મૌનની કુટિર – સુરેશ દલાલ

[‘વાણીને તીર…. મૌનની કુટિર’ પુસ્તકમાંથી સાભાર.]

[1] સ્પીડ બ્રેકર… રવિવાર

મને રવિવાર ગમે છે. મારી જેમ અનેકને રવિવારમાં ભરપૂર રસ હશે. રવિવારને મુકાબલે બીજા વાર ધાંધલિયા અને ધમાલિયા લાગે. આવરાબાવરા, ઉતાવળા ને અધીરા લાગે. રવિવાર પથારી પર નિરાંતે લેટવાનો, હીંચકા પર ઝૂલવાનો (જો મુંબઈના ઘરમાં હીંચકો હોય તો) અને આરામ ખુરશી પર બેસવાનો વાર છે. રવિવારને કોઈ ઉતાવળ નથી. ઊઠવું હોય ત્યારે ઊઠો, નહાવું હોય ત્યારે નહાઓ. રવિવારે ઘડિયાળને ઓછું પણ આવતું હશે. સોમથી શનિની દોડધામ પછી એમ જ લાગે કે હવે રવિવારને માણવાનો આપણો પૂરો અધિકાર છે. જેમ ‘ણ’ કોઈનો નહીં તેમ રવિવાર પણ કોઈનો નહીં. એકલા આપણો અને બહુબહુ તો આપણા કુટુંબનો. રવિવાર તો રવિવારને દિવસે જ આવે પણ એની સુગંધ તો શનિવારની બપોર કે સાંજથી જ આવવા માંડે.

જો બધા જ દિવસ રવિવાર હોત તો રવિવારનું કોઈ મહત્વ ન હોત, કામ પછીનો આરામ ભોગવવાનો માણસમાત્રનો અધિકાર છે. રવિવાર સ્પીડબ્રેકર છે, બહુ દોડ્યા. ઘણા ફોન ઝીંક્યા. ઘણી એપૉઈન્ટમેન્ટ નિભાવી. આજે તો બસ કાંઈ નહીં. રવિવારે કોઈ કામનો ફોન કરે તો અંદરની મજા મરી જાય. રવિવાર કદીય આકરો કે અકારો નથી લાગતો. મુંબઈ બંધ હોય છે ત્યારે રજા તો હોય છે, પણ એ પરાણે પાળેલી રજા છે. કોઈકની જોહુકમીથી તમારે ઘેર રહેવું પડે છે, રવિવાર આપણી પોતાની અંગત મનમોજ છે. રવિવાર એક પ્રકારનું વૅકેશન છે, શાળામાં ભણતાં હોઈએ ને જે રિસેસ મળે એવી સોમથી શનિ પછીની રિસેસ છે. જે માણસ રવિવારે પણ પલાંઠી વાળીને બેસતો નથી અને હવાતિયાં માર્યાં કરે છે એ આસાએશ મેળવવાની કળા ગુમાવી બેઠેલો માણસ છે. રવિવાર એ પ્રવૃત્તિ પછીની નિવૃત્તિ છે.

સોમવાર રવિવારની રાતથી મોડો-વહેલો શરૂ થઈ જાય છે. એની એ જ ઑફિસ, એના એ જ માણસો, એનું એ જ વાતાવરણ. રવિવાર ઈન્ટરવલ છે. આ ઈન્ટરવલ ન હોય તો આમ પણ ગાંડો માણસ વધુ ને વધુ ગાંડો થાય. વર્કોહોલિક માણસોને રવિવાર વિશે વધુ ગતાગમ નથી હોતી. કેટલાક માણસને રવિવારે ખાલીપો લાગે છે. ખાલી રવિવારને કઈ રીતે ઠાંસીઠાંસીને ભરવો એની યોજનામાં પડ્યા હોય છે. કેટલાક રવિવારને દરબારમાં, મહેફિલમાં વહેતો મૂકી દે છે. કેટલાક સિનેમા, નાટક અને હોટેલમાં રવિવારને ગજા પ્રમાણે અને રુચિ પ્રમાણે ગોઠવી દે છે. કોઈ દિવસ કશું ન કરવું અને જાત સાથે અથવા જાતવાન સાથે સમય ગાળવો એના આનંદની સરગમ જુદી જ હોવાની. રવિવારને બહુ ઓછી વ્યક્તિઓ કુંવારો રાખી શકે છે. કોઈનો રવિવાર ખૂંચવી લેવો એ બાળાત્કારનું બીજું નામ છે.

