચિત્તમાં જાગેલું તુમૂલ યુદ્ધ. તેનાથી આ બધું પર છે કે પછી એ અંધકારને દૂર કરવાનો વ્યર્થ પ્રયત્ન કરતો વીજ ઝબકારો છે આ ? ગ્રીષ્મા ગૂંચવાતી હતી.
*****

વિખ્યાત સમાજસેવકનો સ્વર્ગવાસ થવાથી આજે વર્ગો અચાનક બંધ રહેલા. સૌએ હવે પાછા જવાનું હતું. નિકેતને પૂછવા જતાં ગ્રીષ્માએ જોયું કે તે જરા ઢીલો છે. વાત કરતાં ખ્યાલ આવ્યો કે નિકેત આજે જમ્યા વગર આવ્યો છે ને અત્યારે સખત માથું દુ:ખે છે. ગ્રીષ્માએ અન્ય સૌને જવા દીધા. નિકેતને કહે, ‘આપણે તરત પાછાં નથી જતાં. કોઈ રેસ્ટોરંટમાં જઈએ, તમે નિરાંતે કશુંક ખાઈ લ્યો.’ રેસ્ટોરંટમાં સારા અજવાસવાળી અલાયદી જગ્યા ગ્રીષ્માએ પસંદ કરીને વાનગીનો ઑર્ડર પણ તેણે જ આપ્યો. હમણાં હમણાં બન્ને વચ્ચે ઘર-મિત્રો-પ્રશ્નો-મૂંઝવણો વગેરે અંગે મત-સલાહની આપ-લે થતી. સ્થળ-અવસર ને આવશ્યકતા જોઈ આરામથી બેસતાં. હળવા મૂડમાં ગ્રીષ્મા કહે, ‘નિકેતભાઈ, હવે તમે જલદી પરણી જાઓ. બસ ચપટી વગાડતાં આ બધી તકલીફ ગાયબ.’
નજીકના ભૂતકાળમાં નિકેત લગ્નપ્રસતાવ સંદર્ભે ત્રણેક પાત્રોને મળેલો. એકેય પાત્ર નિકેતને પસંદ નહીં પડેલું. આથી નિકેતના મિત્રો ઠપકો આપવા કે નારાજગી દર્શાવવા, ચોપાટ રમવાના શોખીન નિકેતને કહેતા, ‘તેં તો ત્રણ ત્રણ પાત્રોને ખડાં કરાવ્યાં.’ આ બધી વાતો ગ્રીષ્મા જાણતી હતી. વાતાવરણને વધુ હળવું કરવા કહે, ‘મેં કહ્યું તે સાંભળ્યું નહીં ને ? કહું છું નિકેતભાઈ, પેલું શું ? હા, હવે ખડું ન થાય તેવું કરો.’
નિકેત થોડું હસ્તો, આજુબાજુ નજર નાંખતો મૂંગો રહ્યો. બન્નેની કૉફી આવી ગઈ હતી. મૂંગા મૂંગા બન્ને કૉફીનો ઘૂંટ લેવાને નીચે નમ્યાં ને ચહેરા નજીક આવ્યાં.
‘ખ…ડું… શા… મા..ટે…. થા..ય.. છે… ક…હું ?’ નિકેત અચકાતાં ધીમેથી બોલ્યો.
‘હા કહો ને !’ ગીષ્મા આજે જાણે જુદી જ હતી.
ગ્રીષ્મા સામે જરા જોઈ, આછું મલકી, દષ્ટિને પોતાના કપ તરફ નીચે કરી નિકેત કહે, ‘તમે મારા માટે સાસરે ન આવી શકો ?’

