વિદ્યા વિનાશને માર્ગે – સુરેશ જોષી

[‘વિદ્યા વિનાશને માર્ગે’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ ‘ડિપાર્ટમેન્ટ ઑફ ગુજરાતી લિટરેચર ઍન્ડ રિસર્ચ (એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા) નો ખૂબ ખૂબ આભાર. ]

ટેકનોલોજીનો વિકાસ થતો રહ્યો છે, પણ એને સમાન્તર સાંસ્કૃતિક વિકાસ થયો નથી. આથી માનવીનો પણ એક સાધન તરીકે ઉપયોગ થવા લાગ્યો છે. પશ્ચિમમાં તો વિજ્ઞાનના વર્ચસ્ ને કારણે અમુક વિશિષ્ટ પ્રકારની જીવનરીતિનો સ્વીકાર થયો છે. એને એની મર્યાદા છે. વિજ્ઞાન એ સમગ્ર સાંસ્કૃતિક વિકાસનું એક અંગ છે. એને બદલે સંસ્કૃતિ વિજ્ઞાનમૂલક હોય એવી પરિસ્થિતિ ત્યાં ઉદ્દભવી છે. આપણે ત્યાં તો વિજ્ઞાનની સાથે સાથે અન્ધશ્રદ્ધા અને પુરાણમતવાદ પણ એટલાં જ ફાલતાં રહ્યાં છે. વિજ્ઞાનનો અધ્યાપક મંતરજંતરમાં માનતો હોય તો આપણે ત્યાં એથી નવાઈ નહિ લાગે. વિજ્ઞાનના અભ્યાસથી વૈજ્ઞાનિક પદ્ધતિએ આપણે આપણું જીવન સમજ્યું કે ગોઠવ્યું નથી. આથી વિજ્ઞાનનો આપણી જીવનરીતિ પર ઝાઝો પ્રભાવ પડ્યો નથી.

હવે વ્યવસાયલક્ષી શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. એવા નિર્ણયના ફલિતાર્થો અને તેની ઉત્પત્તિઓ તારવીને વિચારી જોઈ હોય એવું લાગતું નથી. વ્યવસાયલક્ષી શિક્ષણ માનવીને એકપરિમાણી બનાવીને જુએ છે. એની સમગ્રતાને એ લક્ષમાં લેતું નથી. આથી જીવનમાં જે સમસ્યાઓ અને વિકલ્પો ઊભા થાય તે પરત્વે તારતમ્યનો વિવેક કરવાની શક્તિ એનામાં હોતી નથી. આથી જ શિક્ષિત માનવી જીવન જીવવાની બાબતમાં અસભ્ય બર્બરની જેમ વર્તે છે. એનામાં માનવતાની ઊણપ વર્તાય છે. આંરિ મિશો જેવા કવિએ તો ચેતવણી ઉચ્ચારેલી જ છે : ‘ધ બાર્બેરિયન્સ આર કમિંગ.’ આજની આપણી યુનિવર્સિટીનું વાતાવરણ જોતાં આપણે ત્યાં તો અસભ્ય બર્બરો આવી પહોંચ્યા હોય એવું લાગે છે. અંગ્રેજીમાં જેને ‘કલ્ચર’ કહે છે તે માત્ર જીવવાનાં સાધનો કે ઓજારો જ સપડાવે છે એવું માનવામાં આવતું નથી. ‘કલ્ચર’ તો જીવનની દઢ પીઠિકારૂપ વિચારપ્રણાલી છે.

