તંત્રીના બે બોલ…

તંત્રી : મૃગેશ શાહઆપણી ગુજરાતી ભાષામાં એક સરસ મજાનું કાવ્ય છે જેમાં કવિ કહે છે : ગમતી વસ્તુને ગુંજે ના મુકાય, ગમતાનો તો કરીએ ગુલાલ !

બસ, આજ હેતુ થી હું આપની પાસે રીડગુજરાતી.કોમ લઈને આવ્યો છું. હવે તમને માંડીને વાત કરું……

મારું નામ મૃગેશ શાહ, 27 વર્ષ, અમે વડોદરાના રહેવાસી. વ્યવસાયે હું એક લેખક છું. મુંબઈ સમાચાર અને અખંડઆનંદ મેગેઝીનમાં કેટલાક લેખો લખ્યા છે તેમજ ખાસ કરીને ચાટૅડ એકાઉન્ટસી (સી.એ) માં આવતા કૉમ્પ્યુટર વિષય પર પુસ્તકો લખું છું, પણ આમ છતાં મારે કંઈક ક્રીએટીવ કરવું હોય તો સારો એવો સમય મળી રહે છે. બાળપણ થી જ ઘરમાં બધાને વાંચન નો ખૂબ જ શોખ. તેથી એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યના ઘરમાં ભંડાર ભર્યા છે.

થોડા સમય પહેલાં આ ગમતા નો ગુલાલ કરવાનો વિચાર આવ્યો. પહેલા તો નજર પુસ્તક બનાવવા તરફ જ દોડી, પણ થોડો અભ્યાસ અને સંશોધન કરતાં જણાયું કે જો પુસ્તક બનાવીશું તો ઘણો સમય લાગશે. તેમજ પુસ્તકનું કદ મર્યાદિત રહે, ઘણા સમયે પુસ્તક છપાય, ઘણા સમય પછી તેનો ફેલાવો થાય. આમ થયા બાદ કેટલાય….સમય પછી તે લોકોના હાથ માં પહોંચે, અને તે પણ વળી ભારત માં જ. ભારતની બહાર જતાં વળી પાછો સમય લાગે. હું આપને બહું ખૂલ્લી વાત કરું તો, બીજું કારણ એ પણ લાગ્યું કે હવે પુસ્તક લઈને વાંચવા બેસનાર વર્ગ માત્ર નવરા લોકોનો અને ઘરડાં લોકોનો રહ્યો છે. પુસ્તકથી સમગ્ર યુવા પેઢી સુધી એટલું જલ્દીથી નહીં પહોંચાય કારણકે અમારા જેવી યુવાપેઢી પૈસા કમાવવામાં અત્યંત વ્યસ્ત છે. કોઈ યુવાન ને ઓફીસ માં દશ મિનિટ રીસેશ મળશે તો એ ઈન્ટરનેટ પર કોઈની સાથે ચેટ કરીને એન્જોય કરવામાં જ માનશે. એ કંઈ પોતાના ટેબલ ના ખાનામાં થી પુસ્તક કાઢી ને કોઈ નાની પ્રસંગકથા નહીં વાંચે ! શું માનો છો તમે ? બરાબર કે નહીં ?

બસ, આ બધા કારણો ને લીધે એમ લાગ્યું કે લોકો સુધી આ સંસ્કારની સરિતાને પહોંચાડવાનું એક સરળ માધ્યમ ઈન્ટરનેટ જ છે. કારણ કે સુસાહિત્યના વાંચન વગર જીવનની શું ગતિ થાય તે કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. પુસ્તકનું વાંચન વ્યકિતના જીવન માં સંસ્કાર સિંચન કરવાનું એક સબળ માધ્યમ આપણા પુર્વજો એ માન્યું છે. જીવનમાં એવા ઘણા પ્રસંગો આવે છે જ્યારે વ્યકિતને પોતાની બુધ્ધિથી તેનો ઉકેલ નથી મળતો, આ સમયે વ્યકિતમાં ધૈય, શાંતિ આદિ સદ્ગુણો નો વિકાસ થયો હોય તો જ તે પરિસ્થિતિ સામે ટકી શકે છે. સારું વાંચન ક્યારેક ને ક્યારેક જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે અને માણસને ખોટું કરતા અટકાવી લે છે. રીડગુજરાતી.કોમ નો મુખ્ય ઉદેશ સુસાહિત્યનો ફેલાવો કરવાનું છે. આ તો જાણે એવી વાત છે કે, તરસ્યો માણસ કુવા પાસે નહતો આવતો એટલે આ રીડગુજરાતી.કોમ સાહિત્યના કુવાનું જળ ભરી ને તરસ્યા પાસે આવે છે. આજના યુગમાં કુવો તરસ્યા પાસે આવે એ શકય છે, પણ હા, વ્યક્તિમાં તરસ હોવી એટલી જ જરૂરી છે.

