ગઝલદ્વયી – સંકલિત

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી ચંદારાણા દંપતિનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

[1] ચાલો હવે – મીનાક્ષી ચંદારાણા

ઝાંઝવાના તેજ હિલ્લોળાય રે, ચાલો હવે !
સરવરો લોચન તણાં લોપાય રે, ચાલો હવે !

સાવ સોનલ સાંકળીશાં દીસતાં આ બંધનો,
દોર કાચા ફેર સાબિત થાય રે, ચાલો હવે !

રૂપરંગોની હવામાં દોહ્યલા તલસાટ છે,
કુંભ આ અમરતનો અવરથ જાય રે, ચાલો હવે !

આ કલમ-કાગળની મધ્યે ઝૂરતું કલરવ સમું,
વણઝિલાયું રહી જતાં હિજરાય રે, ચાલો હવે !

વેદનાની વેલ સિંચો આજ અશ્રુજળ થકી,
જોગિયાના વિરહસૂર વિલાય રે, ચાલો હવે !

શ્વાસના આવાગમનના છળ વચાળે હસ કદમ,
દૂર ઝળહળ જ્યોતશું વરતાય રે, ચાલો હવે !

[2] મહાભારતીય ગઝલ – અશ્વિન ચંદારાણા

માછલીની આંખ વીંધાયા પછીની વાત છે,
દ્રૌપદીના ભાગ્યની વ્હેંચાઈ એક-એક રાત છે.

ભીખ માગી જીવવું, કે દાન આપી ઝૂઝવું ?
યુદ્ધ અર્જુન જીતશે એ કર્ણની ખેરાત છે.

કોણ કોનો સાથ આપે અંતિમે એ જાણવું,
શ્વાન પામે સ્વર્ગને જો, ધર્મની સોગાત છે.

કોઈ પામે તાજને, ને કોઈ ચાટે ધૂળને,
કૈંક ગાંધારી ને કુંતીના જિગર પર ઘાત છે.

ધર્મ સાથે ચાલવું, કે ન્યાયને પંથે રહું ?
બેઉ બાજુ ભ્રાતૃઓથી ભીષ્મને આઘાત છે.

પ્રેમ હો કે યુદ્ધ હો, ત્યાં એ બધું ઉચિત હશે,
પાંડવોની સાંજ છે તો કૌરવોની રાત છે.

હું પગે તારી તરફ છું, મસ્તકે એની તરફ,
મૂછમાં હસતો રહું છું, કૃષ્ણ મારી જાત છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિદ્યા વિનાશને માર્ગે – સુરેશ જોષી
હૃદયના ઉદગાર – કનુભાઈ પંડ્યા Next »   

14 પ્રતિભાવો : ગઝલદ્વયી – સંકલિત

 1. સુંદર ગઝલો……..અભિનંદન ……..

 2. સદ્ભાવ બદલ આભાર. આવી અન્ય ગઝલો માટે અમારી વેબસાઈટ પર મુલાકાત લેવા આમંત્રણ છે.

 3. chini says:

  very good , great work

 4. hardwar says:

  poor gazal

 5. bijal bhatt says:

  કોણ કોનો સાથ આપે અંતિમે એ જાણવું,
  શ્વાન પામે સ્વર્ગને જો, ધર્મની સોગાત છે.

  too good

 6. Bhavin Patel says:

  મન હલાવી નાખ્યુ હો…….

 7. અતુલ જાની (આગંતુક) says:

  રીડ ગુજરાતી વાંચતા રાતે મોડું થાય રે
  શયનખંડમાંથી વનિતાનો રવ સંભળાય રે, ચાલો હવે !

  મહાભારતની લઈ વાતો, રચી છે સુંદર ગઝલ
  આગંતુક વાચક કહે, ગઝલમાં અનેરી ભાત છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.