લોકશિક્ષણના આરાધક – ઉષા ગૌ. જોશી

[‘મારા પિતા’ પુસ્તકમાંથી સાભાર.]

મારા પિતાજી – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’. માથે કાળી ટોપી, પહેરણ અને ધોતિયું, ખભે ભૂખરા રંગની શાલ હોય, પગમાં મોજડી હોય – આ મારા બાપુનો કાયમનો પહેરવેશ. શિયાળામાં બહુ ઠંડી હોય ત્યારે છેલ્લાં વરસોમાં ગરમ લાંબો કોટ પહેરતા. પગમાં વાઢિયા પડી જતા, એટલે શિયાળામાં મોજાં પહેરે. શિયાળો પૂરો થાય અને હોળી પછીથી કોટ, શાલ અને મોજાં શરીર ઉપરથી વિદાય લે….

પહેરણ પણ ત્રણ કે બહુ તો ચાર હોય. એટલી જ ધોતિયાની સંખ્યા. ચોમાસામાં જલદી સુકાય નહિ એટલે એકાદ જોડી વધુ રાખવી પડે. જો પહેરણ ફાટે, ગજવામાં કાણું પડ્યું હોય કે બોંયનો ભાગ ઘસાઈ ગયો હોય ત્યારે અમારાં ભાંડરડાંની નજરમાં આવે. અમે તો જૂનું પહેરણ અમારી મેળે કાઢી લઈએ અને નવા પહેરણમાં બાપુની પેન, ડાયરી, હાથરૂમાલ વગેરે જે રીતે મૂકતા હોય તે રીતે મૂકી દઈએ !

બાપુની ચપળ નજર અમારી આ ચાલાકી શોધી કાઢે. અમને કહે, ‘એ જૂનું પહેરણનું ગજવું સીવી લીધું હોત તો હજી ચાલત.’ અમે કહીએ ‘બાપુ ! તે હવે બહુ ગળી ગયું છે. પહેરણના કાપડ કરતાં થીંગડાનું કાપડ મજબૂત બની જાય તેમ છે. હવે આ નવું જ વાપરો.’ બીજાની ઈચ્છાને તો હમેશાં બાપુ માન આપે. એટલે હસતાં, હસતાં કહે : ‘સારું, જેવી તમારા બધાની ઈચ્છા. તમે સહુ રાજી થાવ તેમ કરો.’

બાપુની પોશાકની જરૂરિયાત ઓછામાં ઓછી ત્રણ જોડીથી ચાલી રહે તેમ હોય તો શા માટે ચોથી વસાવવી ? અમે સહુ ભાંડરડાં સમજણાં થયા પછીથી બાપુનાં કપડાંને ઈસ્ત્રી કરવી, જૂનાં કપડાંને સ્થાને નવાં મૂકવાં – આ કામ મારા ભાઈઓએ વિવિધ રીતે ઉપાડી લીધું. બાપુના પગનું માપ અશ્વિનભાઈના પગ જેટલું, એટલે એ ભાઈ નવી મોજડી લાવે. મોટા ભાઈ બાપુને માટે પહેરણનું કાપડ અને ધોતિયાં લઈ આવે. સારા દરજીને બાપુનાં પહેરણ સીવવા આપે. બાપુને સાહિત્યની ભૂતાવળે એવા ઝડપી લીધેલા કે તેમણે પોતાની જરૂરિયાતને માટે વિચારવાનું પછીથી બિલકુલ બંધ કરી દીધેલું, એમ કહીએ તો પણ ચાલે. મોજડીમાં કાણું પડી ગયું હોય, બહારનો નાનો કાંકરો ક્યારેક વાગે પણ ખરો, નવી લેવા જવાનો સમય હોય નહિ, આ પ્રમાણે થાય ત્યારે મોજડીના માપનું પૂંઠું કાપીને મોજડીમાં અંદર ગોઠવી દે. પૂંઠું કાપવાનું કામ અમારી નજરમાં આવે તો મોજડી બદલાઈ જાય, નહિતર બે-ચાર દિવસ નીકળી જાય. બાપુની આવી મોજડી અશ્વિનભાઈની નજરમાં આવે એટલે એને ખૂંચે. એ જ દિવસે અશ્વિનભાઈ જઈને બાપુની મોજડી લઈ આવે. બાપુને નવી મોજડી પગમાં કઠે નહિ એટલે પોતે અઠવાડિયું પહેરીને એને પોચી બનાવે. એક દિવસ જૂની મોજડીની જગાએ આ નવી મોજડી મૂકી દેવાય. બાપુની મોજડીને પૉલીશ કરવાનું કામ ઘનશ્યામભાઈ કરે.