રીડગુજરાતી.કોમ ના તંત્રી તરીકે મારું કામ એક ભમરા જેવું છે, એમ હું માનું છું. આપણા ગુજરાતી સાહિત્યરૂપી બગીચામાં ઘણા બધા લેખકોએ સરસ મજાના ફુલ જેવા લેખો લખીને સમાજમાં સુવાસ ફેલાવી છે. હું આ દરેક ફુલને જોઉં છું, તેની સુવાસ માણું છું અને તેમાં રહેલા મધ ને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. ભમરો ફુલમાંથી કંઈક લે તો ફુલમાંથી કંઈ ઓછું થઈ જતું નથી, એવી જ રીતે, હું કોઈ સારા પુસ્તકમાંથી કોઈ સારો લેખ સમાજને ઉપયોગી થાય તે માટે લઉં તો, મને લાગે છે ત્યાં સુધી મારા ગુજરાતી લેખકોને કંઈ ક ઓછું થયાનો અનુભવ તો નહીં જ થાય. એ લોકો મને એટલી તો પરવાનગી આપશે જ એવો મને આત્મવિશ્વાસ છે. બીજા ના લેખો તફડાવીને, ભાષાંતરિત કરીને, પોતાના નામે ચઢાવવાનો એવો મારો કોઈ ઉદેશ નથી. જે જેના નામે છે, તે તેના નામ સાથે જ અંહી મૂકયું છે. જો આપ કંઈક લખતા હોવ, અને આપ રીડગુજરાતી.કોમ ને આપનો લેખ આપશો તો, હું ખાત્રી આપું છું કે લેખ આપના નામ સાથે જ મૂકવામાં આવશે.

છેલ્લે મારા વાચક મિત્રોને મારે એક વિનંતી કરવાની કે…….રીડગુજરાતી.કોમ ને તમે ફક્ત જોવા કરતાં માણજો. મોટેભાગે આપણે યુવાનો તો એવું કરતા હોઈએ છીએ કે, બે-ચાર સાઈટ એક સાથે ખોલી નાખીએ છીએ, વળી કોઈની સાથે ચેટ કરવાનું પણ ચાલું રાખીએ છીએ. રીડગુજરાતી.કોમ એવા પ્રકારની સાઈટ નથી. એને તમે માત્ર જોશો નહીં, પણ એને પુરેપુરી વાંચજો. કંઈક સારું લાગે તો તમારા મિત્રોને કહેજો. હું અતિશયોકિત નથી કરતો, પણ મને એમ લાગે છે કે આ સાઈટ ગુજરાતી સાહિત્યનો એક નવો જન્મ છે, અથવા એક નવો પ્રવાહ છે એમ કહી શકાય.

બસ ! હવે આપની રજા લઉં. ઉતાવળમાં સાઈટમાં કોઈ જોડણીની ભૂલો રહી ગઈ હોય તો ક્ષમા ચાહું છું. આપના સુચનો અને પત્રો અને ઈ-મેઈલની પ્રતિક્ષા કરતો રહીશ અને આપને જરૂરથી જવાબ આપીશ. આપને આપના લેખો રીડગુજરાતી.કોમને મોકલવા મારું સહર્ષ આમંત્રણ છે.

આવજો……

લી.
મૃગેશ શાહ.
વડોદરા.
shah_mrugesh@yahoo.com
મોબાઈલ : +91 98980 64256

Print This Article Print This Article ·  Save this article As PDF

  
સાચો વાંચનરસ : ઝવેરચંદ મેઘાણી Next »   
Copy Protected by Chetan's WP-Copyprotect.