ઝાકળભીનાં મોતી – કુમારપાળ દેસાઈ

[1] જેટલું ઓછું, તેટલું વધુ !

એક ગરીબ બ્રાહ્મણ હતો ! માંડ માંડ પૂરું કરે. એની કમાણી ઘણી ટૂંકી અને પરિવાર ઘણો મોટો હતો. એકવાર કંટાળીને, થાકીને એક મહાત્મા પાસે ગયો. સાષ્ટાંગ દંડવત્ કરીને સંત મહાત્માને આજીજી કરતાં કહ્યું : ‘અરે મહાત્માજી ! જીવન ધૂળ બની ગયું છે. પરિવાર ઘણો બહોળો છે. અને કળિયુગમાં લોકોનાં મન ટૂંકાં થયાં છે. પરિણામે ભિક્ષા ઘણી ઓછી મળે છે. કંઈક ઉપાય બતાવો જેથી આ ઘરનું ગાડું ગબડે.

સંત મહાત્મા ઊંડા વિચારમાં પડી ગયા. એમને બ્રાહ્મણ ભણી ઘણી દયા આવી. અંતે એક ઉપાય કહ્યો. એમણે કહ્યું : ‘જો તને એક રસ્તો બતાવું. તું એક બકરી રાખ, ચારો નહિ આપે તોય ચાલશે. બકરી દૂધ આપશે અને તારો થોડો નિર્વાહ થશે.

બ્રાહ્મણે બકરી રાખી. ચારો આપવાના તો સાંસા. આથી બકરી આસપાસ ભટકવા લાગી. કોઈના ઘરમાં પેસી જાય. બધું ઢોળી-ફોડી નાખે. કોઈના દાણા ખાઈ જાય તો કોઈનાં કપડાં ચાવી જાય. રસ્તામાં નાનું છોકરું આવી જાય તો એને માથું મારી પાડી દે. સાંજે બકરીને ખોળવા માટે બ્રાહ્મણને ઘણું ફરવું પડતું. માંડ માંડ એને શોધીને ઘેર લાવે, પણ બકરી સાથે બીજા કજિયા પણ આવે.
દુ:ખી બ્રાહ્મણ તો વધુ દુ:ખી થઈ ગયો. ફરી એ મહાત્મા પાસે ઉપાય પૂછવા ગયો. એણે સંત-મહાત્માને કહ્યું કે, ‘મારી ગરીબી તો એટલી જ રહી, પણ આ બકરી આવતાં ઊલટી ગામની ઉપાધિ વધી. માટે, આપ કૃપા કરીને બીજો કોઈ ઉપાય બતાવો. સંત મહાત્મા ફરી ઊંડા વિચારમાં લીન થઈ ગયા. થોડી વારે એમણે કહ્યું : ‘જો ભાઈ ! ભૂખ અને બકરીના દુ:ખમાંથી છૂટવાનો એક ઉત્તમ ઉપાય છે. તું એક ગાય રાખ. તેથી ગૌસેવાનો લાભ મળશે અને પુણ્ય મળતાં તારું દુ:ખ ઓછું થશે. વધારામાં તારી બકરીને સોબત મળશે.