સૌરાષ્ટ્ર સોસાયટીનું અમારું ઘર 1947માં નીચેના ભાડુઆતે ખાલી કર્યું. બાપુ કહે, ‘હવે આ ઘર ભાડે આપવું નથી. મારે બપોર પછીથી આ ઘરમાં બેસીને સાહિત્યની સાધના કરવી છે.’ એ સમયે બાપુએ અમારા ઘરનું નામ આપ્યું ‘કર્ણાવતી નિવાસ’. એ સમયે અમે ખાનપુરને ઘેર રહેતાં હતાં. કર્ણાવતી નિવાસનો ઉપરનો ભાગ ખાલી ન થાય ત્યાં સુધી સહુનો સમાસ થાય તેમ ન હતું. બાપુ બપોરનું ભોજન લઈને હાથમાં થેલી લઈને કર્ણાવતી નિવાસે આવે. કોઈ દિવસ કોઈ સભામાં જવાનું હોય તો માંડી વાળે, નહિતર અચૂક સૌરાષ્ટ્ર સોસાયટીએ પહોંચી જાય. વહેલી સવારે પાંચ વાગે ઊઠીને સૌરાષ્ટ્ર સોસાયટીથી ચાલવા માંડે. સર ચિનુભાઈને ત્યાંથી મોટર બાપુને લેવા માટે ખાનપુર આવતી. આજે લાગે છે કે બાપુ સૌરાષ્ટ્ર સોસાયટીથી ખાનપુર સુધી (સાબર હોટલ આજે છે) નું અંતર ચાલીને સહજ કેવી રીતે કાપતા ? સવારે ફરવું તે તેમના જીવનનો આનંદ હતો. કોઈ કારણસર ફરાયું ન હોય તો તે બાકી રહેલું કામ સાંજે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે જાય ત્યારે ચાલી કાઢે.

એક દિવસ શિયાળાની સવારે બાપુ કર્ણાવતી નિવાસેથી ખાનપુરને ઘેર ચાલીને આવ્યા. બાએ પૂછ્યું : ‘આજે તમારી શાલ કડકડતી ઠંડીમાં એ ઘેર ભૂલીને આવ્યા ?’
‘ના ભૂલ્યો નથી.’ બાપુએ કહ્યું.
‘તો રસ્તામાં પડી ગઈ કે શું ?’ બાએ બીજો પ્રશ્ન કર્યો.
‘ના પડી પણ નથી ગઈ.’ એ જવાબમાં દ્રઢતા હતી.
‘બાપુ, તો પછી એ ગઈ ક્યાં ?’ મોટા ભાઈએ પૂછ્યું.
‘હવે તું પહેરણ વગર કારણે નવાં નવાં બદલ્યા કરે છે, તો આજે મારી પાસેથી પૈસા લઈ જઈને એક શાલ લઈ આવજે. મારે શાલ વગર તો નહિ ચાલે.’ બાપુએ હસતાં હસતાં કહ્યું.
‘એ તો હું આજે જ લઈ આવીશ. પણ તમારી શાલ ગઈ ક્યાં ?’ ભાઈએ પણ ઈન્તેજારીથી પૂછ્યું.
‘એ તો, પાલડી પાસે એક બુઢ્ઢો ફૂટપાથ ઉપર ફાટલી, તૂટલી ગોદડી ઓઢીને સૂતો હતો, મને થયું લાવ આ ડોસાને ઓઢાડી દઉં. એ ઊઠી ન જાય એ રીતે હળવે હાથે ઓઢાડી દીધી. તમને અને મીને (બાને) શાલ ક્યાં ગઈ તેનો સંતોષકારક જવાબ મળ્યોને ?’ એમ બોલીને બાપુ હસી પડ્યા. ‘આ તો તમે શાલની પૂછપરછ કરી એટલે કહ્યું નહિતર તો તમને બધાને ખબર ન પડે તેમ હું પોતે જ નવી શાલ ઓઢવા માંડત, તમને કોઈને ખબર પણ ન પડત. આ તો વાત છતી થઈ ગઈ એટલે દક્ષિણભાઈ તારે માથે નવી શાલ લાવવાનો ભાર નાખ્યો.’ બાપુ મલકી ઊઠ્યા.