બીજા બધા દિવસે આપણે છાપાં વાંચીએ છીએ. પણ ખરેખર આપણે છાપાં વાંચી નાખતા હોઈએ છીએ, વાંચતા નથી. રવિવારે સવારે અખબારોના અરણ્યમાં ખોવાઈ જવાની જુદી મજા છે. ઘડિયાળની ટકટક નહીં અન્ય કોઈની રોકટોક નહીં. મોડું થશે એની ચિંતા નહીં. રવિવારે જે કરવું હોય કે જે ન કરવું હોય એની છૂટ. આપણે જ પ્રજા અને આપણે જ રાજા. સમયની પાબંદી નહીં. કોઈની ગુલામી નહીં. કોઈ આપણો માલિક નહીં. ક્યાંય જવાનું નહીં ને અમુક સમયે પહોંચવાનું નહીં. રવિવારની ઐયાશી અનોખી ચીજ છે.

સૂરજના સાત ઘોડા સાત વારને કારણે પણ કદાચ હોઈ શકે. સોમથી શનિ સૂરજના છ ઘોડા છે. એને રેસકોર્સમાં રસ છે. સાતમો ઘોડો, ઘોડો નહીં પણ અશ્વ છે. તોખાર છે. એનો મિજાજ જુદો છે. એના પગમાં ઉતાવળ નથી એની ગતિ સુસ્ત નથી, પણ અલમસ્ત છે. મનમોજીલી છે. મને તો ક્યારેક એમ લાગે છે કે રવિવારે સૂરજ પણ મોડો ઊઠતો હશે અને આકાશને પણ પૂરતો આરામ આપતો હશે. વાદળની રેશમી રજાઈ ઓઢીને સૂઈ ગયેલા સૂરજને પણ કામ પર જવાની ઉતાવળ નહીં હોય. માણસે તદ્દન નિવૃત્ત નહીં થવું જોઈએ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમાં નિવૃત્તિ હોય એ જીવનનો ઉત્તમ અભિગમ છે. કોઈકે કહ્યું હતું કે હે ભગવાન, મને જીવન છે ત્યાં સુધી કામ આપ અને કામ છે ત્યાં સુધી જીવન આપ.

દુનિયાદારીથી ઊફરો ચાલતા કોઈ જીવને બધા જ દિવસ રવિવાર હોય એમાં રસ હોય. આવા નિવૃત્તિનાથ જીવને એનું પોતાનું ગીત આ લયતાલમાં ગાવું હોય તો ભલે ગાય.

હવે તો બધા દિવસ રવિવાર
ફરજ-ગરજથી નહીં મળવાનું
નહીં સમયનો ભાર

હું મારો માલિક છું
મનને કાંઈ કશું નહીં વળગણ
સહુથી છૂટા પડીએ ત્યારે
નિજની સાથે સગપણ
હું છું મારો અશ્વ નિરાળો
હું મારો અસવાર

પહાડ જેવું મન આ મારું:
નિરાંત નદીના જેવી.
મબલક મિરાત મારી પાસે
સદી સદીના જેવી.
હું છું મારું વિશ્વ સનાતન:
હું મારો સંસાર.


[2] આપણ એકલા એકલા એકલરામ

હું સાવ એકલો છું. એકલો એકલો એકલરામ. ચોવીસે કલાક વીંટળાયેલા માણસોથી છૂટા પડ્યાનો આનંદ જુદો છે. ક્યાંયે કોઈ અવાજ નહીં, નીરવ શાંતિ. બહાર બધુંય શાંત અને ભીતર શાંત-પ્રશાંત. બહારના રસ્તા પર બહુ રહ્યા. ઘણું રખડ્યા, રઝળ્યા. પલાંઠી વાળીને બેસવાનો અવસર ભાગ્યે જ મળે છે. ચાર દીવાલની વચ્ચે એકલા હોઈએ છીએ ત્યારે માણસોના કારાગારમાંથી મુક્તિ મળતાં જાણે કે મોક્ષનો અનુભવ થાય છે.

પુસ્તકોનું એક સુખ છે. આપણી આસપાસ હોય તોપણ એ પોતાનું સ્વમાન જાળવીને બેઠાં હોય છે. આપણા પર આક્રમણ નથી કરતાં. આપણે બોલાવીએ તો જ બોલે. જે લોકો પોતાની અદા અને અદબ જાળવીને આપણા એકાંતની ઈજ્જત કરે એ સજ્જન અને મિત્ર. આસપાસ ભગવાનની વિવિધ મુદ્રાશીલ છબીઓ છે, પણ એ કાચની ફ્રેમની લક્ષ્મણરેખા ઓળંગતી નથી. કેટલીક મૂર્તિઓ પણ છે, પણ એ બધી ચૂપચાપ બેઠી છે, ભગવાનને પણ પોતાના અને ભક્તના એકાંતમાં પૂરતો રસ છે.