ગરીબ બ્રાહ્મણ ગાય લાવ્યો. ગાયને ઘરમાં ખાવા ન મળે એટલે કોઈના ખેતરમાં ઘૂસી જાય. મોલ બગાડે. બકરીને લીધે ગામમાં ઝઘડા થતા તો ગાયને લીધે સીમમાં ઝઘડા થયા. વળી કોઈ એને ડબ્બામાં પૂરે તો કરગરીને છોડાવવા જવું પડે. બ્રાહ્મણની દશા તો ભારે દુ:ખદાયી બની. ફરી મહાત્મા પાસે ગયો અને કહ્યું : ‘હે સંત મહાત્મા ! મારું તો દુ:ખ વધ્યું. કજિયા વધ્યા. કંઈક ઉપાય બતાવો. નહિ તો આમ ને આમ હું મરી જઈશ.’
મહાત્મા કહે : ‘અરે બ્રાહ્મણ ! એમાં મૂંઝાય છે શા માટે ? મૂંઝવણમાંથી માર્ગ કાઢે એ જ ખરો માનવી. એમ કર, તું પેલી ગાય કાઢી નાખ.’ બ્રાહ્મણે ગાય કાઢી નાખી. ખેડૂતોના ઝઘડા ઘટ્યા. સીમાડાના કજિયા મટ્યા. થોડા દિવસ પછી સંતજને પૂછ્યું : ‘અરે બ્રાહ્મણ, હવે કેમ છે તમને ?’
બ્રાહ્મણે કહ્યું : ‘પહેલાં કરતાં ઘણું સારું છે, મહારાજ !’
મહાત્માએ કહ્યું, ‘હં… તારી વાત હવે બરાબર સમજ્યો. એમ કર, હવે પેલી બકરીને કાઢી નાખ.’ બ્રાહ્મણે બકરી કાઢી નાખી. થોડા દિવસ પછી ફરી સંતજનને મળ્યો.

મહાત્માએ એના ખબરઅંતર પૂછ્યા તો બ્રાહ્મણે કહ્યું : ‘મહારાજ ! બસ હવે તો પરમ શાંતિ છે. આપના આશીર્વાદથી ભારે આનંદમાં છું. ખૂબ સુખી છું.’
******

જેટલું ઓછું એટલો આનંદ વધુ. જીવનની જળોજથા જે વધારતો રહે છે, એ આનંદથી વધુ ને વધુ દૂર જતો રહે છે. પરિગ્રહની લાલસા એક આગ જેવી છે. જે ક્યારેય ઓલવાતી નથી. એનું મન પરિગ્રહમાં ડૂબેલું રહે છે. જેમ ભૌતિક સાધન-સંપત્તિ વધારતો જાય છે એમ નવા પ્રશ્નો અને સમસ્યાઓ ઊભાં કરતો રહે છે. માનવી પાસે જેટલી ભૌતિક એષણા વધુ એટલો એ દરિદ્ર. ભૌતિક એષણા જેટલી ઓછી એટલો એ સમૃદ્ધ.

[2] પુણ્યનો વેપાર

એક બ્રાહ્મણ હતો. યજ્ઞ કરે અને દાન આપે. દાન આપતાં એ નિર્ધન થઈ ગયો. ઘરમાં ખાવાનો જોગ પણ ન રહ્યો. ઘરની સ્ત્રીએ કહ્યું : ‘તમે યજ્ઞ અને દાનથી ઘણું પુણ્ય એકત્ર કર્યું છે. પડોશના ગામમાં એક શેઠ રહે છે. એ પુણ્ય ખરીદે છે. જઈને થોડું પુણ્ય વેચી આવો અને દાણાદૂણી લઈ આવો.’

બ્રાહ્મણ શેઠના ગામ તરફ ચાલ્યો. સ્ત્રીના આગ્રહ પાસે એ થાક્યો હતો. જઈને ગામના પાદરે બેઠો. સાથે પત્નીએ ચાર રોટલા આપ્યા હતા, તે કાઢીને ખાવા બેઠો. તરતની વિયાયેલી એક કૂતરી આવી. એ સામે આવીને પૂંછડી પટપટાવીને ખાવાનું માગવા લાગી. બ્રાહ્મણે એક રોટલો તેને આપ્યો, પણ કૂતરી બહુ ભૂખી હતી, ધીરે ધીરે ચારે રોટલા ખાઈ ગઈ. બ્રાહ્મણ મહાજન પાસે પહોંચ્યો. મહાજન જાણકાર હતો. એણે બધાં સુકૃત્યો સાંભળીને કહ્યું : ‘મને આજના સુકૃત્યનું પુણ્ય આપો. એ હું મોં માગી કિંમત આપીને ખરીદીશ.’
બ્રાહ્મણ કહે : ‘આજે મેં સુકૃત્ય કર્યું જ નથી.’
‘તમે કુતરીને ચાર રોટલા ખવડાવ્યા એ મોટું સુકૃત્ય હતું. લાવો, એક તરફ ચાર રોટલા મૂકો, ને સામે મારાં હીરામોતી મૂકું.’ હીરામોતી છાબડામાં ઠલવાયાં, પણ પેલું પલ્લું ઊંચું ન થયું.
બ્રાહ્મણ બોલી ઊઠ્યો : ‘શેઠજી ! મારું પુણ્ય મારી પાસે. મારે પુણ્ય વેચવું નથી !’
******