આજના શિક્ષણમાંથી એ દઢ ભૂમિકા અદશ્ય થઈ ગઈ છે. આને કારણે કેવળ અંગત સ્વાર્થને કારણ સિદ્ધ કરવાની દક્ષતા પામનાર માનવી આજે સફળ લેખાય છે. સારાસારનો વિવેક કરનાર અને એને અંગેની વૈચારિક ભૂમિકાને સિદ્ધ કરવા મથનાર માનવીને દીર્ધસૂત્રી અને વેદિયો કહીને એની હાંસી ઉડાવવામાં આવે છે. આજનો ઈજનેર કે દાકતર કે વકીલ એના વ્યવસાયમાં નિષ્ણાત હશે, પણ એક વિકસિત માનવ લેખે એ અનેક રીતે ઊણો હશે. આથી જ તો ઘણા દાક્તરો માનવતા વિનાના હોય એવો આપણને અનુભવ થાય છે. ઘણા ઈજનેરો ભ્રષ્ટાચારી બનીને દેશને પારવાર નુકશાન કરતા હોય છે. અને વકીલો તો મુકદ્દમો જીતવાને જ લક્ષ્ય ગણે છે, એમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખવાનું એમને પરવડતું નથી. આપણે જે થવા ઈચ્છતા હોઈએ તે થવાનો આપણો વિશિષ્ટાધિકાર કોઈ નકારી કાઢતું નથી, પણ એની પૂર્વશરત એ છે કે સૌથી પહેલાં આપણે માનવ્યનો વિકાસ કરેલો હોવો જોઈએ અને માનવતાનું ગૌરવ કરવાનું આપણે અનિવાર્ય ગણ્યું હોવું જોઈએ. વાંદરાના હાથમાં અસ્ત્રો આપો તો કદાચ એ પોતાનું જ ગળું કાપે. અસંસ્કૃત માનવીના હાથમાં અણુબોમ્બ જેવું સંહારક શસ્ત્ર આવી પડતાં એણે માનવીનો જ વિનાશ કર્યો છે. આપણે જે નથી બની શક્યા તે છીએ એવું દેખાડવાનો આપણે દંભ કરવો ન જોઈએ. આવો દંભ કોઠે પડી ન જાય તે માટેની પ્રતિકારકશક્તિ આપનાર શિક્ષણ આપણને મળ્યું હોય છે ખરું ?

આથી જ તો ઓર્તેગા કહે છે કે આજની યુનિવર્સિટીને અવળસવળ કરી નાંખવાની જરૂર છે. આજે એ જેને આધારે ટકી રહે છે તેને ખસેડીને એને બીજા દઢ આધાર આપવાની જરૂર છે. આજે તો યુનિવર્સિટીની દશા પહેલાંના જમાનાની નગરવધૂના જેવી છે. એના પર સૌનો અધિકાર છે. ઉદ્યોગપતિઓ ઈચ્છે છે કે એમને વધુ ઉત્પાદનમાં મદદ કરે એવું શિક્ષણ પામેલા યુવાનો યુનિવર્સિટીઓએ તૈયાર કરવા જોઈએ, રાજકારણવાળા એમ ઈચ્છે છે કે ભવિષ્યના રાજકીય નેતા થવાની યોગ્યતા વિદ્યાર્થીઓને આપવી જોઈએ. ધર્મવાળાની પોતાની આગવી માંગણી છે. પણ કોઈ માનવીની સમગ્રતાને ધ્યાનમાં રાખીને માંગણી કરતું નથી. અનુદાન પર નભતી પરાવલમ્બી વિદ્યાપીઠો આ બધી જુદી જુદી માગણી સંતોષવાનો પ્રયત્ન કરીને ટકી રહેવા મથે છે તે દેખીતું છે.

આજે થોડીક વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરવો જરૂરી છે. આપણે શું શીખવવું ઘટે તેનો વિચાર કરવા કરતાં આપણે શું શીખવી શકીશું તેનો વિચાર કરવો જોઈએ. આપણા બધા જ અભ્યાસક્ર્મો કાગળ પર તો બહુ દીપી ઊઠતા હોય છે, અને ઘણા મહત્વાકાંક્ષી લાગતા હોય છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે એમાંના દશમાં ભાગ જેટલું પણ સિદ્ધ થઈ શકતું નથી. શિક્ષણનું માળખું એનો વહીવટ, એનાં ધારાધોરણ – આ બધા પ્રપંચમાં એટલો બધો રસ આપણને પડી જાય છે કે જેને માટે આ બધું છે તે વિદ્યાર્થી જ આપણા લક્ષ્ય બહાર રહી જાય છે. આને કારણે એવું લાગે છે કે વિદ્યાર્થી જ યુનિવર્સિટીમાં સૌથી વધુ ઉપેક્ષિત છે.

