એક વખત – ધીરુબહેન પટેલ

ઓચિંતી વીજળી જતી રહી. લાઈટ બંધ, એ.સી બંધ અને ટી.વી. બંધ. નાના બાળકને કોઈએ લપડાક મારીને બાથરૂમમાં પૂરી દીધું હોય એવી હાલત બન્ને જણની થઈ ગઈ. થોડો વખત સૂનમૂન બેસી રહ્યા પછી પત્ની બોલી : ‘બૅટરી લઈ આવો ને !’
‘બૅટરી કબાટમાં છે અને કબાટની ચાવી કોને ખબર ક્યાં હશે. આવા અંધારામાં કબાટ ખૂલે તોયે અંદરથી બૅટરી શોધી કાઢવી મુશ્કેલ છે.’ પરાશરે કહ્યું.
‘મળશે તોયે ચાલતી હશે કે નહીં, કોને ખબર !’
‘એના કરતાં મીણબત્તી પેટાવ ને !’
‘એય ક્યાં હશે, કોને ખબર…. કદાચ હશે જ નહીં.’ સુષમા બોલી, ‘તેલનો દીવો કરી લાવું ? પણ રસોડામાંયે અંધારું જ હશે.’
‘જવા દે, નકામી ક્યાંક ઠોકર વાગશે.’
‘તો પછી ?’
‘થોડી વાર રાહ જોઈએ. કદાચ વીજળી પાછી આવી જશે.’
‘એનું શું ઠેકાણું ? કદાચ આખી રાત ન આવે.’
‘એવું ના બને.’ પરાશરે દઢતાથી કહ્યું.
થોડી વાર બન્ને મૂંગામૂંગા બેસી રહ્યાં. પછી સુષમાએ કહ્યું, ‘હજુ તો જમવાનું પણ બાકી છે.’
‘આ અંધારામાં નહીં ફાવે.’

પરાશરની વાત સાચી હતી. સુષમાની આંખો મૂળે નબળી, તેમાં જરા સરખાય પ્રકાશ વગર રસોડામાં જઈને થાળી પીરસવી એ તેનાથી બને તેમ નહોતું. માનો કે કોઈક રીતે પિરસાય તોયે જોયા વગર ખાવાની શી મઝા આવે ?
‘તો શું કરીશું ?’ સુષમાએ પૂછ્યું.
‘કંઈ નહીં – બેસીએ, વાતો કરીએ ને વીજળી પાછી આવે એની રાહ જોઈએ.’

પરાશરને ઈચ્છા થઈ કે તે સુષમાનો હાથ પકડે. બીવાનું કંઈ કારણ નહોતું છતાં તે જરૂર બીતી હશે. હાથ પકડવાથી તેને સારું લાગશે. એ સાચવીને ઊઠયો અને સુષમાની બાજુમાં જઈને બેઠો. સુષમાના હાથ ઘડપણને લીધે વધારે નરમ અને સુંવાળા થઈ ગયા હતા. પરાશરના પણ પહેલાંના કરતાં વધારે પોચા થયા હતા. એકાદ બે મિનિટના આ હસ્તમેળાપ પછી બન્નેને સારું લાગ્યું.
‘શું કહો છો ? લાઈટ કયારે આવશે ?’
‘જ્યારે આવશે ત્યારે. આપણે શી ચિંતા છે ? નિરાંતે ઘરમાં બેઠાં છીએ. લિફટમાં ફસાઈ ગયાં હોત તો ?’
‘તો તો પાકી મુસીબત. તેમાંયે જો હું એકલી હોત તો તો ડરની મારી મરી જ જાત.’
‘શેનો ડર ?’
‘તમે નહીં સમજો.’
‘જવા દે, મારે નથી સમજવું. અત્યારે તું લિફટમાં નથી. ઘરમાં છે. અને એકલી નથી, મારી પાસે છે.’
‘હાશ !’
થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહીં. પછી પરાશરે કહ્યું, ‘જો હું સિગરેટ પીતો હોત તો મારી પાસે લાઈટર હોત.’
‘નથી પીતા એ જ સારું છે.’
‘પણ આ અંધારું…’
‘ભલે રહ્યું, ધીમે ધીમે આંખો ટેવાશે એટલે થોડું દેખાશે.’
‘પૉકેટ રેડિયો હોત તો વગાડત’
‘એક હતો તો ખરો. યતીન પહેલી વાર અમેરિકાથી આવ્યો ત્યારે લઈ આવ્યો હતો.’
‘ક્યાં હશે ? જડે એવો છે ?’
‘ઝટ નહીં જડે. આપણે વાપરીએ નહીં ને, એટલે ચાલતો પણ નહીં હોય.’
‘કંઈ નહીં, જવા દે ! બેઠાં છીએ.’