રવિવારની રાત હોય ત્યારે અખબારનો કોલાહલ ક્યારનો શમી ગયો હોય છે. અત્યારે મારા ફોન અને ટી.વી ચૂપ છે. આ ચુપકીદી કોઈ ભેદી પ્રપંચ જેવી નથી લાગતી. કોલાહલથી અળગા રહેવાનું અને વેગળા વહેવાનું કોઈ જુદું જ આકર્ષણ છે. રસોડામાંથી આવતો વાસણનો અવાજ પણ સાવ મૂંગોમંતર થઈ ગયો છે. પ્રત્યેક પાત્ર બોલતું ન હોય ત્યારે એ મૌનથી પોતાની પાત્રતા સિદ્ધ કરે છે. નળમાંથી ક્યારેક ધીમેધીમે ટપકતું જળ પણ નળની ભીતર ટૂંટિયું વાળીને જંપી ગયું છે. અવાજની તમામ આકૃતિઓ અદશ્ય થઈ ગઈ છે. બહારનું બધું જ મદદરૂપ થાય છે ત્યારે જ આપણને આપણી અંદરનું દશ્ય દેખાય છે. જોવા જેવું તો આ દશ્ય છે. કાંઈ કરતાં કાંઈ નહીં. કેવળ અવકાશ. એક પ્રકારની મોકળાશ. વિચારની કોઈ ભીડ નહીં. કોઈ અકળામણ કે ચીડ નહીં. આપણે ભલા અને આપણું એકલાપણું. આપણે એકલા એકલા એકલરામ, નહીં કોઈ નામ. નહીં કોઈ કામ. કેવળ આશાએશ. કોઈ દોટ નહીં, કોઈ ચોટ નહીં નર્યો વિરામ.

લાંબાલાંબા વાક્યોના વિસ્તારમાં અને વસ્તારમાં જવાનું નહીં. શાંતિ નામના પૂર્ણવિરામ પાસે સંપીને જંપી જવાનું. ભયનો કોઈ કંપ નહીં. સલામતીની સાવધાની નહીં. આંખ ખુલ્લી રાખો કે મીંચો – નરી એકાગ્રતા. નર્યું ધ્યાન. ધ્યાન એ જ ભગવાન. કોઈ રાગ નહીં, દોષ નહીં. કોઈ પણ બહારની ભૂમિકા ભજવવાનો આવેશ નહીં. ક્યાંય પણ પ્રવેશ નહીં. આપણે જ આપણી ભીતર. બીજું બધું ઈતર. કોઈની રોકટોક નહીં. કોઈનો માનમલાજો કે મોભો જાળવવાનો નહીં. દંભથી હસવાનું નહીં, મોઢું ગંભીર રાખવાનું નહીં. માત્ર સહજ રીતે જીવવાનું. જળની જેમ વહેવાનું અને ખડકની જેમ સ્થિર રહેવાનું. કોઈ આપણને પૂછે નહીં. પ્રશ્ન નહીં, ઉત્તર નહીં. નિરુત્તરની મજા માણવાની. કોઈ વાહ વાહ નહીં. કોઈની સલાહ નહીં – લેવાની નહીં કે આપવાની નહીં. રાબેતા મુજબનું કશું નહીં. કોઈ પણ પ્રકારની સામાજિક આદતના મોહતાજ થવાનું નહીં. અહીં આપણું જ રાજ વિનાનું રાજ. આપણે જ તાજ વિનાના રાજ અને આપણે જ આપણી પ્રજા. આપણા મૌનમાં કેવળ, આપણી જ વસ્તી. સાચા અર્થમાં સ્વતંત્ર.

મને આવી રીતે જીવવું ગમે છે. બહુ બોલ્યા. ગોડાઉનના ગોડાઉન ઓછા પડે એટલા જથ્થાબંધ શબ્દોનો સ્ટોક ભરી દીધો. હવે આ બધું નકામું લાગે છે. વ્યર્થ લાગે છે. શબ્દમાંથી અશબ્દ તરફની ગતિ એ જ સાચી પ્રગતિ લાગે છે. શબ્દના વૃક્ષ તળે લીધેલી મૌનની સમાધિ જ સર્વશ્રેષ્ઠ, મુનિવ્રત જેવું કોઈ વ્રત નહીં અને એના જેવું કોઈ સત્ નહીં. એમાંથી પ્રકટેલા આનંદની તોલે કોઈ કરતાં કોઈ ન આવે. બધું જ જોવાનું – પણ સાક્ષીભાવે.