વીતી માત્ર ક્ષણ, પણ જાણે યુગો વીત્યા. નિકેતને અકળાવતી નીરવતા અને ગીષ્માનું મૌન, પ..ણ ? નિકેતે જો ઊંચે જોયું હોત તો ગ્રીષ્માના કાશ્મીર જેવા રમ્ય ચહેરા પરથી વહી હતી, આનંદ-સંકોચની લહેરખી ને સ્થિર થયું હતું બોઝિલ ગાંભીર્ય. ગ્રીષ્મા આવો પ્રસ્તાવ ઝંખતી પણ હતી ને તેનાથી ડરતી પણ હતી.
‘ગ્રીષ્માબહેન, મને માફ કરો. ચાલો, આપણે ઊઠીએ.’ ઝડપથી કૉફી પૂરી કરતાં નિકેતે કહ્યું.
ગ્રીષ્માનું અંતર દ્વિધામાં હતું. તેને ભાગવું પણ હતું ને નિરાંતે બેસીને અઢળક વાતો પણ કરવી હતી. ભારે જોખમ પણ લાગતું હતું. ને પેલી ઈચ્છા પણ અદમ્ય હતી. તે સ્થિર બેસી રહી. થોડીવારે ગંભીરતા ને દઢતાથી કહે : ‘નહીં નિકેતભાઈ, તમે પૂરું ખાઈ લ્યો પછી જ ઊઠીશું ને વાત પણ પૂરી કરીશું.’
વળી ઘડીક મૌન. અંદરની ગ્રીષ્મા બોલતી હતી, નિકેત તમારી આ દરખાસ્ત સ્વીકારીને હું ધન્ય થઈ હોત, પ….ણ, વળી તેને એક અંગ્રેજી નવલકથાની નાયિકાના શબ્દો હોઠે આવ્યા : ‘I would like to be yours than anybody’s in the world, but I can’t marry you !’ પરંતુ આવું કશું તે ન બોલી.
પ્રગટ કહ્યું : ‘નિકેતભાઈ, દુ:ખ ન લગાડશો, પ….ણ’
‘શું પ…ણ’ નિકેતનો ચહેરો અધીરો બન્યો.
‘પણ.. હું પરિણીત છું.’
‘શું ? શું કહો છો તમે ?’ લગભગ અવાક નિકેતના અસ્ફૂટ શબ્દો સંભળાયા.
‘હા, હું પરિણીત છું ને છતાં પતિ સાથે નહીં, પિતાને ત્યાં રહું છું.’ ગ્રીષ્મા બોલી, તેની આંખો ભીની થઈ. અંદરની ગૂંગળામણને જાણે બહાર વહેવું હતું. બાઝેલી ખરેરી દૂર થાય તેટલી રાહ જોઈને કહે, ‘સાસરે ગયા પછી થોડા સમયમાં જ અનુભવાયું કે આ પુરુષ સાથે નહીં જીવાય. મનમાં વધુ ને વધુ ગૂંગળાતી એકાદ વર્ષે પિયર ચાલી આવી, કાયમ માટે.’ તે આમ અટકી પણ મન વિહારે નીકળ્યું. પરિવારો દ્વારા જ પ્રસ્તાવ અને સગાઈની તૈયારી ચાલેલાં. રવીન્દ્ર તેને મળવા આવ્યા. નિરાંતે – લાંબુ ફરવા ગયેલાં. પરિચિત કુટુંબને નાનપણથી પરસ્પરને જાણે. બે-ત્રણ મુલાકાતોમાં તો ગ્રીષ્મા સ્વપ્નલોકમાં વિહરવા લાગેલી. ગોવર્ધનરામનું પેલું વિધાન – ‘દામ્પત્ય એટલ ઉત્તમ સખ્ય’ – ની મૂર્તિમંતતા તેને નજીક લાગેલી. લગ્નપ્રેમનું જાણે દષ્ટાંત બની રહેવાનું. કેવા સરસ છે રવીન્દ્ર ? અંદરથી હોંશના ફુવારા છૂટવા લાગેલા પ…ણ… કેવા એ રવીન્દ્ર ? ડૉ. જેકીલ ને મિ. હાઈડ નર્યા.

વર્તમાનમાં પાછી આવી જુદા જ મનની આજ્ઞા માથે ચડાવતી હોય તેમ કહે, ‘હવે તો કાયદાકીય રીતે અલગ થવાની વિધિ પણ પતવામાં છે.’ તે થોડી પ્રફુલ્લ-આતુર બની. નિકેતમાં પણ જરા હિંમત આવી. ખુશ ચહેરા સાથે પૂછયું :
‘સામો પક્ષ છૂટાછેડા માટે તૈયાર થયો ?’
‘હા…’
‘નવાઈ લાગે….’
‘કેમ ?’ ગ્રીષ્માને સમજાતું નહોતું.
‘તમારા જેવી જીવનસંગીની તો સદભાગીને મળે !’
અંદર મિષ્ટ-શીતલ, પરિમલ, બહાર રુક્ષતા-ભાવહીનતાનું આવરણ પરંતુ નૈકટ્ય અનુભવતું અંતર સામા અંતરને પામી જતું હશે.
નિકેત કહે : ‘એવું તમારામાં શું છે તે કહું ?’ આવી ક્ષણોમાં મૌન એટલે અનંત અનુમતિ.