પુણ્ય એ પ્રયત્ન કરે મળતું નથી. પુણ્ય માટે કોઈ ખાસ પ્રવૃત્તિ આદરવાની જરૂર નથી. કોઈ નિશ્ચિત વિચાર સાથે એમાં કાર્ય કરવાનું હોતું નથી. પુણ્ય એ તો આપોઆપ થતી જીવનપ્રવૃત્તિ છે. માનવીને જાણ પણ ન હોય અને પુણ્યનું ભાતું બંધાતું જાય. સુકૃત્યની સમજ પણ ન હોય અને સાહજિક રીતે સુકૃત્ય થતું જાય. જીવનના યજ્ઞમાં આપોઆપ પુણ્યની સંપ્રાપ્તિ થતી હોય છે.

પુણ્ય વિશે કેવો વિચિત્ર ખ્યાલ પ્રવર્તે છે ! પુણ્ય એટલે જાણે બદલાની ભાવનાથી કરાતો કોઈ પ્રયાસ. પારકાને કંઈક આપીએ છીએ અને તે પણ પરભવમાં એટલું પાછું મેળવવા માટે ! બીજાને મદદ કરીએ છીએ પણ તેય પોતાની સુખાકારી માટે. દાન કરતાં પહેલાં પુણ્યની ચિંતા કરીએ છીએ. પુણ્યના માપદંડથી દાનની ગણતરી કરીએ છીએ. એ દાન દાન નહિ પણ સ્વાર્થ બની જાય છે. એ પુણ્ય પુણ્ય નહિ પણ પુણ્ય ખરીદવા માટે કરેલો પ્રયત્ન બની રહે છે.

પ્રાપ્તિની ઝંખનાથી પ્રભુ કેટલોય દૂર વસે છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં ગતિ ક્યાં ? સ્વાર્થમાં એક હિસાબી સમજ હોય છે. પુણ્યમાં અણસમજ જ એનો આધાર હોય છે. પરમાર્થમાં જ પુણ્ય વસે છે. પુણ્ય મેળવવા માટે કોઈ પૂર્વશરત હોતી નથી. એની કોઈ રીત નથી કે એનું કોઈ માપ નથી. જીવનમાં આપોઆપ અને સાહજિકપણે થતી પ્રવૃત્તિમાં જ પુણ્યનાં બીજ પડેલાં છે.

[3] ધીરજ અને સમજ

ભગવાન બુદ્ધ વૃદ્ધ થયા હતા તે સમયની આ વાત છે. તેઓ જંગલમાંથી પસાર થતા હતા. એમને ખૂબ તરસ લાગી. શિષ્ય આનંદ નજીકમાં વહેતા પહાડી ઝરણા પાસે ગયા. ઝરણામાંથી થોડી વાર પહેલાં જ ઘેટાંનું ટોળું પસાર થયું હતું. આને કારણે પાણી ખૂબ મેલું હતું. સડેલાં પાંદડાં અને કાદવથી ડહોળું હતું.