નીચલા સ્તરના લોકો પ્રત્યે તેમને બહુ જ હમદર્દી. ભૈયાદાદા, જુમો ભિસ્તી તેમની નવલિકાઓનાં આવાં તો કેટલાંય પાત્રો છે, જેમને બાપુએ તેમની વાર્તા દ્વારા જીવંત બનાવ્યાં છે. શ્રમજીવી વર્ગના લોકોને કંઈક જરૂરિયાતનો તેમને ખ્યાલ આવે તો ત્વરિત રીતે વિચારી કાઢ્યું હોય.

એક વાર એવું બન્યું : જેઠ મહિનો હતો. સખત તડકો હતો. અમે આ મહિનામાં બાર મહિનાની જરૂરિયાતના કોલસા, કોલસાની ઓરડીમાં ભરી લઈએ. ગાડું લઈને કોલસાવાળો સોળ થેલા લઈને અમારે ઘેર નાખવા આવ્યો, ત્યારે બાપુ હીંચકા ઉપર બેઠા બેઠા છાપું વાંચી રહ્યા હતા. ગાડાવાળાએ બાપુના હાથમાં સરનામાની ચિઠ્ઠી આપી. બાપુ સરનામું જોઈને બોલ્યા, ‘બરાબર લઈ આવ્યા. આ ઘેર જ કોલસા નાખવાના છે. ચાલો હું તમને બતાવું ક્યાં મૂકવાના છે.’
‘મી ! આ કોલસા આવ્યા છે, તમે રસોઈના કામમાં છો, એટલે હું કોલસાની ઓરડીમાં મુકાવી દઉં છું.’
બાપુએ બાને કહ્યું. બાપુને શ્રમજીવીઓનું અવલોકન કરવું બહુ ગમે. તેમની સાથે સુખ-દુ:ખની વાતો કરવી વિશેષ ગમે. એમાં પણ આ તો ઘેર જ આવ્યો છે એટલે તક ઝડપી.