‘ગ્રીષ્માબહેન, તમે સંવેદનશીલ છો, બુદ્ધિશાળી ને ભણેલાં છો. વળી, સુંદર તો છો જ. આવું સંપૂર્ણ સ્ત્રીવ્યક્તિત્વ કોને મળે ?’
સંકોચજન્ય રતાશ, પ્રફુલ્લતા ને તૃપ્તિ પળ-વિપળ માટે ગ્રીષ્માના ચહેરા પર ધસી આવ્યાં, પરંતુ બીજી જ ક્ષણે જાણે તે યુવતીમાંથી પ્રૌઢા બની ગઈ. વર્તમાન પર વજ્રલેપ કરીને કહે, ‘સાચું કહું ?’ અટકીને દૂરનું કશુંક જોતી-સંભારતી હોય તેમ કહે, ‘બા એમ જ કહેતી, સગાંઓ-સખીઓ સૌ કહેતાં, ધન્ય થશે એ ઘર ને વર જ્યાં તું જઈશ.’
વળી, લાંબી નીરવતા છવાઈ, ‘પણ જ્યાં એ વ્યક્તિત્વબીજ સૌથી વધુ કોળવું જોઈએ ત્યાં જ એને જ્વાળા અડી ગઈ’ આંખોનાં જળ તેમજ અવાજની ગમગીની છુપાવતી ગ્રીષ્મા બોલી. પછી થોડીવારે સ્વસ્થ થતાં કહે : ‘મને માફ કરશોને ?’
‘કેમ ? શા સંદર્ભમાં ?’
‘મેં તમને અવગણ્યાં, હતાશ કર્યાં.’
‘ના ના, મને એવું નથી લાગ્યું. તમે બધી સ્પષ્ટતા કરી તે ગમ્યું. આમ પણ ચાહના-અનુરાગના વ્યાપારને હું વિરલ, સંકુલ ને નિજી ગણું છું.
‘આટલું જાણ્યા પછી તમે રાહ જોવાનો પ્રસ્તાવ કેમ ન મૂક્યો ?’ ગ્રીષ્માથી પુછાઈ ગયું. પુરુષના સ્નેહ માટે આતુર પણ અકાળ મૂરઝાયેલું તેનું સ્ત્રીત્વ કોળવા મથતું હતું.
‘હું ઈચ્છું કે મારી સાથે જોડાનાર અંદર-બહારથી મને ચાહે – મારામય હોય, તમારી માનસિક ભૂમિકા એવી ન લાગી. જ્યાં આગ્રહનો પ્રવેશ ત્યાંથી સ્નેહ પલાયન.’
ગ્રીષ્માને કહેવું હતું : ‘આવા જ કોઈ સ્વપ્ન સાથે પોતે રવીન્દ્ર પાસે ગયેલી, થોડા વખતમાં તેમણે એના રજ-રજ જેવડા ટુકડા કરી નાખ્યા. કેવી આ વિડંબણા હતી ? કોઈ પુરુષના અંતરસિહાસને બિરાજવાની અદમ્ય ઝંખના. તેની સાથે હૃદય વિનિમયની સતત તાલાવેલી પરંતુ એ સાથે જે નાતો ઊભો થાય તેનો નિદ્રાહારી ભય ! આવું કેમ બન્યું ? પ્રિયતમનું મધુર સ્વપ્ન લઈને એ નિસરેલી. સામે મળ્યો સ્વામી, માલિક, ધણી – નર્યા કરાળ-વિકરાળરૂપે. બસ, ત્યારથી ખેંચાણ ને ધક્કો-પ્રહારના વિનાશક દ્વંદ્વમાં તે ક્ષીણ થતી જતી હતી. આ નિકેતભાઈની વાત જ લ્યો ને. સ્ત્રીપુરુષના ભેદ વગરનો એક સહજ મૈત્રીસંબંધ તેમના પરિચયથી આરંભાયો હતો. આધાર-આશ્વાસનનો એક છોડ રોપાયો હતો. ત્યાં તેમનામાં પણ પેલો પુરુષ દેખાયો. સાથે દેખાયું એ જ દ્વંદ્વ. તેમનો પ્રસ્તાવ કેટલો ગમેલો. પ્રિયતમનું સ્વપ્ન બધાં દશ્યોની પહેલાં ગોઠવાઈ ગયેલું, પણ તેનું પોતે જોયેલું રૂપ. પેલા ટુકડેટુકડા, તેણે આશા ને વિશ્વાસનો થોડો અંશ પણ પોતાના દિલમાં રહેવા નથી દીધો. મન કહે છે : ‘નહીં નહીં, ગ્રીષ્મા તારા માટે એ માર્ગે હવે કશું જ નથી.’