આપણે વિચારોથી પણ દાખલ થવાનું નહીં અને દખલ કરવાની નહીં. મૌન સાથે અડપલાં ન કરાય. એનું ગૌરવ જાળવવાનું. ચાલવાનું ખરું, પણ પગરવ વિના. બોલવાનું ખરું પણ નીરવ રહીને. ભીજાવાનું ખરું પણ કોરા રહીને. કાનનાં કમાડ ખુલ્લાં રાખવાના અને શબ્દોને બહાર અટકાવી દેવાના. કાનનું વ્યક્તિત્વ જ એવું હોય કે શબ્દ પ્રવેશવાની વાત જ ન કરે. હોઠ પર તાળું પાડી દેવાનું અને એની ચાવીને ફરી પાછી જડે નહીં એમ ફેંકી દેવાની. કશુંય પ્રયત્નપૂર્વક નહીં, પણ સાવ સહજ રીતે. યત્ન-પ્રયત્ન એ યુક્તિ-પ્રયુક્તિ છે. ઈચ્છો કે ન ઈચ્છો પણ એમાં કદાચ પ્રપંચ પેસી જાય. જગતને જોવાનું. પણ એમાંથી કશું લેવાનું નથી. લાલચનું નામનિશાન નહીં. ડાળ પર ફૂલો-ઝૂલે છે, ભલે ઝૂલે. નિરાંતને જીવે હું પણ ઝૂલું અને ફૂલ પણ ફૂલે. પવનના લયમાં એને ઝૂલવા દો, ખૂલવું હોય એટલું ખૂલવા દો – પણ એને ચૂંટવાની વાત નહીં. એક ગીત પૂરતું છે :

જળ જેવી વહેતી આ લાગણીને રોકવાને
થઈ જાઓ પ્રભુ ! તમે પાળ !
ફૂલ જેવી આછી સુગંધ લઈ વિકસું હું,
ક્યાંય નહીં ભરતી-ઉછાળ !

આખું આકાશ મારી આંખોમાં હોય
છતાં વહેતા વાદળની નહિ માયા
રસ્તા પર ઊગ્યાં છે છોને આ ઝાડ :
પણ પહેરું નહિ એના પડછાયા !
પંખીનાં ગીત મારાં જળમાં કમળ,
એના પીંછામાં છૂટતો છે કાળ !

ઢાળ જોઈ દોડે નહિ મારાં ચરણ :
કદી મનગમતાં ફૂલ નહિ તોડું.
સાત સાત જનમોનું ભેટવાનું હોય
તોય હળવેથી હાથ એનો છોડું.
રણઝણતો તાર કદી તૂટે નહિ
સૂર કદી ચૂકે નહિ તારો રે તાલ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત મનીષાની – મહેશ યાજ્ઞિક
માધવ ક્યાંય નથી – હરીન્દ્ર દવે Next »   

15 પ્રતિભાવો : મૌનની કુટિર – સુરેશ દલાલ

 1. અમી says:

  ખરી વાત છે … આપણો રવિવાર કોઈ “બગાડે” તે મને પણ પસંદ નથી … સૌથી વધુ ગમતો વાર એટલે રવિવાર.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Nice article……….!!!!!

 3. કેયુર says:

  મારા મનની વાત કીધી.
  શનિવારે રજા હોવા છતાં પણ, મને રવિવાર પ્રત્યે અનેરો લગાવ છે.

 4. KavitaKavita says:

  I enjoy sunday. For me, sunday is my family day.

 5. neetakotecha says:

  suresh bhai ni vat etle bas jane te aapda manma chalti vat odkhine kaheta hoy. gajab ni vato hoy emne sambhdvano moko maliyo hato pujy hari bhai na pustak na vimochan vakhte. emna bolva ma pan jara pan dhabh nahi em lage teo aapni sathe vat kari rahya che.
  suresh bhai na charnoma mara sadar pranam

 6. Keyur Patel says:

  વાહ!!!!!!!

 7. Prashant says:

  Bahu j Saras article hatu aapne ekla ne ekla ram jeevan ma malta sansmarano ane anubhavono sarvado hato aa article
  very Nice

 8. Ketan says:

  વાહ!!!!!!

  શબ્દના વૃક્ષ તળે લીધેલી મૌનની સમાધિ જ સર્વશ્રેષ્ઠ, મુનિવ્રત જેવું કોઈ વ્રત નહીં અને એના જેવું કોઈ સત્ નહીં. એમાંથી પ્રકટેલા આનંદની તોલે કોઈ કરતાં કોઈ ન આવે. બધું જ જોવાનું – પણ સાક્ષીભાવે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.