આવું પાણી લેવાય કેમ ? આથી આનંદ પાણી લીધા વિના પાછો ફર્યો. પરંતુ ભગવાન બુદ્ધે એને ફરી પાછો પહાડી ઝરણામાંથી પાણી લાવવા મોકલ્યો. નદી ઘણી દૂર હતી. આ ઝરણાના પાણીથી જ તરસ છીપાવવી પડે તેમ હતું. પરંતુ હજી ઝરણાનું પાણી મલિન અને ડહોળાયેલું હતું. શિષ્ય આનંદ પાણી લીધા વિના પાછો ફર્યો. ભગવાન બુદ્ધે ફરી પોતાના શિષ્યને પાણી લેવા મોકલ્યો. શિષ્ય આનંદ કમને ગુરુ-આજ્ઞાનું પાલન કરતો હતો.

આનંદ ત્રીજી વાર પહાડી ઝરણા પાસે આવ્યો, પરંતુ પાણી જોઈને એના આનંદનો પાર ન રહ્યો. કેટલું નિર્મળ જળ ! ક્યાં પાંદડાં અને કાદવથી ડહોળાયેલું પાણી અને ક્યાં ચોખ્ખું કાચ જેવું પાણી ! શિષ્ય આનંદે પહાડી ઝરણામાંથી ગુરુને કાજે નિર્મળ જળ લીધું પણ સાથોસાથ આ પ્રસંગનો અર્થ વિચારવા લાગ્યો.

માનવીનું મન પેલા ઝરણા જેવું છે. એમાં વિકાર, લાલસા અને વાસનાનાં વાવાઝોડાંની ગડરિયાં આવતી રહે છે. જીવન છે તો ઝંઝાવાત છે. સંસાર છે તો બળવાનું-જલવાનું છે. રાગ અને દ્વેષ તથા કામના અને વાસનના ઝંઝાવાતો જીવનનદીનાં નીરને ડહોળાં કરી દેશે, પરંતુ અકળાવાની કે મૂંઝાવાની જરૂર નથી. ડહોળાં નીર શાંત થાય ત્યાં સુધી ધીરજ ધરવાની જરૂર છે. મનથી મહાન થવાતું નથી, કિંતુ મનના ઝંઝાવાતોને શાંત પાડવાના છે. એની ભડભડતી જ્વાળાઓને ધીરજથી ઠારવાની છે. આ માટે મનને જાણવાની અને પામવાની ધીરજ જોઈએ. ધીરજ એ મનની કેળવણી છે અને સાચી સમજ મનને કુમાર્ગે જતું અટકાવે છે.

[4] મારો રેતીનો મહેલ

નદીનો હરિયાળો કાંઠો હતો. કાંઠા પરની રેતીમાં બાળકો રમતાં હતાં. કોઈ રેતીનું ઘર બનાવે, તો કોઈ રેતીનું મંદિર બનાવે. કોઈ રેતીનો પહાડ કરે, તો કોઈ રેતીનો મહેલ ચણે. દરેક બાળક પોતાના કામને સૌથી સારું ગણે. કોઈ કહે, ‘મારો મહેલ કેવો સુંદર છે ! એથી આગળ તારું મંદિર તો પાણી ભરે.’ બીજો કહે : ‘મહેલમાં તો રાજા રહે. રાજા કરતાં ભગવાન મોટા. મારા મંદિરમાં તો ભગવાન વસે. આમ કરતાં કરતાં ક્યારેક લડીઝઘડી પડે. એમાં કોઈનો પર્વત તૂટે, તો પાણીપત સર્જાય.

એટલામાં સાંજ પડવા આવી. અંધકાર છવાવા લાગ્યો. સૌને ઘેર જવાનું યાદ આવ્યું. બધાં બાળકો એ મહેલ કે મંદિર, એ પર્વત કે મકાન છોડીને નીકળી પડ્યાં. જેને માટે આટાઆટલું લડ્યાં-ઝઘડ્યાં એ બધું એમ ને એમ પડી રહ્યું. એક વાર જે ‘મારા’ અને ‘તારા’ માટે લડાઈ ચાલતી હતી, તે અંધકાર થતાં આથમી ગઈ.