‘ચાલો, ઊઠીશું ?’ અન્યમનસ્ક બની ગયેલી, મનથી ખોવાયેલી ગ્રીષ્માને કાને શબ્દો પડ્યા.
‘ગ્રીષ્માબહેન, તમારે મને માફ કરવો પડશે.’ જતાં જતાં રસ્તામાં નિકેતે કહ્યું.
‘એ વળી શા માટે ?’
‘તમારા આ વેદનાઘાવ ઉખેળવાનું અનિચ્છનીય નિમિત્ત બનવા માટે.’
‘તો પરસ્પર માફ કરી દઈએ ?’ ગ્રીષ્મા બોલી. ને બન્ને ગ્લાનિભર્યું હસ્યા. કારણ નહોતું પકડાતું. પરંતુ નિકેતનું મન પણ અવસાદમય હતું.

વર્ષ અભ્યાસ પૂરાં થયાં. છેલ્લે દિવસે ગ્રીષ્માની એક ચિઠ્ઠી નિકેતને મળી. ‘તમને મનપસંદ પાત્ર મળી જાય તેવી પ્રભુને પ્રાર્થના. તેની સાથે દીર્ધ-તૃપ્તિકર દામ્પત્ય માણો તેવી શુભેચ્છા. હવે ભાઈસાહેબમાંથી સાહેબ કાઢી નાખશું. કંકોતરી મોકલશો ને ?’
****

ગ્રીષ્માના પર્સમાં એક ચિઠ્ઠી હતી. તેની નાની બહેન મિતાએ વડોદરાથી લખેલું, ‘દીદી, આંટો આવી જઈશ ? સ્નેહા માટે પાત્રની તપાસ કરીએ છીએ. બે પાત્રો અમને સૌને સારાં લાગ્યાં છે. એક છે વીરેન્દ્ર મનોજભાઈ ઓઝા અને બીજા છે સુધીર નિકેતભાઈ દેસાઈ. પરંતુ દીદી, નિર્ણય નથી લેવાતો. આમ ચિઠ્ઠીમાં બીજું શું લખું? આવી જઈશ આંટો ?’ વડોદરાનું આ પણ એક કામ હતું…
‘દીદી, એ બન્નેમાં સુધીર સૌને વધુ ગમ્યો પણ….’ મિતાને તે મળી ત્યારે મિતાએ કહ્યું.
‘પણ શું ?’
‘એ ઘરમાં દીકરી મોકલતાં જરા ચિંતા થાય….’
‘કેમ ? શું છે એવું ?’ જરા ચિંતિત અવાજે ગ્રીષ્માએ પૂછયું.
આમ કાંઈ જ નથી. સુધીરનાં બા હયાત નથી. ઘરમાં ત્રણ પુરુષો જ. પિતા ને બે પુત્રો. સુધીર મોટો, સ્નેહાને ન મળે કંપની, મદદ કે માર્ગદર્શન, બીજી બાજુ વીરેન્દ્રનું ઘર એવી અનુકૂળતાવાળું, પણ સ્નેહા-સુધીરને પ્રથમ મુલાકાતે જ પ્રેમ થઈ ગયો છે જાણે !’ ખુશી-મૂંઝવણના સંયુક્ત ભાવે મિતા બોલી. ‘હં…હં…. મિતાની ચિંતા સમજાય છે ને સામો પક્ષ હું ધારું છું એ જ લાગે છે.’ ગ્રીષ્મા સ્વગત બોલી. તેને નિકેતની લગ્ન કંકોતરી, સંધ્યા સાથેનો તેનો સંસાર બધું યાદ આવી ગયું. એ પછી તો ગ્રીષ્મા પોતે જ લાંબા સમયથી વડોદરા છોડી ઉત્તર ગુજરાત બાજુ ચાલી ગયેલી. ખાસ કશો સંપર્ક જ નહીં રહેલો. ‘સંધ્યા ગઈ ? ક્યારે ?’ ગ્રીષ્માના મનમાં પ્રશ્ન થયો. પછી મિતાને કહે, ‘મને સરનામું આપ. હું જાતે જ તે ઘરે બધું જોઈ આવું.’