સૅમ્યુઅલ બૅકૅટે બે પ્રકારના અભણપણાની વાત કરી છે તે પણ અહીં સંભારવા જેવી છે. એક અભણપણું આપણે કશું શીખવાનું શરૂ કર્યું તે પહેલાંની આપણી સ્થિતિ છે, પણ બીજું અભણપણું તો આપણે ભણી રહીએ પછી શરૂ થાય છે. આપણા દેશમાં આ બીજા અભણપણાને દૂર કરવા માટે યુનિવર્સિટીએ પ્રયત્નો કરવાના છે. આપણા જાણીતા કલાવિદ આનન્દ કુમારસ્વામીએ આ વાત ઘણાં વર્ષો પહેલાં, બીજી રીતે કરી હતી. એમણે કહ્યું હતું કે આપણાં દેશની સમસ્યા તે અભણ લોકોનું અભણપણું નથી, પણ ભણેલાઓનું અભણપણું છે. આ અભણપણું એમને એકપરિમાણી બનાવી દે છે. સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ એમના લક્ષ બહાર રહી જાય છે. માનવી એકબીજાને અંગત સ્વાર્થની ભૂમિકા પર જ મળતો હોય તો સંઘર્ષની શક્યતા જ વધારે રહે તે દીખીતું છે. આજે તો સંઘર્ષ જ આપણી જીવનરીતિ બની રહે છે. આ સંઘર્ષ જ આપણી વિવેકબુદ્ધિને ડહોળી નાખે છે, એથી નિર્ણયો કરવાના પરિપ્રેક્ષ્યને આપણે પામી શકતા નથી.
****

યુનિવર્સિટી પર અત્યારે કોનો અંકુશ છે એની ચર્ચા અત્યારે ન કરીએ. આપણો પ્રશ્ન આ છે : યુનિવર્સિટી પર કોનો અંકુશ હોવો જોઈએ ? એના પર કોની ‘સત્તા’ ચાલે ? વિદ્યાર્થીઓ પોતાનો દાવો આગળ કરીને કહેશે : ‘અમે છીએ તો યુનિવર્સિટી છે. અમે ત્યાં અમારાં સ્વપ્નોને સાચાં પાડવા આવીએ છીએ. અમારું જીવન ઘડવા આવીએ છીએ. અમને લક્ષમાં લેવામાં ન આવે તે કેટલે અંશે ઉચિત છે ? અમને લક્ષમાં લેતા નથી માટે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે યુનિવર્સિટીમાં ભણેલું બાજુએ મૂકીને અમારે જીવનના સંઘર્ષમાં ઊતરવું પડે છે. પછી ઠોકરો ખાતાં અમે જે શીખીએ તે જ અમારું સાચું શિક્ષણ છે.’

આથી સામે શિક્ષકો કહેશે : ‘યુનિવર્સિટીઓ ઉદ્દેશ જ્ઞાનનું પ્રસારન કરવાનો છે. એ ગ્રામપંચાયત નથી કે સહકારી શરાફી પેઢી નથી. એમાં સત્તા ચલાવવાનો કે એ વિશે હોંશાતૂંસીમાં પડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વિદ્યાર્થીઓ જો જ્ઞાનપ્રાપ્તિનો ઉદ્દેશ રાખીને યુનિવર્સિટીમાં આવતા હોય તો એ જ્ઞાનપ્રાપ્તિ જેમણે કરી હોય અને જ્ઞાન આપવાની જેમનામાં શક્તિ અને આવડત હોય તેમને જ યુનિવર્સિટીના સંચાલનનું સૂત્ર સોંપવું જોઈએ.’