કોલસાવાળાએ બળદના કાંધેથી ભાર હળવો કરવા બળદને જરા છૂટો કર્યો. બળદ પણ તડકે હાંફી ગયો હતો. તેના મોંમાથી લાળ ઝરતી હતી. આ બાજુ કોલસા લાવનાર મજૂરે માથા ઉપર અને પીઠ ઉપર આવે તે રીતે બીજો કોથળો ઓઢીને પીઠ ઉપર કોલસાની ગુણ ઉપાડીને ટપોટપ કોલસાની ઓરડીમાં એક પછી એક થેલા ગોઠવવા માંડ્યા. આ બાજુ બાપુએ પાણીની ડોલ ભરીને બળદ આગળ મૂકી. બળદ સપાટાબંધ પાણી પી ગયો. બાપુએ બીજી ડોલ પાણી આપ્યું તો બીજી ડોલ પણ ખલાસ થઈ ગઈ. બાપુએ મજૂરને પૂછ્યું : ‘કેમ ભાઈ ? આ બળદ કેમ આટલો બધો તરસ્યો છે ? પાણી પાઈને નથી નીકળ્યા ?’
‘સાહેબ, પાણી તો પાયું હતું પણ છેક અસારવાથી આવું છું. આ જુઓને કેવો જેઠ મહિનો તપે છે. માથું ફાડી નાખે છે.’
‘કેટલા વાગે નીકળેલા ?’ બાપુએ પૂછ્યું.
‘નવ બજે.’
‘શું કાંઈ નાસ્તાપાણી કરીને નીકળ્યા ?’ બાપુએ પૂછ્યું.
‘રોટલો અને ચા તો ખાવાં પડે નહિતર તો આ શરીર કેવી રીતે કામ કરે ?’ મજૂરે ખુલાસો કર્યો.
‘તો, તો તમને પણ તરસ લાગી હશે ?’ બાપુએ પૂછયું.
‘આ બધા થેલા સમા ગોઠવી દઉં, પછી મને પણ હેમ જેવું પાણી પાજો.’ મજૂરે કહ્યું.
‘તમને પણ પાણી તો પાઈશું અને થોડો ગોળ પણ ખવડાવીશું. અરે મી ! દક્ષિણની સાથે રકાબીમાં થોડા ગોળના ગાંગડા મોકલાવો’ બાપુએ કહ્યું. બાપુની એ ખાસિયત હતી કે અમે કસરત કરીને પાણી પીએ તો બાપુ તરત ટોકે, ‘પાંચ મિનિટ બેસીને પાણી પીઓ અને ખાલી પેટે બહુ પાણી ન પીઓ.’
ભાઈ ગોળની રકાબી લઈને આવે છે. બાપુ બોલ્યા : ‘જો ભાઈ આ બળદ તરસ્યો તો બહુ હતો. ભૂખ્યો પણ એટલો જ હશે. તું ગોળનો ગાંગડો એના મોઢામાં મૂકીશ તો ટપોટપ ખાવા માંડશે અને તારી રકાબી પૂરી કરી આપશે.’

ભાઈએ બાપુની સૂચના પ્રમાણે કર્યું અને બળદ તો બધો ગોળ ખાઈ ગયો. બાપુએ હસતાં હસતાં મજૂરને કહ્યું, ‘તમે તો રોટલો ખાધો છે. આ બળદને ઘાસ નિર્યું હશે ને ?
મજૂરે કહ્યું : ‘સાહેબ, એને તો પહેલાં ખવડાવુ6 પડે. એના ઉપર તો અમારો રોટલો છે. રાત્રે ઘરે જઈને પહેલાં એને નવડાવીશ પછી હું નાહીશ.’
‘તો તો બહું સારું’ બાપુએ તારીફ કરતાં કહ્યું.
મજૂરના પગમાં ચંપલ ન હતાં, તેણે પગમાં ગુણિયાના ટુકડા બાંધ્યા હતા. બાપુને આ વાત ખૂંચી. એના પગ પણ ખાસા મોટા હતા. બાપુ આવા કોઈ કામમાં રસ લેતા હોય ત્યારે અમે સહુ પણ તેમની આજુબાજુ આવીને ઊભા રહી જઈએ, કારણ કે બાપુ લખતા હોય ત્યારે તો તે બાજુ ફરકાય પણ નહિ !

ગાડામાંથી છેલ્લો કોલસાનો કોથળો ઊતર્યો એટલે બાપુ બોલ્યા, ‘દક્ષિણભાઈ, રકાબીમાં આ ભાઈ માટે થોડો ગોળ લઈ આવ અને બીજું તું હમણાં જે ચંપલ પહેરે છે તે ચંપલ મોટાં છે, આ ભાઈને થઈ રહેશે.’ અશ્વિનભાઈએ ધીરેથી મજૂર ન સાંભળે તેમ બાપુને કહ્યું, ‘બાપુ, તમારું એક પહેરણ હમણાં કાઢી નાખ્યું છે તે લઈ આવું ?’
‘હા, હા, એ તેં બહુ સારું યાદ કર્યું. મને તો ખ્યાલ જ ન હતો. સાથે સાથે ઠંડા પાણીનો લોટો પણ ભરતો આવજો.’