‘અરે ગ્રીષ્માબહેન તમે ? કેટલાં વર્ષે ?’ પૂછી પૂછીને નાના પણ સુંદર બંગલાના દરવાજે ગ્રીષ્મા પહોંચી ત્યાં કાને શબ્દો પડ્યાં. ગ્રીષ્માનું અનુમાન સાચું હતું. એ જ નિકેત હતો. બાગને પાણી પાતો હતો. ‘તમે ઓળખી ગયા ખરા ?’ સહજ ખુશાલી સાથે ગ્રીષ્મા બોલી. બન્ને ઘરમાં જઈ બેઠકખંડમાં ગોઠવાયાં. ચારે બાજુ બધું જોતી, પરિચિત ને ખુશ થતી ગ્રીષ્મા હળવી થઈ કહે, ‘છેલ્લાં 18-20 વર્ષથી તો હું દૂર ચાલી ગઈ છું.’
‘હા, અમારાં લગ્નમાં તમે આવેલાં. એ પછી એકવાર અમારે ઘરે પણ નિરાંતે આવેલાં પરંતુ પછી તો નહીં ખબર-અંતર, નહીં મળવાનું.’ નિકેતે કહ્યું. અને પછી વીતેલા જીવનનાં આરોહ-અવરોહની વાતોમાં તો વળી, જૂનાં સંસ્મરણોમાં બન્ને ખોવાયાં. ત્રણેક વર્ષ પૂર્વેની સંધ્યાની વિદાયે બન્નેની આંખો સજળ કરી તો વળી, દૂર સરી ગયેલો અભ્યાસકાળ હસાવી પણ ગયો. સમયનું અંતર લગભગ નષ્ટ થયું. ગ્રીષ્માએ મિતા સાથેનો પોતાનો સંબંધ કહ્યો ને સ્નેહા-સુધીરના સંબંધ-વિચારની વાત યાદ કરાવી. તેણે મિતાનાં ચિંતા-ખચકાટનું કારણ કહ્યું એટલે નિકેત ખિન્ન ને ઓશિયાળો બની નતમસ્તકે બેઠો રહ્યો. ઘડીક શું બોલવું તે ગ્રીષ્માને પણ ન સમજાયું. આખરે રજા લેતાં ગ્રીષ્મા કહે, ‘નિકેતભાઈ, ધીરજ રાખજો ને કોઈ છેડાનો નિર્ણય ન લેતાં, હું પાછી તમને મળું છું.’

બન્ને પરિવાર વચ્ચે બે-ચાર આંટા મારી, નિકેતભાઈને પોતે કહે તેમ કરવા તથા મિતા-સંજયને પોતા પર બધું છોડવા સમજાવ્યાં, આમ જ પછી તેણે બન્ને પરિવારોને ભેગાં થવાનો અવસર પણ ગોઠવ્યો. પોતાનાં ભાઈ-ભાભી, કાકા તથા મિતાના મોટાં નણંદને આમંત્ર્યાં ને નિકેતનાં મોટાં બહેન-બનેવી તેમજ વૃદ્ધ મામાને પણ બોલાવ્યાં. મંગલ પ્રસંગ જેવો ઠાઠ હતો તો વળી, સુશોભનમાં કલાદષ્ટિ પણ ઊપસતી હતી. ધીમું મધુર સંગીત લહેરાતું હતું ને સાથે પરિચય વાતો પણ ચાલતી હતી.
‘અરે, ભઈ ગ્રીષ્મા, આ વાતો-સંગીત બધું ઠીક છે, બરાબર છે. સારું છે, પરંતુ સમોસાં, મિલ્ક શેઈક, આઈસ્ક્રીમ વગેરે મળવાનાં છે તે જાણ્યા પછી આ બધું જરા ફિક્કું લાગે. મારા જેવા ઊંચી રુચિ ધરાવનારાની બહુ ધીરજ ન રહે. હવે કામની વાત જલદી પતાવીએ તો ?’ ગ્રીષ્માના ભાઈએ કહ્યું. સહજ વાતાવરણમાં આથી હળવાશ આવી ને અપરિચિતતા ઓગળવા લાગી.
‘કા…મ…ની…વા..ત.. તો… નિકેતભાઈએ કરવાની છે.’
‘મારે ? એવી વાત ક્યાં થઈ છે ?’ નિકેત.
‘કેમ ? મિતાની મૂંઝવણનો ઉકેલ તો તમારે જ આપવાનો છે તેમ ગ્રીષ્મ કહેતી હતી.’ કાકા બોલ્યા.
‘આમાં મધ્યસ્થી ગ્રીષ્માબહેન હતાં. તે જ વાત કરશે તેવી અમારી વચ્ચે વાત થઈ છે.’ નિકેતે જરા ઠપકા ભરી નજરે ગ્રીષ્મા સામે જોઈ કહ્યું.
‘સારી કન્યા જતી ન કરવી હોય તો તમારે જ કહેવું પડશે, નિકેતભાઈ’ ગ્રીષ્માનાં ભાભી બોલ્યાં. આખો ખંડ ગૂંચવાતો-મૌન. નિકેત ગ્રીષ્માની યુક્તિ પામી ગયો. જરા હસી, ગંભીર થતાં કહે, ‘મારા પુત્ર સુધીરનાં લગ્ન પહેલાં મારે પુનર્લગ્ન કરવાં એવું મેં નક્કી કર્યું છે.’