‘કહું છું, આ આંધળા લોકો શું કરતા હશે ? એમનો વખત શી રીતે જતો હશે ? આપણને તો આ થોડી વારમાં આટલી મૂંઝવણ થાય છે. ત્યારે એમને તો બાપ રે બાપ, આખી જિંદગી જ આવી કાઢવાની !’ ‘એ લોકો ટેવાઈ જાય. રોજનો મહાવરો હોય ને એટલે પોતાનું બધું કામકાજ કરી શકે. બ્રેઈલની ચોપડીઓ વાંચે, હાર્મોનિયમ વગાડે – બીજુંયે કંઈ કરતા જ હશે. આમ જોવા જાઓ તો એમની જિંદગી પણ સારી જ જાય. આપણા કરતાં થોડીક જુદી, બસ !’
‘તો સારું.’
પછી કોઈને વાતચીતનો કંઈ વિષય સૂઝતો નહીં. મૌન ધીમેધીમે વધારે ઘેરું બનતું ગયું. પછી એકાએક પરાશર બોલ્યો : ‘ચાલ, આપણે પેલી “એક વખત” ની રમત રમીએ.’
‘હવે કંઈ નાનાં છીએ ?’
‘તોયે ! ચાલ ને, મઝા આવશે. પણ શરત એટલી કે જૂઠું નહીં બોલવાનું.’
‘પહેલાં તો જેની વાત વધારે સારી હોય એને ઈનામ મળતું. આ તો આપણે બે જ ! એમાં નક્કીયે કોણ કરે, ઈનામ આપે કોણ અને લે કોણ ? ના, ના જવા દો !’
‘તો બીજું કરીશું પણ શું ? ચાલ ને !’
‘વારુ, પણ પહેલો તમારો વારો.’

પરાશરે પોતાનો ભૂતકાળ ફંફોસી જોયો અને કંઈક યાદ આવ્યું એટલે ઉત્સાહથી કહેવા માંડ્યું :
‘એક વખત સ્કૂલમાંથી અમે પિકનિક પર ગયેલા. ત્રિવેદી સિસ્ટર સાથે હતાં એટલે થોડી છોકરીઓ પણ આવેલી. તે વખતે તું જાણે છે ને, છોકરાછોકરીઓ સાથે ભણે ખરાં પણ એકબીજા જોડે બોલે નહીં એટલે આવું તેવું કંઈ પિકનિકનું ગોઠવાય ત્યારે છોકરાઓને મઝા આવી જાય. ત્યાં તો બધાં બોલે, રમે, ગીતો ગાય અને બસમાં જતાં-આવતાં અંતકડી પણ રમે. છોકરાઓની પાર્ટી જુદી અને છોકરીઓની પાર્ટી જુદી. સિનેમાનાં ગાયનો ના ગવાય એટલે છોકરાઓ માર ખાઈ જાય. છોકરીઓને તો ગરબા આવડે, ભજન આવડે, હાલરડાંયે આવડે. જો કે હાલરડાં ના ગાય. શરમ આવે ને ?