અમે 1924-25ની સાલમાં ભદ્રમાં રહેતા. આજુબાજુનાં બધાં પાડોશી જૂનાં કપડાં બરણીપ્યાલાવાળાને આપીને તેના બદલામાં નવું વાસણ મેળવે. બા પણ સહુ પડોશીને આ પ્રમાણે કરતાં જોઈને ફાટલાંતૂટલાં કપડાંનું પોટકું ધીરે ધીરે મોટું કરે અને સારાં એવાં કપડાં એકઠાં થાય એટલે એ આપીને બદલામાં એક નવી તપેલી મેળવે. બાને નવું તપેલું મળ્યાનો બહુ આનંદ મળે. બે,ત્રણ વરસ બાનો આ આનંદ ચાલ્યો હશે. પછી બાપુએ એક દિવસ બાને કહ્યું : ‘મી, આપણાં જૂનાં કપડાં જરૂરિયાતવાળાને આપી દેવાં. આપણે તો કપડાંને એવાં ઘસીને વાપરી કાઢીએ છીએ કે બરણીપ્યાલાવાળીને તપેલું આપવું કેમ પોસાતું હશે ? તમારે કામ કરનારી રાધાને, દૂધવાળી મંછીબાઈને અને વાળવાવાળી પાલીને આ બધાં કપડાં જેમ જેમ નીકળતાં જાય તેમ આપતાં રહેવાં.’ બાપુના સૂચનને બાએ પણ માથે ચડાવ્યું. નવું વાસણ મેળવવાનો આનંદ અત્યાર સુધી માણી લીધો. પણ એ ભૂલ ભરેલો આનંદ હવે ન જોઈએ, બાએ પણ દઢ નિર્ણય કર્યો. ત્યાર પછીથી અમારે આંગણે બરણીપ્યાલાવાળી આવીને બૂમ પાડી જાય. ક્યારેક પૂછે, ‘બેન, હમણાં કપડાં નથી આપતાં ?’ બા તે સમયે સ્મિત વેરીને કહે, ‘હવે કપડાં એકઠાં નથી થતાં.’

બાપુની નાહવાની રીત આજે પણ યાદ આવી જાય છે. ભાગ્યે જ દસ મિનિટથી વધુ સમય લેતા. સાબુનો ઉપયોગ અઠવાડિયે એકાદ વાર કરતા. માથાના વાળ ધોવા માટે પણ સાબુનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરે. ઘણી વાર બાને કહે : ‘મી ! માથાના વાળ ધોવા માટે અરીઠાનું પાણી કરવાનાં હો તો મારે માટે પણ થોડું રહેવા દેજો.’ બાપુને પાણીનો દુર્વ્યય ગમતો નહિ. એક વાર બાપુ મોટા ભાઈને લઈને સાબરમતી આશ્રમે ગયેલા. એ સમયે ગાંધીજી હાથ મોં ધોઈ રહ્યા હતા. બાપુએ ભાઈને કહ્યું, ‘દક્ષિણભાઈ, ગાંધીજી હાથમોં ધૂવે છે એમાં કેટલો સંયમ છે ! પાણીનો ખોટો બગાડ ન થાય એ માટે ગાંધીજી કેટલી ચોકસાઈ રાખે છે ! આ આપણી સૌરાષ્ટ્રની ધરતીનો ગુણ છે.’ એ વખતે પોતાની કુટિર પાસે ભરેલી આખી ડોલમાંથી જોઈતું પાણી વાપરીને ગાંધીજીએ વધેલા પાણીની ડોલને એક ઢાંકણથી ઢાંકી દીધેલી.