– સૌ નર્યાં અવાક્ !
‘નિકેતભાઈ, બહુ સારા સમાચાર તમે આપ્યા. હવે એ જણાવો કે તમે કોની સાથે લગ્ન કરવાના છો ? અમે સૌ એ જાણવા આતુર છીએ.’ નિકેતના બનેવી બોલ્યા.
‘એ…ક….છે…. ગ્રીષ્મા નાણાવટી કરીને. તમે કોઈ ન ઓળખો.’ પૂરું ન સંભળાય તેવી રીતે, કલ્પનાતીત ગંભીરતાથી નિકેતનાં બહેન બોલ્યાં.
‘શું ?’ આખો ખંડ નીરવ પ્રશ્ન થી છલકાયો.
‘હા… પહેલાં નિકેતભાઈ ગ્રીષ્માબહેનને પરણવા અહીં આવશે. પછી સુધીર-સ્નેહાના સંબંધની વાત વિચારણામાં લેવાશે.’ ભાણેજ-સ્નેહા તરફ હસીને જોતાં મિતાનાં ભાભી બોલ્યાં.
‘શું વાત છે માશી ? વોટ અ ગ્રેટ સરપ્રાઈઝ !’ ઠેકડા સાથે ઘસી આવી ગ્રીષ્માને વળગી પડતાં સ્નેહા બોલી : ‘તમે માશી ને હ…વે… મ..મ્મી… પ…ણ ?’ અને આટલું બોલતાં જ સ્નેહાની નજર સુધીર પર પડી. તે તેને જ જોઈ રહ્યો હતો. સ્નેહા માશીની ઓથે સરી ગઈ ને સુધીર પણ છત જોવા લાગ્યો.
‘ગ્રીષ્માબહેન, હવે તો સ્નેહાની સાથે અમે સૌ પણ તમારે ત્યાં જ આવીશું.’ મિતાના પતિ સંજયે કહ્યું.
‘નિકેત મોંનો મોળો છે એટલે મારે બોલવું પડે છે કે તે ગ્રીષ્માને લેવા આવવાનો છે, લશ્કરને નહીં !’ નિકેતનાં બહેન બોલ્યાં.

‘સરસ વાત કરી સુવર્ણાબહેને, હવે બીજા વાત સાંભળી લ્યો : મિતાના ભાઈ વળી, આરામ મળી જતાં ટટ્ટાર થયા. કહે, ‘આ તો નિકેત-ગ્રીષ્માનાં લગ્નની વાત છે. સ્નેહા-સુધીરના સંબંધ અંગે તે બન્નેની કે વડીલોની કોઈ ઈચ્છા-દરખાસ્ત હજી સુધી વિધિવત્ નોંધાઈ નથી ! સ્નેહાનો મામા તરફ લાંબો જીભડો, નિકેતનો અભિનંદિત ભાવ, સુધીરનું છુપાતું હાસ્ય ને મિતા-ગ્રીષ્માનું ગમ્મત માણતું સ્મિત. આવા વાતાવરણ વચ્ચે સ્નેહાની નાનીબહેન પૂર્વા બોલી, ‘મામા, તમારે એવું નથી બોલવાનું. યુ ગેટ આઉટ, સ્નેહાબહેનને તો સુધીરભાઈ ખૂબ ગમે છે.’ સ્નેહા હવે ત્યાં શી રીતે ઊભી રહી શકે ?