આજે, પોતાના અધિકાર પરત્વે સભાન એવી, પ્રજાનો પણ આ સમ્બન્ધમાં અધિકાર છે. એ લોકો કહે છે : ‘અમે કર ભરીએ છીએ, અનુદાનો આપીએ છીએ, એથી જ તો યુનિવર્સિટી અર્થતન્ત્ર સાબૂત રહે છે. જો એ ન હોય તો યુનિવર્સિટી પોતાના કાર્યમાં તો યુનિવર્સિટીનું અર્થતન્ત્ર સાબૂત રહે છે. જો એ ન હોય તો યુનિવર્સિટી પોતાના કાર્યમાં પ્રવૃત્ત જ ન થઈ શકે. યુનિવર્સિટી અમારી પાસેથી જે લે છે તેનો બદલો એણે અમારું હિત જાળવીને આપવો જોઈએ. આથી યુનિવર્સિટીનું વ્યવસ્થાતન્ત્ર અમારા અંકુશ નીચે રહે એ જ યોગ્ય છે.’ લોક, લોકની ચૂંટેલી સરકાર, ઔધોગિક સંકુલો, અને વેપારી પેઢીઓ આવો દાવો કરે છે તે હવે આપણાથી અજાણ્યું નથી.

આ બધા દાવાઓને ધ્યાનમાં લઈને આપણે આ મુદ્દો વિચારવાનો છે. સ્વસ્થ અને તટસ્થ દષ્ટિએ વિચારનારા એમ કહેશે કે આમાં જુદા જુદા ત્રણ પક્ષો વચ્ચે કશી સ્પર્ધા કે સંઘર્ષ છે જ નહિ, કારણ કે એ ત્રણે યુનિવર્સિટીના આધારસ્તમ્ભ છે. યુનિવર્સિટીના લક્ષ્ય પરત્વે જો આ ત્રણેમાં એકવાક્યતા હોય તો આ ત્રણે એકબીજાના સહકારી અને પૂરક થઈને રહે. જો વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિને બદલે ડિગ્રીને જ લક્ષ્ય ગણતા હોય, જો શિક્ષકો શિક્ષણને વ્યવસાય ગણીને બધા જ ફાયદા મેળવવાના આગ્રહી બનીને કોઈ ટ્રેડ યુનિયનની જેમ જ વર્તતા હોય અને ઔદ્યોગિક સંકુલો, વેપારી પેઢીઓ, સરકાર તથા સમાજનો વગ ધરાવનારો વર્ગ યુનિવર્સિટીને પોતાના ધંધાના વિસ્તાર માટે, આર્થિક લાભ માટે કે પોતાના વગ વિસ્તારવા માટે કેવળ સાધનરૂપ ગણતા હોય તો અનુચિત સ્પર્ધા અને સંઘર્ષને ટાળી નહિ શકાય.