અમે હારવાના જ હતા એટલામાં એક નવા આવેલા ઈન્દુ વેદ નામના છોકરાએ શરમ મૂકીને ગાવા માંડ્યું. સુષમા, તું નહીં માને પણ એનો અવાજ એટલો સરસ હતો…. કોઈ પ્લેબૅક સીંગર જ જોઈ લો ! પાછાં એને એટલાં બધાં ગુજરાતી ગીતો આવડે કે છોકરીઓનો તો કોઈ કલાસ જ નહીં !’
‘પછી ?’
‘પછી શું ? એ તો વજ્રેશ્વરી આવી ગયું એટલે બધા બસમાંથી ઊતરી પડ્યા નહીંતર છોકરીઓ ચોક્કસ હારવાની હતી ! પણ તું વચમાં બોલ નહીં – મને મારી વાત પૂરી કરી લેવા દે, સુષમા ! એ છોકરો, ઈન્દુ વેદ એટલો ગજબનો શરમાળ કે આખો દિવસ છોકરીઓ એની પાછળપાછળ ફર્યા કરે પણ એ ઊંચું જોવાયે તૈયાર નહીં. અમને તો એવું થાય કે આ અક્કલના ઓથમીરને ભગવાને આટલું સરસ ગળું ક્યાંથી આપ્યું હશે ? ત્રિવેદી સિસ્ટર પણ ખુશ થઈ ગયાં હતાં એના પર. પણ એ આખો દિવસ બધાથી સંતાતો જ ફરે….

હં, પણ અસલ વાત રહી ગઈ. અમે બધાં કુંડમાં નાહ્યાં ને નદીમાં નાહ્યા અને પછી વજ્રેશ્વરીના મંદિરનાં પગથિયાં ચડીને દર્શન કર્યાં – પછી જમ્યાં…. પછી શું થયું, જાણે છે ?’
‘કહો તો જાણું ને ?’
‘પાછાં વાળતાં અમે છોકરીઓની સાથે શરત મારી. એ લોકો હારે તો એમણે એમને બધાને સ્કૂલની કેન્ટિનમાં પાર્ટી આપવી અને અમે હારીએ તો અમારે એ લોકોને આપવી. અમને તો ખાતરી જ હતી કે અમે જીતવાના. પણ સુષમા ! પેલા ઈન્દુએ તો મોઢું જ ન ખોલ્યું. અમારા મનથી એમ કે એ શરમાય છે – પણ પેલી છોકરીઓએ એને ભજિયાંમાં કે પાનામાં એવું કશુંક ખવડાવી દીધું હતું કે બિચારાનો અવાજ જ બેસી ગયો, માને છે ? ગાવાનું તો ઘેર ગયું, એ બોલી પણ નહોતો શકતો.’
‘અરરર…!’
‘અને એ દુષ્ટ છોકરીઓએ અમારી પાસેથી વ્યવસ્થિત પાર્ટી લીધી. છોલે પૂરી ગુલાબજાંબુ સમોસા ને ઉપરથી આઈસક્રીમ !’
‘એણે – ઈન્દુએ – તો નહીં ખાધું હોય.’
‘ના રે… પછી બીજે દિવસે તો એ અમારી સ્કૂલમાંથી ઊઠી ગયો હતો. ખબર નહીં ક્યાં ગયો, શું ભણ્યો, શું કરતો હશે.’
‘હં……’
‘ચાલ સુષમા, હવે તારો વારો !’
‘ના, મને નહીં ફાવે.’
‘એવું ચાલે જ નહીં. આટલી લાંબી જિંદગીમાં શું એકાદ અનુભવ પણ એવો ન હોય કે જે તને યાદ રહી જાય ? ચાલ, કહેવા માંડ – અને જો, જરાકે ખોટું નહીં કહેવાનું. નો ચીટિંગ.’
‘વારું, યાદ કરવા દો.’