બાળકોએ અંધકાર થતાં મારું અને તારું છોડી દીધું પણ રેતીમાં મહેલ ચણતો માનવી અંધકારની વેળા જાણતો હોવા છતાં મારું અને તારું ક્યાં છોડી શકે છે ? મોત સામે આવીને ઊભું હોય તેમ છતાં રેતીના મહેલ કે મંદિરની એની આસક્તિ છૂટતી નથી. આ રેતીના મહેલ એમ ને એમ રહી જવાના છે. એને માટે જે કલહકંકાસ કરે એ નકામા છે. પરંતુ માનવી ક્યાં આ મારા-તારાનો ભેદ ભૂલી શકે છે. આથી તો મૃત્યુ વખતે માનવી જીવવાનો વલોપાત કરે છે. આથી તો રેતીના મહેલ બાંધીને લઈ જવા માગે છે. નિરર્થકને માટે ખૂબ ઝઘડે છે. અને જે મૃત્યુ, હકીકત છે તેને ભૂલી જાય છે.

અંધકાર ઊતરે એ પહેલાં ઘેર જવાની તૈયારી કરનાર જ સાચો માનવી છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા 2007 – તંત્રી
એક વખત – ધીરુબહેન પટેલ Next »   

33 પ્રતિભાવો : ઝાકળભીનાં મોતી – કુમારપાળ દેસાઈ

 1. neetakotecha says:

  badhi j vato bodh thi bhareli. khub subdar

 2. bijal bhatt says:

  મારે પુણ્ય વેંચવું નથી… કેટલી સરસ બોધ કથા…

  પણ આવા નશીબ પણ કુદરત બધાને ક્યાં આપે છે કે તે કાંઈ પુણ્ય કરી શકે.. હકિકત તો એવી છે કે કુદરત માત્ર આપણને નિમિત્ત બનાવી ને એનુ કાર્ય કરે છે.
  કોઈ પણ સદ્કર્મ આપણાથી ન થાય તો સમજવુ કે આપ કતાર મે હૈ કૃપીયા પ્રતિક્ષા કરેં…

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Nice article….

 4. maurvi says:

  “મારો રેતીનો મહેલ” કેટ્લી સાચી વાત!!!
  મારુ-તારુ ઘડી બે ઘડીનુ જ છે, છેવટે તો માનવી એકલો જ છે.

 5. Prashant says:

  Moti paani maa hoi tyaare anmol nathi laagto pan jyaare Jhakal ma hoi che tyaare aaneru anand che

 6. મારો રેતિ નો મ્હેલ
  ખુબ સરસ બોધ મ્લયો
  અભિન્ન્દન્!!!!!!

 7. yunus meman says:

  જિવન નુ સત્ય સમજાવતિ વારતાઓ,,

 8. સરસ કથાઓ આભાર….

 9. Anitri says:

  Very nice artical. I like this. Thanks

 10. Ashish Dave says:

  good
  ashish

 11. ashok shastri says:

  બહુજ સુંદર, આનંદ થયો.

 12. Dhaval B. Shah says:

  Nice ones.

 13. dharmesh Trivedi says:

  આપણે આમાનુ રતિભાર પણ જો જિવન મા ઉતારિ શકીએ તો જિવ્યુ સાર્થક ગણાય.

 14. vivek desai, dubai says:

  ઘનિ સુન્દર બોધ કથા. વેરિ ઇન્ફોર્મેતિવ આર્તિકલ્

 15. bhundra shah says:

  ધરમેશભાઇ ઍ ખરેખર સાચુ કહ્યુ કે જીવનમા ઉતારવુ જ બહુ જરુરી.

 16. Utpal Dave says:

  આ એક ખુબ જ સુન્દર અને ખુબજ તત્વ ચિન્તન નો વિશય જે ખુબજ સરલત થિ અહિ રજુઆત પમ્યો

 17. Keyur Patel says:

  બોધક વાતો આપતા રહેજો.

 18. Bharat Dalal says:

  Excellent. Please give more writings from Kumarpal

 19. vishal j paatel says:

  man kush thai gayu

 20. chetana d mehta says:

  ખૂબ સરસ બોધકથાઓ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.