સાહિત્ય એ લોકસંસ્કાર માટેની પ્રવૃત્તિ છે એવું બાપુ માનતા. સાહિત્ય દ્વારા બાપુએ કરેલી લોકશિક્ષણની આરાધનાને બાપુની એક મોટી સેવા ગણી શકાય. એ દિશામાં બાપુએ લગભગ 80 પુસ્તકોનું પ્રદાન કર્યું છે. (નવલિકાઓ, નવલકથાઓ તથા બીજાં મોટાં પુસ્તકોનો આમાં સમાવેશ થતો નથી.) લોકસંસ્કાર દીપાવલિ 1939-40 ના અરસામાં શરૂ થયેલી. એ સમયે થોડાઘણા રાજકીય રંગે રંગાયેલા પ્રૌઢશિક્ષણનો જુવાળ શરૂ થયેલો. આજે પણ નવા સ્વરૂપે ચાલુ જ છે. પરિણામની ચર્ચા કરવી અહીં અસ્થાને છે. આ બાબતમાં પણ વાડાબંધીનાં દૂષણોએ પ્રવેશ કરેલો. પણ બાપુના તો સ્વભાવમાં રહેલું કે આ બધી બાબતોથી અલિપ્ત રહેવું. એ સમયે પ્રૌઢશિક્ષણની સમજ આપનારી પહેલી, બીજી અને ત્રીજી ચોપડીનું વિવેચન ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકના વિવેચનકારે નોંધ લેતાં આ પ્રમાણે લખ્યું છે :

‘કોઈ પણ જાતનો વાદ સ્થાપ્યા વગર રાષ્ટ્રનો ને વ્યક્તિનો, જીવનનો મેળ મેળવવા ‘ધૂમકેતુ’ મથે છે તે પુસ્તિકામાંથી સમજાય છે. એમાં સ્વચ્છ અને સશક્ત જીવનના નક્કર આદર્શો ઉપર ઝોક મુકાયો છે. પ્રૌઢશિક્ષણના મહાકાર્યને સહાય કરવા માટે સુપ્રસિદ્ધ સાહિત્યકાર ‘ધૂમકેતુ’ એ ‘આપણે સૌ ભણીએ’ નામની શ્રેણી પ્રસિદ્ધ કરવા માંડી છે તે જોઈને પ્રખર પંડિત અને કવિ મિલ્ટને નાનકડા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વ્યાકરણ તૈયાર કર્યું હતું એ યાદ આવે છે.’

બાપુની અંતર્ગત વાતો તો ઘણી બધી છે પણ લેખને પણ તેની મર્યાદા હોય છે એ વિચારવું પડે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેરીગાળો – આશા વીરેન્દ્ર
બે કાવ્યો – સંકલિત Next »   

11 પ્રતિભાવો : લોકશિક્ષણના આરાધક – ઉષા ગૌ. જોશી

 1. ખુબ સુંદર પરીચય લેખ… હવે તો “મારા પિતા” પુસ્તક વહેલી તકે વસાવવુ જ પડશે…

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Nice article…..!

  “Jumo Bhisti”….I learn it when I was in 11th Std.

 3. કેયુર says:

  ‘ધૂમકેતુ’ is my most favorite writer. પણ “મારા પિતા” પુસ્તક મારા ધ્યાન બહાર છે. મારે પણ આ પુસ્તક વસાવવુ પડશે.
  ખુબ સરસ લેખ.

 4. કલ્પેશ says:

  પ્રભુ, સહુને સરળતા અને સારા ગુણો આપે એવી પ્રાર્થના

 5. surekha gandhi says:

  ઊષાબહેનની વાત વાન્ચીને મને મારા બાપુજીનુ સ્મરણ થઈ આવ્યુ. તેઓ પણ અપરિગ્રહી હતા.તેઓ ખાદી પહેરતા. ૩ જોડી કપડાથી વધુ નો વૈભવ તેમને માન્ય નહોતો. ૧૯૬૫ ની ૨૮ માર્ચ ની રાતે તેમનુ અવસાન થયુ. ત્યારે તેમને પહેરાવવા અને ઓઢાડવા માટે ઘરમા કોરા ધોતિયા નહોતા. સવારે ખાદીભન્ડાર ખોલાવી ને ધોતિયા મન્ગાવ્યા.

 6. Keyur Patel says:

  ‘ધૂમકેતુ’ ને કોણ ન ઓળખે? શાળામા હતો ત્યાર થી તેઓ મારા મનગમતા વાર્તાકાર હતા. તેમના જીવનની થોડી અંતર્ગત વાતો વાંચી ને ઘણો આનંદ થયૉ.

 7. Ishwar says:

  હુ ધુમ્કેતુ ના લેખ અને વર્તાઓ વિશેી વધરે જન્વ મન્ગુ ચ્હુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.