અંધકારમાં બેઠો બેઠો પરાશર રાહ જોવા લાગ્યો કે ક્યારે સુષમાનો સ્મૃતિભંડાર ખૂલે અને તે એકાદ એવી વાત કહે કે જે જાણ્યાથી એ સુષમાને વધારે સારી રીતે સમજી શકે. કેટલીક વખત એને એવું થતું કે આખી જિંદગી સાથે ગાળવા છતાં એ સુષમાને પૂરેપૂરી નથી જાણતો… એનું જીવન ભલે આખું ને આખું સાલવારી પ્રમાણે પોતાની સમક્ષ ખુલ્લું હોય – અંતરના કેટલાક અગોચર ખૂણા એવા છે કે જ્યાં એનો પ્રવેશ નથી.

‘આ ઈન્દુની તમે વાત કરીને, એ બહુ ભાવુક છોકરો હતો…. નિર્મળ હૈયાનો અને કંઈક તરંગી…’
‘અરે સુષમા ! તું એને ક્યાંથી ઓળખે ?’
‘તમે કહેતા હતા તેવું જ મારે કહેવું પડશે – પ્લીઝ, વચ્ચે પ્રશ્નો ના પૂછશો.’
‘પણ આ અમારો ઈન્દુ તો – તને બરાબર ખબર છે – એ અમારી સાથે ભણતો હતો તે જ ઈન્દુ વેદ ? તું એની જ વાત કરે છે ?’
‘હા, એક વખત મેં એની સાથે પરણવાનો વિચાર પણ કરેલો ત્યારે તો મેં તમને જોયા જ નહોતા. અને સંસાર વિશેનું મને કંઈ ખાસ જ્ઞાન પણ નહોતું.’
‘હજી મારા માન્યામાં નથી આવતું. તને ખાતરી છે, એ એ જ ઈન્દુ વેદ ?’
‘હા. તમારી સ્કૂલમાંથી ઊઠી ગયા પછી એ અમારી સ્કૂલમાં દાખલ થયેલો. મારાથી ત્રણેક ચોપડી આગળ ભણતો હતો અને ખૂબ શરમાળ હતો…. એક વખત સ્કૂલના વાર્ષિક મેળાવડામાં અમારે બન્નેને એક ગીત સાથે ગાવાનું હતું.’
‘પ્રેમગીત ?’
‘હા, એવું – આજના જેવું ખુલ્લંખુલ્લું નહીં. પણ હતું તો પ્રેમગીત જ. અને ગાતી વખતે એ બિચારો નજર નીચે ઢાળી રાખતો છતાં બધાએ અમને ચીડવવાનું શરૂ કરી દીધું. મને તો બહુ વાંધો નહોતો – ખરૂં પૂછો તો જરાક મઝા આવતી હતી. એ ઉંમર જ એવી હતી ને !

પણ ઈન્દુ બહુ દુ:ખી થઈ જતો. એક બપોરે હું લાઈબ્રેરીમાં ચોપડી શોધતી હતી ત્યારે એણે આવીને કહ્યું, ‘સુષમા ! મને જો આવી ખબર હોત તો હું તમારી સાથે ગાવાની હા પાડત જ નહીં.’
‘કેમ ? હું સારું નથી ગાતી ?’
‘એ વાત નથી. આ બધા જેમ ફાવે તેમ બોલ્યા કરે છે એટલે – તમે દુ:ખી થાઓ તો મને ન ગમે.’
‘હું દુ:ખી નથી થતી.’ મેં કહ્યું.
આ સાંભળીને એ આશ્ચર્યચકિત થઈ ગયો. ઘડીમાં મારા હાથમાંની ચોપડી તરફ તો ઘડીમાં મારા મોં સામે જોવા લાગ્યો, મને લાગે છે કે એ વખતે જ મેં નક્કી કરી નાખ્યું કે એ મને ઘણો ગમે છે.