‘આ એક સરસ પ્રસંગ થયો. હવે સ્નેહા-સુધીર માટે વિચારવા માટે આપણે સૌ ક્યારે મળીએ છીએ ?’ સૌ છૂટાં પડતાં આંગણાંમાં આવ્યાં ત્યાં મોટરમાં બેસતાં મિતાના ભાઈએ પૂછ્યું.
‘હા, એ પણ હવે જલદી વિચારી લેવું છે. તમને બોલાવીશું.’ મિતા
‘પણ એક સૂચન અત્યારથી નોંધી લ્યો. વાનગીઓ આવી જ સરસ પરંતુ આઈટમો જુદી રાખજો.’
‘ખાવું જરા અમથું પણ વાતો એવી કરવી કે સૌ ખાઉધરા જ માને !’ જરા ઠપકાભર્યા અવાજે મિતાનાં ભાભી બોલ્યાં.
‘મહાપુરુષો હમેશાં બીજા માટે જ બધું કરે. બીજા માતે કરગરવામાં પણ તે ગૌરવ લે !’
‘તે આ બધું તમે કોના માટે બોલો છો ?’
‘કેમ ? તમારા સૌ માટે !’ વળી, આંગળામાં હાસ્ય વેરાયું. પછી એકદમ બદલાઈ જતાં સ્નેહાના મામાએ આનંદનાં અશ્રુ સાથે આંગણું છોડ્યું.
‘દીદી, તું આપણી ગાડીમાં જિજાજીને મૂકી આવ’ બધાં વિખેરાઈ ગયા પછી મિતાએ કહ્યું.
રસ્તામાં ગ્રીષ્મા કહે : ‘આ તો માત્ર રિહર્સલ છે એ તમે જાણો છો ને ?’
‘હા. જાણું છું કે આ નાટક જ છે. પ…ણ…’
‘પ….ણ ?’
‘જુઓ, મારે તો નાટકિયા માણસનું જરાય કામ નથી, પરંતુ મિતાને દગો નહીં લાગોને ? ગ્રીષ્માને અત્યારે એ મિલન-મુલાકાત યાદ આવ્યાં, જેમાં તે બન્નેએ આ ‘રિહર્સલ’ નો વિચાર-નિર્ણય કરેલો.
*****

સ્નેહા-સુધીરનો પ્રશ્ન ઉકેલવામાં મૂંઝાયેલાં બન્ને મૌન હતાં ત્યાં ગ્રીષ્મા અચાનક કહે : ‘નિકેતભાઈ, 20-25 વર્ષ પહેલાંનું પેલું વાક્ય યાદ છે, તમને ?’
‘હા, યાદ છે.’ બન્નેને વાક્ય વિશે જાણે સંપૂર્ણ ખાતરી હતી.
‘આજે એ પૂછશો ?’ ગ્રીષ્માનો રતુંબડો ચહેરો નમ્યો. અંતરમાં દબાયેલો અનુરાગ બધાં વ્યવધાનો છેદીને પૂર્ણકળાએ ખીલવા આતુર-અધીરો હતો.
‘લ્યો પૂછ્યું કે…..’ કહી નિકેત અટકી ગયો. નિકેતના ચહેરા સુધી લંબાયેલા ગ્રીષ્માના કાન જાણે ભોંઠા પડ્યા. ચહેરામાં રીસની રતાશ ભળી ત્યાં નિકેત હસીને બોલ્યો, ‘લ્યો પૂછ્યું કે, તમે મારે માટે સાસરે આવશો ?’

નિકેતના જમણા હાથને પોતાના બન્ને હાથ વચ્ચે મૃદુતાથી પકડી જાણે અતલમાંથી બોલતી હોય તેમ ગ્રીષ્મા બોલી, ‘હા…’ વળી, નીરવતા છવાઈ, નિકેતનો હાથ પકડીને જ કહે, ‘પણ નિકેતભાઈ, તમારો મારા માટે એવો જ, એ જ ભાવ છે ?’
‘હા, તીવ્ર એટલો જ ને દઢ તથા ગહન કદાચ વધારે.’
‘પણ આટલું તમારું દામ્પત્યજીવન ને આ ઉંમર ?’ ગ્રીષ્માને આજે જાણે નવોઢાના કોડ જાગ્યા હતા. વીત્યા સમય વિશે જાણે અફસોસ થયો હતો.
‘જુઓ ગ્રીષ્માબહેન, પ્રેમ અભિવાજ્ય છે. તમને ત્યારે ચાહેલાં એ જ ભાવ આજે પણ અચલ, અવિનાશી. સંધ્યામાં તમને જ મેં તો જોયાં છે.’
‘પણ આ વયે ? જીવનના કૃષ્ણ પક્ષે એ ઉત્કટતા હોય ?’ ગ્રીષ્મા જાણે સ્વગત બોલતી હતી.
‘કદાચ અભિવ્યક્તિમાં સંયમ, પરિપક્વતા આવે, બાકી ગ્રીષ્માબહેન, માતૃત્વ કદી બાલિશ નથી હોતું ને સ્નેહ કદી વૃદ્ધ નથી થતો.’ ગ્રીષ્માને કાને શબ્દો પડ્યાને તેને નવું ચેતન મળ્યું.
‘તો પછી નિકેતભાઈ, સ્નેહા-સુધીરનાં લગ્ન પહેલાં મિતાને ત્યાં તમે….’
‘હું જ જાન લઈને આવું, એમને ?’ ને પછી તો બન્ને સસ્મિત, સહમત, અવાક. ‘રિહર્સલ’ ના વિચારની આ જન્મક્ષણ.
******