આથી બીજા કેટલાક પ્રશ્નો ઊભા થાય છે : અભ્યાસક્રમ આજની જરૂરિયાતને સંતોષે એવો છે કે નહિ ? યુનિવર્સિટીની સ્વાયત્તતા કેટલે અંશે હિતાવહ છે ? પ્રજાના સમાજજીવનમાં અને રાજકારણમાં યુનિવર્સિટી કેટલે અંશે સક્રિયપણે સંડોવાય તે ઈષ્ટ છે ? યુનિવર્સિટીનું સાચું કાર્યક્ષેત્ર કયું ? કોને આપણે ઉદારમતવાદી શિક્ષણ પ્રણાલી કહીશું ? અત્યાર સુધી આપણે એવું રટતા આવ્યા કે યુનિવર્સિટીમાં જ પૂરી તટસ્થતાથી વસ્તુલક્ષી પદ્ધતિએ સત્યનું અનુસન્ધાન થયું હોય છે. એ સત્ય માનવસમાજને ઉપયોગી નીવડવું જોઈએ. પણ આ વિધાનને જો તપાસીશું તો ઘણા પ્રશ્નો ઊભા થશે. અહીં બે વિરોધી વાતો એક સાથે કહેવાઈ હોય એવું લાગે છે. એક બાજુ વસ્તુલક્ષિતાનો આગ્રહ છે અને બીજી બાજુ સમાજને પ્રસ્તુત હોય એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. વસ્તુલક્ષિતાને તટસ્થતાની અપેક્ષા છે. એ આ કે તે વર્ગને અને એના લાભને જ લક્ષમાં લે નહિ તે દેખીતું છે. આ પ્રકારનું ‘ડિસઈન્ટરેસ્ટેડનેસ’ નું વલણ સમાજને પરવડશે ખરું ? એમાં આપણા અંગત અભિગ્રહોની પૂરી બાદબાકી થઈ ગઈ હોવી જોઈએ. આપણે જ્યારે અનુસન્ધાનને માટેની સામગ્રીનો સંચય કરીએ, એને આધારે અમુક નિષ્કર્ષ પણ આવીએ અને નિર્ણયો કરીએ ત્યારે એ બધું બને તેટલી બિનંગતતાની થવું જોઈએ. માટે આ કે તે વર્ગનું જ હિત જોવાની વાત અહીં ઉપસ્થિત થઈ ન શકે. પણ જો કોઈ પક્ષનું કે વર્ગનું હિત જોવાનું હોય, એ દષ્ટિએ શિક્ષણ અનુકૂળ છે કે નહિ તે વિચારવાનું હોય, તો આપણું હિત શી રીતે વધુ જળવાય તેનો જ વિચાર કરવાનો રહે, આ દષ્ટિએ શિક્ષણમાં શેને કેટલું મહત્વ આપવું તે નક્કી કરવું પડે. આમ ‘ઑબ્જેક્ટિવિટી’ અને ‘રેલેવન્સ’ના ખ્યાલો વચ્ચે રહેલો વિરોધ કેટલાક ચિન્તકોએ ચીંધી બતાવ્યો છે.

યુનિવર્સિટી સાથે સમ્બન્ધ ધરાવનારા ત્રણે વર્ગોમાં લક્ષ્ય પરત્વે વિરોધ શા માટે રહે છે ? સાચી જિજ્ઞાસાથી યુનિવર્સિટીમાં પ્રવેશતો વિદ્યાર્થીનો વર્ગ ખૂબ થોડો છે, ઘણા બીજું કશું તરત કરવાનું સૂઝતું નથી માટે યુનિવર્સિટીમાં જાય છે, ઘણા દેખાદેખીથી જાય છે, ઘણા સામાજિક મોભો વધે એવા ખ્યાલથી જાય છે. એમ.એ. થયેલા રિક્ષા ચલાવતા હોય કે પટાવાળાની નોકરી કરતા હોય તો આપણી શિક્ષણવ્યવસ્થામાં નહિ પણ સમાજવ્યવસ્થામાં અને અર્થતન્ત્રમાં કશી મોટી ખામી રહી છે એવું જ કહેવું જોઈએ. સમાજમાં જો જ્ઞાન કરતાં અર્થપ્રાપ્તિને જ ઝાઝું મહત્વ હોય, એની જ જો સમાજમાં માનમરતબો મળતો હોય, તો એવા સમાજમાં જ્ઞાનનું ગૌરવ ન જળવાય તે દેખીતું છે. ઉચ્ચ શિક્ષણને શિખરે પહોંચેલા અમેરિકા જઈને ‘મોટેલ’ ચલાવે છે તે આપણે ક્યાં નથી જાણતા ? મોટા ભાગની પ્રજા આજે એવા સ્તર પર જીવે છે જ્યાં સાંસ્કૃતિક મૂલ્યોની, ગવેષણાની, સૂક્ષમતાની, રસવૃત્તિની, ઝાઝી મહત્તા નથી એ હકીકત આપણે સ્વીકારવાની જ રહે છે. સમાજની યોગ્યતાની કક્ષા પ્રમાણે જ સમાજને યુનિવર્સિટી પણ મળે. આજે તપોવનની સંસ્કૃતિમાં આપણે જીવતા નથી. આ જનક વિદેહીનો કે યાજ્ઞવલ્ક્યનો જમાનો નથી. આજે તો તુમુલ સંઘર્ષ અને વર્ગવિગ્રહ વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. આથી પુરાણાં મૂલ્યોનો શુકપાઠ કરવાથી કશો અર્થ નહિ સરે એવું આપણને કહેવામાં આવે છે.