પછી તો અમારી દોસ્તી વધતી ચાલી. એણે મને તમારી પેલી પિકનિકની વાત પણ કરેલી. તમારા કલાસમાં એક હીરા ભાવસાર કરીને છોકરી હતી ને, એણે જ ઈન્દુને પરાણે પાન ખવડાવેલું. અંદર સિંદૂર હશે કે બીજું કશું – એના ગળામાં તકલીફ બહુ જ થયેલી. ત્યાર પછી ઘણા વખતે કેટલાયે ઈલાજો કર્યા પછી એનો અવાજ સુધર્યો.’
‘અને એ તારી સાથે ગઈ શક્યો !
’ ‘હા.’
‘મને નવાઈ લાગે છે, સુષમા ! એની સાથે પ્રેમમાં હોવા છતાં તેં મારી સાથે લગ્ન કરવાની હા કેમ પાડી ?’
‘પ્રેમની મને બહુ સમજ નહોતી. પણ એ મને બહુ ગમતો હતો.’
‘બસ, તો પછી !’
‘પણ ત્યાર પછી એવું બન્યું કે – બસ, બધું પતી ગયું.’
‘તમારે ઝઘડો થયો ?’
‘નહીં રે ! એ ઝઘડે એવો હતો જ ક્યાં ? એ તો મનની વાત માંડ માંડ મોંએ લાવે એવો હતો. બહુ જ નરમ અને ભલો. એક દિવસ એણે મને પૂછ્યું : ‘ભણી લીધા પછી તું મારી સાથે પરણીશ ?’ મેં તરત હા પાડી દીધી. પરણવાનો અર્થ શો થાય એની મને થોડી થોડી ખબર પડવા માંડી હતી અને મને જરા ડર પણ લાગતો હતો. પણ આ ઈન્દુ – એવો હતો ને એ, એની જરાયે બીક ન લાગે. મારી હા સાંભળીને એ ખૂબ ખુશ થઈ ગયો. મને લાગે છે કે એણે એનાં માબાપને પણ વાત કરી હશે – કારણ કે પછી એ લોકોએ અમારે ઘેર આવવા જવાનું શરૂ કરી દીધું.’
‘ઓહો ! તે મને કેમ આ વાતની કશી ખબર જ ના પડી ?’
‘કારણકે –’
‘બોલ સુષમા ! યાદ છે ને, આ રમતમાં બધાએ સાચું જ બોલવાનું હોય છે ?’
‘યાદ છે.’
‘તો પછી કહે !’
‘કહું છું…’

પણ સુષમા તરત બોલી ન શકી. પરાશરની ઈંતેજારી કાબૂ બહાર જતી રહી હતી. એણે સુષમાનો ખભો ઝાલીને હલાવી નાખ્યો.
‘કેમ બોલતી નથી ?’
‘મેં એને હા પાડ્યા પછી એકાદ મહિનો થયો હશે…. અને એના બાપુજીની બદલી આસામ થઈ ગઈ. ત્યાંથી એણે એક વાર મને કાગળ પણ લખેલો પણ એમાં એનું સરનામું નહોતું. એટલે – એટલે પછી એ આખી વાત ધીરે ધીરે ભુલાઈ ગઈ….’

ઓચિંતી લાઈટ આવી એટલે રૂમમાં ઝગઝગાટ થઈ ગયો. ટી.વી. પર કોઈનું ભાષણ ચાલતું હતું. ચિડાઈને પરાશરે ચેનલ બદલવા રીમોટ કન્ટ્રોલ હાથમાં લીધો ને એની નજર સુષમા પર પડી. સુષમાની આંખોમાં ઝળઝળિયાં હતાં.
‘ઓહ, તો એ વાત હજુ ભુલાઈ નથી !’ પરાશર ધીમેથી બબડ્યો.
‘હું માનતી હતી કે ભુલાઈ ગઈ છે.’ સુષમા એટલા જ ધીમા અવાજે બોલી. એ કદાચ પરાશરને નહીં, પોતાની જાતને જ કહી રહી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝાકળભીનાં મોતી – કુમારપાળ દેસાઈ
કેરીગાળો – આશા વીરેન્દ્ર Next »   