ટ્રાફિક ખાસ નહોતો. મંદ ગતિએ ગ્રીષ્મા કાર ચલાવતી હતી.
‘નિકેતભાઈ, તમે તો એના એ જ છો.’ તેણે કહ્યું.
‘તમે થોડાં બદલાયાં છો.’ નિકેતે જરા મલકાતાં કહ્યું.
‘એટલે ?’ ગ્રીષ્મા નવાઈ પામી.
‘પુરુષ માટેનો, તેની સાથેના વિશિષ્ટ સંબંધ માટેનો તમારો અણગમો એવો જ હશે કદાચ, પણ હવે તમે ચાહવાનું નાટક કરી શકો છો એટલાં બદલાયાં.’
‘બહુ લાંબુ પકડી રાખ્યું તમે, ચાલો કાનબુટ્ટી પકડીને ભૂલ કબૂલ, આ માત્ર રિહર્સલ નથી, બસ ?’ કહી કાનબૂટ પકડી પછી હસી પડતાં મૂંગી રહી. થોડીવારે કહે, ‘થાય છે કે આપણે 20-25 વર્ષ પાછાં ચાલ્યાં જઈએ. ને તમારા એ પ્રશ્નના જવાબમાં કાંઈ બોલ્યાં વગર તમારા હાથમાં મારો હાથ મૂકી દઉં.’
‘તો તમે મન-તનથી મારે ત્યાં સાસરે આવવા આતુર ?’
‘હા, નિ:શેષ તમારામાં સમાવા અધીરી…. પણ નિકેત…..’
‘શું ?’
‘એકવાર ‘તું’ કહોને ?’

[સમાપ્ત]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે
ઈશ્વરનું જ કાર્ય – એન.પી. પંડ્યા Next »   

12 પ્રતિભાવો : રિહર્સલ – ભરત ના. ભટ્ટ

 1. મનિષ says:

  ખુબ સરસ વાર્તા. ખુબ જકડી રાખે તેવી. અંત સુખદ હસે કે દુઃખદ તે કલ્પના કરવી મુશ્કેલ હતી. જોકે અંત થોડો લંબાવ્યો તેવુ લગ્યુ.

 2. બીજા વિશે મારે કશું કહેવું નથી, પણ મને તો આ લઘુ-કથા મેં હમણાં સુધી વાંચેલી સૌથી શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક લાગી…

  it was a gud emotional roller-coster ride..

  ખુબ જ સરસ ભરતભાઈ… અને thnks mrugeshbhai for sharing this with us..

 3. ખરેખર ખુબ જ નવી શૈલી અને સુંદર કથા… ગ્રીષ્મા અને નિકેતના વ્યક્તિત્વ ગમ્યા. નિકેત એક પુરુષ પહેલા એક વ્યક્તિ છે અને ગ્રીષ્માને એક સ્ત્રી પહેલા એક વ્યક્તિની ગરીમાથી ચાહે છે. પ્રેમની આ ઉત્તમ અવસ્થા ગણાય…

  લેખકશ્રી ને ખુબ ખુબ અભિનંદન…

 4. bijal bhatt says:

  અડધી સદીનિ વાંચન યાત્રા ભાગ – ૩ માં એક પંક્તિ વાંચી હતી જે મનમાં કંડોરાઈ ગઈ છે..
  અહીં એવા કેટલાંય પ્રેમી જોયા છે..
  જે વચન આપતા નથી … છતાં નિભાવ્યે જાય છે.

 5. bijal bhatt says:

  બરાબર છે ને મૃગેશજી.. ??

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Great……..!!!!!!!

  “પ્રેમ ક્યરેય વ્રુધ નથિ થતો……”

  ઃ)

 7. ALKA says:

  પ્રેમ સાશ્વત છે… અમર છે…
  અને એ સદાય ખળ ખળ… વહેતું ઝરણું છે…..

 8. hitakshi pandya says:

  વાહ્…ઊપરોક્ત દરેક comments સાથે ૧૦૦% સહેમત છું.

  વાંચવા ની મજા પડી.

  really different.

  thanks a lot to both (mrugeshbhai and bharat bhai)

 9. Keyur Patel says:

  સરસ વાર્તા. થોડી લાંબી જરૂર લાગી.

 10. rita saujani says:

  Simply BEAUTIFUL!!
  This is the style and plot I like and belive in as well!!
  KEEP IT UP.

 11. nayan panchal says:

  લાંબી પણ સરસ વાર્તા. અલંકારિક શબ્દોનો થોડો ઓવરડોઝ લાગ્યો.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.