આમ છતાં એક વાત તો સ્વીકારવાની રહેશે જ. આપણે જે પરિસ્થિતિમાં છીએ, આપણે જે પરિબળોની અસર નીચે આવ્યા છીએ તેને પણ ઓળખી લેવાનાં તો રહેશે જ. આજે આપણા જીવનમાં ઘણા વિરોધાભાસો છે : આપણે સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે કળાઓને સ્થાન આપ્યું છે ખરું, પણ તે સમાજના ઉપલા સ્તરના લોકોએ પોતાને ઊંચા ગણાવવા માટે. આથી આ કળાઓના પરિશીલનથી જીવનમાં જે ઉદાત્તતા અને સાર્થકતાની અનુભૂતિ થાય તે આપણને થતી નથી. આ બધી કળાઓ અને એનાથી થતો ચેતોવિસ્તાર, વ્યક્તિત્વને પ્રાપ્ત થતી ગરિમા – આ બધું આપણું લક્ષ્ય નથી, આ બધી કળાઓ તો બીજા કશાક પ્રયોજનના સાધનરૂપ છે, આથી એનું ગૌણ સ્થાન જ છે. સરસ્વતી લક્ષ્મીની દાસી છે. સ્વેચ્છાએ અકિંચનતા અને અપરિગ્રહ સ્વીકારીને જ્ઞાનોપાસનાને જ મહત્વ આપનારો વર્ગ આજે સમાજમાંથી લુપ્ત થઈ ગયો છે. જ્ઞાન પરત્વે પણ વ્યવસાયલક્ષિતા જ મહત્વની બની રહી છે. ધર્મ આજે ધારકબળ નથી. માનતા, બાધાઆખડી, કથાવાર્તા, અનુષ્ઠાન – આ બધાંએ ધર્મનું સ્થાન લીધું છે. પ્રજાને ધર્મ તરફ વાળનારો એક વર્ગ છે. પણ એને જેટલો પ્રચારમાં રસ છે તેટલો જીવનના ઊંડાણને સ્પર્શવાનો રસ નથી. ત્યાગીને ભોગવવાનો આદર્શ હવે રહ્યો નથી. યુનિવર્સિટીઓને ઑક્સફર્ડ અને કેમ્બ્રિજનાં બીબાં પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન થયેલો. પછી વળી નાલન્દા અને તક્ષશિલાની વાત પણ ચાલી. આજે આપણે જાણીએ છીએ કે આ બેમાંથી એકકેય આદર્શને આપણે ચરિતાર્થ કરી શક્યા નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘર-નોકરને પત્ર – રતિલાલ બોરીસાગર
ગઝલદ્વયી – સંકલિત Next »   

15 પ્રતિભાવો : વિદ્યા વિનાશને માર્ગે – સુરેશ જોષી

 1. Ami says:

  લાંબો પણ ખરેખર ખુબ જ સરસ લેખ. “અભણપણું તો આપણે ભણી રહીએ પછી શરૂ થાય છે. ” વાક્ય ખુબ ગમ્યુ.

 2. dilip says:

  ભા રે ખ મ લેખ

 3. sameer says:

  બહુ ઉપિયોગિ લેખ.

 4. neetakotecha says:

  khub j sachchi vat . saras lekh

 5. bhumika says:

  ખરેખર ખુબજ સરસ…

 6. prabhu says:

  Moral and spiritual education is very necessary with professional

  Education, otherwise human will be remain as a ruthless animal as

  We see nowadays…and one day will end up with very tragically by

  The hands of Nature…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.