27 પ્રતિભાવો : એક વખત – ધીરુબહેન પટેલ

 1. neetakotecha says:

  gr8 manav nu man ek virat dariyo che jema ket ketli vato jindgi bhar chupayeli raheti hoy che. ane kyarey juni vato bhulati nathi. hraday sparshi varta.

 2. touching story… told in a very very nostalgic way….

  sometimes gud stories also remains tasteless if not told in the way it should have told…

  but this is really gud one…. liked it…

 3. bijal bhatt says:

  કાશ સુષ્માએ આ વાત લગ્નની શરુઆત મા કેહવની હિંમત દાખવી હોત તો શું પરાશર એને સ્વિકારત??

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Nice story….!!!!!!!

  “First love never ends……..”!!!!!!!

 5. dhara says:

  સરસ વાર્તા.. એક્દમ સાચી વાત…. કોઇ પણ વ્યક્તિ પોતાના first love ને ભુલી શકતુ નથી. છોકરીઓ ખાસ…..

 6. Ramesh Shah says:

  જુવાનીમાં થયેલો પ્રથમદ્રષ્ટિ નો પ્રેમ ક્યારેય ભૂલાય તો નહીં જ પણ યાદ આવતાં પ્રથમપ્રેમી ને મળવાની-જોવાની જે તીવ્ર ઉત્કંઠા જાગે તેનો પણ અનુભવ કર્યો છે? આજે મેં અનુભવ્યું.

 7. સુન્દર ક્રુતિ!!!!

  first love ક્યારેય ના ભુલિ શકાય….એમાય જેને પામવાનિ ઝન્ખના હોય અને એ ના મલે તો બધુ જ નકામુ લાગે………..

 8. કેયુર says:

  First love ને ભુલવો એ almost impossible છે.
  ખુબ સરસ વાર્તા.

 9. Sanjay Ghinaiya says:

  aa varta etali badhi rasaprad chhe ke vat na puchho.darek manav potana harday ketlik
  vedanao chupavine betho hoy chhe. pahelo prem darek manvi kyarey etale kyarey bhuli shakto nathi

 10. kamal says:

  આ વ|રત| ખરેખર અમો પિ ત અને પતિ ન ને લ|ગ્
  પઙે ………

 11. Bhavin Kotecha says:

  really nice story… direct dil se… it’s true… in life some thing we think we forget… but in corner of heart its alive…. & I think… every human has some thing like this…. well, congrets to Dhiruben.

 12. સરસ વાર્તા!

 13. bhumika says:

  I m totally agree with RAMESH SHAH

 14. dharmesh Trivedi says:

  વાહ! વરસાદિ વાતાવરણ અને પ્રથમ વાર ના નિર્ભેળ પ્રેમ નિ સુન્દર વાત ભૈ જલ્સો પડિ ગયો હો!!!….લેખક શ્રિ ને અભિનન્દન ***

 15. Ash says:

  બહુ સરસ વાર્તા. It was really touching.. First love can not be forgotten!!

 16. bharat dalal says:

  How innocent talks can disaturb even after so many years? It must be a shock to the husband that he is not the first love !

 17. Keyur Patel says:

  Great Story!!!!!!!!

 18. nayan panchal says:

  a dialogue from movie Titanic “Women’s heart is like a deep ocean, you never know what lies within.”

  જીવનનો પ્રથમ પ્રેમ ક્યારેય ભૂલી શકાતો નથી, તેની યાદો તો હ્રદયના એક ખૂણામા સંભાળીને રાખવાની અને ક્યારેક પંપાળવાની મજા આવે છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.